પ્રકરણ સોળ
શેતાન અને તેની ચાલાકીઓ સામે થાઓ
“શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂબ ૪:૭.
૧, ૨. બાપ્તિસ્મા વખતે કોને કોને આનંદ થાય છે?
તમે કદાચ વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હશો. નાનાં-મોટાં સંમેલનોમાં બાપ્તિસ્માનું પ્રવચન ઘણી વાર સાંભળ્યું હશે. તમે હૉલમાં આગળ બેઠેલા ભાઈ-બહેનોને બાપ્તિસ્મા માટે ઊભા થતા જુઓ છો ત્યારે કેવું લાગે છે? તમારું દિલ ખુશીથી ઊભરાઈ જતું હશે, પછી ભલેને તમે એવા ઘણા પ્રસંગોએ હાજર રહ્યા હોવ. એ વખતે આખા હૉલમાં આનંદ છવાઈ જાય છે અને પછી તાળીઓનો ગડગડાટ થાય છે. યહોવાનો પક્ષ લેનારા એ વહાલા ભાઈ-બહેનોને જોઈને ઘણાની આંખો ભરાઈ આવે છે. એ કેવો ખુશીનો સમય હોય છે!
૨ આપણને તો વર્ષમાં અમુક જ વાર બાપ્તિસ્મા જોવાનો મોકો મળે છે. પણ સ્વર્ગદૂતોનો વિચાર કરો. તેઓને ઘણી વાર બાપ્તિસ્મા જોવા મળે છે. દર અઠવાડિયે દુનિયા ફરતે હજારો લોકો બાપ્તિસ્મા પામીને યહોવાના સંગઠનમાં આવે છે. કલ્પના કરો, એનાથી સ્વર્ગમાં કેટલો આનંદ થતો હશે! (લૂક ૧૫:૭, ૧૦) એમાં કોઈ શંકા નથી કે યહોવાના ભક્તોમાં વધારો થતો જોઈને સ્વર્ગદૂતોને ઘણો હરખ થાય છે.—હાગ્ગાય ૨:૭.
શેતાન ‘ગાજનાર સિંહની જેમ ફરે છે’
૩. શેતાન કેમ ‘ગાજનાર સિંહની જેમ’ ફરે છે અને તે શું કરવા માગે છે?
૩ હવે શેતાન અને તેના દુષ્ટ દૂતોનો વિચાર કરો. કોઈને બાપ્તિસ્મા લેતા જોઈને તેઓ લાલપીળા થઈ જાય છે. હજારો લોકોને આ દુનિયાનું ખરાબ વલણ છોડીને યહોવા તરફ ફરતા જુએ છે ત્યારે, તેઓ ગુસ્સાથી સળગી ઊઠે છે. શેતાને બડાઈ મારી હતી કે મનુષ્ય સ્વાર્થને લીધે યહોવાને ભજે છે અને આકરી કસોટીમાં યહોવાને વળગી રહેશે નહિ. (અયૂબ ૨:૪, ૫) પરંતુ, કોઈ વ્યક્તિ યહોવાને પોતાનું જીવન સોંપીને બાપ્તિસ્મા પામે છે ત્યારે, શેતાન જૂઠો સાબિત થાય છે. દર અઠવાડિયે જાણે તેના ગાલ પર હજારો તમાચા પડે છે. એટલે શેતાન ‘ગાજનાર સિંહની જેમ, કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.’ (૧ પિતર ૫:૮) તે એક સિંહની જેમ આપણને જાણે ફાડી ખાવા માગે છે. તે કોઈ પણ રીતે યહોવા સાથેનો આપણો સંબંધ નબળો પાડવા ચાહે છે. અરે, તેનું ચાલે તો એ સંબંધ તોડી નાખવા માગે છે.—ગીતશાસ્ત્ર ૭:૧, ૨; ૨ તિમોથી ૩:૧૨.
જ્યારે કોઈ વ્યક્તિ યહોવાને સમર્પણ કરીને બાપ્તિસ્મા લે છે, ત્યારે શેતાન જૂઠો સાબિત થાય છે
૪, ૫. (ક) યહોવાએ કઈ બે રીતે શેતાન પર હદ ઠરાવી છે? (ખ) આપણે શાની ખાતરી રાખી શકીએ?
૪ ખરું કે આપણો દુશ્મન શેતાન ખતરનાક છે, પણ તેનાથી ગભરાઈ જવાની જરૂર નથી. શા માટે? એટલા માટે કે યહોવાએ બે ખાસ રીતોએ શેતાન માટે હદ ઠરાવી છે. એક, શેતાન કદી પણ યહોવાના સર્વ ભક્તોને જીતી નહિ શકે. શેતાન આ હકીકત જાણે છે. યહોવાએ અગાઉથી જણાવ્યું છે કે “મોટી વિપત્તિમાંથી” તેમના ભક્તોની “મોટી સભા” બચી જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) યહોવા જે કહે છે એ હંમેશાં સાચું પડે છે.
૫ યહોવાએ બીજી કઈ રીતે શેતાન માટે હદ ઠરાવી છે? જ્યાં સુધી કોઈ વ્યક્તિ યહોવાને વફાદાર રહે, ત્યાં સુધી શેતાન તેની શ્રદ્ધા તોડી નહિ શકે. જૂના જમાનામાં પ્રબોધક અઝાર્યાએ આસા રાજાને કહ્યું હતું: “તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે.” (૨ કાળવૃત્તાંત ૧૫:૨; ૧ કરિંથી ૧૦:૧૩) જ્યારે કોઈ વ્યક્તિ યહોવાનો સાથ છોડતી નથી, ત્યારે શેતાનને હંમેશાં હાર મળે છે. એની સાબિતી આપતા ઘણા દાખલા બાઇબલમાં છે. (હિબ્રૂ ૧૧:૪-૪૦) આપણે પણ યહોવાને વળગી રહીશું તો, શેતાન પર જીત મેળવીશું! બાઇબલ આપણને ખાતરી આપે છે કે “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂબ ૪:૭.
‘આપણું યુદ્ધ દુષ્ટ સ્વર્ગદૂતોનાં લશ્કરોની સામે છે’
૬. આપણને હરાવવા શેતાન શું કરે છે?
૬ શેતાન આજે ઈશ્વરભક્તો સામે લડી રહ્યો છે. તે આ લડાઈ જીતી શકવાનો નથી. પણ જો આપણે પોતે સાવચેત ન રહીએ, તો તે આપણા પર જીત મેળવી શકે છે. શેતાનને ખબર છે કે યહોવા સાથેનો આપણો સંબંધ નબળો બનાવી દેશે, તો આસાનીથી આપણને હરાવી શકશે. શેતાન એ માટે શું કરે છે? તે આપણા પર સતત હુમલા કરે છે. તે દરેક ઈશ્વરભક્ત સાથે લડી રહ્યો છે અને ઘણી ચાલાકીઓ વાપરી રહ્યો છે. ચાલો આ ત્રણ રીતો વિષે વધારે જોઈએ.
૭. શેતાન કેમ યહોવાના ભક્તો પર હુમલા વધારતો જાય છે?
૭ સતત હુમલા. ઈશ્વરભક્ત યોહાને જણાવ્યું કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) એ શબ્દોમાં આપણા માટે ચેતવણી રહેલી છે. આખી દુનિયાને તો શેતાને મુઠ્ઠીમાં કરી લીધી છે. હવે તે પોતાના હાથમાંથી છટકી ગયેલા યહોવાના લોકો પર પૂરું ધ્યાન આપીને, હુમલા વધારતો જાય છે. (મીખાહ ૪:૧; યોહાન ૧૫:૧૯; પ્રકટીકરણ ૧૨:૧૨, ૧૭) શેતાન જાણે છે કે તેની પાસે થોડો જ સમય બાકી છે. એટલે તેના ગુસ્સાનો કોઈ પાર નથી. તે આપણા પર વધારે ને વધારે દબાણ લાવી રહ્યો છે. યહોવા સાથેનો આપણો સંબંધ તોડવા તે સતત પ્રયાસો કરી રહ્યો છે. એટલે સમય પારખીને આપણે ‘એ સમજવાની જરૂર છે કે શું કરવું જોઈએ.’—૧ કાળવૃત્તાંત ૧૨:૩૨.
૮. દુષ્ટ દૂતો સામે આપણું “યુદ્ધ” છે, એમ જણાવીને પાઉલ કઈ ચેતવણી આપતા હતા?
૮ આપણે પોતે લડવાનું છે. ઈશ્વરભક્ત પાઉલે સાથી ખ્રિસ્તીઓને ચેતવણી આપી કે ‘આપણું આ યુદ્ધ આકાશી સ્થાનોમાં દુષ્ટ દૂતોનાં લશ્કરોની સામે છે.’ (એફેસી ૬:૧૨) “યુદ્ધ” માટેના મૂળ ગ્રીક શબ્દનો અર્થ થાય, “કુસ્તી કરવી.” એટલે કે બે વ્યક્તિઓનું સામસામે લડવું. આ શબ્દ વાપરીને પાઉલે ભાર મૂક્યો કે આપણે દરેકે દુષ્ટ દૂતો સામે લડવાનું છે. કદાચ આપણે એવા દેશમાં રહેતા હોય, જ્યાં શેતાન અને તેના દૂતો વિષેની માન્યતા એટલી જાણીતી ન હોય. તેમ છતાં, કદી ભૂલીએ નહિ કે આપણે યહોવાને જીવન અર્પણ કર્યું ત્યારથી, જાણે કુસ્તીના અખાડામાં ઊતરી પડ્યા છીએ. એ સમયથી શેતાન સાથેની કુસ્તીમાંથી આપણે કોઈ પણ છટકી શકતા નથી. એટલે જ પાઉલે એફેસસના ખ્રિસ્તીઓને વારંવાર અરજ કરી હતી કે ‘તમે દૃઢ રહો,’ ‘ટકી રહો’ અને અડગ ‘ઊભા રહો.’—એફેસી ૬:૧૧, ૧૩, ૧૫.
૯. (ક) શેતાન અને તેના દૂતો શા માટે અનેક ‘દુષ્ટ ચાલાકીઓ’ વાપરે છે? (ખ) શેતાન કેમ આપણા વિચારો ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે? આપણે કેવી રીતે એનો સામનો કરી શકીએ? (“શેતાનની ચાલાકીઓથી સાવધ રહો!” બૉક્સ જુઓ.) (ગ) હવે શેતાનની કઈ ચાલાકી વિષે વિચાર કરીશું?
૯ શેતાનની ચાલાકીઓ. પાઉલે ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું કે શેતાનની ‘દુષ્ટ ચાલાકીઓ’ સામે અડગ ઊભા રહો. (એફેસી ૬:૧૧) નોંધ કરો કે પાઉલ અહીં એક નહિ, પણ ઘણી ચાલાકીઓ વિષે વાત કરે છે. દુષ્ટ દૂતો ફક્ત એક જ નહિ, અનેક ચાલાકીઓ વાપરે છે. એનું કારણ દેખીતું છે. અમુક ઈશ્વરભક્તો એક કસોટીમાં અડગ રહ્યા હોય, પણ સમય જતાં બીજી કોઈ કસોટીમાં હારી જાય છે. એટલે શેતાન અને તેના દૂતો આપણા દરેકના વર્તન પર બરાબર નજર રાખે છે, જેથી આપણી કમજોરી પારખી શકે. પછી, યહોવા સાથેનો આપણો નાતો નબળો પાડવા કોઈ પણ કમજોરીનો તેઓ ફાયદો ઉઠાવે છે. જોકે, શેતાનની ઘણી ચાલાકીઓથી આપણે જાણકાર છીએ, કેમ કે બાઇબલમાં એ સ્પષ્ટ બતાવેલી છે. એ માટે આપણે યહોવાનો કેટલો ઉપકાર માનીએ છીએ! (૨ કરિંથી ૨:૧૧) આ પુસ્તકમાં આપણે શેતાનની અમુક ચાલાકીઓ વિષે જોઈ ગયા. જેમ કે, ધનદોલત ને ચીજવસ્તુઓનો મોહ, બૂરી સોબત અને અનૈતિક સંબંધો. ચાલો હવે શેતાનની બીજી એક ચાલાકી, મેલી વિદ્યાનો વિચાર કરીએ.
મેલી વિદ્યા એટલે યહોવાને દગો
૧૦. (ક) મેલી વિદ્યા એટલે શું? (ખ) યહોવાને મેલી વિદ્યા વિષે કેવું લાગે છે? તમને એના વિષે કેવું લાગે છે?
૧૦ મેલી વિદ્યાને લગતાં કામો કરવાથી, વ્યક્તિ દુષ્ટ દૂતોની સીધેસીધી સંગતમાં આવે છે. આ દૂતો ભૂત-પ્રેત હોવાનો પણ ડોળ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર, જાદુટોણાં, જંતર-મંતર, મૂએલાં સાથે વાત કરવી, માદળિયું કે તાવીજ પહેરવું, શુકન જોવાં વગેરે મેલી વિદ્યાના અમુક પ્રકાર છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે યહોવાને ‘આવાં કામોથી’ સખત નફરત છે. (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨; પ્રકટીકરણ ૨૧:૮) આપણે પણ ‘જે ભૂંડું છે એને ધિક્કારવું’ જોઈએ. એટલે દુષ્ટ દૂતોની કોઈ મદદ લેવાનો વિચાર પણ મનમાં ન લાવીએ. (રોમનો ૧૨:૯) જો કોઈ પણ રીતે તેઓની સંગત કરીશું, તો એ મોટું પાપ કહેવાશે. એનાથી તો આપણા ઈશ્વર યહોવાને દગો કરી બેસીશું!
૧૧. જો આપણે મેલી વિદ્યામાં માનવા લાગીએ, તો કેવી રીતે શેતાનની જીત થઈ કહેવાશે? દાખલો આપી સમજાવો.
૧૧ યહોવાની નજરે મેલી વિદ્યા મોટું પાપ છે. શેતાન એ જાણે છે. એટલે જ આપણામાંથી બને એટલાને એ ફાંદામાં ફસાવવા શેતાને કમર કસી છે. જ્યારે પણ શેતાન આપણામાંથી કોઈને મેલી વિદ્યામાં ફસાવે છે, ત્યારે તેની મોટી જીત થાય છે. કેવી રીતે? ચાલો એક દાખલો લઈએ. એક સૈનિકને પોતાનું લશ્કર છોડી દુશ્મનો સાથે ભળી જવા મનાવી લેવામાં આવે છે. એનાથી દુશ્મન સેનાપતિ કેટલો ખુશ થઈ જશે! અરે, તે કદાચ પેલા દગાખોર સૈનિકનું સરઘસ પણ કાઢે, જેથી તેના જૂના સેનાપતિનું અપમાન થાય! એ જ રીતે, કોઈ ખ્રિસ્તી જો મેલી વિદ્યામાં માનવા લાગે, તો તે જાણીજોઈને યહોવાને દગો દે છે. તે પોતાને શેતાનના હાથમાં સોંપી દે છે. કલ્પના કરો કે લડાઈમાં જીતી ગયો હોય તેમ, શેતાનને તે દગાખોર ખ્રિસ્તીનું સરઘસ કાઢવામાં કેટલી ખુશી થશે! શું આપણે એ રીતે શેતાનને ખુશ કરવા માંગીએ છીએ? કદી પણ નહિ. આપણે દગાખોર નથી!
શંકાનાં બી વાવતો શેતાન
૧૨. આપણા વિચારો ભ્રષ્ટ કરવા શેતાન કઈ રીત વાપરે છે?
૧૨ જ્યાં સુધી આપણે મેલી વિદ્યાને ધિક્કારીશું, ત્યાં સુધી શેતાન એ ફાંદામાં આપણને ફસાવી નહિ શકે. એટલે તે આપણા વિચારો ભ્રષ્ટ કરવા માંગે છે. કેવી રીતે? તે આપણને ગૂંચવવા અનેક રીત અજમાવે છે, જેથી “ભૂંડાને સારું, અને સારાને ભૂંડું” માનવા લાગીએ. (યશાયા ૫:૨૦) એ માટે શેતાન ઘણી વાર સવાલો ઊભા કરીને, આપણા મનમાં શંકાનાં બી રોપે છે. આ તેની જૂની અને જાણીતી રીત છે.
૧૩. શંકાનાં બી રોપવાં શેતાને કેવા સવાલો ઉઠાવ્યા હતા?
૧૩ ધ્યાન આપો કે પહેલાંના સમયમાં શેતાને આ રીત વાપરવા શું કર્યું હતું. એદન બાગમાં તેણે હવાને પૂછ્યું હતું: “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?” અયૂબના જમાનાનો વિચાર કરો. સ્વર્ગમાં એકઠા થયેલા દૂતોની સભામાં શેતાને આવો સવાલ કર્યો હતો: “શું અયૂબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે?” ઈસુએ પૃથ્વી પર પ્રચાર કામ શરૂ કર્યું ત્યારે, શેતાને તેમની કસોટી કરતા આમ કહ્યું હતું: ‘જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.’ આ બનાવના આશરે છ અઠવાડિયાં પહેલાં જ યહોવાએ ઈસુ વિષે કહ્યું હતું: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.” શેતાનની હિંમત તો જુઓ, આ શબ્દો વાપરીને તે યહોવાની મજાક ઉડાવતો હતો!—ઉત્પત્તિ ૩:૧; અયૂબ ૧:૯; માથ્થી ૩:૧૭; ૪:૩.
૧૪. (ક) મેલી વિદ્યા કે જંતરમંતર વિષે શેતાન કેવી રીતે શંકાનાં બી વાવી રહ્યો છે? (ખ) આપણે હવે શાના પર વિચાર કરીશું?
૧૪ આજે પણ શેતાન એ જ રીત વાપરીને મેલી વિદ્યાનાં જોખમો વિષે શંકાનાં બી વાવે છે. તે એવું મનાવવાની કોશિશ કરે છે કે મેલી વિદ્યામાં કંઈ ખોટું નથી. દુઃખની વાત છે કે શેતાને આ રીત વાપરીને અમુક ભાઈ-બહેનોના મનમાં શંકાનાં બી વાવી દીધાં છે. એટલે તેઓ સવાલ કરવા લાગ્યા છે કે અમુક પ્રકારની મેલી વિદ્યા કે જંતરમંતર શું ખરેખર ખરાબ છે? હકીકતમાં તેઓ વિચારે છે કે ‘શું ખરેખર એવું છે?’ (૨ કરિંથી ૧૧:૩) આવા લોકોને પોતાના વિચારો સુધારવા આપણે કઈ રીતે મદદ કરી શકીએ? આપણે પોતે શેતાનની આ ચાલાકીમાં આવી ન જઈએ, એની કઈ રીતે ખાતરી કરી શકીએ? એના જવાબ માટે ચાલો જીવનનાં બે પાસાઓ પર વિચાર કરીએ, જેમાં શેતાને ખૂબ જ ચાલાકીથી મેલી વિદ્યાની ભેળસેળ કરી છે. એ બે પાસાઓ છે, મનોરંજન અને સારવાર.
શેતાન આપણી ઇચ્છાઓ અને લાચારીનો ફાયદો ઉઠાવે છે
૧૫. (ક) પશ્ચિમના દેશોમાં ઘણા લોકો મેલી વિદ્યા વિષે કેવું વિચારે છે? (ખ) મેલી વિદ્યા વિષે લોકોના વલણની અમુક ભાઈ-બહેનો પર કેવી અસર પડી છે?
૧૫ ખાસ કરીને પશ્ચિમના દેશોમાં જાદુટોણાં, મંત્રવિદ્યા, અને એના જેવી બીજી મેલી વિદ્યા દિવસે-દિવસે સામાન્ય બનતી જાય છે. ફિલ્મો, પુસ્તકો, ટીવી પ્રોગ્રામ અને કૉમ્પ્યુટર ગેમ્સમાં મેલી વિદ્યાને હોશિયાર લોકોની તરકીબ તરીકે રજૂ કરવામાં આવે છે. લોકો એને મોજમજા ગણે છે અને એમાં કોઈ નુકસાન જોતા નથી. જાદુટોણાં પર બનેલી કેટલીક ફિલ્મો અને પુસ્તકો એટલા મશહૂર થઈ ગયા છે કે એના ચાહકોએ અનેક ફેન ક્લબ પણ બનાવી છે. ખરેખર, દુષ્ટ દૂતો એવું મનાવવામાં સફળ થયા છે કે જાદુટોણાંમાં કોઈ જોખમ નથી. પરિણામે, લોકોને મેલી વિદ્યામાં કંઈ ખોટું હોય એવું લાગતું નથી. આવા વલણની અમુક ભાઈ-બહેનોના વિચારો પર અસર પડી છે. કેવી રીતે? એક ભાઈનો વિચાર કરો. જાદુટોણાં પર બનેલી એક ફિલ્મ જોયા પછી તેમણે કહ્યું, “મેં ફક્ત ફિલ્મ જોઈ છે, મેલી વિદ્યાનું કોઈ કામ તો નથી કર્યું ને!” આમ વિચારવું શા માટે ખતરનાક છે?
૧૬. મેલી વિદ્યા કે જંતરમંતરને લગતું મનોરંજન પસંદ કરવામાં કેવું જોખમ રહેલું છે?
૧૬ ખરું કે મેલી વિદ્યાનાં કામો કરવાં અને એને લગતી ફિલ્મો જોવા વચ્ચે ઘણો ફરક છે. પરંતુ, એનો અર્થ એવો નથી કે મેલી વિદ્યાને લગતી ફિલ્મો કે પ્રોગ્રામો જોવામાં કોઈ જોખમ નથી. એવું શાને આધારે કહી શકાય? બાઇબલ જણાવે છે કે શેતાન અને તેના દૂતો આપણા મનના વિચારો વાંચી શકતા નથી.a એટલે અગાઉ જોઈ ગયા તેમ, દુષ્ટ દૂતો એ જાણવા આતુર છે કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે. તેઓને એ પણ જાણવું છે કે આપણી એવી કઈ નબળાઈ છે, જેનાથી યહોવા સાથેના સંબંધમાં તિરાડ પડી શકે. એ માટે દુષ્ટ દૂતો બહુ ધ્યાનથી જુએ છે કે આપણે શું કરીએ છીએ. જેમ કે, કેવા પ્રકારનું મનોરંજન પસંદ કરીએ છીએ. આપણું વર્તન તેઓને જણાવે છે કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે. દાખલા તરીકે, તાંત્રિકો, વશીકરણ અથવા ભૂત-પ્રેતને લગતી ફિલ્મો જોવાનું કે પુસ્તકો વાંચવાનું આપણને ગમતું હોય તો, દુષ્ટ દૂતોને કેવો સંદેશો મળે છે? એનાથી આપણે પોતાની નબળાઈ તેઓ સામે જાહેર કરીએ છીએ! દુષ્ટ દૂતો એ નબળાઈનો ફાયદો ઉઠાવીને આપણા પર હુમલા વધારી દેશે. આપણે હારી જઈએ ત્યાં સુધી તેઓ મંડ્યા રહેશે. અમુક ભાઈ-બહેનો તેઓનો શિકાર થયા છે. જાદુટોણાં કે મેલી વિદ્યાને લગતી ફિલ્મ કે કાર્યક્રમ જોયા પછી, તેઓને એનો એવો ચસ્કો લાગ્યો કે છેવટે તેઓ પણ મેલી વિદ્યાના ફાંદામાં ફસાઈ ગયા છે.—ગલાતી ૬:૭.
૧૭. બીમાર લોકોનો ફાયદો ઉઠાવવા શેતાન કઈ દુષ્ટ ચાલાકી વાપરી શકે?
૧૭ મનોરંજન ઉપરાંત, સારવારની વાત આવે છે ત્યારે પણ શેતાન આપણો ફાયદો ઉઠાવે છે. કેવી રીતે? આપણે કદાચ પોતાની બીમારીનો ઇલાજ કરવા ઘણા પ્રયત્નો કર્યા હોય. પણ આપણી તબિયત સુધરવાને બદલે, બગડતી હોવાથી ઘણા નિરાશ થઈ જઈએ. (માર્ક ૫:૨૫, ૨૬) આવી હાલતમાં શેતાન અને તેના દુષ્ટ દૂતોને આપણો ફાયદો ઉઠાવવાની તક મળી જાય છે. તેઓ સારી રીતે જાણે છે કે દુષ્ટતા કરનારાની સહાય લેવાની બાઇબલ સાફ મના કરે છે. (યશાયા ૩૧:૨) એટલે દુષ્ટ દૂતો બીમારીથી કંટાળી ગયેલી વ્યક્તિને એ આજ્ઞા તોડાવવા માંગે છે. કેવી રીતે? તેઓ એ વ્યક્તિને એવી સારવાર કે ઇલાજ માટે લલચાવી શકે, જેમાં ‘અન્યાય’ એટલે કે જાદુટોણાં કે મેલી વિદ્યાનો ઉપયોગ થતો હોય. પણ આ રીતે ઇલાજ કરાવવામાં ખતરો છે. (યશાયા ૧:૧૩)b જો બીમાર વ્યક્તિ આ ચાલાકીમાં ફસાઈ જાય, તો ઈશ્વર સાથેનો તેનો સંબંધ નબળો બની જઈ શકે. કેવી રીતે? ચાલો જોઈએ.
૧૮. આપણે કેવા પ્રકારની સારવાર ન લેવી જોઈએ? શા માટે?
૧૮ જ્યારે ઇઝરાયલીઓએ શેતાની શક્તિ કે મેલી વિદ્યાનો સહારો લીધો, ત્યારે યહોવાએ તેઓને આમ કહ્યું હતું: “તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ; તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી.” (યશાયા ૧:૧૩, ૧૫) આપણે એવું કંઈ કરવા માંગતા નથી, જેના લીધે યહોવા આપણી પ્રાર્થના સાંભળવાનું અને મદદ કરવાનું બંધ કરી દે. ખાસ કરીને જ્યારે બીમાર હોઈએ ત્યારે સારવાર વિષે વધારે સાવચેત રહેવું જોઈએ. (ગીતશાસ્ત્ર ૪૧:૩) બીમારીનાં લક્ષણો પારખવામાં કે સારવારમાં કોઈ રીતે મેલી વિદ્યાનો ઉપયોગ થશે, એવો જરા પણ અણસાર આવે તો શું કરીશું? આપણે એવી સારવારની ના પાડી દેવી જોઈએ.c (માથ્થી ૬:૧૩) આમ કરીને આપણે મદદ માટે યહોવા પર આધાર રાખીએ છીએ.—“શું આ ખરેખર મેલી વિદ્યા છે?” બૉક્સ જુઓ.
ભૂત-પ્રેતના કિસ્સા કાને પડે ત્યારે
૧૯. (ક) શેતાન પોતાની શક્તિ વિષે ઘણા લોકોને કેવી રીતે છેતરી રહ્યો છે? (ખ) આપણે કેવી વાતો ફેલાવવી ન જોઈએ?
૧૯ પશ્ચિમના દેશોમાં ઘણા લોકો શેતાની શક્તિનાં જોખમોને સામાન્ય ગણી લે છે. જ્યારે કે બીજા દેશોમાં એનાથી ઊલટું જોવા મળે છે. ત્યાં શેતાને લોકોના મનમાં એવું ઠસાવ્યું છે કે પોતે બહુ શક્તિશાળી છે. પણ હકીકતમાં તે એટલો શક્તિશાળી નથી. તોપણ, અમુક લોકો ખાતા-પીતા, ઊઠતા-બેસતા બધો સમય ભૂત-પ્રેતથી ડરીને જીવે છે. ભૂત-પ્રેતનાં પરાક્રમો વિષે પણ ઘણું સાંભળવામાં આવે છે. આવા કિસ્સાઓ એ રીતે કહેવામાં આવે છે, જેથી લોકો એમાં મશગૂલ થઈ જાય, રોમાંચ અનુભવે. શું આપણે આવા કિસ્સાઓ બીજાઓને કહેવા જોઈએ? ના. સાચા ઈશ્વરભક્તો બે મહત્ત્વનાં કારણોને લીધે એમ કરતા નથી.
૨૦. આપણે કઈ રીતે જાણે-અજાણે શેતાનની ખોટી વાતો ફેલાવવાનું સાધન બની જઈ શકીએ?
૨૦ પહેલું કારણ, ભૂત-પ્રેતનાં પરાક્રમોની વાર્તાઓ બીજાઓને કહેવાથી આપણે શેતાનને જ મદદ કરીએ છીએ. બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે શેતાન શક્તિશાળી કામો કરી શકે છે. સાથે સાથે એ પણ જણાવે છે કે તે “ખોટાં પરાક્રમો” અને કપટનો સહારો લે છે. (૨ થેસ્સાલોનિકી ૨:૯, ૧૦) શેતાન મહાઠગ છે. તે જાણે છે કે મેલી વિદ્યા તરફ જેઓનું મન ઢળેલું છે, તેઓના વિચારો કઈ રીતે ભ્રષ્ટ કરવા અને ખોટી બાબતોને સાચી માની લેવા કઈ રીતે ભમાવવા. આવા લોકો પોતે જે કંઈ જોયું હોય કે સાંભળ્યું હોય, એમાં પૂરા દિલથી માનવા લાગે છે. અરે, એને તેઓ હકીકત તરીકે બીજાઓને પણ જણાવે. આવી વાત જેમ જેમ એક કાનેથી બીજા કાને પડતી જાય, તેમ તેમ મીઠું-મરચું ઉમેરાઈને મોટી બની જાય છે. જો આપણે આવી વાતો ફેલાવીશું, તો શેતાનની ઇચ્છા પૂરી કરીશું જે ‘જૂઠનો પિતા’ છે. એમ કરીને આપણે શેતાનની ખોટી વાતો ફેલાવવાનું સાધન બનીએ છીએ!—યોહાન ૮:૪૪; ૨ તિમોથી ૨:૧૬.
૨૧. આપણી વાતચીત ખાસ કરીને શાના વિષે હોવી જોઈએ?
૨૧ હવે બીજા કારણનો વિચાર કરો. આપણને ખરેખર ભૂત-પ્રેતનો ભેટો થયો હોય તોપણ, ભાઈ-બહેનોને એ વિષે વારંવાર જણાવીશું નહિ. શા માટે? બાઇબલ આ સલાહ આપે છે: “આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ.” (હિબ્રૂ ૧૨:૨) આ બતાવે છે કે આપણે ઈસુ ખ્રિસ્ત તરફ પૂરું ધ્યાન રાખવાનું છે, નહિ કે શેતાન તરફ. એક વાત નોંધવા જેવી છે કે ઈસુ ધરતી પર હતા ત્યારે, તેમણે ભૂત-પ્રેતને લગતા કિસ્સા શિષ્યોને જણાવ્યા ન હતા. તેમણે ચાહ્યું હોત તો શેતાન શું કરી શકે છે અને શું નહિ, એ વિષે શિષ્યોને ઘણું કહી શક્યા હોત. એમ કરવાને બદલે, તેમણે રાજ્યના સંદેશા પર જ ધ્યાન આપ્યું. આપણે ઈસુ અને તેમના પ્રેરિતોને પગલે ચાલવા માગીએ છીએ. એટલે આપણને “ઈશ્વરનાં મોટાં કામો વિષે” વાતચીત કરવાનું વધારે ગમે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧૧; લૂક ૮:૧; રોમનો ૧:૧૧, ૧૨.
૨૨. આપણે કેવી રીતે ‘સ્વર્ગમાં આનંદ’ વધારી શકીએ?
૨૨ યહોવા સાથેનો આપણો સંબંધ તોડી નાખવા, શેતાન મેલી વિદ્યા જેવી અનેક ચાલાકીઓ અજમાવી રહ્યો છે. પરંતુ, જે ખરાબ છે એને ધિક્કારીશું અને જે સારું છે એને વળગી રહીશું તો, આપણે શેતાનની કોઈ ચાલાકીમાં નહિ ફસાઈએ. પછી, કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાથી દૂર રહેવાના આપણા નિર્ણયને તે ડગાવી નહિ શકે. (એફેસી ૪:૨૭) શેતાનનું નામનિશાન મટી જાય ત્યાં સુધી, ચાલો ‘તેની દુષ્ટ ચાલાકીઓની સામે દૃઢ રહીએ.’ જરા વિચાર કરો, એનાથી ‘સ્વર્ગમાં કેટલો આનંદ થશે!’—એફેસી ૬:૧૧.
a બાઇબલમાં શેતાનને વિરોધી, નિંદક, છેતરનાર, લલચાવનાર અને જૂઠો કહેવામાં આવ્યો છે. આ નામો એ નથી બતાવતાં કે તે આપણા મનના વિચારો વાંચી શકે છે. બાઇબલ જણાવે છે કે ફક્ત યહોવા અને ઈસુ આપણા મનના વિચારો વાંચી શકે છે.—નીતિવચનો ૧૭:૩; પ્રકટીકરણ ૨:૨૩.
b યશાયા ૧:૧૩માં ‘અન્યાય’ ભાષાંતર થયેલા હિબ્રૂ શબ્દનો અર્થ, ‘શેતાની શક્તિ’ કે મેલી વિદ્યા પણ થાય છે.
c વધુ માહિતી માટે ચોકીબુરજમાં આ લેખો જુઓ: “સાવધ રહો” માર્ચ ૧, ૨૦૦૬ પાન ૨૯-૩૧; “સારવાર વિષે બાઇબલ શું કહે છે?” નવેમ્બર ૧, ૨૦૦૮ પાન ૨૨-૨૫.