સ્વૈચ્છિક હૃદય લોકોને ગિલયડમાં લાવે છે
વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડ, સમર્પિત ભાઈ-બહેનોને પરદેશમાં મિશનરિ સેવા માટે તાલીમ આપે છે. કોણ ગિલયડમાં આવે છે? સ્વેચ્છાથી સેવા કરવા પ્રેરાયેલાઓ આવે છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩) સપ્ટેમ્બર ૮, ૨૦૦૧ના રોજ ગિલયડમાં વિદ્યાર્થીઓનો ૧૧૧મો વર્ગ સ્નાતક થયો ત્યારે, એનો પુરાવો જોવા મળ્યો.
એ વર્ગના કેટલાક વિદ્યાર્થીઓએ તો પહેલેથી જ વધારે જરૂર હતી એવા વિસ્તારોમાં કામ કરવા માટે, સ્વેચ્છાએ પોતાના કુટુંબ, મિત્રો અને ઘર છોડ્યા હતા. એમ કરીને, તેઓએ પોતાને ચકાસી જોયા કે ગમે તેવા સંજોગોમાં પણ ફેરગોઠવણો કરીને તેઓ રહી શકે છે કે નહિ. દાખલા તરીકે, પરમેશ્વરના રાજ્યના સુસમાચારનો પ્રચાર કરી શકે માટે, રીચર અને નાથાલીએ બોલિવિયા, ટૅડ અને મિશેલે ડોમિનિકન રિપબ્લિક તથા ડેવિડ અને મોનીક્વુએ એશિયામાં જવા પોતાના સમયપત્રકમાં ફેરગોઠવણ કરી. બીજા વિદ્યાર્થીઓ પહેલેથી જ નિકારાગુઆ, ઇક્વેડોર અને આલ્બેનિયામાં સેવા કરતા હતા.
ક્રિસ્ટીને ઉચ્ચ શાળામાં સ્પેનિશ ભાષા શીખવાનું ઉત્તેજન આપવામાં આવ્યું, જેથી તે લગ્ન પહેલાં બે વર્ષ ઇક્વેડોરમાં રહીને સેવા કરી શકે. બીજાઓ પોતાના વતનમાં પરદેશી ભાષાનાં મંડળોમાં જોડાયા. જુદી જુદી મુશ્કેલીઓનો સામનો કરીને પણ શાઉલ અને પ્રિસિલાએ ગિલયડ શાળામાં આવતા પહેલાં અંગ્રેજીમાં સુધારો કરવા સખત મહેનત કરી. આ રીતે તેઓએ સ્વૈચ્છિક વલણ બતાવ્યું.
મિશનરિ તાલીમના ૨૦ અઠવાડિયાં ઝડપથી પસાર થઈ ગયાં. પછી સ્નાતક દિન આવી પહોંચ્યો અને વિદ્યાર્થીઓ પોતાના મિત્રો તથા કુટુંબીજનો સાથે ઉપયોગી સલાહ અને ઉત્તેજનના શબ્દો સાંભળી રહ્યા હતા.
યહોવાહના સાક્ષીઓના નિયામક જૂથના સભ્ય તરીકે સેવા આપી રહેલા થીયોડર જારટ્સ કાર્યક્રમના ચૅરમૅન હતા અને તે ગિલયડ શાળાના સાતમા વર્ગમાં સ્નાતક થયા હતા. તેમણે શરૂઆતમાં એ હકીકત પર ભાર મૂક્યો કે એક સંગઠન તરીકે, આપણે પૃથ્વી પરના સર્વ રહેવાસીઓને રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવા ગિલયડમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાના હેતુમાંથી ક્યારેય ફંટાઈ ગયા નથી. (માર્ક ૧૩:૧૦) ગિલયડ શાળા સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને, પહેલાં ક્યારેય થયું ન હોય એવા મોટા પાયા પર પ્રચાર કાર્ય કરવા અને આખી દુનિયામાં, ખાસ કરીને તાલીમ પામેલા મિશનરિઓની જરૂર હોય એવા વિસ્તારોમાં જવા માટે તૈયાર કરે છે. ભાઈ જારટ્સે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તેઓ ૧૯ દેશોમાં કાર્ય કરી રહેલા મિશનરિઓ સાથે જોડાય ત્યારે ગિલયડમાંથી મેળવેલી તાલીમનો ભરપૂર ઉપયોગ કરે.
સ્નાતકો માટે સમયસરની સલાહ
ત્યાર પછી, વાર્તાલાપો શરૂ થયા. યુનાઈટેડ સ્ટેટ્સની શાખા સમિતિના સભ્ય વિલ્યમ વાન ડી વૉલે “મિશનરિ ઉત્સાહ—સાચા ખ્રિસ્તીઓનું ચિહ્ન” વિષય પર વાર્તાલાપ આપ્યો. તેમણે માત્થી ૨૮:૧૯, ૨૦માં આપવામાં આવેલી ‘શિષ્યો’ બનાવવાની સોંપણી પર ધ્યાન દોર્યું. તેમણે વિદ્યાર્થીઓને આ સલાહ પણ આપી: “પોતાના મિશનરિ કાર્યને ઉત્સાહથી કરનાર ઈસુને અનુસરો.” ભાવિ મિશનરિઓ પોતાના મિશનરિ કાર્યમાં ઉત્સાહ જાળવી રાખે એ માટે તેઓને મદદ કરવા તેમણે આમ ઉત્તેજન આપ્યું: “વ્યવહારુ સમયપત્રકને વળગી રહો; સારા વ્યક્તિગત અભ્યાસની ટેવ પાડો, દેવશાહી બાબતની છેલ્લામાં છેલ્લી માહિતીથી જાણકાર રહો અને તમે શા માટે આ કાર્ય કરી રહ્યા છો એને હંમેશા ધ્યાનમાં રાખો.”
પછી, નિયામક જૂથના સભ્ય, ભાઈ ગાઈ પીઅર્સે “‘તમારી બુદ્ધિ’ વિકસાવતા રહો” વિષય પર વાર્તાલાપ આપ્યો. (રૂમી ૧૨:૧) તેમણે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને વ્યવહારુ સલાહ આપી અને પરમેશ્વરે તેઓને આપેલી બુદ્ધિની ક્ષમતાનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપ્યું. તેમણે કહ્યું, “યહોવાહ પોતાના શબ્દ દ્વારા જે કહી રહ્યા છે એના પર મનન કરો. એ તમારું રક્ષણ કરશે.” (નીતિવચનો ૨:૧૧) ભાઈ પીઅર્સે એ પણ સલાહ આપી કે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વિષે પોતાનો જ કક્કો ખરો રાખવો જોઈએ નહિ. કેમ કે એ આપણી ‘બુદ્ધિના’ વિકાસને અટકાવે છે. ખરેખર, સમયસરની આ સલાહ વિદ્યાર્થીઓને તેઓના મિશનરિ કાર્યમાં મદદરૂપ પુરવાર થશે.
ત્યાર પછી, સભાપતિએ લોરેન્સ બોવેન નામના ગિલયડના એક શિક્ષકને બોલાવ્યા. તેમણે “બીજું કંઈ જ ન જાણવાનો નિશ્ચય કરો” વિષય પર વાર્તાલાપ આપ્યો. તેમણે બતાવ્યું કે પ્રેષિત પાઊલે કોરીંથમાંના પોતાના મિશનરિ કાર્યમાં, ‘ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાએલો છે એ સિવાય બીજું કંઈ જ ન જાણવાનો નિશ્ચય કર્યો’ હતો. (૧ કોરીંથી ૨:૨) પાઊલ જાણતા હતા કે વિશ્વનો સૌથી શક્તિશાળી, પવિત્ર આત્મા આખા બાઇબલમાં આપવામાં આવેલા આ સંદેશાને ટેકો આપે છે: વચન આપેલા સંતાન દ્વારા યહોવાહની સર્વોપરિતાને મહિમાવંત કરવી. (ઉત્પત્તિ ૩:૧૫) એ વર્ગના ૪૮ સ્નાતક વિદ્યાર્થીઓને પાઊલ અને તીમોથી જેવા બનવાનું ઉત્તેજન આપવામાં આવ્યું કે જેઓએ મિશનરિ કાર્યમાં સફળતા મેળવી હતી અને ‘સત્ય વચનોને’ વળગી રહ્યા હતા.—૨ તીમોથી ૧:૧૩.
શરૂઆતના વાર્તાલાપોની શૃંખલાના છેલ્લા વાર્તાલાપનો વિષય આ હતો, “પરમેશ્વર પાસેથી ભેટમાં મળેલા લહાવાની કદર કરો.” ગિલયડ શાળાના રજીસ્ટ્રાર, વૉલેશ લીવરેન્સે વિદ્યાર્થીઓને એ સમજવા મદદ કરી કે પરમેશ્વરે અપાત્ર કૃપાથી તેઓને સેવાના લહાવાઓ આપ્યા છે, એ માટે કંઈ તેઓ હક્કદાર નથી અથવા એ તેઓ કમાયા પણ નથી. પ્રેષિત પાઊલના ઉદાહરણ પર ધ્યાન દોરતા ભાઈ લીવરેન્સે બતાવ્યું: “યહોવાહે પાઊલનું કાર્ય જોઈને તેમની પોતાના પ્રેષિત તરીકે પસંદગી કરી ન હતી, જેનાથી એવું લાગે કે તે એ સોંપણીને યોગ્ય હતા અથવા એ તેમની મહેનતનો બદલો હતો. એ તેમની વર્ષોની સેવા કે અનુભવના આધારે પણ ન હતું. માનવીઓની નજરે એવું લાગી શકે કે બાર્નાબાસની પસંદગી વધારે યોગ્ય હોત. એ વ્યક્તિગત ક્ષમતા પર આધારિત ન હતી; એપોલસ પાઊલ કરતાં વધારે સ્પષ્ટ વક્તા હતા. પરંતુ, એ તો પરમેશ્વરની અપાત્ર કૃપા હતી.” (એફેસી ૩:૭, ૮) ભાઈ લીવરેન્સે સ્નાતક વિદ્યાર્થીઓને, બીજાઓને પરમેશ્વરના મિત્ર બનવા અને “પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન” મેળવવામાં મદદ કરવા, તેઓને મળેલી ભેટનો અથવા સેવાના લહાવાનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપ્યું.—રૂમી ૬:૨૩.
ત્યાર પછી, ગિલયડના બીજા એક શિક્ષક, માર્ક નુમારે “પૂર્વતૈયારીથી સારાં પરિણામો મળે છે” વિષય પર વાર્તાલાપ આપીને અમુક વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભરી ચર્ચા કરી. (નીતિવચનો ૨૧:૫) અનુભવોએ બતાવ્યું કે પ્રચારક સેવાકાર્ય માટે અગાઉથી સારી તૈયારી કરે છે અને ખાસ કરીને પોતાના હૃદયને તૈયાર કરે છે ત્યારે, તેને લોકો માટે સાચો રસ હશે. તેને બોલવામાં ક્યારેય તકલીફ પડશે નહિ. એને બદલે, તે લોકોને આત્મિક રીતે મદદ કરવા જણાવશે અને એ જ પ્રમાણે કરશે. આમ, ભાઈ નુમારે આફ્રિકામાં મિશનરિ કાર્ય તરીકેના પોતાના અનુભવ તરફ ધ્યાન દોરતા બતાવ્યું કે “એ સફળ મિશનરિ બનવાની ચાવી છે.”
મિશનરિ કાર્ય—એક સંતોષપ્રદ કારકિર્દી
રાલ્ફ વૉલ્સ અને ચાર્લ્સ વુડીએ કેટલાક અનુભવી મિશનરિઓના ઇન્ટર્વ્યૂં લીધા કે જેઓ પેટરસન શૈક્ષણિક કેન્દ્રમાં ખાસ તાલીમ લેવા આવ્યા હતા. આ ઇન્ટર્વ્યૂંમાં એ ભાર મૂકવામાં આવ્યો કે લોકો માટેનો પ્રેમ મિશનરિ કાર્યમાં ખરેખર આનંદ લાવે છે. એ વિદ્યાર્થીઓ, તેમના કુટુંબીજનો અને મિત્રો અથવા શ્રોતાગણમાં બેસીને આ મિશનરિઓના અનુભવો સાંભળનારાઓ માટે ખાતરી કરાવનારું હતું કે શા માટે મિશનરિ કાર્ય સંતોષપ્રદ કારકિર્દી છે.
નિયામક જૂથના સભ્ય તરીકે સેવા આપતા ભાઈ જોન ઈ. બારે “યહોવાહ પ્રત્યે નવું ગીત ગાઓ,” વિષય પર મુખ્ય વાર્તાલાપ આપ્યો હતો. (યશાયાહ ૪૨:૧૦) ભાઈ બારે બતાવ્યું કે “નવું ગીત” વક્તવ્ય બાઇબલમાં નવ વખત આવે છે. પછી તેમણે પ્રશ્ન પૂછ્યો, “આ નવું ગીત શાના વિષે છે?” એનો જવાબ આપતા તેમણે કહ્યું: “આજુબાજુની કલમોમાંથી જોવા મળે છે કે યહોવાહના રાજ કરવાના અધિકાર સાથે જોડાયેલી નવી ઘટનાઓ થવા લાગી એ કારણે આ નવું ગીત ગાવામાં આવે છે.” તેમણે વિદ્યાર્થીઓને જીત પૂરી કરવા માટે આગળ વધી રહેલા મસીહી રાજા ઈસુ ખ્રિસ્તને સોંપવામાં આવેલા પરમેશ્વરના રાજ્યને મહિમા આપવા ગીતમાં જોડાવાનું ઉત્તેજન આપ્યું. ભાઈ બારે એ પણ બતાવ્યું કે ગિલયડમાં તેઓએ જે તાલીમ મેળવી હતી એણે તેઓને આ ‘નવા ગીતનાં’ વિવિધ પાસાઓને વધારે ઊંડી રીતે સમજવા મદદ કરી હતી. “શાળાએ એ બાબત પર ભાર મૂક્યો છે કે તમે ગમે ત્યાં જાવ પરંતુ તમારા ભાઈ-બહેનો સાથે યહોવાહની સ્તુતિ કરવા આ ‘ગીત’ ગાતા રહો; તમારી સોંપણીમાં હંમેશા બીજાઓ સાથે એકતા જાળવી રાખો.”
વિદ્યાર્થીઓને સ્નાતક પદવી આપવામાં આવી પછી, વર્ગ તરફથી વક્તાએ તેઓએ ગિલયડમાં મેળવેલી તાલીમ માટે હૃદયપૂર્વકની કદર વ્યક્ત કરતો પત્ર વાંચ્યો.
શું તમે પરમેશ્વરની વધુ સેવા કરીને વધારે સફળતા મેળવી શકો? જો એમ હોય તો, આ સ્નાતક વિદ્યાર્થીઓ જેવું વલણ બતાવો. એ જ બાબતે તેઓને મિશનરિ કાર્ય માટે યોગ્ય બનવા મદદ કરી છે. વ્યક્તિ સ્વેચ્છાએ આનંદથી પરમેશ્વરની સેવામાં જોડાય છે ત્યારે મોટો આનંદ મેળવે છે.—યશાયાહ ૬:૮.
[પાન ૨૫ પર બોક્સ]
વર્ગની વિગતો
પ્રતિનિધિત્વ કરેલા દેશોની સંખ્યા: ૧૦
સોંપણી કરવામાં આવેલા દેશોની સંખ્યા: ૧૯
વિદ્યાર્થીઓની સંખ્યા: ૪૮
સરેરાશ ઉંમર: ૩૩.૨
સત્યમાં સરેરાશ વર્ષો: ૧૬.૮
પૂરા-સમયના સેવાકાર્યનાં સરેરાશ વર્ષો: ૧૨.૬
[પાન ૨૬ પર ચિત્ર]
વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડનો ૧૧૧મો સ્નાતક વર્ગ
નીચે આપેલી યાદીમાં, હરોળને આગળથી પાછળ ક્રમ આપવામાં આવ્યો છે, અને નામો દરેક હરોળમાં ડાબેથી જમણે આપવામાં આવ્યાં છે.
(૧) યોમેન્સ, સી.; ટૉકારી, એ.; નુન્યસ, એસ.; ફિલિપ્સ, જે.; ડોકીન, એમ.; સીલ્વેસ્ટ્રી, પી. (૨) મૉરેન, એન.; બાઇની, જે.; લોપેસ, એમ.; વાન હાઉટ, એમ.; કાન્ટુ, એ.; સીલ્વાશી, એફ. (૩) વિલ્યમ્સ, એમ.; ઈટો, એમ.; વાન કૉયલી, એસ.; લીવરીંગ, ડી.; ફૂયેશલ, એફ.; ગૅસલર, એસ. (૪) યોમેન્સ, જે.; મોસ, એમ.; હૉજીન્સ, એમ.; ડડીંગ, એસ.; બ્રિસેન્યૉ, જે.; ફિલિપ્સ, એમ. (૫) લોપેસ, જે.; ઈટો, ટી,; સોમેરૂડ, એસ.; કોઝા, સી.; ફૂયેશલ, જી.; મોસ, ડી. (૬) વિલ્યમ્સ, ડી.; ડડીંગ, આર.; ગૅસલર, એમ.; મૉરેન, આર.; બાઇની, એસ.; કાન્ટુ, એલ. (૭) ડોકીન, એમ.; હૉજીન્સ, ટી.; લીવરીંગ, એમ.; સીલ્વેસ્ટ્રી, એસ.; વાન હાઉટ, ડી.; બ્રિસેન્યૉ, એ. (૮) વાન કૉયલી, એમ.; નુન્યસ, એ.; કોઝા, બી.; સોમેરૂડ, જે.; ટૉકારી, એસ.; સીલ્વાશી, પી.