પ્રકરણ ૧૧૯
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
ઈસુ જગ્યા તૈયાર કરવા જાય છે
ઈસુ પોતાના અનુયાયીઓને સહાયકનું વચન આપે છે
ઈસુ કરતાં પિતા મહાન છે
સાંજના ભોજન પછી, ઈસુ હજુ પોતાના પ્રેરિતો સાથે ઉપરના ઓરડામાં હતા. તેમણે તેઓને ઉત્તેજન આપતા કહ્યું: “તમારા હૃદયને દુઃખી થવા ન દો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; મારામાં પણ શ્રદ્ધા રાખો.”—યોહાન ૧૩:૩૬; ૧૪:૧.
ઈસુની વિદાયનો સમય પાસે આવ્યો ત્યારે, વફાદાર પ્રેરિતો દુઃખી ન થાય માટે તેમણે કહ્યું: “મારા પિતાના ઘરમાં રહેવાની જગ્યા ઘણી છે. . . . જ્યારે હું જઈને તમારા માટે જગ્યા તૈયાર કરી લઈશ, ત્યારે હું પાછો આવીશ અને હું તમને મારા ઘરમાં લઈ જઈશ, જેથી હું જ્યાં રહું છું ત્યાં તમે પણ રહી શકો.” તે સ્વર્ગમાં જવા વિશે કહેતા હતા એ પ્રેરિતો સમજ્યા નહિ. એટલે, થોમાએ પૂછ્યું: “પ્રભુ, અમે જાણતા નથી કે તમે ક્યાં જાઓ છો. તો પછી, એ માર્ગ અમને કેવી રીતે ખબર પડશે?”—યોહાન ૧૪:૨-૫.
ઈસુએ જવાબ આપ્યો: “માર્ગ અને સત્ય અને જીવન હું છું.” ઈસુને અને તેમના શિક્ષણને સ્વીકારવાથી, તેમજ તેમનો જીવન માર્ગ અનુસરવાથી જ વ્યક્તિ પિતાના ઘરમાં, એટલે કે સ્વર્ગમાં પ્રવેશી શકે છે. ઈસુએ કહ્યું: “મારા વગર પિતા પાસે કોઈ જઈ શકતું નથી.”—યોહાન ૧૪:૬.
ધ્યાનથી સાંભળી રહેલા ફિલિપે અરજ કરી: “પ્રભુ, અમને પિતા બતાવો. અમારા માટે એટલું પૂરતું છે.” ફિલિપને કદાચ ઈશ્વર વિશે દર્શન જોવાની ઇચ્છા હતી, જેમ મુસા, એલિયા અને યશાયાએ જોયાં હતાં. જોકે, પ્રેરિતો પાસે એ દર્શનોથી કંઈક વધારે હતું. એના પર ભાર મૂકતા ઈસુએ જણાવ્યું: “ફિલિપ, હું લાંબા સમયથી તમારા બધા સાથે છું, તોપણ તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” ઈસુમાં પિતાના ગુણો આબેહૂબ દેખાય આવતા હતા; એટલે, ઈસુ સાથે રહેવું અને તેમને જોવા એ પિતાને જોવા બરાબર હતું. પરંતુ, દીકરા કરતાં પિતા મહાન છે. એ ઈસુના આ શબ્દોમાં જોવા મળે છે: “જે વાતો હું તમને કહું છું, એ મારી પોતાની નથી.” (યોહાન ૧૪:૮-૧૦) પ્રેરિતો જોઈ શક્યા કે ઈસુ પોતાના શિક્ષણનો બધો શ્રેય પિતાને આપી રહ્યા હતા.
પ્રેરિતોએ ઈસુને અદ્ભુત કામો કરતા જોયા હતા અને ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરતા સાંભળ્યા હતા. હવે, તેમણે તેઓને કહ્યું: “જે મારામાં શ્રદ્ધા મૂકે છે, તે મારાં જેવા કામો પણ કરશે; તે આના કરતાં મોટાં કામો પણ કરશે.” (યોહાન ૧૪:૧૨) ઈસુ એમ કહેતા ન હતા કે પ્રેરિતો તેમનાથી વધારે મોટા ચમત્કારો કરશે. તે કહેતા હતા કે તેઓનું સેવાકાર્ય લાંબા સમય સુધી, દૂર દૂરના વિસ્તારો સુધી અને ઘણા લોકો સુધી પહોંચશે.
ઈસુ જતાં રહે પછી તેઓ એકલા પડી જવાના ન હતા, કેમ કે તેમણે વચન આપ્યું: “મારા નામમાં તમે જે કંઈ પણ માંગશો, એ હું કરીશ.” વધુમાં તેમણે કહ્યું: ‘હું પિતાને વિનંતી કરીશ અને તે તમને બીજો એક સહાયક આપશે, જે કાયમ તમારી સાથે રહેશે. એ સત્યની પવિત્ર શક્તિ છે.’ (યોહાન ૧૪:૧૪, ૧૬, ૧૭) ઈસુએ ખાતરી આપી કે તેઓને આ સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મળશે. તેઓને એ પચાસમા દિવસે મળી.
ઈસુએ કહ્યું: “થોડા સમય પછી દુનિયા મને જોશે નહિ, પણ તમે મને જોશો, કેમ કે હું જીવું છું અને તમે જીવશો.” (યોહાન ૧૪:૧૯) ઈસુ સજીવન થયા પછી, માનવ શરીરમાં તેઓને દેખાવાના હતા. એટલું જ નહિ, સમય જતાં ઈસુ પ્રેરિતોને સ્વર્ગમાં સજીવન કરવાના હતા, જેથી પ્રેરિતો તેમની સાથે ત્યાં રહે.
પછી, ઈસુએ આ હકીકત જણાવી: “જે મારી આજ્ઞાઓ સ્વીકારે છે અને એને પાળે છે, તેને મારા પર પ્રેમ છે. અને જેને મારા પર પ્રેમ છે, તેના પર પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેને મારા વિશે બધું જણાવીશ.” એ સાંભળીને પ્રેરિત યહુદા, જે થદ્દી તરીકે પણ ઓળખાતા હતા તેમણે પૂછ્યું: “પ્રભુ, એવું તો શું થયું કે તમારા વિશે દુનિયાને નહિ, પણ અમને બધું જણાવવા માંગો છો?” જવાબમાં ઈસુએ કહ્યું: “જે કોઈ મારા પર પ્રેમ રાખે છે, તે મારી વાતો પાળશે અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે . . . જે મારા પર પ્રેમ રાખતો નથી, તે મારી વાતો પાળતો નથી.” (યોહાન ૧૪:૨૧-૨૪) ઈસુના શિષ્યોએ તેમને માર્ગ, સત્ય અને જીવન તરીકે સ્વીકાર્યા હતા, પણ દુનિયાએ તેમને એ રીતે સ્વીકાર્યા નહિ.
ઈસુ શિષ્યોને છોડીને જવાના હતા, તો પછી, તેમણે શીખવેલી વાતો તેઓને કોણ યાદ અપાવશે? ઈસુએ સમજાવ્યું: “જે સહાયક એટલે કે પવિત્ર શક્તિ, પિતા મારા નામે મોકલશે, એ તમને બધું શીખવશે અને મેં કહેલી બધી વાતો તમને યાદ અપાવશે.” પ્રેરિતોએ પવિત્ર શક્તિનું સામર્થ્ય જોયું હતું, એટલે ઈસુના શબ્દો તેઓ માટે દિલાસાજનક હતા. ઈસુએ આગળ જણાવ્યું: “હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને મારી શાંતિ આપું છું. . . . તમારા દિલને દુઃખી થવા દેશો નહિ કે ડરવા દેશો નહિ.” (યોહાન ૧૪:૨૬, ૨૭) દુઃખી ન થવા માટે શિષ્યો પાસે આ કારણ હતું: ઈસુના પિતા યહોવા તેઓને માર્ગદર્શન અને રક્ષણ પૂરું પાડવાના હતા.
ઈશ્વરના રક્ષણની સાબિતી ટૂંક સમયમાં જ મળવાની હતી. ઈસુએ કહ્યું: “આ દુનિયાનો શાસક આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.” (યોહાન ૧૪:૩૦) યહુદાના દિલ પર શેતાન કાબૂ જમાવી શક્યો હતો. પરંતુ, ઈસુ સંપૂર્ણ હતા, એટલે તેમનામાં એવી કોઈ ખામી કે નબળાઈ ન હતી, જેનો ઉપયોગ કરીને શેતાન તેમને ઈશ્વરની વિરુદ્ધ કરી શકે. તેમ જ, શેતાન હંમેશ માટે ઈસુને મરણના બંધનમાં રાખી શકવાનો ન હતો. શા માટે? ઈસુએ જણાવ્યું: “પિતાએ મને જે આજ્ઞા કરી છે, એ પ્રમાણે જ હું કરું છું.” તેમને પૂરી ખાતરી હતી કે પિતા યહોવા તેમને સજીવન કરશે.—યોહાન ૧૪:૩૧.