બાઇબલમાંથી આપણે શું શીખી શકીએ?
“આકાશ અને પૃથ્વીનું સર્જન થયું એ સમયનો” બાઇબલ અહેવાલ આપે છે. (ઉત્પત્તિ ૨:૪) એમાં જણાવ્યું છે કે પૃથ્વીને કઈ રીતે બનાવવામાં આવી. બાઇબલમાં જે લખ્યું છે અને વૈજ્ઞાનિકોએ જે શોધ કરી છે, શું એ એકબીજાના સુમેળમાં છે? ચાલો અમુક દાખલા જોઈએ.
શું બ્રહ્માંડ પહેલેથી જ હતું?
ઉત્પત્તિ ૧:૧માં જણાવ્યું છે: “શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.”
આશરે સાલ ૧૯૫૦ પહેલાં જાણીતા વૈજ્ઞાનિકો માનતા હતા કે બ્રહ્માંડ પહેલેથી જ હતું. પણ હાલમાં વૈજ્ઞાનિકોએ જે શોધ કરી છે, એનાથી ખબર પડે છે કે ક્યારેક તો બ્રહ્માંડની શરૂઆત થઈ હતી.
શરૂઆતમાં પૃથ્વી કેવી હતી?
ઉત્પત્તિ ૧:૨, ૯માં લખ્યું છે કે પૃથ્વી બનાવવામાં આવી “એ સમયે પૃથ્વી ખાલી અને ઉજ્જડ હતી.” તેમ જ ચારે બાજુ પાણી જ પાણી હતું.
આજે ઘણા વૈજ્ઞાનિકો બાઇબલની એ વાત સાથે સહમત થાય છે. જીવ વૈજ્ઞાનિક પૈટ્રિક શીહ કહે છે, ‘પૃથ્વી પર શરૂઆતમાં શ્વાસ લેવા માટે ઑક્સિજન ન હતો. ઝાડપાન અને જીવજંતુઓ પણ ન હતા.’ એસ્ટ્રોનોમી મૅગેઝિનમાં લખ્યું હતું કે ‘નવી નવી શોધથી ખબર પડે છે કે શરૂઆતમાં પૃથ્વી પર પાણી જ પાણી હતું. કદાચ કોઈક જગ્યાએ કોરી જમીન હતી.’
સમય જતાં વાતાવરણમાં કયા ફેરફાર થયા?
ઉત્પત્તિ ૧:૩-૫ વાંચવાથી ખબર પડે છે કે શરૂઆતમાં પૃથ્વી વાદળોથી ઘેરાયેલી હતી. એના પર બહુ ઓછો પ્રકાશ પડતો હતો. એના લીધે બધું જ ધૂંધળું દેખાતું હતું. ઘણા સમય પછી પૃથ્વી પરથી સૂરજ અને ચંદ્ર દેખાવા લાગ્યા.—ઉત્પત્તિ ૧:૧૪-૧૮.
બાઇબલમાં લખ્યું છે કે પૃથ્વી પર જીવસૃષ્ટિને ૬ દિવસમાં બનાવવામાં આવ્યા, પણ એ નથી લખ્યું કે એ એક દિવસ ૨૪ કલાકનો હતો
સ્મિથસોનિયન એન્વાયર્મેન્ટલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં પૃથ્વી પરનું વાતાવરણ એવું હતું કે એની પર બહુ ઓછો પ્રકાશ પડતો હતો. ‘વાતાવરણમાં મિથેન ગેસ એટલો વધારે હતો કે પૃથ્વી પર ધુમ્મસ જ ધુમ્મસ હતું. પછી ધુમ્મસ ઓછું થતું ગયું અને આકાશ ભૂરું દેખાવા લાગ્યું.’
જીવનની શરૂઆત કયા ક્રમમાં થઈ?
ઉત્પત્તિ ૧:૨૦-૨૭માં લખ્યું છે કે સૌથી પહેલા માછલીઓ બનાવવામાં આવી. એ પછી પક્ષીઓ, પછી જમીન પર રહેનારા પ્રાણીઓ અને છેલ્લે માણસને બનાવ્યો. વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે પહેલા માછલીઓ આવી, એના વર્ષો પછી સસ્તન પ્રાણીઓ આવ્યા અને એના ઘણા સમય પછી માણસો આવ્યા.
બાઇબલમાં એવું જણાવ્યું નથી કે સમય જતાં પ્રાણીઓમાં બિલકુલ ફેરફાર થઈ શકે નહિ
બાઇબલમાં શેના વિશે માહિતી નથી?
અમુક લોકો કહે છે કે બાઇબલમાં જે લખ્યું છે, એ વૈજ્ઞાનિકોએ કરેલી શોધના સુમેળમાં નથી. લોકો એવું કહેતા હોય છે કેમ કે તેઓ બાઇબલમાં લખેલી વાતોને બરાબર સમજ્યા હોતા નથી.
બાઇબલમાં એ નથી લખ્યું કે બ્રહ્માંડ કે પૃથ્વી ફક્ત ૬,૦૦૦ વર્ષથી જ છે.
બાઇબલમાં લખ્યું છે કે “શરૂઆતમાં” ઈશ્વરે બ્રહ્માંડ અને પૃથ્વી બનાવી. પણ એ સ્પષ્ટ નથી લખ્યું કે એને ક્યારે બનાવવામાં આવી.—ઉત્પત્તિ ૧:૧.
બાઇબલમાં લખ્યું છે કે પૃથ્વી પર જીવસૃષ્ટિને ૬ દિવસમાં બનાવવામાં આવી, પણ એવું નથી લખ્યું કે એ એક દિવસ ૨૪ કલાકનો હતો.
બાઇબલમાં “દિવસ” શબ્દ લાંબા સમયગાળાને બતાવે છે. એ લાંબા સમયગાળાને સમજવા ઉત્પત્તિનો પહેલો અધ્યાય જોઈએ. એમાં લખ્યું છે કે ઈશ્વરે ૬ દિવસમાં પૃથ્વી અને એમાં રહેનારા બધા જીવો બનાવ્યા. એ ૬ દિવસને બાઇબલમાં એક દિવસ પણ કહેવામાં આવે છે. “એ દિવસે યહોવાa ઈશ્વરે પૃથ્વી અને આકાશ બનાવ્યાં હતાં.” (ઉત્પત્તિ ૨:૪) એનો અર્થ એ થાય કે ૬ દિવસમાં ઈશ્વરે પૃથ્વીને જીવસૃષ્ટિ માટે તૈયાર કરી અને પ્રાણી, પક્ષી, માણસો બનાવ્યા. એ સમયગાળો ૨૪ કલાકનો નહિ, પણ લાંબા સમયગાળાને બતાવે છે.
બાઇબલમાં એવું જણાવ્યું નથી કે સમય જતાં પ્રાણીઓમાં બિલકુલ ફેરફાર થઈ શકે નહિ.
ઉત્પત્તિના પુસ્તકમાં જણાવ્યું છે કે ‘બધી જાતનાં પ્રાણીઓને’ બનાવ્યા. એનો અર્થ કે પોતપોતાની જાત પ્રમાણે પ્રાણીઓ બનાવ્યા. (ઉત્પત્તિ ૧:૨૪, ૨૫) બાઇબલમાં ‘જાત’ શબ્દ વાપરવામાં આવે ત્યારે, એનો અર્થ એક જ પ્રકારના પ્રાણીઓ થતો નથી. પણ એમાં ઘણા પ્રકારના કે પ્રજાતિનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. ‘જાત’ શબ્દનો અર્થ એ પણ થાય છે કે એક વિસ્તારમાં રહેતા અલગ અલગ પ્રકારનાં અથવા પ્રજાતિનાં પ્રાણીઓમાં સમય જતાં ફેરફાર આવી શકે.
તમને શું લાગે છે?
આપણે જોયું તેમ બાઇબલ સાદી ભાષામાં આના વિશે સ્પષ્ટ માહિતી આપે છે. બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે થઈ, શરૂઆતમાં પૃથ્વી કેવી હતી અને જીવનની શરૂઆત કયા ક્રમમાં થઈ. જેમણે એ બધું બનાવ્યું છે, તેમના વિશે બાઇબલમાં જે લખ્યું છે, શું એ સાચું નહિ હોય? તમને શું લાગે છે? એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા નામના જાણીતા પુસ્તકમાં જણાવ્યું હતું કે “વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું છે એના પરથી ખબર પડે છે કે કોઈક શક્તિ છે, જેના લીધે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી.”b
a પવિત્ર બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.
b એનસાયક્લોપીડીયા બ્રિટાનીકા એવું નથી જણાવતું કે ઈશ્વરે બધાની રચના કરી છે.