તમે જીતી શકો છો!
હવે, તમારે હિંમત રાખી પગલાં ભરવાનો સમય આવી ગયો છે. (૧ કાળવૃત્તાંત ૨૮:૧૦) તમે સફળતાપૂર્વક ધૂમ્રપાન છોડી શકો, એ માટે કયાં પગલાં ભરવાની જરૂર છે?
છોડવાની તારીખ નક્કી કરો. યુ. એસ. ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ ઍન્ડ હ્યુમન સર્વિસીસ ભલામણ કરતા કહે છે, તમારી જિંદગીનો સિગારેટ પીધા વિનાનો પ્રથમ દિવસ ઓછામાં ઓછા બે અઠવાડિયાની અંદર હોવો જોઈએ. એમ કરશો તો ધૂમ્રપાન નહિ કરવાની તમારી પ્રેરણા ટકી રહેશે. જે દિવસે ધૂમ્રપાન છોડવા માંગતા હોવ એ તારીખ પર તમારા કૅલેન્ડરમાં નિશાની કરો. મિત્રોને એના વિષે જણાવો. ગમે તેવા સંજોગો પેદા થાય, પણ નક્કી કરેલા દિવસને વળગી રહો.
‘ધૂમ્રપાન નિષેધ’ કાર્ડ બનાવો. આ કાર્ડમાં નીચે પ્રમાણેની માહિતી લખી શકો. અથવા એવી કોઈ માહિતી લખો જેનાથી તમને ધૂમ્રપાન છોડવાનું વધારે ઉત્તેજન મળે:
• છોડવાના કારણો
• એવા લોકોના ફોન નંબર, જેઓને તમે તલપ લાગે ત્યારે કોલ કરી શકો
• તમને ઉત્તેજન મળે એવા વિચારો. કદાચ બાઇબલની કોઈ કલમ લખી શકો, જેમ કે ગલાતી ૫:૨૨, ૨૩
કાર્ડ દર વખતે તમારી સાથે લઈ જાઓ. એને દિવસ દરમિયાન નિયમિત રીતે જોતા રહો. લતથી છુટકારો મેળવ્યા પછી પણ જ્યારે તમને ફરી વાર એની તલપ જાગે ત્યારે કાર્ડમાં લખેલી માહિતી ફરીથી વાંચો.
તલપ જગાડતી બાબતોને ટાળો. જેમ-જેમ તમારી ધૂમ્રપાન છોડવાની તારીખ નજીક આવે તેમ-તેમ તલપ જગાડતી બાબતોને ટાળવાનું શરૂ કરો. દાખલા તરીકે, જો તમે સવારમાં ઊઠતાની સાથે જ બીડી-સિગારેટ પીતા હોવ, તો કલાક કે તેથી વધુ સમય માટે એવું કરવાનું ટાળો. તમને કદાચ ભોજન વખતે કે ભોજન પછી ધૂમ્રપાન કરવાની આદત હોય તો આવા નિત્યક્રમને તોડો. જ્યાં લોકો ધૂમ્રપાન કરતા હોય ત્યાં જવાનું ટાળો. એકાંતમાં સહેજ જોરથી બોલો: “ના, મેં ધૂમ્રપાન કરવાનું છોડી દીધું છે.” આમ કરશો તો તમે નક્કી કરેલી તારીખે ધૂમ્રપાન છોડવા તૈયાર હશો. બીજું, એ શબ્દો તમને યાદ અપાવશે કે નજીકમાં તમે ચોક્કસ એ વ્યસનથી મુક્ત થશો.
છોડવા તૈયાર થઈ જાવ. નક્કી કરેલી તારીખની નજીક આવો તેમ, ગાજર, ચ્યુઇંગ ગમ, સીંગ-ચણા અને બીજી ચાવવાની ચીજ ભેગી કરી રાખો. તમારા મિત્રો અને ઘરના સભ્યોને નક્કી કરેલી તારીખ વિષે અને જોઈતી મદદ વિષે જણાવો. નક્કી કરેલી તારીખના એકાદ દિવસ પહેલાં સિગારેટનું પૅકેટ, માચિસ કે લાઇટર અને એશ-ટ્રે ફેંકી દો. ખિસ્સામાં, કારમાં, કામમાં, ઘરમાં કે બીજે ક્યાંક રાખેલી બીડી કે સિગારેટ ફેંકી દો. નહિ તો, તમારી આસપાસ પડેલી સિગારેટ તમને સહેલાઈથી વ્યસન કરવા લલચાવશે. જો તમે આવાં પગલાં ભરશો તો મિત્ર પાસે જઈને માંગતા કે દુકાને જઈને સિગારેટનું પૅકેટ ખરીદતાં તમે બે વાર વિચારશો. મદદ માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરતા રહો. છેલ્લી સિગારેટ પીધી હોય એ બાદ પ્રાર્થનામાં વધુ મદદ માંગો.—લુક ૧૧:૧૩.
અત્યાર સુધીમાં અસંખ્ય લોકોએ ખરાબ મિત્ર જેવી સિગારેટની સંગત છોડી છે. તમે એમ કરી શકો છો. સારી તંદુરસ્તી અને આઝાદીનો અનુભવ તમારી રાહ જોઈને બેઠા છે. (g10-E 05)
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમારું કાર્ડ હંમેશાં સાથે રાખો. દિવસ દરમિયાન નિયમિત રીતે એને જોતા રહો