યહોવાહનો શબ્દ જીવંત છે
લુકના મુખ્ય વિચારો
માત્થીનું પુસ્તક યહુદી લોકો માટે લખાયું હતું, જ્યારે કે માર્કનું બિનયહુદી માટે હતું. પણ લુકનું પુસ્તક સર્વ લોકો માટે લખાયું હતું. એ લગભગ ઈ.સ. ૫૬-૫૮ની સાલમાં લખાયું હતું. એમાં ઈસુના જીવન ને પ્રચાર કામ વિષે વિગતવાર લખવામાં આવ્યું છે.
લુક એક વૈદ હતા. વૈદના કામમાં બધું ઝીણવટથી તપાસવાનું હોય છે. તેથી જ્યારે તેમણે લુકનું પુસ્તક લખ્યું ત્યારે ‘શરૂઆતથી સઘળી વાતો ચોકસાઈથી’ લખી. આ પુસ્તક ઈ.સ. પૂર્વે ૩થી ઈ.સ. ૩૩ સુધીના બનાવો જણાવે છે. એ લગભગ ૩૫ વર્ષનો સમયગાળો બતાવે છે. (લુક ૧:૩) લુકનાં પુસ્તકમાંની લગભગ ૬૦ ટકા માહિતી માત્થી, માર્ક કે યોહાનના પુસ્તકમાં જોવા મળતી નથી.
શરૂઆતનું પ્રચાર કામ
લુકે શરૂઆતમાં ઈસુ અને યોહાન બાપ્તિસ્મકના જન્મ વિષે જણાવ્યું. તેમણે જણાવ્યું કે તીબેરિયસ કાઈસારના રાજના પંદરમા વર્ષે યોહાને પ્રચાર કામ શરૂ કર્યું હતું. એ ઈસવીસન ૨૯ની વસંતઋતુ હતી. (લુક ૩:૧, ૨) એ જ વર્ષના લગભગ છેલ્લા ચારેક મહિના દરમિયાન ઈસુ બાપ્તિસ્મા પામ્યા હતા. (લુક ૩:૨૧, ૨૨) ૩૦ની સાલમાં ઈસુ ‘ગાલીલમાં પાછા આવ્યા અને સભાસ્થાનોમાં બોધ’ કર્યો.—લુક ૪:૧૪, ૧૫.
ઈસુએ પ્રચાર કામની શરૂઆત ગાલીલથી કરી. તેમણે લોકોને કહ્યું: મારે ‘બીજાં શહેરોમાં પણ દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ.’ (લુક ૪:૪૩) માછીમાર સીમોન અને બીજાઓ ઈસુ સાથે ગયા. ઈસુએ તેઓને કહ્યું: ‘હવેથી તમે માણસો પકડનારા થશો.’ (લુક ૫:૧-૧૧; માત્થી ૪:૧૮, ૧૯) ઈસુ બીજી વાર આખા ગાલીલમાં પ્રચાર કરવા ગયા ત્યારે તેમની સાથે ૧૨ પ્રેરિતો પણ હતા. (લુક ૮:૧) ત્રીજી વખતે તેમણે ૧૨ પ્રેરિતોને આ આજ્ઞા આપી: ‘દેવનું રાજ્ય પ્રગટ કરો તથા માંદાંઓને સાજાં કરો.’—લુક ૯:૧, ૨.
સવાલ-જવાબ:
૧:૩૫—શું મરિયમ તેના અંડકોષને લીધે ગર્ભવતી થઈ હતી? હા. યહોવાહે વચન આપ્યું હતું કે ઈસુ ખ્રિસ્ત, ઈબ્રાહીમ, યહુદા ને દાઊદના વંશમાંથી આવશે. મરિયમ એ જ વંશમાંથી આવી હતી. એ વચન પૂરું થાય એ માટે મરિયમ તેના અંડકોષથી ગર્ભવતી થાય એ જરૂરી હતું. (ઉત્પત્તિ ૨૨:૧૫, ૧૮; ૪૯:૧૦; ૨ શમૂએલ ૭:૮, ૧૬) યહોવાહે ચમત્કારથી મરિયમનો અંડકોષ ફલિત્ કરીને તેને ગર્ભવતી કરી હતી. અને એમાં ઈસુનું પવિત્ર જીવન મૂક્યું હતું. (માત્થી ૧:૧૮) આ ચમત્કારથી મરિયમના અંડકોષમાં કોઈ ખામી રહી નહિ. આમ, મરિયમ ગર્ભવતી થઈ ત્યારથી યહોવાહે બાળકનું રક્ષણ કર્યું.
૧:૬૨—શું ઝખાર્યાહ મૂંગા અને બહેરા પણ હતા? ના. તે ફક્ત બોલી ન શક્યા. તે સાંભળી શકતા હતા પણ કોઈ કારણના લીધે લોકોએ તેમને ‘ઇશારાથી’ પૂછ્યું કે બાળકનું નામ શું પાડવું. એવું લાગે છે કે તેમની પત્નીએ બાળકનાં નામ વિષે જે કહ્યું હતું, એ ઝખાર્યાહે સાંભળ્યું હતું. કદાચ બીજા લોકોએ પણ એ સાંભળીને ઇશારાથી ઝખાર્યાહને એના વિષે પૂછ્યું હતું. બાઇબલ કહે છે કે યહોવાહે ચમત્કાર કર્યો ત્યારે તે ફરીથી બોલી શક્યા. જો તે બહેરા પણ હોત, તો બાઇબલે એના વિષે પણ કંઈક જણાવ્યું હોત.—લુક ૧:૧૩, ૧૮-૨૦, ૬૦-૬૪.
૨:૧, ૨—ઈસુનો જન્મ લગભગ ક્યારે થયો હતો? કાઈસાર ઔગસ્તસના રાજ દરમિયાન વસ્તીની ગણતરી બે વખત થઈ હતી. પહેલી ગણતરી ઈ.સ. પૂર્વે ૨માં થઈ હતી. આમ દાનીયેલ ૧૧:૨૦માં જણાવેલી ભવિષ્યવાણી સાચી પડી. બીજી ગણતરી ઈ.સ. ૬ કે ૭માં થઈ હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૭) બંને વસ્તી ગણતરી દરમિયાન કુરેનિયસ સીરિયાનો રાજ્યકર્તા હતો. પ્રથમ ગણતરી વિષે લુકે જે કહ્યું હતું એમાંથી પારખી શકીએ કે ઈસુનો જન્મ લગભગ ઈ.સ. પૂર્વે ૨માં થયો હતો.
૨:૩૫—મરિયમને કઈ રીતે ‘તરવારે વીંધી નાખી’? મોટા ભાગના લોકોએ ઈસુનો નકાર કર્યો અને તેમને મારી નાખ્યા. આ દુઃખ જાણે તરવારના ઘા જેવું હતું.—યોહાન ૧૯:૨૫.
૯:૨૭, ૨૮—ઈસુએ અમુક શિષ્યોને વચન આપ્યું હતું કે તેઓ જ્યાં સુધી તેમને સ્વર્ગમાં રાજ કરતા જોશે નહિ, ત્યાં સુધી “મરણ પામશે જ નહિ.” માત્થી ને માર્કે કહ્યું કે ઈસુએ આ વચન આપ્યું એના છ દિવસ પછી ઈસુનું રૂપાંતર થયું હતું. તો પછી લુકે શા માટે કહ્યું કે એ આઠ દિવસ પછી થયું હતું? (માત્થી ૧૭:૧; માર્ક ૯:૨) કદાચ લુકે, ઈસુએ વચન આપ્યું અને ઈસુનું રૂપાંતર થયું એ બંને દિવસો પણ ગણ્યા હતા.
૯:૪૯, ૫૦—એક માણસ લોકોમાંથી ભૂતો કાઢતો હતો, પણ તે ઈસુ સાથે ફરતો ન હતો. તો ઈસુએ શા માટે તેને રોક્યો નહિ? કારણ કે ખ્રિસ્તી મંડળ હજુ શરૂ થયું ન હતું. તેમ જ કોઈએ પોતાની શ્રદ્ધા બતાવવા ઈસુ સાથે જ ફરવું જરૂરી ન હતું.—માર્ક ૯:૩૮-૪૦.
આપણે શું શીખી શકીએ?
૧:૩૨, ૩૩; ૨:૧૯, ૫૧. જે ભવિષ્યવાણીઓ સાચી પડી એ બધીને મરિયમે પોતાના દિલમાં સાચવી રાખી. ઈસુએ કહ્યું હતું કે નજીકમાં આ યુગનો અંત આવશે. તેમનાં વચનો સાચાં થતાં જોઈએ ત્યારે શું આપણે પણ મરિયમની જેમ એ વચનોની દિલથી કદર કરીએ છીએ?—માત્થી ૨૪:૩.
૨:૩૭. આન્નાનો દાખલો શું શીખવે છે? એ જ કે આપણે યહોવાહને હંમેશાં ભજતા રહેવું જોઈએ. ‘પ્રાર્થના’ કરતા રહેવું જોઈએ ને મિટિંગમાં “એકઠા મળવાનું પડતું ન મૂકીએ.”—રૂમી ૧૨:૧૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૨:૪૧-૫૦. યુસફે જીવનમાં યહોવાહની ભક્તિ પ્રથમ મૂકી. તેમણે પોતાનાં કુટુંબને પણ એ પ્રમાણે કરવા મદદ કરી. સાથે સાથે તેમણે કુટુંબનું પાલનપોષણ પણ કર્યું. યુસફે પતિ ને પિતા માટે સારો દાખલો બેસાડ્યો.
૪:૪. યહોવાહ વિષે વિચાર કર્યા વગર એક પણ દિવસ પૂરો થવા ન દો.
૬:૪૦. બીજાઓને બાઇબલ વિષે શીખવતા પહેલાં, આપણે પોતે એના વિષે શીખવું જોઈએ ને પાળવું જોઈએ.
૮:૧૫. ‘દિલમાં વચન ગ્રહણ કરવા ને ધીરજથી ફળ આપવા’ શું કરવું જોઈએ? એ વચનોને સમજવા જોઈએ. એની કદર કરવી જોઈએ. દિલમાં ઉતારવા જોઈએ. જ્યારે આપણે બાઇબલ અને બાઇબલ સાહિત્ય વાંચીએ ત્યારે એ સમજવા પ્રાર્થનામાં યહોવાહની મદદ માગવી જોઈએ.
ઈસુના પ્રચાર કામનો છેલ્લો ભાગ
ઈસુએ તેમની આગળ બીજા સિત્તેર શિષ્યોને યહુદાહના શહેરોમાં મોકલ્યા હતા. (લુક ૧૦:૧) તે પોતે ‘શહેરેશહેર ને ગામેગામ બોધ કરતા’ ગયા.— લુક ૧૩:૨૨.
૩૩ની સાલમાં પાસ્ખા પર્વના પાંચ દિવસ પહેલાં, ઈસુ એક ગધેડાના વછેરા પર બેસીને યરૂશાલેમ આવ્યા. તેમણે શિષ્યોને આ વચન આપ્યું જે નજીકમાં સાચું પડવાનું હતું: “માણસના દીકરાએ ઘણું સહેવું, વડીલોથી તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું, અને ત્રીજે દહાડે પાછા ઊઠવું જરૂરનું છે.”—લુક ૯:૨૨, ૪૪.
સવાલ-જવાબ:
૧૦:૧૮—ઈસુએ તેમના સિત્તેર શિષ્યોને કહ્યું: “મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો.” ઈસુ અહીં શું કહેવા માંગતા હતા? ઈસુ એમ કહેતા ન હતા કે શેતાનને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. એ તો હજુ ૧૯૧૪માં થવાનું હતું જ્યારે તે સ્વર્ગમાં રાજા બને. (પ્રકટીકરણ ૧૨:૧-૧૦) ઈસુએ આ ભાવિની વાત જાણે થઈ ગઈ હોય એ રીતે કરી. તેમને પૂરી ખાતરી હતી કે એ થશે જ.
૧૪:૨૬—ઈસુના શિષ્યોએ કઈ રીતે પોતાના સગાં-વહાલાંનો ‘દ્વેષ’ કરવાનો હતો? બાઇબલ જ્યારે અમુક વાર ‘દ્વેષ’ શબ્દ વાપરે છે, ત્યારે એમ કહેવા માંગે છે કે કોઈ વ્યક્તિ કે ચીજને ઓછું વહાલું ગણો. પોતાનાં સગાંને ‘દ્વેષ’ કરવાનો અર્થ થાય કે ઈસુની સરખામણીમાં તેઓને ઓછા વહાલા ગણો.—માત્થી ૧૦:૩૭.
૧૭:૩૪-૩૭—આ ‘ગીધો’ કોણ છે? ‘મુડદું’ શું છે જ્યાં લોકો ભેગા થાય છે? આ કલમો બતાવે છે કે જ્યારે ઈસુ રાજ કરવાનું શરૂ કરશે ત્યારે અમુક લોકોને લઈ લેવામાં આવશે. આનો અર્થ એ છે કે તેઓને બચાવવામાં આવશે. આ લોકો પાસે ‘ગીધ’ જેવી નજર છે. તેઓ ‘મુડદાં’ પાસે ભેગા થાય છે એટલે કે સ્વર્ગમાં રાજ કરતા ઈસુની આસપાસ ભેગાં થાય છે. ‘મુડદું’ એ પણ બતાવે છે કે યહોવાહ તેઓને સમયસર સત્યનું ખરું જ્ઞાન પીરસે છે.—માત્થી ૨૪:૨૮.
૨૨:૪૪—ઈસુને કેમ એટલી બધી પીડા થઈ? એના અનેક કારણો છે. એક તો તેમને ખૂબ ચિંતા હતી કે તેમને ગુનેગાર તરીકે મારી નાખવામાં આવશે. એ યહોવાહ અને તેમના નામ પર કેટલી ખરાબ છાપ લાવશે. બીજું કે તેમને ખબર હતી કે પોતાનું અમર જીવન અને માણસજાતનું ભાવિ તેમના પર નભતું હતું.
૨૩:૪૪—આખા દેશમાં ત્રણ કલાક સુધી અંધકાર છવાયેલો હતો. શું ચંદ્રએ સૂર્યને ત્રણ કલાક સુધી ઢાંકી દીધો હતો? ના. ચંદ્ર ફક્ત અમાસ વખતે જ સૂર્યને ઢાંકે છે. આ બનાવ પાસ્ખા પર્વ દરમિયાન બન્યો હતો. ત્યારે પૂનમનો ચાંદ હતો. તેથી ઈસુ ગુજરી ગયા ત્યારે યહોવાહ જ આ દેશ પર અંધકાર લાવ્યા હતા.
આપણે શું શીખી શકીએ?
૧૧:૧-૪. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં પ્રાર્થના વિષે શીખવ્યું હતું. પ્રાર્થના કઈ રીતે કરવી એ બતાવ્યું હતું. એના લગભગ ૧૮ મહિના પછી ઈસુ ફરીથી પ્રાર્થના વિષે શીખવે છે. આ વખતે તે એકના-એક શબ્દ નથી વાપરતા. એ બતાવે છે કે પ્રાર્થના ફક્ત મંત્રની જેમ ગોખવી ન જોઈએ.—માત્થી ૬:૯-૧૩.
૧૧:૫, ૧૩. યહોવાહને કોઈ પણ બાબત વિષે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. તે જરૂર જવાબ આપશે.—૧ યોહાન ૫:૧૪.
૧૧:૨૭, ૨૮. ખરું સુખ પરિવારમાંથી કે ચીજ વસ્તુમાંથી આવતું નથી. એ ફક્ત યહોવાહની ભક્તિ કરવાથી જ આવે છે.
૧૧:૪૧. આપણે યહોવાહ કે બીજાઓ માટે જે કંઈ કરીએ એ રાજી-ખુશીથી ને દિલથી કરવું જોઈએ.
૧૨:૪૭, ૪૮. જેની પાસે વધારે જવાબદારી છે, તેણે વધારે હિસાબ આપવો પડશે. જ્યારે કે જેની સમજણ ઓછી છે, તેવી વ્યક્તિને ઓછો હિસાબ આપવો પડશે.
૧૪:૨૮, ૨૯. આપણે ગજા ઉપરાંત ખર્ચ ના કરવો જોઈએ.
૨૨:૩૬-૩૮. ઈસુએ શિષ્યોને એમ ન કહ્યું કે રક્ષણ માટે તેઓએ હથિયાર રાખવા જોઈએ. પણ ઈસુને દગો થયો એ રાતે અમુક શિષ્યો પાસે તરવાર હતી. ઈસુએ મોકો જોઈને તેઓને એક પાઠ શીખવ્યો: “જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.”—માત્થી ૨૬:૫૨. (w08 3/15)
[પાન ૩૧ પર ચિત્ર]
યુસફે પતિ ને પિતા માટે સારો દાખલો બેસાડ્યો
[પાન ૩૨ પર ચિત્ર]
માત્થી, માર્ક અને યોહાન કરતાં લુકે ઈસુના જીવન અને પ્રચાર કામ વિષે વિગતવાર માહિતી આપી