યાકૂબને—યહોવાહનો પૂરો સાથ હતો
યાકૂબનો જરા વિચાર કરો. તેમનું જીવન એક પછી બીજાં દુઃખોથી ભરેલું હતું. તેમનો જોડિયો ભાઈ તેમને મારવા શોધતો હતો. એટલે યાકૂબે જીવ લઈને નાસી છૂટવું પડ્યું. યાકૂબ જે છોકરીના પ્રેમમાં હતા, એને બદલે કોઈ બીજી જ સાથે પરણાવી દેવામાં આવ્યા. ધીરે-ધીરે તેમની ચાર પત્નીઓ થઈ અને બસ મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ ઊભી થઈ. (ઉત્પત્તિ ૩૦:૧-૧૩) વળી, તેમણે ૨૦ વર્ષ એક સ્વાર્થી અને કપટી માણસ માટે કામ કર્યું. વધુમાં, એક સ્વર્ગદૂત સાથે તેમણે લડાઈ કરી, જેનાથી તેમનો સાંધો મચકોડાઈ ગયો. તેમની દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો. જેના કારણે તેમના દીકરાઓએ ઝઘડો કરીને લોહીની નદીઓ વહેવડાવી દીધી. તેમની વહાલી પત્ની મરણ પામી અને તેમણે લાડલો દીકરો પણ ગુમાવી દીધો. દુકાળને કારણે તેમણે ઘડપણમાં પરદેશ જવું પડ્યું. તેમણે પોતે કબૂલ કર્યું કે, તેમના દિવસો તો “થોડા તથા વ્યર્થ” હતા. (ઉત્પત્તિ ૪૭:૯) પરંતુ, યાકૂબ પરમેશ્વરના ખરા ભક્ત હતા. તેમને પરમેશ્વરમાં પૂરો ભરોસો હતો. તો પછી, શું તેમનો ભરોસો નકામો ગયો હતો? યાકૂબના અનુભવ પરથી આપણે શું શીખી શકીએ? ચાલો જોઈએ.
બંને ભાઈઓમાં આભ જમીનનો ફરક
યહોવાહે ઈબ્રાહીમને આપેલું કરારનું વચન યાકૂબને બરાબર યાદ હતું. એ વચનમાં યાકૂબના કુટુંબની પસંદગી પણ કરવામાં આવી હતી. તેથી, યાકૂબે પોતાના કુટુંબની ખૂબ જ કાળજી રાખી. વળી, યાકૂબ ‘શાંત સ્વભાવના’ પણ હતા. એટલા માટે, યહોવાહને યાકૂબ પર ખૂબ જ “પ્રેમ” હતો. જ્યારે કે તેમનો ભાઈ એસાવ એકદમ અલગ હતો. એસાવે યહોવાહના આશીર્વાદોની જરાય કદર ન કરી. મોટો દીકરો હોવાને નાતે એસાવને જે વારસો મળ્યો હતો, એ તેણે ફક્ત એક ટંકના ભોજન માટે યાકૂબને વેચી દીધો. તેથી, યાકૂબે દેવની મરજી પ્રમાણે એસાવના વારસાનો આશીર્વાદ લીધો. પણ ત્યારે એસાવ ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયો. એના કારણે યાકૂબે પોતાનું વતન છોડવું પડ્યું. પરંતુ, આખરે યહોવાહે તેમના જીવનને આશીર્વાદોથી ભરી દીધું.માલાખી ૧:૨, ૩, IBSI; ઉત્પત્તિ ૨૫:૨૭-૩૪; ૨૭:૧-૪૫.
વળી, યહોવાહે યાકૂબને સ્વપ્ન બતાવ્યું હતું: એક સીડી પૃથ્વીથી આકાશ સુધી જતી હતી. એ સીડી કે પગથિયાં પર ઈશ્વરના દૂતો ચઢતા અને ઊતરતા હતા. તેમ જ, ઈશ્વરે યાકૂબને જણાવ્યું હતું કે પોતે તેમનું રક્ષણ કરશે: “પૃથ્વીની સર્વ પ્રજાઓ તારાથી તથા તારા વંશજોથી આશીર્વાદ પામશે. એ ઉપરાંત, હું તારી સાથે છું અને તું જ્યાં જઈશ ત્યાં હું તારું રક્ષણ કરીશ, અને તને આ દેશમાં સહીસલામત પાછો લાવીશ; તને વચન આપ્યા પ્રમાણે તને આપવાનું હું પૂરું ન કરું ત્યાં સુધી સતત હું તારી સાથે રહીશ.”—ઉત્પત્તિ ૨૮:૧૦-૧૫, IBSI.
ખરેખર, આ સાંભળીને યાકૂબના મનને કેટલી શાંતિ મળી હશે! યહોવાહે યાકૂબને ખાતરી આપી હતી કે, ઈબ્રાહીમ અને ઈસ્હાકને આપેલા વચન પ્રમાણે તે યાકૂબ અને કુટુંબ પર આશીર્વાદોનો વરસાદ વરસાવશે. યાકૂબને ખાતરી થઈ હતી કે દૂતો તેમની સાથે હતા અને ખાસ તો પરમેશ્વર તેમનું રક્ષણ કરતા હતા. તેથી, યાકૂબે પરમેશ્વરને વફાદાર રહેવાનું વચન આપ્યું.—ઉત્પત્તિ ૨૮:૧૬-૨૨.
જો કે યાકૂબે કંઈ એસાવનો આશીર્વાદ છીનવી લીધો ન હતો. તેઓ જન્મ્યા તે પહેલાં યહોવાહે કહ્યું હતું કે, મોટો અથવા “વડો નાનાનો દાસ થશે.” (ઉત્પત્તિ ૨૫:૨૩) તો પછી, ‘શા માટે દેવે યાકૂબને પહેલા જન્મવા ન દીધા?’ એ પછીના બનાવો અમુક સનાતન સત્યો શીખવે છે. એક તો એ કે જેઓને કદર ન હોય તેઓને યહોવાહ કદી આશીર્વાદ આપતા નથી. બીજું કે જે કોઈ યહોવાહનો સેવક બનવાનું પસંદ કરે, તેને જ તે આશીર્વાદ આપે છે. એસાવનો હક યાકૂબને મળ્યો, કેમ કે એસાવને એની જરા પણ કિંમત ન હતી. એ આપણને યહૂદી પ્રજાની યાદ અપાવે છે, જેઓનું વલણ પણ એસાવ જેવું હતું. તેથી, તેઓના બદલે દેવના ઈસ્રાએલને યહોવાહનો આશીર્વાદ મળ્યો. (રૂમીઓને પત્ર ૯:૬-૧૬, ૨૪) આજે પણ યહોવાહના આશીર્વાદો કંઈ આપોઆપ નથી મળતા, પણ એ માટે કંઈક કરવું પડે છે. જો કોઈ સત્યમાં જન્મ્યા હોય, તો એનો અર્થ એમ નથી કે આપોઆપ યહોવાહ સાથે ગાઢ સંબંધ બંધાય જશે! પણ એ માટે યહોવાહની દિલથી કદર કરવી જોઈએ અને તેમની સેવા કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ.
યાકૂબ લાબાનના કુટુંબમાં આવે છે
યાકૂબ પોતાની જીવન સાથીની શોધમાં પાદ્દાનારામ ગયા. ત્યાં તે પોતાના મામાની દીકરી રાહેલને મળ્યા.a રાહેલ ઘેટાંને પાણી પીવડાવવા કૂવા પાસે આવી ત્યારે, યાકૂબે કૂવા પરથી પથ્થર ખસેડીને તેને મદદ કરી. રાહેલ તરત જ પોતાના પિતા લાબાન પાસે દોડી જઈને યાકૂબની ખબર આપી. લાબાન તેમને મળવા દોડી ગયો. લાબાન પોતાના કુટુંબને ઈબ્રાહીમના ચાકર તરફથી મળેલી ભેટો યાદ કરતો હોય શકે. પરંતુ, યાકૂબને જોતા જ લાબાનનું મોં પડી ગયું, કેમ કે યાકૂબ તો ખાલી હાથે આવ્યા હતા. પરંતુ, તરત જ લાબાને યાકૂબનો ફાયદો ઉઠાવવાનું કાવતરું મનમાં ઘડી નાખ્યું.—ઉત્પત્તિ ૨૮:૧-૫; ૨૯:૧-૧૪.
હવે યાકૂબે પોતાની આખી કહાની લાબાનને જણાવી. પરંતુ, યાકૂબને એસાવનો હક કઈ રીતે મળ્યો, એના વિષે લાબાનને જણાવ્યું કે નહિ એ આપણે જાણતા નથી. લાબાને “આ સર્વ વાતો” સાંભળીને કહ્યું: “તું મારા હાડકાનો તથા માંસનો છે.” એક સ્કોલરે જણાવ્યું કે જ્યારે કોઈકને આમ કહેવામાં આવે ત્યારે, તેને પૂરા દિલથી આવકાર મળે છે અથવા એ કુટુંબ સાથે રહેવા આમંત્રણ મળે છે. આ રીતે લાબાને સગાં હોવાની ફરજ બજાવી હોય શકે. ગમે એ હોય, પણ લાબાને પોતાના ભાણિયાને છેતરવાની તરકીબો શરૂ કરી દીધી હતી.
લાબાને તરત જ પોતાનું કપટ શરૂ કરી દીધું, જે ૨૦ વર્ષ સુધી ચાલ્યું. તેણે કહ્યું: “તું મારો ભાઈ છે, તેથી તારે મારી ચાકરી મફત કરવી ઘટે શું? હું તને શું આપું તે મને કહે.” અહીં લાબાને યાકૂબનું ભલું કરવાનું નાટક કર્યું. હકીકતમાં, તે ભૂલવા માંડ્યો હતો કે યાકૂબની સાથે તેનો લોહીનો સંબંધ હતો. લાબાન હવે જાણે શેઠ અને નોકરનો સંબંધ બાંધવા માંડ્યો હતો. પરંતુ, યાકૂબ રાહેલના પ્રેમમાં હોવાથી, તેમણે કહ્યું: “તારી નાની દીકરી રાહેલને સારૂ હું સાત વર્ષ સુધી તારી ચાકરી કરીશ.”—ઉત્પત્તિ ૨૯:૧૫-૨૦.
યાકૂબને ખબર હતી કે સગાઈ વખતે છોકરીના કુટુંબને અમુક કિંમત ચૂકવવી પડતી હતી. સમય જતાં, મુસાના નિયમ પ્રમાણે જે છોકરી પર બળાત્કાર થયો હોય, એને ૫૦ શેકેલ રૂપું આપવું પડતું હતું. બાઇબલના એક સ્કોલરે જણાવ્યું: આ તો “છોકરીને અપાતી સૌથી મોટી કિંમત” હતી, મોટા ભાગે “બહુ ઓછી કિંમત” આપવામાં આવતી હતી. (પુનર્નિયમ ૨૨:૨૮, ૨૯) યાકૂબ પાસે પૈસા તો હતા નહિ. તેથી, તે સાત વર્ષ ચાકરી કરવા તૈયાર થયા. બાબેલોનના સમયમાં મજૂરોને મહિનામાં અડધું કે એક શેકેલ (પૂરા સાત વર્ષમાં ૪૨થી ૮૪ શેકેલ) આપવામાં આવતું હતું. યાકૂબ તો રાહેલના હાથ માટે લાબાનને ખૂબ જ મોટી કિંમત આપવા તૈયાર થયા હતા. લાબાને એ ગોઠવણ રાજી-ખુશીથી સ્વીકારી લીધી.—ઉત્પત્તિ ૨૯:૧૯.
રાહેલ પરના અપાર પ્રેમને લીધે યાકૂબને સાત વર્ષ તો જાણે “થોડા દહાડા સરખાં લાગ્યાં.” પછી, તે પોતાની ઘૂંઘટ ઓઢેલી પત્નીને ઘેર લઈ આવ્યા. યાકૂબ લાબાનની ચાલથી એકદમ અજાણ હતા. પરંતુ, સવારે ઊઠીને યાકૂબે જોયું તો એ તો લેઆહ હતી! યાકૂબે રાહેલ સાથે નહિ, પણ તેની બહેન લેઆહ સાથે સંબંધ બાંધ્યો હતો! યાકૂબે લાબાન પાસે જવાબ માંગ્યો: “આ તેં મને શું કર્યું છે? શું રાહેલને સારૂ મેં તારી ચાકરી નહોતી કરી? તેં મને શા માટે છેતર્યો?” લાબાને શાંતિથી કહ્યું: “અમારા દેશમાં એવી રીત નથી કે મોટીની અગાઉ નાનીને પરણાવવી. આનું અઠવાડિયું પૂરૂં કર, ને બીજાં સાત વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તેને પણ તને આપીશું.” (ઉત્પત્તિ ૨૯:૨૦-૨૭) યાકૂબ હવે લાબાનની જાળમાં બરાબર ફસાયા હતા. તેથી, તેમણે હારી-થાકીને રાહેલ માટે, લાબાનની બીજી શરતો પણ મંજૂર કરવી પડી.
આ બીજા સાત વર્ષ તો યાકૂબ માટે કડવા ઝેર જેવા હતા. પરંતુ, કપટી લાબાન સાથે યાકૂબ કેવી રીતે વર્ત્યા? વળી, લેઆહ વિષે શું, જેણે પણ આ ચાલમાં પૂરો ભાગ ભજવ્યો હતો. લાબાનને તો લેઆહ કે રાહેલ, બેમાંથી કોઈની પણ ફિકર ન હતી. તે તો ફક્ત સ્વાર્થનો જ સગો હતો. હવે બંને બહેનો વચ્ચેનો સંબંધ બગડવા માંડ્યો. એમાં વળી લેઆહને ચાર બાળકો થયાં, પણ રાહેલને એકેય બાળક ન થયું ત્યારે, રાહેલ લેઆહથી જલવા માંડી. રાહેલે યાકૂબને પોતાની દાસી સાથે સંબંધ બાંધીને, બાળક પેદા કરવા કહ્યું. એ જાણીને લેઆહે પણ પોતાની દાસી સાથે યાકૂબને સંબંધ બાંધવા મોકલી. આ રીતે, યાકૂબને ૪ પત્નીઓ અને ૧૨ બાળકો થયાં. જો કે તેનું કુટુંબ એટલું સુખી ન હતું. તેમ છતાં, યહોવાહ તો યાકૂબ દ્વારા એક મોટી પ્રજા ઉત્પન્ન કરવા માંગતા હતા.—ઉત્પત્તિ ૨૯:૨૮–૩૦:૨૪.
યાકૂબને યહોવાહનો પૂરો સાથ હતો
જો કે યાકૂબ પર ઘણી જ તકલીફો આવી હતી છતાં, તેમને યહોવાહના સાથની ખાતરી હતી. અરે, લાબાનને પણ એ વાતની ખાતરી થઈ. કઈ રીતે? લાબાન પાસેના થોડાક ઢોરઢાંક, યાકૂબની દેખરેખથી એકદમ જ વધી ગયા. એટલા માટે, લાબાન યાકૂબને જવા દેતો ન હતો. તેણે યાકૂબને કહ્યું કે તે વધારે ચાકરી કરશે તો, જે માંગશે તે આપશે. તેથી, યાકૂબે લાબાન પાસેથી નવા જન્મેલાં છાંટવાળા કે ટપકાંવાળા ઘેટાં-બકરાં માંગ્યા. એ દેશમાં ઘેટાં ફક્ત સફેદ રંગના અને બકરાં કાળા અથવા બ્રાઉન રંગના જ જોવા મળતા હતાં. પણ છાંટવાળા બહુ જ થોડા જોવા મળતા. લાબાનને લાગ્યું કે એવા ઘેટાં-બકરાંની તો શું કિંમત? તેને કોઈ ખોટ પડવાની નથી. તેથી, તેણે તરત જ પોતાના ઘેટાં-બકરાં અલગ કરીને યાકૂબને જે જોઈતા હતા એ આપ્યા. એવી છાંટવાળા ઘેટાં-બકરાં ફક્ત ૨૦ ટકા જ હતા. લાબાનને લાગ્યું કે એનાથી યાકૂબ થોડો ધનવાન થઈ જશે, એટલો પગાર તો એક ભરવાડને મળતો હતો. પરંતુ, લાબાન ખોટો પડ્યો, કારણ કે યહોવાહ યાકૂબની સાથે હતા.—ઉત્પત્તિ ૩૦:૨૫-૩૬.
યહોવાહના માર્ગદર્શન પ્રમાણે યાકૂબે તંદુરસ્ત ઘેટાં-બકરાંનો ઉછેર કર્યો. (ઉત્પત્તિ ૩૦:૩૭-૪૨) જો કે ઘેટાં-બકરાંનાં બચ્ચાં પેદા કરવાની યાકૂબની રીત બરાબર ન હતી, પણ જીન્સનો અભ્યાસ કરનાર એક સ્કૉલર કહે છે: ‘વૈજ્ઞાનિક રીતે એમ કરવા માટે એક રંગના ઘેટાં કે બકરાંના જીન્સનું ટપકાંવાળા જીન્સ સાથે મિશ્રણ કરવું પડે. આવા ઘેટાં-બકરાં . . . તરત જ ઓળખાય આવે છે.’
લાબાન યાકૂબને ફાયદો થતો જોઈને સળગી ઊઠ્યો. તેણે હવે પોતાના સોદામાં ફેરફાર કરવા માંડ્યો. ખરેખર, લાબાન એક નંબરનો સ્વાર્થી હતો. પરંતુ, ભલે તે ગમે એ ચાલ રમ્યો, પણ તે બાજી હારી ગયો, કેમ કે યહોવાહે હંમેશાં યાકૂબને જીત આપી. લાબાન બસ હાથ ઘસતો રહી ગયો. પરંતુ, યહોવાહના આશીર્વાદથી યાકૂબ પાસે તો પુષ્કળ સંપત્તિ થઈ, તેમ જ ઢોર-ઢાંક, નોકર-ચાકર, ઊંટો અને ગધેડાઓનો મોટો જમેલો ભેગો થયો! આ બધા પાછળ યહોવાહનો જ હાથ હતો. યાકૂબે પછીથી રાહેલ અને લેઆહને સમજાવ્યું: “તમારા બાપે મને ઠગ્યો છે, ને મારૂં વેતન દશ વાર તેણે બદલી નાખ્યું છે; પણ દેવે તેને મારૂં ભૂંડું કરવા ન દીધું. . . . એ રીતે દેવે તમારા બાપની સંપત્તિ [ઢોર] ખૂંચવી લઈને મને આપી છે.” વળી, યહોવાહે યાકૂબના દિલને ટાઢક આપી કે લાબાનનાં બધા પરાક્રમો તેમણે જોયાં હતા. પણ યાકૂબે જરા પણ હિંમત ન હારવી. તેમણે યાકૂબને કહ્યું: “તું તારે દેશ તથા તારાં સગાંની પાસે પાછો જા, ને હું તારૂં ભલું કરીશ.”—ઉત્પત્તિ ૩૧:૧-૧૩; ૩૨:૯.
છેવટે કપટી લાબાનના પંજામાંથી નીકળીને યાકૂબ પોતાના દેશ તરફ ઊપડ્યા. ખરું કે ૨૦ વર્ષ થઈ ગયા હતા છતાં, યાકૂબ પોતાના ભાઈ એસાવથી હજુ પણ ખૂબ જ ડરતા હતા. એવામાં, તેમને ખબર મળી કે એસાવ ૪૦૦ માણસોને લઈને સામો મળવા આવી રહ્યો હતો. હવે યાકૂબ શું કરશે? યાકૂબ યહોવાહના ભક્ત હતા અને તેમને યહોવાહમાં પૂરો ભરોસો હતો. સૌ પ્રથમ તો તેમણે પ્રાર્થના કરી અને કબૂલ્યું કે પોતે યહોવાહની ઉદારતાને પણ લાયક ન હતા. તેમણે યહોવાહને કાલાવાલા કર્યા કે તેમના વચન પ્રમાણે તે પોતાને અને પોતાના કુટુંબને એસાવના હાથમાંથી બચાવે.—ઉત્પત્તિ ૩૨:૨-૧૨.
એ પછી કંઈક અજાયબ બાબત બની. યાકૂબે એક રાતે સ્વર્ગ દૂત સાથે લડવું પડ્યું. એ સ્વર્ગ દૂતે તેમની જાંઘનો સાંધો મચકોડી નાખ્યો. પરંતુ, એ સ્વર્ગ દૂત આશીર્વાદ ન આપે ત્યાં સુધી યાકૂબે તેને ત્યાંથી જવા ન દીધો. પ્રબોધક હોશીઆએ પછીથી લખ્યું કે, યાકૂબે આશીર્વાદ મેળવવા રડીને વિનંતીઓ કરી હતી. (હોશીઆ ૧૨:૨-૪; ઉત્પત્તિ ૩૨:૨૪-૨૯) યાકૂબ જાણતા હતા કે ઈબ્રાહીમના કરારને લગતા કામ માટે પહેલા પણ સ્વર્ગ દૂતો દેખાયા હતા. તેથી, તે આશીર્વાદ મેળવવા પોતાની પૂરી શક્તિથી આ સ્વર્ગ દૂત સાથે લડ્યા. એ વખતે યહોવાહે યાકૂબનું નામ બદલીને ઈસ્રાએલ પાડ્યું, એટલે કે “દેવ સાથે લડનાર (વળગી રહેનાર)” અથવા “દેવ લડે છે.”
આપણા વિષે શું?
યાકૂબ સ્વર્ગ દૂત સાથે લડ્યા અને એસાવ સાથે પણ મામલો ઠંડો પાડી દીધો. એના સિવાય યાકૂબે બીજી ઘણી તકલીફો સહન કરવી પડી હતી. આ બધા બનાવો બતાવે છે કે યાકૂબ કેવા હતા. એસાવ જરા ભૂખ્યો રહી ન શક્યો અને પોતાનો વારસો ગુમાવી બેઠો. જ્યારે કે, યાકૂબ પરમેશ્વરના આશીર્વાદો મેળવવા આખું જીવન લડ્યા હતા. અરે, સ્વર્ગ દૂત સાથે પણ લડ્યા. તેથી, વચન પ્રમાણે યહોવાહે ડગલે ને પગલે યાકૂબને સાથ આપ્યો. યાકૂબ એક મોટી પ્રજાના પિતા બન્યા અને સૌથી મહત્ત્વનું તો તેમના કુટુંબમાંથી મસીહ પણ આવ્યા.—માત્થી ૧:૨, ૧૬.
આજે આપણા વિષે શું? શું આપણે યહોવાહના આશીર્વાદો મેળવવા આવી જ લડત આપી રહ્યા છીએ? યાકૂબની જેમ, ભલે જીવનમાં આંધી આવે કે તોફાન, શું આપણે દરેક સંજોગોમાં યહોવાહને વળગી રહેવા તૈયાર છીએ? જીવનમાં મુશ્કેલીઓ તો આવવાની જ. ખાસ કરીને યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવું કંઈ સહેલું નથી. તેથી, યાકૂબનું ઉદાહરણ આપણને ઉત્તેજન આપે છે કે, યહોવાહે આપેલા વારસાની કદર કરીએ અને એને માટે કંઈ પણ કરવા તૈયાર રહીએ.
[ફુટનોટ]
a યાકૂબની મા રિબકાહના કિસ્સામાં પણ આમ જ થયું હતું. રિબકાહે અલીએઝેરના ઊંટોને પાણી પીવડાવ્યું હતું. ત્યાર પછી, રિબકાહ પોતાના ઘરનાને ખબર આપવા દોડી ગઈ. લાબાન પોતાની બહેન રિબકાહને આપેલું સોનું જોઈને, તરત જ એ માણસને મળવા દોડી ગયો હતો.—ઉત્પત્તિ ૨૪:૨૮-૩૧, ૫૩.
[પાન ૩૧ પર ચિત્ર]
પરમેશ્વરના આશીર્વાદો મેળવવા યાકૂબ આખું જીવન લડ્યા