સવાલ ૯
શું મારે ઉત્ક્રાંતિમાં માનવું જોઈએ?
તમે શું કરશો?
આની કલ્પના કરો: એલેક્સ મૂંઝવણમાં છે. તે ઈશ્વરમાં માને છે અને તેને ખાતરી છે કે તેમણે જ જીવનનું સર્જન કર્યું છે. પરંતુ, આજે બાયોલોજીના ટીચરે પૂરા દાવા સાથે કહ્યું કે ઉત્ક્રાંતિ હકીકત છે, જે વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનના આધારે છે. એલેક્સ બીજાઓની નજરમાં મૂર્ખ નથી દેખાવા માંગતો. તે વિચારે છે, “જો વૈજ્ઞાનિકો ઉત્ક્રાંતિની માન્યતાને સાચી ઠરાવે છે, તો હું કોણ કે તેઓ પર સવાલ ઉઠાવું?”
જો તમે એલેક્સની જગ્યાએ હો, તો શું કરશો? શું તમે ઉત્ક્રાંતિમાં એ કારણથી માનશો કે સ્કૂલનાં પુસ્તકો એને હકીકત તરીકે રજૂ કરે છે?
થોભો અને વિચારો!
બંને પક્ષના લોકો મોટા ભાગે તરત જણાવે છે કે તેઓ શું માને છે, પણ તેઓ ખરેખર જાણતા નથી કે એમાં કેમ માને છે.
અમુક લોકો ઉત્પત્તિમાં માને છે, કેમ કે તેઓને ચર્ચમાં એવું શીખવવામાં આવ્યું છે.
અમુક લોકો ઉત્ક્રાંતિમાં માને છે, કેમ કે તેઓને સ્કૂલમાં એવું શીખવવામાં આવ્યું છે.
૬ સવાલો વિચારો
પવિત્ર શાસ્ત્ર કહે છે: “દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સરજનહાર તો ઈશ્વર છે.” (હિબ્રૂ ૩:૪) શું એમ માનવામાં સમજદારી છે?
દાવો: અચાનક થયેલા બિગ બેંગથી [મહાવિસ્ફોટ] આખું વિશ્વ અસ્તિત્વમાં આવ્યું છે.
૧. કોના દ્વારા અથવા શાને લીધે મહાવિસ્ફોટ થયો?
૨. આમાંથી કયો વિચાર સમજી શકાય એમ છે—બધું આપોઆપ આવી ગયું કે પછી બધું કોઈના દ્વારા આવ્યું?
દાવો: મનુષ્યોની ઉત્ક્રાંતિ જાનવરમાંથી થઈ છે.
૩. જો મનુષ્યોની ઉત્ક્રાંતિ જાનવરમાંથી, જેમ કે વાંદરામાંથી થઈ હોય, તો પછી વાંદરા અને મનુષ્યની સમજશક્તિમાં કેમ આટલું બધું અંતર છે?
૪. શા માટે એક કોષવાળા જીવની રચના પણ આટલી બધી જટિલ છે?
દાવો: ઉત્ક્રાંતિ સાબિત થયેલી હકીકત છે.
૫. આ દાવો કરનારે શું પોતે સાબિતીઓ તપાસી છે?
૬. બધા બુદ્ધિશાળી લોકો ઉત્ક્રાંતિમાં માને છે, ફક્ત એ સાંભળીને કેટલા લોકો એમાં માને છે?
“ધારો કે તમે જંગલમાં ફરવા ગયા છો અને તમને એક સુંદર ઘર દેખાય છે. શું તમે એમ વિચારશો કે, ‘એ કેટલું સરસ છે! ઝાડ એ રીતે પડ્યા હશે કે આ સરસ ઘર ઊભું થઈ જાય.’ ચોક્કસ તમે એવું નહિ વિચારો! એ મૂર્ખતા કહેવાશે. તો પછી, વિશ્વની બધી જ વસ્તુઓ આપોઆપ આવી ગઈ હશે, એવું શું કામ માનીએ?”—જુલિયા.
“માની લો કે તમને કોઈ કહે: પ્રિન્ટિંગ પ્રેસમાં એક ધડાકો થયો અને દીવાલો પર તેમજ છત પર શાહીના છાંટા ઉડ્યા અને ડિક્શનરીમાં બધા જ શબ્દો ગોઠવાઈ ગયા. શું તમે એ વાત માનશો?”—ગ્વેન.
ઈશ્વરમાં શા માટે માનવું જોઈએ?
પવિત્ર શાસ્ત્ર આપણને “બુદ્ધિપૂર્વક” વિચારવાનું ઉત્તેજન આપે છે. (રોમનો ૧૨:૧) એટલે કે ઈશ્વરમાં માનવાનાં ફક્ત આ જ કારણો ન હોવાં જોઈએ:
લાગણી (મને એવું લાગે છે કે કોઈ પરમ શક્તિ હશે જ)
બીજાઓની અસર (હું ધાર્મિક સમાજમાં રહું છું)
દબાણ (મમ્મી-પપ્પાએ મને નાનપણથી જ ઈશ્વરમાં માનવાનું શીખવ્યું છે, એટલે કોઈ ચોઈસ નથી)
એના બદલે, ઈશ્વરમાં માનવાનાં તમારા પાસે યોગ્ય કારણો હોવાં જોઈએ.
“શરીરનાં અંગો કઈ રીતે કાર્ય કરે છે એ વિશે સ્કૂલમાં ટીચર સમજાવે ત્યારે, ઈશ્વર ખરેખર છે એ વિશે મને કોઈ જ શંકા રહેતી નથી. શરીરના દરેક અંગને ખબર હોય છે કે એણે શું કરવાનું છે. અરે, ઝીણામાં ઝીણી વિગતની પણ એને જાણકારી હોય છે. કેટલાંક અંગો એ રીતે કામ કરે છે જેનો ખ્યાલ પણ આવતો નથી. ખરેખર, શરીર કેટલું અદ્ભુત છે!”—ટેરેસા.
“જ્યારે હું ઊંચી ઊંચી ઇમારતો, જહાજ અથવા કારને જોઉં, ત્યારે મને થાય કે, ‘એ કોણે બનાવ્યું?’ દાખલા તરીકે, કાર બનાવવા પાછળ બુદ્ધિશાળી વ્યક્તિઓનો હાથ હોય છે, કેમ કે કારને ચલાવવા માટે જરૂરી છે કે એનો દરેક ભાગ એકસાથે કામ કરે. જો કારની ડિઝાઇન માટે કોઈની જરૂર પડે, તો ચોક્કસ મનુષ્યોની રચના માટે પણ કોઈની જરૂર પડે.”—રિચર્ડ.
“મેં વિજ્ઞાનનો જેટલો વધારે અભ્યાસ કર્યો, એટલું ઉત્ક્રાંતિનું મહત્ત્વ ઓછું થતું ગયું. . . . ઉત્ક્રાંતિ પર ભરોસો રાખવાને બદલે, મને ભગવાન પર ભરોસો રાખવાનું વધારે સહેલું લાગે છે.”—ઍન્થોની.
વિચારવા જેવું
વર્ષોના સંશોધન છતાં, વૈજ્ઞાનિકો હજુ પણ ઉત્ક્રાંતિ વિશે એવા કોઈ નિર્ણય પર નથી આવ્યા, જેના પર તેઓ બધા સહમત થઈ શકે. જો આ નિષ્ણાતો જ સહમત ન થતા હોય, તો ઉત્ક્રાંતિની થીયરી પર સવાલ ઉઠાવીને તમે કંઈ ખોટું નથી કરતા.