શું તમને યાદ છે?
છેલ્લા થોડા મહિનાઓના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી શું તમને આ મુદ્દા યાદ છે?
• કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ શું હતું? અને કેમ એ મહત્ત્વનું હતું?
કોંપ્લૂટેંસિયન પોલિગ્લોટ એક અજોડ બાઇબલ હતું. એ બાઇબલમાં કોઈ એક જ ભાષા નહિ, પણ એક સાથે હિબ્રૂ, ગ્રીક અને લૅટિન ભાષાઓ તથા અરામી ભાષાના અમુક ભાગો છાપવામાં આવ્યા હતા. એટલે કે એ બાઇબલમાં દરેક પાના પર હિબ્રૂ, લૅટિન, ગ્રીક, અને અરામી ભાષાઓ હતી. આ રીતે પોલિગ્લોટ બાઇબલે મૂળ ગ્રીક અને હિબ્રૂ ભાષાના લખાણને ચોકસાઈથી જાળવી રાખવા મહત્ત્વનો ફાળો આપ્યો હતો.—૪/૧૫ પાના ૨૮-૩૧.
• આપણે કેવી રીતે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ?
ઈશ્વરને આપણા જેવા ગુણો અને લાગણીઓ છે. બાઇબલ જણાવે છે કે યહોવાહ આનંદી છે. તે પોતાના હેતુઓ પૂરા કરવામાં આનંદ માણે છે. (૧ તીમોથી ૧:૧૧; ગીતશાસ્ત્ર ૧૦૪:૩૧) તેથી, આપણે શીખતા રહેવું જોઈએ કે યહોવાહને શું પસંદ છે અને શું નથી. એમ કરવાથી જે ખરું છે એ જ આપણે કરીશું અને તેમની કૃપા પામીશું.—૫/૧૫, પાન ૪-૭.
• શા માટે દાઊદે તેની પત્ની, મીખાલને તરાફીમ કે ઘરમૂર્તિઓ રાખવા દીધી હતી?
દાઊદને મારી નાખવાની રાજા શાઊલની યોજના વિષે મીખાલને ખબર પડી ત્યારે, તેણે તરત દાઊદને બચાવવા પગલાં લીધાં. તેણે તરાફીમ લઈને પલંગ પર એ રીતે સુવાડ્યાં જાણે કોઈ સૂતું હોય. આમ, મીખાલે પોતાની મિલકત સાથે આ ઘરમૂર્તિઓ રાખી હતી. એ બતાવે છે કે તે યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરતી ન હતી. દાઊદ પણ કદાચ જાણતો નહિ હોય કે મીખાલ પાસે ઘરમૂર્તિઓ છે. અથવા તો, તે શાઊલ રાજાની પુત્રી હોવાથી દાઊદે એ મૂર્તિઓ રાખવા દીધી હશે. (૧ કાળવૃત્તાંત ૧૬:૨૫, ૨૬)—૬/૧, પાન ૨૯.
• શા માટે યહોવાહે લોહી વિષેનો નિયમ આપ્યો?
મુસાને આપેલા નિયમમાં અને પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯માં, યહોવાહ ઈસુના બલિદાન વિષે જણાવે છે. તે સમજાવે છે કે આપણને પાપોની માફી અને ઈશ્વરની કૃપા પામવી હોય, તો ‘ઈસુના વધસ્તંભના લોહીમાં’ વિશ્વાસ મૂકવો જોઈએ. તો જ આપણને પાપોની માફી મળી શકે. (કોલોસી ૧:૨૦)—૬/૧૫ પાના ૧૪-૧૯.
• બાઇબલ ઈસુના કેટલા ચમત્કારો વિષે જણાવે છે?
માત્થી, માર્ક, લુક અને યોહાનનું પુસ્તક ઈસુના ૩૫ ચમત્કારો વિષે જણાવે છે. પરંતુ, તેમણે બધા મળીને કેટલા ચમત્કારો કર્યા હતા એ વિષે બાઇબલ જણાવતું નથી. (માત્થી ૧૪:૧૪)—૭/૧૫, પાન ૫.