અયૂબ—શ્રદ્ધા ને ધીરજનો દાખલો
“શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લીધો છે? પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.”—અયૂબ ૧:૮.
૧, ૨. (ક) અયૂબ પર અચાનક કેવી આફતો આવી પડી? (ખ) આફતો આવી પડી એ પહેલાં તેમનું જીવન કેવું હતું?
જૂના જમાનામાં એક સુખી માણસ હતા. બધી રીતે સુખી. જેમ કે, પુષ્કળ માલ-મિલકત, લોકોમાં માનપાન, શરીરે પણ તંદુરસ્ત. તેમના કુટુંબમાં બસ સુખ, સુખ ને સુખ જ હતું. અચાનક તેમના પર એક પછી એક ત્રણ આફતો આવી પડી. તે રાતોરાત રાજામાંથી રાંક બની ગયા. ઘરબાર, માલ-મિલકત ગુમાવી દીધા. વાવાઝોડાંમાં તેમનાં બાળકો મોતનો કોળિયો બની ગયાં. પછી તેમને માથાથી પગ સુધી, આખા શરીરે ગૂમડાં ફૂટી નીકળ્યા. આપણે કોની વાત કરીએ છીએ? આટલું વાંચ્યા પછી તમને તરત અયૂબ યાદ આવશે. તેમનો અનુભવ બાઇબલમાં અયૂબના પુસ્તકમાં જોવા મળે છે.—અયૂબ, અધ્યાય ૧ અને ૨.
૨ દુઃખ આવી પડ્યું ત્યારે અયૂબે કહ્યું, ‘જો હું આગળના દિવસો જેવો હમણાં હોત તો કેવું સારું!’ (અયૂબ ૩:૩; ૨૯:૨) દુઃખોનો પહાડ તૂટી પડે ત્યારે સોનેરી દિવસો કોને યાદ ન આવે! એક સમયે અયૂબની ગણના સુખી લોકોમાં થતી. દુઃખ, તકલીફોનો તેમના પર પડછાયો પણ ન હતો. સમાજના આગળ પડતા લોકો તેમનો આદર કરતા. તેમની સલાહ લેવા આવતા. (અયૂબ ૨૯:૫-૧૧) તે ખૂબ ધનવાન હતા. પણ પૈસાના જરાય લોભી ન હતા. (અયૂબ ૩૧:૨૪, ૨૫, ૨૮) તે વિધવા અને અનાથોને મદદ કરતા. (અયૂબ ૨૯:૧૨-૧૬) અયૂબ પોતાની પત્નીને પણ વફાદાર હતા.—અયૂબ ૩૧:૧, ૯, ૧૧.
૩. યહોવાહે અયૂબ માટે શું કહ્યું?
૩ ઈશ્વરભક્ત અયૂબ પ્રમાણિક હતા. ખુદ યહોવાહે તેમના વિષે કહ્યું: “પૃથ્વી ઉપર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી.” (અયૂબ ૧:૧, ૮) તોપણ તેમના પર દુઃખ આવી પડ્યું. જીવન વેરાન બની ગયું. રાતોરાત ઘરબાર, ધન-દોલત બધું છીનવાઈ ગયું. એટલું ઓછું હોય એમ, તે ગંભીર બીમારીમાં પટકાયા. તેમના મનની શાંતિ છીનવાઈ ગઈ. શું આવી હાલતમાં તે ઈશ્વરને વળગી રહ્યા?
૪. અયૂબનો દાખલો યાદ રાખવો કેમ મહત્ત્વનું છે?
૪ જોકે, અયૂબ એકલા જ એવા ઈશ્વરભક્ત ન હતા જેમના પર આવું દુઃખ આવી પડ્યું હતું. એવા બીજા ઘણા ઈશ્વરભક્તો છે, જેઓના જીવનમાં અયૂબની જેમ તોફાન આવ્યું છે. આપણા જમાનામાં ઘણા ભાઈ-બહેનોને અયૂબ જેવા અનુભવો થયા છે. એ કારણે આ લેખમાં આપણે બે સવાલોની ચર્ચા કરીશું: આપણા પર કોઈ આફત આવી પડે ત્યારે, અયૂબનો દાખલો યાદ કરવાથી કેવી મદદ મળે છે? અયૂબે ઘણા દુઃખો સહન કર્યા હતા. એ યાદ રાખવાથી મુશ્કેલીમાં આવી પડેલા બીજા લોકોને દયા બતાવવા આપણને શું શીખવા મળે છે?
વફાદારીનો સવાલ અને પ્રમાણિકતાની કસોટી
૫. શેતાનના કહેવા પ્રમાણે અયૂબ શા માટે ઈશ્વરની ભક્તિ કરતા હતા?
૫ અયૂબના જીવનમાં જે બન્યું, એ કંઈ સામાન્ય ન હતું. શેતાને અયૂબની ભક્તિ પર સવાલ ઊભો કર્યો હતો. અને અયૂબને તો એની જાણ સુદ્ધાં ન હતી. એક વાર સ્વર્ગમાં દૂતો ભેગા મળ્યા હતા. ત્યારે યહોવાહે અયૂબના સારા ગુણોના વખાણ કર્યા. શેતાને તરત કહ્યું: “શું તું તેનું, તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચોગરદમ રક્ષણ કરતો નથી?” આમ શેતાન કહેવા માંગતો હતો કે અયૂબ સ્વાર્થને લીધે ઈશ્વરની ભક્તિ કરે છે. આમ, તેણે ખાલી અયૂબ પર નહિ, પણ બીજા બધા સામે આંગળી ચીંધી. શેતાને યહોવાહને કહ્યું: “તારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કર, એટલે તે તારે મોઢે ચઢીને તારો ઇનકાર કરશે.”—અયૂબ ૧:૮-૧૧.
૬. શેતાને કયો મહત્ત્વનો સવાલ ઊભો કર્યો?
૬ હવે અયૂબ યહોવાહનો ઇનકાર કરશે કે કેમ, એ જાણવું મહત્ત્વનું હતું. શા માટે? શેતાન એમ પણ કહેવા માંગતો હતો કે યહોવાહ લોકો પર સારી રીતે રાજ કરતા નથી. લોકો સ્વાર્થને લીધે યહોવાહની ભક્તિ કરે છે. એના લીધે યહોવાહે શેતાનને અયૂબની કસોટી કરવા દીધી જેથી બધા જોઈ શકે કે લોકો સ્વાર્થને લીધે યહોવાહની ભક્તિ કરે છે કે પ્રેમથી પ્રેરાઈને. યહોવાહને પૂરી ખાતરી હતી કે તેમના ભક્ત અયૂબ જરૂર કસોટીમાંથી પાર ઊતરશે. શેતાને શું કર્યું? શેતાન રાતોરાત અયૂબ પર એક પછી એક દુઃખો લાવ્યો. પણ શેતાન અયૂબની શ્રદ્ધાને તોડી ન શક્યો. એટલે તે અયૂબ પર જીવલેણ બીમારી લાવ્યો. અયૂબ રિબાઈ રિબાઈને જીવવા લાગ્યા. શેતાને દાવો કર્યો હતો કે “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.”—અયૂબ ૨:૪.
૭. આજે આપણે કેવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે?
૭ આજે મોટા ભાગના ઈશ્વરભક્તોએ અયૂબ જેટલું સહન કરવું પડતું નથી. પણ આપણા પર જુદી જુદી મુશ્કેલીઓ તો આવી પડે છે. ઘણાએ સતાવણી સહન કરવી પડે. કુટુંબમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પૈસાની તંગી. નાની-મોટી બીમારી. અમુકે ઈશ્વરને વળગી રહેવા પોતાનો જીવ પણ આપી દેવો પડે. જોકે એવું નથી કે આપણી બધી મુશ્કેલીઓનું કારણ શેતાન છે. ઘણી વાર આપણી પોતાની ભૂલને લીધે મુશ્કેલી ઊભી થાય. અથવા માબાપ પાસેથી મળેલા વારસાને લીધે ભોગવવું પડે. (ગલાતી ૬:૭) ઘડપણ અને કુદરતી આફતોની આપણા બધા પર અસર થાય છે. બાઇબલ સાફ જણાવે છે કે આ ફકરામાં જોઈ ગયા એવા દુઃખોમાંથી યહોવાહ આજે ચમત્કાર કરીને છોડાવતા નથી.—સભાશિક્ષક ૯:૧૧.
૮. આપણો આનંદ ઝૂંટવી લેવા શેતાન શું કરી શકે?
૮ આપણા પર આવું કોઈ દુઃખ આવી પડે છે ત્યારે, શેતાન એનાથી આપણી શ્રદ્ધા તોડવા કોશિશ કરે છે. પ્રેરિત પાઊલે પોતાના દુઃખ વિષે કહ્યું કે, “મારા શરીરમાં કાંટારૂપી વેદના મૂકવામાં આવી. એટલે કે શેતાનના દૂત તરફથી મને પીડા આપવામાં આવી.” (૨ કરિંથી ૧૨:૭, IBSI) એનો શું અર્થ થાય? પાઊલને કદાચ ઓછું દેખાતું હતું. અથવા બીજી કોઈ બીમારી હતી. પાઊલ સમજ્યા હતા કે શેતાન તેમની એ તકલીફનો ફાયદો ઉઠાવીને તેમનો આનંદ ઝૂંટવી લેવા ચાહે છે. તેમની શ્રદ્ધા તોડવા માંગે છે. (નીતિવચનો ૨૪:૧૦) આજે પણ કુટુંબના સભ્યો, સાથે ભણતા વિદ્યાર્થી કે જુલમી સરકારો દ્વારા શેતાન આપણા પર કોઈને કોઈ રીતે સતાવણી લાવે છે. આપણો આનંદ ઝૂંટવી લેવા ચાહે છે.
૯. આપણા પર દુઃખો કે સતાવણી આવી પડે ત્યારે કેમ આશ્ચર્ય પામવું ન જોઈએ?
૯ આપણે એવી મુશ્કેલીઓને કેવી રીતે સહન કરી શકીએ? બે બાબતો યાદ રાખીને. એક, મુશ્કેલી આવી પડે ત્યારે આપણે યહોવાહને કેટલો પ્રેમ કરીએ છીએ એ બતાવવાનો ખાસ મોકો મળે છે. બીજું, આપણે વિશ્વના માલિક યહોવાહને જ વળગી રહીશું તો, તેમને આધીન રહી શકીશું. (યાકૂબ ૧:૨-૪) આપણા દુઃખોનું ગમે તે કારણ હોય, આપણે એ ન ભૂલીએ કે યહોવાહને વફાદાર રહીશું તો, તેમની ભક્તિમાં લાગુ રહેવા મદદ મળશે. પ્રેરિત પીતરે લખ્યું: “વહાલાઓ, તમારી કસોટી કરવાને સારુ તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં, જાણે તમને કંઈ નવું થયું હોય, એમ સમજીને આશ્ચર્ય ન પામો.” (૧ પીતર ૪:૧૨) પાઊલે સમજાવ્યું: “ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” (૨ તીમોથી ૩:૧૨) શેતાને અયૂબની શ્રદ્ધા તોડવાની કોશિશ કરી હતી. શેતાન આજે પણ યહોવાહના ભક્તોની શ્રદ્ધા તોડવા ચાહે છે. બાઇબલ જણાવે છે કે આપણે અંતના દિવસોમાં જીવીએ છીએ. એટલે શેતાન રાત-દિવસ યહોવાહના ભક્તોની શ્રદ્ધા તોડવા કોશિશ કરી રહ્યો છે.—પ્રકટીકરણ ૧૨:૯, ૧૭.
ગેરસમજ અને ખોટી સલાહ
૧૦. અયૂબ પર આફતો આવી પડી ત્યારે તે શું જાણતા ન હતા?
૧૦ આજે આપણા પર શા માટે દુઃખો આવી પડે છે એ આપણે જાણીએ છીએ. જ્યારે અયૂબ એ જાણતા ન હતા કે શા માટે તેમના પર એક પછી એક આફતો આવી પડી. એટલે અયૂબ એવું માની બેઠા કે “યહોવાહે આપ્યું, અને યહોવાહે લઈ લીધું છે.” (અયૂબ ૧:૨૧) પણ તેમનો એ વિચાર ખોટો હતો. કદાચ શેતાને જાણીજોઈને અયૂબને એવો અહેસાસ કરાવ્યો કે પરમેશ્વર પોતે તેમના પર આફતો લાવ્યા છે.
૧૧. અયૂબ પર મુશ્કેલીઓ આવી પડી ત્યારે તે કેવું વિચારતા હતા?
૧૧ અયૂબ આવી પડેલી આફતોથી નિરાશામાં ડૂબી ગયા. પણ તેમની શ્રદ્ધાને જરાય આંચ આવી ન હતી. અયૂબની પત્નીએ તેમને એમ પણ કહ્યું કે ‘ઈશ્વરને શાપ દે. અને મરી જા.’ પણ તેમણે એમ કરવાની સાફ ના પાડી. (અયૂબ ૨:૯, ૧૦) તેમને લાગ્યું કે ‘દુષ્ટો તેમના કરતાં વધારે સફળ છે.’ (અયૂબ ૨૧:૭-૯) તે વિચારતા હતા કે ‘ઈશ્વર શા માટે તેમને શિક્ષા કરે છે?’ એક સમયે તો તેમણે જીવનથી હારી જઈને મોત માંગ્યું: ‘તું મને શેઓલમાં સંતાડ, અને તારો કોપ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખ.’—અયૂબ ૧૪:૧૩.
૧૨, ૧૩. અયૂબના મિત્રોએ જે કહ્યું એની તેમના પર કેવી અસર પડી?
૧૨ અયૂબના ત્રણ મિત્રો તેમને મળવા આવ્યા. તેઓ અયૂબના “દુઃખમાં ભાગ લેવાને તથા તેને દિલાસો આપવા” આવ્યા. (અયૂબ ૨:૧૧) પણ તેઓ “કંટાળો ઊપજે એવો દિલાસો આપનાર” સાબિત થયા. (અયૂબ ૧૬:૨) અયૂબ તેમના મિત્રો આગળ પોતાનું મન હળવું કરી શક્યા હોત. ઘણો દિલાસો મેળવી શક્યા હોત. પણ અફસોસ, અયૂબના મિત્રોએ તેમને દિલાસો આપવાને બદલે બળતામાં ઘી રેડવા જેવું કર્યું.—અયૂબ ૧૯:૨; ૨૬:૨.
૧૩ અયૂબ વિચારી શક્યા હોત: ‘શા માટે મારા પર દુઃખો આવી પડ્યા? મેં શું ગુનો કર્યો છે?’ અયૂબના મિત્રોએ તેમને જે કહ્યું એ એકદમ ખોટું હતું. તેઓને લાગ્યું કે અયૂબે કોઈ ગંભીર પાપ કર્યું હોવાથી આ સહન કરવું પડે છે. અલીફાઝે પૂછ્યું: ‘કયા નિર્દોષ માણસોનો નાશ થયો? મારા અનુભવ પ્રમાણે, જેઓ અન્યાય કરે છે તથા નુકસાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.’—અયૂબ ૪:૭, ૮.
૧૪. આપણા વાણી-વર્તન સારાં હોય તોપણ શું દુઃખ ભોગવવું પડશે?
૧૪ યહોવાહ તેમની શક્તિથી આપણને માર્ગદર્શન આપે છે. આપણે એ પ્રમાણે નહિ ચાલીએ તો ભોગવવું પડશે. (ગલાતી ૬:૭, ૮) શું આપણા વાણી-વર્તન સારાં હોય તોપણ દુઃખ ભોગવવું પડશે? હા, નિર્દોષ લોકોએ પણ દુઃખ સહન કરવું પડશે. ઈસુનો વિચાર કરો. ઈસુ “નિષ્કલંક અને પાપીઓથી અલગ” હતા. તોપણ તેમને વધસ્તંભે રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યા. ઈશ્વરભક્ત યાકૂબને હેરોદે તરવારથી મારી નંખાવ્યો. (હેબ્રી ૭:૨૬; પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧, ૨) અલીફાઝ અને તેમના બે મિત્રો અયૂબ પર ખોટા આરોપો મૂકીને તેમનું નામ બદનામ કરતા હતા. અયૂબ કહેતા હતા કે હું નિર્દોષ છું. તોપણ તેમના મિત્રોએ વારંવાર કહ્યું કે ‘તું પાપી છે અને તેં ખોટું કામ કર્યું છે.’ એ કારણે સમય જતા અયૂબને લાગ્યું કે યહોવાહે તેની સાથે અન્યાય કર્યો છે.—અયૂબ ૩૪:૫; ૩૫:૨.
મુશ્કેલીઓમાં મદદ મેળવવી
૧૫. આપણે દુઃખોમાં હોઈએ ત્યારે, કેવું વિચારવાથી મદદ મળશે?
૧૫ આપણે અયૂબના અનુભવમાંથી શું શીખી શકીએ? મુશ્કેલી, બીમારી કે સતાવણી આવી પડે ત્યારે આપણને પણ થાય કે ‘મને જ કેમ આમ થાય છે?’ આપણને લાગે કે બીજા લોકો તો સુખેથી જીવે છે. તેઓને કોઈ તકલીફ નથી. મને જ કેમ આવો અન્યાય? (ગીતશાસ્ત્ર ૭૩:૩-૧૨) એવા સમયે આપણે પોતાને પૂછવું જોઈએ: “ગમે તેવા સંજોગોમાં પણ શું હું પ્રેમથી યહોવાહની ભક્તિ કરું છું? શું હું એ રીતે જીવું છું કે યહોવાહ ‘મહેણાં મારનારને ઉત્તર આપી શકે’?” (નીતિવચનો ૨૭:૧૧; માત્થી ૨૨:૩૭) બીજા લોકોની વાતોમાં આવી જઈને આપણે ક્યારેય એવી શંકા ન કરીએ કે યહોવાહ મને મદદ કરશે કે કેમ. આપણી એક બહેન વર્ષોથી મોટી બીમારી સહેતા હતા. પણ ઈશ્વરમાંથી તેમની શ્રદ્ધા જરાય ડગી નહિ. તેમણે કહ્યું: “હું જાણું છું કે યહોવાહ જે ચાલવા દે છે એ ભલા માટે જ છે. મને ખાતરી છે કે તે મને સહન શક્તિ આપશે. તેમણે આજ સુધી બીમારી સહેવા મને શક્તિ આપી છે.”
૧૬. મુશ્કેલીઓમાં બાઇબલમાંથી કેવી મદદ મળે છે?
૧૬ આપણે શેતાનની ચાલાકીઓ વિષે જાણીએ છીએ. પણ અયૂબ એનાથી અજાણ હતા. આપણે શેતાનની દુષ્ટ “યુક્તિઓથી અજાણ્યા નથી.” (૨ કોરીંથી ૨:૧૧) આપણે શેતાનની ચાલાકીનો કેવો જવાબ આપવો એ જાણીએ છીએ. બાઇબલમાં આપણને ઘણા દાખલાઓ જોવા મળે છે જેઓએ જુદી જુદી મુશ્કેલીઓ સહન કરીને પણ યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખી હતી. દાખલા તરીકે, પાઊલે બીજા ભાઈ-બહેનો કરતાં ઘણું વધારે સહ્યું હતું. તેમણે લખ્યું: “અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.” (રૂમી ૧૫:૪) બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપમાં એક ભાઈને યહોવાહને ભજતો હોવાથી જેલની સજા થઈ હતી. જેલમાં તેમને બાઇબલ જોઈતું હતું. તેમણે શું કર્યું? તેમણે ત્રણ દિવસનું ભોજન જતું કરીને બાઇબલ મેળવ્યું. તે કહે છે: ‘મારું શરીર ભૂખથી તડપતું હતું. પણ મને ઈશ્વરના જ્ઞાનની વધારે ભૂખ હતી. બાઇબલ મળ્યા પછી મને અને બીજાઓને મુશ્કેલીમાં ટકી રહેવા બહુ હિંમત મળી. આજે પણ મેં એ બાઇબલ સાચવી રાખ્યું છે.’
૧૭. આપણે મુશ્કેલીઓ સહી શકીએ માટે યહોવાહે કેવી ગોઠવણો કરી છે?
૧૭ બાઇબલ સિવાય પણ આપણી પાસે બીજું ઘણું સાહિત્ય છે જેમાંથી મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન અને હિંમત મળે છે. વૉચટાવર પબ્લિકેશન ઇન્ડેક્સમાં તમને એવા ઘણા ભાઈ-બહેનોના અનુભવો જોવા મળશે, જેઓએ તમારા જેવી જ મુશ્કેલીઓનો હિંમતથી સામનો કર્યો હતો. (૧ પીતર ૫:૯) મુશ્કેલી વિષે કોઈ વડીલ સાથે અથવા અનુભવી ભાઈ-બહેન સાથે વાત કરવાથી પણ આપણને મદદ મળી શકે. સૌથી મહત્ત્વનું તો, આપણે પ્રાર્થનામાં યહોવાહ પરમેશ્વરને જણાવી શકીએ. યહોવાહ તેમની શક્તિ આપીને જરૂર મદદ કરશે. દાખલા તરીકે, પાઊલને કોઈ બીમારી હતી ત્યારે શેતાન તેમની એ હાલતનો ફાયદો ઉઠાવીને તેમના પર દુઃખ લાવ્યા. પાઊલે એવા સંજોગોમાં શું કર્યું? તેમણે સહનશક્તિ માટે યહોવાહ પર ભરોસો રાખ્યો. (૨ કોરીંથી ૧૨:૯, ૧૦) તેમણે લખ્યું: “મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું.”—ફિલિપી ૪:૧૩.
૧૮. યહોવાહના ભક્તો આપણને કેવું ઉત્તેજન આપી શકે?
૧૮ યહોવાહે આપણને મદદ કરવા કેવી સરસ ગોઠવણો કરી છે! એનો લાભ ઉઠાવવા આપણે ક્યારેય અચકાવું ન જોઈએ. બાઇબલ જણાવે છે કે, “જો તું સંકટને દિવસે નાહિમ્મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.” (નીતિવચનો ૨૪:૧૦) ઊધઈ ઘરનાં બારી-બારણાંને કોતરી નાખીને નકામાં બનાવી દે છે. એવી જ રીતે આપણે ધ્યાન ન રાખીએ તો નિરાશાને લીધે ઈશ્વરની સેવામાં ઠંડા પડી જઈ શકીએ. એમ ન થાય એ માટે યહોવાહ તેમના ભક્તો દ્વારા આપણને ઉત્તેજન આપે છે. દાખલા તરીકે, સૈનિકોએ ઈસુની ધરપકડ કરી એ રાતે એક સ્વર્ગદૂતે આવીને તેમને શક્તિ આપી હતી. (લુક ૨૨:૪૩) પાઊલ એક કેદી તરીકે રોમમાંથી પસાર થતા હતા ત્યારે શું બન્યું એનો વિચાર કરો. આપ્પિયસનું બજાર અને ત્રણ ધર્મશાળા સુધી ભાઈઓ પાઊલને મળવા આવ્યા. તેઓને જોઈને પાઊલે ‘ઈશ્વરનો આભાર માન્યો અને તેમનામાં હિંમત આવી.’ (પ્રેષિતોનાં કાર્યો ૨૮:૧૫, પ્રેમસંદેશ) જર્મનીની એક બહેન તરૂણ વયની હતી ત્યારે તેને રેવેન્સબર્કની યાતના છાવણીમાં લાવવામાં આવી. એ વખતે તે બહુ ડરેલી હતી. પણ તેને જે મદદ મળી એ આજેય તેને યાદ છે. તે કહે છે, “એક બહેન મને ઓળખી ગઈ કે હું યહોવાહની સાક્ષી છું. તેણે મને દિલથી આવકાર આપ્યો. બીજી એક બહેને તો માની જેમ મારી સંભાળ રાખી. યહોવાહને વળગી રહેવા હિંમત બંધાવી.”
‘વિશ્વાસુ રહો’
૧૯. શેતાનનો સામનો કરવા અયૂબને શેમાંથી મદદ મળી?
૧૯ યહોવાહે અયૂબ વિષે કહ્યું કે તે “પ્રામાણિકપણાને દૃઢતાથી વળગી રહ્યો છે.” (અયૂબ ૨:૩) અયૂબ જાણતા ન હતા કે શા માટે તેમના પર દુઃખો આવી પડ્યા. તે નિરાશ પણ થઈ ગયા. તોપણ તે યહોવાહને વળગી રહ્યા. તેમની શ્રદ્ધા જરાય ડગમગી નહિ. અયૂબ પોતાના મિત્રોની વાતમાં આવી ગયા નહિ. તે જાણતા હતા કે પોતે યહોવાહને વફાદાર છે. તેમણે કહ્યું: “જીવીશ ત્યાં સુધી હું નિર્દોષ છું એવો દાવો હું નહીં છોડું.”—યોબ ૨૭:૫, સંપૂર્ણ.
૨૦. સહન કરવાથી શું મળશે?
૨૦ આપણે પણ અયૂબની જેમ પ્રમાણિક કે નિર્દોષ રહેવાનો પાક્કો નિર્ણય કરવો જોઈએ. પછી ભલે આપણી સામે કોઈ લાલચ આવી પડે કે સતાવણી અથવા મુશ્કેલીનો સામનો કરવો પડે. એમ કરીશું તો આપણે ગમે તેવા સંજોગોમાં યહોવાહને વફાદાર રહીશું. ઈસુએ સ્મર્ના મંડળને કહ્યું: “તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીતો ના; જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.”—પ્રકટીકરણ ૨:૧૦.
૨૧, ૨૨. શું યાદ રાખવાથી આપણને સહન કરવામાં મદદ મળશે?
૨૧ આજે જગત પર શેતાન રાજ કરે છે. તેથી યહોવાહ માટેની આપણી શ્રદ્ધા અને ધીરજની ચોક્કસ કસોટી થશે. તોપણ, ઈસુએ ખાતરી આપી તેમ આપણે આવનાર દિવસોનો વિચાર કરીશું તો, ડરવાને કોઈ કારણ નથી. મહત્ત્વની બાબત એ છે કે મરણ સુધી આપણે વિશ્વાસુ રહીએ. પાઊલે કહ્યું કે, “સંકટરૂપી વાદળો ટૂંક સમયમાં વિખેરાઈ જશે.” પણ “ઈશ્વરના આશીર્વાદો” કે જેનું તેમણે વચન આપ્યું છે એ “સદા સર્વકાળ રહેશે.” (૨ કોરીંથી ૪:૧૭, ૧૮) અયૂબ પર પણ ટૂંક સમય માટે જ દુઃખો આવી પડ્યા હતા. એ પહેલાં અને પછી તે ઘણાં વર્ષો સુધી સુખી જીવન જીવ્યા હતા.—અયૂબ ૪૨:૧૬.
૨૨ પણ કોઈ વાર જીવનમાં આપણને એવું લાગે કે મુશ્કેલીઓનો ક્યારેય અંત નહિ આવે. મુશ્કેલી સહન કરવી આપણને બહુ જ અઘરું લાગે. હવે પછીના લેખમાં આપણે જોઈશું કે, સહન કરવા વિષે આપણે અયૂબના અનુભવમાંથી બીજું શું શીખી શકીએ. આપણે એ પણ જોઈશું કે બીજાઓ પર દુઃખો આવી પડે ત્યારે આપણે કેવી રીતોએ તેઓને ઉત્તેજન આપી શકીએ. (w 06 8/15)
આપણે શું શીખ્યા?
• અયૂબની ઈશ્વરભક્તિ વિષે શેતાને કયો મહત્ત્વનો સવાલ ઊભો કર્યો?
• આપણા પર દુઃખો કે સતાવણી આવી પડે ત્યારે કેમ આશ્ચર્ય પામવું ન જોઈએ?
• સહન કરવા યહોવાહ આપણને કેવી રીતે મદદ કરે છે?
[પાન ૧૧ પર ચિત્રો]
સંશોધન કરવાથી, અનુભવી ભાઈ-બહેનો સાથે વાત કરવાથી અને યહોવાહને પ્રાર્થનામાં દિલની વાત કહેવાથી આપણને ગમે એવી મુશ્કેલી સહન કરવા મદદ મળે છે