“હું તમારી સાથે છું”
‘યહોવાહનો સંદેશો લાવનારે કહ્યું, કે યહોવાહ કહે છે, કે હું તમારી સાથે છું.’—હાગ્ગાય ૧:૧૩.
૧. કયા બનાવો દ્વારા ઈસુ આપણા દિવસો વિષે જણાવે છે?
માનવ ઇતિહાસના ખાસ સમયમાં આપણે છીએ. બાઇબલની ભવિષ્યવાણીઓ સાબિતી આપે છે કે ૧૯૧૪થી આપણે ‘પ્રભુના દહાડામાં’ જીવીએ છીએ. (પ્રકટીકરણ ૧:૧૦) તમે કદાચ એના વિષે શીખી ગયા હશો. તમે જાણતા હશો કે ઈસુ ‘નુહ અને લોતના દિવસોને’ એવા દિવસો સાથે સરખાવે છે, જ્યારે ‘માણસનો દીકરો,’ રાજ કરતો હશે. (લુક ૧૭:૨૬, ૨૮) બાઇબલ પ્રમાણે, નુહ અને લોતના દિવસો જણાવે છે કે આપણા દિવસો કેવા હશે! બીજો પણ એક એવો બનાવ છે, જેનો આપણે વિચાર કરવો જ જોઈએ.
૨. હાગ્ગાય અને ઝખાર્યાહને યહોવાહે કઈ જવાબદારી સોંપી હતી?
૨ ચાલો આપણે હાગ્ગાય અને ઝખાર્યાહના જમાનાનો વિચાર કરીએ. તેઓ બંને હિબ્રૂ પ્રબોધકો અથવા પયગંબરો હતા. તેઓ બાબેલોનની ગુલામીમાંથી પાછા આવેલા યહુદીઓને, “યહોવાહનો સંદેશો” જણાવતા હતા. તેઓના સંદેશામાં એવું તે શું હતું, જે આજે યહોવાહના ભક્તોને માટે બહુ મહત્ત્વનું છે? તેઓએ યહુદીઓની શ્રદ્ધા જગાડવાની હતી કે મંદિર ફરીથી બાંધવાના કામમાં યહોવાહનો પૂરો સાથ હશે. (હાગ્ગાય ૧:૧૩; ઝખાર્યાહ ૪:૮, ૯) જો કે હાગ્ગાય અને ઝખાર્યાહના પુસ્તકો નાના નાના છે. તોપણ, એ બાઇબલમાં છે. બાઇબલ તો “ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.”—૨ તિમોથી ૩:૧૬, કોમન લેંગ્વેજ.
એમાંથી આપણે શું શીખીએ છીએ?
૩, ૪. આપણે શા માટે હાગ્ગાય અને ઝખાર્યાહની ભવિષ્યવાણી વિષે જાણવું જ જોઈએ?
૩ હાગ્ગાય અને ઝખાર્યાહના સંદેશાથી એ જમાનામાં યહુદી લોકોને આશીર્વાદ મળ્યા. તેઓની ભવિષ્યવાણી એ સમયમાં પૂરી થઈ હતી. તો પછી, આપણે શા માટે હાગ્ગાય અને ઝખાર્યાહના પુસ્તકો પર વિચાર કરીએ છીએ? હેબ્રી ૧૨:૨૬-૨૯ આપણને જવાબ મેળવવા મદદ કરે છે. એમાં પાઊલ હાગ્ગાય ૨:૬ના શબ્દો વાપરે છે, જે જણાવે છે કે યહોવાહ ‘આકાશો અને પૃથ્વીને હલાવશે.’ એનાથી ‘રાજ્યાસનો ઊંધાં વળી જશે, ને સર્વ પ્રજાઓનાં રાજ્યોના બળનો નાશ કરવામાં આવશે.’—હાગ્ગાય ૨:૨૨.
૪ હાગ્ગાયના શબ્દો વાપર્યા પછી, પાઊલ જણાવે છે કે ‘પ્રજાઓનાં રાજ્યોનું’ શું થશે. પાઊલ એ પણ જણાવે છે કે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને જે રાજ્ય મળશે, એનો નાશ કોઈ નહિ કરી શકે. (હેબ્રી ૧૨:૨૮) એના પરથી જોઈ શકીએ છીએ કે હાગ્ગાય અને ઝખાર્યાહની ભવિષ્યવાણી પહેલી સદી વિષે જણાવતી હતી, જ્યારે હેબ્રીનું પુસ્તક લખાયું હતું. અરે, આજે પણ એવા ભાઈ-બહેનો છે, જેઓ સ્વર્ગમાં જશે અને ઈસુ સાથે મસીહી રાજ્યના વારસ થશે. આ બધું બતાવે છે કે હાગ્ગાય અને ઝખાર્યાહની ભવિષ્યવાણીમાં ચોક્કસ આપણા માટે પણ મહત્ત્વનો સંદેશો હોવો જોઈએ.
૫, ૬. હાગ્ગાય અને ઝખાર્યાહે કરેલી ભવિષ્યવાણી પહેલાં કેવા બનાવો બન્યા હતા?
૫ એઝરાનું પુસ્તક હાગ્ગાય અને ઝખાર્યાહની ભવિષ્યવાણી પહેલાંના બનાવો વિષે જણાવે છે. ઈસવીસન પૂર્વે ૫૩૭માં યહુદીઓ બાબેલોનની ગુલામીમાંથી પાછા આવ્યા. એ પછીના વર્ષે, એટલે ઈ.સ. પૂર્વે ૫૩૬માં અધિકારી ઝરૂબ્બાબેલ, મુખ્ય યાજક યોશૂઆ કે યેશૂઆના હાથ નીચે નવા મંદિરનો પાયો નંખાયો. (એઝરા ૩:૮-૧૩; ૫:૧) એ બહુ ખુશીનો પ્રસંગ હતો. તોપણ, થોડા વખતમાં જ યહુદીઓમાં બીક પેસી ગઈ. શા માટે? એઝરા ૪:૪ જણાવે છે કે તેઓના દુશ્મનો, “દેશના લોકોએ બાંધકામમાં આડે આવીને યહૂદિયાના લોકોને હેરાન કર્યા.” આ દુશ્મનોમાંથી, ખાસ કરીને સમરૂનના લોકોએ યહુદીઓ પર ખોટા આરોપો મૂક્યા. અરે, તેઓએ તો ઈરાનના રાજાના કાન ભંભેરીને મંદિરનું કામ બંધ કરાવી દીધું.—એઝરા ૪:૧૦-૨૧.
૬ યહુદી લોકોમાં મંદિર બાંધવાની હોંશ જાણે ઓગળી ગઈ. હવે તેઓ જીવનની મોહ-માયામાં ફસાઈ ગયા. મંદિરનો પાયો નંખાયો એના સોળ વર્ષો પછી, એટલે કે ઈ.સ. પૂર્વે ૫૨૦માં યહોવાહે તેઓમાં પાછી હોંશ જગાડી. યહોવાહે હાગ્ગાય અને ઝખાર્યાહને તે લોકો પાસે મોકલ્યા. જેથી, લોકો પૂરી ધગશથી યહોવાહના મંદિરના કામમાં પાછા લાગી જાય. (હાગ્ગાય ૧:૧; ઝખાર્યાહ ૧:૧) યહોવાહના માર્ગદર્શન અને સાથથી, યહુદીઓ પાછા જોશમાં આવી ગયા. મંદિરનું કામ ફરીથી ચાલુ કર્યું. ઈ.સ. પૂર્વે ૫૧૫માં એ કામ પૂરું થયું.—એઝરા ૬:૧૪, ૧૫.
૭. હાગ્ગાય અને ઝખાર્યાહનો સમય અને આપણો સમય કઈ રીતે સરખો છે?
૭ આજે આપણા માટે એ બધાનો શું અર્થ થાય? આપણે પણ “રાજ્યની આ સુવાર્તા” બધી બાજુ જણાવવા ઘણું કામ કરવાનું છે. (માત્થી ૨૪:૧૪) ખાસ કરીને પહેલા વિશ્વ યુદ્ધ પછી, એ કામ જોર-શોરથી શરૂ થયું. જૂના જમાનામાં યહુદીઓને બાબેલોનની ગુલામીમાંથી આઝાદી મળી હતી. એ જ રીતે યહોવાહે પોતાના લોકોને જૂઠા ધર્મોમાંથી, એટલે કે મહાન બાબેલોનની ગુલામીમાંથી આઝાદી અપાવી. અભિષિક્તો કે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોએ પૂરા તન-મનથી યહોવાહની ભક્તિ કરી. બીજા લોકો પણ સાચી ભક્તિ કરી શકે, એ માટે તેઓએ યહોવાહ વિષે જણાવવા, શીખવવા સખત મહેનત કરી. આજે એ કામ પૂરા જોશથી ચાલી રહ્યું છે. કદાચ તમે પણ લોકોને યહોવાહ વિષે શીખવતા હશો. એ કરવાનો સમય હમણાં જ છે. આ દુનિયામાંથી દુષ્ટતા કાઢવાનો સમય પાકી ચૂક્યો છે! યહોવાહે સોંપેલું આ કામ ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી તે “મોટી વિપત્તિ” ન લાવે. (માત્થી ૨૪:૨૧) પછી, દુનિયામાં જરાય દુષ્ટતા હશે નહિ. આખી ધરતી પર લોકો યહોવાહની ભક્તિ કરશે.
૮. શા માટે આપણને પૂરો ભરોસો છે કે આપણને પણ યહોવાહનો સાથ છે?
૮ હાગ્ગાય અને ઝખાર્યાહની ભવિષ્યવાણી આપણને પણ બહુ હોંશ આપે છે. એ જણાવે છે કે યહોવાહનું કામ દિલોજાનથી કરીશું તો, આપણને તેમનો પૂરો સાથ છે. તેમની કૃપા આપણા પર છે. યહોવાહે પોતાના ભક્તોને પ્રચારનું કામ સોંપ્યું છે. કોઈ સરકારો કે કોઈ માણસો એ બંધ કરાવવા ભલે ગમે એટલા ધમપછાડા કરે, એનાથી કંઈ વળવાનું નથી. પહેલા વિશ્વયુદ્ધથી તે આપણા સમય સુધીનો વિચાર કરો. યહોવાહે પોતાના રાજ્ય વિષે લોકોને જણાવવાના કામ પર કેટલો બધો આશીર્વાદ આપ્યો છે! તોપણ, હજુ ઘણું કામ બાકી છે.
૯. જૂના જમાનામાં બનેલા કયા બનાવ વિષે આપણે વિચાર કરવો જોઈએ? શા માટે?
૯ યહોવાહ વિષે લોકોને જણાવવાની અને શીખવવાની આજ્ઞા આપણને મળેલી છે. એ સારી રીતે પાળવા, આપણને હાગ્ગાય અને ઝખાર્યાહ હજુ કઈ રીતે વધારે મદદ કરી શકે? ચાલો આપણે જોઈએ કે એ બે પુસ્તકોમાંથી આપણે શું શીખી શકીએ. જેમ કે, મંદિરના બાંધકામ માટે યહુદીઓનું કેવું વલણ હતું? આપણે જોઈ ગયા કે બાબેલોનથી યરૂશાલેમ પાછા ફરેલા યહુદીઓએ મંદિરનું બાંધકામ ચાલુ કર્યું. પણ એનો પાયો નાખ્યા પછી, એ કામમાં ધીમા પડી ગયા. તેઓનું વલણ કેમ બદલાઈ ગયું? આપણે એમાંથી શું શીખી શકીએ?
સમજી-વિચારીને વર્તીએ
૧૦. ધીમે ધીમે યહુદીઓનું મન ક્યાં ભટકી ગયું? એને લીધે શું બન્યું?
૧૦ યરૂશાલેમ પાછા આવેલા યહુદીઓ કહેતા હતા કે યહોવાહનું મંદિર બાંધવાનો “વખત હજુ આવ્યો નથી.” (હાગ્ગાય ૧:૨) ઈ.સ. પૂર્વે ૫૩૬માં મંદિરનો પાયો નંખાયો. એ સમયે તો તેઓ એવું કહેતા ન હતા કે “વખત હજુ આવ્યો નથી.” તે વખતે યહોવાહને ભજતા ન હતા, એવા લોકો તેઓને હેરાન કરતા હતા. સરકાર પણ તેઓના કામમાં રોક-ટોક કરતી હતી. એને લીધે, યહુદીઓ હિંમત હારી જવા લાગ્યા. તેઓનું મન બીજે ભટકી ગયું. તેઓનું દિલ પોતાનાં ઘરો અને સુખ-સગવડમાં ચોંટી ગયું. તેઓએ કીમતી લાકડાંનાં ઘરો બનાવ્યાં, જ્યારે કે યહોવાહનું મંદિર અધૂરું પડ્યું હતું. તેથી યહોવાહ પૂછે છે: “આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે શું?”—હાગ્ગાય ૧:૪.
૧૧. હાગ્ગાયના સમયના યહુદીઓને શા માટે યહોવાહે સલાહ આપવી પડી?
૧૧ યહુદીઓનું મન ભટકી ગયું હતું. યહોવાહના લોકોએ તેમનું મંદિર બાંધવાની તેમની ઇચ્છા પડતી મૂકી. એને બદલે, તેઓ પોતાના પર અને પોતાનાં ઘરો પર ધ્યાન આપવા માંડ્યાં. યહોવાહની ભક્તિ અને મંદિર એક બાજુએ રહી ગયા. હાગ્ગાય ૧:૫માં યહોવાહ તેઓને કહે છે કે “તમારા માર્ગો વિષે વિચાર કરો.” યહોવાહ ચાહતા હતા કે તેઓ વિચારે કે મંદિરનું કામ પડતું મૂકીને, તેઓની હાલત કેવી થઈ હતી.
૧૨, ૧૩. હાગ્ગાય ૧:૬ યહુદીઓની હાલત વિષે શું કહે છે? એનો શું અર્થ થાય?
૧૨ યહુદીઓએ જીવનમાં ખોટી ચીજો પર વધારે ધ્યાન આપ્યું હતું. એની તેઓ દરેક પર અસર પડી. હાગ્ગાય ૧:૬માં યહોવાહ આમ કહે છે: “તમે વાવ્યું છે તો બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો; તમે ખાઓ છે, પણ ધરાઈને નહિ; તમે પીઓ છો, પણ પીવાથી તૃપ્ત થતા નથી; તમે વસ્ત્રો પહેરો છો, પણ કોઈમાં ગરમી આવતી નથી; અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે.”
૧૩ હવે તો યહુદીઓ પોતાના વતનમાં, યહોવાહે આપેલા દેશમાં હતા. તોપણ, જોઈએ એટલું અનાજ પાકતું ન હતું. યહોવાહે પહેલેથી તેઓને ચેતવણી આપી હતી. જો તેઓ યહોવાહનું કહેવું નહિ માને, તો તે પણ તેઓ પર પોતાની કૃપા નહિ વરસાવે. (પુનર્નિયમ ૨૮:૩૮-૪૮) યહુદીઓ વાવતા તો હતા, પણ યહોવાહના આશીર્વાદ વગર એટલું અનાજ પાકતું ન હતું. તેઓ ઠંડીમાં પોતાને ગરમ રાખી શકતા ન હતા. અરે, ગમે એટલું કમાતા તોયે, જાણે કાણી કોથળીમાં નાખતા હોય એમ, કોઈ લાભ થતો ન હતો.
૧૪, ૧૫. હાગ્ગાય ૧:૬માંથી આપણે શું શીખી શકીએ?
૧૪ આમાંથી આપણે શું શીખી શકીએ? ઘરની ડિઝાઈન કે શણગાર વિષે તો નહિ જ. યહુદીઓને બાબેલોન ગુલામ બનાવીને લઈ જવાયા, એનાં ઘણાં વર્ષો પહેલાં પયગંબર આમોસે ધનવાન લોકોને ઠપકો આપ્યો હતો. એ સમયના અમીરો પાસે “હાથીદાંતના મહેલો” હતા. અરે તેઓ “હાથીદાંતના પલંગો પર” સૂતા હતા. (આમોસ ૩:૧૫; ૬:૪) પણ તેઓના મોટા મોટા બંગલા અને મોંઘું ફર્નિચર જાણે આજે હતું ને કાલે નાશ પામ્યું. દુશ્મનો તેઓ પર જીત મેળવીને બધુંય લૂંટી ગયા! તોપણ, અફસોસ કે ૭૦ વર્ષોની ગુલામી વેઠવા છતાં, મોટા ભાગના યહુદીઓ એમાંથી કંઈ ન શીખ્યા. શું આપણે એ બનાવોમાંથી કંઈ શીખી શકીએ? ચાલો આપણા દિલને પૂછીએ: ‘હું મારા ઘરની પાછળ, એની સજાવટ પાછળ કેટલું પડી જાવ છું? સારો નોકરી-ધંધો મેળવવા વધારાના ભણતરમાં, હું કેટલાં વર્ષોનો ભોગ આપવા તૈયાર છું? શું એ ધીમે ધીમે યહોવાહની મારી ભક્તિનો સમય ખાઈ જશે?’—લુક ૧૨:૨૦, ૨૧; ૧ તીમોથી ૬:૧૭-૧૯.
૧૫ હાગ્ગાય ૧:૬માંથી ખાસ તો આપણે એ શીખીએ છીએ કે જીવનમાં યહોવાહનો આશીર્વાદ ન હોય તો કંઈ જ નથી. જૂના જમાનાના યહુદીઓ પર યહોવાહની કૃપા ન હતી. એટલે તેઓનું જીવન બહુ દુઃખી હતું. ભલે આપણે અમીર હોઈએ કે ગરીબ, પણ જો યહોવાહનો આશીર્વાદ નહિ હોય, તેમનો સાથ નહિ હોય તો એ બધું આપણા કશા જ કામનું નથી. (માત્થી ૨૫:૩૪-૪૦; ૨ કોરીંથી ૯:૮-૧૨) સવાલ એ છે કે કઈ રીતે યહોવાહનો આશીર્વાદ મેળવી શકાય?
યહોવાહની શક્તિની મદદ
૧૬-૧૮. ઝખાર્યાહ ૪:૬ના શબ્દો જૂના જમાનામાં કઈ રીતે પૂરા થયા?
૧૬ ઝખાર્યાહ, હાગ્ગાય જેવા જ ઈશ્વરભક્ત હતા. તેમણે જણાવ્યું કે એ સમયે યહોવાહે કેવી રીતે પોતાના ભક્તોને મદદ કરી અને આશીર્વાદ આપ્યા. એ જ રીતે, યહોવાહ આપણને પણ આશીર્વાદ આપશે. ઝખાર્યાહ લખે છે: ‘પ્રભુ યહોવાહનો સંદેશો એવો છે કે, લશ્કરી બળથી કે તારી પોતાની શક્તિથી નહિ, પણ મારા તરફથી મળતી શક્તિને કારણે તું વિજયવંત થશે.’ (ઝખરિયા ૪:૬, સંપૂર્ણ) ઉપર જણાવેલી કલમ આપણે પહેલા સાંભળી હશે. પણ હાગ્ગાય અને ઝખાર્યાહના સમયમાં યહુદીઓ માટે એ શબ્દોનો શું અર્થ હતો? આપણા માટે એનો શું અર્થ થાય છે?
૧૭ હાગ્ગાય અને ઝખાર્યાહના સંદેશાની એ સમયના લોકો પર ઘણી અસર પડી હતી. જે યહુદીઓને યહોવાહમાં શ્રદ્ધા હતી, તેઓમાં ફરીથી હોંશ જાગી. હાગ્ગાયે ઈ.સ. પૂર્વે ૫૨૦ના છઠ્ઠા મહિનામાં સંદેશો આપવાનું શરૂ કર્યું હતું. ઝખાર્યાહે એ જ વર્ષના આઠમા મહિનામાં શરૂ કર્યું હતું. (ઝખાર્યાહ ૧:૧) હાગ્ગાય ૨:૧૮માંથી આપણે જોઈ શકીએ છીએ કે નવમા મહિનામાં મંદિરના પાયા પરનું બાંધકામ ફરીથી જોર-શોરથી શરૂ થઈ ગયું હતું. યહુદીઓ પર એ સંદેશાની ઘણી અસર થઈ હતી. તેઓએ યહોવાહમાં પૂરો ભરોસો બતાવ્યો. યહોવાહના કહેવા પ્રમાણે કરવા લાગ્યા. ઝખાર્યાહ ૪:૬ યહોવાહના પૂરા સાથ વિષે જણાવે છે.
૧૮ ઈ.સ. પૂર્વે ૫૩૭માં યહુદીઓ પોતાના વતન પાછા આવ્યા ત્યારે, તેઓ પાસે કોઈ લશ્કર ન હતું. બાબેલોનથી યરૂશાલેમની સફરમાં યહોવાહે તેઓનું રક્ષણ કર્યું, તેઓને રસ્તો બતાવ્યો. પછી, મંદિર ફરીથી બાંધવાના કામમાં પણ યહોવાહે તેઓને મદદ કરી હતી. જો તેઓ પાછા પૂરા દિલથી મંદિર બાંધવાનું શરૂ કરશે, તો યહોવાહ ચોક્કસ તેઓને સાથ આપશે.
૧૯. યહોવાહને લીધે, યહુદી લોકો કોના વિરોધ છતાં કામ ચાલુ રાખી શક્યા?
૧૯ યહોવાહે ઝખાર્યાહને આઠ દર્શનો દ્વારા સંદેશો આપ્યો. યહોવાહે તેને બતાવ્યું કે પોતે ચોક્કસ પોતાના ભક્તોને સાથ આપશે. તેઓ ચોક્કસ મંદિરનું બાંધકામ પૂરું કરશે. ત્રીજો અધ્યાય જણાવે છે તેમ ચોથા દર્શનમાં શેતાન વિષે કહેવામાં આવ્યું હતું. યહુદીઓ મંદિરનું બાંધકામ પૂરું ન કરી શકે, એ માટે શેતાન આકાશ-પાતાળ એક કરી રહ્યો હતો. (ઝખાર્યાહ ૩:૧) નવા મંદિરમાં મુખ્ય યાજક યહોશુઆને લોકોને માટે સેવા આપતા જોઈને, શેતાન જરાય રાજી નહિ થયો હોય. ભલે શેતાને ગમે એટલા ધમપછાડા કર્યા, તોપણ યહોવાહે પોતે લોકોને હિંમત આપી. શક્તિ આપી. નડતરો દૂર કર્યાં. એટલે યહુદીઓએ પૂરા જોશથી ને હોંશથી મંદિરનું બાંધકામ પૂરું કર્યું.
૨૦. યહોવાહે પોતાની શક્તિથી કઈ રીતે યહુદીઓને મંદિરનું બાંધકામ પૂરું કરવા મદદ કરી?
૨૦ એવું લાગતું હતું કે લોકો પર તકલીફોનો પહાડ તૂટી પડ્યો હતો. સરકાર તેઓને સતાવતી હતી, અરે બાંધકામ પણ બંધ કરાવી દીધું હતું. યહોવાહે વચન આપ્યું હતું કે “મોટા પર્વત” જેવી મુસીબતો જાણે તેઓ આગળ “સપાટ” થઈ જશે. (ઝખાર્યાહ ૪:૭) એવું જ બન્યું! રાજા દાર્યાવેશ પહેલાએ તપાસ કરાવી. તેને કોરેશનું લખાણ મળી આવ્યું, જેમાં યહુદીઓને મંદિર બાંધવાની રજા આપવામાં આવી હતી. એટલે દાર્યાવેશે બાંધકામ પરથી બંધી ઉઠાવી લીધી. તેણે રાજ્યની તિજોરીમાંથી યહુદીઓને પૈસા આપવાની આજ્ઞા આપી, જેથી મંદિરના બાંધકામના ખર્ચમાં મદદ થાય. આખી બાજી જ પલટાઈ ગઈ! શું યહોવાહે પોતાની શક્તિથી મદદ કરી હતી? હા, ચોક્કસ! ઈ.સ. પૂર્વે ૫૧૫માં, દાર્યાવેશ પહેલાના રાજના છઠ્ઠા વર્ષે મંદિરનું બાંધકામ પૂરું થયું.—એઝરા ૬:૧, ૧૫.
૨૧. (ક) જૂના જમાનામાં યહોવાહે કઈ રીતે ‘સર્વ પ્રજાઓને હલાવી’ હતી અને કઈ રીતે “સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ” ભેગી થઈ હતી? (ખ) આજે એવું જ કઈ રીતે બની રહ્યું છે?
૨૧ હાગ્ગાય ૨:૫માં હાગ્ગાયે યહુદીઓને સિનાય પર્વત પાસે બનેલો બનાવ યાદ કરાવ્યો. ત્યાં યહોવાહે લોકો સાથે કરાર કર્યો હતો. એ સમયે “આખો પર્વત બહુ કંપ્યો” હતો. (નિર્ગમન ૧૯:૧૮) યહોવાહે ૬ અને ૭ કલમોમાં જણાવ્યું કે હાગ્ગાય અને ઝખાર્યાહના જમાનામાં પણ પોતે મોટા ફેરફારો લાવશે. ઈરાની રાજના પાયા હાલી ઊઠશે, પણ યહોવાહના મંદિરનું કામ ચોક્કસ પૂરું થશે. “સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ” એટલે કે યહુદી ન હતી એવી પ્રજાના લોકો પણ યહુદીઓ સાથે એ જ મંદિરમાં યહોવાહની ભક્તિ કરવા જશે. આપણા સમયમાં પણ યહોવાહે પ્રચાર કામ દ્વારા, જાણે ‘સર્વ પ્રજાઓને હલાવી’ છે. ઘણી મોટી સંખ્યામાં “સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ” એટલે કે લોકો યહોવાહની ભક્તિ કરવા આવે છે. તેઓ પણ સ્વર્ગમાં જનારા અભિષિક્તો અને પૃથ્વી પર સદાયે રહેનારા ભક્તો સાથે, યહોવાહના મંદિરને ભરી દે છે. આ સર્વ ઈશ્વરભક્તો પૂરી શ્રદ્ધાથી એવા સમયની રાહ જુએ છે, જ્યારે યહોવાહ બીજી એક રીતે ‘આકાશો અને પૃથ્વીને હલાવશે.’ એ સમયે યહોવાહ સર્વ પ્રજાઓનાં રાજ્યોનો નાશ કરશે.—હાગ્ગાય ૨:૨૨.
૨૨. આજે કઈ રીતે પ્રજાઓને ‘હલાવવામાં’ આવે છે? એનાથી શું બન્યું છે? હજુ શું બનવાનું બાકી છે?
૨૨ હવે આપણે જોઈ શકીએ છીએ કે ‘આકાશો, પૃથ્વી, સમુદ્ર અને કોરી ભૂમિ’ જેને રજૂ કરે છે, એમાં કેટલી ઊથલ-પાથલ થઈ છે. એમાં એક વાત ચોક્કસ બની છે કે શેતાન અને તેના ચેલાઓને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા છે. (પ્રકટીકરણ ૧૨:૭-૧૨) બીજું કે સ્વર્ગમાં જનારા ભાઈઓના હાથ નીચે પ્રચારનું કામ જોર-શોરથી ચાલી રહ્યું છે. એનાથી દુનિયાના સમાજના પાયા જાણે હાલી ગયા છે. (પ્રકટીકરણ ૧૧:૧૮) તોપણ, સર્વ પ્રજાઓની કીમતી વસ્તુઓ, એટલે કે લોકોની “મોટી સભા” ભેગી થઈ રહી છે. તેઓ પણ સ્વર્ગમાં જનારા ભક્તો સાથે ભેગા મળીને યહોવાહને ભજે છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦) તેઓ બધા ભેગા મળીને આ સંદેશો લોકોને જણાવે છે: જલદી જ યહોવાહ આર્માગેદનની લડાઈમાં સર્વ દેશોનો નાશ કરશે. પછી, આખી દુનિયામાં ફક્ત યહોવાહની જ ભક્તિ થશે. (w06 4/15)
આપણે શું શીખ્યા?
• હાગ્ગાય અને ઝખાર્યાહે ક્યારે અને કેવા સંજોગોમાં યહોવાહનો સંદેશો જણાવ્યો?
• હાગ્ગાય અને ઝખાર્યાહે આપેલી સલાહ તમે કઈ રીતે જીવનમાં ઉતારશો?
• ઝખાર્યાહ ૪:૬માંથી તમને કેમ હિંમત મળે છે?
[પાન ૮ પર ચિત્ર]
હાગ્ગાય અને ઝખાર્યાહનાં પુસ્તકો આપણને યહોવાહના સાથની ગૅરંટી આપે છે
[પાન ૧૧ પર ચિત્ર]
“આ મંદિર ઉજ્જડ પડી રહેલું છે, તે દરમિયાન તમારે તમારાં છતવાળાં ઘરોમાં રહેવાનો આ વખત છે શું?”
[ચિત્ર વપરાયું નથી]