પડોશી પર પ્રીતિ કર, એટલે શું?
“જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.”—માત્થી ૨૨:૩૯.
૧. કઈ રીતે બતાવી શકીએ કે આપણે યહોવાહને ચાહીએ છીએ?
યહોવાહ તેમના ભક્તો પાસેથી શું માંગે છે? ઈસુએ થોડા પણ જોરદાર શબ્દોમાં પ્રશ્નનો જવાબ આપ્યો: ઈશ્વરની સૌથી મોટી આજ્ઞા એ છે કે આપણે તેમને ‘પૂરા હૃદયથી, ને પૂરા જીવથી, ને પૂરા મનથી ને પૂરા સામર્થ્યથી પ્રીતિ’ કરીએ. (માત્થી ૨૨:૩૭; માર્ક ૧૨:૩૦) આપણે આગળના લેખમાં જોઈ ગયા કે યહોવાહ આપણને ખૂબ ચાહે છે. તેમની આજ્ઞાઓ પાળવાથી આપણે બતાવીએ છીએ કે આપણે પણ તેમને ચાહીએ છીએ. હા, જો આપણે યહોવાહને ચાહતા હોઈશું, તો તેમની ઇચ્છા પૂરી કરવી કોઈ બોજો નથી. એનાથી આપણને આનંદ મળે છે.—ગીતશાસ્ત્ર ૪૦:૮; ૧ યોહાન ૫:૨, ૩.
૨, ૩. પડોશીને પ્રેમ કરવાની આજ્ઞા પર આપણે શા માટે ધ્યાન આપવું જોઈએ? કયા સવાલો ઊભા થાય છે?
૨ ઈસુએ જણાવ્યું હતું કે બીજી સૌથી મહત્ત્વની આજ્ઞા, પહેલી આજ્ઞા સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૯) એ મહત્ત્વનું છે કે આપણે આ આજ્ઞા પર ધ્યાન આપીએ. કેમ કે આજની દુનિયા સ્વાર્થથી રંગાયેલી છે. પ્રેમનો ખરો રંગ ઢંકાઈ ગયો છે. તેથી યહોવાહની પ્રેરણાથી ઈશ્વરભક્ત પાઊલે લખ્યું કે, “છેલ્લા સમયમાં” લોકો ફક્ત પૈસા ને મોજશોખના જ પ્રેમીઓ હશે. કોઈને બીજાની પડી નહિ હોય. “પ્રેમરહિત” હશે. એક બાઇબલ અનુવાદમાં જણાવ્યા પ્રમાણે લોકો “માયામમતા વગરના” હશે. (૨ તીમોથી ૩:૧-૪) ઈસુએ જણાવ્યું હતું કે ‘ઘણા એકબીજાને દગો દેશે, ને એકબીજા પર વેર રાખશે. ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.’—માત્થી ૨૪:૧૦, ૧૨.
૩ ઈસુએ કહ્યું હતું કે ઘણાનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ એનો અર્થ એ નથી કે બધાનો જ પ્રેમ ઠંડો થઈ જશે. એ વખતે દુનિયામાં ઘણા ઈશ્વરભક્તો બીજાઓને સાચો પ્રેમ કરતા હતા. આજે પણ ઘણા લોકો યહોવાહની ભક્તિ કરે છે અને એકબીજાને ખરો પ્રેમ બતાવે છે. પણ સવાલ એ ઊભા થાય છે કે આપણા પડોશી કોણ છે, જેઓને પ્રેમ બતાવવો જોઈએ? આપણે કઈ રીતે તેઓને પ્રેમ બતાવી શકીએ? ચાલો બાઇબલમાંથી જ આ મહત્ત્વના સવાલોના જવાબ જોઈએ.
મારો પડોશી કોણ?
૪. લેવીયના ૧૯મા અધ્યાય પ્રમાણે, યહુદીઓએ કોને કોને પ્રેમ બતાવવાનો હતો?
૪ ઈસુએ ફરોશીને બીજી સૌથી મહત્ત્વની આ આજ્ઞા જણાવી હતી કે જેવો પોતા પર, તેવો પડોશી પર પ્રેમ બતાવવો જોઈએ. ઈસુ એ આજ્ઞા જણાવીને એક ખાસ નિયમ પર ધ્યાન દોરતા હતા. એ નિયમ ઈસ્રાએલીઓને આપવામાં આવ્યો હતો જે લેવીય ૧૯:૧૮માં જોવા મળે છે. એ જ અધ્યાયમાં યહુદીઓને કહેવામાં આવ્યું હતું, કે તેઓએ ફક્ત બીજા યહુદીઓને જ નહીં પણ બીજા કુળના લોકોને પણ પોતાના પડોશી તરીકે ગણવા જોઈએ. ૩૪મી કલમ કહે છે, “તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી; કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા.” એ દેશમાં જેઓ યહુદી ન હતા પણ તેઓના નિયમો પાળવા તૈયાર હતા, તેઓને પ્રેમ બતાવવાનો હતો. જે પરદેશીઓએ યહુદી ધર્મ સ્વીકાર્યો હતો તેઓને પણ પ્રેમ બતાવવાનો હતો.
૫. પડોશીને પ્રેમ કરવા વિષે યહુદીઓ શું સમજતા હતા?
૫ પણ ઈસુના જમાનામાં, યહુદી ધર્મગુરુઓ લોકોના દિલમાં બીજું કંઈક રોપતા હતાં. અમુક શીખવતા હતા કે “મિત્ર” અને “પડોશી” શબ્દ ફક્ત યહુદીઓને જ લાગુ પડે છે. તેથી યહુદીઓ ન હોય તેઓની નફરત કરવી જોઈએ. તેઓનું કહેવું હતું કે સાચા ઈશ્વરભક્તોએ વિધર્મીઓની નફરત કરવી જોઈએ. આના વિષે એક જ્ઞાનકોશે કહ્યું: ‘નફરત કદી શમી જવાની ન હતી, કેમ કે એ લાગણીને ઉશ્કેરવા માટે ઘણું બળતણ હતું.’
૬. પડોશીને પ્રેમ બતાવવા વિષે ઈસુએ કઈ બે બાબતો શીખવી?
૬ ઈસુએ પહાડ પરના ઉપદેશમાં સમજાવ્યું કે પડોશી ખરેખર કોને કહેવાય. કોને પ્રેમ બતાવવો જોઈએ. તેમણે કહ્યું: “તું તારા પડોશી પર પ્રીતિ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે: પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રીતિ કરો, ને જેઓ તમારી પૂઠે લાગે છે તેઓને સારૂ પ્રાર્થના કરો; એ માટે કે તમે આકાશમાંના તમારા બાપના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માત્થી ૫:૪૩-૪૫) આ કલમોમાં ઈસુ બે બાબતો સમજાવે છે. એક તો યહોવાહ ભલા તેમ જ ભૂંડાં લોકોને ભલાઈ બતાવે છે. બીજું કે આપણે યહોવાહને પગલે ચાલવું જોઈએ.
૭. આપણે સમરૂની માણસની વાર્તામાંથી શું શીખી શકીએ?
૭ બીજા એક કિસ્સામાં, યહોવાહના નિયમો સારી રીતે સમજતા એક યહુદીએ ઈસુને પૂછ્યું: “મારો પડોશી કોણ છે?” ઈસુએ એનો જવાબ એક વાર્તા દ્વારા આપ્યો. કોઈ સમરૂની માણસે એક યહુદી માણસને જોયો જે લૂંટારાના હાથે લોહીલુહાણ થઈ ગયો હતો. હવે એ જમાનામાં યહુદીઓ સમરૂનીઓને ધિક્કારતા હતા. છતાં આ સમરૂની માણસે એ યહુદી માણસને પાટો બાંધ્યો. તેને ધર્મશાળા કે હૉટેલમાં લઈ ગયો. જેથી ત્યાં સાજા થતા સુધી તેની સારી રીતે માવજત થાય. આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે આપણો પડોશી પ્રેમ ફક્ત આપણી જાતિ, દેશ કે ધર્મના લોકો પૂરતો જ હોવો ન જોઈએ. આપણે બધી જ જાતના લોકોને પ્રેમ બતાવવો જોઈએ.—લુક ૧૦:૨૫, ૨૯, ૩૦, ૩૩-૩૭.
પડોશીને પ્રેમ કરવાનો શું અર્થ થાય
૮. પ્રેમ બતાવવા વિષે લેવીય ૧૯મો અધ્યાય શું કહે છે?
૮ ઈશ્વર માટેનો અતૂટ પ્રેમ ફક્ત આપણી બોલચાલમાં જ નહિ, પણ કાર્યોમાં દેખાઈ આવવો જોઈએ. પડોશી પરનો સાચો પ્રેમ કાર્યથી સાબિત થાય છે. ચાલો આપણે લેવીયના ૧૯મા અધ્યાય પર ફરીથી ધ્યાન આપીએ. એ આપણને જેમ પોતા પર તેવો પોતાના પડોશી પર પ્રેમ કરવા ઉત્તેજન આપે છે. એની આજુબાજુની કલમો બતાવે છે કે ઈસ્રાએલીઓએ તેઓ સાથે રહેતા બિનયહુદી લોકો અને ગરીબો માટે થોડી ફસલ રહેવા દેવાની હતી. આમ કોઈને ચોરી કરવાની, છેતરવાની કે જૂઠું બોલવાની જરૂર જ ન પડતી. ઈસ્રાએલીઓએ ઇન્સાફ કરવામાં પણ કોઈ અન્યાય કરવાનો ન હતો. પણ અદલ ઇન્સાફ કરવાનો હતો. ખરું કે એમાં જરૂર પડ્યે કોઈને ઠપકો કે સજા પણ કરવી પડતી. તોપણ યહોવાહે તેઓને ખાસ જણાવ્યું હતું કે “તું તારા હૃદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર.” આના જેવી બીજી અનેક આજ્ઞાઓ આ એક જ આજ્ઞામાં આવી જાય છે: “જેમ પોતા પર તેમ જ તારા પડોશી પર પ્રીતિ રાખ.”—લેવીય ૧૯:૯-૧૧, ૧૫, ૧૭, ૧૮.
૯. યહોવાહે શા માટે ઈસ્રાએલીઓને વિધર્મીઓથી દૂર રહેવાનું કહ્યું?
૯ ખરું કે ઈસ્રાએલીઓએ પડોશીને પ્રેમ બતાવવાનો હતો, છતાં તેઓએ જૂઠો ધર્મ પાળનારાથી પોતાને અલગ રાખવાના હતા. યહોવાહે તેઓને ચેતવણી આપી હતી કે એવા વિધર્મીઓની સંગત રાખવાથી શું થશે. દાખલા તરીકે, ઈસ્રાએલીઓએ વચનનો દેશ કબજે કરવાનો હતો ત્યારે એ દેશના લોકો વિષે યહોવાહે કહ્યું: “તારે તેમની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ; તારે તારી દીકરી તેના દીકરાને ન આપવી, તેમ જ તેની દીકરી તારા દીકરાની સાથે પરણાવવી નહિ. કેમ કે તે તારા દીકરાને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે; એથી તો યહોવાહ તમારા પર કોપાયમાન થાય.”—પુનર્નિયમ ૭:૩, ૪.
૧૦. આપણે શાનાથી સાવધ રહેવું જોઈએ?
૧૦ આજે પણ એવા ઘણા છે જેઓ આપણી શ્રદ્ધાને નબળી પાડવા કોશિશ કરે છે. એવા લોકોથી સાવધ રહેવું જોઈએ. (૧ કોરીંથી ૧૫:૩૩) તેથી ૨ કોરીંથી ૬:૧૪ આ ચેતવણી આપે છે: ‘અવિશ્વાસીઓની સાથે સંબંધ ન રાખો.’ એટલે એવા લોકો સાથે દોસ્તી ન બાંધો જે યહોવાહને ભજતા નથી. તેમ જ લગ્ન “કેવળ પ્રભુમાં” કરવું જોઈએ. એટલે ફક્ત યહોવાહના ભક્તોમાંથી જ જીવનસાથી શોધવા જોઈએ. (૧ કોરીંથી ૭:૩૯) એનો અર્થ એ નથી કે જેઓ યહોવાહની ભક્તિ કરતા નથી, તેઓની નફરત કરવી જોઈએ. શા માટે? કેમ કે આપણે બધા જ પાપી છીએ. પાપના પંજામાંથી છોડાવવા, ઈસુએ પોતાનું જીવન કુરબાન કર્યું છે. એના લીધે ઘણા મનુષ્યો ખરાબ કામો છોડીને હવે યહોવાહની ભક્તિ કરવા લાગ્યા છે.—રૂમી ૫:૮; ૧ કોરીંથી ૬:૯-૧૧.
૧૧. જેઓ યહોવાહને ભજતા નથી, તેઓને આપણે કેવી રીતે પ્રેમ બતાવી શકીએ અને શા માટે?
૧૧ યહોવાહ સર્વને પ્રેમ કરે છે. જેઓ તેમને ભજતા નથી, તેઓને પણ. સર્વને પ્રેમ બતાવવામાં યહોવાહે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. આપણે તેમને પગલે ચાલીએ. ખરું કે યહોવાહ દુષ્ટ કામોને ધિક્કારે છે, છતાં તે સર્વને દયા બતાવે છે. તે ચાહે છે કે લોકો એ દુષ્ટ માર્ગ છોડી દે. અને કાયમ માટેના જીવનના માર્ગ પર ચાલવા લાગે. (હઝકીએલ ૧૮:૨૩) યહોવાહની ઇચ્છા છે કે ‘સઘળાં પસ્તાવો કરે.’ (૨ પીતર ૩:૯) “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય.” (૧ તીમોથી ૨:૪) એટલે જ ઈસુએ ‘સર્વ દેશનાઓને શિષ્ય’ બનાવવાની આજ્ઞા આપી. (માત્થી ૨૮:૧૯, ૨૦) આ કાર્ય દ્વારા આપણે ફક્ત યહોવાહને જ નહિ, પણ સર્વને ખરો પ્રેમ બતાવીએ છીએ. હા, આ કામ કરવાથી આપણે યહોવાહના દુશ્મનોને પણ પ્રેમ બતાવીએ છીએ!
મંડળના ભાઈ-બહેનોને પ્રેમ કરો
૧૨. મંડળમાં ભાઈ-બહેનોને પ્રેમ બતાવવા વિષે યોહાને શું લખ્યું હતું?
૧૨ ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારૂં કરીએ.” (ગલાતી ૬:૧૦) સાચા ખ્રિસ્તીઓ તરીકે આપણી ફરજ છે કે આપણે મંડળના ભાઈ-બહેનોને પ્રેમ બતાવીએ. એ શા માટે જરૂરી છે? એ માટે યોહાને ભારપૂર્વક જણાવ્યું કે ‘જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે; જો કોઈ કહે, કે હું દેવ પર પ્રેમ રાખું છું, પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે; કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો દેવ જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી.’ (૧ યોહાન ૩:૧૫; ૪:૨૦) આ જોરદાર શબ્દો છે, ખરું ને! ઈસુએ શેતાનને “મનુષ્યઘાતક” અને “જૂઠો” તરીકે ઓળખાવ્યો. (યોહાન ૮:૪૪) આપણે કદી પણ એવું નહિ ઈચ્છીએ કે આપણને પણ એવું નામ મળે!
૧૩. આપણે મંડળના ભાઈ-બહેનોને કઈ રીતે પ્રેમ બતાવી શકીએ?
૧૩ યહોવાહ તેમના ભક્તોને ‘એકબીજા પર પ્રેમ રાખવાનું’ શીખવે છે. (૧ થેસ્સાલોનીકી ૪:૯) આપણે એકબીજા સાથે “શબ્દથી નહિ, અને જીભથી નહિ, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રીતિ” કરવી જોઈએ. (૧ યોહાન ૩:૧૮) આપણો ‘પ્રેમ ઢોંગ વગરનો હોવો’ જોઈએ. (રૂમી ૧૨:૯) ખરા પ્રેમના લીધે આપણે એકબીજા સાથે કોમળતા, દયા ને સહનશીલતાથી વર્તીશું. એકબીજાને દિલથી માફ કરીશું. કદીયે અદેખાઈ, બડાઈ, ઘમંડ કે સ્વાર્થથી વર્તીશું નહિ. (૧ કોરીંથી ૧૩:૪, ૫; એફેસી ૪:૩૨) ખરા ‘પ્રેમથી એકબીજાની સેવા કરવા’ તૈયાર રહીશું. (ગલાતી ૫:૧૩) ઈસુએ તેમના શિષ્યોને કહ્યું હતું કે જેમ તેમણે પોતાના શિષ્યો પર પ્રેમ કર્યો, એવો જ પ્રેમ તેઓએ એકબીજાને બતાવવો જોઈએ. (યોહાન ૧૩:૩૪) હા, ખરા પ્રેમને લીધે આપણે બીજા ઈશ્વરભક્તો માટે પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર હોઈશું.
૧૪. કુટુંબમાં આપણે એકબીજાને કેવો પ્રેમ બતાવી શકીએ?
૧૪ ખરો પ્રેમ કુટુંબમાં અને ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે જોવા મળવો જોઈએ. લગ્ન-બંધન કેવું હોવું જોઈએ એના વિષે પાઊલે કહ્યું: “પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ રાખવો જોઈએ. જે પોતાની પત્ની પર પ્રેમ રાખે છે, તે પોતા પર પ્રેમ રાખે છે.” (એફેસી ૫:૨૮) પાઊલ ફરીથી આ જ સલાહ એફેસી ૫:૩૩માં આપે છે. માલાખીના જમાનામાં ઘણા પતિઓ પોતાની પત્નીઓ સાથે ક્રૂર રીતે વર્ત્યા હતા. પણ જો પતિ પોતાની પત્નીને દિલથી ચાહતો હોય, તો તે કદીયે એ ઈસ્રાએલીઓ જેવું વર્તન કરશે નહિ. (માલાખી ૨:૧૪) એના બદલે તે પોતાની પત્નીની પ્રેમપૂર્વક કાળજી લેશે. ઈસુએ મંડળને જે રીતે પ્રેમ બતાવ્યો છે, એ જ રીતે તે પત્નીને પ્રેમ બતાવશે. પ્રેમના લીધે પત્ની પણ તેના પતિને દિલથી માન આપશે.—એફેસી ૫:૨૫, ૨૯-૩૩.
૧૫. ભાઈ-બહેનો વચ્ચેનો પ્રેમ જોઈને અમુક લોકોએ શું કહ્યું, ને તેઓ પોતે શું કરવા લાગ્યા?
૧૫ ઈસુએ કહ્યું હતું કે તેમના શિષ્યોમાં પ્રેમનો ખરો રંગ જોવા મળશે. એટલે તેમણે કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) આપણી મધ્યે આ પ્રેમ જોઈને ઘણા લોકો યહોવાહને ભજવા લાગ્યા છે. દાખલા તરીકે, મોઝામ્બિકના એક કુટુંબનો વિચાર કરો. તેઓ યહોવાહના સાક્ષીઓ છે. તેઓમાંના એક કહે છે: “એક બપોરે વાવાઝોડું શરૂ થયું. પછી ખૂબ વરસાદ અને કરા પડવા લાગ્યા. અમે કદીયે આવું જોયું ન હતું. ઘાસનું બનેલું અમારું ઘર સાવ ભાંગી પડ્યું અને છત પરના બધાં પતરાં પણ ઊડી ગયા. જ્યારે આસપાસના મંડળોમાંથી ભાઈ-બહેનો અમારું ભાંગેલું ઘર બાંધવા આવ્યા ત્યારે અમારા પડોશીઓ એ માની જ ન શક્યા. તેઓએ કહ્યું, ‘તમારો ધર્મ ખરેખર સારો છે. અમારા ચર્ચના લોકોએ અમને કોઈ દિવસ આ રીતે મદદ કરી નથી.’ અમે બાઇબલમાંથી તેઓને યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચી સંભળાવી. હવે તેઓમાંના ઘણા બાઇબલ વિષે વધારે શીખી રહ્યા છે.”
જુદા જુદા લોકોને પ્રેમ બતાવો
૧૬. સમાજને પ્રેમ બતાવવામાં અને કોઈ વ્યક્તિને પ્રેમ બતાવવામાં શું ફરક છે?
૧૬ ખરું કે સમાજને પ્રેમ કરવો સહેલું છે. પણ એમાંની દરેક વ્યક્તિને પ્રેમ બતાવવો સહેલું નથી. દાખલા તરીકે, અમુક લોકો ગરીબ કે જરૂરિયાતવાળા લોકો માટે કોઈ સંસ્થાને દાન કરીને કહેશે કે ‘હું તો બધાનું ભલું જ ચાહું છું.’ એમ કહેવું તો સહેલું છે. પણ ગમતી ન હોય એવી વ્યક્તિને પ્રેમ બતાવવાનો હોય ત્યારે શું? કોઈ વ્યક્તિ આપણને વારંવાર તોડી પાડતી હોય, જુલમ કે દગો કરતી હોય, કે ઝઘડાળું હોય ત્યારે તેને પ્રેમ બતાવવો ખૂબ મુશ્કેલ છે. પછી ભલેને તેઓ કોઈ ઓળખીતા હોય, સાથે કામ કરનારા હોય કે પડોશમાં રહેતા હોય.
૧૭, ૧૮. ઈસુએ દરેક પ્રકારના લોકોને કઈ રીતે પ્રેમ બતાવ્યો અને એનું કારણ શું હતું?
૧૭ સર્વને પ્રેમ બતાવવામાં ઈસુએ સરસ દાખલો બેસાડ્યો. જેવો સંપૂર્ણ પ્રેમ યહોવાહે સર્વને બતાવ્યો, એવો જ પ્રેમ ઈસુએ પણ બતાવ્યો. ખરું કે ઈસુ મનુષ્યોને પાપમાંથી છોડાવવા આવ્યા, છતાં તેમણે દરેક પ્રકારના લોકોને પ્રેમ બતાવ્યો. દાખલા તરીકે, તેમણે એક બીમાર સ્ત્રીને, કોઢિયાને અને એક છોકરીને સાજા કર્યા. (માત્થી ૯:૨૦-૨૨; માર્ક ૧:૪૦-૪૨; ૭:૨૬, ૨૯, ૩૦; યોહાન ૧:૨૯) ચાલો આપણે પણ ઈસુની જેમ બધા જ લોકોને રોજ-બરોજના જીવનમાં પ્રેમ બતાવીએ.
૧૮ કદી ન ભૂલીએ કે બીજાઓને પ્રેમ બતાવવો એ આપણી ભક્તિનો એક ભાગ છે. ઈસુએ કેટલાય ગરીબોને મદદ કરી, બીમારોને સાજા કર્યા, ભૂખ્યાઓને ખવડાવ્યું. પણ તે ફક્ત સમાજસેવા કરતા ન હતા. તે લોકોને યહોવાહ વિષે શીખવતા હતા જેથી તેઓ પણ યહોવાહની ભક્તિ કરી શકે. તેમને ખરો પ્રેમ બતાવી શકે. (૨ કોરીંથી ૫:૧૯) ઈસુએ યહોવાહનું નામ રોશન કરવા માટે એ બધું કર્યું. તે કદી ભૂલ્યા નહિ કે તેમના કાર્યો દ્વારા સર્વ લોકો યહોવાહનો પ્રેમ ચાખશે. (૧ કોરીંથી ૧૦:૩૧) ઈસુના પગલે ચાલીને આપણે પણ સર્વને પ્રેમ બતાવીએ, પણ આ દુષ્ટ જગતથી અલગ રહીને.
પોતા પર તેવો પડોશી પર પ્રેમ કરવો, કેવી રીતે?
૧૯, ૨૦. પોતા પર તેવો પડોશી પર પ્રેમ કરવાનો અર્થ શું થાય છે?
૧૯ ઈસુએ કહ્યું: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” એ યોગ્ય છે કે અમુક હદ સુધી આપણે પોતાનું સ્વમાન જાળવીએ, પોતાનું ધ્યાન રાખીએ. ખરું ને? જો એમ ન હોત, તો ઈસુએ આપેલી આજ્ઞા અર્થ વગરની થઈ જાત. અમુક હદ સુધી આપણે સ્વમાન જાળવવું કે પોતા પર પ્રેમ રાખવો જોઈએ. પણ એનો અર્થ એ નથી કે આપણે સ્વાર્થી બનીને બસ પોતાનો જ વિચાર કરીએ, જેમ પાઊલે ૨ તીમોથી ૩:૨માં જણાવ્યું હતું. એક બાઇબલ પ્રોફેસર કહે છે કે યોગ્ય સ્વમાન જાળવી રાખવાથી આપણે એમ નહિ વિચારીએ કે ‘હું સાવ નકામો છું’ અથવા ‘ફક્ત હું જ કંઈક છું.’
૨૦ પોતા પર તેવો પોતાના પડોશી પર પ્રેમ બતાવવાનો અર્થ થાય કે આપણે બધાને માન આપીએ, પ્રેમ બતાવીએ. શું આપણે પણ એવું નથી ચાહતા કે લોકો આપણી સાથે પણ એવી જ રીતે વર્તે? ચોક્કસ. એટલે જ ઈસુએ કહ્યું: “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે.” (માત્થી ૭:૧૨) નોંધ કરો કે ઈસુએ એમ ન કહ્યું કે જો કોઈએ તમને દુઃખી કર્યા હોય તો એનો વિચાર કરીને તમે પણ બદલો લેવા તેઓને દુઃખી કરો. ના, ઈસુએ તો કહ્યું કે તમે બીજાઓ પાસે જેવા વર્તાવની અપેક્ષા રાખો છો, તેવો જ વર્તાવ તેમની સાથે કરો. ઈસુએ એમ પણ કહ્યું ન હતું કે આ સલાહ ફક્ત આપણા દોસ્તો કે મંડળના ભાઈ-બહેનો સાથે જ લાગુ પાડવી જોઈએ. તેમણે એ આજ્ઞામાં ‘બીજા માણસોનો’ પણ ઉલ્લેખ કર્યો. એટલે કે આપણે સર્વ માણસો સાથે સારી રીતે વર્તવું જોઈએ.
૨૧. સર્વને પ્રેમ કરવાથી આપણે શું બતાવીએ છીએ?
૨૧ આપણે સર્વને ખરો પ્રેમ બતાવીશું તો બૂરું કરવાથી દૂર રહીશું. પાઊલે લખ્યું: “તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો, ઈત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, કે તારે જેવો પોતાના પર પ્રેમ છે તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો. પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી.” (રૂમી ૧૩:૯, ૧૦) હા, આપણે સર્વને ખરો પ્રેમ બતાવતા હોઈશું તો તેઓનું ભલું જ ચાહીશું. પડોશીને પ્રેમ કરવાથી આપણે મનુષ્યના સરજનહાર યહોવાહને પણ પ્રેમ બતાવીએ છીએ. કેમ કે તેમણે આપણામાં એ ગુણ બતાવવાની ક્ષમતા મૂકી છે.—ઉત્પત્તિ ૧:૨૬. (w 06 12/1)
શું તમે જણાવી શકો?
• આપણે કોને પ્રેમ બતાવવો જોઈએ અને શા માટે?
• જેઓ યહોવાહને ભજતા નથી, તેઓને કઈ રીતે પ્રેમ બતાવી શકીએ?
• બાઇબલ મુજબ ભાઈ-બહેનો વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ?
• જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કરવાનો શું અર્થ થાય છે?
[પાન ૨૮ પર ચિત્ર]
“મારો પડોશી કોણ છે?”
[પાન ૩૦ પર ચિત્ર]
ઈસુએ દરેક પ્રકારના લોકોને ખરો પ્રેમ બતાવ્યો