ઈસુ ખ્રિસ્ત જેવું વલણ રાખો!
‘ધીરજ અને ઉત્તેજન આપનાર ઈશ્વર તમારી સહાય કરો. એકબીજા પ્રત્યે તમે ખ્રિસ્ત ઈસુના જેવું વલણ રાખો.’—રૂમી ૧૫:૫, IBSI.
આપણું વલણ જીવનમાં મોટો ભાગ ભજવે છે. એ વલણ બેપરવા કે મહેનતું, સારું કે ખરાબ, ઝઘડાળું કે હળીમળી જનારું, ફરિયાદી કે કદર કરનાર વલણ હોય શકે. વ્યક્તિના વલણની તેના પર અને તેની સાથેના લોકો પર ઊંડી અસર પડે છે. સારું વલણ હોય તો, મુશ્કેલીમાં પણ વ્યક્તિ ખુશ રહી શકે. પરંતુ, ખોટું વલણ રાખનાર ભલેને ગમે તેટલા સુખી હોય, છતાં પોતાના જીવન વિષે રડ્યા જ કરશે.
૨ સારું કે ખરાબ વલણ શીખી શકાય છે અને શીખવું પડે છે. નવા જન્મેલા બાળક વિષે એક જ્ઞાનકોષ કહે છે: “બાળક કોઈ ભાષા કે કામ શીખે છે એ જ રીતે, તે જે વલણ અપનાવે છે એ તેણે શીખવું પડે છે.” આપણે કઈ રીતે જુદું જુદું વલણ શીખીએ છીએ? એનો આધાર ઘણી બાબતો પર રહેલો છે, પણ સંજોગો અને સંગત સૌથી વધારે અસર કરે છે. વધુમાં આ જ્ઞાનકોષ કહે છે: “આપણે જેઓ સાથે ગાઢ સંગત રાખીએ છીએ તેઓનાં વલણ આપણે શીખીએ છીએ.” હજારો વર્ષો પહેલાં, બાઇબલે પણ એમ જ જણાવ્યું હતું: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચન ૧૩:૨૦; ૧ કોરીંથી ૧૫:૩૩.
યોગ્ય વલણનો નમૂનો
૩ બીજી રીતોની જેમ, યોગ્ય વલણમાં પણ ઈસુ ખ્રિસ્તે સૌથી સારું ઉદાહરણ બેસાડ્યું છે. તેમણે કહ્યું: “જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.” (યોહાન ૧૩:૧૫) ઈસુ જેવા બનવા માટે, આપણે તેમના વિષે શીખવું જોઈએ.a ઈસુના જીવન વિષે શીખવાનો આપણો ધ્યેય શું છે? પ્રેષિત પીતરે ભલામણ કરી કે, “એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમકે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.” (૧ પીતર ૨:૨૧) શક્ય એટલી રીતે ઈસુ જેવા બનવાનો આપણો ધ્યેય છે. એમાં તેમના જેવું વલણ રાખવાનો પણ સમાવેશ થાય છે.
૪ ઈસુ ખ્રિસ્ત જેવું વલણ રાખવામાં શાનો સમાવેશ થાય છે? પાઊલે રૂમીઓને લખેલા પત્રનો પંદરમો અધ્યાય આ પ્રશ્નનો જવાબ આપે છે. એની શરૂઆતમાં, પાઊલ ઈસુના એક સરસ ગુણ વિષે જણાવે છે: “અમુક બાબતો કરીએ કે ન કરીએ પણ તે વિશે ઈશ્વરની નજરમાં કાંઈ ફેર પડતો નથી એવું આપણે સમજતા હોઈએ તોપણ આપણા સંતોષ ખાતર એ બાબતો કરીએ તે બરાબર નથી. નિર્બળ વિશ્વાસીઓનો ખ્યાલ કરીને આપણે તેઓની નિર્બળતા નિભાવી લેવી જોઈએ. વિશ્વાસમાં નિર્બળ વ્યક્તિ માને છે કે અમુક પ્રકારનું વર્તન યોગ્ય નથી, તો તેની એવી સમજને ખાતર તથા તેની આત્મિક ઉન્નતિને અર્થે આપણે એવું ન કરીએ; અને એમ આપણે પોતાને પસંદ પડે તેમ નહિ પરંતુ સામી વ્યક્તિને પસંદ પડે તેવું વર્તન કરીએ. ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતા. ગીતકર્તા કહે છે ‘જેઓ પ્રભુની વિરુદ્ધ હતા તેઓ તરફથી અપમાન સહન કરવાના ખાસ હેતુથી તે આવ્યા.’”—રૂમી ૧૫:૧-૩, IBSI.
૫ આમ, ઈસુ જેવું વલણ રાખવા માટે, આપણને ઉત્તેજન આપવામાં આવે છે કે આપણે પોતાની જ ખુશી જોવાને બદલે, નમ્રતાથી બીજાઓનું હિત પણ જોવું જોઈએ. હા, નમ્રતાથી બીજાઓનું ભલુ કરવું એ ‘આપણી’ ફરજ છે. કોઈ પણ માનવી કરતાં, ઈસુ આત્મિક રીતે વધારે દૃઢ હતા. છતાં, તેમણે પોતાના વિષે કહ્યું: “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.” (માત્થી ૨૦:૨૮) આપણે પણ ‘નિર્બળો’ સહિત બીજાઓની સેવા કરવા તૈયાર રહેવું જોઈએ.
૬ ઈસુ ખ્રિસ્ત હંમેશા સારું વિચારતા હતા, એ તેમણે પોતાનાં કાર્યોથી પ્રદર્શિત કર્યું. પરમેશ્વરની ભક્તિ કરવામાં તેમણે પોતાના સારા વલણ પર, બીજાઓના ખોટા વલણની ક્યારેય અસર થવા દીધી નહિ. આપણે પણ એમ જ કરીએ. પરમેશ્વરને વફાદાર હોવાને કારણે ઈસુએ ઘણું સહેવું પડ્યું, છતાં તેમણે એ ફરિયાદ કર્યા વિના ધીરજથી સહન કર્યું. તે જાણતા હતા કે જેઓ બીજાના “કલ્યાણને સારુ” મહેનત કરે છે, તેઓનો અવિશ્વાસુ અને અણસમજુ જગત જરૂર વિરોધ કરશે.
૭ બીજી રીતે પણ ઈસુએ યોગ્ય વલણ રાખ્યું. તેમણે ક્યારેય યહોવાહ પ્રત્યે અધીરાઈ બતાવી નહિ, પણ તેમના હેતુ પ્રમાણે ધીરજથી રાહ જોઈ. (ગીતશાસ્ત્ર ૧૧૦:૧; માત્થી ૨૪:૩૬; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૨-૩૬; હેબ્રી ૧૦:૧૨, ૧૩) તેમ જ, ઈસુએ પોતાના શિષ્યો સાથે પણ અધીરાઈ બતાવી નહિ. તેમણે તેઓને કહ્યું: “મારી પાસે શીખો.” તે “નમ્ર” હતા, એટલે તેમની સલાહ ઉત્તેજન અને તાજગી આપતી હતી. તે એટલા દીન હતા કે તેમણે કદી પણ દેખાડો કર્યો નહિ કે અહંકારી બન્યા નહિ. (માત્થી ૧૧:૨૯) પાઊલ આપણને ઈસુ જેવા બનવાનું ઉત્તેજન આપે છે: “ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો: પોતે દેવના રૂપમાં છતાં, તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છ્યું નહિ, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો.”—ફિલિપી ૨:૫-૭.
૮ આપણે પોતાનું નહિ, પણ બીજાઓનું હિત પ્રથમ મૂકવા ચાહીએ છીએ, એમ કહેવું સહેલું છે. પરંતુ, ખરું જોતા, આપણું હૃદય હંમેશા એમ કરવા તૈયાર હોતું નથી. શા માટે? પહેલું કારણ એ છે કે આપણને આદમ અને હવાએ વારસામાં સ્વાર્થનો ગુણ આપ્યો છે. બીજું, આપણે સ્વાર્થી જગતમાં રહીએ છીએ. (એફેસી ૪:૧૭, ૧૮) માટે, હૃદયથી બીજાઓનું હિત કરવા માટે આપણે નિઃસ્વાર્થ વલણ કેળવવાની જરૂર છે. એનો મતલબ આપણી પોતાની વિરુદ્ધ વલણ કેળવવું થાય છે. એ માટે મક્કમ મન અને પ્રયત્નો જરૂરી બને છે.
૯ આપણી અપૂર્ણતા, ઈસુના નમૂનારૂપ વલણથી એકદમ વિરુદ્ધ છે, જે ઘણી વાર આપણને નિરાશ કરી શકે. આપણને એમ લાગી શકે કે ઈસુ જેવું વલણ હું કદી રાખી શકીશ નહિ. પરંતુ, પાઊલે આપેલા ઉત્તેજનની નોંધ લો: “હું જાણું છું, કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારૂં વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારૂં કરવાનું મારામાં નથી. કેમકે જે સારૂં હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરૂં છું. કેમકે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું. પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમ બંધનમાં મને લાવે છે.” (રૂમી ૭:૧૮, ૧૯, ૨૨, ૨૩) પાઊલમાં રહેલી અપૂર્ણતા તેમને પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવાથી વારંવાર રોકતી હતી. પરંતુ યહોવાહ પરમેશ્વર અને તેમના નિયમો સંબંધી તેમનું વલણ ખરેખર નમૂનારૂપ હતું. આપણે પણ એમ જ કરી શકીએ છીએ.
ખોટું વલણ સુધારવું
૧૦ શું ખોટું વલણ સુધારી શકાય છે? હા. પ્રથમ સદીના કેટલાક ખ્રિસ્તીઓએ એમ જ કર્યું હતું. ફિલિપીઓને લખેલા પત્રમાં પાઊલે યોગ્ય વલણ વિષે આમ કહ્યું: “હજી સુધી હું બધું [સજીવન થઈને સ્વર્ગીય જીવન] સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહિ; પણ જેને સારૂ ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો, તેને હું પકડી લઉં, માટે હું આગળ ધસું છું. ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી; પણ એક કામ હું કરૂં છું, એટલે કે જે પાછવાડે છે તેને વિસરીને અને જે અગાડી છે તેની તરફ ધાઈને, ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે, નિશાનની ભણી આગળ ધસું છું. માટે આપણામાંના જેટલા પૂર્ણ છે, તેટલાએ એવી જ મનોવૃત્તિ રાખવી.” (અક્ષરો અમે ત્રાંસા કર્યાં છે.)—ફિલિપી ૩:૧૨-૧૫.
૧૧ પ્રેષિત પાઊલે જણાવ્યું કે આપણે ક્યારેય એવું વિચારવું જોઈએ નહિ કે ખ્રિસ્તી માર્ગમાં પ્રગતિ કરવાની જરૂર નથી. એમ વિચારીશું તો આપણને ખ્રિસ્તનું વલણ નથી. (હેબ્રી ૪:૧૧; ૨ પીતર ૧:૧૦; ૩:૧૪) પરંતુ, શું એનો અર્થ એમ થાય કે આપણા માટે કોઈ આશા નથી? ના, એવું નથી પણ આપણે ચાહતા હોઈએ તો પરમેશ્વર યહોવાહ જરૂર મદદ કરી શકે છે. પાઊલ આગળ કહે છે કે “જો કોઈ બાબત વિષે તમને જુદી મનોવૃત્તિ હોય, તો દેવ એ પણ તમને પ્રગટ કરશે.”—ફિલિપી ૩:૧૫.
૧૨ આપણે ઇચ્છતા હોઈએ કે યહોવાહ પરમેશ્વર આપણને યોગ્ય વલણ શીખવે તો, આપણે પણ કંઈક કરવું જોઈએ. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” જે પ્રકાશનો પૂરાં પાડે છે, એની મદદથી આપણે પરમેશ્વરના વચન, બાઇબલનો પ્રાર્થનાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી ‘જુદી મનોવૃત્તિવાળાઓને’ યોગ્ય વલણ કેળવવામાં મદદ મળશે. (માત્થી ૨૪:૪૫) ‘દેવની મંડળીનું પાલન કરવા’ પવિત્ર આત્માએ પસંદ કરેલા ખ્રિસ્તી વડીલો તમને મદદ કરવા રાજી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) આપણે કેટલા ખુશ છીએ કે યહોવાહ પરમેશ્વર આપણી અપૂર્ણતા ધ્યાનમાં લઈને, પ્રેમાળ મદદ પૂરી પાડે છે! ચાલો આપણે એ મદદ સ્વીકારીએ.
બીજાઓ પાસેથી શીખવું
૧૩ રૂમીઓના પંદરમા અધ્યાયમાં પાઊલે જણાવ્યું કે પ્રાચીન ઉદાહરણો પર મનન કરીને આપણે આપણું વલણ સુધારી શકીએ છીએ. તેમણે આમ લખ્યું: “જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું, કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રૂમી ૧૫:૪) યહોવાહ પરમેશ્વરના કેટલાક વફાદાર સેવકોએ પણ પોતાનું વલણ સુધારવું પડ્યું હતું. દાખલા તરીકે, અયૂબનું વલણ આમ તો સારું હતું. તેમણે ક્યારેય યહોવાહને દોષ દીધો નહિ. જે કંઈ દુઃખ આવ્યું, એને લીધે યહોવાહ પરનો તેમનો ભરોસો ઊઠી ગયો નહિ. (અયૂબ ૧:૮, ૨૧, ૨૨) પરંતુ, તે પોતાને વધારે પડતા ન્યાયી ગણતા હતા. યહોવાહે અયૂબનું આ વલણ સુધારવા એલીહુને પ્રેરણા આપી. એનાથી અયૂબને કંઈ ખોટું લાગ્યું નહિ. તેમણે નમ્રતાથી એનો સ્વીકાર કર્યો, અને પોતાનું વલણ સુધારવા તૈયાર થયા.—અયૂબ ૪૨:૧-૬.
૧૪ એક પ્રેમાળ મિત્ર જણાવે કે આપણું વલણ ખોટું છે ત્યારે, શું આપણે અયૂબ જેવું વલણ રાખીએ છીએ? અયૂબની જેમ, આપણે કદી પણ ‘દેવને દોષ આપીએ નહિ.’ (અયૂબ ૧:૨૨) કોઈ વાંક-ગુના વિના સહન કરવું પડે તોપણ, આપણે ફરિયાદ કરીને મુશ્કેલીઓ માટે યહોવાહને દોષ આપીશું નહિ. આપણે પોતાને ન્યાયી ન ગણીએ, પણ યાદ રાખીએ કે યહોવાહની સેવામાં ભલે ગમે તે કરતા હોઈએ, છતાં આપણે ફક્ત “નકામા ચાકરો” છીએ.—લુક ૧૭:૧૦.
૧૫ પ્રથમ સદીમાં, ઈસુના કેટલાક શિષ્યોએ ખોટું વલણ બતાવ્યું હતું. એક પ્રસંગે, ઈસુએ એવું કંઈક કહ્યું જે સમજવું અઘરું હતું. તેથી, “શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?” ખરેખર, એમ કહેનારા ખોટું વલણ ધરાવતા હતા. એને કારણે તેઓએ ઈસુને સાંભળવાનું છોડી દીધું. આપણે આગળ વાંચીએ છીએ: “આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણાક પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહિ.” શું બધા શિષ્યોનું વલણ ખોટું હતું? ના. અહેવાલ કહે છે: “તે માટે ઈસુએ બાર શિષ્યોને પૂછ્યું, કે શું તમે પણ જતા રહેવા ચાહો છો? સીમોન પીતરે તેને ઉત્તર દીધો, કે પ્રભુ, અમે કોની પાસે જઈએ?” પછી, પીતરે પોતાના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે “અનંતજીવનની વાતો તો તારી પાસે છે.” (યોહાન ૬:૬૦, ૬૬-૬૮) કેટલું સરસ વલણ! બાઇબલ વિષેની સમજણ કે એની નવી સમજણ સ્વીકારવી આપણને મુશ્કેલ લાગે ત્યારે, પીતર જેવું વલણ બહુ જ મદદરૂપ થશે. ખરેખર, આપણને કેટલીક બાબતો સમજવી અઘરી લાગતા યહોવાહની સેવા કરવાનું છોડી દઈએ કે “સત્ય વચનો” વિરુદ્ધ જઈએ તો એ મૂર્ખતા ગણાશે!—૨ તીમોથી ૧:૧૩.
૧૬ પ્રથમ સદીના યહુદી ધર્મગુરુઓએ ઈસુ જેવું વલણ બતાવ્યું નહિ. તેઓ ઈસુનું જરાય સાંભળવા તૈયાર ન હતા. ઈસુ લાજરસને સજીવન કરે છે ત્યારે, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. સારું વલણ રાખનાર માટે એ ચમત્કાર એક નક્કર સાબિતી હતી કે ઈસુને પરમેશ્વરે મોકલ્યા હતા. છતાં, આપણે વાંચીએ છીએ: “એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું, કે આપણે શું કરીએ? કેમકે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમ ને એમજ રહેવા દઈએ, તો સઘળા તેના પર વિશ્વાસ કરશે, અને રૂમીઓ આવીને આપણું ઠામઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે.” તેઓએ કયો ઉકેલ શોધ્યો? “તે દહાડાથી માંડીને તેઓ તેને મારી નાખવાની મસલત કરવા લાગ્યા.” તેઓ ફક્ત ઈસુને જ નહિ, ઈસુના ચમત્કારનો જીવંત પુરાવો પણ નાશ કરવા માગતા હતા. “મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી.” (યોહાન ૧૧:૪૭, ૪૮, ૫૩; ૧૨:૯-૧૧) આપણને જેનાથી આનંદ થવો જોઈએ, એને બદલે ચિડાઈ જઈએ કે ગુસ્સે થઈએ તો, આપણું વલણ પણ એવું જ શરમજનક બનશે! તેમ જ, એ વિનાશક પણ હશે!
ઈસુ જેવું વલણ બતાવવું
૧૭ યહોવાહના સેવકો સારું વલણ બતાવે છે. દાનીયેલનો વિચાર કરો. તેમના શત્રુઓએ કાવતરું રચીને રાજા પાસે એવો કાયદો ઘડાવ્યો કે કોઈએ પણ ૩૦ દિવસ સુધી રાજા સિવાય બીજા કોઈ દેવ કે માણસને પ્રાર્થના કરવી નહિ. દાનીયેલ જાણતા હતા કે એ હુકમ યહોવાહ સાથેના તેમના સંબંધમાં કાંટારૂપ હતો. શું તે ૩૦ દિવસ પરમેશ્વરને પ્રાર્થના નહિ કરે? એમ બન્યું નહિ, પણ તેમણે હિંમતથી યહોવાહ પરમેશ્વરને દરરોજની જેમ, દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. (દાનીયેલ ૬:૬-૧૭) એ જ રીતે, ઈસુ પણ દુશ્મનોની ધમકીથી ડર્યા નહિ. સાબ્બાથના દિવસે તેમણે એક માણસને જોયો, જેનો હાથ સુકાઈ ગયો હતો. ઈસુ જાણતા હતા કે પોતે સાબ્બાથના દિવસે કોઈને સાજા કરશે તો, ત્યાં હાજર યહુદીઓને નહિ ગમે. તેથી તેમણે એ વિષે તેઓને પૂછ્યું. પરંતુ, તેઓએ જવાબ આપ્યો નહિ ત્યારે, ઈસુએ એ માણસને સાજો કર્યો. (માર્ક ૩:૧-૬) જે યોગ્ય હતું એ કરવામાં, તે કદી પણ પાછા હઠ્યા નહિ.
૧૮ આજે યહોવાહના લોકો પણ જાણે છે કે વિરોધીઓથી ગભરાઈ જવાથી કંઈ કામ નહિ થાય. પરંતુ, તેઓ ઈસુ ખ્રિસ્ત જેવું વલણ રાખે છે. આજે ઘણા યહોવાહના લોકોનો વિરોધ કરે છે. કેટલાકને તેઓ વિષે પૂરતી જાણ હોતી નથી, અને કેટલાકને યહોવાહના સાક્ષીઓ કે તેઓનો સંદેશો ગમતો નથી. પરંતુ, આપણે તેઓના ખોટા વલણની અસર આપણા પર થવા દઈશું નહિ. ભક્તિ કરવાની બાબતમાં આપણે બીજા કોઈને કદી માથું મારવા દઈએ નહિ.
૧૯ ઈસુએ હંમેશા યહોવાહની ગોઠવણ પ્રત્યે અને પોતાના શિષ્યો પ્રત્યે સારું વલણ બતાવ્યું, પછી ભલે એમ કરવું સહેલું ન હોય. (માત્થી ૨૩:૨, ૩) ચાલો આપણે પણ તેમના જેવા જ બનીએ. ખરું કે આપણા ભાઈઓ ભૂલો કરે છે, પરંતુ આપણે પણ ક્યાં નથી કરતા? આજે આપણને આવા વફાદાર મિત્રો બીજે ક્યાં મળી શકે? યહોવાહ પરમેશ્વરે બાઇબલની પૂરેપૂરી સમજણ હજુ આપી નથી. પરંતુ, આજે બીજો કયો ધર્મ એનાથી વધારે સમજણ ધરાવે છે? તેથી, આપણે હંમેશા ઈસુ ખ્રિસ્ત જેવું વલણ રાખીએ. એમાં યહોવાહની રાહ જોતા શીખવાનો પણ સમાવેશ થાય છે. એની ચર્ચા આપણે હવે પછીના લેખમાં કરીશું.
[ફુટનોટ]
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત, કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તકમાં ઈસુના જીવન અને તેમની સેવા વિષે ચર્ચા કરવામાં આવી છે.
શું તમે સમજાવી શકો?
• કઈ રીતે આપણા વલણની અસર જીવન પર થાય છે?
• ઈસુ ખ્રિસ્તના વલણનું વર્ણન કરો.
• અયૂબના વલણથી આપણે શું શીખી શકીએ?
• વિરોધ થાય ત્યારે કેવું વલણ રાખવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. કઈ રીતે વ્યક્તિના વલણની તેના જીવન પર ઊંડી અસર પડે છે?
૨. વ્યક્તિ કઈ રીતે વલણ શીખે છે?
૩. કોનું વલણ નમૂનારૂપ હતું, અને આપણે કઈ રીતે તેમને પગલે ચાલી શકીએ?
૪, ૫. રૂમી ૧૫:૧-૩માં ઈસુના કેવા વલણ વિષે જણાવાયું છે, અને આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ?
૬. વિરોધ અને સતાવણી વખતે આપણે ઈસુના જેવું વલણ કઈ રીતે રાખી શકીએ?
૭. ઈસુએ કઈ રીતે ધીરજ બતાવી અને આપણે કઈ રીતે તેમના જેવા બની શકીએ?
૮, ૯. (ક) આપણે નિઃસ્વાર્થ વલણ કેળવવા કેમ મહેનત કરવી જોઈએ? (ખ) આપણે હંમેશા ઈસુ જેવું વલણ બતાવી શકતા નથી ત્યારે, કેમ નિરાશ ન થવું જોઈએ, અને એ વિષે પાઊલે કયું સુંદર ઉદાહરણ બેસાડ્યું છે?
૧૦. પાઊલે ફિલિપીઓને કેવું વલણ રાખવાનું ઉત્તેજન આપ્યું?
૧૧, ૧૨. યહોવાહ કઈ રીતે યોગ્ય વલણ શીખવે છે?
૧૩. અયૂબના ઉદાહરણ પરથી આપણે શું શીખીએ છીએ?
૧૪. આપણે કઈ રીતે અયૂબ જેવું વલણ રાખી શકીએ?
૧૫. (ક) ઈસુના કેટલાક શિષ્યોએ કેવું ખોટું વલણ બતાવ્યું? (ખ) પીતરે કેવું વલણ બતાવ્યું?
૧૬. ઈસુના સમયમાં યહુદી ધર્મગુરુઓએ કેવું ખોટું વલણ બતાવ્યું?
૧૭. (ક) દાનીયેલે કયા સંજોગોમાં હિંમત બતાવી? (ખ) ઈસુએ કઈ રીતે હિંમત બતાવી?
૧૮. શા માટે આપણો વિરોધ થાય છે, પણ આપણે કેવું વલણ રાખવું જોઈએ?
૧૯. આપણે કઈ રીતે ઈસુ ખ્રિસ્ત જેવું વલણ રાખી શકીએ?
[પાન ૭ પર ચિત્રો]
સારું વલણ રાખનાર બીજાઓને મદદ કરવા રાજી હોય છે
[પાન ૯ પર ચિત્ર]
પ્રાર્થનાપૂર્વક બાઇબલનો અભ્યાસ કરવાથી ખ્રિસ્ત જેવું વલણ કેળવવા મદદ મળે છે