પ્રકરણ ૫
ટોળાની દેખરેખ રાખતા વડીલો
ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર સેવા આપતા હતા ત્યારે તેમણે પોતાનાં કામોથી બતાવ્યું કે તે “ઉત્તમ ઘેટાંપાળક” છે. (યોહા. ૧૦:૧૧) એકવાર લોકોનાં ટોળેટોળાં ઈસુની વાતો સાંભળવા તેમની પાછળ આવી રહ્યાં હતાં. એ જોઈને “ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંની જેમ હેરાન થયેલા અને નિરાધાર હતા.” (માથ. ૯:૩૬) ઈસુ લોકોને પ્રેમ કરતા હતા અને તેઓની સંભાળ રાખતા હતા. એ પિતર અને બીજા પ્રેરિતોએ નજરોનજર જોયું. ઇઝરાયેલના દુષ્ટ ઘેટાંપાળકો કરતાં ઈસુ એકદમ અલગ હતા! એ પાળકોએ ટોળા પર જરાય ધ્યાન આપ્યું ન હતું. એટલે ઘેટાં જેવા લોકો આમતેમ વિખેરાઈ ગયા હતા અને તેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો હતો. (હઝકિ. ૩૪:૭, ૮) ઈસુએ લોકોને શીખવવામાં અને તેઓની સંભાળ રાખવામાં ઉત્તમ દાખલો બેસાડ્યો. અરે, તેઓ માટે પોતાનો જીવ પણ આપી દીધો! તેમના દાખલાથી પ્રેરિતોને શીખવા મળ્યું કે તેઓ કઈ રીતે શ્રદ્ધા બતાવતા લોકોને મદદ કરી શકે, જેથી એ લોકો ‘જીવનના પાળક અને દેખરેખ રાખનાર’ યહોવાની પાસે પાછા આવી શકે.—૧ પિત. ૨:૨૫.
૨ એક વાર ઈસુએ પિતર સાથે વાત કરતી વખતે તેમને સમજાવ્યું કે ઘેટાંને ખવડાવવું અને તેઓની સંભાળ રાખવી ખૂબ મહત્ત્વનું છે. (યોહા. ૨૧:૧૫-૧૭) એ વાત ચોક્કસ પિતરના દિલને સ્પર્શી ગઈ હશે. એટલે સમય જતાં તેમણે પહેલી સદીના ખ્રિસ્તી મંડળના વડીલોને સલાહ આપી: “ઘેટાંપાળક તરીકે ઈશ્વરના ટોળાની સંભાળ રાખો, જે તમને સોંપાયેલું છે. દેખરેખ રાખનારની જેમ સેવા કરો, ફરજ પડ્યાથી નહિ, પણ ઈશ્વર આગળ ખુશીથી સેવા કરો. બેઈમાનીની કમાણી માટે નહિ, પણ ઉત્સાહથી કરો. ઈશ્વરની સંપત્તિ પર હુકમ ન ચલાવો, પણ ટોળા માટે દાખલો બેસાડો.” (૧ પિત. ૫:૧-૩) પિતરના એ શબ્દો આજે પણ મંડળના વડીલોને લાગુ પડે છે. વડીલો ઈસુની જેમ ખુશીથી અને પૂરા ઉત્સાહથી યહોવાની સેવામાં આગેવાની લે છે. આમ તેઓ યહોવાની સેવામાં ટોળા માટે દાખલો બેસાડે છે.—હિબ્રૂ. ૧૩:૭.
વડીલો ઈસુની જેમ ખુશીથી અને પૂરા ઉત્સાહથી યહોવાની સેવામાં આગેવાની લે છે. આમ તેઓ યહોવાની સેવામાં ટોળા માટે દાખલો બેસાડે છે
૩ યહોવાએ મંડળની દેખરેખ રાખવા પવિત્ર શક્તિથી વડીલો નીમ્યા છે. એ માટે આપણે કેટલા આભારી છીએ! તેઓની સેવાથી આપણને ઘણા ફાયદા થાય છે. દાખલા તરીકે, વડીલો મંડળમાં બધાને ઉત્તેજન આપે છે અને દરેકનું ધ્યાન રાખે છે. તેઓ દર અઠવાડિયે મંડળની સભાઓ ચલાવવા ખૂબ મહેનત કરે છે. એના લીધે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત થાય છે. (રોમ. ૧૨:૮) તેઓ દુષ્ટ લોકો અથવા બીજા જોખમોથી આપણું રક્ષણ કરે છે. એટલે આપણે સલામત રહી શકીએ છીએ. (યશા. ૩૨:૨; તિત. ૧:૯-૧૧) તેઓ ખુશખબર જણાવવાના કામમાં આગેવાની લે છે. એનાથી આપણને પણ ઉત્તેજન મળે છે કે દર મહિને ખુશખબર જણાવતા રહીએ. (હિબ્રૂ. ૧૩:૧૫-૧૭) યહોવાએ એ ‘માણસો ભેટ તરીકે આપીને’ મંડળને મજબૂત કરવા ગોઠવણ કરી છે.—એફે. ૪:૮, ૧૧, ૧૨.
વડીલો માટે લાયકાત
૪ મંડળની સારી દેખરેખ રાખવા અમુક ભાઈઓને નીમવામાં આવે છે. પણ જરૂરી છે કે તેઓ બાઇબલમાં જણાવેલી લાયકાતો પ્રમાણે યોગ્ય ઠરે. જો તેઓ યોગ્ય ઠરે, તો જ કહી શકાય કે તેઓ પવિત્ર શક્તિથી પસંદ થયા છે. (પ્રે.કા. ૨૦:૨૮) મંડળની દેખરેખ રાખવી એક મોટી જવાબદારી છે. એટલે બાઇબલમાં વડીલો માટે બહુ ઊંચાં ધોરણો આપ્યાં છે. પણ એ એટલાં પણ ઊંચાં નથી કે એ પ્રમાણે ચાલી ન શકાય. જો તેઓ ખરા દિલથી યહોવાને પ્રેમ કરતા હશે અને તેમની સેવા કરવા તૈયાર હશે તો તેઓ એ ધોરણો પ્રમાણે ચાલી શકશે. મંડળમાં બધા એ સાફ જોઈ શકતા હોવા જોઈએ કે વડીલ રોજબરોજના જીવનમાં બાઇબલની સલાહ લાગુ પાડે છે.
મંડળની સારી દેખરેખ રાખવા અમુક ભાઈઓને નીમવામાં આવે છે. પણ જરૂરી છે કે તેઓ બાઇબલમાં જણાવેલી લાયકાતો પ્રમાણે યોગ્ય ઠરે
૫ મંડળની દેખરેખ રાખતા વડીલોમાં અમુક લાયકાતો હોવી જોઈએ. એ વિશે પ્રેરિત પાઉલે તિમોથીને લખેલા પહેલા પત્રમાં અને તિતસને લખેલા પત્રમાં જણાવ્યું હતું. ૧ તિમોથી ૩:૧-૭માં લખ્યું છે: “જો કોઈ માણસ મંડળની દેખરેખ રાખનાર બનવા માંગતો હોય અને એ માટે મહેનત કરતો હોય, તો તે સારા કામની ઇચ્છા રાખે છે. એટલે દેખરેખ રાખનાર માણસ દોષ વગરનો, એક પત્નીનો પતિ, દરેક વાતમાં સંયમ રાખનાર, સમજુ, વ્યવસ્થિત, મહેમાનગતિ કરનાર અને શીખવી શકે એવો હોવો જોઈએ. તે દારૂડિયો અને હિંસક નહિ, પણ વાજબી હોવો જોઈએ. તે ઝઘડાખોર અને પૈસાનો પ્રેમી ન હોવો જોઈએ. તે પોતાના કુટુંબની સારી સંભાળ રાખનાર હોવો જોઈએ, તે પોતાનાં બાળકોને કહ્યામાં અને પૂરેપૂરી મર્યાદામાં રાખતો હોવો જોઈએ. (કેમ કે જો કોઈ માણસ પોતાના કુટુંબની સંભાળ રાખી શકતો ન હોય, તો તે ઈશ્વરના મંડળની સંભાળ કઈ રીતે રાખશે?) તે શ્રદ્ધામાં નવો ન હોવો જોઈએ, નહિ તો કદાચ તે અભિમાનને લીધે ફુલાઈ જશે અને શેતાનના જેવી સજા તેના પર આવી પડશે. એટલું જ નહિ, મંડળની બહારના લોકોમાં પણ તેની શાખ સારી હોવી જોઈએ, જેથી તેની બદનામી ન થાય અને તે શેતાનના ફાંદામાં આવી ન પડે.”
૬ પાઉલે તિતસને લખ્યું: “હું એટલા માટે તને ક્રીત ટાપુ પર છોડીને ગયો હતો કે ત્યાં વણસી ગયેલા સંજોગોને તું સુધારે અને મારા જણાવ્યા પ્રમાણે શહેરેશહેર વડીલો નીમે. તું એવા ભાઈને પસંદ કરજે, જેના પર કોઈ આરોપ ન હોય, જે એક જ પત્નીનો પતિ હોય, જેનાં બાળકો શ્રદ્ધા રાખનાર હોય, એ બાળકો પર ખરાબ ચાલ-ચલણનો કે બંડખોર હોવાનો આરોપ ન હોય. ઈશ્વરના કારભારી તરીકે મંડળની દેખરેખ રાખનાર પર કોઈ આરોપ ન હોવો જોઈએ. તે ઉદ્ધત, ગુસ્સાવાળો, દારૂડિયો, હિંસક અને ખોટી રીતે લાભ મેળવવાનો લાલચુ ન હોવો જોઈએ. પણ તે મહેમાનગતિ કરનાર, ભલાઈ ચાહનાર, સમજુ, નેક, વફાદાર અને સંયમ રાખનાર હોવો જોઈએ. તે કુશળતાથી શીખવે ત્યારે ખરાં વચનોને ચુસ્ત રીતે વળગી રહેનાર હોવો જોઈએ, જેથી લાભકારક શિક્ષણથી તે ઉત્તેજન આપી શકે અને એ શિક્ષણ વિરુદ્ધ બોલનારને ઠપકો આપી શકે.”—તિત. ૧:૫-૯.
૭ વડીલો માટે બાઇબલમાં જણાવેલી જરૂરિયાતો પૂરી કરવી કદાચ ભાઈઓને અઘરું લાગી શકે. પણ તેઓએ એ માટે મહેનત કરવામાં પાછી પાની કરવી ન જોઈએ. તેઓએ વડીલ બનવા જરૂરી ગુણો કેળવતા રહેવું જોઈએ. જ્યારે ભાઈઓ એવા ગુણો પ્રમાણે જીવવા મહેનત કરે છે, ત્યારે મંડળમાં બીજાઓને પણ એમ કરવાનું ઉત્તેજન મળે છે. પાઉલે લખ્યું કે ઈશ્વરે આપણને “માણસો ભેટ તરીકે આપ્યા” છે, “જેથી પવિત્ર જનોમાં સુધારો થાય, સેવાનાં કામ થાય અને ખ્રિસ્તનું શરીર દૃઢ થાય. આ રીતે તેઓ આપણને મદદ કરશે, જેથી આપણે શ્રદ્ધામાં અને ઈશ્વરના દીકરાના ખરા જ્ઞાનમાં એક થઈને પૂરેપૂરી વૃદ્ધિ પામીએ અને ખ્રિસ્તની જેમ પરિપક્વ થઈએ.”—એફે. ૪:૮, ૧૨, ૧૩.
૮ એકદમ યુવાન હોય કે હાલમાં જ બાપ્તિસ્મા લીધું હોય એવા ભાઈઓને વડીલની જવાબદારી સોંપવામાં આવતી નથી. એને બદલે એવા ભાઈઓને જવાબદારી સોંપવામાં આવે છે, જેઓ ઘણા સમયથી યહોવાની વફાદારીથી ભક્તિ કરે છે, જેઓ પાસે બાઇબલનું સારું જ્ઞાન છે અને એના સિદ્ધાંતો સારી રીતે સમજે છે તેમજ જેઓનાં દિલમાં મંડળનાં બધાં ભાઈ-બહેનો માટે ખરો પ્રેમ છે. જો મંડળમાં કોઈ વ્યક્તિ ખોટું કામ કરે તો તેઓ જોઈને બેસી નથી રહેતા, પણ હિંમત બતાવે છે અને તેને સુધારે છે. આમ, તેઓ ઘેટાંનું એવા લોકોથી રક્ષણ કરે છે, જેઓ પોતાના સ્વાર્થ માટે ઘેટાંનો ખોટો ફાયદો ઉઠાવવા માંગે છે. (યશા. ૩૨:૨) વડીલોનાં કામોથી મંડળનાં ભાઈ-બહેનો જોઈ શકતાં હોવાં જોઈએ કે તેઓ શ્રદ્ધામાં મજબૂત છે, સમજદાર છે અને ઈશ્વરના ટોળાની દિલથી સંભાળ રાખે છે.
૯ જે ભાઈઓ વડીલ બનવા મહેનત કરે છે, તેઓ જીવનમાં સમજદારીથી નિર્ણયો લે છે. જો એક વડીલે લગ્ન કર્યા હોય, તો તે બાઇબલમાં લગ્ન માટે આપેલાં ધોરણોને લાગુ પાડે છે, એટલે કે તેમને એક જ પત્ની છે અને તે પોતાના કુટુંબની સારી સંભાળ રાખે છે. જો ભાઈને બાળકો હોય તો તેઓ શ્રદ્ધા રાખતા હોવા જોઈએ, તે પોતાનાં બાળકોને કહ્યામાં અને પૂરેપૂરી મર્યાદામાં રાખતા હોવા જોઈએ. એ બાળકો પર ખરાબ ચાલ-ચલણનો કે બંડખોર હોવાનો આરોપ ન હોવો જોઈએ. જો વડીલ એ ધોરણો લાગુ પાડતા હશે, તો કુટુંબ અને ભક્તિ વિશે માર્ગદર્શન મેળવવા મંડળનાં ભાઈ-બહેનો અચકાયા વગર તેમની મદદ લેશે. દેખરેખ રાખનાર ભાઈ દોષ વગરના હોય છે, તેમના પર કોઈ આરોપ હોતો નથી. મંડળની બહારના લોકોમાં પણ તેમની શાખ સારી હોય છે. તેમના પર ખરાબ વાણી-વર્તનનો આરોપ ન હોવો જોઈએ, નહિતર મંડળનું નામ બદનામ થશે. વડીલની જવાબદારી એવા કોઈ ભાઈને સોંપવામાં નથી આવતી, જેમણે હાલમાં જ ગંભીર પાપ કર્યું હોય અને એ માટે તેમને ઠપકો આપવામાં આવ્યો હોય. દેખરેખ રાખનારા ભાઈઓ સારો દાખલો બેસાડે છે ત્યારે, મંડળનાં ભાઈ-બહેનોને પણ તેઓ જેવું કરવા ઉત્તેજન મળે છે. ભાઈ-બહેનોને પૂરી ખાતરી છે કે વડીલો તેઓની સારી દેખરેખ રાખશે, જેથી તેઓનો યહોવા સાથેનો સંબંધ મજબૂત રહે.—૧ કોરીં. ૧૧:૧; ૧૬:૧૫, ૧૬.
૧૦ ખ્રિસ્તી મંડળના વડીલોની જવાબદારી ઇઝરાયેલના વડીલો જેવી જ છે. ઇઝરાયેલના વડીલોને “બુદ્ધિમાન, સમજુ અને અનુભવી” કહેવામાં આવતા હતા. (પુન. ૧:૧૩) એવું નથી કે મંડળના વડીલોથી કોઈ ભૂલ થતી નથી. પણ તેઓ મંડળમાં અને સમાજમાં સાચા માર્ગે ચાલનાર અને ભગવાનનો ડર રાખનાર તરીકે જાણીતા હોય છે. તેઓના જીવનથી દેખાઈ આવે છે કે તેઓ ઈશ્વરના સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. તેઓ સચ્ચાઈથી ચાલે છે એટલે તેઓ મંડળમાં સંકોચ વગર અને હિંમતથી શીખવી શકે છે.—રોમ. ૩:૨૩.
૧૧ વડીલની જવાબદારી માટે લાયકાત ધરાવતા ભાઈઓ બીજાઓ સાથેના વર્તનમાં અને દરેક વાતમાં સંયમ રાખે છે. તેઓ કોઈ પણ બાબતમાં પોતાની જ વાત પકડી રાખતા નથી, પણ યોગ્ય વલણ બતાવે છે અને સંયમ રાખે છે. તેઓ ખાવા-પીવામાં, રમત-ગમતમાં, મોજશોખ અને મનોરંજન કરવામાં સંયમ રાખે છે. દારૂ પીવામાં પણ તેઓ સંયમ રાખે છે, જેથી તેઓ પર વધારે પડતો દારૂ પીવાનો કે દારૂડિયા હોવાનો આરોપ ન લાગે. દારૂના નશામાં ધૂત હોય એવી વ્યક્તિ સમજી-વિચારીને વર્તી શકતી નથી, એટલે તે સંયમ ગુમાવી દેશે અને મંડળની દેખરેખ રાખી નહિ શકે.
૧૨ મંડળની દેખરેખ રાખવા માટે વડીલ દરેક કામ વ્યવસ્થિત રીતે કરે એ ખૂબ જરૂરી છે. તેમની સારી આદતો તેમનાં દેખાવમાં, ઘરમાં અને રોજબરોજનાં કામોમાં જોવા મળે છે. તે કોઈ પણ કામમાં ઢીલ કરતા નથી. તે પહેલેથી વિચારે છે કે કયા કામ કરવાના છે અને એ પૂરાં કરવા યોજના બનાવે છે. તે ઈશ્વરના સિદ્ધાંતોને વળગી રહે છે.
૧૩ વડીલ વાજબી હોવા જોઈએ. તેમણે વડીલોના જૂથ સાથે સંપીને અને સાથ-સહકારથી કામ કરવું જોઈએ. તેમણે પોતાના વિશે યોગ્ય વલણ રાખવું જોઈએ અને બીજાઓ પાસેથી પણ વધારે પડતી અપેક્ષા રાખવી ન જોઈએ. જો વડીલ વાજબી હશે, તો પોતાની વાતને પકડી નહિ રાખે અને પોતાના વિચારોને બીજા વડીલોના વિચારો કરતાં ચઢિયાતા નહિ ગણે. કદાચ બીજાઓમાં એવા ગુણો કે આવડતો હોય, જે એ વડીલમાં નથી. એક વડીલે બાઇબલ સિદ્ધાંતોને આધારે નિર્ણય લેવો જોઈએ અને ઈસુ ખ્રિસ્તના પગલે ચાલવા બનતું બધું કરવું જોઈએ. એમ કરશે તો દેખાઈ આવશે કે તે વાજબી છે. (ફિલિ. ૨:૨-૮) વડીલ ઝઘડાખોર કે હિંસક હોતા નથી, પણ તે બીજાઓનો આદર કરે છે અને બીજાઓને પોતાના કરતાં ચઢિયાતા ગણે છે. તે ઉદ્ધત હોતા નથી એટલે કે તે જિદ્દ પકડીને બેસી નથી રહેતા કે બીજાઓ તેમના કહ્યા પ્રમાણે કામ કરે અથવા તેમના વિચારો સ્વીકારી લે. તે ગુસ્સાવાળા હોતા નથી, પણ બીજાઓ સાથે શાંતિથી વર્તે છે.
૧૪ મંડળમાં વડીલની જવાબદારી નિભાવતા ભાઈ સમજુ હોય છે. એટલે કે તે મુશ્કેલ સંજોગોમાં પણ શાંત રહે છે અને ઉતાવળે નિર્ણય લેતા નથી. તે યહોવાના સિદ્ધાંતો જાણે છે અને એને કઈ રીતે લાગુ પાડવા એ પણ સારી રીતે જાણે છે. કોઈ સલાહ અને માર્ગદર્શન મળે ત્યારે સમજુ વડીલ એ સ્વીકારે છે. તે કોઈ પણ બાબતમાં ઢોંગ કરતા નથી.
૧૫ પાઉલે તિતસને યાદ અપાવ્યું કે વડીલ ભલાઈ ચાહનાર હોય છે. તે નેક અને વફાદાર હોય છે. બીજાઓ સાથેના તેમના વર્તનમાં એ ગુણો સાફ દેખાઈ આવે છે. તે જે સાચું અને ખરું છે એ જ કરે છે. તે યહોવાની ભક્તિમાં ઢચુપચુ હોતા નથી અને બધા સંજોગોમાં યહોવાનાં નેક ધોરણોને વળગી રહે છે. તે ખાનગી વાતો બીજાઓને કહેતા નથી. તે ખરા દિલથી મહેમાનગતિ બતાવે છે. તે બીજાઓને મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે અને ઉદારતાથી પોતાની ચીજવસ્તુઓ વાપરે છે.—પ્રે.કા. ૨૦:૩૩-૩૫.
૧૬ દેખરેખ રાખવાની જવાબદારી સારી રીતે નિભાવવા જરૂરી છે કે વડીલ શીખવી શકે એવા હોવા જોઈએ. પાઉલે તિતસને લખ્યું હતું તેમ, વડીલ ‘કુશળતાથી શીખવે ત્યારે ખરાં વચનોને ચુસ્ત રીતે વળગી રહેનાર હોવા જોઈએ, જેથી લાભકારક શિક્ષણથી તે ઉત્તેજન આપી શકે અને એ શિક્ષણ વિરુદ્ધ બોલનારને ઠપકો આપી શકે.’ (તિત. ૧:૯) વડીલ શીખવતી વખતે કારણો આપીને સમજાવે છે, પુરાવાઓ રજૂ કરે છે અને કોઈ સવાલ ઊભો થાય તો જવાબ આપે છે. તે કલમોને એ રીતે સમજાવે છે, જેથી સાંભળનારાઓને ખાતરી થાય અને તેઓની શ્રદ્ધા વધે. સંજોગો સારા હોય કે ખરાબ એક વડીલ સારી રીતે શીખવે છે. (૨ તિમો. ૪:૨) તેમનામાં ધીરજનો ગુણ હોય છે એટલે તે ખોટું કરનારને પ્રેમથી સુધારે છે, શંકા કરનારને ખાતરી કરાવે છે અને શ્રદ્ધાને આધારે સારાં કામો કરવા ઉત્તેજન આપે છે. જ્યારે કોઈ ભાઈ એક વ્યક્તિને અથવા ઘણા બધા લોકોને શીખવી શકે છે, ત્યારે દેખાઈ આવે છે કે તેમનામાં એ લાયકાત છે જે વડીલ બનવા ખૂબ મહત્ત્વની છે.
૧૭ ઈસુ માટે પ્રચારકામ જીવનમાં સૌથી મહત્ત્વનું હતું. વડીલોએ પણ પૂરા ઉત્સાહથી પ્રચારમાં ભાગ લેવો જોઈએ. આ રીતે બતાવી આપે છે કે તેઓ ઈસુને પગલે ચાલવા પૂરી મહેનત કરે છે. ઈસુએ શિષ્યોને મદદ કરી, જેથી તેઓ સારા પ્રચારકો બની શકે. (માર્ક ૧:૩૮; લૂક ૮:૧) વડીલો બીજાં કામોમાં વ્યસ્ત હોય છે, તોપણ તેઓ ખુશખબર ફેલાવવા બનતું બધું કરે છે. તેઓને જોઈને મંડળનાં ભાઈ-બહેનો પણ ખુશખબર ફેલાવવા એવો જ ઉત્સાહ બતાવે છે. વડીલો પોતાનાં કુટુંબ સાથે અને મંડળનાં ભાઈ-બહેનો સાથે પ્રચારમાં સમય વિતાવે છે ત્યારે, ‘અરસપરસ ઉત્તેજન મળે છે.’—રોમ. ૧:૧૧, ૧૨.
૧૮ બાઇબલમાં વડીલો માટે ઊંચાં ધોરણો આપ્યાં છે. એ જોઈને લાગી શકે કે વડીલો પાસે વધારે પડતી અપેક્ષા રાખવામાં આવે છે. ખરું કે કોઈ પણ વડીલ એ પૂરી રીતે પાળી નહિ શકે. પણ તેઓ એ લાયકાતોમાં એટલાય ઊતરતા ન હોવા જોઈએ કે તેઓમાં એ મોટી નબળાઈ તરીકે દેખાઈ આવે. જોકે મંડળના બધા જ વડીલો એકસરખા હોતા નથી. દરેક વડીલમાં અલગ અલગ ગુણો અને આવડતો હોય છે. આમ વડીલોના જૂથ તરીકે તેઓમાં એ બધા ગુણો હોય છે, જે ઈશ્વરના મંડળની સારી દેખરેખ રાખવા જરૂરી છે.
૧૯ વડીલોનું જૂથ કોઈ ભાઈને વડીલ બનાવવાની ભલામણ કરે ત્યારે, પાઉલના આ શબ્દો યાદ રાખવા જોઈએ: “હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો. પણ સમજુ બનો અને ઈશ્વરે તમને જેટલી શ્રદ્ધા આપી છે, એ પ્રમાણે તમે પોતાનો ન્યાય કરો.” (રોમ. ૧૨:૩) દરેક વડીલે પોતાને સૌથી નાના ગણવા જોઈએ. તે બીજાઓની લાયકાતો તપાસે ત્યારે તેમણે પોતાને ‘વધુ પડતા નેક’ ગણવા ન જોઈએ. (સભા. ૭:૧૬) વડીલોના જૂથે દેખરેખ રાખનાર માટે બાઇબલમાં જણાવેલી લાયકાતો ધ્યાનમાં રાખવી જોઈએ અને કોઈ ભાઈની ભલામણ કરતા પહેલાં આ સવાલ પર વિચાર કરવો જોઈએ: ‘શું આ ભાઈએ બની શકે એટલી હદે એ લાયકાતો કેળવી છે કે નહિ?’ વડીલો કોઈ પણ પક્ષપાત કે કપટ વગર ભલામણ કરશે. તેઓ યાદ રાખશે કે બધા પાપી છે એટલે એ ભાઈમાં પણ અમુક ખામી હોય શકે છે. તેઓ યહોવાનાં નેક ધોરણો માટે માન બતાવશે અને મંડળના લાભ માટે જે સારું હશે, એ ધ્યાનમાં રાખીને ભલામણ કરશે. તેઓ પ્રાર્થના કરીને વિચાર કરશે અને યહોવાની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કરશે. વડીલો પાસે એ ભારે જવાબદારી છે એટલે તેઓએ પાઉલની આ સલાહ પ્રમાણે કરવું જોઈએ: “કોઈ માણસ પર હાથ મૂકવામાં ઉતાવળ ન કરતો.”—૧ તિમો. ૫:૨૧, ૨૨, ફૂટનોટ.
પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ
૨૦ બાઇબલમાં વડીલો માટે જણાવેલી લાયકાતો કેળવીને એક ભાઈ બતાવે છે કે તે પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે. તેમના જીવનમાં પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો સાફ દેખાઈ આવે છે. પાઉલે એ નવ ગુણો વિશે જણાવ્યું હતું: “પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, શ્રદ્ધા, કોમળતા અને સંયમ.” (ગલા. ૫:૨૨, ૨૩) એવા ગુણો બતાવતા વડીલોથી ભાઈ-બહેનોને તાજગી મળે છે અને મંડળ એક થઈને ઈશ્વરની પવિત્ર સેવા કરી શકે છે. વડીલોનાં સારાં વાણી-વર્તનથી અને તેઓની મહેનતનાં સારાં પરિણામોથી સાફ જોવા મળે છે કે તેઓને પવિત્ર શક્તિથી નીમવામાં આવ્યા છે.—પ્રે.કા. ૨૦:૨૮.
એકતા મજબૂત કરતા ભાઈઓ
૨૧ મંડળની એકતા મજબૂત કરવા વડીલો સંપીને કામ કરે એ ખૂબ મહત્ત્વનું છે. વડીલોનો સ્વભાવ એકબીજાથી એકદમ અલગ હોય શકે છે. પણ જૂથની એકતા જળવાય રહે એ માટે તેઓ એકબીજાના વિચારોને માન આપે છે અને એકબીજાની વાત ધ્યાનથી સાંભળે છે. તેઓ કોઈ બાબતને લઈને એકબીજા સાથે સહમત ન હોય ત્યારે પણ તેઓ એમ કરે છે. જ્યાં સુધી બાઇબલનો કોઈ સિદ્ધાંત તૂટતો ન હોય, ત્યાં સુધી વડીલોના જૂથના નિર્ણયને દરેક વડીલે ખુશીથી સ્વીકારવો જોઈએ અને એને ટેકો આપવો જોઈએ. જ્યારે વડીલ ખુશીથી કોઈ નિર્ણય માને છે, ત્યારે તે ‘સ્વર્ગમાંથી મળતી બુદ્ધિ’ પ્રમાણે ચાલે છે, જે ‘શાંતિપ્રિય અને વાજબી’ છે. (યાકૂ. ૩:૧૭, ૧૮) કોઈ વડીલે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણવા ન જોઈએ. તેમણે પોતાના વિચારો બીજાઓ પર થોપી બેસાડવા ન જોઈએ કે રોફ જમાવવો ન જોઈએ. જ્યારે વડીલો મંડળના ભલા માટે સાથે મળીને કામ કરે છે, ત્યારે હકીકતમાં તેઓ યહોવા સાથે મળીને કામ કરે છે.—૧ કોરીં., અધ્યાય ૧૨; કોલો. ૨:૧૯.
વડીલ બનવા મહેનત કરવી
૨૨ પરિપક્વ ભાઈઓએ વડીલ બનવાની ઇચ્છા રાખવી જોઈએ. (૧ તિમો. ૩:૧) વડીલ તરીકે સેવા આપવા સખત મહેનત કરવી પડે છે અને બીજાઓ માટે ઘણું જતું કરવું પડે છે. એક વડીલે ભાઈ-બહેનોને મદદ કરવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ અને ભક્તિને લગતી બાબતોમાં તેઓની સંભાળ રાખવી જોઈએ. જે ભાઈઓ વડીલ બનવા માંગે છે તેઓએ બાઇબલમાં જણાવેલી લાયકાતો કેળવવા મહેનત કરવી જોઈએ.
સંજોગો બદલાય ત્યારે
૨૩ એક વડીલ કદાચ લાંબા સમયથી સેવા આપતા હોય. પણ હવે બીમારી, વધતી ઉંમર કે બીજા કોઈ કારણને લીધે એ જવાબદારી ઉપાડી શકતા નથી. જોકે તેમની પાસે એ જવાબદારી છે ત્યાં સુધી તેમને વડીલ ગણવા જોઈએ અને માન આપવું જોઈએ. તે વધારે કરી શકતા નથી એટલે તેમણે એ જવાબદારી છોડી દેવી ન જોઈએ. તે હજુ પણ બીજા વડીલોની જેમ બમણા માનને યોગ્ય છે, જેઓ ઘણી મહેનત કરે છે અને મંડળની દેખરેખ રાખવા પોતાની આવડતનો સૌથી સારો ઉપયોગ કરે છે.
૨૪ પણ જો વડીલને લાગે કે બદલાયેલા સંજોગોને લીધે તે જવાબદારી સારી રીતે ઉપાડી નહિ શકે અને તે એ જવાબદારી છોડવા માંગતા હોય, તો એ વડીલ એવું કરી શકે છે. (૧ પિત. ૫:૨) તેમને હજુ પણ યોગ્ય માન આપવું જોઈએ. ભલે તે વડીલ તરીકે સેવા નથી આપતા તોપણ તે મંડળને બીજી ઘણી રીતે મદદ કરી શકે છે.
મંડળમાં અલગ અલગ જવાબદારીઓ
૨૫ વડીલો મંડળમાં અલગ અલગ જવાબદારી ઉપાડે છે. તેઓ વડીલોના જૂથના સેવક, સેક્રેટરી, સેવા નિરીક્ષક, ચોકીબુરજ અભ્યાસ સંચાલક તેમજ જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષક તરીકે સેવા આપે છે. ઘણા વડીલો ગ્રૂપ નિરીક્ષક તરીકે સેવા આપે છે. વડીલોની એ બધી જવાબદારીઓ વારેઘડીએ બદલાતી નથી પણ લાંબા સમય માટે હોય છે. પણ જો કોઈ ભાઈ બીજી જગ્યાએ રહેવા જાય, તબિયતને લીધે પોતાની જવાબદારી ઉપાડી શકતા ન હોય અથવા બાઇબલમાં જણાવેલી લાયકાતો પ્રમાણે હવે યોગ્ય ઠરતા ન હોય તો એ જવાબદારી બીજા કોઈ વડીલને સોંપવામાં આવે છે. અમુક મંડળોમાં વડીલો ઓછા હોય છે, એટલે બીજા ભાઈઓ લાયકાત કેળવે ત્યાં સુધી કદાચ એ વડીલોએ એકથી વધારે જવાબદારી ઉપાડવી પડે.
૨૬ વડીલોના જૂથના સેવક (કૉઑર્ડિનેટર) વડીલોના જૂથની સભાના ચેરમેન હોય છે. તે બીજા વડીલો સાથે મળીને ઈશ્વરના ટોળાની દેખરેખ રાખવાનું કામ નમ્રતાથી કરે છે. (રોમ. ૧૨:૧૦; ૧ પિત. ૫:૨, ૩) તેમણે મંડળનાં બધાં કામની સારી ગોઠવણ કરવી જોઈએ અને પૂરા ઉત્સાહથી જવાબદારી નિભાવવી જોઈએ.—રોમ. ૧૨:૮.
૨૭ સેક્રેટરી મંડળના રેકોર્ડ સંભાળે છે અને સંગઠન તરફથી આવતા પત્રો અને જરૂરી માહિતી બીજા વડીલોને જણાવે છે. જો તેમને મદદની જરૂર હોય, તો બીજા વડીલ કે યોગ્ય સહાયક સેવકની મદદ લઈ શકે.
૨૮ સેવા નિરીક્ષક પ્રચાર અને એને લગતાં બીજાં કામોની દેખરેખ રાખે છે. તે બધાં ગ્રૂપની નિયમિત મુલાકાત લેવાની ગોઠવણ કરે છે. એ માટે તે દર મહિને એક શનિ-રવિ કોઈ એક પ્રચારના ગ્રૂપની મુલાકાત લે છે. જો મંડળ નાનું હોય અને ઓછા ગ્રૂપ હોય, તો તે વર્ષમાં બે વાર ગ્રૂપની મુલાકાત લઈ શકે. મુલાકાત દરમિયાન તે પ્રચારની સભા ચલાવશે અને ગ્રૂપ સાથે પ્રચારમાં કામ કરશે. તેમ જ તે પ્રકાશકો સાથે તેઓની ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસમાં જશે અને તેઓને મદદ કરશે.
ગ્રૂપ નિરીક્ષક
૨૯ ગ્રૂપ નિરીક્ષક તરીકે સેવા આપવી એ વડીલ માટે એક ખાસ લહાવો છે. તેમની જવાબદારી કઈ છે? (૧) પ્રચાર ગ્રૂપના દરેક પ્રકાશકનો યહોવા સાથે મજબૂત સંબંધ રહે એ માટે મદદ કરવી. (૨) ગ્રૂપમાં દરેક પ્રકાશક નિયમિત રીતે, ઉત્સાહથી અને આનંદથી પ્રચારમાં ભાગ લે એ માટે મદદ કરવી અને (૩) પોતાના ગ્રૂપના સહાયક સેવકોને વડીલો માટેની લાયકાત કેળવવા મદદ કરવી અને મંડળમાં વધારે જવાબદારી ઉપાડવા તાલીમ આપવી. એ બધી બાબતો ધ્યાનમાં રાખીને વડીલોનું જૂથ નક્કી કરે છે કે કયા ભાઈઓ ગ્રૂપ નિરીક્ષક તરીકે જવાબદારી સારી રીતે નિભાવી શકશે.
૩૦ આ જવાબદારી ઘણી મોટી હોવાથી, શક્ય હોય ત્યાં સુધી એક વડીલ ગ્રૂપ નિરીક્ષકની જવાબદારી ઉપાડશે. પણ વડીલ ન હોય તો યોગ્ય સહાયક સેવક આ જવાબદારી ઉપાડી શકે. આવા સહાયક સેવક ગ્રૂપ સેવક તરીકે ઓળખાશે, કેમ કે તે મંડળમાં વડીલ તરીકે સેવા આપતા નથી. એ જવાબદારી તે વડીલોના માર્ગદર્શન પ્રમાણે નિભાવશે.
૩૧ ગ્રૂપ નિરીક્ષકની મહત્ત્વની જવાબદારી એ છે કે તે પ્રચારમાં આગેવાની લે. તે ખુશખબર ફેલાવવા નિયમિત રીતે અને પૂરા ઉત્સાહથી ભાગ લેશે તો, ગ્રૂપમાં બીજાઓને પણ એવું કરવા ઉત્તેજન મળશે. ભાઈ-બહેનોને એકબીજા સાથે મળીને કામ કરવાથી ઉત્તેજન અને મદદ મળે છે. એટલે ગ્રૂપનાં મોટા ભાગનાં ભાઈ-બહેનોને ફાવે એવા સમયે પ્રચારની ગોઠવણ કરવી જોઈએ. (લૂક ૧૦:૧-૧૬) નિરીક્ષક ધ્યાન આપશે કે ગ્રૂપ પાસે હંમેશાં પૂરતો પ્રચાર વિસ્તાર હોય. પ્રચારની સભા મોટા ભાગે તે ચલાવશે અને પ્રચાર માટે પ્રકાશકોને જરૂરી માર્ગદર્શન આપશે. જો તે સભા ચલાવવા હાજર ન હોય, તો તે બીજા વડીલ કે સહાયક સેવકને એ જવાબદારી સોંપશે. જો તેઓ પણ હાજર ન હોય તો તે યોગ્ય પ્રકાશકને એ જવાબદારી સોંપશે, જેથી ભાઈ-બહેનોને જરૂરી માર્ગદર્શન મળી રહે.
૩૨ સેવા નિરીક્ષક ગ્રૂપની મુલાકાતે આવવાના હોય ત્યારે, ગ્રૂપ નિરીક્ષકે પહેલેથી તૈયારી કરવી જોઈએ. તેમણે ગ્રૂપમાં બધાને એ વિશે પહેલેથી જણાવવું જોઈએ. એ મુલાકાતથી ભાઈ-બહેનોને કેવા ફાયદા થશે એ પણ જણાવવું જોઈએ. એમ કરવાથી તેઓનો ઉત્સાહ વધશે. જો એ મુલાકાતની બધાને પૂરી જાણકારી હશે, તો તેઓ પૂરા જોરશોરથી એને ટેકો આપી શકશે.
૩૩ પ્રચારનું દરેક ગ્રૂપ નાનું રાખવામાં આવે છે, જેથી ગ્રૂપ નિરીક્ષક બધાને સારી રીતે ઓળખી શકે. એક પ્રેમાળ ઘેટાંપાળકની જેમ તે બધાં ભાઈ-બહેનોની દિલથી સંભાળ રાખે છે. તે ગ્રૂપના એકેએક પ્રકાશકને પ્રચાર અને મંડળની સભાઓમાં ભાગ લેવા મદદ કરે છે અને ઉત્તેજન આપે છે. એટલું જ નહિ, દરેક પ્રકાશક ભક્તિમાં મજબૂત રહે એ માટે બની શકે એટલી મદદ કરે છે. તે બીમાર કે નિરાશ ભાઈ-બહેનોની મુલાકાત લઈને તેઓની હિંમત વધારે છે. ગ્રૂપ નિરીક્ષકની સલાહ કે સૂચનથી અમુક ભાઈઓને ઉત્તેજન મળે છે અને તેઓ વધારે જવાબદારીઓ ઉપાડવા મહેનત કરે છે. આમ એ ભાઈઓ મંડળને વધારે મદદ કરી શકે છે. ગ્રૂપ નિરીક્ષક પોતાના ગ્રૂપના બધાને મદદ કરવા ખાસ ધ્યાન આપે છે. એટલું જ નહિ તે એક વડીલ અને ઘેટાંપાળક પણ છે, એટલે મંડળનાં બધાં ભાઈ-બહેનોને પ્રેમ કરે છે અને સંભાળ રાખે છે. જ્યારે જરૂર પડે, ત્યારે તે કોઈ પણ ભાઈ કે બહેનને મદદ કરવા દોડી જાય છે.—પ્રે.કા. ૨૦:૧૭, ૨૮.
૩૪ ગ્રૂપ નિરીક્ષકની જવાબદારી એ પણ છે કે તે ગ્રૂપનાં ભાઈ-બહેનો પાસેથી પ્રચારના રિપોર્ટ ભેગા કરે. પછી તે એ રિપોર્ટ મંડળના સેક્રેટરીને આપે છે. દરેક પ્રકાશક સમયસર પોતાનો રિપોર્ટ આપીને ગ્રૂપ નિરીક્ષકનું કામ સહેલું બનાવી શકે છે. એ માટે તે મહિનાને અંતે પોતાનો રિપોર્ટ ગ્રૂપ નિરીક્ષકને આપી શકે અથવા પ્રાર્થનાઘરમાં રિપોર્ટ માટે મૂકેલા બૉક્સમાં નાખી શકે.
મંડળ સેવા સમિતિ
૩૫ મંડળ સેવા સમિતિમાં વડીલોના સેવક, સેક્રેટરી અને સેવા નિરીક્ષક હોય છે. એ સમિતિ મંડળની અમુક જવાબદારીઓ સંભાળે છે. જેમ કે, લગ્ન માટે અને મરણપ્રસંગના પ્રવચન માટે પ્રાર્થનાઘરનો ઉપયોગ કરવા મંજૂરી આપે છે. સેવા સમિતિ નક્કી કરે છે કે પ્રચાર ગ્રૂપમાં કયા કયા પ્રકાશકો હશે. આ સમિતિ સહાયક પાયોનિયરીંગ, નિયમિત પાયોનિયરીંગ અને બીજી સેવાઓ માટે મળતી અરજીઓને મંજૂર કરે છે. સેવા સમિતિ વડીલોના જૂથના માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે.
૩૬ શાખા કચેરી જણાવે છે કે સેવા સમિતિના ભાઈઓની, ચોકીબુરજ અભ્યાસ સંચાલકની, જીવન અને સેવાકાર્ય સભા નિરીક્ષકની અને જૂથના બીજા વડીલોની જવાબદારીઓ કઈ છે.
૩૭ દરેક મંડળમાં વડીલોનું જૂથ નિયમિત રીતે ભેગું મળે છે. એ સભામાં વડીલો ચર્ચા કરે છે કે યહોવાની ભક્તિમાં ભાઈ-બહેનો કેવું કરી રહ્યાં છે. તેઓ સરકીટ નિરીક્ષકની મુલાકાત વખતે વડીલોની સભા રાખે છે. એ મુલાકાતના આશરે ત્રણ મહિના પછી પણ તેઓ ફરી વડીલોની સભા રાખે છે. ખરું કે અમુક સંજોગોમાં વડીલો કોઈ પણ સમયે ભેગા મળી શકે છે.
આધીન રહો
૩૮ વડીલોથી પણ ભૂલો થાય છે. પણ મંડળમાં બધાને અરજ કરવામાં આવે છે કે તેઓ વડીલોને આધીન રહે, કેમ કે એ ગોઠવણ યહોવાએ કરી છે. એ ભાઈઓ યહોવાના પ્રતિનિધિ છે અને તેમણે જ તેઓને આગેવાની લેવાનો અધિકાર આપ્યો છે. તે વડીલો પાસેથી તેઓનાં કામોનો હિસાબ લેશે. હિબ્રૂઓ ૧૩:૧૭ કહે છે: “જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો અને તેઓને આધીન રહો. કેમ કે તેઓ તમારી સંભાળ રાખે છે અને તેઓએ ઈશ્વરને હિસાબ આપવાનો છે. જો તમે તેઓને આધીન રહેશો, તો તેઓ ખુશી ખુશી કામ કરશે, નહિતર તેઓ કમને કામ કરશે અને તમને જ નુકસાન થશે.” યહોવા પોતાની પવિત્ર શક્તિથી ભાઈઓને વડીલ તરીકે નીમે છે. જો કોઈ ભાઈ પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો પોતાના જીવનમાં ન બતાવે અને શાસ્ત્રમાં જણાવેલી લાયકાતો પ્રમાણે ન જીવે, તો યહોવા એ જ પવિત્ર શક્તિથી વડીલની જવાબદારી લઈ લેશે.
૩૯ મંડળના વડીલો સખત મહેનત કરે છે અને આપણા માટે સુંદર દાખલો બેસાડે છે. એ માટે આપણે તેઓની દિલથી કદર કરીએ છીએ. પાઉલે થેસ્સાલોનિકાના મંડળને પત્રમાં લખ્યું: “ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારામાં જેઓ સખત મહેનત કરે છે, આપણા માલિક ઈસુના કામમાં તમારી આગેવાની લે છે અને તમને શિખામણ આપે છે, તેઓને માન આપો. તેઓનાં કામને લીધે તેઓને પ્રેમથી અનેક ગણો આદર આપો.” (૧ થેસ્સા. ૫:૧૨, ૧૩) મંડળના વડીલોની સખત મહેનતને લીધે આપણે સહેલાઈથી અને ખુશી ખુશી યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. પાઉલે તિમોથીને લખેલા પહેલા પત્રમાં જણાવ્યું હતું કે મંડળનાં ભાઈ-બહેનોએ વડીલો માટે કેવું વલણ રાખવું જોઈએ. તેમણે લખ્યું: “જે વડીલો સારી રીતે આગેવાની લે છે, ખાસ કરીને જેઓ બોલવામાં અને શીખવવામાં સખત મહેનત કરે છે, તેઓ બમણા માનને યોગ્ય છે.”—૧ તિમો. ૫:૧૭.
સંગઠનમાં બીજી જવાબદારીઓ
૪૦ અમુક વડીલોને દર્દીની મુલાકાત લેતા જૂથના સભ્ય તરીકે નીમવામાં આવે છે. બીજા અમુક વડીલો હૉસ્પિટલ સંપર્ક સમિતિના સભ્ય તરીકે સેવા આપે છે. તેઓ હૉસ્પિટલોમાં જઈને ડૉક્ટરોની મુલાકાત લે છે. તેઓ ડૉક્ટરોને યહોવાના સાક્ષીઓની લોહી વગર સારવાર કરતા રહેવા ઉત્તેજન આપે છે. તેમ જ, તેઓ લોહી વગર સારવારની નવી રીતો વાપરવા ડૉક્ટરોને જણાવે છે. બીજા અમુક વડીલો પ્રાર્થનાઘર અને સંમેલનગૃહના બાંધકામમાં અને એની દેખરેખ રાખવામાં મદદ કરે છે. કેટલાક વડીલો મહાસંમેલન સમિતિના સભ્યો તરીકે સેવા આપે છે. આ રીતે તેઓ ઈશ્વરના રાજ્યને લગતાં કામોને આગળ વધારવા મદદ કરે છે. વડીલો જે સખત મહેનત કરે છે અને તન-મનથી સેવા કરે છે એની સંગઠનનાં બધાં ભાઈ-બહેનો દિલથી કદર કરે છે. સાચે જ, ‘એવા ભાઈઓ આપણને વહાલા છે.’—ફિલિ. ૨:૨૯.
સરકીટ નિરીક્ષક
૪૧ નિયામક જૂથ લાયકાત ધરાવતા વડીલોને સરકીટ નિરીક્ષક તરીકે નીમે છે. પછી શાખા કચેરી તેઓને એક સરકીટની જવાબદારી સોંપે છે. તેઓ મોટા ભાગે વર્ષમાં બે વાર સરકીટનાં મંડળોની મુલાકાત લે છે. છુટાછવાયા પ્રચાર વિસ્તારોમાં સેવા આપતા પાયોનિયરોને પણ તેઓ થોડા થોડા સમયે મળે છે. તેઓ પોતાનું શેડ્યુલ બનાવે છે. તેઓ દરેક મંડળની ક્યારે મુલાકાત લેશે એ અગાઉથી જણાવે છે. આમ મંડળો એ મુલાકાતનો પૂરો ફાયદો મેળવી શકે છે.
૪૨ સરકીટ નિરીક્ષકની મુલાકાતથી બધાને તાજગી મળે એટલે વડીલોના સેવક એ મુલાકાતની બધી ગોઠવણો કરવામાં આગેવાની લે છે. (રોમ. ૧:૧૧, ૧૨) વડીલોના સેવકને મુલાકાત વિશે માહિતી મળે ત્યારે તે બીજા ભાઈઓની મદદથી સરકીટ નિરીક્ષક અને તેમની પત્નીની રહેવાની વ્યવસ્થા કરે છે. જો તેઓની કોઈ ખાસ જરૂરિયાત હોય તો એની પણ ગોઠવણ કરે છે. વડીલોના સેવક ધ્યાન રાખે છે કે સરકીટ નિરીક્ષકને અને મંડળનાં બધાં ભાઈ-બહેનોને એ ગોઠવણો વિશે ખબર હોય.
૪૩ સરકીટ નિરીક્ષક મંડળની સભાઓ, પ્રચારની સભાઓ અને બીજી સભાઓની ગોઠવણ વિશે વડીલોના સેવકનો સંપર્ક કરશે. સરકીટ નિરીક્ષકનાં સૂચનો અને શાખા કચેરીના માર્ગદર્શન પ્રમાણે એ સભાઓની ગોઠવણ કરવામાં આવશે. મંડળની સભાઓ, પાયોનિયરો સાથે સભા, વડીલો અને સહાયક સેવકો સાથે સભા, તેમજ પ્રચારની સભાની જગ્યા અને સમય વિશે બધાને પહેલેથી જણાવવું જોઈએ.
૪૪ સરકીટ નિરીક્ષક મંગળવારે બપોરે મંડળના પ્રકાશકનો રેકોર્ડ્સ (કોંગ્રીગેશન્સ પબ્લિશર રેકોર્ડ્સ), સભાની હાજરીનો રેકોર્ડ, પ્રચાર વિસ્તારનો રેકોર્ડ અને મંડળનો હિસાબ (એકાઉન્ટ્સ) તપાસે છે. એનાથી તે અમુક હદે જાણી શકે છે કે મંડળની જરૂરિયાતો શું છે અને આ રેકોર્ડ રાખતા ભાઈઓને કેવી મદદની જરૂર છે. એટલે વડીલોના સેવકે એ બધા રેકોર્ડ સરકીટ નિરીક્ષકને અગાઉથી આપવા જોઈએ.
૪૫ સરકીટ નિરીક્ષક પોતાની મુલાકાત દરમિયાન ભાઈ-બહેનો સાથે વાત કરવા સમય કાઢે છે. જેમ કે, સભાઓમાં, પ્રચારમાં, જમવા જાય ત્યારે કે પછી બીજા કોઈ સમયે. તે વડીલો અને સહાયક સેવકોને પણ મળે છે અને તેઓને બાઇબલમાંથી જરૂરી સલાહ-સૂચન અને ઉત્તેજન આપે છે. એનાથી તેઓને ઘેટાંની સારી સંભાળ રાખવા મદદ મળે છે. (નીતિ. ૨૭:૨૩; પ્રે.કા. ૨૦:૨૬-૩૨; ૧ તિમો. ૪:૧૧-૧૬) તે પાયોનિયરોને મળે છે અને તેઓને સેવામાં લાગુ રહેવા ઉત્તેજન આપે છે. જો કોઈ પાયોનિયરને પ્રચારને લગતી કોઈ મુશ્કેલી હોય, તો તે મદદ કરે છે.
૪૬ જો બીજી અમુક બાબતોમાં સરકીટ નિરીક્ષકની મદદની જરૂર પડે, તો એ અઠવાડિયા દરમિયાન તે બની શકે એટલી મદદ પૂરી પાડશે. પણ જો એ અઠવાડિયે એનો હલ ન આવે, તો સરકીટ નિરીક્ષક વડીલોને અથવા જે તે વ્યક્તિને માર્ગદર્શન માટે શાસ્ત્રમાંથી વધારે સંશોધન કરવાનું ઉત્તેજન આપશે. પણ જો આગળ પગલાં ભરવા માટે શાખા કચેરી પાસે માર્ગદર્શન લેવાની જરૂર પડે, તો સરકીટ નિરીક્ષક અને વડીલો સાથે મળીને એ બાબત વિશે શાખા કચેરીને રિપોર્ટ લખશે.
૪૭ મંડળની મુલાકાત વખતે સરકીટ નિરીક્ષક બધી સભાઓમાં હાજરી આપે છે. એ મુલાકાત વખતે શાખા કચેરીના માર્ગદર્શનથી સભાઓમાં ફેરફાર થઈ શકે છે. મંડળનાં ભાઈ-બહેનોને ઉત્તેજન આપવા, ભક્તિમાં વધારે કરવા, શીખવવા અને શ્રદ્ધામાં મજબૂત કરવા સરકીટ નિરીક્ષક પ્રવચનો આપે છે. તે ભાઈ-બહેનોને મદદ કરે છે, જેથી તેઓનાં દિલમાં યહોવા, ઈસુ ખ્રિસ્ત અને સંગઠન માટે પ્રેમ વધે.
૪૮ સરકીટ નિરીક્ષકની મુલાકાતનું એક મહત્ત્વનું કારણ એ છે કે ભાઈ-બહેનોને પ્રચારમાં પૂરા જોશથી ભાગ લેવા ઉત્તેજન આપવું અને એ કામ સારી રીતે કરવા સલાહ-સૂચન આપવાં. એ અઠવાડિયે મંડળનાં ઘણાં ભાઈ-બહેનો થોડા ફેરફાર કરી શકે, જેથી પ્રચારની ગોઠવણોમાં પૂરો ભાગ લઈ શકે. તેઓ એ મહિને સહાયક પાયોનિયરીંગ પણ કરી શકે. સરકીટ નિરીક્ષક કે તેમનાં પત્ની સાથે કોઈ ભાઈ-બહેન પ્રચારમાં જવા માંગતાં હોય તો, તે પહેલેથી ગોઠવણ કરી શકે. તેઓને બાઇબલ અભ્યાસમાં અને ફરી મુલાકાતમાં લઈ જવાથી ઘણો ફાયદો થઈ શકે છે. તમે સરકીટ નિરીક્ષકની મુલાકાત વખતે પ્રચારમાં સાથ-સહકાર આપવા જે મહેનત કરો છો, એની ખૂબ કદર કરવામાં આવે છે.—નીતિ. ૨૭:૧૭.
૪૯ દરેક સરકીટ માટે દર વર્ષે બે સરકીટ સંમેલનો રાખવામાં આવે છે. એ સંમેલનોની બધી ગોઠવણ કરવાની જવાબદારી સરકીટ નિરીક્ષકની છે. તે એક ભાઈને સંમેલન નિરીક્ષક અને બીજા એક ભાઈને સહાયક સંમેલન નિરીક્ષક તરીકે નીમે છે. આ બંને ભાઈઓએ સંમેલનને લગતી બધી ગોઠવણોમાં સરકીટ નિરીક્ષકને સાથ-સહકાર આપવો જોઈએ. એનાથી સરકીટ નિરીક્ષકને સંમેલનના કાર્યક્રમ પર પૂરું ધ્યાન આપવા મદદ મળશે. સરકીટ નિરીક્ષક અલગ અલગ વિભાગોમાં દેખરેખ રાખવા માટે બીજા યોગ્ય ભાઈઓને પણ પસંદ કરે છે. દરેક સંમેલન પછી તે સરકીટનો હિસાબ તપાસવા (ઑડિટ કરવા) ગોઠવણ કરે છે. દર વર્ષે એક સંમેલનમાં શાખા પ્રતિનિધિ આવશે અને તે મુલાકાતી વક્તા તરીકે સંમેલનમાં પ્રવચન આપશે. અમુક સરકીટોમાં મંડળો એકબીજાથી ઘણા દૂર હોય છે અથવા સંમેલનગૃહ નાનાં હોય છે. એટલે એવી સરકીટને બે કે વધારે ભાગોમાં વહેંચી દેવામાં આવે છે અને દરેક ભાગમાં સરકીટ સંમેલન રાખવામાં આવે છે.
૫૦ સરકીટ નિરીક્ષક મહિનાને અંતે પોતાના પ્રચારનો રિપોર્ટ શાખા કચેરીને મોકલે છે. તે મંડળની મુલાકાત લે ત્યારે મુસાફરી, ખોરાક કે રહેઠાણ અથવા બીજી કોઈ જરૂરી વસ્તુઓ પાછળ અમુક ખર્ચ થાય છે. જો મંડળ એ ખર્ચ ઉપાડી શકતું ન હોય, તો તે શાખા કચેરીમાંથી એ મેળવી શકે છે. સરકીટ નિરીક્ષકોને ઈસુના વચન પર પૂરો ભરોસો છે. તેઓને ખાતરી છે કે યહોવાના રાજ્યને જીવનમાં પહેલું રાખશે તો, જીવન-જરૂરી બધી વસ્તુઓ મળી રહેશે. (લૂક ૧૨:૩૧) એ વડીલોએ મંડળોની સેવામાં પોતાનું દિલ રેડી દીધું છે. એટલે મંડળોએ તેઓની મહેમાનગતિ કરવાને મોટો લહાવો ગણવો જોઈએ.—૩ યોહા. ૫-૮.
શાખા સમિતિ
૫૧ દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓની દરેક શાખા કચેરીમાં એક શાખા સમિતિ હોય છે. શાખા સમિતિ ત્રણ કે એથી વધારે ભાઈઓની બનેલી હોય છે. એ પરિપક્વ ભાઈઓમાં બાઇબલમાં જણાવેલી લાયકાતો હોય છે. આ સમિતિ પોતાના દેશના અથવા એ દેશોના પ્રચારકામની દેખરેખ રાખે છે, જેની જવાબદારી તેઓને સોંપવામાં આવી છે. સમિતિના એક સભ્ય શાખા સમિતિના સેવક હોય છે.
૫૨ શાખા સમિતિમાં સેવા આપતા ભાઈઓ શાખા વિસ્તારમાં આવેલાં બધાં મંડળોની દેખરેખ રાખે છે. શાખા સમિતિ ધ્યાન રાખે છે કે એ શાખાના પ્રચાર વિસ્તારમાં બધે ખુશખબર ફેલાવવામાં આવે. સમિતિ એ પણ ધ્યાન આપે છે કે જે વિસ્તારોમાં જરૂર હોય ત્યાં નવાં મંડળો અને સરકીટ શરૂ કરવામાં આવે. શાખા સમિતિ મિશનરીઓ, ખાસ પાયોનિયરો, નિયમિત અને સહાયક પાયોનિયરોના પ્રચારકામનું પણ ધ્યાન રાખે છે. સંમેલનો કે મહાસંમેલનો હોય ત્યારે, શાખા સમિતિ એને લગતી બધી ગોઠવણો કરે છે, ભાઈઓને જવાબદારી અને ભાગ સોંપે છે. એના લીધે “બધું જ શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે” થાય છે.—૧ કોરીં. ૧૪:૪૦.
૫૩ અમુક દેશોમાં દેશ સમિતિ (કન્ટ્રી કમિટિ) બનાવવામાં આવે છે, જે બીજા દેશની શાખા સમિતિની દેખરેખ નીચે કામ કરે છે. દેશ સમિતિને લીધે એ દેશમાં થતા પ્રચારકામની સારી દેખરેખ રાખી શકાય છે. આ સમિતિ બેથેલ ઘર અને ઑફિસને લગતાં કામોની દેખરેખ રાખે છે, પત્રો અને રિપોર્ટ હાથ ધરે છે અને પ્રચારને લગતાં કામોની દેખરેખ રાખે છે. દેશ સમિતિ ખુશખબર ફેલાવવાના કામને આગળ વધારવા શાખા સમિતિને પૂરો સાથ-સહકાર આપે છે.
૫૪ શાખા સમિતિઓ અને દેશ સમિતિઓના બધા ભાઈઓને નિયામક જૂથ નીમે છે.
મુખ્યમથક પ્રતિનિધિ
૫૫ નિયામક જૂથ યોગ્ય ભાઈઓને દુનિયાની બધી શાખા કચેરીઓની મુલાકાત લેવા સમયે સમયે મોકલે છે. મુલાકાત લેતા ભાઈને મુખ્યમથક પ્રતિનિધિ કહેવામાં આવે છે. તેમનું મુખ્ય કામ છે કે બેથેલ પરિવારને ઉત્તેજન આપે, શાખા સમિતિને પ્રચાર અને શિષ્યો બનાવવાના કામમાં આવતી મુશ્કેલીઓ કે ઊભા થતા સવાલોને હલ કરવા મદદ કરે. આ પ્રતિનિધિ અમુક સરકીટ નિરીક્ષકોને અને કોઈક વાર ફિલ્ડ મિશનરીઓને મળે છે. એ ભાઈ તેઓની મુશ્કેલીઓ અને જરૂરિયાતો વિશે તેઓ સાથે વાત કરે છે. તેમ જ તેઓની મુખ્ય જવાબદારી, એટલે કે પ્રચાર અને શિષ્યો બનાવવાના કામમાં લાગુ રહેવા તેઓને ઉત્તેજન આપે છે.
૫૬ મુખ્યમથક પ્રતિનિધિને એ જાણવામાં વધારે રસ હોય છે કે પ્રચારકામ અને મંડળોનાં બીજાં કામો કઈ રીતે થાય છે અને એમાં કેવી પ્રગતિ થઈ રહી છે. જો તેમની પાસે સમય હોય, તો તે ભાષાંતર કેન્દ્રોની (આરટીઓ) પણ મુલાકાત લઈ શકે છે. મુખ્યમથક પ્રતિનિધિ કોઈ શાખાની મુલાકાત લે છે ત્યારે, બની શકે ત્યાં સુધી તે ખુશખબર ફેલાવવામાં પણ ભાગ લે છે.
વડીલોને ટોળાની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. આપણે હંમેશાં તેઓને આધીન રહીને ભક્તિમાં લાગુ રહીએ છીએ ત્યારે, મંડળના શિર, ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં રહીએ છીએ
પ્રેમથી દેખરેખ રાખવામાં આવે છે
૫૭ શ્રદ્ધામાં મજબૂત હોય એવા ભાઈઓની સખત મહેનત અને પ્રેમાળ દેખરેખથી આપણને ઘણો ફાયદો થાય છે. આ વડીલોને ટોળાની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. આપણે હંમેશાં તેઓને આધીન રહીને ભક્તિમાં લાગુ રહીએ છીએ ત્યારે, મંડળના શિર, ખ્રિસ્ત ઈસુ સાથે એકતામાં રહીએ છીએ. (૧ કોરીં. ૧૬:૧૫-૧૮; એફે. ૧:૨૨, ૨૩) એના લીધે ઈશ્વરની પવિત્ર શક્તિ દુનિયા ફરતેનાં બધાં મંડળો પર રહે છે અને બાઇબલના માર્ગદર્શન પ્રમાણે આખી પૃથ્વી પર કામ થાય છે.—ગીત. ૧૧૯:૧૦૫.