સત્યની હંમેશા જીત થાય છે
આગનો એક નાનો તણખો, મોટા જંગલને સળગાવી દે છે! એ જ રીતે, જીભ પણ આગના એક તણખા જેવી છે કે જે જીવનમાં આગ લગાડી દે છે. જીભમાંથી ક્યાં તો ઝેર જેવા, ક્યાં તો પ્રેમભર્યા શબ્દો પણ નીકળે છે. (નીતિવચનો ૧૫:૪) અરે, મરણ અને જીવન પણ જીભના હાથમાં છે. (નીતિવચનો ૧૮:૨૧) ખરેખર, જીભ શરીરનું નાનું અંગ છે છતાં, આખું જીવન બરબાદ કરી નાખવાની શક્તિ એનામાં રહેલી છે. (યાકૂબ ૩:૫-૯) તેથી, આપણે એને કાબૂમાં રાખીશું તો જ આપણું જીવન સુખી થશે.
રાજા સુલેમાને, નીતિવચનોના બારમાં અધ્યાયમાં સરસ સલાહ આપી છે. તેમણે કહેવતોનો ઉપયોગ કરીને બતાવ્યું કે આપણે કઈ રીતે સમજી વિચારીને બોલવું જોઈએ. દાખલા તરીકે, સુલેમાન જણાવે છે કે, આપણે જેવું બોલીશું એવું જ પામીશું. વળી, બોલી પરથી વ્યક્તિના ગુણ પણ દેખાઈ આવશે. ખરેખર જે વ્યક્તિ પોતાના ‘હોઠોના દ્વારની સંભાળ’ રાખવા ઇચ્છે છે તે સુલેમાનની આ સલાહને ઘણી જ કિંમતી ગણશે.—ગીતશાસ્ત્ર ૧૪૧:૩.
‘જૂઠ માણસને મુશ્કેલીમાં ફસાવે છે’
સુલેમાને કહ્યું, ‘જૂઠાણું કોઇપણ માણસને મુશ્કેલીમાં મૂકે છે, પણ પ્રમાણિકતા પોતે જ પોતાનો બચાવ કરે છે.’ (નીતિવચનો ૧૨:૧૩, IBSI) જૂઠ બોલી આપણે હોઠ પાસે પાપ કરાવીએ છીએ અને એમ મોતની જાળમાં ફસાય જઈએ છીએ. (પ્રકટીકરણ ૨૧:૮) કદાચ કોઈ બાબતથી છટકવું હોય અથવા શિક્ષા થશે એવી બીક હોય તો, તરત જ આપણે જૂઠું બોલી દઈએ છીએ. પરંતુ, યાદ રાખો કે ‘એક જૂઠને છૂપાવવા બીજા સો જૂઠ બોલવા પડે છે.’ જેમ એક વ્યક્તિ થોડા જ પૈસાથી જુગાર રમવાનું શરૂ કરે છે. પણ તે હારી જાય છે ત્યારે, ગુમાવેલા પૈસા પાછા મેળવવા તે બમણો જુગાર રમે છે. એ જ રીતે, એક વાર જૂઠુ બોલનાર ધીમે ધીમે જૂઠના કીચડમાં ફસાતો જાય છે.
એટલું જ નહિ, પણ જે વ્યક્તિ બીજાની સાથે જૂઠુ બોલે છે એ પોતાને પણ છેતરે છે. દાખલા તરીકે, તે બડાઈ મારે છે, ‘હું તો જ્ઞાની છું, મારા જેવું હોંશિયાર તો કોઈ જ નથી.’ પણ હકીકતમાં તો તેનામાં અક્કલનો છાંટોય હોતો નથી. જૂઠ જ એનું જીવન બની જાય છે. આમ, “તે પોતાનાં ઘમંડમાં વિચારે છે કે તેનાં દુષ્ટ કૃત્યો ખુલ્લાં પડશે નહિ અને તેનો ધિક્કાર થશે નહિ.” (ગીતશાસ્ત્ર ૩૬:૨, IBSI) તે જાણતો નથી કે પોતે જૂઠની જાળમાં ફસાય રહ્યો છે! પરંતુ, પ્રમાણિક માણસ જૂઠથી દૂર ભાગશે. અરે, તે મોટી આફતમાં આવી પડે તો પણ કદી જૂઠું બોલશે નહિ.
‘જેવું વાવીશું તેવું જ લણીશું’
અહીં પ્રેષિત પાઊલ આપણને ચેતવે છે: “ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ: કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” (ગલાતી ૬:૭) આ સલાહ આપણી વાણી અને વર્તન, બંનેને લાગુ પડે છે. સુલેમાને કહ્યું: “માણસ પોતાના મુખના શબ્દોથી સંતોષ પામશે; અને માણસના હાથોના કામનું ફળ તેને પાછું આપવામાં આવશે.”—નીતિવચનો ૧૨:૧૪.
જે “ડહાપણની વાત કરે છે” તેને સારો બદલો મળે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૩૦) ડહાપણ માટે જ્ઞાનની જરૂર પડે છે અને કોઈ જ માનવીમાં જ્ઞાનનો ભંડાર નથી. તેથી આપણે દરેકે સારી સલાહ સાંભળીને, એને જીવનમાં લાગુ પાડીએ. રાજા કહે છે: “મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે; પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.”—નીતિવચનો ૧૨:૧૫.
યહોવાહ પરમેશ્વર બાઇબલ દ્વારા અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” જે સાહિત્ય બહાર પાડે છે, એ દ્વારા સરસ સલાહ આપે છે. (માત્થી ૨૪:૪૫; ૨ તીમોથી ૩:૧૬) એ સલાહને ઠોકર મારી આપણે મન ફાવે એમ વર્તીએ એ કેટલી મૂર્ખાય કહેવાય! એના બદલે, “માણસોને જ્ઞાન શીખવનાર” યહોવાહ સલાહ આપે, ત્યારે આપણે “સાંભળવામાં ચપળ” બનવું જોઈએ.—યાકૂબ ૧:૧૯; ગીતશાસ્ત્ર ૯૪:૧૦.
કોઈ અપમાન કે ફજેતી કરે, ત્યારે મૂર્ખ અને ડાહ્યા માણસના વર્તનમાં કયો ફરક જોવા મળે છે? સુલેમાન જવાબ આપે છે: “મૂરખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, પણ ચતુર માણસ અપમાન ગળી જાય છે.”—નીતિવચનો ૧૨:૧૬, સંપૂર્ણ.
કોઈ વ્યક્તિ મૂર્ખનું અપમાન કરે છે ત્યારે, તે ગુસ્સાથી ભભૂકી ઊઠે છે અને “એ જ ઘડીએ” સામો જવાબ વાળી દે છે. પરંતુ ડાહ્યો માણસ, પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવા યહોવાહ પાસે પ્રાર્થનામાં મદદ માંગે છે. તે બાઇબલમાં આપેલી સલાહ પર મનન કરે છે. જેમ કે, તે ઈસુએ કહેલા શબ્દો પર ઊંડો વિચાર કરે છે કે, “જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.” (માત્થી ૫:૩૯) તેથી, ડાહ્યો માણસ “ભૂંડાઈને બદલે ભૂંડું” વાળતો નથી, પણ પોતાના હોઠ ભીડી દે છે. (રૂમીઓને પત્ર ૧૨:૧૭) તેથી, જો આપણે પણ અપમાનને ગળી જઈશું તો એ ઝઘડાનું મૂળ નહિ પકડે.
‘સારી વાણી ઘા રૂઝવે છે’
હોઠોનું પાપ, ન્યાયને ઊંધો વાળે છે. ઈસ્રાએલના રાજા કહે છે: “સાચો સાક્ષી ન્યાયને ટેકો આપે છે, જ્યારે જુઠો સાક્ષી અન્યાયને.” (નીતિવચનો ૧૨:૧૭, સંપૂર્ણ) ન્યાયી વ્યક્તિ હંમેશા સાચું જ બોલશે. તેની સાક્ષી પર ભરોસો રાખી શકાય કારણ કે તે વફાદાર છે. પરંતુ, જુઠો સાક્ષી તો હંમેશા છેતરીને, ન્યાયને ઊંધા પાટે ચઢાવી દે છે.
સુલેમાન કહે છે: “વગર વિચારી વાણી તલવારની જેમ કાપે છે, પણ શાણા માણસની વાણી ઘા રૂઝવે છે.” (નીતિવચનો ૧૨:૧૮, સંપૂર્ણ) ખરેખર, ગમે તેમ બોલવાથી આપણા શબ્દો તલવારના ઘા જેવા બની શકે છે. એ આપણી દોસ્તી તોડી નાખશે એટલું જ નહિ, પણ લોકો સાથે વેર કરાવશે. પરંતુ સમજી વિચારીને બોલવાથી, આપણે સંબંધો જાળવી શકીશું તેમ જ લોકોના દિલ પણ જીતી લઈશું. પણ જો આપણે કોઈને ખોટા નામો પાડી ચીડવ્યા કરીએ, કાયમ નિંદા કરીએ કે પછી વાત વાતમાં ઉતારી પાડીએ, તો શું તેઓનું મન દુઃખ નહિ થાય? તેથી, જો આપણાથી એવી ભૂલ થઈ જાય તો, કેમ નહિ કે તેઓની પાસે જઈ તરત જ ‘સોરી’ કહીએ. એમ કરવાથી, આપણે ઘા પર મલમ લગાવીશું.
આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં ઘણા લોકો “નિરાશામાં ડૂબેલા” અને “ભાંગી પડેલા” છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮, સંપૂર્ણ) તેથી, તેઓને દિલાસો આપીને તેમ જ “નિર્બળોને મદદ” કરીને, શું આપણે પોતાની જીભનો સૌથી સારો ઉપયોગ નથી કરતા? (૧ થેસ્સાલોનીકી ૫:૧૪, પ્રેમસંદેશ) હા ચોક્કસ. તેમ જ, યુવાનોને ઉત્તેજન આપવાથી, તેમના મિત્રો તરફથી આવતા દબાણોનો સામનો કરવા તેઓને મદદ મળશે. એટલું જ નહિ, પણ વૃદ્ધ વ્યક્તિને માન આપી, બતાવી શકીએ કે આપણે તેઓને કેટલા ચાહીએ છીએ. વળી, બે મીઠાં બોલ બોલવાથી માંદા વ્યક્તિનો દિવસ પણ ખીલી ઊઠે છે. અરે, જો કોઈકને તેની ભૂલ પણ “નમ્ર ભાવે” બતાવીશું, તો એ તરત જ સ્વીકારી લેશે. (ગલાતી ૬:૧) વળી, જો જીભનો ઉપયોગ પ્રચાર માટે કરીએ તો એનાથી સરસ બાબત બીજી કઈ હોય શકે!
સત્યની જ હંમેશા જીત થાય છે
‘જીભની’ સાથે સાથે ‘હોઠનો’ પણ ઉપયોગ કરી સુલેમાન કહે છે: “સત્યનો હોઠ સદા ટકશે; પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે.” (નીતિવચનો ૧૨:૧૯) અહીંયા જે “સત્યનો હોઠ” શબ્દ વાપર્યો છે એનો અર્થ ફક્ત સાચું બોલવું જ નથી થતો. પરંતુ, એક પુસ્તક પ્રમાણે એનો અર્થ થાય છે કે, “કાયમ ભરોસો અને વિશ્વાસ રાખવો. જે વ્યક્તિમાં આ ગુણ છે . . . તેના પર હંમેશા ભરોસો કરી શકાય છે. જ્યારે કે જૂઠી જીભ, જૂઠુ બોલી પલભર છટકી જશે. પણ ખરી કસોટી આવશે ત્યારે એ છટકી શકશે નહિ.”
રાજા સુલેમાન કહે છે: “કાવતરાખોરનું હૃદય કપટથી ભરેલું હોય છે; પણ સારા કામોનું આયોજન કરનારનું હૃદય આનંદથી ભરપૂર હોય છે. સદાચારીને કશી આંચ આવતી નથી; દુષ્ટને માથે સંકટો ઝઝૂમી રહે છે.”—નીતિવચનો ૧૨:૨૦, ૨૧, IBSI.
જે વ્યક્તિ બીજાને છેતરવા માટે જાત જાતની તરકીબો વાપરે છે, તે પોતા પર ફક્ત દુઃખોના પહાડ જ લાવે છે. પરંતુ, ન્યાયી સચ્ચાઈના માર્ગે ચાલી, સુખી થાય છે. એટલું જ નહિ, પણ સચ્ચાઈના માર્ગે ચાલવાથી જે ફળ મળે છે એનાથી તે ઊંડો સંતોષ પણ મેળવે છે. સૌથી મહત્વનું તો, તેઓ યહોવાહનો આશીર્વાદ મેળવે છે, કારણ કે “પ્રભુ [યહોવાહ] જૂઠાને ધિક્કારે છે, પણ સાચા ઉપર પ્રસન્ન રહે છે.”—નીતિવચનો ૧૨:૨૨, સંપૂર્ણ.
‘જ્ઞાની દેખાડો કે અભિમાન નથી કરતા’
વળી ચતુર અને મૂર્ખ વ્યક્તિનો ફરક બતાવતા, બીજું દૃષ્ટાંત આપી સુલેમાન કહે છે: “શાણો માણસ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતો નથી; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઇનું પ્રદર્શન કરે છે.”—નીતિવચનો ૧૨:૨૩, IBSI.
શાણા અથવા ચતુર માણસો, ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું જોઈએ એ ધ્યાન રાખે છે. તે પોતાના જ્ઞાન વિષે બડાઈ મારી, બીજા સામે દેખાડો કરતા નથી. એનો અર્થ એમ નથી કે તે પોતાના જ્ઞાનને છુપાવી રાખે છે. પણ તે બોલતી વખતે બે વાર વિચારીને બોલે છે. જ્યારે કે મૂર્ખ વ્યક્તિ તેનાથી એકદમ અલગ છે. તે તરત જ વગર વિચાર્યું બોલી નાખશે અને પોતાની મૂર્ખાઇ બધાની સામે ઉઘાડી પાડશે. તેથી, આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે વધારે પડતું ન બોલીએ અને ખોટી ડંફાસ ન મારીએ.
વળી, મહેનતુ અને આળસુ વ્યક્તિ વચ્ચે તફાવત બતાવતા રાજા સુલેમાન કહે છે: “કઠિન પરિશ્રમ કરો અને આગેવાન બનો. આળસુ બનો અને નિષ્ફળતા વહોરો.” (નીતિવચનો ૧૨:૨૪, IBSI) સખત મહેનત કરવાથી આપણે પૈસા માટે કોઈ પર નભવું પડતું નથી અને આપણે જીવનમાં પ્રગતિ કરીએ છીએ. જ્યારે કે આળસુને તો છેવટે કોઈ કામ મળતુ નથી અને તે ગુલામ બની જાય છે. પણ કઈ રીતે? એક સ્કોલર કહે છે, “જો આળસુ વ્યક્તિ ન બદલાય તો ધીરે ધીરે તે મહેનતુ વ્યક્તિનો ગુલામ બની જાય છે.”
‘દિલને ખુશ કરતા શબ્દો’
રાજા સુલેમાન, માનવીના સ્વભાવ વિષે જણાવે છે કે, “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.”—નીતિવચનો ૧૨:૨૫.
આપણે ચિંતાઓથી ઘેરાઈ જઈએ છીએ ત્યારે, નિરાશ થઈ જઈએ છીએ. એવા સમયે કોઈ આવી બે મીઠાં બોલ બોલે, ત્યારે આપણા દિલનો બોજ હળવો થાય છે. વળી, પ્રેમથી બોલેલાં શબ્દો દિલાસો આપે છે. પરંતુ, જો આપણે દિલ ખોલીને પોતાની તકલીફો નહિ જણાવીએ, ત્યાં સુધી કોઈ કઈ રીતે જાણશે કે આપણે ચિંતામાં ડૂબેલાં છે? તેથી, કોઈ એક એવા મિત્ર હોવા જોઈએ જેના પર આપણે પૂરો ભરોસો મૂકી શકીએ. જેમ કે, લગ્ન સાથી, માબાપ અથવા મંડળના કોઈ ભાઈ કે બહેનને આપણે દિલોજાન મિત્ર બનાવી શકીએ. જ્યારે આપણે ડિપ્રેસ કે ટેન્શનમાં હોઈશું, ત્યારે તેઓ સાથે આપણે મનની વાત કરી શકીશું.
વળી બાઇબલ સિવાય આપણને બીજે ક્યાં ઉત્તેજન મળી શકે? તેથી, આપણે બાઇબલ પર મનન કરીને, યહોવાહ વિષે વધારેને વધારે જાણવું જોઈએ. એનાથી આપણે નિરાશ કે દુઃખી હોઈએ ત્યારે દિલાસો મળે છે. ગીતશાસ્ત્રના એક લેખક કહે છે: “યહોવાહનો નિયમ સંપૂર્ણ છે, તે આત્માને તાજો કરે છે; યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે; યહોવાહની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.”—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮.
સચ્ચાઈનો માર્ગ આશીર્વાદ લાવે છે
રાજા સુલેમાન ન્યાયી અને દુષ્ટ માણસ વચ્ચેનો ફરક બતાવી કહે છે: “સારો માણસ મિત્રોને સારી સલાહ આપે છે; પણ દુષ્ટની સલાહ ખાડામાં પાડે છે.” (નીતિવચનો ૧૨:૨૬, IBSI) ન્યાયી વ્યિક્ત સમજી વિચારીને મિત્રો પસંદ કરે છે. તે દોસ્તી બાંધતા પહેલા સો વખત વિચાર કરે છે અને એમ ખરાબ સોબતથી બચી જાય છે. જ્યારે કે દુષ્ટ માણસ સલાહને ઠોકર મારીને મન ફાવે તેમ વર્તે છે. આમ તે એવા ખરાબ દોસ્તોની સંગત કરે છે, જે તેને જ ખાડામાં પાડે છે.
રાજા સુલેમાન ફરી આળસુ અને મહેનતુ વ્યક્તિ વચ્ચે ફરક બતાવે છે. તે કહે છે: “આળસુ માણસ પોતે પકડેલો શિકાર રાંધતો નથી; પણ ઉદ્યોગી થવું એ મૂલ્યવાન સંપત્તિ મેળવવા જેવું છે.” (નીતિવચનો ૧૨:૨૭) આવો માણસ એટલો એદી હોય છે કે એની સામે પડેલા શિકારને પણ રાંધવાનો તેને કંટાળો આવે છે. તે કામ શરૂ તો કરે છે પણ એને પુરું કરી શકતો નથી. જ્યારે કે મહેનતુ માણસ તો પોતાની મહેનતથી ધનવાન છે.
અરે, આળસ તો એટલી ખરાબ હોય છે કે, એના વિષે પ્રેષિત પાઊલે થેસ્સાલોનીકા મંડળને પત્ર દ્વારા સલાહ આપવી પડી. એ મંડળમાં અમુક ‘ભાઈઓ આળસુ’ હતા. તેઓ કામ કરવાને બદલે બીજાની ખોટી પંચાત કરતા હતા. તેઓ બીજાઓ ઉપર બોજો હતા. તેથી, પાઊલે કડક સલાહ આપી કે, “તેઓ છાના રહે, કામે લાગે અને પોતે કમાઇને પોતાનું ભરણપોષણ કરે.” પણ જો કોઈ આ સલાહ ન સાંભળે તો, પાઊલે મંડળના બીજા ભાઈઓને આવી વ્યક્તિઓથી “દૂર” રહેવા જણાવ્યું. એટલે કે તેઓ સાથે કોઈ પણ સંબંધ ન રાખવો.—૨ થેસ્સાલોનીકી ૩:૬-૧૨, IBSI.
સુલેમાને આપણને બે સરસ સલાહ આપી. એક કે મહેનતુ બનીએ અને બીજું, પોતાની જીભ પર કાબૂ રાખીએ. ચાલો આ સલાહ આપણે બરાબર દિલમાં ઊતારી લઈએ. તેમ જ બનતા બધા જ પ્રયત્ન કરીને જીભનો ઉપયોગ, કોઈને દિલાસો અને ખુશી આપવા માટે કરીએ. એમ પાપથી દૂર રહીએ અને ન્યાયી જીવન જીવીએ. છેલ્લે સુલેમાન કહે છે, “નેકીના માર્ગમાં જીવન છે; અને તેમાં મરણ છે જ નહિ.”—નીતિવચનો ૧૨:૨૮.
[પાન ૨૭ પર ચિત્ર]
“જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે”
[પાન ૨૮ પર ચિત્ર]
“શાણા માણસની વાણી ઘા રૂઝવે છે”
[પાન ૨૯ પર ચિત્ર]
“ભરોસો રાખી શકાય એવા દિલોજાન દોસ્તથી રાહત મળે છે”
[પાન ૩૦ પર ચિત્ર]
“બાઇબલ પર મનન કરવાથી ખુશી મળે છે”