પાઠ ૨૯
મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
શું તમે કોઈ મિત્ર કે સગાં-વહાલાંને મરણમાં ગુમાવ્યાં છે? એ દુઃખ સહેવું બહુ અઘરું હોય છે. એવા સમયે મનમાં કદાચ આવા સવાલો આવી શકે: ‘મરણ પછી વ્યક્તિનું શું થાય છે? શું ગુજરી ગયેલાં સગાં-વહાલાં કે દોસ્તો જીવતા થઈ શકે? શું આપણે તેઓને ફરી મળી શકીશું?’ આ અને હવે પછીના પાઠમાં આપણે એ સવાલોના જવાબ જોઈશું. બાઇબલમાંથી એ સવાલોના જવાબ જાણીને તમને દિલાસો મળશે.
૧. મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
ઈસુએ મરણને ભરઊંઘ સાથે સરખાવ્યું હતું. શા માટે? જ્યારે એક વ્યક્તિ ભરઊંઘમાં હોય છે, ત્યારે તેને કંઈ જ ખબર હોતી નથી કે તેની આજુબાજુ શું થઈ રહ્યું છે. એવી જ રીતે, મરણ પછી વ્યક્તિ કંઈ જ જાણતી નથી, તેને કોઈ પીડા થતી નથી અને તે કોઈ દુઃખ સહેતી નથી. બાઇબલમાં લખ્યું છે, “મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.”—સભાશિક્ષક ૯:૫ વાંચો.
૨. મરણ વિશેનું સત્ય જાણવાથી આપણને કઈ રીતે રાહત મળે છે?
ઘણાને મરણનો ડર લાગે છે અને મરી ગયેલા લોકોનો પણ ડર લાગે છે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે આપણે ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમાં તો મરણ વિશેનું સત્ય જણાવ્યું છે. ઈસુએ કહ્યું હતું, “સત્ય તમને આઝાદ કરશે.” (યોહાન ૮:૩૨) ઘણા ધર્મો શીખવે છે કે આપણામાં આત્મા છે, જે મરણ પછી પણ જીવતો રહે છે. પણ બાઇબલ એવું નથી શીખવતું. એમાં તો બતાવ્યું છે કે મરણ પછી વ્યક્તિ પીડા સહેતી નથી. મરણ પછી વ્યક્તિને કંઈ જ ખબર હોતી નથી, એટલે તે આપણને નુકસાન કરી શકતી નથી. તો પછી શું તેની ભક્તિ કરવાથી કે તેને પ્રાર્થના કરવાથી આપણને કોઈ ફાયદો થશે? આપણે ગમે તેટલા ભોગ ચઢાવીએ, શું તે એનાથી ખુશ થશે?
અમુક લોકો કહે છે કે તેઓ ગુજરી ગયેલા લોકો સાથે વાત કરી શકે છે. પણ એવું કેવી રીતે બની શકે? આપણે શીખી ગયા કે, “મરી ગયેલા લોકો કંઈ જાણતા નથી.” હવે જો ગુજરી ગયેલા લોકો સાથે વાત કરવી શક્ય જ ન હોય, તો તેઓ કોની સાથે વાત કરતા હશે? બની શકે કે તેઓ દુષ્ટ દૂતો સાથે વાત કરતા હોય. કેમ કે દુષ્ટ દૂતો લોકોને છેતરવા માટે ગુજરી ગયેલા સગા કે મિત્રના અવાજમાં વાત કરે છે. એટલે મરણ વિશેનું સત્ય જાણવાથી દુષ્ટ દૂતોથી આપણું રક્ષણ થાય છે. યહોવા નથી ચાહતા કે આપણે મરી ગયેલા લોકો સાથે વાત કરવાની કોશિશ કરીએ, કેમ કે તે જાણે છે કે એમ કરવાથી આપણે દુષ્ટ દૂતોના સંપર્કમાં આવીશું અને તેઓ આપણને નુકસાન પહોંચાડશે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨ વાંચો.
વધારે જાણો
મરણ વિશે બાઇબલમાં બીજું શું જણાવ્યું છે? જો ઈશ્વર લોકોને પ્રેમ કરતા હોય, તો શું તે તેઓને મરણ પછી રિબાવશે? ચાલો જોઈએ.
૩. ગુજરી ગયેલાઓ કઈ હાલતમાં છે, એ વિશે જાણો
મરણ પછી વ્યક્તિનું શું થાય છે એ વિશે દુનિયામાં લોકોની અલગ અલગ માન્યતાઓ છે, પણ બધી માન્યતાઓ સાચી નથી.
મરણ પછી વ્યક્તિનું શું થાય છે, એ વિશે તમારા વિસ્તારના લોકો શું માને છે?
ગુજરી ગયેલાઓની હાલત વિશે બાઇબલમાં શું લખ્યું છે, એ જાણવા વીડિયો જુઓ.
સભાશિક્ષક ૩:૨૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આ કલમ પ્રમાણે મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
શું આ કલમમાં એવું લખ્યું છે કે માણસમાં આત્મા જેવું કંઈક છે?
બાઇબલમાં ઈસુના ખાસ મિત્ર લાજરસના મરણ વિશે જણાવ્યું છે. યોહાન ૧૧:૧૧-૧૪ વાંચો ત્યારે ધ્યાન આપો કે ઈસુએ લાજરસના મરણ વિશે શું જણાવ્યું હતું. પછી આ સવાલોની ચર્ચા કરો:
ઈસુએ મરણને શાની સાથે સરખાવ્યું?
એ સરખામણીથી ગુજરી ગયેલાઓની હાલત વિશે શું જાણવા મળે છે?
બાઇબલમાં મરણ વિશે જે જણાવ્યું છે, શું એ સાચું માની શકાય? તમને કેમ એવું લાગે છે?
૪. મરણ વિશેની હકીકત જાણવાથી આઝાદ થઈએ છીએ
જો આપણે મરણ વિશેની હકીકત જાણીશું, તો મરી ગયેલા લોકોનો ડર નહિ રહે. સભાશિક્ષક ૯:૧૦ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
શું ગુજરી ગયેલા લોકો આપણને નુકસાન પહોંચાડી શકે?
ઘણા લોકો માને છે કે આપણે ગુજરી ગયેલા લોકોને ખુશ રાખવા જોઈએ અથવા તેઓની ભક્તિ કરવી જોઈએ. પણ એ તો એક ફાંદો છે. બાઇબલમાંથી સત્ય જાણીએ છીએ ત્યારે આપણે એ ફાંદામાંથી આઝાદ થઈએ છીએ. યશાયા ૮:૧૯ અને પ્રકટીકરણ ૪:૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી ગયેલાઓની ભક્તિ કરે છે અથવા તેઓ પાસે મદદ માંગે છે, ત્યારે યહોવાને કેવું લાગે છે?
૫. મરણ વિશેની હકીકત જાણવાથી રાહત મળે છે
ઘણા લોકોને શીખવવામાં આવે છે કે જો તેઓ ખરાબ કામો કરશે, તો મરણ પછી તેઓને રિબાવવામાં આવશે. પણ એ જરાય સાચું નથી. આપણને એ જાણીને કેટલી રાહત મળે છે કે મરણ પછી કોઈને રિબાવવામાં નથી આવતા, એવી વ્યક્તિને પણ નહિ જેણે એકદમ ખરાબ કામ કર્યાં હોય! રોમનો ૬:૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
બાઇબલમાં લખ્યું છે કે વ્યક્તિ મરી જાય પછી પાપથી આઝાદ થાય છે, એટલે કે ઈશ્વર તેની ભૂલો માટે તેને દોષિત ગણતા નથી. તો શું તમને લાગે છે કે પાપથી આઝાદ થયા પછી પણ વ્યક્તિને તેનાં પાપ માટે રિબાવવામાં આવતી હશે?
આપણે જેટલું વધારે યહોવા વિશે જાણીશું, એટલી વધારે ખાતરી થશે કે ગુજરી ગયેલી વ્યક્તિને રિબાવવામાં નથી આવતી. મર્યા પછી લોકોને સજા કરવાના વિચારથી જ ઈશ્વરને સખત નફરત છે. પુનર્નિયમ ૩૨:૪ અને ૧ યોહાન ૪:૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આ કલમોમાં યહોવાના કયા ગુણો વિશે જણાવ્યું છે? જો તેમનામાં એવા ગુણો હોય, તો શું તે કદી ઇચ્છશે કે મરણ પછી લોકોને રિબાવવામાં આવે?
મરણ વિશેની હકીકત જાણીને શું તમને રાહત મળે છે? તમને કેમ એવું લાગે છે?
અમુક લોકો કહે છે: “મને ડર છે કે ગુજરી ગયેલા લોકો મને હેરાન કરશે.”
તમે બાઇબલની કઈ કલમ બતાવશો, જેથી તેમનો ડર નીકળી જાય?
આપણે શીખી ગયા
જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય છે, ત્યારે તેને કંઈ જ ખબર હોતી નથી, તે રિબાતી નથી અને તે બીજાઓને હેરાન કરતી નથી.
તમે શું કહેશો?
મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
મરણ વિશેની હકીકત જાણવાથી આપણે કઈ રીતે આઝાદ થઈએ છીએ?
મરણ વિશેની હકીકત જાણવાથી આપણને કઈ રીતે રાહત મળે છે?
વધારે માહિતી
શું માણસમાં આત્મા જેવું કંઈક છે, જે મરણ પછી શરીરમાંથી નીકળીને બીજે ક્યાંક જાય છે? એ વિશે બાઇબલમાં શું લખ્યું છે, એ જાણો.
શું ઈશ્વર દુષ્ટોને નરકમાં સજા આપે છે? એ વિશે વધારે જાણો.
શું આપણે ગુજરી ગયેલા લોકોથી ડરવાની જરૂર છે?
શું ગુજરી ગયેલાઓ આપણને મદદ કે નુકસાન કરી શકે? (મોટી પુસ્તિકા, અંગ્રેજી)
મરણ પછી વ્યક્તિનું શું થાય છે, એ વિશેની હકીકત જાણવાથી એક માણસને મનની શાંતિ મળી. આ લેખમાં તેમનો અનુભવ વાંચો.
“બાઇબલના સરળ અને સ્પષ્ટ જવાબો મારા દિલને સ્પર્શી ગયા” (ચોકીબુરજનો લેખ)