વાચકો તરફથી પ્રશ્નો
નિર્ગમન ૨૩:૧૯માં મના કરવામાં આવી હતી કે “તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં બાફીશ મા.” એમાંથી આપણે શું શીખી શકીએ?
યહોવાહે, મુસા દ્વારા ઈસ્રાએલીઓને ઉપર મુજબ નિયમ આપ્યો હતો. બાઇબલમાં એ નિયમ ત્રણ વાર લખવામાં આવ્યો છે. એનાથી આપણને સમજવા મદદ મળે છે કે યહોવાહની નજરમાં શું યોગ્ય છે અને શું નથી. એ નિયમમાં પ્રાણીઓ માટે યહોવાહનો પ્રેમ અને દયા દેખાઈ આવે છે. એ પણ જોવા મળે છે કે માણસે બનાવેલા જૂઠાં દેવ-દેવીઓની ભક્તિ પણ યહોવાહ ધિક્કારે છે.—નિર્ગમન ૩૪:૨૬; પુનર્નિયમ ૧૪:૨૧.
બકરીનું બચ્ચું કે કોઈ પ્રાણીનાં બચ્ચાંને તેની માનાં દૂધમાં બાફવું એ યહોવાહની કુદરતી ગોઠવણની વિરુદ્ધ છે. ઈશ્વરે માનું દૂધ એટલે આપ્યું છે જેથી તે પોતાના બચ્ચાંને દૂધ પાઈને મોટાં કરે. જો કોઈ વ્યક્તિ પ્રાણીનાં બચ્ચાંને તેની માના દૂધમાં બાફે તો શું? એક પંડિતના કહેવા પ્રમાણે, “ઈશ્વરે પ્રાણી જગતમાં મા-બચ્ચાં વચ્ચે જે સંબંધની ગોઠવણ કરી છે, જેના પર ઈશ્વરનો આશીર્વાદ છે એને તે ધિક્કારે છે.”
એ ઉપરાંત, અમુક લોકોનું કહેવું છે કે જૂઠા ધર્મના લોકો બકરીનાં બચ્ચાંને તેની માના દૂધમાં બાફવાનો રિવાજ પાળતા હોઈ શકે, જેથી પુષ્કળ વરસાદ પડે. જો એમ હોય તો, યહોવાહ એવું કરવાની મનાઈ ફરમાવીને ઈસ્રાએલીઓનું રક્ષણ કરતા હતા. જેથી તેઓ આસપાસના દેશોની જેમ જૂઠા દેવોની ક્રૂર ભક્તિમાં ફસાઈ ન જાય. એ કારણથી યહોવાહે બીજા દેશોની જેમ ન કરવાની ઈસ્રાએલીઓને સખત મના કરી હતી.—લેવીય ૨૦:૨૩.
આ નિયમથી આપણને જોવા મળે છે કે યહોવાહને પ્રાણીઓ પર કેટલો પ્રેમ છે. યહોવાહની કુદરતી ગોઠવણ વિરુદ્ધ પ્રાણીઓ પર જુલમ કરવામાં ન આવે એ માટે તેમણે અનેક સૂચનાઓ આપી હતી. દાખલા તરીકે, તેઓ પર જુલમ કરવામાં ન આવે એ માટે તેમણે આજ્ઞા કરી હતી: કોઈ પણ પ્રાણીનું બચ્ચું જન્મ્યા પછી તેની મા સાથે ઓછામાં ઓછા સાત દિવસ રહ્યું ન હોય તો એનું બલિદાન ન કરવું. બચ્ચાંને અને તેની માને એક જ દિવસે કાપવા નહિ. પક્ષીના માળામાં ઈંડાં કે બચ્ચાં સાથે માદા હોય તો, માદાને ઈંડા કે બચ્ચા સાથે પકડવી નહિ.—લેવીય ૨૨:૨૭, ૨૮; પુનર્નિયમ ૨૨:૬, ૭.
આના પરથી આપણે જોઈ શકીએ કે યહોવાહના નિયમો ગૂંચવણભર્યાં ન હતા. એ નિયમો પાછળના સિદ્ધાંતો આપણને ખરું-ખોટું પારખવા મદદ કરે છે. એનાથી આપણે યહોવાહ જેવા ગુણો કેળવી શકીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧. (w06 4/1)
[પાન ૩૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Timothy O’Keefe/Index Stock Imagery