કઠોર દુનિયામાં કોણ સહારો!
બુરુન્ડીમાં એક માણસને મૅલેરિયા થયો. એને હૉસ્પિટલ જવું હતું. પણ કેવી રીતે જાય? કોઈ વાહન કે સાધન ન હતા. બે દોસ્તોએ તેને સાઇકલ પર બેસાડ્યો. પાંચ પાંચ કલાક સુધી પર્વતના ચઢાણવાળા રસ્તા પર તેને ખેંચીને લઈ ગયા. તેને હૉસ્પિટલ પહોંચાડે, એ બસમાં બેસાડ્યો. થોડા દિવસમાં તો એ માણસ સાજો થવા લાગ્યો.
અમેરિકામાં ઑગસ્ટ ૨૦૦૫માં કેટરિના નામનું વાવાઝોડું ત્રાટક્યું. માલ-મિલકતને ભારે નુકસાન થયું. એક ઘર પર ઘણાં ઝાડ પડી ગયાં હતાં. એ ઘરના માલિકને ઓળખતા ન હતા છતાં અમુક વૉલન્ટિયર ત્યાં ગયા. તેઓએ આખો દિવસ મહેનત કરી. કરવતથી ઝાડ કાપ્યાં અને બીજો કાટમાળ હટાવ્યો. ઘરમાલિકે કહ્યું, ‘તેમનો જેટલો પાડ માનું એટલો ઓછો છે!’
દુઃખની વાત છે કે મીડિયા મોટે ભાગે આવા બનાવો પર નહિ, પણ ખૂનખરાબી પર વધારે વાત કરે છે. એના કારણે આપણને ખ્યાલ નથી રહેતો કે લોકો માનવતા અને હમદર્દી બતાવે જ છે. જ્યારે માનવતાના આવા બનાવો બને છે ત્યારે એ આપણું ધ્યાન ખેંચે છે. આપણને બધાને પ્રેમની જરૂર છે. હમદર્દીની જરૂર છે.
મોટે ભાગે આજે દુનિયામાં કોઈને કોઈની પડી નથી. લોકો વિચારે છે કે સમાજમાં મોટું નામ બનાવવું હોય, આગળ વધવું હોય તો પથ્થર દિલ બનવું પડે. ઘણા માને છે કે હમદર્દી બતાવવા કરતાં નિર્દય બનો તો વધારે ફાયદો થશે.
ઘણા લોકો મહાન બનવા કે પૈસા કમાવા જાણીજોઈને બીજાને દુઃખી કરતા હોય છે. તેઓમાં હમદર્દી નથી. આજે ફિલ્મી હીરો, રમતવીરો ને નેતાઓનું વર્તન પણ આવું જ છે.
જોકે ઘણા લોકોનું વલણ આવું છે, પણ આપણા વિષે શું? શું આપણે હમદર્દી બતાવવી જોઈએ? બતાવીએ તો શું ફાયદો થશે? કેવી રીતે હમદર્દી બતાવી શકીએ? આ સવાલોના જવાબો માટે ચાલો હવે પછીનો લેખ જોઈએ. (w07 12/15)
[પાન ૩ પર બૉક્સ]
•શું હમદર્દી બતાવવી એ કમજોરી છે?
•હમદર્દી બતાવીએ તો શું ફાયદો થશે?
•તમે કઈ કઈ રીતે હમદર્દી બતાવી શકો?