વાચકો તરફથી પ્રશ્નો
બાઇબલ શા માટે કહે છે કે કોઈ બળાત્કાર કરવા આવે ત્યારે ચીસો પાડવી જોઈએ?
કદાચ તમે બળાત્કારનો શિકાર નહિ બન્યા હોવ. પણ જેના પર બળાત્કાર થયો હોય એ જ એનું ખરું દુઃખ સમજી શકે છે. એ ક્રૂર અનુભવ કોઈ પણ ભૂલી ન શકે.a અમુક વર્ષો પહેલાં એક યુવાન યહોવાહની સાક્ષી પર બળાત્કારી ત્રાટક્યો હતો. એ વિષે તે છોકરી કહે છે: “એ રાત્રે હું ઊંઘી જ ન શકી; ત્યાર પછી જીવવું અઘરું બની ગયું છે. આ દુઃખ હું તમને કેવી રીતે સમજાવું?” જોકે આપણે સમજી શકીએ કે એના વિષે વાત કરવા ઘણા લોકોની જીભ ઊપડતી નથી. પણ યાદ રાખો, આ દુષ્ટ જગતમાં કોઈના પર પણ બળાત્કાર થવાની શક્યતા રહેલી છે.
સદીઓ પહેલાં પણ અમુક લોકો પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અથવા તેઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાઇબલ એ બનાવો વિષે કંઈ સંતાડતું નથી. (ઉત્પત્તિ ૧૯:૪-૧૧; ૩૪:૧-૭; ૨ શમૂએલ ૧૩:૧-૧૪) બાઇબલ જણાવે છે કે પરમેશ્વરને એ વિષે કેવું લાગે છે. બાઇબલ એ પણ જણાવે છે કે એવા સંજોગમાં શું કરવું જોઈએ. પરમેશ્વરે એના વિષે પુનર્નિયમ ૨૨:૨૩-૨૭માં નિયમ આપ્યો છે. એ નિયમ બે સંજોગને લાગુ પડતો હતો. પહેલાં કિસ્સામાં: શહેરમાં કોઈ પુરુષ કુંવારી કન્યા કે બીજાની સ્ત્રી પર બળાત્કાર કરે તોપણ, ‘તે બૂમ પાડે નહિ’ તો, તે દોષિત ઠરતી. તેણે બૂમાબૂમ કરી હોત તો, કદાચ કોઈ તેને બચાવી શકત. બીજા કિસ્સામાં: ખેતરમાં કોઈ પુરુષ કુંવારી કન્યા કે બીજાની સ્ત્રી પર બળાત્કાર કરે અને તે બૂમાબૂમ કરે તોપણ કોઈએ સાંભળ્યું ન હોય તો, તે નિર્દોષ ઠરતી. કેમ કે, તેણે “બૂમ પાડી, પણ ત્યાં તેને છોડાવનાર કોઈ નહોતું.” આ સ્ત્રી બૂમ પાડીને બતાવે છે કે તેને પોતાની ઇજ્જત લૂંટાય એ જરાય પસંદ નથી. તેણે બચાવ માટે બૂમાબૂમ કરી છતાં, તેની આબરૂ લૂંટવામાં આવી છે.
એ ખરું છે કે મુસાના બધા જ નિયમો આજે ઈસુના શિષ્યોને લાગુ પડતા નથી. પરંતુ, એમાંથી આપણને ઘણું શીખવા મળે છે. તેમ જ, એ નિયમો આપણને ઉત્તેજન આપે છે કે એવા સંજોગમાં આપણે આવી જઈએ તો, પોતાનો બચાવ કરવા બૂમાબૂમ કરવી જ જોઈએ. આજે પણ બાઇબલની સલાહ સાથે સહમત થતાં ગૂના વિષે અભ્યાસ કરનાર એક ઍકસ્પર્ટ કહે છે: “તમારા પર કોઈ પણ બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે તો, થઈ શકે એટલા મોટા અવાજે ચીસો પાડો.” તમે ચીસો પાડશો તો કદાચ લોકો તમને બચાવવા આવશે, અથવા બળાત્કારી ગભરાઈને નાસી જશે. યહોવાહના સાક્ષીની બીજી એક યુવાન છોકરી પર કોઈ બળાત્કાર કરવા આવ્યો ત્યારે તેણે શું કર્યું? તે કહે છે: “મારાથી બની શકે એટલા ઊંચા અવાજે મેં ચીસો પાડી, એટલે તે પાછો હટી ગયો. તે પાછો નજીક આવવા લાગ્યો ત્યારે, હું ફરીથી ચીસો પાડીને દોડવા લાગી. આ બનાવ પહેલાં મને ઘણી વાર થતું કે ‘કોઈ પહેલવાન સામે આવી જાય તો ચીસો પાડવાથી શું ફરક પડશે?’ પરંતુ આજે હું ચીસો પાડવાથી બચી ગઈ.”
ધારો કે કોઈ પહેલવાન જેવી વ્યક્તિ તમારી સામે આવી જાય અને તમે ચીસાચીસ કરો છતાં, તે તમારી ઇજ્જત લૂંટી લે. તોપણ તમે એવું કદી ન વિચારો કે એ મહેનત નકામી હતી. ચીસો પાડવાથી તમે બતાવી આપશો કે તમારા પર બળજબરી કરવામાં આવી છે. (પુનર્નિયમ ૨૨:૨૬) તમારી સાથે એવો બનાવ બન્યો હોય તોપણ, પોતાને દોષ ન દો. કેમ કે તમે તમારાથી બનતું બધું જ કર્યું છે. તેથી તમે પરમેશ્વરની નજરમાં શુદ્ધ છો. એ ક્રૂર અનુભવ થયો હોવાથી ઘણી વાર તમારું દિલ દુભાયા કરશે. પરંતુ યહોવાહ પરમેશ્વર સાથેનો તમારો ગાઢ સંબંધ તમને એ બનાવ ભૂલી જવા મદદ કરશે.
આપણે સમજી શકીએ કે પુનર્નિયમ ૨૨:૨૩-૨૭માં જે નિયમ આપવામાં આવ્યો છે એ બધા જ સંજોગમાં લાગુ ન પડી શકે. દાખલા તરીકે, જો તમે મૂંગા કે બેભાન હોવ અને તમારા પર બળાત્કાર કરવામાં આવે તો, તમે કેવી રીતે ચીસો પાડશો. અથવા જે બનવાનું છે એનાથી ડરીને તમે બેભાન થઈ જાવ, કે કોઈક રીતે તમારું મોં બંધ કરી દેવામાં આવે તો, તમે કેવી રીતે ચીસો પાડશો. તમારી સાથે કદી પણ એવું થાય તોપણ ભૂલશો નહિ કે યહોવાહ બધું જ જોઈ શકે છે. તેમ જ આપણા દિલમાં શું છે એ પણ તે પારખી શકે છે. તેથી તે આપણી સાથે ન્યાયથી વર્તશે, ‘કેમ કે તેના સર્વ માર્ગો ન્યાયી છે.’ (પુનર્નિયમ ૩૨:૪) યહોવાહ એ પણ જોઈ શકે છે કે તમે પોતાનો બચાવ કરવા કેટલી મહેનત કરી હતી. જો તમે એવા સંજોગમાં ચીસો ન પાડી શક્યા હોવ તોપણ તમે પોતાનો બચાવ કરવા બનતું બધું જ કર્યું હશે. તેથી હવે એ બાબત યહોવાહના હાથમાં છોડી દો.—ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧ પીતર ૫:૭.
એમ કર્યું હોવા છતાં, અમુક ખ્રિસ્તી બહેનો બળાત્કારનો શિકાર બની હોવાથી એ દુઃખથી વીંધાઈ ગઈ છે. એ માટે તેઓ પોતાને જ દોષ દેતી હોય છે. એ બનાવ પછી તેઓને હંમેશાં એવું થતું હોય છે કે પોતે વધુ લડત આપી હોત તો બચી ગઈ હોત. પરંતુ હવે પોતાને જ દોષ દેવાને બદલે, યહોવાહ પરમેશ્વર આગળ પોતાનું દિલ ખોલીને પ્રાર્થનામાં તેમને જણાવો, અને તેમની મદદ માંગો. તેમ જ પૂરો વિશ્વાસ રાખો કે તે જરૂર તમારી સાથે દયાથી વર્તશે.—નિર્ગમન ૩૪:૬; ગીતશાસ્ત્ર ૮૬:૫.
વહાલી બહેનો, તમને આવો ક્રૂર અનુભવ થયો હોય તો, એ ભૂલશો નહિ કે યહોવાહ તમારું દુઃખ સમજી શકે છે. તે તમને એ સહન કરવા જરૂર મદદ આપશે. યહોવાહ વચન આપે છે કે દુઃખી જનોને તે કદી તજી દેશે નહિ. અને જેઓ દુઃખથી વીંધાઈ ગયા છે તેઓને તે બચાવશે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) એ ઉપરાંત, મંડળમાં જે ભાઈબહેનો તમારું દુઃખ સમજી શકે છે તેઓ પાસેથી તમારે મદદ લેવી જોઈએ. તેમ જ તેઓએ દુખિયારાનું દુઃખ સમજીને તેમની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. (અયૂબ ૨૯:૧૨; ૧ થેસ્સાલોનીકી ૫:૧૪) જો તમે બળાત્કારના શિકાર થયા હોવ તો, ઉત્તેજનભરી બાબતો પર જ વિચાર કરો. “જો એ પ્રમાણે કરશો તો તમે ઈશ્વરની શાંતિ અનુભવશો. એ અજાયબ શાંતિ માનવી જ્ઞાનથી સમજી શકાય તેમ નથી.”—ફિલિપી ૪:૬-૯, IBSI.
[ફુટનોટ્સ]
a એ ખરું છે કે આ લેખમાં સ્ત્રીઓ પર થતા બળાત્કારની ચર્ચા કરવામાં આવી છે. પરંતુ એ જ સિદ્ધાંત પુરુષ પર થતા બળાત્કારને પણ લાગુ પડે છે.