શું બધા જ ધર્મો ઈશ્વર તરફ દોરી જાય છે?
આજે દુનિયામાં ઘણા ધર્મો છે. એક સર્વે જણાવે છે કે દુનિયામાં ૧૯ મુખ્ય ધર્મો છે અને ૧૦,૦૦૦ પંથો છે. એમાંથી જેને જે ગમે, એ પસંદ કરે છે. શું એનો અર્થ એ થાય કે તમે ગમે એ માનો, બધું સરખું જ છે?
ઘણા લોકો માને છે કે ભલે ધર્મ ગમે તે હોય પણ ઈશ્વર તો એક જ છે. તેઓ માટે બધા જ માર્ગ ઈશ્વર તરફ દોરી જાય છે. ગમે તે પસંદ કરો તેઓને કોઈ જ ફરક પડતો નથી, કેમ કે તેઓને મન બધા જ સરખા છે.
શું બધા જ ધર્મો ઈશ્વર પાસે લઈ જાય છે?
મોટા ભાગના લોકો ઈસુને મહાન શિક્ષક ગણે છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “સાંકડા દરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે. જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે.”—માથ્થી ૭:૧૩, ૧૪, ઇઝી ટુ રીડ વર્શન.
ઈસુ અહીં શું કહેવા માંગતા હતા? શું તે એવું કહેવા માગતા હતા કે અમુક જ ધર્મો ‘વિનાશમાંથી’ બચી જશે? જે લોકો ઈશ્વરમાં માનતા નથી તેઓ શું વિનાશમાં લઈ જતા ‘પહોળા દરવાજામાં’ દાખલ થાય છે? ઈશ્વરમાં માનનારા લોકો ગમે તે ધર્મોમાં માને, શું તેઓ જીવન તરફ દોરી જતા “સાંકડા દરવાજામાંથી” દાખલ થાય છે?
ઈસુએ સાંકડા અને પહોળા દરવાજા વિષે જણાવ્યું. ત્યાર બાદ તેમણે કહ્યું કે “જૂઠા ઉપદેશકોથી સાવધાન રહો. તેઓ નિર્દોષ ઘેટાંના રૂપમાં આવે છે પણ ખરેખર તેઓ વરુઓ છે.” (માથ્થી ૭:૧૫, IBSI) પછી તેમણે જણાવ્યું કે “જે કોઈ મને ‘પ્રભુ, પ્રભુ’ કરે છે તે બધા ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવાના નથી, પરંતુ જે કોઈ મારા પરમ પિતાની ઇચ્છા અનુસાર ચાલશે તેને જ પ્રવેશ મળશે.” (માથ્થી ૭:૨૧, સંપૂર્ણ) આ બે કલમ પરથી જોવા મળે છે કે અમુક જૂઠા ઉપદેશકો ઊભા થશે અને અમુક દાવો કરશે કે ઈસુ તેઓના પ્રભુ છે. આવા લોકો કદાચ ધાર્મિક દેખાય, પણ ઈસુના શબ્દોથી આપણે જોઈ શકીએ કે તેઓ ઈશ્વરની કૃપા મેળવતા નથી. એવા લોકો પર ભરોસો પણ ન મૂકવો જોઈએ.
ઈશ્વર તરફ દોરી જતો માર્ગ કેવી રીતે પારખી શકીએ?
જો એમ હોય કે બધા ધર્મો ઈશ્વર તરફ દોરી જતા નથી, તો કયો ધર્મ ઈશ્વર તરફ દોરી જાય છે? કેવી રીતે આપણે એને પારખી શકીએ? એનો જવાબ મેળવવા એક દાખલો લઈએ. કલ્પના કરો કે તમે એક મોટા શહેરમાં છો. તમારે કોઈક જગાએ જવું છે. તમને એનો રસ્તો ખબર નથી. એટલે તમે કોઈની મદદ લો છો. એ વ્યક્તિ કહે છે કે તમે આ રસ્તે જાવ, બીજી વ્યક્તિ કહે છે કે તમે પેલા રસ્તે જાવ. જ્યારે કે ત્રીજી વ્યક્તિ કહે છે કે ગમે ત્યાંથી જાવ, તમે ત્યાં પહોંચી જશો. છેવટે, એક એવી વ્યક્તિ આવે છે, જેની પાસે નકશો છે. એ નકશો ખોલીને બતાવે છે કે કયા રસ્તે જવાથી ત્યાં પહોંચી શકાય. પછી તે તમને એ નકશો આપે છે. એનાથી તમે પોતે પણ જોઈ શકો છો કે સાચો રસ્તો કયો છે. તમે બીજા કોઈ પર નહિ પણ એવી વ્યક્તિના માર્ગદર્શન પર ભરોસો મૂકશો, ખરું ને!
એવી જ રીતે, ઈશ્વર તરફ દોરી જતો ધર્મ પસંદ કરતી વખતે આપણે સાચું માર્ગદર્શન શોધવું પડે. એના પર ભરોસો મૂકવો પડે. એટલે સવાલ થાય કે શું એવું કોઈ માર્ગદર્શન છે? અને જો હોય તો એ ક્યાં છે? એનો જવાબ આપણને બાઇબલમાં મળે છે, જે કહે છે: “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે.”—૨ તિમોથી ૩:૧૬, IBSI.
કદાચ તમારી પાસે બાઇબલ હશે. એમાંથી તમને સાચો માર્ગ મળશે. આ મૅગેઝિન બહાર પાડનારા યહોવાહના સાક્ષીઓએ એક અંગ્રેજી બાઇબલ (ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સ) પણ બહાર પાડ્યું છે. તમે એના પર પૂરો ભરોસો મૂકી શકો. જો તમારી પાસે એ ન હોય, તો સાચા ધર્મની પારખ કરવા, તમે તમારી પોતાની ભાષાના બીજા બાઇબલ ભાષાંતરનો પણ ઉપયોગ કરી શકો. એટલે જ હવે પછીના ત્રણ લેખોમાં અલગ અલગ બાઇબલ ભાષાંતરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
હવે પછીના લેખો વાંચો ત્યારે બાઇબલ જે કહે છે અને તમે જે જાણો છો એને સરખાવો. સાચો ધર્મ પારખવા ઈસુના આ શબ્દો પણ ધ્યાનમાં રાખો: “સારું ઝાડ સારાં ફળ આપે છે, પણ ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે. સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી, તેમ ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી.” (માથ્થી ૭:૧૭, ૧૮, સંપૂર્ણ) હવે પછીના લેખોમાં આપણે બાઇબલમાંથી ત્રણ મુખ્ય બાબતો જોઈશું, જે દ્વારા આપણે ‘સારા ઝાડને’ ઓળખી શકીશું. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર તરફ દોરી જતા ધર્મને ઓળખી શકીશું. (w09 8/1)
[પાન ૩ પર બ્લર્બ]
બાઇબલ એક નકશા જેવું છે, જેના પર ભરોસો મૂકીને વ્યક્તિ ઈશ્વર તરફ દોરી જતો ધર્મ શોધી શકે છે