શું તમે યહોવાહના નિયમોને ચાહો છો?
“મારા આત્માએ તારાં સાક્ષ્યો પાળ્યાં છે; તેમના પર હું ઘણો જ પ્રેમ રાખું છું.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૭.
યહોવાહ પરમેશ્વર પોતાના ભક્તો સુખી રહે એમ ચાહે છે. સાચા સુખનો આનંદ માણવા માટે આપણે પરમેશ્વરના નિયમો અને આદેશો પાળવા જરૂરી છે. તેથી, તે આપણને એની યાદ અપાવે છે. શાસ્ત્રવચનોમાં, ખાસ કરીને ગીતશાસ્ત્રના ૧૧૯માં અધ્યાયમાં એ વારંવાર જણાવવામાં આવ્યું છે, જે યહુદાહના રાજકુમાર હિઝકીયાહે લખ્યું હોય શકે. આ સુંદર ગીત આ રીતે શરૂ થાય છે: “સીધે માર્ગે જનારાઓને તથા યહોવાહના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે. તેનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હૃદયથી તેને શોધે છે.”—ગીતશાસ્ત્ર ૧૧૯:૧, ૨.
૨ બાઇબલનું ખરું જ્ઞાન લઈને અને એ પ્રમાણે જીવન જીવીને આપણે ‘યહોવાહના નિયમ પ્રમાણે ચાલી’ શકીએ છીએ. પરંતુ, અપૂર્ણ હોવાથી આપણને એની વારંવાર યાદ અપાવવી પડે છે. “યાદ કરાવવું” ભાષાંતર થતો હેબ્રી શબ્દ દર્શાવે છે કે પરમેશ્વર પોતાના નિયમો, આદેશો, આજ્ઞાઓ અને ધોરણો આપણને યાદ કરાવે છે. (માત્થી ૧૦:૧૮-૨૦) આપણે એને ધ્યાન આપીશું તો જ સુખી રહી શકીશું, કેમ કે એ આપણા પર આફત અને દુઃખ લાવતા જોખમો ટાળવા મદદ કરે છે.
યહોવાહના સૂચનોને વળગી રહો
૩ ગીતશાસ્ત્રના લેખકને પરમેશ્વરના સૂચનો ખૂબ જ પ્રિય હતાં. તેમણે કહ્યું: “મેં તારી આજ્ઞાઓ પાળવાને ઉતાવળ કરી છે, અને વાર લગાડી નથી. દુષ્ટોનાં બંધનોએ મને ઘેરી લીધો છે; પણ હું તારા નિયમને વિસરી ગયો નથી.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૦, ૬૧) યહોવાહ પોતાના સૂચનો યાદ અપાવીને આપણને સતાવણી સહન કરવા મદદ કરે છે. એનું કારણ એ છે કે યહોવાહ દુશ્મનોને પહોંચી વળી શકે છે. યોગ્ય સમયે, તે આપણને મુશ્કેલીમાંથી છોડાવે છે, જેથી આપણે તેમના રાજ્યનો પ્રચાર કરવાનું ચાલુ જ રાખી શકીએ.—માર્ક ૧૩:૧૦.
૪ મોટા ભાગે આપણને યહોવાહના સૂચનો દ્વારા સુધારો કરવા મદદ મળે છે. આપણે ગીતશાસ્ત્રના લેખકની જેમ આવા સૂચનોની હંમેશા કદર કરીએ. તેમણે પ્રાર્થના કરતા પરમેશ્વરને કહ્યું: “તારાં સાક્ષ્યોથી મને હર્ષ થાય છે . . . હું તારાં સાક્ષ્યો પર પ્રેમ રાખું છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૨૪, ૧૧૯) ગીતશાસ્ત્રના લેખક કરતાં આપણી પાસે આજે પરમેશ્વરની વધારે સૂચનાઓ છે. બાઇબલના વચનો ફક્ત યહોવાહના નિયમ કરાર હેઠળ રહેતા લોકો માટેની સૂચનાઓ વિષે જ જણાવતા નથી. પરંતુ, એ ખ્રિસ્તી મંડળ માટે યહોવાહના હેતુઓ પણ યાદ દેવડાવે છે. પરમેશ્વર યોગ્ય સમયે તેમના નિયમો યાદ દેવડાવે છે ત્યારે, એ માર્ગદર્શન માટે આપણે તેમના આભારી છીએ. યહોવાહની સૂચનાઓને વળગી રહેવાથી, આપણે તેમને ખુશ કરી શકીશું, અને લાલચોથી દૂર રહીને સુખી થઈશું.—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૧.
૫ આપણે પરમેશ્વરના સૂચનો પર કેટલો પ્રેમ રાખીએ છીએ? ગીતશાસ્ત્રના લેખકે કહ્યું કે “મારા આત્માએ તારાં સાક્ષ્યો [સૂચનો] પાળ્યાં છે; તેમના પર હું ઘણો જ પ્રેમ રાખું છું.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૬૭) જેમ એક પ્રેમાળ પિતા બાળકના ભલા માટે તેને ચેતવણી આપે છે, તેમ યહોવાહના સૂચનોને આપણે જોઈશું તો, એને ઘણા જ ચાહીશું અને એ જ પ્રમાણે જીવીશું. (૧ પીતર ૫:૬, ૭) આપણને એ સૂચનોની ખૂબ જ જરૂર છે. આપણે એના લાભ જોઈશું તેમ, એના પ્રત્યેનો આપણો પ્રેમ પણ વધશે.
પરમેશ્વરના સૂચનો કેમ જરૂરી છે
૬ યહોવાહ સૂચનો આપી યાદ દેવડાવે એ જરૂરી છે, કેમ કે આપણે ભૂલી જઈએ છીએ. એક વિશ્વજ્ઞાનકોષ (અંગ્રેજી) કહે છે કે “સમય પસાર થાય એમ લોકો બાબતો ભૂલી જાય છે. . . . તમને અનુભવ થયો હશે કે ચપટી વગાડતા યાદ આવે એવા નામ કે અમુક માહિતી ગમે એટલું વિચારો છતાં યાદ આવતા ન હોય. . . . આમ, ઘણી વાર બનતું હોય છે કે થોડીક પળો માટે એ યાદ આવે જ નહિ, એને યાદશક્તિનું નિષ્ફળ જવું કહી શકાય. વૈજ્ઞાનિકો એની સરખામણી એક એવી વસ્તુ શોધવા સાથે કરે છે, જે એક ઓરડામાં વેરવિખેર પડેલી વસ્તુઓમાં ખોવાઈ ગઈ હોય. . . . કોઈ માહિતી યાદ રાખવાની એક રીત એ છે કે તમે એનાથી સારી રીતે પરિચિત થાવ, એના લાંબા સમય પછી એનો અભ્યાસ કરો.” એ જ રીતે, વારંવાર કરેલો ઊંડો અભ્યાસ આપણને પરમેશ્વરના સૂચનો યાદ દેવડાવે છે, અને આપણા ભલા માટે એ પ્રમાણે જીવવા મદદ કરે છે.
૭ પહેલાં કરતાં આજે યહોવાહના સૂચનોની ખૂબ જ જરૂર છે, કારણ કે આજે દુષ્ટતા ઘણી જ વધી ગઈ છે. તેથી, પરમેશ્વરના સૂચનોને ધ્યાન આપીશું તો, આપણને જગતની લાલચોથી દૂર રહેવા મદદ મળશે. ગીતશાસ્ત્રના લેખકે કહ્યું કે “મારા સર્વ શિક્ષકો કરતાં હું વધુ સમજું છું; કેમકે હું તારાં સાક્ષ્યોનું ધ્યાન ધરૂં છું. વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું, કેમકે મેં તારાં શાસનો પાળ્યાં છે. હું તારૂં વચન પાળું માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગથી પાછા હઠાવ્યા છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૯-૧૦૧) પરમેશ્વરના સૂચનો પ્રમાણે જીવવાથી આપણે “સર્વ ભૂંડા માર્ગથી” દૂર રહીશું. તેમ જ, જેઓની ‘બુદ્ધિ અંધકારમય થયેલી છે અને દેવના જીવનથી દૂર છે,’ એવા લોકો નહિ બનીએ.—એફેસી ૪:૧૭-૧૯.
૮ આ ‘અંતના સમયમાં’ કસોટીઓમાં ટકી રહેવા પરમેશ્વર યહોવાહના સૂચનો આપણને તૈયાર કરે છે. (દાનીયેલ ૧૨:૪) એ ન હોય તો, આપણે “સાંભળીને ભૂલી જનાર” બની જઈશું. (યાકૂબ ૧:૨૫) તેથી, આપણે “વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર” દ્વારા મળતા સાહિત્યની મદદ લઈએ. તેમ જ, આપણે પોતે અને મંડળમાં શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરીશું તો, વિશ્વાસની કસોટી સારી રીતે પાર કરવા મદદ મળશે. (માત્થી ૨૪:૪૫-૪૭) કપરા સંજોગોમાં પણ યહોવાહની ભક્તિ કરતા રહીએ એ માટે આવી ગોઠવણો આપણને મદદ કરે છે.
સભાઓનું મહત્ત્વ
૯ ખ્રિસ્તી સભાઓ પણ પરમેશ્વરના સૂચનોની યાદ અપાવે છે, જ્યાં અનુભવી ભાઈઓ શિક્ષણ આપે છે. પ્રેષિત પાઊલે લખ્યું કે ઈસુ ‘ઊંચાણમાં ચઢીને બંદીવાનોને લઈ ગયા, અને તેમણે માણસોને દાન આપ્યાં.’ પાઊલે આગળ જણાવ્યું કે “વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારૂ, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારૂ, તેણે [ખ્રિસ્તે] કેટલાએક પ્રેરિતો, કેટલાએક પ્રબોધકો, કેટલાએક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા.” (એફેસી ૪:૮, ૧૧, ૧૨) આપણે કેટલા આભારી છીએ કે યહોવાહની ભક્તિ માટે ભેગા મળીએ ત્યારે, આ “માણસોને દાન” એટલે કે વડીલો આપણને યહોવાહના સૂચનો શીખવે છે!
૧૦ યહોવાહ પરમેશ્વરની આ ગોઠવણની આપણે કદર કરતા હોઈશું તો, આપણે બધી જ સભાઓમાં હાજર રહીશું. નિયમિત રીતે ભેગા મળવા પર ભાર મૂકતા પાઊલે લખ્યું કે “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.”—હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૧૧ શું તમે સભાઓની કદર કરો છો? ચોકીબુરજનો અભ્યાસ આપણો વિશ્વાસ દૃઢ કરીને, યહોવાહના સૂચનો પાળવા મદદ કરે છે અને ‘જગતના આત્માથી’ રક્ષણ કરે છે. (૧ કોરીંથી ૨:૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૧) જાહેર સભામાં વક્તા બાઇબલમાંથી શિક્ષણ આપે છે, જેમાં યહોવાહના સૂચનો અને ઈસુની “અનંતજીવનની વાતો” સમાયેલી છે. (યોહાન ૬:૬૮; ૭:૪૬; માથ્થી ૫:૧–૭:૨૯) દેવશાહી સેવા શાળામાં આપણી શીખવવાની કળા વધુ કેળવાય છે. સેવા સભા આપણને પ્રચારમાં, ફરી મુલાકાતમાં, બાઇબલનું શિક્ષણ આપવામાં કે કોઈ બીજી સેવામાં સુધારો કરવા ખૂબ જ મદદ કરે છે. મંડળ પુસ્તક અભ્યાસમાં ઓછી સંખ્યામાં ભાઈઓ ભેગા મળતા હોવાથી, આપણા વિચારો જણાવવાની વધારે તક મળે છે, જેમાં પરમેશ્વરના સૂચનો સમાયેલા હોય છે.
૧૨ મંડળની સભાઓમાં નિયમિત જવાથી આપણને પરમેશ્વરના નિયમો યાદ કરાવવામાં આવે છે. એનાથી આપણને યુદ્ધો, પૈસાની તંગી અને એવી બીજી મુશ્કેલીઓમાં ટકી રહેવા મદદ મળે છે. એક અનુભવ બતાવે છે કે સભાઓ કેટલી મહત્ત્વની છે. એશિયામાં એક દેશના ૭૦ ભાઈ-બહેનોના ઘરો નાશ પામ્યા હોવાથી તેઓએ જંગલમાં રહેવું પડતું હતું. તોપણ, તેઓએ સભાઓમાં નિયમિત ભેગા મળવાનો નિર્ણય કર્યો. તેઓ યુદ્ધથી વેરાન થઈ ગયેલા પોતાના શહેરમાં પાછા આવ્યા. તેઓએ રાજ્યગૃહમાંથી જે બચ્યું હતું એ બધું લઈ લીધું, અને એનો ઉપયોગ કરીને જંગલમાં સભા માટેની જગ્યા ઊભી કરી દીધી.
૧૩ એ જ દેશમાં બીજી જગ્યાએ વર્ષો સુધી યુદ્ધની અસર સહન કરીને પણ, યહોવાહના ભક્તો ઉત્સાહથી સેવા કરી રહ્યા છે. એમાંના એક વડીલને પૂછવામાં આવ્યું કે, “ભાઈઓને એકતામાં રાખવા માટે શાનાથી મદદ મળી?” તેમણે જવાબ આપ્યો, “ઓગણીસ વર્ષમાં અમે ક્યારેય સભા બંધ રાખી નથી. કેટલીક વખત બોંબમારો થવાથી કે બીજી મુશ્કેલીઓના કારણે અમુક ભાઈઓ સભાઓમાં આવી શક્યા ન હતા. પરંતુ અમે ક્યારેય સભા બંધ રાખી નહિ.” ખરેખર, આપણા આ વહાલા ભાઈ-બહેનોએ ‘એકઠા મળવાનું પડતું ન મૂકવાના’ મહત્ત્વની કદર કરી.
૧૪ આન્ના, ૮૪ વર્ષની વિધવા યહોવાહની ભક્તિ માટે હંમેશા મંદિરે રહેતી હતી. તેથી, બાળક ઈસુના જન્મ પછી તેમને મંદિરમાં લાવવામાં આવ્યા ત્યારે, તે ત્યાં જ હતી. (લુક ૨:૩૬-૩૮) શું તમે પણ એકેય સભા નહિ ચૂકવાનો નિર્ણય કર્યો છે? શું તમે સંમેલનોના દરેક ભાગમાં હાજર રહેવા બનતા પ્રયત્ન કરો છો? આ સભાઓમાં મળતું શિક્ષણ આપણને જે લાભ કરે છે, એ જ પુરાવો આપે છે કે યહોવાહ આપણી કાળજી લે છે. (યશાયાહ ૪૦:૧૧) આવા પ્રસંગોથી ઘણો જ આનંદ મળે છે અને આપણે એમાં હાજર રહીને ખરેખર યહોવાહના સૂચનોની કદર કરીએ છીએ.—નહેમ્યાહ ૮:૫-૮, ૧૨.
યહોવાહના સૂચનો પાળતા લોકો
૧૫ યહોવાહના સૂચનો પાળવાથી આ દુષ્ટ જગતથી જુદા રહેવા આપણને મદદ મળે છે. દાખલા તરીકે, જાતીય લંપટતાથી આપણું રક્ષણ થાય છે. (પુનર્નિયમ ૫:૧૮; નીતિવચન ૬:૨૯-૩૫; હેબ્રી ૧૩:૪) પરમેશ્વરના સૂચનો પાળવાથી જૂઠું બોલવાની, અપ્રમાણિક બનવાની કે ચોરી કરવાની લાલચ પર વિજય મેળવી શકાય છે. (નિર્ગમન ૨૦:૧૫, ૧૬; લેવીય ૧૯:૧૧; નીતિવચન ૩૦:૭-૯; એફેસી ૪:૨૫, ૨૮; હેબ્રી ૧૩:૧૮) તેમ જ, આપણે બદલો લેવાનું, ખાર રાખવાનું કે ચાડી-ચૂગલી કરવાનું વલણ પણ રાખીશું નહિ.—લેવીય ૧૯:૧૬, ૧૮; ગીતશાસ્ત્ર ૧૫:૧, ૩.
૧૬ પરમેશ્વરનાં સૂચનો પાળીને આપણે તેમની ભક્તિ કરવા અલગ થઈએ છીએ. હા, આ જગતથી અલગ રહેવું ખરેખર ઘણું જ મહત્ત્વનું છે! ઈસુએ પૃથ્વી પરની પોતાની છેલ્લી રાત્રે પોતાના પ્રેષિતો માટે યહોવાહને પ્રાર્થના કરી કે “તારૂં વચન મેં તેઓને આપ્યું છે; અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમકે જેમ હું જગતનો નથી, તેમ તેઓ પણ જગતના નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરૂં છું. જેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી. સત્યથી તેઓને પવિત્ર કર; તારૂં વચન સત્ય છે.” (યોહાન ૧૭:૧૪-૧૭) તેથી આપણે પરમેશ્વરના વચન, બાઇબલને વળગી રહીએ જે આપણને તેમની પવિત્ર સેવા માટે જુદા પાડે છે.
૧૭ યહોવાહના સેવક તરીકે આપણે તેમની સેવાને યોગ્ય રહેવા માગીએ છીએ. જો આપણે પરમેશ્વરના સૂચનો નહિ માનીએ તો જગતનું વલણ બતાવીશું, જે લોકોની ભાષા, સાહિત્ય, મનોરંજન અને વર્તનમાં દેખાય આવે છે. મોટા ભાગે તેઓ પૈસાના પ્રેમી, સ્વાર્થી, અભિમાની, નિંદક, કદર ન કરનારા, અધર્મી, ક્રૂર, ઉદ્ધત અને પરમેશ્વર પર નહિ પણ મોજશોખમાં ડૂબી રહેનારા હોય છે. ખરેખર, આપણે એવું વલણ બતાવવા માગતા નથી. (૨ તીમોથી ૩:૧-૫) આપણે આ દુષ્ટ જગતના છેક છેલ્લા દિવસોમાં જીવીએ છીએ. તેથી, આપણે યહોવાહની મદદ માટે પ્રાર્થના કરતા રહીએ, જેથી તેમના સૂચનો પાળીને ‘તેમના વચન પ્રમાણે સાવધ’ રહી શકીએ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૯.
૧૮ યહોવાહના સૂચનો આપણને ફક્ત ચેતવણી જ આપતા નથી કે ખોટી બાબતો ન કરવી. પરંતુ, એ પાળવાથી સારી બાબતો કરવા ઉત્તેજન પણ મળે છે. એનાથી આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખીએ છીએ અને પૂરા દિલથી, જીવથી, મનથી અને પૂરી શક્તિથી તેમના પર પ્રેમ રાખીએ છીએ. (પુનર્નિયમ ૬:૫; ગીતશાસ્ત્ર ૪:૫; નીતિવચન ૩:૫, ૬; માત્થી ૨૨:૩૭; માર્ક ૧૨:૩૦) તેમના સૂચનો આપણા પડોશીનું ભલું કરવા પ્રેરણા આપે છે. (લેવીય ૧૯:૧૮; માત્થી ૨૨:૩૯) ખાસ કરીને યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવન જીવીને અને બીજાઓને તેમનું “જ્ઞાન” આપીને, આપણે યહોવાહ અને પડોશીને પ્રેમ બતાવીએ છીએ.—નીતિવચન ૨:૧-૫.
યહોવાહના નિયમો પાળો અને જીવો!
૧૯ આપણે યહોવાહના સૂચનો પાળીએ અને બીજાઓને એમ કરવા મદદ કરીએ તો, આપણે પોતાને અને જેઓ સાંભળે છે તેઓને બચાવીશું. (૧ તીમોથી ૪:૧૬) આપણે કઈ રીતે લોકોને જણાવીએ કે યહોવાહના સૂચનો પાળવામાં આપણું ભલું થાય છે? એ માટે આપણે પોતે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવીએ. એમ કરવાથી યહોવાહનો માર્ગ શોધનારા જોઈ શકશે કે પવિત્ર શાસ્ત્ર, બાઇબલમાં બતાવેલો માર્ગ જ સૌથી સારો છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) તેઓ એ પણ જોશે કે ખરેખર યહોવાહ આપણી સાથે છે અને તેઓ પણ તેમની ભક્તિ કરવા આપણી સાથે જોડાશે.—૧ કોરીંથી ૧૪:૨૪, ૨૫.
૨૦ બાઇબલનો નિયમિત અભ્યાસ કરતા રહીને, જે શીખીએ છીએ એ પાળીને અને યહોવાહે કરેલી ગોઠવણોનો પૂરો લાભ લઈને, આપણે તેમના સૂચનો પર ઘણો જ પ્રેમ રાખીશું. આપણે એ સૂચનો પ્રમાણે જીવીશું તો, “નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાએલું છે તે પહેરી” લેવા મદદ મળશે. (એફેસી ૪:૨૦-૨૪) યહોવાહના સૂચનો અને તેમનો પવિત્ર આત્મા આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું અને નમ્રતા જેવા ગુણો કેળવવા મદદ કરે છે. એવા ગુણો આજે શેતાનના જગતમાં ભાગ્યે જ જોવા મળે છે! (ગલાતી ૫:૨૨, ૨૩; ૧ યોહાન ૫:૧૯) તેથી, આપણે ખરેખર આભારી થઈએ કે યહોવાહ પોતાના સૂચનોની વારંવાર યાદ અપાવે છે. ભલે પછી એ આપણા બાઇબલ અભ્યાસમાં, વડીલો દ્વારા, સભામાં કે સંમેલનોમાં જણાવાતાં હોય.
૨૧ યહોવાહના માર્ગમાં ચાલતા હોવાને લીધે થતી સતાવણીમાં પણ આપણે આનંદ કરીએ છીએ, કેમ કે આપણે યહોવાહના સૂચનો પાળીએ છીએ. (લુક ૬:૨૨, ૨૩) જોખમી સંજોગોમાં બચાવ માટે, આપણે યહોવાહ તરફ મદદ માટે હાથ લંબાવીએ છીએ. ખાસ કરીને હમણાં એ ખૂબ જ જરૂરી છે, કારણ કે બધા દેશોને “સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈને સારૂ” આર્માગેદ્દોનમાં ભેગા કરવામાં આવી રહ્યા છે.—પ્રકટીકરણ ૧૬:૧૪-૧૬.
૨૨ આપણે હંમેશ માટેના જીવનની ભેટ ચાહતા હોઈએ તો, આપણે યહોવાહના સૂચનો પર ઘણો જ પ્રેમ રાખીને પૂરા દિલથી એને પાળીશું. તેથી, આપણે ગીતશાસ્ત્રના લેખક જેવું જ વલણ રાખીએ, જેમણે કહ્યું કે “તારાં સાક્ષ્યો સદાકાળ ન્યાયયુક્ત છે; મને સમજણ આપ, એટલે હું જીવતો રહીશ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૪) તેમ જ, આપણે એ લેખકના શબ્દોમાં જોવા મળતો નિર્ણય કરીએ કે “મેં તને [યહોવાહને] વિનંતી કરી છે; મને બચાવ, એટલે હું તારાં સાક્ષ્યો પાળીશ.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૬) ચાલો વાણી અને વર્તનથી આપણે સાબિત કરીએ કે ખરેખર યહોવાહના સૂચનો પર આપણે ઘણો જ પ્રેમ રાખીએ છીએ.
તમે શું કહેશો?
• ગીતશાસ્ત્રના લેખકે પરમેશ્વરના સૂચનો પ્રત્યે કેવું વલણ રાખ્યું?
• આપણને શા માટે પરમેશ્વરના સૂચનોની જરૂર છે?
• યહોવાહના સૂચનો વિષે સભાઓનું શું મહત્ત્વ છે?
• યહોવાહના સૂચનો કઈ રીતે આપણને આ જગતથી અલગ રાખે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. યહોવાહના નિયમો વિષે વારંવાર ક્યાં જણાવવામાં આવ્યું છે?
૨. આપણું સુખ શાના પર આધારિત છે અને શા માટે?
૩. ગીતશાસ્ત્ર ૧૧૯:૬૦, ૬૧ આપણને કઈ ખાતરી આપે છે?
૪. પરમેશ્વરના સૂચનો પ્રત્યે આપણે કેવું વલણ બતાવીશું?
૫. કઈ રીતે આપણે યહોવાહના સૂચનો પર ઘણો જ પ્રેમ રાખી શકીએ?
૬. યહોવાહના સૂચનોની આપણને જરૂર છે, એનું એક કારણ કયું છે અને કઈ રીતે આપણે એને યાદ રાખી શકીએ?
૭. શા માટે આજે પરમેશ્વરના સૂચનોની વધારે જરૂર છે?
૮. વિશ્વાસની કસોટી સારી રીતે પાર કરવા આપણે શું કરવું જોઈએ?
૯. “માણસોને દાન” કોણ છે, અને તેઓ કઈ રીતે મંડળના ભાઈ-બહેનોને મદદ કરે છે?
૧૦. હેબ્રી ૧૦:૨૪, ૨૫ શું ઉત્તેજન આપે છે?
૧૧. કઈ રીતે આપણી દરેક સભા લાભ કરે છે?
૧૨, ૧૩. કઈ રીતે એશિયાના એક દેશમાં પરમેશ્વરના લોકોએ સભાઓની કદર કરી?
૧૪. વૃદ્ધ આન્ના પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૫, ૧૬. યહોવાહના સૂચનો પાળવાથી આપણા પર કેવી અસર થાય છે?
૧૭. પરમેશ્વરનાં સૂચનો ન પાળીએ તો શું થઈ શકે, અને તેથી આપણે શું કરવું જોઈએ?
૧૮. યહોવાહના સૂચનો પાળવાથી આપણને કઈ મદદ મળે છે?
૧૯. કઈ રીતે આપણે બીજાઓને જણાવીએ કે યહોવાહના સૂચનો પાળવાથી લાભ થાય છે?
૨૦, ૨૧. પરમેશ્વરના સૂચનો અને તેમનો પવિત્ર આત્મા શું કરવા મદદ કરે છે?
૨૨. યહોવાહના સૂચનો વિષે આપણો નિર્ણય શું છે?
[પાન ૧૫ પર ચિત્ર]
ગીતશાસ્ત્રના લેખકે યહોવાહના સૂચનો પર ઘણો જ પ્રેમ રાખ્યો
[પાન ૧૬, ૧૭ પર ચિત્રો]
આન્નાના અનુભવ પરથી, શું તમે દરેક સભાઓમાં જવાનો નિર્ણય કર્યો છે?
[પાન ૧૮ પર ચિત્ર]
યહોવાહના સૂચનો પ્રમાણે જીવવાથી આપણે તેમની સેવા કરવા શુદ્ધ અને જુદા થઈએ છીએ