વધારે માહિતી
ન્યાયનો દિવસ શું છે?
આપણને ખબર છે કે એક દિવસ ઈશ્વર બધાનો ન્યાય કરશે. ઘણાને લાગશે કે ‘એ દિવસે ઈશ્વર સિંહાસન પર બેઠા હશે. અબજો લોકોને એક પછી એક તેમની સામે લાવવામાં આવશે. પછી ઈશ્વર તેમનો ન્યાય કરશે. તેઓનાં કર્મો પ્રમાણે, અમુકને સ્વર્ગમાં મોકલશે, તો અમુકને નર્કમાં.’ પણ બાઇબલ એમ નથી શીખવતું. બાઇબલ જણાવે છે કે આપણે ન્યાયના દિવસથી ગભરાવાની કોઈ જરૂર નથી. એ નિરાશા નહિ, પણ આશાનો દિવસ હશે. ત્યારે દુનિયાના બધા જ દુઃખ-તકલીફો અને એની અસર દૂર કરવામાં આવશે.
ઈશ્વરભક્ત યોહાને સંદર્શન (પ્રકટીકરણ) ૨૦:૧૧, ૧૨માં ન્યાયના દિવસ કે ન્યાયકાળ વિશે આમ કહ્યું: “પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ. પછી મેં મરણ પામેલાં નાનાંમોટાં સૌને રાજ્યાસન સામે ઊભેલાં જોયાં. પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકોમાં લખ્યા મુજબ દરેકનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.” અહીં સિંહાસન પરથી ન્યાય કરનાર કોણ છે?
ઈશ્વર યહોવા વિશ્વના ન્યાયાધીશ છે. પરંતુ તેમણે બધાનો ન્યાય કરવાનું કામ બીજા કોઈને સોંપ્યું છે. પ્રેષિતોનાં કાર્યો ૧૭:૩૧માં પાઉલે કહ્યું: “[ઈશ્વરે] પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે.” ઈશ્વરના પસંદ કરેલા ન્યાયાધીશ ઈસુ ખ્રિસ્ત છે. (યોહાન ૫:૨૨) પણ આ ન્યાયનો દિવસ ક્યારે શરૂ થશે? એ કેટલો લાંબો હશે?
બાઇબલ જણાવે છે કે આર્માગેદનની લડાઈમાં શેતાનની દુનિયાનો સર્વનાશ થશે. ત્યાર પછી ન્યાયનો દિવસ શરૂ થશે.a (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૯–૨૦:૩) આર્માગેદન પછી, શેતાન અને તેના જેવા ખરાબ દૂતોને એક હજાર વર્ષ સુધી કેદ કરવામાં આવશે. ૧,૪૪,૦૦૦ ઈશ્વરભક્તો મનુષ્યોનો ન્યાય કરશે અને ‘ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ’ કરશે. (પ્રકટીકરણ ૧૪:૧-૩; ૨૦:૧-૪; રોમન ૮:૧૭) એટલે આ ન્યાયનો દિવસ ફક્ત ૨૪ કલાકનો નથી, જેમાં ફટાફટ બધાનો ન્યાય થઈ જાય. પણ એ તો હજાર વર્ષનો સમય છે.
એ હજાર વર્ષમાં ઈસુ ‘જીવતા અને મૂએલાનો ન્યાય કરશે.’ (૨ તિમોથી ૪:૧) ‘જીવતાઓમાં’ એવા લોકોની એક ‘મોટી સભા’ હશે, જેઓ આર્માગેદનમાંથી બચી જશે. (પ્રકટીકરણ ૭:૯-૧૭) ઈશ્વરભક્ત યોહાને સંદર્શનમાં ‘મરણ પામેલાને પણ રાજ્યાસન સામે ઊભેલા જોયા’ હતા. ઈસુએ વચન આપ્યું હતું તેમ, જેઓ મોતની ઊંઘમાં છે તેઓ પણ જીવતા થશે. (યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) પણ તેઓનો ન્યાય શાના ઉપરથી કરવામાં આવશે?
યોહાનને થયેલા દર્શન મુજબ, ‘પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં.’ “પુસ્તકોમાં લખ્યાં મુજબ તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.” આ પુસ્તકોમાં શું લોકોના મરણ પહેલાંનાં કામોની નોંધ રાખવામાં આવી હતી? ના. લોકોનો ન્યાય એના પરથી કરવામાં નહિ આવે. આપણે શાને આધારે આમ કહી શકીએ? બાઇબલ જણાવે છે: “જ્યારે કોઈ વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તે પાપની સત્તામાંથી મુક્ત થાય છે.” (રોમન ૬:૭) વ્યક્તિ ગુજરી જાય ત્યારે, તેનાં બધાં જ પાપ માફ થયાં હશે. તે સજીવન થાય ત્યારે નવેસરથી જીવન શરૂ કરશે. આનો અર્થ એ થયો કે એ પુસ્તક યહોવાના બીજા નિયમોનું પુસ્તક હશે. ભલે કોઈ આર્માગેદનમાંથી બચી જાય કે સજીવન થાય, તેઓએ બધાએ એ પુસ્તકમાં આપેલી યહોવાની આજ્ઞાઓ પાળવી પડશે. કદાચ યહોવા એ હજાર વર્ષમાં બીજી આજ્ઞાઓ પણ આપે, તો એ પણ દરેકે પાળવી પડશે. એટલે હજાર વર્ષના ન્યાયના દિવસ દરમિયાન, લોકો જે કંઈ કરશે એને આધારે તેઓનો ન્યાય થશે. તેઓ યહોવાને માર્ગે ચાલશે તો જ ધરતી પર કાયમ જીવવાનું વરદાન મળશે.
ન્યાયના દિવસે અબજો લોકોને પહેલી વાર યહોવા ઈશ્વર વિશે શીખવાનો મોકો મળશે. તેઓ યહોવાની ભક્તિ કરતા શીખશે. આનો અર્થ એ થાય કે આખી દુનિયામાં લોકોને યહોવાનું શિક્ષણ આપવામાં આવશે. ‘ત્યારે જગતના રહેવાસીઓ ધાર્મિકપણું શીખશે.’ (યશાયા ૨૬:૯) તોપણ, દરેક વ્યક્તિ યહોવાના માર્ગે ચાલશે નહિ. યશાયા ૨૬:૧૦ કહે છે: ‘દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, તોપણ તે ધાર્મિકપણું નહિ શીખે; પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરશે, ને યહોવાનો પ્રતાપ જોશે નહિ.’ ન્યાયના દિવસમાં, એવા દુષ્ટ લોકોનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.—યશાયા ૬૫:૨૦.
ન્યાયનો દિવસ પૂરો થશે ત્યારે સર્વ લોકો, યહોવાએ શરૂઆતમાં આદમને જેવો બનાવ્યો હતો, એવા જ બનશે. (૧ કરિંથી ૧૫:૨૪-૨૮) એટલે યહોવા સાથે તેઓનો પાકો નાતો બંધાયો હશે. તેઓમાં યહોવાના નિયમો પૂરી રીતે પાળવાની ક્ષમતા હશે. ત્યારે તેઓ ખરા અર્થમાં ‘જીવતાં થશે.’ (પ્રકટીકરણ ૨૦:૫) પછી એક છેલ્લી કસોટી થશે. શેતાનને થોડો સમય કેદમાંથી છૂટો કરવામાં આવશે, જેથી છેલ્લી વાર તે મનુષ્યોને પોતાની જાળમાં ફસાવી શકે. (પ્રકટીકરણ ૨૦:૩, ૭-૧૦) જેઓ તેની ચાલાકીમાં જરાય નહિ ફસાય, તેઓ આ આશીર્વાદ પામશે: ‘ન્યાયીઓ સદાકાળ ધરતી પર રહેશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) ન્યાયનો દિવસ યહોવાના સર્વ ભક્તો માટે કેવા મોટા આશીર્વાદનો દિવસ હશે!
a આર્માગેદન વિશે વધારે જાણવા, યહોવાના સાક્ષીઓનું આ સાહિત્ય જુઓ: ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સનો પહેલો ગ્રંથ, પાન ૫૯૪-૫૯૫, ૧૦૩૭-૩૮. વર્શીપ ધી ઓન્લી ટ્રુ ગોડ પુસ્તકનું વીસમું પ્રકરણ અને જાગતા રહો! પુસ્તિકાના પાન ૧૨-૧૯.