યહોવાહનો મહિમા તેમના લોકો પર છે
“યહોવાહ તારૂં સદાકાળનું અજવાળું થશે.”—યશાયાહ ૬૦:૨૦.
“યહોવાહ પોતાના લોકથી રીઝે છે; તે નમ્રજનોને તારણથી સુશોભિત કરશે.” (ગીતશાસ્ત્ર ૧૪૯:૪) આમ ગીતકર્તાએ કહ્યું અને ઇતિહાસે તેમના શબ્દોની સત્યતા પુરવાર કરી છે. યહોવાહના લોકો તેમને વિશ્વાસુ રહે છે ત્યારે, તે તેમની કાળજી રાખે છે, તેમને સફળતા અપાવે છે અને તેમનું રક્ષણ કરે છે. પ્રાચીન સમયોમાં, તેમણે પોતાના લોકોને તેઓના દુશ્મનો પર વિજય અપાવ્યો. આજે, તે તેઓને આત્મિક રીતે દૃઢ કરે છે અને ઈસુના બલિદાનને આધારે તારણની ખાતરી આપે છે. (રૂમી ૫:૯) હા, તેઓ યહોવાહની આંખોમાં શોભાયમાન હોવાને કારણે તે તેઓની કાળજી રાખે છે.
૨ જોકે આખું જગત અંધકારમાં ડૂબેલું હોવાથી, “ભક્તિભાવથી ચાલવા” ઇચ્છે છે એ સર્વની સતાવણી થશે જ. (૨ તીમોથી ૩:૧૨) તેમ છતાં, યહોવાહ સતાવણી કરનારાઓને ચેતવણી આપે છે: “પ્રજા તથા જે રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; હા, તે પ્રજાઓ ખચીત ઉજ્જડ થશે.” (યશાયાહ ૬૦:૧૨) યહોવાહના લોકોને આજે અનેક રીતે સતાવવામાં આવે છે. કેટલાક દેશોમાં, વિરોધીઓ યહોવાહની સેવા કરતા પ્રમાણિક ખ્રિસ્તીઓની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકે છે. બીજી બાજુ, ધર્મઝનૂનીઓ યહોવાહના ઉપાસકોની હિંસક મારપીટ કરે છે અને તેઓની સંપત્તિ બાળી નાખે છે. તેમ છતાં, યાદ રાખો કે યહોવાહે નિશ્ચય કર્યો છે કે કોઈ પણ પ્રકારના વિરોધ છતાં, તે પોતાની ઇચ્છા પૂરી કરશે. વિરોધીઓ સફળ થશે નહિ. સિયોન, કે જેના બાળકો પૃથ્વી પર છે તેઓ વિરુદ્ધ લડનારાઓ ફાવશે નહિ. શું આ આપણા મહાન પરમેશ્વર, યહોવાહ પાસેથી ઉત્તેજન આપતી ખાતરી નથી?
ભરપૂર આશીર્વાદો
૩ હકીકત તો એ છે કે આ જગતના છેલ્લા દિવસો દરમિયાન, યહોવાહે પોતાના લોકોને ભરપૂર આશીર્વાદો આપ્યા છે. ખાસ કરીને તેમણે તેમના ઉપાસનાના સ્થળ અને તેમનું નામ ધારણ કરનારાઓની શોભા વધારી છે. યશાયાહની ભવિષ્યવાણી અનુસાર, તે સિયોનને કહે છે: “લબાનોનનું ગૌરવ,—દેવદાર, ભદ્રાક્ષ તથા સરળ એ સર્વ—મારા પવિત્રસ્થાનને સુશોભિત કરવા સારૂ તારી પાસે [લાવવામાં] આવશે; અને હું મારા પગોનું ઠેકાણું મહિમાવાન કરીશ.” (યશાયાહ ૬૦:૧૩) લીલાંછમ જંગલોથી ભરપૂર પહાડોનું દૃશ્ય કેવું અદ્ભુત લાગે છે. તેથી, આ હર્યાભર્યા વૃક્ષો યહોવાહના ઉપાસકોની શોભા અને ફળદ્રુપતાનું ચિહ્ન છે.—યશાયાહ ૪૧:૧૯; ૫૫:૧૩.
૪ યશાયાહ ૬૦:૧૩માં ઉલ્લેખેલું “પવિત્રસ્થાન” અને “[યહોવાહના] પગોનું ઠેકાણું” શું છે? એ યહોવાહના ભવ્ય આત્મિક મંદિરના આંગણાને સૂચવે છે, જે ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહની ઉપાસના કરવાની એક ગોઠવણ છે. (હેબ્રી ૮:૧-૫; ૯:૨-૧૦, ૨૩) યહોવાહે આત્મિક મંદિરમાં સર્વ રાષ્ટ્રના લોકોને તેમની ઉપાસના માટે ભેગા કરીને પોતાનો હેતુ પૂરો કરવાનું શરૂ કર્યું છે. (હાગ્ગાય ૨:૭) યશાયાહે પણ સર્વ પ્રજાઓના ટોળાને યહોવાહની ઉપાસના કરવા પ્રવાહની પેઠે પહાડ પર આવતા જોયા હતા. (યશાયાહ ૨:૧-૪) સેંકડો વર્ષ પછી, પ્રેષિત યોહાને “સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા” જોઈ. તેઓ “દેવના રાજ્યાસનની આગળ છે, અને તેના મંદિરમાં રાતદહાડો તેની સેવા કરે છે.” (પ્રકટીકરણ ૭:૯, ૧૫) આ ભવિષ્યવાણી આપણા સમયમાં પરિપૂર્ણ થઈ રહી છે તેમ, આપણે પોતે જોઈ શકીએ છીએ કે યહોવાહનું ઘર શોભાયમાન થઈ રહ્યું છે.
૫ સિયોન માટે આ કેવો સુંદર ફેરફાર છે! યહોવાહ કહે છે: “તું એવી તજેલી તથા દ્વેષ પામેલી હતી, કે તારામાં થઈને કોઈ જતો નહોતો, તેને બદલે તો હું તને સર્વકાળ. વૈભવરૂપ, તથા પેઢી દરપેઢી આનંદરૂપ કરી નાખીશ.” (યશાયાહ ૬૦:૧૫) પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં ‘દેવના ઈસ્રાએલે’ અમુક સમય સુધી ઉદાસીનતાનો અનુભવ કર્યો. (ગલાતી ૬:૧૬) તેને પોતાને ‘તજી’ દીધી હોય એમ લાગતું હતું કેમ કે તેના પૃથ્વી પરના બાળકો હજુ એ સ્પષ્ટ સમજી શક્યા ન હતા કે તેઓ માટે પરમેશ્વરની શું ઇચ્છા છે. પરંતુ, ૧૯૧૯માં, યહોવાહે પોતાના અભિષિક્ત સેવકોને ફરીથી બળવાન કર્યા અને ત્યારથી તેઓને આત્મિક રીતે આબાદ કરીને તેઓને આશીર્વાદ આપ્યો છે. વધુમાં, શું આ કલમનું વચન આનંદ આપનારું નથી? યહોવાહ સિયોનને “વૈભવ” તરીકે જોશે. હા, સિયોનનાં બાળકો અને યહોવાહ, સિયોન પર ગર્વ કરશે. તે “આનંદરૂપ” થશે, એટલે કે તેની ખુશીનો કોઈ પાર નહિ રહે. અને એ આનંદ કંઈ થોડા સમય પૂરતો નહિ હોય. સિયોન પર જે આશીર્વાદ છે, એ પૃથ્વી પરના તેમના પાર્થિવ બાળકો પર દેખાઈ આવે છે અને તેમની કૃપા “પેઢી દરપેઢી” રહેશે. એનો કદી અંત આવશે નહિ.
૬ હવે પરમેશ્વરનું બીજું વચન સાંભળો. યહોવાહ સિયોનને કહે છે: “તું વિદેશીઓનું દૂધ ચૂસીશ, ને રાજાઓના થાને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું યહોવાહ તારો ત્રાતા છું, ને તારો ઉદ્ધાર કરનાર યાકૂબનો સમર્થ દેવ છું.” (યશાયાહ ૬૦:૧૬) કઈ રીતે સિયોન ‘વિદેશીઓનું દૂધ ચૂસે’ છે અને “રાજાઓના થાને” ધાવે છે? અભિષિક્ત ખ્રિસ્તીઓ અને તેઓના સંગાથી “બીજા ઘેટાં” શુદ્ધ ઉપાસનાને આગળ વધારવા રાષ્ટ્રોની મૂલ્યવાન સંપત્તિનો ઉપયોગ કરે છે. (યોહાન ૧૦:૧૬) સ્વેચ્છાએ આપવામાં આવેલા નાણાંકીય પ્રદાનોની મદદથી, આખી દુનિયામાં પ્રચાર અને શીખવવાનું કાર્ય શક્ય બને છે. આધુનિક ટૅક્નૉલોજીનો ઉપયોગ કરીને, તેઓ બાઇબલ અને બાઇબલ સાહિત્યોને સેંકડો ભાષાઓમાં છાપી રહ્યા છે. આજે બાઇબલ સત્ય, ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળ્યું હોય એટલા લોકો સુધી પહોંચ્યું છે. ઘણા દેશોના લોકો યહોવાહ વિષે શીખી રહ્યા છે કે તે ખરેખર તારણહાર છે કેમ કે તેમણે પોતાના અભિષિક્ત સેવકોને જૂઠા ધર્મની ગુલામીમાંથી છોડાવી લીધા છે.
સંગઠનીય પ્રગતિ
૭ યહોવાહે પોતાના લોકોને બીજી રીતે પણ શોભાયમાન કર્યા છે. તેમણે સંગઠનમાં ઘણા સુધારાઓ કરીને તેઓને આશીર્વાદ આપ્યો છે. આપણે યશાયાહ ૬૦:૧૭માં વાંચીએ છીએ: “હું પિત્તળને બદલે સોનું આણીશ, ને લોઢાને બદલે રૂપું, લાકડાને બદલે પિત્તળ, તથા પથ્થરને બદલે લોઢું આણીશ; અને હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.” પિત્તળને બદલે સોનું આપવું એ એક મોટો ફેરફાર છે અને બતાવવામાં આવેલી બીજી સામગ્રીઓ માટે પણ એ સાચું છે. એના સુમેળમાં, પરમેશ્વરના ઈસ્રાએલે છેલ્લા દિવસોમાં, સંગઠનમાં ઘણા સુધારાઓ અનુભવ્યા છે. થોડા ઉદાહરણોનો વિચાર કરો.
૮ વર્ષ ૧૯૧૯ પહેલાં, પરમેશ્વરના લોકોના મંડળમાં દેખરેખ રાખવા માટે, લોકશાહી રીતે મત આપીને વડીલો અને સેવકાઈ ચાકરો ચૂંટવામાં આવતા હતા. એ વર્ષની શરૂઆતમાં, “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગે પ્રચાર કાર્યની પ્રવૃત્તિની દેખરેખ રાખવા દરેક મંડળમાં સેવા નિરીક્ષકની નિમણૂક કરી. (માત્થી ૨૪:૪૫-૪૭) તેમ છતાં, ઘણાં મંડળોમાં આ ગોઠવણ એટલી અસરકારક પુરવાર થઈ નહિ, કારણ કે ચૂંટાયેલા અમુક વડીલો પ્રચાર કાર્યને પૂરો સહકાર આપતા ન હતા. તેથી, ૧૯૩૨માં મંડળોને વડીલો અને સેવકાઈ ચાકરોને ચૂંટવાનું બંધ કરવાનું જણાવવામાં આવ્યું. એને બદલે, સેવા નિરીક્ષક સાથે કામ કરી શકે એવી એક સેવા સમિતિના ભાઈઓને ચૂંટવામાં આવ્યા. આ ફેરફાર “લાકડાને” બદલે “પિત્તળ” જેવો હતો. એક મોટો ફેરફાર!
૯ વર્ષ ૧૯૩૮માં, બાઇબલના ધોરણો પ્રમાણે, વધારે ફેરગોઠવણો કરવામાં આવી જેને જગત ફરતેના મંડળોએ સ્વીકારી. મંડળના વહીવટનું કામ કંપની સેવક અને બીજા સેવકોને સોંપવામાં આવ્યું. આ સર્વ નિયુક્તિ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર વર્ગની દેખરેખ હેઠળ થઈ. હવે ચૂંટણી કરવાનું બંધ કરવામાં આવ્યું! આમ, મંડળની નિયુક્તિઓ દેવશાહી રીતે કરવામાં આવી. આ ફેરફાર ‘પથ્થરને’ બદલે ‘લોઢા’ અથવા ‘પિત્તળને’ બદલે “સોના” જેવો હતો.
૧૦ ત્યારથી લઈને સંગઠનમાં પ્રગતિ ચાલુ જ છે. દાખલા તરીકે, ૧૯૭૨માં એક જ વડીલ બધાની દેખરેખ રાખે એના કરતાં દેવશાહી રીતે નિયુક્ત થયેલા વડીલોનું જૂથ સાથે મળીને મંડળની દેખરેખ રાખે એવી ગોઠવણ કરવામાં આવી, જે પ્રથમ સદીના ખ્રિસ્તી મંડળો સાથે વધારે મળતું આવતું હતું. વધુમાં બે વર્ષ પહેલાં, બીજા પગલાં પણ લેવામાં આવ્યા. અમુક કાનૂની નિગમોના ડાયરેક્ટરોની પસંદગીમાં એક ફેરગોઠવણ કરવામાં આવી, જેથી નિયામક જૂથ રોજબરોજની કાનૂની બાબતોને બદલે પરમેશ્વરના લોકોને આત્મિક ખોરાક પૂરો પાડવામાં વધુ ધ્યાન આપી શકે.
૧૧ આ બધા પ્રગતિશીલ ફેરફારો પાછળ કોનો હાથ છે? હા, એમાં યહોવાહ પરમેશ્વરનો હાથ છે. તેમણે કહ્યું: ‘હું સોનું આણીશ.’ અને આગળ તે જણાવે છે કે, “હું તારા અધિકારીઓને શાંતિરૂપ, તથા તારા સતાવનારાઓને ન્યાયરૂપ કરીશ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) હા, યહોવાહ પોતાના લોકોની દેખરેખ રાખવાને જવાબદાર છે. સંગઠનમાં થઈ રહેલા ફેરફારો પુરાવો આપે છે કે યહોવાહ પ્રકાશ આપીને પોતાના લોકોની શોભા વધારી રહ્યા છે. પરિણામે, યહોવાહના સાક્ષીઓને ઘણી રીતોએ આશીર્વાદો મળ્યા છે. યશાયાહ ૬૦:૧૮માં આપણે વાંચીએ છીએ: “તારા દેશમાં બલાત્કારની વાત, તારી સરહદમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ; તું તારા કોટોને તારણ, ને તારી ભાગળોને સ્તુતિ એવાં નામ આપીશ.” કેવા ઉત્તેજન આપનારા શબ્દો! પરંતુ એ કઈ રીતે પૂરા થઈ રહ્યા છે?
૧૨ સાચા ખ્રિસ્તીઓ સૂચનો અને માર્ગદર્શન માટે ઉત્સાહથી યહોવાહ તરફ જુએ છે. અને એનું પરિણામ યશાયાહે ભાખ્યું હતું એવું જ આવ્યું છે: “તારાં સર્વ સંતાન યહોવાહનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.” (યશાયાહ ૫૪:૧૩) વધુમાં, યહોવાહનો પવિત્ર આત્મા તેમના લોકો પર છે અને એ પવિત્ર આત્માનું ફળ શાંતિ છે. (ગલાતી ૫:૨૨, ૨૩) આમ, યહોવાહના લોકો શાંતિપ્રિય હોવાને કારણે આ હિંસક જગતમાં તાજગી આપનારા બન્યા છે. તેઓના મનની શાંતિ ખ્રિસ્તીઓના એકબીજા માટેના સાચા પ્રેમ પર આધારિત છે જે નવી દુનિયાની એક ઝાંખી આપે છે. (યોહાન ૧૫:૧૭; કોલોસી ૩:૧૪) સાચે જ, આપણે સર્વ શાંતિનો આનંદ માણીએ છીએ અને શાંતિ જાળવીએ છીએ કે જેનાથી આપણા પરમેશ્વર યહોવાહને મહિમા અને માન મળે અને એ આપણા આત્મિક પારાદેશનો એક મહત્ત્વનો ભાગ છે!—યશાયાહ ૧૧:૯.
યહોવાહનો પ્રકાશ ચમકતો રહેશે
૧૩ શું યહોવાહનો પ્રકાશ પોતાના લોકો પર ચમકતો રહેશે? ચોક્કસ! યશાયાહ ૬૦:૧૯, ૨૦માં આપણે વાંચીએ છીએ: “હવે પછી દિવસે તને અજવાળું આપવા સારૂ સૂર્યની જરૂર પડશે નહિ; અને તેજને સારૂ ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ; પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું, ને તારો દેવ તારી શોભા થશે ત્યાર પછી તારો સૂર્ય કદી અસ્ત પામશે નહિ, તેમ તારો ચંદ્ર જતો રહેશે [“ઝાંખો પડશે,” NW] નહિ; કેમકે યહોવાહ તારૂં સદાકાળનું અજવાળું થશે, ને તારા શોકના દિવસો પૂરા થશે.” વર્ષ ૧૯૧૯માં એક વાર જૂઠા ધર્મના બંધનનો “શોક” પૂરો થયા પછી, યહોવાહનો પ્રકાશ તેઓ પર ચમકવાનો શરૂ થયો. વળી, ૮૦ કરતાં વધારે વર્ષોથી, યહોવાહનો પ્રકાશ તેમના પર પ્રકાશી રહ્યો છે તેમ, તેઓ યહોવાહની કૃપાનો આનંદ માણી રહ્યા છે. અને એ કદી પણ બંધ થશે નહિ. પોતાના ઉપાસકો માટે, આપણા પરમેશ્વર યહોવાહ સૂર્યની જેમ “અસ્ત” પામશે નહિ અને ચંદ્રની જેમ ‘ઝાંખા પડશે’ નહિ. એને બદલે, તેમનો પ્રકાશ હંમેશ માટે તેઓ પર ચમકતો રહેશે. આપણે આ અંધકારમય જગતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ ત્યારે, આપણને કેવી અદ્ભુત ખાતરી મળે છે!
૧૪ પૃથ્વી પરના સિયોનના પ્રતિનિધિ, એટલે કે પરમેશ્વરના ઈસ્રાએલ માટે યહોવાહ જે બીજું વચન આપે છે એ હવે ધ્યાનથી સાંભળો. યશાયાહ ૬૦:૨૧ કહે છે: “તારા સર્વ લોક ધાર્મિક થશે, તેઓ મારા મહિમાને અર્થે મારા રોપેલા રોપના અંકુરો, મારા હાથની કૃતિ થશે, તેઓ સદાકાળ દેશનો વારસો ભોગવશે.” વર્ષ ૧૯૧૯માં અભિષિક્ત ખ્રિસ્તીઓને ફરીથી પ્રચાર કાર્ય માટે બળવાન કરવામાં આવ્યા ત્યારે, તેઓ ખરેખર અસાધારણ લોકો હતા. આ દુષ્ટ જગતમાં, તેઓએ ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાનમાં અટલ વિશ્વાસ બતાવ્યો કે જેના આધારે તેઓને “ન્યાયી ઠરાવવામાં આવ્યા.” (રૂમી ૩:૨૪; ૫:૧) ત્યાર પછી, બાબેલોનની ગુલામીમાંથી મુક્ત થયેલા ઈસ્રાએલીઓની જેમ, તેઓએ આત્મિક ‘દેશનો’ કબજો લીધો એટલે કે પ્રવૃત્તિઓ શરૂ કરી કે જ્યાં તેઓ આત્મિક સમૃદ્ધિનો આનંદ માણવાના હતા. (યશાયાહ ૬૬:૮) આ દેશની આત્મિક સુંદરતા ક્યારેય ઝાંખી પડશે નહિ, કેમ કે પ્રાચીન ઈસ્રાએલની જેમ, પરમેશ્વરનું આ ઈસ્રાએલ ક્યારેય યહોવાહને અવિશ્વાસુ થશે નહિ. તેઓનો વિશ્વાસ, ધીરજ અને ઉત્સાહ હંમેશ માટે પરમેશ્વરનું સન્માન કરતા રહેશે.
૧૫ એ આત્મિક રાષ્ટ્રના સર્વ સભ્યો નવા કરારમાં આવ્યા છે. એ સર્વના હૃદય પર પરમેશ્વરનો નિયમ કોતરેલો છે અને યહોવાહે ખ્રિસ્તના ખંડણી બલિદાનને આધારે તેઓના પાપ માફ કર્યા છે. (યિર્મેયાહ ૩૧:૩૧-૩૪) તે તેઓને ‘પુત્ર’ તરીકે ન્યાયી જાહેર કરે છે અને તેઓ પાપ વગરના હોય એ રીતે તેમની સાથે વર્તે છે. (રૂમી ૮:૧૫, ૧૬, ૨૯, ૩૦) તેઓના સાથી, બીજા ઘેટાંના પાપ પણ ઈસુના ખંડણી બલિદાનને આધારે માફ કરવામાં આવ્યા છે અને તેઓને તેમના વિશ્વાસને આધારે પરમેશ્વરના મિત્ર તરીકે ન્યાયી જાહેર કરવામાં આવ્યા છે. “તેઓએ પોતાનાં વસ્ત્ર ધોયાં, અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં” છે. આ બીજા ઘેટાંના બનેલા સાથીઓ બીજા અદ્ભુત આશીર્વાદોની રાહ જોઈ રહ્યા છે. “મોટી વિપત્તિમાંથી” બચ્યા પછી કે ફરીથી સજીવન થયા પછી, તેઓ યશાયાહ ૬૦:૨૧ની શાબ્દિક પરિપૂર્ણતા જોશે કે જ્યારે આખી પૃથ્વી પારાદેશ બનશે. (પ્રકટીકરણ ૭:૧૪; રૂમી ૪:૧-૩) એ સમયે “નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.
સતત વૃદ્ધિ
૧૬ યશાયાહના ૬૦મા અધ્યાયની છેલ્લી કલમમાં, યહોવાહે આપેલું મહત્ત્વનું વચન આપણને જોવા મળે છે. તે સિયોનને કહે છે: “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે; હું યહોવાહ ઠરાવેલે સમયે તે જલદી કરીશ.” (યશાયાહ ૬૦:૨૨) આજે આપણા સમયમાં યહોવાહે પોતાનું વચન પાળ્યું છે. અભિષિક્તોએ ૧૯૧૯માં ફરીથી પોતાનું કાર્ય શરૂ કર્યું ત્યારે, તેઓની સંખ્યા થોડી એટલે કે ‘નાની’ હતી. પરંતુ, જેમ આત્મિક ઈસ્રાએલીઓને લાવવામાં આવ્યા તેમ તેઓની સંખ્યામાં વધારો થયો. અને ત્યાર પછી બીજા ઘેટાંને ભેગા કરવામાં આવ્યા. પરમેશ્વરના લોકોની શાંતિથી એટલે કે તેઓના ‘દેશની’ આત્મિક સુંદરતાથી ઘણા પ્રમાણિક હૃદયના લોકો આકર્ષાયા છે. આમ, “નાનામાંથી” ખરેખર “બળવાન પ્રજા” બની છે. હાલમાં આ ‘રાષ્ટ્ર,’ પરમેશ્વરના ઈસ્રાએલીઓ અને ૬૦ લાખ કરતાં વધારે સમર્પિત ‘પરદેશીઓની’ સંખ્યા, જગતના ઘણા દેશોની વસ્તી કરતાં પણ વધારે છે. (યશાયાહ ૬૦:૧૦) આ રાષ્ટ્રના સર્વ નાગરિકો યહોવાહના પ્રકાશને ફેલાવે છે અને એનાથી તેઓ સર્વ તેમની નજરમાં શોભાયમાન બને છે.
૧૭ ખરેખર, યશાયાહના ૬૦મા અધ્યાયના મુખ્ય મુદ્દાઓની ચર્ચા વિશ્વાસ દૃઢ કરનારી છે. એ જાણવું કેટલું દિલાસો આપનારું છે કે યહોવાહ અગાઉથી જોઈ શકતા હતા કે તેમના લોકો આત્મિક ગુલામીમાં જશે અને ત્યાર પછી તેઓને પાછા છોડી દેવામાં આવશે. આપણા સમયમાં સાચા ઉપાસકોની સંખ્યામાં અદ્ભુત વધારો થશે એ યહોવાહ હજારો વર્ષ પહેલાં જાણતા હતા એનાથી, શું આપણે છક નથી થઈ જતા? વધુમાં, યહોવાહ આપણને તજશે નહિ એ પણ યાદ રાખવું કેવું ઉત્તેજન આપનારું છે! ‘નગરના’ દરવાજા હંમેશ માટે ખુલ્લા રહેશે અને ‘અનંતજીવનને સારૂ નિર્માણ થએલાઓને’ આવકારશે એ કેટલું ખાતરી આપનારું છે! (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૪૮) યહોવાહ પોતાના લોકો પર સતત પ્રકાશ ચમકાવશે. સિયોનના બાળકો વધારેને વધારે પ્રકાશ ફેલાવતા રહે તેમ તે ગર્વ કરશે. (માત્થી ૫:૧૬) સાચે જ, આપણે પરમેશ્વરના ઈસ્રાએલને સાથ આપવાનો અને યહોવાહના પ્રકાશને ફેલાવવાનો નિર્ણય કર્યો છે. આ કેવો સુંદર લહાવો છે!
શું તમે સમજાવી શકો?
• સતાવણી છતાં આપણે કઈ ખાતરી રાખી શકીએ?
• કઈ રીતે સિયોનના બાળકો ‘રાષ્ટ્રોનું દૂધ ચૂસે છે?’
• કઈ રીતે યહોવાહ ‘લાકડાને બદલે તાંબું’ લાવ્યા છે?
• યશાયાહ ૬૦:૧૭, ૨૧માં કયા બે ગુણો બતાવવામાં આવ્યા છે?
• કઈ રીતે “નાનામાંથી” “બળવાન પ્રજા” બની છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. કઈ રીતે યહોવાહ તેમના વિશ્વાસુ લોકોને આશીર્વાદ આપે છે?
૨. યહોવાહના લોકો સતાવણીનો ભોગ બને તોપણ, તેઓ કઈ ખાતરી રાખી શકે?
૩. યહોવાહના ઉપાસકોની શોભા અને ફળદ્રુપતાને કઈ રીતે વર્ણવવામાં આવી છે?
૪. “પવિત્રસ્થાન” અને “[યહોવાહના] પગોનું ઠેકાણું” શું છે અને એને કઈ રીતે શોભાયમાન કરવામાં આવ્યું છે?
૫. સિયોનના બાળકોએ કયો અદ્ભુત ફેરફાર અનુભવ્યો?
૬. સાચા ખ્રિસ્તીઓ રાષ્ટ્રોની સંપત્તિનો કઈ રીતે ઉપયોગ કરી રહ્યા છે?
૭. સિયોનના બાળકોએ કયા નોંધનીય ફેરફારો અનુભવ્યા?
૮-૧૦. વર્ષ ૧૯૧૯થી થયેલા સંગઠનીય ફેરફારોનું વર્ણન કરો.
૧૧. યહોવાહના લોકોમાં થતા સંગઠનીય ફેરફારો પાછળ કોનો હાથ છે અને આ ફેરફારો શામાં પરિણમ્યા છે?
૧૨. કઈ રીતે સાચા ખ્રિસ્તીઓમાં શાંતિ મહત્ત્વની છે?
૧૩. શા માટે આપણે ખાતરી રાખી શકીએ કે યહોવાહનો પ્રકાશ કદીપણ તેમના લોકો પર ચમકવાનું બંધ કરશે નહિ?
૧૪, ૧૫. (ક) કઈ રીતે પરમેશ્વરના લોકો “ન્યાયી” છે? (ખ) બીજા ટોળાના સભ્યો યશાયાહ ૬૦:૨૧માં કઈ મહત્ત્વની પરિપૂર્ણતાની અપેક્ષા રાખે છે?
૧૬. યહોવાહ કયું નોંધપાત્ર વચન આપે છે અને એ કઈ રીતે પરિપૂર્ણ થયું છે?
૧૭. યશાયાહના ૬૦મા અધ્યાયની ચર્ચાથી તમારા પર કેવી અસર પડી?
[પાન ૧૮ પર બોક્સ/ચિત્રો]
યશાયાહની ભવિષ્યવાણી સર્વ માટે પ્રકાશ
આ લેખોમાંની માહિતીનો સારાંશ, ૨૦૦૧/૦૨ના “પરમેશ્વરના વચન શીખવનારા” મહાસંમેલનના વાર્તાલાપો દરમિયાન આપવામાં આવ્યો હતો. વાર્તાલાપને અંતે, મોટા ભાગે સર્વ સ્થળોએ વક્તાએ યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ભાગ ૨ (અંગ્રેજી) પુસ્તક બહાર પાડ્યું હતું. એના આગલા વર્ષે યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ભાગ ૧ બહાર પાડવામાં આવ્યો હતો. આ નવું પ્રકાશન બહાર પડવાથી હવે યશાયાહના પુસ્તકની લગભગ દરેક કલમોની સૌથી નવી માહિતી પ્રાપ્ય છે. આ ભાગો યશાયાહના પ્રેરિત પ્રબોધકીય પુસ્તકની આપણી સમજણ અને કદરને ગહન બનાવે છે.
[પાન ૧૫ પર ચિત્રો]
હિંસા સહન કરતા પોતાના ભક્તોને ‘યહોવાહ તારણથી શોભાયમાન કરે છે’
[પાન ૧૬ પર ચિત્રો]
પરમેશ્વરના લોકો શુદ્ધ ઉપાસનાને આગળ વધારવા રાષ્ટ્રોની મૂલ્યવાન વસ્તુઓનો ઉપયોગ કરે છે
[પાન ૧૭ પર ચિત્ર]
યહોવાહે સંગઠનીય પ્રગતિ અને શાંતિ લાવીને પોતાના લોકોને આશીર્વાદ આપ્યો છે