‘માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ’
“મૂલ્યવાન રક્તથી” આપણો ઉદ્ધાર થયો
યહોવાહે આપણા પર કેટલો મહાન પ્રેમ બતાવ્યો! તેમણે આપણા માટે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપીને, મોટી કિંમત ચૂકવી. આપણને એની જરૂર પડી, કેમ કે ‘કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે છોડાવી શકતો નથી, અથવા તેના બદલામાં દેવને ખંડણી આપી શકતો નથી જેનાથી તે સદા જીવતો રહે.’ (ગીતશાસ્ત્ર ૪૯:૬-૯) આપણે એ બલિદાનની ખરેખર કદર કરીએ છીએ, આશીર્વાદ ગણીએ છીએ, કેમ કે યહોવાહે ‘પોતાનો એકાકીજનિત દીકરો ઈસુ ખ્રિસ્ત આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’—યોહાન ૩:૧૬.
ઈસુના બલિદાનથી ચાર લાભો આપણે મેળવીએ છીએ. એ ચાર લાભોથી આપણે જોઈ શકીએ કે યહોવાહ પ્રેમના સાગર છે. આ ચાર લાભો વિષે ચાલો આપણે ચર્ચા કરીએ.
ઈસુના બલિદાનના લાભો
પહેલો લાભ કયો છે? શરૂઆતમાં યહોવાહે આદમને બનાવ્યો. તેને કાયમ માટે જીવવાનો હક આપ્યો. પોતાના નિયમો સો ટકા પાળી શકે એવી ક્ષમતા પણ યહોવાહે તેને આપી. પણ આદમે જાણીજોઈને યહોવાહની આજ્ઞા તોડીને તેમના નિયમો પાળવાની ક્ષમતા ગુમાવી. સાથે સાથે તેણે કાયમ માટે જીવવાનો હક પણ ગુમાવ્યો. એના લીધે તે ધીરે ધીરે વૃદ્ધ થઈને મરણ પામ્યો. દુઃખની વાત છે કે આદમના બાળકો હોવાને લીધે આપણે પણ કાયમ માટે જીવવાનો હક ગુમાવ્યો. બાઇબલ કહે છે કે, “એક માણસથી [આદમથી] જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ.” (રૂમી ૫:૧૨) પણ આપણે એમાંથી આઝાદી મેળવી શકીએ. કેવી રીતે? ઈસુએ પૃથ્વી પર આવીને યહોવાહની આજ્ઞા સો ટકા પાળી. તેમની પાસે કાયમ જીવવાનો હક હતો, જે તેમણે કોઈ દિવસ ગુમાવ્યો ન હતો. એટલે યહોવાહે આપણા માટે ઈસુનું બલિદાન આપવાની ગોઠવણ કરી, જેથી આપણે કાયમ માટે જીવવાનો આશીર્વાદ મેળવી શકીએ. (રૂમી ૫:૧૬) ઈસુ ‘સર્વ માણસોને સારુ મરણ પામ્યા.’ એનાથી આદમે જે જીવવાનો હક ગુમાવ્યો હતો, એ આપણા માટે પાછો મેળવી શકે.—હેબ્રી ૨:૯; ૨ કોરીંથી ૫:૨૧; ૧ પીતર ૨:૨૪.
ઈસુના બલિદાનનો બીજો લાભ કયો છે? બાઇબલ કહે છે કે, ‘પાપનો મુસારો મરણ છે.’ (રૂમી ૬:૨૩) આદમને લીધે બધા મરણ પામે છે. પણ ઈસુના બલિદાનથી બધા કાયમ માટેના જીવનને લાયક બની શકે છે. બાઇબલ જણાવે છે કે, “દીકરા [ઈસુ] પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે નથી માનતો, તે જીવન નહિ દેખશે.”—યોહાન ૩:૩૬.
આ કલમ બતાવે છે તેમ આપણે હમણાંથી ઈસુ પર વિશ્વાસ રાખીએ. જેથી નવી દુનિયામાં આપણે ન તો બીમાર થઈશું ન તો ઘરડા થઈશું. અરે મોત પણ ચાખવું નહીં પડે! એ આશીર્વાદ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? કોઈ પણ ખોટા માર્ગમાં ચાલતા હોઈએ તો એ છોડી દેવો જોઈએ. આપણે પૂરા દિલથી યહોવાહના માર્ગમાં જ ચાલવું જોઈએ. ઈશ્વરભક્ત પીતરે કહ્યું કે, ‘આપણે પસ્તાવો કરીએ, ને ફરીએ, જેથી આપણાં પાપ ભૂંસી નાખવામાં આવે.’—પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯.
ઈસુના બલિદાનથી ત્રીજો લાભ કયો છે? આજે પણ આપણે શુદ્ધ દિલ રાખીને યહોવાહની ભક્તિ કરી શકીએ છીએ. કેવી રીતે? એકવાર જો આપણે મનમાં ગાંઠ વાળીએ કે યહોવાહને જ ભજવું છે, તો પછી બાપ્તિસ્મા લઈએ. જો આપણે ભૂલ કરીએ તો આપણું દિલ ડંખે છે. એવા સમયે આપણે યહોવાહ પાસે ભૂલ કબૂલીને પસ્તાવો કરીએ. તો યહોવાહની કૃપા આપણા પર રહેશે. અને આપણું દિલ શુદ્ધ થશે. (માત્થી ૧૧:૨૮-૩૦) એ જાણીને આપણા હૈયા પરથી જાણે કે મોટો ભાર ઊતરી જાય છે. (૧ તીમોથી ૩:૯; ૧ પીતર ૩:૨૧) આપણે ભૂલો તો કરીએ છીએ, પણ યહોવાહની દયાથી શુદ્ધ દિલ રાખી શકીએ.—નીતિવચનો ૨૮:૧૩.
ઈસુના બલિદાનના આશીર્વાદો
ચોથો લાભ ક્યો છે? ઈસુના બલિદાનને કારણે હવે આપણે યહોવાહ સાથે પાકો નાતો બાંધી શકીએ છીએ. એનું કારણ ઈશ્વરભકત યોહાન જણાવે છે, “જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ [વિનંતી કરનાર] છે, એટલે ઈસુ ખ્રિસ્ત.” (૧ યોહાન ૨:૧) કેવી રીતે? ઈશ્વરભક્ત પાઊલ જવાબ આપે છે કે, “જેઓ તેમના [ઈસુ] દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મધ્યસ્થી [વિનંતી] કરવા તે સર્વકાળ જીવે છે.” (હિબ્રૂ ૭:૨૫, કોમન લેંગ્વેજ) જ્યાં સુધી આપણા પર આદમના પાપના છાંટા હશે, ત્યાં સુધી આપણને આપણા મુખ્ય યાજક ઈસુની મદદની જરૂર પડશે. ફક્ત તેમના દ્વારા જ યહોવાહ આપણી ભક્તિ સ્વીકારે છે. પણ સવાલ થાય છે કે ઈસુ આપણા માટે મુખ્ય યાજક તરીકે શું કરે છે?
૩૩ની સાલમાં ઈસુ મરણ પામ્યા. સજીવન થયાના ચાલીસ દિવસ પછી તે સ્વર્ગમાં ગયા. ત્યાં તેમણે યહોવાહને પોતાના મૂલ્યવાન રક્તની કિંમત આપી.a એના લીધે ઈસુ નવી દુનિયામાં આપણને એવી ક્ષમતા આપશે જેનાથી આપણે યહોવાહના નિયમો પાળી શકીશું. એટલું જ નહિ, કાયમ માટેનું જીવન પણ આપશે. (૧ પીતર ૧:૧૮, ૧૯) આનાથી આપણા દિલમાં ઈસુ માટેનો ઘણો જ પ્રેમ ખિલી ઊઠે છે. તો ચાલો આપણે તેમના જ પગલે ચાલીએ.
આપણે યહોવાહને પણ દિલોજાનથી ચાહીએ છીએ. તેમના નિયમો પાળીએ છીએ. તેમણે આપણા માટે પોતાના દીકરાને પૃથ્વી પર મોકલ્યો. ઈસુના બલિદાનને કારણે આપણે “પાપથી સ્વતંત્ર થયા છીએ.” (૧ કોરીંથી ૧:૩૦, કોમન લેંગ્વેજ) યહોવાહે બધાને જીવન આપ્યું છે. ઈસુના બલિદાન દ્વારા યહોવાહ બધાને કાયમ માટે જીવવાનો મોકો આપે છે. તો ચાલો આપણે દિલથી ‘માણસોના કરતાં ઈશ્વરનું વધારે માનીએ.’—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯. (w06 3/15)
[ફુટનોટ]
a ૨૦૦૬ના યહોવાહના સાક્ષીઓના કૅલેન્ડરમાં (અંગ્રેજી) માર્ચ/એપ્રિલ જુઓ.
[પાન ૧૯ પર બોક્સ/ચિત્ર]
ચાલો આ શીખીએ
• ઈસુ જૈતુનના પહાડ પરથી સ્વર્ગમાં ગયા.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૯, ૧૨.
• ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે ફક્ત પ્રેષિતોએ જ તેમને જોયા.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૨, ૧૧-૧૩.