પુનરુત્થાનની આશા તમને કેવી રીતે અસર કરે છે?
“તું તારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરે છે.”—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.
૧-૩. અમુક ભાઈ-બહેનો કેવી આશા રાખે છે? અનુભવો જણાવો.
નવ વર્ષનો ક્રિસ્ટોફર તેના મોટા ભાઈ, માસી, માસા ને તેમના બે છોકરા સાથે પ્રચારમાં ગયો હતો. તેઓ બધા બ્રિટનના માન્ચેસ્ટર શહેરમાં રહેતા હતા. પ્રચાર પછી તેઓએ બ્લેકપુલ નામના દરિયા કાંઠે ફરવા જવાનું નક્કી કર્યું. એ બહુ દૂર ન હતો. અવેક! મૅગેઝિન જણાવે છે કે પછી શું થયું: ‘ત્યાં મુસાફરી કરતી વખતે, મોટા રસ્તા પર તેઓનો ઍક્સિડન્ટ થયો. એમાં ક્રિસ્ટોફર ને તેના પાંચ સગાઓ સાથે કુલ ૧૨ જણે ત્યાંને ત્યાં જ જીવ ગુમાવ્યા. પોલીસે કહ્યું કે “આવો ખરાબ ઍક્સિડન્ટ અમે કદી જોયો નથી.”’
૨ આ ઍક્સિડન્ટના એક દિવસ પહેલા જ, આખું કુટુંબ પુસ્તક અભ્યાસમાં ગયું હતું જ્યાં મરણ વિષે ચર્ચા થઈ હતી. ક્રિસ્ટોફરના પપ્પા કહે છે, ‘ક્રિસ્ટોફર બીજાઓનો ખૂબ વિચાર કરતો. એ સાંજે પુસ્તક અભ્યાસ પછી તેણે પૂરા દિલથી યહોવાહની નવી દુનિયા વિષે વાત કરી હતી. વાત વાતમાં ક્રિસ્ટોફરે ઓચિંતા કહ્યું હતું: “કોઈ ગુજરી જાય ત્યારે આપણને બહુ દુઃખ થાય છે. પણ આપણને ખબર છે કે આપણે એક દિવસ તેઓને આ જ ધરતી પર ફરી મળીશું. કેટલું સારું છે કે આપણે યહોવાહના સાક્ષીઓ છીએ.” એ સાંજે કોઈને ખબર ન હતી કે કાલે શું થશે. પણ એક વાત ખરી, કોઈ તેના શબ્દો ભૂલ્યું નથી.’a
૩ હવે ઑસ્ટ્રિયાના ફ્રાંઝનો વિચાર કરો. યહોવાહનો સાક્ષી હોવાથી તે લડાઈમાં જોડાવા તૈયાર ન હતો. એટલે તેને બર્લિન જેલમાં પૂરવામાં આવ્યો ને ૧૯૪૦માં તેને મોતની સજા મળી. સૈનિકોએ તેનું ગળું કાપતા પહેલાં, તેને એક પત્ર લખવા દીધો. પત્રમાં તેણે માને લખ્યું: ‘હું સત્ય વિષે એટલું બધું તો જાણતો નથી. પણ જો હું લડાઈમાં જોડાઈ ગયો હોત, તો હું ઘોર પાપ કરત. એની સજા મોતથી ઓછી ન હોત. હું નવી દુનિયામાં ફરી ઊઠ્યો ન હોત. એ વિચારથી જ મને કંઈક થઈ જાય છે. પણ મારી પ્યારી મા ને ભાઈ-બહેનો, મને હવે મોતની સજા મળી છે. કાલે સવારે હું તમારી સાથે નહિ હોઉં. એનાથી તમે હિંમત હારશો નહિ. જેમ ઈશ્વરે સર્વ ભક્તોને સહાય કરી છે, તેમ તે મને સહાય કરે છે. જો તમે પણ મરણ સુધી ઈશ્વરને વફાદાર રહેશો, તો નવી દુનિયામાં આપણે ફરી એકબીજાને મળીશું. એ દિવસ આવે ત્યાં સુધી આવજો.’b
૪. બે ભાઈઓના અનુભવ જાણીને તમારા પર કેવી અસર થઈ છે? આપણે આ લેખમાં શાના વિષે વધુ શીખીશું?
૪ ક્રિસ્ટોફર અને ફ્રાંઝ પૂરા દિલથી માનતા હતા કે મૂએલાંઓ ફરી જીવી શકે છે. તેઓ માટે એ કોઈ સપનું નહિ પણ હકીકત હતી. તેઓના અનુભવ વાંચીને આપણું દિલ પીગળી જાય છે. આપણે કેવી રીતે તેઓના જેવી શ્રદ્ધા બતાવી શકીએ? યહોવાહ શા માટે મૂએલાંઓને ફરી જીવતા કરશે? યહોવાહનો હેતુ જાણીને તમારે શું કરવું જોઈએ? આ લેખમાં આપણે આ સવાલોના જવાબો મેળવીશું.
પુનરુત્થાન વિષેનું દર્શન
૫, ૬. પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩નું દર્શન ભાવિ વિષે શું બતાવે છે?
૫ લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં, પ્રેષિત યોહાનને એક મહત્ત્વનું દર્શન થયું. દર્શનમાં ઈસુનું હજાર વર્ષનું રાજ શરૂ થયું હતું ને મૂએલાંઓ પૃથ્વી પર ફરી સજીવન થતા હતા. એના વિષે યોહાને કહ્યું: ‘મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વેને જોયાં. સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં; અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં.’ (પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩) ભણેલા કે અભણ, ગરીબ કે અમીર, “મોટાં તથા નાનાં,” સર્વ કબરમાંથી (હાડેસ કે શેઓલમાંથી) નીકળતા હતા. જેઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા, તેઓ પણ ફરી જીવતા થયા. હા, ભાવિમાં તેઓ સર્વનું પુનરુત્થાન થશે કેમ કે એ યહોવાહનો હેતુ છે.
૬ ખ્રિસ્ત હજાર વર્ષ માટે રાજ કરવા લાગે એ પહેલાં શું કરશે? શાસ્ત્ર કહે છે કે તે શેતાનને બાંધીને ઊંડાણમાં પૂરી દેશે. ત્યાં તેની હાલત મૂએલાં જેવી હશે. જેઓ આર્માગેદ્દોનમાંથી બચી જશે અને જેઓનું પુનરુત્થાન થશે, તેઓ સર્વને હજાર વર્ષ દરમિયાન શેતાન ભમાવી શકશે નહિ. (પ્રકટીકરણ ૨૦:૧-૩) આપણને લાગી શકે કે હજાર વર્ષનું રાજ તો બહુ લાંબું છે. પણ યહોવાહ માટે તો એ ‘એક દિવસના જેવાં છે.’—૨ પીતર ૩:૮.
૭. હજાર વર્ષના રાજ દરમિયાન ઈસુ લોકોનો શાના પરથી ન્યાય કરશે?
૭ બીજું એક દર્શન બતાવે છે કે ઈસુ તેમના હજાર વર્ષના રાજ દરમિયાન લોકોનો ન્યાય કરશે. એના વિષે યોહાન કહે છે: “પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, દેવની સમક્ષ ઊભાં રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું; તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. . . . અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.” (પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩) આ કલમો બતાવે છે કે ઈસુ વ્યક્તિઓના મરણ પહેલાંના કામો જોઈને ન્યાય નહિ કરે. (રૂમી ૬:૭) એના બદલે ‘પુસ્તકો ઉઘાડવામાં આવશે.’ એટલે કે માર્ગદર્શન માટેનું નવું પુસ્તક ‘ઉઘાડવામાં આવશે’ ને ઈસુ જોશે કે લોકો એ પુસ્તક પ્રમાણે જીવે છે કે કેમ. જો વ્યક્તિ આ પુસ્તક મુજબ જીવતી હશે તો તેનું નામ ‘જીવનના પુસ્તકમાં’ લખવામાં આવશે.
“જીવનનું ઉત્થાન” કે “દંડનું ઉત્થાન”
૮. મૂએલાંઓ સજીવન થાય ત્યારે તેઓનું શું થશે?
૮ યોહાનને થયેલા દર્શનમાં ઈસુ કહે છે કે “મરણ તથા હાડેસની કૂંચીઓ મારી પાસે છે.” (પ્રકટીકરણ ૧:૧૮) યહોવાહે ઈસુને ‘જીવનના અધિકારી’ બનાવ્યા છે. તેથી તે “જીવતાં તથા મૂએલાંનો ન્યાય કરવાના છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૫; ૨ તીમોથી ૪:૧) પણ ઈસુ કઈ રીતે આ કરશે? તે મૂએલાંઓને ફરી જીવતા કરશે. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે એના વિષે લોકોને કહ્યું: “એથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે; અને જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ જીવનનું ઉત્થાન [પુનરુત્થાન] પામવા સારૂ, અને જેઓએ ભૂંડાં કામ કર્યાં છે, તેઓ દંડનું ઉત્થાન પામવા સારૂ, નીકળી આવશે.”—યોહાન ૫:૨૮-૩૦.
૯. (ક) મૂએલાંઓનું પુનરુત્થાન થશે ત્યારે તેઓ શું શીખશે? (ખ) આપણે કયા શિક્ષણ કામમાં ભાગ લઈશું?
૯ ઘણા ઈશ્વરભક્તો યહોવાહનાં વચનો પૂરા થતા જોવા તલપી રહ્યા હતા. તેઓનું પુનરુત્થાન થશે ત્યારે તેઓ જોઈ શકશે કે યહોવાહનાં સર્વ વચનો સાચા પડ્યા છે. તેઓ કબરમાંથી નીકળશે ત્યારે બાઇબલની ભવિષ્યવાણીઓ વિષે પૂછતા રહેશે: ‘ઉત્પત્તિ ૩:૧૫માં જણાવેલી સ્ત્રી કોણ છે? તેનું સંતાન કોણ છે?’ તેઓને ખબર પડશે કે ઈસુ એ સંતાન હતા ને મોત સુધી યહોવાહને વળગી રહ્યા ત્યારે તેઓને કેટલી ખુશી થશે. અરે, તેમની કુરબાની વિષે જાણીને તેઓની આંખમાંથી કેટલા આંસુ ટપકશે! (માત્થી ૨૦:૨૮) આપણે પણ આ ઈશ્વરભક્તોને બતાવીશું કે યહોવાહે કઈ રીતે આપણને પાપમાંથી બચાવ્યા; તેમણે કેટલી હદ સુધી ભલાઈ ને પ્રેમ બતાવ્યા; તેમનું રાજ્ય શું કરે છે, ને એ કઈ રીતે પૃથ્વી માટેનો તેમનો હેતુ પૂરો કરે છે. એઓને આ શીખવીને આપણને કેટલો આનંદ થશે! તેઓ આ બધું શીખશે ત્યારે તરત જ દિલથી યહોવાહના ગુણગાન કરવા લાગશે. સદા માટે તેઓ બતાવી શકશે કે તેઓના દિલમાં યહોવાહ ને ઈસુ માટે કેટલો પ્રેમ છે. આ નવી દુનિયામાં અબજો અબજો લોકો ફરી જીવશે જેઓ યહોવાહ ને ઈસુની કુરબાની વિષે કંઈ જાણતા નથી. પછી આપણે બધાએ તેઓને યહોવાહ ને ઈસુ વિષે શીખવવું પડશે જેથી તેઓની શ્રદ્ધા જાગે. એ કેટલું મોટું શિક્ષણ કામ હશે! એ કેવા આનંદનો માહોલ હશે!
૧૦, ૧૧. (ક) ઈસુના હજાર વર્ષના રાજમાં આપણે બધા શું કરી શકીશું? (ખ) આપણે કઈ બાબતો પર વિચાર કરવો જોઈએ?
૧૦ ઈબ્રાહીમ પૂરી શ્રદ્ધાથી ઈશ્વરના ‘શહેર’ માટે તલપી રહ્યા હતા. તે ફરી જીવતા થશે ને જોશે કે એ સપનું સાચું પડ્યું છે ત્યારે તેમને કેટલી ખુશી થશે! (હેબ્રી ૧૧:૧૦) અયૂબને કેવું લાગશે જ્યારે તેમને ખબર પડશે કે તેમના દાખલાથી અનેક ઈશ્વરભક્તો મોટી મોટી સતાવણી સામે સચ્ચાઈને વળગી રહી શક્યા! અને દાનીયેલનો વિચાર કરો. તેમને કેટલા પ્રશ્નો હશે કે તેમના દ્વારા યહોવાહે આપેલી ભવિષ્યવાણીઓ કઈ રીતે સાચી પડી!
૧૧ ભલે કોઈનું પુનરુત્થાન થાય કે પછી દુનિયાના અંતમાંથી બચી જાય, એક બાબત ચોક્કસ છે. તેઓ સર્વને યહોવાહ વિષે શીખવું પડશે, પૃથ્વી અને મનુષ્યો માટેના તેમના હેતુ વિષે શીખવું પડશે. ત્યારે જીવન કેવું હશે? આપણે સદા માટે યહોવાહ વિષે શીખતા રહીશું. સદા માટે જીવીશું. સદા યહોવાહની સ્તુતિ કરી શકીશું. સદા માટે આનંદ માણીશું. પણ આ બધું એક બાબત પર આધાર રાખે છે. આપણે નવા પુસ્તકમાંથી જે શીખીએ, શું એ દિલમાં ઊતરશે? શું આપણે જીવનમાં ફેરફારો કરીશું? શેતાન આખરી વાર તમારી કસોટી કરે ત્યારે શું તમારી શ્રદ્ધા મજબૂત રહેશે? યાદ રાખો કે આપણે બધાએ પોતાનો હિસાબ આપવો પડશે.
૧૨. નવી દુનિયામાં આપણી તંદુરસ્તી કેવી હશે? આપણે કયા કામો થાક્યા વગર કરી શકીશું?
૧૨ એ નવા યુગમાં આપણને ઈસુની કુરબાનીથી આવતા કેટલા બધા આશીર્વાદો મળશે. જેઓ ફરી જીવતા થશે તેઓ કદી બીમાર નહિ થાય, ઘરડા નહિ થાય. તેઓમાં કોઈ ખોડ-ખાંપણ નહિ હોય. (યશાયાહ ૩૩:૨૪) આપણે સર્વ તાજા-માજા હોઈશું. આપણે જગતભરના સજીવન થયેલા અબજો લોકોને પૂરી હોંશથી યહોવાહ વિષે શીખવીશું. અરે, આપણે આખી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવીશું. આ બધાં કામોથી આપણે યહોવાહના ગુણગાન ગાઈશું.
૧૩, ૧૪. ઈસુના હજાર વર્ષના રાજ પછી શેતાનને શા માટે છોડવામાં આવશે ને લોકો માટે કયા બે રસ્તા ખુલશે?
૧૩ ઈસુના હજાર વર્ષના રાજ પછી, છેલ્લી કસોટી માટે શેતાનને ઊંડાણમાંથી છોડવામાં આવશે. તે ફરી વાર લોકોને ગેરમાર્ગે દોરવા કોશિશ કરશે. પ્રકટીકરણ ૨૦:૭-૯ જણાવે છે કે જે ‘પ્રજાઓ’ શેતાનની ચાલમાં ફસાઈ જશે તેઓનો સદા માટે વિનાશ થશે: ‘આકાશમાંથી અગ્નિ ઊતરશે, અને તેઓનો સંહાર’ કરશે. તેથી ભલે આ લોકોને ઈસુના રાજ દરમિયાન ફરી જીવવા મળ્યું, તેઓનું જીવન ટૂંકું હશે. તેઓને “દંડનું ઉત્થાન” મળશે. પણ જેઓ સચ્ચાઈથી યહોવાહને વળગી રહેશે, તેઓને “જીવનનું ઉત્થાન” મળશે. એટલે તેઓને સદા માટેના જીવનનું વરદાન મળશે.—યોહાન ૫:૨૯.
૧૪ પુનરુત્થાનની આશાથી આજે આપણને કઈ રીતે દિલાસો મળે છે? આપણે નવી દુનિયામાં જઈ શકીએ એ માટે શું કરવું જોઈએ?
હમણાંથી પગલાં લો
૧૫. પુનરુત્થાનની આશાથી તમને કેવો દિલાસો મળી શકે?
૧૫ શું તમારા કોઈ સગાં વહાલાં ગુજરી ગયા છે? શોક સાથે જીવવું ખૂબ અઘરું છે, ખરું ને? એનાથી જીવનમાં ઘણુંય સહેવું પડે છે. તોપણ આપણને એ જાણીને કેટલી શાંતિ ને દિલાસો મળે છે કે તેઓ નજીકમાં ફરી જીવતા થશે. પણ મોટા ભાગના લોકો પાસે આવી કોઈ આશા નથી. પાઊલે થેસ્સાલોનીકીના મંડળને કહ્યું: “પણ, ભાઈઓ, ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી; જેથી બીજાં માણસો જેઓને આશા નથી એવાંની પેઠે તમે ખેદ [શોક] ન કરો.” (૧ થેસ્સાલોનીકી ૪:૧૩) શું તમે ઈશ્વરની નવી દુનિયામાં જીવતા હોય, એવાં સપનાં જુઓ છો? કે તમે લોકોને સજીવન થતા જુઓ છો? જો એવી બાબત પર વિચારીશું તો કોઈ વહાલું ગુજરી જાય ત્યારે આપણને ખૂબ દિલાસો મળશે.
૧૬. તમે મોતની નીંદરમાં સૂઈ જાવ તો નવી દુનિયામાં શું અનુભવશો?
૧૬ શું કોઈ ગંભીર બીમારી ધીરે ધીરે તમારો જીવ લઈ રહી છે? જો એમ હોય, તો હિંમત ન હારો. વિચાર કરો કે નજીકમાં તમને નવી દુનિયામાં ફરી જીવવા મળશે. તમે કફનને એક બાજુ કરશો ને આંખ ખોલશો ત્યારે તમારાં વહાલાં સગાંઓ તમને ભેટી પડશે. હવે તમે સાવ તંદુરસ્ત હશો, શરીરમાં અનેરી સ્ફૂર્તિ હશે. આ કરામત માટે તમે ઘૂંટણે પડીને ઈશ્વરની ભલાઈના ગુણગાન ગાશો.
૧૭, ૧૮. આપણે કયા બે મહત્ત્વના પાઠ દિલમાં ઉતારવા જોઈએ?
૧૭ ઈશ્વરની નવી દુનિયા આવે ત્યાં સુધી આપણે બે મહત્ત્વના પાઠ દિલમાં ઉતારવા જોઈએ. એક તો આપણે હમણાંથી જ તન-મનથી યહોવાહની ભક્તિ કરવી જોઈએ. ઈસુએ એમાં સરસ દાખલો બેસાડ્યો છે. એમ કરીને આપણે બતાવીશું કે આપણે સ્વાર્થી નથી, પણ યહોવાહ અને સર્વને ચાહીએ છીએ. આપણે કોઈ પણ તકલીફ સામે યહોવાહને વળગી રહીએ, શ્રદ્ધાને જાળવી રાખીએ. પછી ભલેને લોકો આપણને સતાવે, કામ-ધંધો ઝૂંટવી લે કે જેલમાં પૂરી દે. જો તેઓ આપણો જાન લેવાની ધમકી આપે, તો નવી દુનિયા વિષે વિચારો. આશા રાખો કે તમે ફરી જીવશો. જો આપણે પૂરા દિલથી સર્વને યહોવાહ વિષે શીખવતા રહીશું, તો ભાવિમાં આપણને પુષ્કળ આશીર્વાદો મળશે.
૧૮ બીજી મહત્ત્વની બાબત એ છે કે શેતાનની લાલચો ને પોતાની વાસનાઓમાં ફસાઈ ન જાવ. એ જોખમો વિષે યોહાને કહ્યું: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે. જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૫-૧૭) આ દુનિયા આપણને પૈસા ને બીજી અનેક ચીજ-વસ્તુઓથી ફસાવવા માગે છે. પણ યહોવાહે આપેલા ‘ખરેખરા જીવન’ સાથે સરખાવીએ ત્યારે એ ચીજ-વસ્તુઓ કંઈ જ નથી. (૧ તીમોથી ૬:૧૭-૧૯) જો કોઈ આપણને વ્યભિચાર કરવા લલચાવે, તો સીધી ના પાડો. જો આપણે યહોવાહની નજરે ઘોર પાપ કરતા રહીએ ને આર્માગેદ્દોન પહેલાં મરી જઈએ, તો કદાચ યહોવાહ આપણને ફરી જીવતા ન પણ કરે. આદમ અને હવાની જેમ હંમેશ માટે આપણું નામ નિશાન મટી જઈ શકે. તો આપણે કઈ રીતે શ્રદ્ધાને મક્કમ રાખી શકીએ? આપણે પુનરુત્થાન વિષેની માન્યતા દિલમાં સાચવી રાખીએ અને યહોવાહની ભલાઈ કદી ન ભૂલીએ.
૧૯. આપણે કઈ રીતે યહોવાહને ખુશ કરી શકીએ?
૧૯ આપણે બીજી કઈ રીતે યહોવાહને ખુશ કરી શકીએ? હંમેશાં તેમની સાથે ચાલતા રહીને. પછી ભલેને આપણે આ દુનિયાનો અંત જોઈએ કે નહિ. (નીતિવચનો ૨૭:૧૧) મરણ કે આર્માગેદ્દોન સુધી યહોવાહને વળગી રહેવાથી આપણે બતાવીએ છીએ કે યહોવાહ એકલા જ વિશ્વના રાજા છે. પછી વિચાર કરો, જો આ દુષ્ટ દુનિયાના અંત પહેલાં આપણે ગુજરી પણ જઈએ તો ફરી જીવતા થઈશું! કે પછી આર્માગેદ્દોન પાર કરીને નવી દુનિયામાં રહીશું!
યહોવાહ આપણી દિલની ઇચ્છાઓ પૂરી કરશે
૨૦, ૨૧. જો પુનરુત્થાન વિષે આપણને ઘણા પ્રશ્નો હોય તો શું યાદ રાખવું જોઈએ? સમજાવો.
૨૦ પુનરુત્થાન વિષે વધુ જાણવાથી કદાચ મનમાં બીજા ઘણા પ્રશ્નો ઊભા થયા હશે. જેમ કે, જો જીવન-સાથી ગુજરી જાય તો નવી દુનિયામાં તેઓ હજી તમારા સાથી હશે કે કેમ? (લુક ૨૦:૩૪, ૩૫) લોકો જ્યાં ગુજરી ગયા હતા ત્યાં જ ફરી જીવતા થશે? ગુજરી ગયા છે તેઓનું પુનરુત્થાન શું તેઓના સગાં-વહાલાં નજીક થશે? આના જેવા બીજા હજારો પ્રશ્નો છે. આપણે એના જવાબો જાણતા નથી. પણ આપણને એક ખાતરી છે. એના વિષે યિર્મેયાહે કહ્યું: “જેઓ તેની [યહોવાહની] વાટ જુએ છે, ને જે માણસ તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલો છે. યહોવાહના તારણની આશા રાખવી અને શાંતિથી તેના આવવાની વાટ જોવી, એ સારૂં છે.” (યિર્મેયાહનો વિલાપ ૩:૨૫, ૨૬) યોગ્ય સમયે યહોવાહ જરૂર એના જવાબો આપશે. એ જવાબોથી આપણને પૂરો સંતોષ થશે. આપણે શા માટે એવી ખાતરી રાખી શકીએ?
૨૧ ગીતશાસ્ત્રના એક કવિએ કહ્યું કે યહોવાહ પોતાનો “હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરે છે.” (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬) આપણી ઉંમર વધતી જાય તેમ આપણા વિચારો પણ બદલાતા જાય છે. નાના હતા ત્યારે જેની ઇચ્છા રાખતા હતા એની હવે આપણે ઇચ્છા રાખતા નથી. નવી દુનિયામાં કદાચ આપણે બીજા કશાની ઇચ્છા રાખીશું. પણ એક વાત ચોક્કસ છે. એ જ કે આપણી દિલની ઇચ્છા યોગ્ય હશે તો યહોવાહ એને જરૂર પૂરી કરશે.
૨૨. આપણે શા માટે યહોવાહનો જયજયકાર કરવો જોઈએ?
૨૨ આજે આપણી મુખ્ય ચિંતા શું હોવી જોઈએ? બાઇબલ કહે છે કે “દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ જરૂરનું છે.” (૧ કોરીંથી ૪:૨) હા, આપણે યહોવાહને વિશ્વાસુ રહેવાની જરૂર છે. આપણે યહોવાહના રાજ્યના સેવકો હોવાથી એના વિષે ખુશખબરી ફેલાવવી જોઈએ. જો પૂરા દિલથી એ કરીશું તો આપણે સદા માટેના જીવનનું વરદાન મેળવીશું. કદી ભૂલશો નહિ કે કાલે તમારું ‘શું થવાનું છે એની તમને ખબર નથી.’ (ઉપદેશમાળા [સભાશિક્ષક] ૯:૧૧, સંપૂર્ણ બાઇબલ) તો પછી, દુનિયાને લીધે ખોટી ચિંતામાં ડૂબી જવાને બદલે, પુનરુત્થાનમાં શ્રદ્ધા રાખો. જો તમે ખ્રિસ્તના હજાર વર્ષના રાજ પહેલાં ગુજરી જાવ તો ફિકર ન કરો. તમે ફરી જીવતા થશો. તમે પણ યહોવાહ ઇચ્છે ત્યારે અયૂબની જેમ તેમને કહેશો: ‘તું મને બોલાવીશ, તો હું તને ઉત્તર આપીશ.’ યહોવાહનો જયજયકાર કરો! તેમના સ્મરણમાં છે એ સર્વને જીવનમાં પાછા લાવવાની તે ઇચ્છા રાખે છે.—અયૂબ ૧૪:૧૫.
[ફુટનોટ્સ]
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું અવેક! જુલાઈ ૮, ૧૯૮૮, પાન ૧૦ પર જુઓ.
b જેહોવાઝ વિટ્નેસીસ—પ્રોક્લેમર્સ ઑફ ગૉડ્સ કિંગ્ડમ, પાન ૬૬૨ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
તમને યાદ છે?
• હજાર વર્ષના રાજ દરમિયાન ઈસુ લોકોનો શાના આધારે ન્યાય કરશે?
• શા માટે અમુકને “જીવનનું ઉત્થાન” મળશે પણ બીજાઓને “દંડનું ઉત્થાન” મળશે?
• પુનરુત્થાનની આશા આજે આપણને કઈ રીતે દિલાસો આપી શકે?
• પુનરુત્થાન વિષે આપણને ઘણા પ્રશ્નો હોય તો ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬ કઈ રીતે મદદ કરશે?
[પાન ૨૧ પર ચિત્ર]
પુનરુત્થાનની આશાથી આજે આપણને કઈ રીતે દિલાસો મળે છે?