પ્રકરણ ૨
ઈશ્વરની ગોઠવણમાં ખ્રિસ્તની ભૂમિકાને સમજવી અને સ્વીકારવી
“શરૂઆતમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું” અને તેમણે બનાવેલું બધું “સૌથી ઉત્તમ હતું!” (ઉત. ૧:૧, ૩૧) યહોવાએ માણસોને બનાવ્યા ત્યારે તેઓને સુંદર ભાવિની આશા આપી હતી. પણ એદન બાગમાં આદમ-હવાએ બંડ પોકાર્યું, એટલે થોડા સમય માટે માણસોનું સુખ છીનવાઈ ગયું. જોકે પૃથ્વી અને માણસો માટે યહોવાની ઇચ્છા બદલાઈ નથી. ઈશ્વરે વચન આપ્યું કે આદમના જે વંશજો વફાદાર રહેશે, તેઓને બચાવવામાં આવશે. શેતાન અને તેનાં દુષ્ટ કામોનો યહોવા નાશ કરશે અને સાચી ભક્તિ ફરી શરૂ થશે. (ઉત. ૩:૧૫) ફરી એક વાર બધું “સૌથી ઉત્તમ” બની જશે. યહોવા એ બધું પોતાના દીકરા, ઈસુ ખ્રિસ્ત દ્વારા કરશે. (૧ યોહા. ૩:૮) એટલે આપણા માટે ઘણું મહત્ત્વનું છે કે ઈશ્વરે કરેલી ગોઠવણમાં ખ્રિસ્તની ભૂમિકાને સમજીએ અને સ્વીકારીએ.—પ્રે.કા. ૪:૧૨; ફિલિ. ૨:૯, ૧૧.
ખ્રિસ્તની કઈ ભૂમિકા છે?
૨ ઈશ્વરની ગોઠવણમાં ખ્રિસ્ત અનેક ભૂમિકા ભજવે છે. તે માણસોને છોડાવનાર છે, પ્રમુખ યાજક છે, ખ્રિસ્તી મંડળના શિર છે અને હવે ઈશ્વરના રાજ્યના રાજા છે. એ બધા પર મનન કરવાથી ઈશ્વરે કરેલી ગોઠવણ માટે આપણી કદર વધે છે અને ખ્રિસ્ત ઈસુ માટે આપણો પ્રેમ વધે છે. બાઇબલમાં તેમની અલગ અલગ ભૂમિકાઓ વિશે જણાવ્યું છે.
માણસો માટે યહોવાની ઇચ્છા પૂરી કરવા ઈસુ મહત્ત્વનો ભાગ ભજવે છે
૩ ખ્રિસ્તે પૃથ્વી પર સેવાકાર્ય કર્યું, એનાથી ખ્યાલ આવ્યો કે તેમની મદદથી જ વફાદાર ભક્તો ઈશ્વર સાથે દોસ્તી કરી શકે છે. (યોહા. ૧૪:૬) ઈસુ માણસોને છોડાવનાર છે. તેમણે પોતાનું જીવન આપીને ઘણા લોકો માટે છુટકારાની કિંમત ચૂકવી. (માથ. ૨૦:૨૮) તેમણે ઈશ્વરને પસંદ પડે એવાં વાણી-વર્તન રાખીને સારો દાખલો બેસાડ્યો છે. એટલું જ નહિ, માણસો માટે યહોવાની ઇચ્છા પૂરી કરવા તે મહત્ત્વનો ભાગ ભજવે છે. ફક્ત તેમની મદદથી જ આપણે ઈશ્વરની કૃપા મેળવી શકીએ છીએ. (પ્રે.કા. ૫:૩૧; ૨ કોરીં. ૫:૧૮, ૧૯) ઈસુના બલિદાનથી અને તેમને ફરી જીવતા કરવામાં આવ્યા એનાથી વફાદાર ભક્તો માટે એક માર્ગ ખુલી ગયો. તેઓ આશા રાખી શકે છે કે ઈશ્વરના રાજ્યમાં તેઓને કાયમ માટે આશીર્વાદો મળશે.
૪ પ્રમુખ યાજક તરીકે ઈસુ ‘આપણી નબળાઈઓ સમજે’ છે. તે વફાદાર શિષ્યોનાં પાપોની માફી માટે વિનંતી કરે છે. પ્રેરિત પાઉલે સમજાવ્યું: “આપણા પ્રમુખ યાજક એવા નથી, જે આપણી નબળાઈઓ સમજી ન શકે. આપણા પ્રમુખ યાજક તો એવા છે, જે આપણી જેમ દરેક પ્રકારનાં દુઃખો અને કસોટીઓમાંથી પસાર થયા, પણ તેમણે પાપ કર્યું નહિ.” પછી પાઉલે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકનાર દરેકને ઉત્તેજન આપ્યું કે તે ઈશ્વરની ગોઠવણનો પૂરો લાભ લે અને તેમની સાથે સુલેહ કરે. પાઉલે કહ્યું: “ચાલો આપણે અપાર કૃપાની રાજગાદી આગળ કોઈ પણ સંકોચ વગર પ્રાર્થના કરીએ, જેથી મદદની જરૂર હોય ત્યારે આપણે દયા અને અપાર કૃપા મેળવી શકીએ.”—હિબ્રૂ. ૪:૧૪-૧૬; ૧ યોહા. ૨:૨.
૫ ખ્રિસ્તી મંડળના શિર ઈસુ છે. પહેલી સદીમાં ઈસુના શિષ્યોને એવા કોઈ માણસની જરૂર ન હતી, જે તેઓની આગેવાની લે, તેઓની જેમ આપણને પણ એવા કોઈ માણસની જરૂર નથી. આજે ઈસુ મંડળને માર્ગદર્શન આપે છે. એ માટે તે પવિત્ર શક્તિનો અને દેખરેખ રાખનાર ભાઈઓનો ઉપયોગ કરે છે. એ ભાઈઓને ઈશ્વરના ટોળાની સંભાળ રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેઓ ઈશ્વર અને ઈસુને એનો હિસાબ આપે છે. (હિબ્રૂ. ૧૩:૧૭; ૧ પિત. ૫:૨, ૩) યહોવાએ ઈસુ વિશે ભવિષ્યવાણી કરી અને કહ્યું: “જુઓ, મેં તેને પ્રજાઓ માટે સાક્ષી બનાવ્યો છે, પ્રજાઓનો આગેવાન અને અધિકારી બનાવ્યો છે.” (યશા. ૫૫:૪) એ ભવિષ્યવાણી પૂરી થઈ છે, એ વિશે ઈસુએ શિષ્યોને કહ્યું: “તમે પોતાને આગેવાન ન કહેવડાવો, કેમ કે તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત.”—માથ. ૨૩:૧૦.
૬ ઈસુએ કહ્યું: “ઓ થાકી ગયેલા અને બોજથી દબાયેલા લોકો! તમે બધા મારી પાસે આવો અને હું તમને તાજગી આપીશ. મારી ઝૂંસરી તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું. મારી પાસેથી તમને તાજગી મળશે. મારી ઝૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હલકો છે.” (માથ. ૧૧:૨૮-૩૦) ઈસુના શબ્દોથી ખબર પડે છે કે તે આપણા વિશે કેટલું વિચારે છે. તે આપણને મદદ કરવા આતુર છે. તે ખ્રિસ્તી મંડળને પ્રેમથી માર્ગદર્શન આપે છે, જેથી બધાને તાજગી મળે. આમ, તેમણે પિતા યહોવાને પગલે ચાલીને બતાવી આપ્યું કે તે “ઉત્તમ ઘેટાંપાળક” છે.—યોહા. ૧૦:૧૧; યશા. ૪૦:૧૧.
૭ પાઉલે કોરીંથીઓને લખેલા પહેલા પત્રમાં ઈસુ ખ્રિસ્તની બીજી એક ભૂમિકા વિશે જણાવ્યું. તેમણે લખ્યું: “ઈશ્વર બધા દુશ્મનોને ખ્રિસ્તના પગ નીચે ન લાવે ત્યાં સુધી, ખ્રિસ્તે રાજા તરીકે રાજ કરવાનું છે. પણ બધું દીકરાને આધીન કરી દેવામાં આવશે ત્યારે, દીકરો પણ પોતાને બધું આધીન કરનાર ઈશ્વરને આધીન થઈ જશે, જેથી ઈશ્વર જ બધા પર રાજ કરે.” (૧ કોરીં. ૧૫:૨૫, ૨૮) ઈશ્વરે સૌથી પહેલા ઈસુનું સર્જન કર્યું હતું અને તે પૃથ્વી પર આવ્યા એ પહેલાં ઈશ્વર સાથે “કુશળ કારીગર” તરીકે કામ કરતા હતા. (નીતિ. ૮:૨૨-૩૧) ઈશ્વરે ઈસુને પૃથ્વી પર મોકલ્યા ત્યારે, તેમણે હંમેશાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કર્યું. તેમણે સૌથી મોટી કસોટી સહન કરી અને છેલ્લા શ્વાસ સુધી પિતાને વફાદાર રહ્યા. (યોહા. ૪:૩૪; ૧૫:૧૦) એટલે ઈશ્વરે તેમને જીવતા કર્યા અને સ્વર્ગના રાજ્યના રાજા બનવાનો અધિકાર આપ્યો. (પ્રે.કા. ૨:૩૨-૩૬) ઈશ્વરે ખ્રિસ્ત ઈસુને જોરદાર જવાબદારી સોંપી છે. તે લાખો દૂતો સાથે આવીને પૃથ્વી પરથી માણસોની સરકારોનો નાશ કરશે અને દુષ્ટતાનું નામનિશાન મિટાવી દેશે. (નીતિ. ૨:૨૧, ૨૨; ૨ થેસ્સા. ૧:૬-૯; પ્રકટી. ૧૯:૧૧-૨૧; ૨૦:૧-૩) ખ્રિસ્ત સ્વર્ગમાંથી રાજ કરશે અને આખી દુનિયામાં ફક્ત ઈશ્વરનું જ રાજ્ય હશે.—પ્રકટી. ૧૧:૧૫.
ખ્રિસ્તની ભૂમિકાને સમજવાનો અને સ્વીકારવાનો શું અર્થ થાય?
૮ ઉત્તમ દાખલો બેસાડનાર ઈસુ ખ્રિસ્તમાં જરાય પાપ નથી. આપણી સંભાળ રાખવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. તે પ્રેમથી આપણી સંભાળ રાખે છે અને બધી જરૂરિયાતો પૂરી પાડે છે. પણ એનો લાભ લેવા આપણે શું કરવું જોઈએ? આપણે યહોવાને વફાદાર રહીએ અને તેમના સંગઠન સાથે ચાલતા રહીએ.
૯ પહેલી સદીના શિષ્યો સારી રીતે સમજતા હતા અને સ્વીકારતા હતા કે ઈશ્વરે કરેલી ગોઠવણમાં ખ્રિસ્તની ભૂમિકા મહત્ત્વની છે. એટલે તેઓએ મંડળના શિર ખ્રિસ્તને આધીન રહીને કામ કર્યું. ઈસુએ પવિત્ર શક્તિ દ્વારા જે માર્ગદર્શન આપ્યું એ તેઓએ સ્વીકાર્યું અને સંપીને કામ કર્યું. (પ્રે.કા. ૧૫:૧૨-૨૧) અભિષિક્તોથી બનેલા મંડળની એકતા વિશે પ્રેરિત પાઉલે લખ્યું: “આપણે સત્ય બોલીએ અને સર્વ વાતોમાં પ્રેમથી પ્રેરાઈને ખ્રિસ્તમાં વધતા જઈએ, જે આપણા આગેવાન છે. ખ્રિસ્ત દ્વારા શરીરનાં બધાં અંગો એકબીજા સાથે જોડાયેલાં છે. એ અંગો દરેક સાંધાની મદદથી એકબીજા સાથે મળીને સોંપેલું કામ કરે છે. જ્યારે દરેક અંગ બરાબર કામ કરે છે, ત્યારે શરીરનો વિકાસ થાય છે અને પ્રેમમાં મજબૂત થતું જાય છે.”—એફે. ૪:૧૫, ૧૬.
૧૦ મંડળમાં બધા એકબીજાને સાથ-સહકાર આપે, ખ્રિસ્તને આધીન રહે અને સંપીને કામ કરે ત્યારે, મંડળની પ્રગતિ થાય છે અને એકબીજા માટેનો પ્રેમ વધે છે. એ પ્રેમ “એકતાનું સંપૂર્ણ બંધન છે.”—કોલો. ૩:૧૪; ૧ કોરીં. ૧૨:૧૪-૨૬.
૧૧ આજે દુનિયામાં બની રહેલી ઘટનાઓથી બાઇબલની ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. એનાથી સાબિત થાય છે કે ૧૯૧૪માં ઈસુને ઈશ્વરના રાજ્યની સત્તા સોંપવામાં આવી. તે હમણાં દુશ્મનોની હાજરીમાં રાજ કરી રહ્યા છે. (ગીત. ૨:૧-૧૨; ૧૧૦:૧, ૨) પૃથ્વી પર રહેનારાઓ માટે એ વાત કેમ મહત્ત્વની છે? ઈસુ જલદી જ ઈશ્વરની આજ્ઞા માનીને દુશ્મનોને સજા કરશે. એનાથી સાબિત થશે કે તે રાજાઓના રાજા અને માલિકોના માલિક છે. (પ્રકટી. ૧૧:૧૫; ૧૨:૧૦; ૧૯:૧૬) એદન બાગમાં આદમ-હવાએ બંડ પોકાર્યું ત્યારે યહોવાએ જે વચન આપ્યું હતું એ વચન હવે તે પૂરું કરશે. એ વચન પ્રમાણે યહોવા એવા લોકોને છોડાવશે, જે ખ્રિસ્તની જમણી બાજુ છે અને જેમના પર તેમની કૃપા છે. (માથ. ૨૫:૩૪) ઈશ્વરે કરેલી ગોઠવણમાં ખ્રિસ્તની ભૂમિકા સમજીને અને એને સ્વીકારીને આપણે ઘણા ખુશ છીએ! ચાલો આ છેલ્લા દિવસોમાં ખ્રિસ્તની આજ્ઞાઓ પાળીએ અને એક થઈને યહોવાની ભક્તિ કરીએ.