ઘર-ઘરનું પ્રચાર કામ કેમ આજે જરૂરી છે?
“તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.”—પ્રે.કૃ. ૫:૪૨.
૧, ૨. (ક) યહોવાહના સાક્ષીઓની પ્રચાર કરવાની સૌથી મહત્ત્વની રીત કઈ છે? (ખ) આપણે આ લેખમાં કયા સવાલો પર ચર્ચા કરીશું?
દુનિયાના ચારે ખૂણે આવું જોવા મળે છે: બે વ્યક્તિઓ ઘરે ઘરે જઈને બાઇબલમાંથી ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવે છે. જો ઘરમાલિકને એના વિષે વધારે જાણવું હોય તો તેઓ બાઇબલ આધારિત સાહિત્ય આપે છે. અને બાઇબલ સ્ટડી કરવાની ઑફર કરે છે. ત્યાં વાત પતાવીને બીજા ઘરે જાય છે. ઘણી વાર સંદેશો જણાવ્યા પહેલાં લોકોને ખબર પડી જાય છે કે તેઓ યહોવાહના સાક્ષીઓ છે.
૨ આપણે ઘરે ઘરે જઈને લોકોને સંદેશો જણાવીએ છીએ. એની સાથે આપણે બીજી અનેક રીતો પણ વાપરીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) જેમ કે બજારમાં, સ્ટ્રીટમાં અને જાહેર જગ્યાઓએ ઈશ્વરનો સંદેશો જણાવીએ છીએ. (પ્રે.કૃ. ૧૭:૧૭) ફોન કે પત્ર દ્વારા, સ્કૂલમાં કે નોકરી પર મોકો મળે ત્યારે સંદેશો જણાવીએ છીએ. આપણી સંસ્થાની એક વેબસાઈટ છે, જેમાં ૩૦૦ ભાષામાં બાઇબલનો સંદેશો છે.a આ બધી રીતો વાપરવાથી ઘણા લોકો ઈશ્વરને ઓળખતા થયા છે. તોપણ ઘરે ઘરે જઈને પ્રચાર કરવો એ સૌથી મહત્ત્વની રીત છે. ચાલો આપણે શીખીએ કે શા માટે આપણે ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ છીએ? એ કામ આપણા સમયમાં કેવી રીતે શરૂ થયું? આજે આ કામ કેમ મહત્ત્વનું છે?
શિષ્યોએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો
૩. ઈસુએ પ્રચાર વિષે શિષ્યોને કેવી આજ્ઞા આપી? તેઓએ શું કર્યું?
૩ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે પહેલી સદીમાં શિષ્યોએ ઘર-ઘરનો પ્રચાર કર્યો. ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે “જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો.” તેઓએ કેવી રીતે યોગ્ય વ્યક્તિઓને શોધવાની હતી? એ માટે ઈસુએ તેઓને કહ્યું કે લોકોના ‘ઘરમાં જઈને તેઓને સલામ કહો. અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર આવશે.’ શિષ્યોને કોઈએ આમંત્રણ આપ્યું હોય કે ના આપ્યું હોય તોપણ તેઓના ઘરે જવાનું હતું. ઈસુએ સલાહ આપી કે ‘જો કોઈ તમારો આવકાર ના કરે, ને તમારી વાતો ના સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો.’ (માથ. ૧૦:૧૧-૧૪) ઈસુએ જણાવ્યા પ્રમાણે શિષ્યો “ત્યાંથી નીકળ્યા, અને ગામેગામ સુવાર્તા પ્રગટ” કરવા લાગ્યા. લોકોએ આવકાર કર્યો કે ના કર્યો શિષ્યોએ લોકોને સંદેશો જણાવ્યો.—લુક ૯:૬.
૪. બાઇબલની કઈ કલમો ઘરે ઘરે જઈને પ્રચાર કરવા વિષે જણાવે છે?
૪ બાઇબલમાં અનેક કલમો સાબિતી આપે છે કે શિષ્યોએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો. જેમ કે પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨માં કહ્યું છે કે “તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.” સમય જતાં પાઊલે પણ આ રીતે કામ કર્યું. પાઊલે એફેસસમાં ઘરે ઘરે જઈને કહ્યું કે ‘ઈશ્વરની આગળ પસ્તાવો કરો, તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખો.’ એમ કરવાથી લોકો સત્યમાં આવ્યા. વીસેક વર્ષ પછી, પાઊલે એફેસસની ફરી મુલાકાત લીધી ત્યારે વડીલોને કહ્યું કે “જે કંઈ વાત હિતકારક [ભલા માટે] હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરેઘેર તમને બોધ કર્યો.” (પ્રે.કૃ. ૨૦:૨૦, ૨૧) આ કલમ વિષે એક બાઇબલ રેફરન્સ જણાવે છે કે ‘પાઊલ સારા પ્રચારક હતા અને તેમણે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો.’—રોબર્ટસનનું વર્ડ પિક્ચર ઇન ધ ન્યૂ ટેસ્ટામેન્ટ.
ઘરે ઘરે જઈને પ્રચાર કરીએ
૫. યોએલની ભવિષ્યવાણીમાં પ્રચાર કામને શાની સાથે સરખાવ્યું છે? સમજાવો.
૫ પહેલી સદીની જેમ આપણા સમયમાં પ્રચાર કરવાની જરૂર છે. પહેલી સદી કરતાં આજે આ મહાન કામ આખી પૃથ્વી પર કરવામાં આવી રહ્યું છે. પ્રબોધક યોએલે આપણા પ્રચાર કામને તીડો સાથે સરખાવ્યું હતું. (યોએ. ૧:૪) સામાન્ય રીતે તીડો સેનાની જેમ આગળ વધે છે. કોઈ પણ નડતર તેઓને આગળ વધતા રોકી શકતું નથી. તેઓ ગમે ત્યાંથી ઘરોમાં ઘૂસી જાય છે. તેઓના રસ્તામાં જે પણ આવે એ બધાનો સફાયો કરતા જાય છે. (યોએલ ૨:૨, ૭-૯ વાંચો.) તીડોની જેમ આપણે કોઈ પણ નડતર કે મુશ્કેલીનો સામનો કરીને પ્રચારમાં આગળ વધીએ છીએ. રસ્તામાં આવતા દરેક ઘરે સંદેશો જણાવીએ છીએ. સ્વર્ગ જનારા કે પૃથ્વી પરની આશા રાખનારા બધા જ ભાઈ-બહેનો ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે. આમ આપણે યોએલની ભવિષ્યવાણી પૂરી કરીએ છીએ. (યોહા. ૧૦:૧૬) તો સવાલ થાય કે યહોવાહના સાક્ષીઓએ ઘરે ઘરે જઈને સંદેશો આપવાનું કામ ક્યારથી શરૂ કર્યું?
૬. વૉચટાવરમાં ઘર-ઘરના પ્રચાર વિષે કેવું ઉત્તેજન આપવામાં આવ્યું? અમુક ભાઈ-બહેનોએ શું કર્યું?
૬ ૧૯૧૯થી સંસ્થાએ દરેક ભાઈ-બહેનોને ઘર- ઘરના પ્રચારમાં ભાગ લેવા ઉત્તેજન આપ્યું. ઑગસ્ટ ૧૫, ૧૯૨૨ના વૉચટાવરમાં એક લેખનો વિષય હતો, ‘પ્રચાર કામ કરવું એ દરેકની જવાબદારી છે.’ એમાં જણાવ્યું હતું કે સ્વર્ગમાં જનારાંઓએ ‘ઈશ્વરના રાજ્ય વિષે લોકોના ઘરે જઈને જણાવવું પડશે.’ સાથે સાથે બુલેટીનમાં (આપણી રાજ્ય સેવા) ભાઈ-બહેનો ઘર-ઘરનો પ્રચાર સારી રીતે કરી શકે એવી રજૂઆતો આપવામાં આવી. તોપણ હજી ઘણા ભાઈ-બહેનો ઘર-ઘરના પ્રચારમાં ભાગ લેતા અચકાતા હતા. ઘણાએ આ કામ કરવા બહાના કાઢ્યા. તેઓને લાગ્યું કે ઘરે ઘરે જઈને પ્રચાર કરવાથી લોકો તેમની મશ્કરી કરશે. દુઃખની વાત છે કે જ્યારે ઘર-ઘરના પ્રચાર પર વધારે ભાર મૂકવામાં આવ્યો ત્યારે અમુક લોકોએ યહોવાહનો માર્ગ છોડી દીધો.
૭. અમેરિકામાં, ૧૯૫૧માં ઘર-ઘરના પ્રચાર વિષે શું જોવા મળ્યું?
૭ સમય જતાં ભાઈ-બહેનો પ્રચારમાં જોડાવા લાગ્યા. પણ તેઓ ઘર-ઘરના પ્રચાર કામમાં કાચા હતા. ચાલો અમેરિકાનો દાખલા લઈએ. લગભગ ૧૯૫૧માં ૨૮ ટકા ભાઈ-બહેનો ફક્ત રસ્તે આવતા-જતા લોકોને પ્રચાર કરતા હતા. ૪૦ ટકા ભાઈ-બહેનો રેગ્યુલર ન હતા. તેઓ મહિનાઓ સુધી પ્રચારમાં જતા ન હતા. આ આંકડાઓ બતાવે છે કે ભાઈ-બહેનોને ઘર-ઘરના પ્રચાર માટે ટ્રેનિંગની જરૂર હતી.
૮, ૯. ૧૯૫૩થી કઈ ટ્રેનિંગ શરૂ થઈ? કેવા આશીર્વાદો મળ્યા?
૮ ૧૯૫૩માં ન્યૂ યૉર્ક શહેરમાં ઇન્ટરનેશનલ ઍસેમ્બલી રાખવામાં આવી. એમાં ઘર-ઘરના પ્રચાર પર ભાર મૂકવામાં આવ્યો. ભાઈ નાથાન એચ. નોરે જણાવ્યું કે દરેક વડીલોએ ભાઈ-બહેનોને પ્રચારમાં મદદ કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે ‘બધાએ નિયમિત રીતે ઘર-ઘરના પ્રચારમાં ભાગ લેવો જોઈએ.’ એ સંમેલન પછી આખી દુનિયામાં ભાઈ-બહેનોને ટ્રેનિંગ આપવાની શરૂઆત થઈ. જેઓએ હજી ઘર-ઘરના પ્રચારમાં ભાગ લીધો ન હતો તેઓને ટ્રેનિંગ આપવામાં આવી. એનાથી તેઓ ઘરમાલિક સાથે બાઇબલમાંથી સંદેશો જણાવી શક્યા. અને ઘરમાલિકના પ્રશ્નોના જવાબ આપી શક્યા.
૯ આ ટ્રેનિંગને લીધે ઘણા સારા આશીર્વાદો મળ્યા. દશ વર્ષની અંદર જ ભાઈ-બહેનોની સંખ્યામાં ૧૦૦ ટકા વધારો થયો. ફરી મુલાકાતમાં ૧૨૬ ટકાનો વધારો થયો. અને બાઇબલ સ્ટડીમાં ૧૫૦ ટકાનો વધારો થયો. એ ટ્રેનિંગથી આપણને પણ ફાયદો થયો છે. એના લીધે આજે દુનિયા ફરતે લગભગ ૭૦ લાખ ભાઈ-બહેનો ઈશ્વરનો સંદેશો જણાવી રહ્યા છે. સાચે જ ભાઈ-બહેનોની મહેનતને યહોવાહે આશીર્વાદ આપ્યો છે.—યશા. ૬૦:૨૨.
લોકોના બચાવ માટે ચિહ્ન
૧૦, ૧૧. (ક) હઝકીએલે કયું સંદર્શન જોયું? (ખ) આ ભવિષ્યવાણી આજે કેવી રીતે પૂરી થઈ રહી છે?
૧૦ પ્રબોધક હઝકીએલે એક સંદર્શનમાં જોયું કે ઘર-ઘરનું પ્રચાર કામ ખૂબ જરૂરી છે. તે છ માણસોને હાથમાં હથિયાર લઈને ઊભેલા જુએ છે. તેઓની વચ્ચે સાતમો માણસ શણના વસ્ત્ર પહેરેલો ઊભો છે. તેની કમરે લહિયાનો સહી ભરેલો ખડિયો લટકાવેલો છે. તેને કહેવામાં આવ્યું કે ‘નગરમાં સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોને લીધે નિસાસા નાખતા હોય તથા રડતા હોય તેઓનાં કપાળ પર ચિહ્ન કર.’ પછી છ માણસોને યહોવાહે આજ્ઞા આપી કે જેઓના કપાળ પર ચિહ્ન નથી તેઓનો નાશ કરો.—હઝકીએલ ૯:૧-૬ વાંચો.
૧૧ આ ભવિષ્યવાણીનો અર્થ શું થાય? “શણનાં વસ્ત્ર પહેરેલો” માણસ, સ્વર્ગમાં જવાની રાહ જોતા ભાઈ-બહેનોને રજૂ કરે છે. તેઓ પ્રચાર દ્વારા બીજાઓને યહોવાહના માર્ગમાં ચાલવા મદદ કરે છે. જેઓ એ માર્ગે ચાલે છે તેઓ મોટા ટોળાનો ભાગ બને છે. તેઓને સ્વર્ગમાં જનારા જાણે કે કપાળ પર ચિહ્ન કરે છે. (યોહા. ૧૦:૧૬) ચિહ્ન બતાવે છે કે તેઓએ બાપ્તિસ્મા લીધું છે. અને ઈસુ જેવા ગુણો કેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. (એફે. ૪:૨૦-૨૪) તેઓ, સ્વર્ગમાં જવાની રાહ જોનારા સાથે એકરાગે યહોવાહનો સંદેશો જણાવે છે.—પ્રકટી. ૨૨:૧૭.
૧૨. હઝકીએલના સંદર્શન પ્રમાણે આપણી પાસે કઈ મોટી જવાબદારી છે?
૧૨ હઝકીએલના સંદર્શનમાં લોકો ‘નિસાસા નાખતા તથા રડતા’ જોવા મળે છે. એટલે કે લોકો દુનિયાની હાલત જોઈને ત્રાસી ગયા છે. એવા લોકોને યહોવાહનો સંદેશો જણાવવો ખૂબ જરૂરી છે, જેથી તેઓને રાહત મળે. જો તેઓ યહોવાહનો સંદેશો સ્વીકારશે તો તેમને જીવન મળશે. પણ જાણીજોઈને નકારશે તો ‘છ માણસો’ તેઓનો નાશ કરશે. આ છ માણસો ઈસુ અને તેમના પરાક્રમી દૂતોને રજૂ કરે છે. પાઊલે કહ્યું કે ઈસુ “પોતાના પરાક્રમી દૂતો” દ્વારા ‘જેઓ દેવને ઓળખતા નથી ને તેમની સુવાર્તા માનતા નથી, તેઓને સજા કરશે.’ (૨ થેસ્સા. ૧:૭, ૮) આ કલમો બતાવે છે કે જે લોકો ઈશ્વરનો સંદેશો નહીં માને તેઓનો ઈસુ અને દૂતો ન્યાય કરશે. યહોવાહે આપણને સંદેશો જણાવવાની જવાબદારી સોંપી છે. (હઝકીએલ ૩:૧૭-૧૯ વાંચો.) એ જણાવવું ખૂબ જરૂરી છે, કેમ કે લોકોનું જીવન આપણા હાથમાં છે. તેથી ચાલો અંત સુધી આ કામ તન-મનથી કરીએ.—પ્રકટી. ૧૪:૬, ૭.
૧૩. (ક) શા માટે પાઊલ બધાને પ્રચાર કરવા માગતા હતા? (ખ) શા માટે તમે પ્રચાર કરો છો?
૧૩ ઈશ્વરભક્ત પાઊલે ઈશ્વરનો સંદેશો બીજાઓને તન-મનથી જણાવ્યો. તેમણે લખ્યું, ‘ગ્રીકો, બર્બરો, જ્ઞાનીઓ તેમજ મૂર્ખોની સેવા મારે કરવી જોઈએ. માટે હું તમો રૂમીઓને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને ઉત્સુક છું.’ (રૂમી ૧:૧૪, ૧૫) શા માટે પાઊલને એવું લાગ્યું? પાઊલ પહેલા લોકોની ખૂબ સતાવણી કરતા હતા. પણ યહોવાહે તેમના પર કૃપા અને પ્રેમ બતાવ્યા. (૧ તીમો. ૧:૧૨-૧૬) યહોવાહની કૃપા મેળવ્યા પછી પાઊલ ચાહતા હતા કે દરેક યહોવાહની કૃપા અને પ્રેમ મેળવે. એટલે તેમણે બધા લોકોને પ્રચાર કર્યો. શું આપણે પાઊલની જેમ તન-મનથી પ્રચાર કરીએ છીએ?—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૬, ૨૭ વાંચો.
૧૪. પ્રચાર કરવાનું સૌથી મહત્ત્વનું કારણ શું છે?
૧૪ ઘર-ઘરનો પ્રચાર કરવાથી લોકોને અમર જીવનનો આશીર્વાદ મળશે. પણ સૌથી મહત્ત્વનું તો યહોવાહનું નામ રોશન થશે. એક ભવિષ્યવાણીમાં યહોવાહ જણાવે છે કે ‘સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે; સર્વ સ્થળે મારે નામે ધૂપ બાળવામાં તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે; મારું નામ વિદેશીઓમાં મહાન મનાય છે.’ (માલા. ૧:૧૧) આજે આપણે પ્રચાર કરીને આ ભવિષ્યવાણી પૂરી કરીએ છીએ. દુનિયાભરમાં સાક્ષીઓ યહોવાહનું નામ મોટું મનાવી રહ્યા છે. (ગીત. ૧૦૯:૩૦; માથ. ૨૪:૧૪) યહોવાહના દરેક ભક્તો પ્રચાર કરીને ‘સ્તુતિનું અર્પણ’ ચઢાવે છે. યહોવાહનું નામ રોશન કરવા આપણે તન-મનથી ઘર-ઘરનું પ્રચાર કરીએ છીએ.—હેબ્રી ૧૩:૧૫.
મહાન દિવસ પહેલાં પ્રચારમાં વધારો થશે
૧૫. (ક) સાતમે દિવસે ઈસ્રાએલીઓએ શું કર્યું? (ખ) ઈસ્રાએલીઓના દાખલાને આપણા સમય સાથે કેવી રીતે સરખાવી શકીએ?
૧૫ આજના સમયમાં હજુ પણ પ્રચાર કામમાં વધારો થશે. એ સમજવા યરેખો શહેરનો દાખલો લઈએ. યરેખો શહેરનો નાશ થયો એ પહેલાં યહોવાહે આજ્ઞા આપી કે ઈસ્રાએલીઓએ છ દિવસ સુધી એક વખત શહેરને ફરતે ચક્કર મારવું. પણ સાતમે દિવસે એક વાર નહીં પણ વધારે વાર પ્રદક્ષિણા કરવી. યહોવાહે કહ્યું કે ‘સાતમે દિવસે સાત વાર નગરની પ્રદક્ષિણા કરો, ને યાજકો રણશિંગડાં વગાડે. અને જ્યારે તેઓ મેંઢાનું શિંગ લાંબે સાદે વગાડે, ત્યારે એમ થાય, કે સર્વ લોકો યુદ્ધનો મોટો પોકાર કરે; પછી નગરનો કોટ તૂટી પડશે.’ (યહો. ૬:૨-૫) યરેખોની જેમ યહોવાહ આ દુષ્ટ જગતનો નાશ કરવાના છે. એ પહેલાં પ્રચાર કામમાં વધારો થશે. મહાન દિવસ આવે એ પહેલાં આખી દુનિયામાં યહોવાહનાં નામ અને રાજ્ય વિષે જાહેર કરવામાં આવશે.
૧૬, ૧૭. (ક) “મોટી વિપત્તિ” પહેલાં શું જાહેર થશે? (ખ) હવે પછીના લેખમાં શું શીખીશું?
૧૬ યહોવાહનો મહાન દિવસ નજીક આવે છે એમ આપણો સંદેશો યુદ્ધના મોટા પોકાર જેવો બને છે. બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક યહોવાહના સંદેશાને “આશરે એક એક મણના મોટા કરા” સાથે સરખાવે છે.b એટલે જ પ્રકટીકરણ ૧૬:૨૧માં આ સંદેશાને અતિશય ભારે આફત કહેવામાં આવી છે. આ છેલ્લા સમયમાં ઘર-ઘરના પ્રચાર દ્વારા લોકો પર શું અસર થશે એ આપણે જાણતા નથી. પણ આપણને પૂરી ખાતરી છે કે “મોટી વિપત્તિ” પહેલાં યહોવાહનું નામ દુનિયાના ખૂણે ખૂણે જાહેર થશે.—પ્રકટી. ૭:૧૪; હઝકી. ૩૮:૨૩.
૧૭ આપણે યહોવાહના મહાન દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ એ પહેલાં આપણે પૂરા ઉત્સાહથી પ્રચાર કરતા રહીએ. એમ કરવું હંમેશાં સહેલું નથી. હવે પછીના લેખમાં શીખીશું કે ઘર-ઘરના પ્રચારમાં કેવી મુશ્કેલીઓ આવે છે? એનો કેવી રીતે સામનો કરી શકીએ? (w08 7/15)
[Footnotes]
a આપણી વેબસાઈટ www.watchtower.org.
b અહીંયા એક મણ એટલે ૨૦ કિલો.
તમે સમજાવી શકો?
• કઈ કલમો બતાવે છે કે આપણે ઘરે ઘરે જઈને પ્રચાર કરવો જોઈએ?
• આપણા સમયમાં ઘર-ઘરના પ્રચાર વિષે કેવું ઉત્તેજન આપવામાં આવ્યું?
• આપણે શા માટે પ્રચાર કરવો જોઈએ?
• યહોવાહનો મહાન દિવસ આવે એ પહેલાં પ્રચાર કરવાથી શું થશે?
[Picture on page 10]
પાઊલની જેમ શું આપણે પણ તન-મનથી પ્રચાર કરીએ છીએ?
[Picture on page 11]
૧૯૫૩માં ભાઈ નોર