જૂઠી ભક્તિમાંથી નીકળી આવો!
“તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ, એમ પ્રભુ [યહોવાહ] કહે છે, મલિન [અશુદ્ધ] વસ્તુને અડકો મા.”—૨ કોરીંથી ૬:૧૭.
૧. ઈશ્વરની ભક્તિની વાત આવે ત્યારે, આજે ઘણા લોકોની હાલત કેવી છે?
આજે ઘણા લોકોને ઈશ્વરના સત્યનું જ્ઞાન નથી. તેઓને એ ખબર પણ નથી કે માનવ માટે કોઈ આશા છે કે કેમ? તેઓ એ જાણતા ન હોવાથી, ઈશ્વરની ભક્તિ કરવા આમથી તેમ ફાંફાં મારે છે. આજે લાખો લોકો અંધશ્રદ્ધા, રીત-રિવાજો અને તહેવારોના ગુલામ બન્યા છે. એ બધાથી ઈશ્વરનું દિલ દુભાય છે. તમારા પડોશીઓ, સગાં-સંબંધીઓનો વિચાર કરો. તેઓ પણ માનતા હશે કે નરક જેવી જગ્યા છે. આત્મા અમર છે. અથવા દેવોની ત્રિમૂર્તિ કે પછી બીજી કોઈ જૂઠી માન્યતામાં ફસાયેલા હશે.
૨. ધર્મગુરુઓએ શું કર્યું છે, એના લીધે ધાર્મિક લોકોની કેવી હાલત થઈ છે?
૨ ઈશ્વરના સત્ય વિષે લોકોને અંધકારમાં રાખવા માટે કોણ જવાબદાર છે? તમે નહિ માનો પણ એ માટે ધર્મ અને ધર્મગુરુઓ જવાબદાર છે. તેઓ ઈશ્વરની સચ્ચાઈ બાજુએ મૂકીને, પોતાને મન ફાવે એવું ધાર્મિક જ્ઞાન લોકોને આપે છે. (માર્ક ૭:૭, ૮) એટલે ઘણા ભોળિયા લોકો માને છે કે પોતે દિલથી સાચા ઈશ્વરને ભજે છે. જ્યારે કે તેઓ છેતરાઈને ઈશ્વરની મરજી વિરુદ્ધ જાય છે. ઈશ્વરનું દિલ દુભાવે છે. ખાસ કરીને જૂઠા ધર્મો, લોકોની આવી હાલત કરવા માટે જવાબદાર છે.
૩. જૂઠા ધર્મોની પાછળ કોણ છે અને બાઇબલ એના વિષે શું કહે છે?
૩ બધા જૂઠા ધર્મોની પાછળ શેતાનનો હાથ છે. તેના વિષે ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે “આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય.” (૨ કોરીંથી ૪:૪) ‘આ જગતનો દેવ’ બીજો કોઈ નહિ, પણ શેતાન છે. જૂઠી ભક્તિ ચારે બાજુ ફેલાવવા પાછળ તેનો જ હાથ છે. પાઊલે એમ પણ લખ્યું કે “શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી.” (૨ કોરીંથી ૧૧:૧૪, ૧૫) શેતાન જૂઠી વાતો એવી મીઠાશથી જણાવે છે કે કોઈ પણ એની વાત માનીને છેતરાઈ જાય.
૪. ઠગભગતો વિષે યહોવાહે કેવો નિયમ આપ્યો હતો?
૪ એટલે જ બાઇબલમાં જૂઠા ધર્મો માટે સખત નફરત જોવા મળે છે. જેમ કે, યહોવાહની માનીતી ઈસ્રાએલી પ્રજાને, આપેલા નિયમોમાં ઠગભગતો વિષે ચેતવણી આપવામાં આવી હતી. જે કોઈ ખોટું જ્ઞાન આપે, જૂઠા દેવ-દેવીઓની ભક્તિ કરે તો, ‘તેને યહોવાહ વિરુદ્ધ બોલવાને લીધે મારી નાખવો.’ ઈસ્રાએલી લોકોને આજ્ઞા હતી કે ‘એવી રીતે તેઓએ પોતાના લોકોમાંથી દુષ્ટતા દૂર કરવી.’ (પુનર્નિયમ ૧૩:૧-૫) યહોવાહને જૂઠી ભક્તિથી સખત નફરત છે.—હઝકીએલ ૧૩:૩.
૫. આજે આપણે કઈ ચેતવણી સાંભળવી જ જોઈએ?
૫ જૂઠા ધર્મો વિષે ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યોને પણ યહોવાહ જેવું જ લાગતું હતું. ઈસુએ પોતાના શિષ્યોને આ ચેતવણી આપી હતી: “જે જૂઠા ઉપદેશકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ માંહે ફાડી ખાનારાં વરુના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો.” (માત્થી ૭:૧૫; માર્ક ૧૩:૨૨, ૨૩) પાઊલે લખ્યું કે “જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા [નાસ્તિકતા] પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે.” (રૂમી ૧:૧૮) એટલે જ આપણે આ ચેતવણી સાંભળીએ. જો કોઈ સત્ય છુપાવતું હોય કે પછી ઈશ્વર વિષે જૂઠ ફેલાવતું હોય તો તેનાથી બાર ગાઉ દૂર રહીએ!—૧ યોહાન ૪:૧.
‘મહાન બાબેલોનમાંથી’ નીકળી આવો
૬. બાઇબલ ‘મહાન બાબેલોનની’ ઓળખ કઈ રીતે આપે છે?
૬ બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક જૂઠા ધર્મોની ઓળખ એક શબ્દ-ચિત્રથી આપે છે: એ એક પીધેલી વેશ્યાને બતાવે છે. તે વેશ્યા ઘણાં રાજ્યો અને એની પ્રજા પર હક્ક જમાવે છે. તે જાણે કે ઘણા રાજા કે સરકારો સાથે વ્યભિચાર કરે છે. તે સાચા ઈશ્વર ભક્તોનું લોહી પીને પીધેલી બની છે. (પ્રકટીકરણ ૧૭:૧, ૨, ૬, ૧૮) તે વેશ્યાના માથા પર શોભે એવું નામ લખવામાં આવ્યું છે. એ નામ તેના ગંદા, કાળાં કામોની ઓળખ આપે છે. એ નામ છે, “મહાન બાબેલોન, વેશ્યાની તથા પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.”—પ્રકટીકરણ ૧૭:૫.
૭, ૮. જૂઠા ધર્મો કઈ રીતે જાણે કે વ્યભિચાર કરે છે? એના કારણે શું બન્યું છે?
૭ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે, મહાન બાબેલોનનું શબ્દ-ચિત્ર દુનિયાના સર્વ જૂઠા ધર્મોની બરાબર ઓળખ આપે છે. પરંતુ એવું નથી કે આખી દુનિયાના હજારો ધર્મો સંપીને, એક સોસાયટી કે ગ્રૂપ બનાવે છે. પણ તેઓ એક વાતે ચોક્કસ એકબીજા સાથે સંપ રાખે છે. પ્રકટીકરણના પુસ્તકની વેશ્યાની જેમ, સરકારો જૂઠા ધર્મોની મુઠ્ઠીમાં છે. જેમ કે કોઈ સ્ત્રી પોતાના પતિને છોડીને બીજાની જોડે ફરે, તેમ જૂઠા ધર્મો એકથી બીજી સરકાર સાથે દોસ્તીનો હાથ મીલાવે છે. ઈશ્વરભક્ત યાકૂબે લખ્યું કે “હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.”—યાકૂબ ૪:૪, કોમન લેંગ્વેજ.
૮ જૂઠા ધર્મો અને સરકારો એકબીજાને રાજી રાખવાના પ્રયત્નો કરે છે, એમાં મનુષ્યોનો મરો થાય છે. રાજનીતિની ચડતી-પડતી પર નજર રાખનાર, આફ્રિકાના ડૉ. ઓનેના મોંગુ જણાવે છે: “દુનિયાનો ઇતિહાસ લોહીએ રંગાએલો છે. ધર્મ અને રાજનીતિએ સંપીને કરેલી કતલથી એ ભરેલો છે.” એક ન્યૂઝ પેપરના તાજા સમાચાર જણાવે છે કે, ‘આજકાલ ધર્મને નામે થતી લડાઈઓ સૌથી ખતરનાક હોય છે, જેમાં લોકોની બેરહેમીથી કતલ થાય છે.’ કરોડોનાં જીવન ધર્મને નામે થતી લડાઈઓમાં હોમાઈ ગયાં છે. મહાન બાબેલોને તો યહોવાહના ભક્તોને પણ બહુ જ સતાવ્યા છે, મારી નાખ્યા છે. જાણે કે તેઓનું લોહી પીને ચકચૂર બન્યું છે.—પ્રકટીકરણ ૧૮:૨૪.
૯. જૂઠી ભક્તિ વિષે યહોવાહને કેવું લાગે છે એ વિષે પ્રકટીકરણનું પુસ્તક શું કહે છે?
૯ જૂઠી ભક્તિ વિષે યહોવાહને કેવું લાગે છે? મહાન બાબેલોનનું જે થવાનું છે, એના પરથી એનો જવાબ મળે છે. પ્રકટીકરણ ૧૭:૧૬ જણાવે છે: “તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.” પહેલા તો જાણે કે એક મોટું પ્રાણી એ વેશ્યા પર હુમલો કરશે, એને અધમૂઈ કરી નાખશે. એનું માંસ ખાઈ જશે. પછી જે કંઈ બાકી રહેશે, એનો બાળીને પૂરેપૂરો નાશ કરશે. દુનિયાની સરકારો પણ જૂઠા ધર્મોની એવી જ હાલત કરશે. યહોવાહ તેઓના મનમાં એવું મૂકશે. (પ્રકટીકરણ ૧૭:૧૭) મહાન બાબેલોન, એટલે કે દુનિયાના બધાય જૂઠા ધર્મોનું નામનિશાન નહિ રહે. “ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.”—પ્રકટીકરણ ૧૮:૨૧.
૧૦. જૂઠા ધર્મો વિષે આપણને કેવું લાગવું જોઈએ?
૧૦ મહાન બાબેલોન વિષે ઈશ્વરભક્તોને કેવું લાગવું જોઈએ? બાઇબલ સાફ શબ્દોમાં આજ્ઞા આપે છે: “ઓ મારા લોક, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.” (પ્રકટીકરણ ૧૮:૪) આપણને જીવન વહાલું હોય તો, જૂઠો ધર્મ હમણાં જ છોડી દઈએ. ઈસુએ જણાવ્યું હતું કે દુનિયાના અંતના સમયે, લોકો તેમને પગલે ચાલતા હોવાનો દાવો કરશે. (માત્થી ૨૪:૩-૫) એવા લોકોને ઈસુ કહેશે કે “મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ.” (માત્થી ૭:૨૩) ઈસુ હમણાં ઈશ્વરના રાજ્યના રાજા છે. તેમને જૂઠા ધર્મોથી સખત નફરત છે.
કઈ રીતે જૂઠી ભક્તિ સાવ છોડી શકીએ?
૧૧. જૂઠી ભક્તિથી એકદમ દૂર રહેવા માટે આપણે શું કરવું જોઈએ?
૧૧ જૂઠા ધર્મોનું શિક્ષણ કે જૂઠી ભક્તિ સાથે યહોવાહના ભક્તો કોઈ લેવા-દેવા રાખતા નથી. એનો અર્થ એમ થાય કે આપણે રેડિયો કે ટીવી પરના કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામો ન જોઈએ. એવા કોઈ પુસ્તકો ન વાંચીએ જે યહોવાહ વિષે કે બાઇબલ વિષે અફવા ફેલાવતા હોય. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭) જૂઠા ધર્મોની કોઈ પણ સંસ્થાના સભા-સંમેલનો કે કોઈ રમત-ગમતમાં ન જઈએ. કોઈ પણ રીતે જૂઠી ભક્તિને સાથ ન આપીએ. (૧ કોરીંથી ૧૦:૨૧) જો આમ કરીશું, તો એમાં આપણું જ ભલું થશે. પછી, ‘માનવી વિચારોના અને કલ્પનાના આધારે રચાયેલા જૂઠા ખ્યાલો તથા ફિલસૂફીઓ આપણા વિશ્વાસને નુકસાન નહિ કરે; અને ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું છે તેને આપણે વળગી રહીશું.’—કલોસી ૨:૮, IBSI.
૧૨. જૂઠા ધર્મો સાથેનો કોઈ પણ નાતો તોડી નાખવા વ્યક્તિ શું કરી શકે?
૧૨ કોઈ વ્યક્તિને યહોવાહના ભક્ત બનવું છે. પણ તે કોઈ જૂઠા ધર્મના મેમ્બર હોય તો શું કરી શકાય? મોટા ભાગે એક પત્ર લખીને એ ધર્મની સંસ્થાને આપી શકાય કે ‘હવેથી હું મેમ્બર રહેવા માંગતો નથી.’ એ પત્ર એક સાબિતી હશે કે હવેથી તે વ્યક્તિ જૂઠા ધર્મના મેમ્બર નથી. ખાસ કરીને વ્યક્તિ પોતે મનમાં ગાંઠ વાળીને જૂઠા ધર્મ સાથેનો નાતો બિલકુલ તોડી નાખે, એ જરૂરી છે. એટલે પછીથી સાચી-જૂઠી ભક્તિમાં ભેળસેળ થવાનો સવાલ જ નહિ રહે. યહોવાહને ભજવા ચાહતી વ્યક્તિના જીવન પરથી જૂઠા ધર્મની સંસ્થાને અને બીજા લોકોને દેખાઈ આવવું જોઈએ કે હવે એ ધર્મ સાથે તેને કોઈ લેવાદેવા નથી.
૧૩. જૂઠી ભક્તિને એકદમ છોડી દેવા વિષે બાઇબલ કેવી સલાહ આપે છે?
૧૩ ઈશ્વરભક્ત પાઊલે લખ્યું કે ‘અવિશ્વાસીઓ સાથે સંબંધ ન રાખો: કેમકે ન્યાયીપણાને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની જોડે શી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની કે શેતાનની સાથે શો મિલાપ હોય? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય? ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? માટે તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ, એમ પ્રભુ કહે છે, અપવિત્ર વસ્તુને અડકો નહિ.’ (૨ કોરીંથી ૬:૧૪-૧૭) આપણે જૂઠી ભક્તિ સાવ છોડી દઈને, આ શબ્દોને પાળીએ. શું પાઊલના આ શબ્દોનો અર્થ એ પણ થાય કે આપણે જૂઠા ધર્મોના લોકો સાથે કોઈ લેવાદેવા ન રાખવી?
સમજદારીથી વર્તો
૧૪. જેઓ જૂઠી ભક્તિ કરે છે તેઓને આપણે સાવ જ છોડી દેવા જોઈએ?
૧૪ જૂઠી ભક્તિ કરનારાઓ સાથે શું આપણે કોઈ પણ જાતનો વહેવાર ન રાખવો જોઈએ? જેઓ યહોવાહને ન ભજે, તેઓને શું આપણે સાવ જ છોડી દેવા જોઈએ? ના. ઈસુએ આપેલી બે મહાન આજ્ઞામાંની બીજી જણાવે છે: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૯) આપણે બધા પર પ્રેમ રાખીએ છીએ, એટલે તેઓને યહોવાહના રાજ્ય વિષે જણાવીએ છીએ. એટલે જ તો આપણે તેઓને યહોવાહ વિષે શીખવીએ છીએ. તેઓને ચેતવીએ છીએ કે કેમ જૂઠી ભક્તિ છોડી દેવાની જરૂર છે.
૧૫. આપણે “જગતના નથી,” એનો શું અર્થ થાય?
૧૫ ખરું કે આપણે લોકોને યહોવાહ વિષે શીખવીએ છીએ. પણ ઈસુને પગલે ચાલતા હોવાથી, આપણે “જગતના નથી.” (યોહાન ૧૫:૧૯) “જગત” એટલે કે યહોવાહના માર્ગે નહિ ચાલનારા લોકો. (એફેસી ૪:૧૭-૧૯; ૧ યોહાન ૫:૧૯) આપણે જગતથી, દુનિયાથી જુદા છીએ. એટલે જ આપણા વાણી-વર્તન અને સ્વભાવ એવા હોવા જોઈએ, જેનાથી યહોવાહનું દિલ ન દુભાય. (૧ યોહાન ૨:૧૫-૧૭) “દુષ્ટ સોબત સદાચરણને [સારી આદતો] બગાડે છે.” એ સિદ્ધાંત ધ્યાનમાં રાખીને, આપણે એવા લોકોની દોસ્તી નથી કરતા, જેઓ યહોવાહને ભજતા ન હોય. (૧ કોરીંથી ૧૫:૩૩) દુનિયાની સોબત ન રાખવાનો અર્થ એ પણ થાય કે ‘જગતથી પોતાને નિષ્કલંક [શુદ્ધ] રાખવા.’ (યાકૂબ ૧:૨૭) એટલે આ દુનિયાથી જુદા હોવાનો અર્થ એવો નથી થતો કે આપણે લોકો સાથે કોઈ જ વહેવાર ન રાખીએ.—યોહાન ૧૭:૧૫, ૧૬; ૧ કોરીંથી ૫:૯, ૧૦.
૧૬, ૧૭. જેઓ બાઇબલનું સત્ય જાણતા નથી, તેઓની સાથે આપણે કેવો વહેવાર રાખવો જોઈએ?
૧૬ તો પછી, જેઓ બાઇબલનું સત્ય જાણતા નથી, તેઓ સાથે આપણે કેવો વહેવાર રાખવો જોઈએ? ઈશ્વરભક્ત પાઊલે કોલોસીના મંડળને આમ લખ્યું: ‘જેઓ બહાર છે, તેઓની સાથે ડહાપણથી કે સમજદારીથી વર્તો; સમયનો સદુપયોગ કરો. તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.’ (કોલોસી ૪:૫, ૬) ઈશ્વરભક્ત પીતરે લખ્યું કે ‘ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં દિલમાં પવિત્ર માનો; અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી જવાબ આપવાને સદા તૈયાર રહો.’ (૧ પીતર ૩:૧૫) પાઊલે ભાઈ-બહેનોને સલાહ આપી કે “કોઈનું ભૂંડું બોલવું નહિ, ઝઘડો કરવો નહિ, દિલ મોટું રાખવું અને સઘળા માણસો પ્રત્યે સતત નમ્ર વ્યવહાર રાખવો.”—તિતસ ૩:૨, સંપૂર્ણ.
૧૭ યહોવાહના ભક્તો હોવાથી આપણે કોઈનું અપમાન નહિ કરીએ કે અભિમાની નહિ બનીએ. આપણે બીજા ધર્મના લોકોનું અપમાન કરવા મન ફાવે એમ નહિ બોલીએ. આડોશ-પાડોશમાં, નોકરી-ધંધે કે ગમે ત્યાં લોકો સાથે વાત કરીએ ત્યારે, લોકો આપણને જેમ-તેમ બોલી નાખે તોપણ, આપણે સમજી-વિચારીને વાત કરીએ.—કોલોસી ૪:૬; ૨ તીમોથી ૨:૨૪.
‘સત્ય વચનોનું ખરું સ્વરૂપ પકડી રાખ’
૧૮. જૂઠી ભક્તિમાં પાછા ફસાઈ જનારાની કેવી બૂરી દશા થાય છે?
૧૮ બાઇબલમાંથી સત્ય શીખ્યા પછી, પાછા જૂઠી ભક્તિમાં ફસાઈ જનારને હાય, હાય! બાઇબલ એવા માર્ગે જનારા વિષે જણાવે છે: ‘આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ, જગતની મલિનતાથી કે દુષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતાં બૂરી છે. . . . કૂતરું પોતાની ઓક તરફ, અને ધોએલી ભૂંડણ કાદવમાં આળોટવા સારુ પાછાં જાય છે, આ કહેવત તો ખરી છે, અને તે પ્રમાણે તેઓનું વર્તન થયું છે.’—૨ પીતર ૨:૨૦-૨૨.
૧૯. યહોવાહની ભક્તિમાં નડતર બનતી કોઈ પણ બાબતથી શા માટે ચેતીને ચાલવું જોઈએ?
૧૯ યહોવાહની ભક્તિની વાત આવે છે ત્યારે, ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમાં ઘણાં નડતરો આવી શકે છે. ઈશ્વરભક્ત પાઊલે આ ચેતવણી આપી: “પવિત્ર આત્મા આપણને સ્પષ્ટ કહે છે કે અંતિમ સમયમાં મંડળીમાંના કેટલાક લોકો ખ્રિસ્ત પરના વિશ્વાસથી ચલિત થઈ [ભટકી] જશે. તેઓ શેતાન પ્રેરિત વિચારો ધરાવતા ઉપદેશકોના શિક્ષણ પર ધ્યાન આપીને તે તરફ દોરવાઈ જશે.” (૧ તિમોથી ૪:૧, IBSI) આપણે “અંતિમ સમયમાં” જીવી રહ્યા છીએ. જેઓ જૂઠી ભક્તિને સાવ છોડી દેતા નથી, તેઓ “માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા” બને છે.—એફેસી ૪:૧૩, ૧૪.
૨૦. જૂઠા ધર્મોની ઝેરી અસર આપણને ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ?
૨૦ જૂઠી ભક્તિની ઝેરી અસર આપણને ન થાય એ માટે શું કરવું જોઈએ? યહોવાહે પૂરી પાડેલી મદદનો ભરપૂર ફાયદો ઉઠાવો. યહોવાહે આપણને બાઇબલ આપ્યું છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા યહોવાહ આપણા ભલા માટે ઘણાં પુસ્તકો, મૅગેઝિનો આપે છે. (માત્થી ૨૪:૪૫) આપણે જેમ જેમ સત્યમાં આગળ વધીશું, તેમ તેમ “ભારે ખોરાક” અથવા સત્યની ઊંડી વાતોની ભૂખ જાગશે. આપણને કદીયે મિટિંગ ચૂકી જવાનું મન નહિ થાય. (હેબ્રી ૫:૧૩, ૧૪; ગીતશાસ્ત્ર ૨૬:૮) ચાલો યહોવાહે આપેલી આ બધી મદદનો ભરપૂર ફાયદો ઉઠાવીએ. જેથી આપણે ‘સત્ય વચનોનું ખરું સ્વરૂપ પકડી રાખી શકીએ.’ (૨ તીમોથી ૧:૧૩) આમ આપણે જૂઠી ભક્તિથી દૂર-દૂર, એકદમ દૂર રહી શકીશું! (w06 3/15)
આપણે શું શીખ્યા?
• “મહાન બાબેલોન” શું છે?
• જૂઠા ધર્મોને સાવ છોડી દેવા માટે આપણે શું કરવું જ જોઈએ?
• યહોવાહની ભક્તિમાં આપણને નડતા કયાં જોખમોથી ચેતીને ચાલવું જોઈએ?
[પાન ૧૪ પર ચિત્ર]
‘મહાન બાબેલોનʼને કેમ વેશ્યા સાથે સરખાવવામાં આવે છે?
[પાન ૧૫ પર ચિત્ર]
‘મહાન બાબેલોન’ ચોક્કસ નાશ પામશે
[પાન ૧૭ પર ચિત્ર]
જેઓ યહોવાહમાં નથી માનતા, તેઓ સાથે પણ આપણે ‘નમ્રતાથી અને માનથી’ વર્તીએ છીએ