પ્રકરણ દસ
લગ્ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ
“ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.”—સભાશિક્ષક ૪:૧૨.
૧, ૨. (ક) અમુક લગ્નો થતાં જોઈને કોઈ વાર મનમાં કેવા સવાલો થઈ શકે? શા માટે? (ખ) આ પ્રકરણમાં કયા સવાલોની ચર્ચા કરીશું?
શું તમને લગ્નમાં જવાનું ગમે છે? ઘણાને ગમે છે. લગ્નનો અવસર ખુશીનો અવસર હોય છે. વર-કન્યા કેટલાં સુંદર દેખાતા હોય છે! તેઓના મોં પર અનેરો આનંદ છવાયેલો હોય છે. આ દિવસ તેઓની જિંદગીનો સૌથી ખુશીનો દિવસ હોય છે. તેઓનું ભાવિ જાણે સોનેરી આશાઓથી ચમકી રહ્યું છે.
૨ જોકે, એ તો કબૂલ કરવું પડે કે આજે લગ્ન વિષે લોકોના વિચારો ઘણા બદલાઈ ગયા છે. તેઓની નજરે લગ્નબંધન, અતૂટ બંધન રહ્યું નથી. આપણે જેઓના લગ્નમાં જઈએ તેઓનું લગ્નજીવન સુખી થાય એવી આશા રાખીએ છીએ. તોપણ, અમુક લગ્નો જોઈને સવાલ થાય કે શું આ લગ્ન સુખી થશે? શું એ ટકશે? એનો જવાબ પતિ અને પત્ની પર રહેલો છે. જો તેઓ લગ્ન વિષે ઈશ્વરે આપેલી સલાહ પર ભરોસો મૂકશે અને એ પ્રમાણે ચાલશે, તો જરૂર સુખી થશે. (નીતિવચનો ૩:૫, ૬) તેઓએ ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવું હોય તો એમ કરવું જરૂરી છે. ચાલો આપણે આ ચાર સવાલોના જવાબ બાઇબલમાંથી જોઈએ: લગ્ન કરવાનું કારણ શું છે? લગ્ન કરવાના હો તો, જીવનસાથી તરીકે કોને પસંદ કરશો? લગ્ન માટે તમે પોતાને કઈ રીતે તૈયાર કરી શકો? સુખી લગ્નજીવન ટકાવી રાખવા પતિ-પત્નીને ક્યાંથી મદદ મળી શકે?
લગ્ન કરવાનું કારણ શું છે?
૩. નજીવાં કારણોને લીધે લગ્ન કરી લેવામાં કેમ શાણપણ નથી?
૩ અમુક લોકો એમ માને છે કે ‘લગ્ન વિનાનું જીવન અધૂરું છે. જો તમે ન પરણો તો જિંદગીમાં મજા જ શું? જીવનસાથી વિનાની જિંદગી સૂની.’ પણ આવું માનવું જરાય સાચું નથી. ઈસુ પોતે આખી જિંદગી કુંવારા રહ્યા હતા. તેમણે કહ્યું કે કુંવારા રહેવું તો એક ભેટ છે. તેમણે બીજાઓને પણ ઉત્તેજન આપ્યું કે શક્ય હોય તો કુંવારા રહે. (માથ્થી ૧૯:૧૦-૧૨) પ્રેરિત પાઉલે પણ કુંવારા રહેવાના લાભ વિષે જણાવ્યું હતું. (૧ કરિંથી ૭:૩૨-૩૫) પરંતુ, ઈસુએ કે પાઉલે એવો નિયમ બનાવ્યો ન હતો કે બીજા લોકોએ પણ કુંવારા રહેવું જોઈએ. બાઇબલ જણાવે છે કે ‘પરણવાની મના કરતો’ ઉપદેશ તો અશુદ્ધ કે દુષ્ટ દૂતોનો ઉપદેશ છે. (૧ તિમોથી ૪:૧-૩) જોકે, જેઓ યહોવાની ભક્તિમાં જ પૂરું ધ્યાન આપવા માંગતા હોય, તેઓ માટે કુંવારા રહેવાના ઘણા ફાયદા છે. એટલે મિત્રો કે સગાંના દબાણમાં આવીને લગ્ન કરી લેવા જરૂરી નથી. આવાં નજીવાં કારણોને લીધે લગ્ન કરી લેવામાં શાણપણ નથી.
૪. બાળકોનાં સારા ઉછેર માટે સુખી લગ્નજીવન કેમ જરૂરી છે?
૪ હવે સવાલ એ થાય કે લગ્ન કરવાનાં કોઈ યોગ્ય કારણો છે? હા છે. લગ્નની ગોઠવણ પણ આપણા પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ છે. (ઉત્પત્તિ ૨:૧૮) એટલે લગ્ન કરવાના પણ કેટલાક લાભ છે. એ ઘણા આશીર્વાદો લાવી શકે છે. દાખલા તરીકે, સુખી લગ્નજીવનના પાયા પર કુટુંબ ખીલી ઊઠે છે. બાળકોના સારા ઉછેર માટે સુખી માહોલ બહુ જરૂરી છે. આવા માહોલમાં માબાપ તેઓને વહાલ કરે છે, શિસ્ત આપે છે અને સારા સંસ્કાર રેડે છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩; એફેસી ૬:૧-૪) પણ બાળકોને ઉછેરવાં એ જ લગ્ન કરવાનું કારણ નથી.
૫, ૬. (ક) સભાશિક્ષક ૪:૯-૧૨ પ્રમાણે ગાઢ મિત્રતાના કયા લાભ છે? (ખ) લગ્નબંધન કેવી રીતે ત્રેવડી વણેલી દોરી જેવું બની શકે છે?
૫ આ પ્રકરણનું મુખ્ય શાસ્ત્રવચન અને એની આગળ-પાછળની કલમોનો વિચાર કરો. એ કહે છે, “એક કરતાં બે ભલા; કેમ કે તેમની મહેનતનું ફળ તેમને સારૂં મળે છે. જો તેઓ પડી જાય, તો તેમાંનો એક પોતાના સાથીને ઉઠાડશે; પણ જે પડતી વેળાએ એકલો હોય, અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેને અફસોસ છે! વળી જો બે સાથે સૂએ તો તેમને હુંફ વળે છે; પણ એકલાને કેવી રીતે હુંફ વળે? એકલા માણસને હરકોઈ હરાવે, પણ બે તેની સામે થઈ શકે; ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી.”—સભાશિક્ષક ૪:૯-૧૨.
૬ આ કલમો ખાસ તો ખરી મિત્રતા વિષે વાત કરે છે. લગ્નમાં પતિ-પત્ની ગાઢ મિત્રો બનતા હોવાથી, તેઓને પણ આ લાગુ પડે છે. આ કલમોમાં જોયું તેમ ગાઢ મિત્રો તરીકે પતિ-પત્ની એકબીજાને સહારો, દિલાસો અને રક્ષણ આપી શકે છે. તેઓનું બંધન બેવડી વણેલી દોરી જેવું હોય છે. આ કલમોમાં જોવા મળે છે તેમ બેવડી વણેલી દોરી તોડી શકાય છે. પણ એમાં ત્રીજી દોરી ગૂંથવામાં આવે તો, એ ત્રેવડી વણેલી દોરી જલદી તૂટતી નથી. પતિ-પત્ની યહોવાને દિલથી ભજે છે ત્યારે, તેઓનું લગ્નબંધન ત્રેવડી વણેલી દોરી જેવું બને છે. પતિ-પત્ની બંનેને યહોવા માટે ઊંડો ભક્તિભાવ હોય છે ત્યારે તેઓનું લગ્નબંધન અતૂટ બને છે.
૭, ૮. (ક) જે કુંવારા લોકોને જાતીય ઇચ્છા કાબૂમાં રાખવી મુશ્કેલ લાગે છે, તેઓને પાઉલે કેવી સલાહ આપી? (ખ) લગ્નજીવનની હકીકત વિષે બાઇબલ શું જણાવે છે?
૭ એટલું જ નહિ, લગ્ન એવું બંધન છે જેમાં પતિ-પત્ની યોગ્ય રીતે પોતાની જાતીય ઇચ્છાનો આનંદ માણી શકે છે. બાઇબલ પ્રમાણે લગ્નજીવનમાં જ જાતીય સંબંધથી ખરો આનંદ મળે છે. (નીતિવચનો ૫:૧૮) યુવાનીની કાચી ઉંમરે વ્યક્તિમાં કામેચ્છા જાગવા લાગે છે અને પ્રબળ બને છે. ‘પુખ્ત ઉંમરે’ પણ તેમને જાતીય ઇચ્છા કાબૂમાં રાખવી મુશ્કેલ લાગી શકે. જો તે આ ઇચ્છાને અંકુશમાં ન રાખે, તો કદાચ અશુદ્ધ કે ખોટાં કામો કરી બેસશે. એટલે પાઉલે ઈશ્વરની પ્રેરણાથી કુંવારા લોકોને આ સલાહ આપી: “જો તેઓ પોતે સંયમ ન રાખી શકે, તો ભલે તેઓ પરણે; કેમ કે વાસનાથી બળવા કરતાં પરણવું સારું છે.”—૧ કરિંથી ૭:૯, ૩૬; યાકૂબ ૧:૧૫.
૮ ભલે વ્યક્તિ ગમે એ કારણથી પરણે, પણ તેણે લગ્નજીવનની એક હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ. પાઉલે કહ્યું હતું કે જેઓ પરણે છે, તેઓએ ઘણાં દુઃખો સહેવાં પડશે. (૧ કરિંથી ૭:૨૮) લગ્ન કરનારે એવી દુઃખ-તકલીફોનો સામનો કરવો પડે છે, જેનો કુંવારા લોકોએ સામનો નથી કરવો પડતો. તેમ છતાં, તમે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હોય તો, કેવી રીતે મુસીબતો ઓછી કરીને ખુશી વધારી શકો? યોગ્ય જીવનસાથી પસંદ કરીને.
જીવનસાથી તરીકે કોને પસંદ કરશો?
૯, ૧૦. (ક) પાઉલે કેવી રીતે સમજાવ્યું કે અવિશ્વાસી સાથે પરણવામાં જોખમ છે? (ખ) ‘ફક્ત પ્રભુમાં’ લગ્ન કરવાની આજ્ઞા ન પાળીએ તો શું થઈ શકે?
૯ જીવનસાથી પસંદ કરતી વખતે, પાઉલે જણાવેલો આ સિદ્ધાંત લાગુ પાડવો જોઈએ: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો.” (૨ કરિંથી ૬:૧૪) આ સિદ્ધાંત સમજવા આનો વિચાર કરો: જો કદમાં કે બળમાં અસમાન હોય એવાં બે પ્રાણીઓને હળ સાથે જોડવામાં આવે, તો શું થશે? એ બંનેને મુશ્કેલી પડશે. એવી જ રીતે, લગ્નમાં એક સાથી અવિશ્વાસી હોય, એટલે કે યહોવાને ભજતા ન હોય અને બીજા સાથી ભજતા હોય તો, ચોક્કસ તેઓ વચ્ચે તણખાં ઝરશે. એક સાથી યહોવાને દિલથી ભજવા માગે અને બીજાને એની કંઈ પડી ન હોય તો શું થશે? એકના જીવનમાં જે મહત્ત્વનું છે એ બીજા માટે નહિ હોય. એના લીધે બંને જણને તકલીફ પડશે. એટલે જ પાઉલે ખ્રિસ્તીઓને ‘ફક્ત પ્રભુમાં’ લગ્ન કરવા અરજ કરી.—૧ કરિંથી ૭:૩૯.
૧૦ કેટલાક કિસ્સામાં, કુંવારા ભાઈ-બહેનો એવા નિર્ણય પર આવ્યા છે કે એકલતા સહેવા કરતાં, યહોવાને ભજતી નથી એવી વ્યક્તિ સાથે પરણી જવું સારું. અમુક જણે બાઇબલની સલાહ માનવાને બદલે એવી વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે. એનાથી મોટે ભાગે તેઓ વધારે દુઃખી થયા છે. તેઓ પોતાના જીવનની સૌથી અગત્યની બાબતો વિષે લગ્નસાથી સાથે વાત પણ કરી શકતા નથી. એનાથી એકલાપણાની એવી લાગણી જન્મે છે, જે લગ્ન પહેલાંની એકલતા કરતાં વધારે પ્રબળ હોય છે. આનંદની વાત છે કે આજે એવા હજારો કુંવારા ભાઈ-બહેનો છે, જેઓને લગ્ન માટેની ઈશ્વરની સલાહમાં પૂરો ભરોસો છે. તેઓ ખુશીથી એ સલાહને વળગી રહ્યા છે. (ગીતશાસ્ત્ર ૩૨:૮) તેઓ એવી આશાથી કુંવારા રહે છે કે એકને એક દિવસ પોતાને યહોવાની ભક્તિ કરતું કોઈ સાથી મળશે.
૧૧. સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરવા તમને શું મદદ કરી શકે? (“મારે કેવો જીવનસાથી જોઈએ છે” બૉક્સ જુઓ.)
૧૧ એ પણ સાચું છે કે યહોવાની ભક્તિ કરનાર દરેક કંઈ આપોઆપ યોગ્ય જીવનસાથી બની જતા નથી. જો તમે લગ્ન કરવા માંગતા હો તો એવા સાથીને પસંદ કરો, જે તમારી જેમ ઈશ્વરને પ્રેમ કરતા હોય; જેમનો સ્વભાવ તમારી સાથે મેળ ખાતો હોય; અને ઈશ્વરની સેવામાં તમારા જેવા ધ્યેયો હોય. વિશ્વાસુ ચાકરે આ વિષય પર ઘણી માહિતી પૂરી પાડી છે. એમાં આપેલી બાઇબલની સલાહને ધ્યાન આપો. પ્રાર્થનામાં ઈશ્વરની મદદ માંગો. એમ કરશો તો તમે જીવનનો આ મહત્ત્વનો નિર્ણય સમજી-વિચારીને લઈ શકશો.a—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫.
૧૨. ઘણા દેશોમાં જીવનસાથી પસંદ કરવા માટે કેવો રિવાજ છે અને એ વિષે બાઇબલનો કયો દાખલો મદદ કરે છે?
૧૨ ઘણા દેશોમાં માબાપ પોતાના દીકરા કે દીકરી માટે જીવનસાથી પસંદ કરે એવો રિવાજ હોય છે. મોટા ભાગના લોકો માને છે કે યોગ્ય પાત્ર પસંદ કરવાની આવડત અને બુદ્ધિ સંતાનો કરતાં તેમનાં માબાપમાં વધારે હોય છે. ઘરના વડીલો દ્વારા ગોઠવવામાં આવેલાં લગ્નો મોટા ભાગે સફળ નીવડે છે. બાઇબલ જમાનામાં પણ એવાં લગ્નો સફળ થતાં હતાં. દાખલા તરીકે, ઇબ્રાહિમે પોતાના દીકરા ઇસહાક માટે પત્ની શોધવા ચાકરને જરૂરી માર્ગદર્શન આપીને મોકલ્યો હતો. આજે પોતાનાં સંતાનો માટે જીવનસાથી શોધતાં માબાપને એ દાખલામાંથી ઘણી મદદ મળી શકે છે. ઇબ્રાહિમ માટે ઊંચું ખાનદાન કે ધનવાન કુટુંબ મહત્ત્વનું ન હતું. તેમને તો યહોવાની દિલથી સેવા કરતી વહુ જોઈતી હતી. એવી વહુ શોધવામાં તેમણે કોઈ કસર છોડી નહિ.b—ઉત્પત્તિ ૨૪:૩, ૬૭.
લગ્ન સફળ બનાવવા કેવી તૈયારી કરશો?
૧૩-૧૫. (ક) લગ્નનો વિચાર કરતા યુવકને નીતિવચનો ૨૪:૨૭નો સિદ્ધાંત કેવી રીતે મદદ કરી શકે? (ખ) એક યુવતી લગ્ન માટે પોતાને તૈયાર કરવા શું કરી શકે?
૧૩ જો તમે લગ્ન માટે સાચે જ વિચારી રહ્યા હો, તો પોતાને પૂછો: ‘શું હું ખરેખર લગ્ન માટે તૈયાર છું?’ તમને કદાચ થશે કે ‘હા, હું તૈયાર છું.’ તમે કોઈનો પ્રેમ કે સાથ ઝંખતા હશો. જાતીય સંબંધ માણવાનું કે બાળકો ઉછેરવાનું મન થતું હશે. પરંતુ, ફક્ત આવી લાગણીને આધારે તમે કહી ન શકો કે ‘હું લગ્ન માટે તૈયાર છું.’ તમારે પહેલા એ જોવું જોઈએ કે લગ્ન પછી આવતી જવાબદારી ઉપાડવા તમે પોતાને તૈયાર કર્યા છે કે નહિ.
૧૪ લગ્ન કરવા માગતા યુવકે આ સિદ્ધાંત પર વિચાર કરવો જોઈએ: “તારું બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતરનું કામ તૈયાર કર; અને ત્યાર પછી તારૂં ઘર બાંધ.” (નીતિવચનો ૨૪:૨૭) આ કલમ શાના પર ભાર મૂકે છે? જૂના જમાનામાં કોઈ પુરુષ ‘પોતાનું ઘર બાંધવા’ એટલે કે લગ્ન કરવા માગતો હોય તો, તેણે આવો વિચાર કરવાનો હતો: ‘શું હું મારી પત્નીની બધી રીતે સંભાળ રાખી શકીશ? જો બાળકો થાય તો તેઓની જવાબદારી ઉપાડી શકીશ?’ આ બધા માટે તેણે પહેલા તો સખત મહેનત કરીને, પોતાના ખેતર કે પાકની સંભાળ રાખવાની હતી. આ સિદ્ધાંત આજે પણ લાગુ પડે છે. લગ્ન કરવા ચાહતા પુરુષે, પહેલા તો જવાબદારીઓ ઉપાડવા માટે પોતાને તૈયાર કરવો જોઈએ. જ્યાં સુધી તેના હાથપગ ચાલતા હોય, તેણે કામ કરવું જોઈએ. બાઇબલ કહે છે કે જે પુરુષ પોતાના કુટુંબની સંભાળ ન રાખે, પ્રેમ અને હૂંફ ન આપે અને યહોવાની ભક્તિમાં મદદ ન કરે, તે તો અવિશ્વાસી કરતાં પણ ખરાબ છે.—૧ તિમોથી ૫:૮.
૧૫ લગ્ન કરવા માગતી યુવતીએ પણ ભારે જવાબદારીઓ ઉપાડવા માટે પોતાને તૈયાર કરવી જોઈએ. પતિને મદદ કરવા અને ઘર ચલાવવા પત્નીએ અમુક ગુણો અને આવડતો કેળવવા પડશે. બાઇબલ એવી કુશળ પત્નીની પ્રશંસા કરે છે. (નીતિવચનો ૩૧:૧૦-૩૧) અમુક સ્ત્રી-પુરુષો લગ્ન પછીની જવાબદારીઓ ઉપાડવા પોતાને તૈયાર કર્યા વગર, ઉતાવળે લગ્ન કરી લે છે. તેઓ ખરેખર પોતાનો જ સ્વાર્થ જુએ છે. તેઓ એ વિચારતા નથી કે જીવનસાથી માટે પોતે શું કરવા તૈયાર છે. જેઓ પરણવા ચાહે છે તેઓએ આ સવાલ પર વિચાર કરવો ખૂબ જ મહત્ત્વનું છે: ‘શું લગ્નજીવનમાં બાઇબલના સિદ્ધાંતોને લાગુ પાડવા હું તૈયાર છું?’
૧૬, ૧૭. લગ્ન માટે પોતાને તૈયાર કરે છે તેઓએ કયા બાઇબલ સિદ્ધાંતો પર મનન કરવાની જરૂર છે?
૧૬ ઈશ્વરે બાઇબલમાં જણાવ્યું છે કે પતિની જવાબદારી શું છે અને પત્નીની જવાબદારી શું છે. તેથી, લગ્ન જેવું મોટું પગલું ભરતા પહેલાં, તેઓએ એ જવાબદારી વિષે વિચારવું જોઈએ. પુરુષે એ વિચારવાની જરૂર છે કે બાઇબલ પ્રમાણે કુટુંબના શિર કેવા હોવા જોઈએ. શિર હોવાનો અર્થ એ નથી કે પત્ની પર જુલમ કરવાનો પતિને અધિકાર મળી જાય છે. એને બદલે, ઈસુ જે રીતે શિરપણાની જવાબદારી નિભાવે છે, એ રીતે પુરુષે પણ નિભાવવી જોઈએ. (એફેસી ૫:૨૩) સ્ત્રીએ પણ એ સમજવાની જરૂર છે કે તેને પત્નીની જવાબદારીમાં ખૂબ માન આપવામાં આવ્યું છે. શું તે “પતિના નિયમને” આધીન રહેવા તૈયાર છે? (રોમનો ૭:૨) તે પહેલેથી જ યહોવા અને ઈસુના નિયમને આધીન છે. (ગલાતી ૬:૨) લગ્ન પછી, તેણે “પતિના નિયમને” એટલે કે શિરપણાને પણ આધીન થવું પડશે. પતિ પણ ભૂલ કરી બેસે છે. શું તે એવા પતિના અધિકાર નીચે રહીને તેને સાથ આપશે? શું તે પતિને આધીન રહી શકશે? જો કોઈ સ્ત્રીને એ અઘરું લાગતું હોય, તો લગ્ન નહિ કરવામાં જ તેનું ભલું છે.
૧૭ એ ઉપરાંત, દરેકે પોતાના લગ્નસાથીની ખાસ જરૂરિયાતો પૂરી કરવા તૈયાર રહેવું જોઈએ. (ફિલિપી ૨:૪) પાઉલે લખ્યું, “તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ રાખે; અને પત્ની પોતાના પતિનું માન રાખે.” ઈશ્વરની પ્રેરણાથી પાઉલ જોઈ શક્યા કે પુરુષને પત્નીના ઊંડા માનની અને સ્ત્રીને પતિના પ્રેમની ખાસ જરૂર હોય છે. પતિને ઊંડું માન મળ્યાનો અને પત્નીને પ્રેમનો અહેસાસ થાય એ જરૂરી છે.—એફેસી ૫:૨૧-૩૩.
પરણવા માંગતા યુવક-યુવતી એકબીજાને ઓળખવા સાથે સમય વિતાવે છે ત્યારે, ત્રીજી વ્યક્તિને સાથે રાખે છે
૧૮. લગ્ન પહેલાં સાથે સમય પસાર કરતી વખતે શા માટે પોતાના પર સંયમ રાખવો જોઈએ?
૧૮ કેટલાક કિસ્સાઓમાં, પરણવા માંગતા યુવક-યુવતી એકબીજાને સારી રીતે ઓળખવા સાથે સમય વિતાવે છે. એને કોર્ટશીપ પણ કહેવાય છે. ખરું કે આ રીતે સમય વિતાવવામાં કંઈ વાંધો નથી, પણ એ સમય મોજ-મસ્તી કરવા કે હરવા-ફરવા માટે નથી. એ સમય તો એકબીજા સાથે કેવી રીતે વર્તવું, એ શીખવાનો છે. લગ્નબંધનમાં જોડાવું યોગ્ય છે કે કેમ, એ નક્કી કરવાનો સમય છે. આ સમયે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો બહુ જરૂરી છે, કારણ કે એકબીજાને પ્રેમ બતાવવાનું તીવ્ર આકર્ષણ થઈ શકે. એ સ્વાભાવિક છે. એટલે પોતાના પર કાબૂ રાખવો બહુ જરૂરી છે. એકબીજાને ખરો પ્રેમ કરનારા એવી કોઈ પણ શારીરિક છૂટછાટ નહિ લે, જેનાથી પોતાના ભાવિ જીવનસાથીનો ઈશ્વર સાથેનો સંબંધ જોખમમાં મૂકાઈ જાય. (૧ થેસ્સાલોનિકી ૪:૬) લગ્ન પહેલાં સાથે સમય વિતાવતા હોય તો, પોતાની લાગણીઓ પર કાબૂ રાખો. ભલે તમે એકબીજાને પરણો કે ન પરણો, આ સંયમનો ગુણ આખી જિંદગી કામ લાગશે.
લગ્નબંધનને કાયમી બંધન બનાવવા શું કરશો?
૧૯, ૨૦. આજે લગ્ન વિષે ઘણા લોકો શું માને છે અને આપણે શું માનવું જોઈએ? ઉદાહરણ આપીને સમજાવો.
૧૯ જો પતિ-પત્ની પોતાનું લગ્નબંધન કાયમ ટકાવી રાખવા માંગતા હોય, તો તેઓએ શું કરવું જોઈએ? લગ્નમાં એકબીજાને આપેલા વચન પ્રત્યે યોગ્ય વલણ રાખવું જોઈએ. નવલકથા-ફિલ્મોમાં ઘણી વખત એવું બતાવવામાં આવે છે કે લગ્ન જે-તે કહાનીનો સુખદ અંત હોય છે. કેટલાક લોકો પોતાની જિંદગી વિષે પણ એવાં સપનાં જોતાં હોય છે. પણ હકીકતમાં લગ્ન એ અંત નહિ, બલ્કે શરૂઆત છે. એવા બંધનની શરૂઆત, જેને યહોવાએ કાયમ રાખવા માટે બનાવ્યું છે. (ઉત્પત્તિ ૨:૨૪) દુઃખની વાત છે કે આજે મોટા ભાગે લોકો લગ્ન વિષે એવું નથી વિચારતા. અમુક સમાજમાં લોકો લગ્નને ગાંઠ બાંધવા સાથે સરખાવે છે. તેઓ કદાચ જાણતા નથી, પણ એ શબ્દચિત્ર લગ્ન વિષેની તેઓની માન્યતા સાથે એકદમ બંધબેસે છે. લોકો સારી ગાંઠ એને કહે છે, જે જરૂર હોય ત્યાં સુધી મજબૂત રીતે બંધાઈ રહે અને જરૂર પડ્યે આસાનીથી ખોલી પણ શકાય.
૨૦ આજે ઘણા લોકો લગ્નબંધનને કાયમી બંધન ગણતા નથી. તેઓ પોતાની જરૂરિયાતો સંતોષવા ઉતાવળે લગ્ન કરી લે છે. તેઓ એવું પણ માનતા હોય છે કે લગ્નજીવન અઘરું લાગશે તો છૂટા થઈ જઈશું. પણ યાદ રાખો કે લગ્ન જેવા સંબંધને બાઇબલ “ત્રેવડી વણેલી દોરી” જેવા મજબૂત બંધન સાથે સરખાવે છે. સભાશિક્ષક ૪:૧૨માં ‘દોરી’ ભાષાંતર થયેલા હિબ્રૂ શબ્દનો અર્થ દોરડું પણ થઈ શકે છે. સઢવાળા જહાજ માટે વપરાતું દોરડું એ રીતે બનાવવામાં આવતું કે ભારે તોફાનમાં પણ તૂટતું નહિ. એવી જ રીતે, ઈશ્વરે લગ્નની ગોઠવણ કાયમ ટકી રહેવા માટે કરી છે. યાદ કરો, ઈસુએ કહ્યું હતું કે “ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.” (માથ્થી ૧૯:૬) જો તમે લગ્ન કરો, તો તમારે પણ એવું જ વિચારવું જોઈએ. શું એ વચન પ્રમાણે જીવવાથી લગ્નજીવન બોજરૂપ બની જાય છે? ના, જરાય નહિ.
૨૧. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે કેવું વલણ રાખવું જોઈએ? એવું વલણ કેળવવા ક્યાંથી મદદ મળી શકે?
૨૧ પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે યોગ્ય વલણ રાખવું જોઈએ. તેઓએ એકબીજાના સારા ગુણો જોવા જોઈએ અને મહેનતની કદર કરવી જોઈએ. આમ કરવાથી તેઓનું જીવન આનંદથી ભરાઈ જશે. ખરું કે સાથીના સારા ગુણો જોવા હંમેશાં સહેલું નહિ હોય, કેમ કે તેમનાથી પણ ભૂલ થઈ જાય છે. લગ્નસાથીની નબળાઈ જાણતા હોવા છતાં, તેમનામાં સારું જોવા શું મદદ કરી શકે? યહોવાનો વિચાર કરો. તે જાણે છે કે આપણે સર્વ ભૂલને પાત્ર છીએ. તોપણ, આપણને પૂરો ભરોસો છે કે યહોવા આપણી ભૂલોને નહિ, આપણામાં જે સારું હોય એ જ જોશે. એક ગીત-લેખકે પ્રાર્થનામાં કહ્યું કે “હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?” (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) પતિ-પત્નીએ પણ એકબીજામાં સારું જોવું જોઈએ અને માફ કરતા રહેવું જોઈએ.—કલોસી ૩:૧૩.
૨૨, ૨૩. ઇબ્રાહિમ અને સારાહે કેવી રીતે પતિ-પત્નીઓ માટે સારું ઉદાહરણ બેસાડ્યું છે?
૨૨ જેમ જેમ વર્ષો વીતતાં જાય, તેમ તેમ લગ્નજીવનમાં વધારે આશીર્વાદો આવી શકે છે. ઇબ્રાહિમ અને સારાહના લગ્નનાં પાછલાં વર્ષો વિષે બાઇબલ જણાવે છે. તેઓએ ઘણી તકલીફો વેઠી હતી. સારાહનો વિચાર કરો. સાઠેક વર્ષની ઉંમરે તેણે સમૃદ્ધ શહેર ઉરનું સુખ-સાહેબીવાળું ઘર છોડવું પડ્યું. બાકીનું જીવન તેણે તંબૂમાં રહેવું પડ્યું. આવા સંજોગોમાં પણ પતિને તે આધીન રહી. તે ઇબ્રાહિમની સહાયકારી બની અને દરેક સંજોગોમાં ટેકો આપ્યો. પતિના દરેક નિર્ણયમાં તેણે સાથ આપ્યો. તેની આધીનતા ખાલી દેખાડો ન હતી. તે મનમાં પણ પતિને પ્રભુ સમાન ગણતી હતી. (ઉત્પત્તિ ૧૮:૧૨; ૧ પિતર ૩:૬) ઇબ્રાહિમને તે દિલથી માન આપતી હતી.
૨૩ એનો અર્થ એવો પણ નથી કે ઇબ્રાહિમ અને સારાહ દરેક વાત પર સહમત થતા હતા. એક વખત સારાહે જે સલાહ આપી, એનાથી ઇબ્રાહિમને ‘બહુ ખોટું લાગી’ ગયું. તેમ છતાં, યહોવાના કહેવા પ્રમાણે તેમણે નમ્ર બનીને પત્નીની સલાહ માની. પરિણામે, તેઓના કુટુંબને આશીર્વાદ મળ્યો. (ઉત્પત્તિ ૨૧:૯-૧૩) તેઓના ઉદાહરણમાંથી આજે પતિ-પત્નીઓ ઘણું શીખી શકે છે, ભલેને તેઓના લગ્નને વર્ષો વીતી ગયાં હોય.
૨૪. કેવું લગ્નજીવન યહોવાને મહિમા આપે છે? શા માટે?
૨૪ આજે મંડળોમાં હજારો સુખી પતિ-પત્નીઓ છે. પત્ની પોતાના પતિને ઊંડું માન આપે છે. પતિ પણ પત્નીને પ્રેમ અને આદર બતાવે છે. તેઓ બંને ભેગા મળીને યહોવાની ભક્તિને જીવનમાં પહેલી રાખવા બનતું બધું જ કરે છે. જો તમે લગ્ન કરવાના હો, તો સમજી-વિચારીને જીવનસાથી પસંદ કરો. લગ્ન માટે પોતાને અગાઉથી તૈયાર કરો. લગ્ન પછી પણ હળી-મળીને, પ્રેમથી રહેવા બનતી મહેનત કરો, જેથી યહોવાને મહિમા મળે. આવું લગ્નજીવન તમને ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા ચોક્કસ મદદ કરશે.
a કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકનું બીજું પ્રકરણ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
b જૂના જમાનામાં યહોવાના કેટલાક ભક્તોને એકથી વધારે પત્નીઓ હતી. ત્યારે ઈશ્વરભક્તો અને ઇઝરાયલ જાતિ માટે યહોવાએ એ રિવાજ ચલાવી લીધો. જોકે, તેમણે એ રિવાજ શરૂ કર્યો ન હતો. પણ કોઈ એનો ગેરલાભ ન ઉઠાવે એ માટે તેમણે અમુક નિયમો આપ્યા હતા. આજે યહોવા તેમના ભક્તોને એકથી વધારે પત્નીઓ રાખવાની છૂટ આપતા નથી.—માથ્થી ૧૯:૯; ૧ તિમોથી ૩:૨.