દાઊદ અને સુલેમાન કરતાં ચડિયાતા રાજા ઈસુનું માનીએ
“જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે.”—માથ. ૧૨:૪૨.
૧, ૨. દાઊદની રાજા તરીકેની પસંદગી કેમ નવાઈ પમાડતી હતી?
દાઊદ ફક્ત નાનકડો છોકરો હતો. ઘેટાં ચરાવતો હતો. બેથલેહેમ નામના નાનકડા ગામમાં રહેતો હતો. બાઇબલ એ ગામ વિષે કહે છે: “તું એટલું નાનું છે કે યહુદાહનાં ગોત્રોમાં [કુળોમાં] તારી કંઈ ગણતરી નથી.” (મીખા. ૫:૨) તોયે યહોવાહે એ મામૂલી છોકરાને ઈસ્રાએલનો રાજા થવા પસંદ કર્યો.
૨ દાઊદના પિતાનું નામ યિશાઈ હતું. યહોવાહે શમૂએલને યિશાઈના એક દીકરાને રાજા તરીકે પસંદ કરવા મોકલ્યા હતા. શમૂએલે ધાર્યું કે એ પહેલો દીકરો હશે. પણ એમ ન હતું. પછી બીજો દીકરો જોયો. યહોવાહે એની પણ ના કહી. એમ પહેલા સાતેય દીકરા યહોવાહને પસંદ ન પડ્યા. યહોવાહને તો આઠમો દીકરો દાઊદ પસંદ પડ્યો.—૧ શમૂ. ૧૬:૧-૧૦.
૩. (ક) યહોવાહ શું જુએ છે, શું નથી જોતા? (ખ) દાઊદના માથા પર તેલ રેડવામાં આવ્યું ત્યારે શું બન્યું?
૩ યહોવાહ દરેકનું દિલ જુએ છે, બહારનો દેખાવ નહિ. તેમણે દાઊદનું દિલ જોયું. યહોવાહને ઈસ્રાએલના રાજા તરીકે તે પસંદ પડ્યો. (૧ શમૂએલ ૧૬:૭ વાંચો.) શમૂએલે જોયું કે યહોવાહે યિશાઈના સાત દીકરામાંથી કોઈને પસંદ નથી કર્યો. યિશાઈને પૂછતા જાણ થઈ કે તેનો સૌથી નાનો દીકરો ઘેટાં ચરાવતો હતો. શમૂએલે તેને બોલાવવા કહ્યું. તરત જ, યિશાઈએ “માણસ મોકલીને તેને [દાઊદને] તેડી મંગાવ્યો, હવે તે છોકરો લાલચોળ તથા સુંદર ચહેરાનો તથા દેખાવમાં ફૂટડો હતો. યહોવાહે કહ્યું, કે ઊઠીને એનો અભિષેક કર; કેમકે એ જ તે છે. ત્યારે શમૂએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો; અને તે દિવસથી યહોવાહનો આત્મા [શક્તિ] દાઊદ પર પરાક્રમસહિત આવ્યો.”—૧ શમૂ. ૧૬:૧૨, ૧૩.
દાઊદે ઈસુને રજૂ કર્યા
૪, ૫. (ક) દાઊદ અને ઈસુમાં અમુક કઈ બાબતો સરખી છે? (ખ) ઈસુ કઈ રીતે દાઊદ કરતાં ચડિયાતા છે?
૪ દાઊદના લગભગ ૧,૧૦૦ વર્ષ પછી, ઈસુનો જન્મ પણ બેથલેહેમમાં થયો. લોકો જેવા રાજાની આશા રાખતા હતા, એવા ઈસુ ન હતા. તોપણ, યહોવાહે દાઊદની જેમ જ ઈસુને પસંદ કર્યા. બંને પર યહોવાહ પ્રસન્ન હતા.a (લુક ૩:૨૨) ઈસુ પણ ‘યહોવાહની શક્તિથી’ ભરપૂર થયા.
૫ દાઊદ અને ઈસુ વિષે ઘણી બાબતો સરખી છે. દાખલા તરીકે, દાઊદના મંત્રી અહીથોફેલે તેને દગો દીધો. એમ જ યહુદા ઈસકારીઓતે પણ ઈસુને દગો દીધો. (ગીત. ૪૧:૯; યોહા. ૧૩:૧૮) દાઊદ અને ઈસુ બંનેને યહોવાહની ભક્તિ માટે ખૂબ હોંશ હતી. (ગીત. ૨૭:૪; ૬૯:૯; યોહા. ૨:૧૭) ઈસુ દાઊદના વંશમાંથી આવ્યા. તેમના જન્મ પહેલાં, સ્વર્ગદૂતે મરિયમને કહ્યું: ‘ઈશ્વર ઈસુને તેના પિતા દાઊદનું રાજ્યાસન આપશે.’ (લુક ૧:૩૨; માથ. ૧:૧) લોકો સદીઓથી મસીહની રાહ જોતા હતા. એની બધી ભવિષ્યવાણીઓ ઈસુમાં પૂરી થઈ. આ રીતે દાઊદ કરતાં ઈસુ ચડિયાતા સાબિત થયા.—યોહા. ૭:૪૨.
ઈસુ, આપણા પાળક
૬. દાઊદ કઈ રીતે સારો ઘેટાંપાળક હતો?
૬ દાઊદ નાનપણથી ઘેટાંપાળક હતો. તે ઘેટાંની સંભાળ સારી રીતે રાખતો. એક વાર સિંહ અને બીજી વાર રીંછે ઘેટાં પર હુમલો કર્યો ત્યારે, દાઊદે તેઓને બચાવ્યા. (૧ શમૂ. ૧૭:૩૪, ૩૫) સારા ઘેટાંપાળકની જેમ દાઊદે ઘેટાંનું જીવની જેમ રક્ષણ કર્યું.—ગીત. ૨૩:૨-૪.
૭. (ક) ઈસ્રાએલની સારી સંભાળ રાખવા દાઊદને શામાંથી મદદ મળી? (ખ) ઘેટાંપાળક તરીકે ઈસુ કઈ રીતે દાઊદથી ચડિયાતા સાબિત થયા?
૭ ઘેટાંપાળક તરીકેના અનુભવે દાઊદને ઘણું શીખવ્યું. એટલે રાજા બન્યો ત્યારે, તેણે ઈસ્રાએલીઓની સારી સંભાળ રાખી.b (ગીત. ૭૮:૭૦, ૭૧) ઈસુ પણ એવા જ છે. યહોવાહના માર્ગદર્શન અને શક્તિથી, તે “નાની ટોળી” અને ‘બીજાં ઘેટાંની’ સંભાળ રાખે છે. (લુક ૧૨:૩૨; યોહા. ૧૦:૧૬) ઘેટાંપાળક પોતાનું દરેક ઘેટું સારી રીતે ઓળખે છે તેમ, ઈસુ પોતાના દરેક શિષ્યને સારી રીતે ઓળખે છે. ઈસુને તેઓ એટલા વહાલા છે કે તેઓ માટે પોતે કુરબાન થઈ ગયા. (યોહા. ૧૦:૩, ૧૧, ૧૪, ૧૫) ઈસુએ ઇન્સાનને મોતના મોંમાંથી બચાવ્યા. તે તેઓને અમર જીવનના માર્ગ પર દોરે છે, ભલે એ સ્વર્ગમાં જનારી “નાની ટોળી” હોય કે પૃથ્વી પર રહેનારાં “બીજાં ઘેટાં.” પછી તેઓને કોઈ જોખમ રહેશે નહિ. આમ ઘેટાંપાળક તરીકે, દાઊદ કરતાં ઈસુ ચડિયાતા બન્યા.—યોહાન ૧૦:૨૭-૨૯ વાંચો.
ઈસુ, જીત મેળવતા રાજા
૮. દાઊદ કઈ રીતે શક્તિશાળી રાજા બન્યો?
૮ દાઊદ રાજાએ પોતાના દેશ અને લોકોનું હિંમતથી રક્ષણ કર્યું. “દાઊદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં યહોવાહે તેને ફતેહ [જીત] પમાડી.” દાઊદના રાજમાં ઈસ્રાએલની સરહદ મિસરથી થઈને ફ્રાત નદી સુધી વધી. (૨ શમૂ. ૮:૧-૧૪) તે યહોવાહની મદદથી શક્તિશાળી રાજા બન્યો. બાઇબલ કહે છે: “દાઊદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઇ ગઇ; અને યહોવાહે સર્વ પ્રજાઓ પર તેનો દાબ [ડર] બેસાડ્યો.”—૧ કાળ. ૧૪:૧૭.
૯. ઈસુએ શાના પર જીત મેળવી? કઈ રીતે?
૯ દાઊદની જેમ ઈસુને પણ યહોવાહે રાજા તરીકે પસંદ કર્યા. ઈસુ પણ હિંમતવાળા હતા. તેમણે દુષ્ટ દૂતોના પંજામાંથી લોકોને બચાવ્યા. (માર્ક ૫:૨, ૬-૧૩; લુક ૪:૩૬) ભલે આખું જગત શેતાનના હાથમાં હતું, તોયે ઈસુ પર તેનું જોર ચાલ્યું નહિ. યહોવાહની મદદથી ઈસુએ જગતને જીત્યું હતું.—યોહા. ૧૪:૩૦; ૧૬:૩૩; ૧ યોહા. ૫:૧૯.
૧૦, ૧૧. ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા પછી શું કર્યું ને હજુ શું કરશે?
૧૦ ઈસુ સજીવન કરાયા એના સાઠેક વર્ષો પછી, યોહાનને સંદર્શન થયું. એમાં તેમણે જોયું કે ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા છે. યોહાને લખ્યું: “જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા સારૂ નીકળ્યો.” (પ્રકટી. ૬:૨) ૧૯૧૪માં ઈસુને “મુગટ આપવામાં આવ્યો.” એટલે કે તે સ્વર્ગમાં રાજ કરવા લાગ્યા. તે સફેદ ઘોડા પર સવારી કરીને ‘જીતવા સારૂ નીકળ્યા.’ દાઊદની જેમ ઈસુ પણ જીત મેળવતા રહે છે. ઈસુ રાજા બન્યા એના થોડા સમય પછી, તેમણે શેતાનને હરાવ્યો. શેતાન અને તેના સાથીદારોને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધા. (પ્રકટી. ૧૨:૭-૯) ઈસુ “જીતવા સારૂ” લડતા રહેશે અને શેતાનના જગતનો નાશ કરશે.—પ્રકટીકરણ ૧૯:૧૧, ૧૯-૨૧ વાંચો.
૧૧ દાઊદ દયાળુ હતો. ઈસુ પણ એવા જ છે. આર્માગેદનમાં તે ‘મોટી સભાને’ બચાવશે. (પ્રકટી. ૭:૯, ૧૪) ૧,૪૪,૦૦૦ ભક્તો સ્વર્ગમાં સજીવન થયા પછી, ઈસુ સાથે રાજ કરશે. ગુજરી ગયેલા “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન” થશે. (પ્રે.કૃ. ૨૪:૧૫) તેઓને અમર જીવવાનો મોકો મળશે. નવી દુનિયામાં આખી પૃથ્વી પર ઈશ્વરભક્તો સુખેથી જીવશે. આપણે પણ એવો આશીર્વાદ મેળવવા કોઈનું બૂરું ન કરીએ, પણ ‘ભલું કરીએ.’ પછી આપણે ઈસુના રાજમાં સુખી થઈશું.—ગીત. ૩૭:૨૭-૨૯.
સુલેમાનની પ્રાર્થનાનો જવાબ
૧૨. સુલેમાને શાના માટે પ્રાર્થના કરી?
૧૨ દાઊદના એક દીકરાનું નામ સુલેમાન હતું. તે પણ ઈસુને રજૂ કરે છે.c સુલેમાન રાજા બન્યો ત્યારે, યહોવાહે તેને સ્વપ્નમાં દર્શન દીધું. યહોવાહે કહ્યું કે ‘માગ, હું તને શું આપું?’ સુલેમાન હીરા-મોતી, સત્તા અને લાંબું જીવન માગી શક્યા હોત. પણ તેણે યહોવાહને આ વિનંતી કરી: “આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું, માટે મને ડહાપણ તથા વિવેકબુદ્ધિ આપ; કેમકે તારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?” (૨ કાળ. ૧:૭-૧૦) યહોવાહે સુલેમાનની માગ પૂરી કરી.—૨ કાળવૃત્તાંત ૧:૧૧, ૧૨ વાંચો.
૧૩. સુલેમાન કઈ રીતે સૌથી બુદ્ધિશાળી હતો? એ આશીર્વાદ તેને કોની પાસેથી મળ્યો?
૧૩ યહોવાહને બેવફા બન્યો ત્યાં સુધી, સુલેમાન સૌથી બુદ્ધિશાળી હતો. તેને “ત્રણ હજાર સૂત્રો” કે નીતિવચનો મોઢે હતાં. (૧ રાજા. ૪:૩૦, ૩૨, ૩૪) એમાંના ઘણા લખી લેવામાં આવ્યા. આજે પણ લોકો એમાંથી શીખે છે. શેબાની રાણી લગભગ ૨,૪૦૦ કિલોમીટર દૂરથી ‘ગૂંચવણ ભરેલા પ્રશ્નો વડે સુલેમાનની પરીક્ષા કરવા આવી.’ સુલેમાનનું રાજ્ય અને ડહાપણ જોઈને તે ખૂબ નવાઈ પામી. (૧ રાજા. ૧૦:૧-૯) બાઇબલ જણાવે છે કે ‘યહોવાહે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની હજૂરમાં આવતા.’—૧ રાજા. ૧૦:૨૪.
બુદ્ધિશાળી રાજા ઈસુનું માનીએ
૧૪. ઈસુ કઈ રીતે ‘સુલેમાન કરતાં મોટા’ હતા?
૧૪ સુલેમાન કરતાં ઈસુ વધારે બુદ્ધિશાળી છે. ઈસુએ પોતાના વિષે કહ્યું કે “સુલેમાન કરતાં અહીં એક મોટો છે.” (માથ. ૧૨:૪૨) ઈસુ તો “અનંતજીવનની વાતો” કરતા. (યોહા. ૬:૬૮) ઈસુએ પહાડ પરનું પ્રવચન આપ્યું. એમાં તેમણે સુલેમાનનાં અમુક નીતિવચનોના સિદ્ધાંતો સમજાવ્યા. જેમ કે યહોવાહના ભક્તોને શામાંથી સુખ મળે છે. (નીતિ. ૩:૧૩; ૮:૩૨, ૩૩; ૧૪:૨૧; ૧૬:૨૦) એના પર ભાર મૂકતા ઈસુએ કહ્યું કે ખરું સુખ યહોવાહની ભક્તિમાંથી મળે છે. તેમનાં વચનો પૂરા થતાં જોઈને દિલને આનંદ થાય છે. યહોવાહ તો “જીવનનો ઝરો” છે. (ગીત. ૩૬:૯) એટલે ઈસુએ કહ્યું: “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે, તેઓને ધન્ય છે.” (માથ. ૫:૩, NW) ઈસુમાં ‘ઈશ્વરનું જ્ઞાન’ છે. (૧ કોરીં. ૧:૨૪, ૩૦) તેમનામાં ‘સુબુદ્ધિ અને સમજ’ છે. (યશા. ૧૧:૨) ચાલો આપણે શુદ્ધ મનથી ઈસુનું શિક્ષણ દિલમાં ઉતારીએ.—નીતિ. ૨૨:૧૧; માથ. ૫:૮.
૧૫. યહોવાહના જ્ઞાનનો લાભ લેવા શું કરવું જોઈએ?
૧૫ ઈસુની જેમ આપણે કઈ રીતે યહોવાહના જ્ઞાનનો લાભ લઈ શકીએ? બાઇબલ વાંચીએ. ખાસ તો ઈસુનો બોધ વાંચીએ. એમાંથી જે કંઈ શીખીએ એ જીવનમાં ઉતારીએ. (નીતિ. ૨:૧-૫) યહોવાહની મદદ માટે વારંવાર પ્રાર્થના કરીએ. તે આપણને જરૂર મદદ આપશે. (યાકૂ. ૧:૫) તેમની મદદથી બાઇબલનું જ્ઞાન સમજવા આપણને મદદ મળશે. તકલીફો સહેવા અને સારા નિર્ણયો લેવા પણ મદદ મળશે. (લુક ૧૧:૧૩) સુલેમાન હંમેશાં ‘લોકોને જ્ઞાન આપતો,’ એટલે “સભાશિક્ષક” તરીકે પણ ઓળખાતો. (સભા. ૧૨:૯, ૧૦) આજે ઈસુ મંડળની દેખરેખ રાખે છે. (યોહા. ૧૦:૧૬; કોલો. ૧:૧૮) તે આપણને મંડળમાં ‘શીખવે’ છે, એટલે કોઈ મિટિંગ ચૂકીએ નહિ.
૧૬. સુલેમાન અને ઈસુ વચ્ચે બીજી કઈ બાબત સરખી છે?
૧૬ સુલેમાને આખા દેશમાં જબરજસ્ત બાંધકામ કરાવ્યું. મહેલો, રસ્તાઓ, તળાવો, ભંડારનાં, રથોનાં અને ઘોડેસવારોનાં શહેરો બાંધ્યા. એનાથી બધાને ફાયદો થયો. (૧ રાજા. ૯:૧૭-૧૯) ઈસુએ પણ બાંધકામ કર્યું છે. તેમણે પોતાના મંડળનો પાયો “પથ્થર” પર નાખ્યો છે. (માથ. ૧૬:૧૮) હજુ નવી દુનિયામાં થનારા બાંધકામ પર પણ તે દેખરેખ રાખશે.—યશા. ૬૫:૨૧, ૨૨.
શાંતિના રાજાના પગલે ચાલીએ
૧૭. (ક) સુલેમાનનું રાજ કઈ રીતે અજોડ હતું? (ખ) સુલેમાન રાજા શું ન કરી શક્યો?
૧૭ મૂળ હિબ્રૂમાં સુલેમાન નામનો અર્થ થાય, “શાંતિ.” સુલેમાને યરૂશાલેમમાં રાજ કર્યું. યરૂશાલેમ નામનો અર્થ થાય, ‘બમણી શાંતિનો દેશ.’ સુલેમાનના ચાળીસ વર્ષના રાજમાં બધે જ શાંતિ હતી. બાઇબલ કહે છે: ‘સુલેમાનના સર્વ દિવસોમાં દાનથી તે બેરશેબા સુધી યહુદાહ તથા ઈસ્રાએલ પોતપોતાના દ્રાક્ષવેલા નીચે પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા.’ (૧ રાજા. ૪:૨૫) તોપણ સુલેમાન પોતાની પ્રજાને બીમારી, પાપ અને મોતની જંજીરમાંથી આઝાદ કરી ન શક્યો. જ્યારે કે ઈસુ બીમારી, પાપ અને મોતને મિટાવી દેશે!—રૂમી ૮:૧૯-૨૧ વાંચો.
૧૮. આપણે મંડળમાં કયા આશિષ અનુભવીએ છીએ?
૧૮ યહોવાહ સાથે પાકો નાતો હોવાથી, આપણામાં શાંતિ છે. આપણે બધા સાથે હળીમળીને રહીએ છીએ. આપણા દિવસો વિષે યશાયાહે આમ લખ્યું: “તેઓ પોતાની તરવારોને ટીપીને કોશો, અને પોતાના ભાલાઓનાં ધારિયાં બનાવશે; પ્રજાઓ એકબીજીની વિરૂદ્ધ તરવાર ઉગામશે નહિ, અને તેઓ ફરીથી યુદ્ધકળા શીખશે નહિ.” (યશા. ૨:૩, ૪) આપણે ઈશ્વરના માર્ગે ચાલતા રહીશું તો, મંડળની શાંતિ કાયમ રહેશે.
૧૯, ૨૦. કેમ આપણે ભાવિમાં વધારે સુખી થઈશું?
૧૯ આવતા દિવસો એનાથી પણ સારા હશે. ઈસુનું રાજ, શાંતિનું રાજ હશે. લોકો ધીમે ધીમે “નાશના દાસત્વમાંથી” એટલે પાપ અને મરણમાંથી મુક્ત થશે. (રૂમી ૮:૨૧) ઈસુના હજાર વર્ષના અંતે બધાની આખરી કસોટી થશે. એમાંથી પાર ઊતર્યા પછી “નમ્ર લોકો દેશનું [પૃથ્વીનું] વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીત. ૩૭:૧૧; પ્રકટી. ૨૦:૭-૧૦) સુલેમાનના રાજથી ઈસુનું રાજ ઘણું ચડિયાતું હશે!
૨૦ મુસા, દાઊદ અને સુલેમાનની આગેવાની નીચે ઈસ્રાએલીઓ સુખી હતા. ઈસુના રાજમાં આપણે એથીયે વધારે સુખી થઈશું. (૧ રાજા. ૮:૬૬) યહોવાહે આપણા માટે મુસા, દાઊદ અને સુલેમાન કરતાં પણ ચડિયાતા ઈસુને મોકલ્યા. એ માટે તેમનો લાખ-લાખ શુકર! (w09 4/15)
[ફુટનોટ્સ]
a દાઊદ નામનો અર્થ “વહાલો” થઈ શકે. ઈસુના બાપ્તિસ્મા અને રૂપાંતર વખતે યહોવાહે કહ્યું: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.”—માથ. ૩:૧૭; ૧૭:૫.
b ઘેટાં પોતાના પાળક પાસે રક્ષણ માટે દોડે છે તેમ, દાઊદ યહોવાહ પાસે માર્ગદર્શન અને રક્ષણ માટે દોડી જતો. એટલે તેણે કહ્યું, “યહોવાહ મારો પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.” (ગીત. ૨૩:૧) યોહાન બાપ્તિસ્મા કરનારે ઈસુ વિષે પણ આમ કહ્યું: “દેવનું હલવાન.”—યોહા. ૧:૨૯.
c સુલેમાનનું બીજું નામ યદીદયાહ છે, જેનો અર્થ થાય “યહોવાહનો વહાલો.”—૨ શમૂ. ૧૨:૨૪, ૨૫.
કેવી રીતે સમજાવશો?
• ઈસુ કઈ રીતે દાઊદ કરતાં મહાન છે?
• સુલેમાન કરતાં ઈસુ કઈ રીતે ચડિયાતા છે?
• ઈસુ વિષે તમને શું ગમ્યું?
[પાન ૩૨ પર ચિત્ર]
દાઊદ અને સુલેમાનના રાજથી ઈસુનું રાજ ઘણું ચડિયાતું હશે!