રાજ્ય પ્રચારકોના અનુભવ
સ્વીડનમાં આધુનિક દિવસના શહીદો સાક્ષી આપે છે
“સાક્ષી” માટેનો ગ્રીક શબ્દ માર્ટર છે કે જેમાંથી અંગ્રેજી શબ્દ માર્ટર (શહીદ) ઊતરી આવ્યો છે. એનો અર્થ “પોતાનો પ્રાણ આપીને સાક્ષી આપનાર” થાય છે. પ્રથમ સદીના ઘણા ખ્રિસ્તીઓએ પોતાના વિશ્વાસ માટે પ્રાણ આપીને યહોવાહ વિષે સાક્ષી આપી.
એવી જ રીતે, ૨૦મી સદીમાં રાજકીય અને રાષ્ટ્રવાદના વાદવિવાદમાં તટસ્થ સ્થાન લઈને હજારો સાક્ષીઓએ હિટલરના વફાદાર ટેકેદારોના હાથે મોત વહોરી લીધું. આ આધુનિક દિવસના શહીદો જોરદાર સાક્ષી આપે છે. તાજેતરનાં વર્ષોમાં સ્વીડનમાં પણ એ જોવા મળ્યું.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એની ૫૦મી સંવત્સરીએ, સ્વીડનની સરકારે આખા દેશમાં હોલોકાસ્ટ અર્થાત્ મોટી કત્લેઆમ વિષે શિક્ષણ આપવાની ઝુંબેશ શરૂ કરી. એ યોજનાને જીવંત ઇતિહાસ કહેવામાં આવ્યો. યહોવાહના સાક્ષીઓને એમાં ભાગ લઈને પોતાના અનુભવો જણાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું.
સાક્ષીઓએ ધ ફરગોટન વિક્ટીમ્સ ઑફ ધ હૉલોકાસ્ટ નામનું એક જાહેર પ્રદર્શન યોજ્યું. એ સ્ટ્રૅન્ગાસમાં આવેલા યહોવાહના સાક્ષીઓના સંમેલન હૉલમાં શરૂ કરવામાં આવ્યું. ત્યાં મોટી કત્લેઆમમાંથી બચી ગયેલા સાક્ષીઓ પોતાના અનુભવો જણાવતા હતા. પહેલા જ દિવસે ૮,૪૦૦ કરતાં વધારે મુલાકાતીઓ આવ્યા! વર્ષ ૧૯૯૯ના અંત સુધીમાં, આ પ્રદર્શન આખા સ્વીડનના ૧૦૦ મ્યુઝિયમો અને જાહેર લાઇબ્રેરીઓમાં જોવા મળ્યું. કંઈક ૧,૫૦,૦૦૦ લોકોએ એને જોયું. મુલાકાતીઓમાં ઘણા સરકારી અધિકારીઓ પણ હતા અને તેઓએ જે જોયું એ વિષે સારી ટીકા આપી.
સ્વીડનમાં યહોવાહના સાક્ષીઓની પ્રવૃત્તિઓ વિષે આટલા બહોળા પ્રમાણમાં સાક્ષી આપી હોય અને આટલી મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન ખેંચ્યું હોય એવો એક પણ બનાવ બન્યો ન હતો. ઘણા મુલાકાતીઓએ તો એમ પણ કહ્યું: “તમે આ મોટી કત્લેઆમ વિષેના તમારા અનુભવો અમને પહેલાં કેમ ન જણાવ્યા?”
એક મંડળે પોતાના વિસ્તારમાં આ પ્રદર્શન બતાવ્યા પછી, ગૃહ બાઇબલ અભ્યાસમાં ૩૦ ટકાનો વધારો નોંધ્યો! એક સાક્ષી ભાઈએ તેમની સાથે કામ કરતા સાથી કર્મચારીને આ પ્રદર્શન જોવાનું આમંત્રણ આપ્યું. તેણે ખુશીથી એ સ્વીકાર્યું અને સાથે એક મિત્રને પણ લઈ આવ્યો. ત્યાર પછી, તે મિત્રએ કહ્યું કે તેને એ સમજવું અઘરું લાગે છે કે આ લોકોમાં એવો તો કેવો દૃઢ વિશ્વાસ હશે કે જેઓએ પોતાના વિશ્વાસ સાથે તડજોડ કરતા એક દસ્તાવેજ પર સહી કરવાને બદલે પોતાનો પ્રાણ આપી દીધો. એનાથી તેની સાથે વધારે ચર્ચા થઈ અને બાઇબલ અભ્યાસ પણ શરૂ કરવામાં આવ્યો.
પ્રથમ સદીની જેમ, આ વીસમી સદીના વિશ્વાસુ શહીદોએ પણ હિંમતપૂર્વક સાક્ષી આપી છે કે ફક્ત યહોવાહ એકલા જ સાચા પરમેશ્વર છે જે આપણા અડગ વિશ્વાસ અને વફાદારીને યોગ્ય છે.—પ્રકટીકરણ ૪:૧૧.
[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
છાવણીનો કેદી: Państwowe Muzeum Oświęcim-Brzezinka, courtesy of the USHMM Photo Archives