ઈશ્વર સાથે પાકો નાતો બાંધીએ
ઈશ્વર અદ્દલ ઇન્સાફ કરે છે
માણસો ન્યાય કરે ત્યારે અમુક વખતે ખોટો ન્યાય કરે. અથવા હદ ઉપરાંત સજા કરે. પણ ઈશ્વર યહોવાહ કદી પણ ખોટો ન્યાય કરતા નથી, કેમ તે “ન્યાયને ચાહે છે.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૮) તે ધીરજ રાખે છે, પણ કદીએ અન્યાય ચલાવી લેતા નથી. યહોવાહ હંમેશા જે સાચું છે એ જ કરે છે. ચાલો બાઇબલમાંથી ગણના વીસમા અધ્યાયમાં જોઈએ કે ઈસ્રાએલીઓની કચકચ અને બંડખોર વલણ માટે યહોવાહે શું કર્યું.
ઈસ્રાએલીઓ ચાળીશ વર્ષ રણમાં રહ્યાં. તેઓ વચનના દેશમાં પહોંચવાના જ હતા ત્યારે પાણી માટે કચકચ કરી.a લોકોએ મુસા અને હારૂનને કહ્યું કે ‘તમે અમને આ અરણ્યમાં કેમ લાવ્યા છો કે અમે તથા અમારાં ઢોર અહીં મરીએ?’ (કલમ ૪) લોકોએ ફરિયાદ કરી કે આ રણ તો ‘ખરાબ જગ્યા’ છે. તેમ જ, અમુક વર્ષો પહેલાં ઈસ્રાએલી જાસૂસો જે ફળો લાવ્યા હતા, એના નામ લઈને કહ્યું કે અહીંયા રણમાં તો ‘અંજીર કે દ્રાક્ષ કે દાડમો’ નથી. “પીવાનું પાણી પણ બિલકુલ નથી.” (કલમ ૫; ગણના ૧૩:૨૩) એમ કહીને તેઓ મુસા અને હારૂનનો વાંક કાઢતા હતા.
યહોવાહે તેઓની કચકચ સાંભળી અને મુસાને ત્રણ બાબતો કરવા કહ્યું: “લાકડી લે અને લોકોને એકઠા કરીને તેઓના દેખતાં ખડકને કહો કે તે પોતાનું પાણી આપે.” (કલમ ૮) મુસાએ પહેલી બે બાબત કરી, પણ ત્રીજી બાબત કરી શક્યા નહીં. તેમણે યહોવાહમાં વિશ્વાસ રાખ્યો નહિ અને લોકો સાથે કડવાશથી બોલ્યા: “હવે, હે દંગાખોરો, સાંભળો; શું અમે તમારે સારૂ આ ખડકમાંથી પાણી કાઢીએ?” (કલમ ૧૦; ગીતશાસ્ત્ર ૧૦૬:૩૨, ૩૩) મુસાએ બે વાર ખડકને લાકડી મારી અને “પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું.”—કલમ ૧૧.
મુસા અને હારૂને યહોવાહની નજરમાં મોટું પાપ કર્યું હતું. યહોવાહે કહ્યું કે તમે “મારા વચન વિરૂદ્ધ” બોલ્યા છો. (ગણના ૨૦:૨૪) મુસા અને હારૂને આજ્ઞા ન પાળીને યહોવાહની વિરુદ્ધ ગયા. એટલે યહોવાહે તેઓનો પણ ન્યાય કરીને કહ્યું કે ‘તમે વચનના દેશમાં નહિ જઈ શકો.’ શું આ શિક્ષા બહુ કડક હતી? ના, એનાં ઘણાં કારણો છે.
પહેલું, યહોવાહે લોકોનો ન્યાય કરવાનું મુસાને કહ્યું ન હતું. બીજું, યહોવાહને મહિમા આપવાને બદલે મુસા અને હારૂને પોતાને મહિમા આપ્યો. ‘અમે તમારે સારૂ પાણી કાઢીએ છીએ’ એમ કહીને મુસા અને હારૂન કહેતા હતા કે તેઓએ ચમત્કારથી પાણી કાઢ્યું છે. એટલે ઈશ્વરે તેઓને કહ્યું કે “તમે મને પવિત્ર મનાવ્યો નહિ.” (કલમ ૧૨) ત્રીજું, યહોવાહે પહેલાંની બંડખોર પ્રજાને કનાન દેશમાં જવા દીધી નહીં. મુસા અને હારૂને પણ બંડખોર વલણ બતાવ્યું હતું. એટલે યહોવાહે તેઓનો ન્યાય કર્યો. (ગણના ૧૪:૨૨, ૨૩) ચોથું, મુસા અને હારૂન ઈસ્રાએલીઓના આગેવાન હતા. બાઇબલ જણાવે છે કે વધારે જવાબદારી હોય તેઓએ ઈશ્વરને વધારે હિસાબ આપવો પડશે.—લુક ૧૨:૪૮.
યહોવાહ કદી ખોટું ચલાવી લેતા નથી. તે દિલથી ચાહે છે કે સાચો ન્યાય થાય. તે કદી પણ અન્યાય કરતા નથી. ખોટો નિર્ણય લેતા નથી. તેથી યહોવાહ જે રીતે ન્યાય કરે છે એમાં શંકા ઉઠાવવી જોઈએ નહિ. પણ એમાં પૂરો ભરોસો રાખવો જોઈએ. (w09 9/1)
[ફુટનોટ્સ]
a ઇજિપ્તમાંથી નીકળ્યા પછી ઈસ્રાએલીઓ કનાન દેશમાં જવાની તૈયારીમાં જ હતા. ઈબ્રાહીમને ઈશ્વરે કનાન દેશ આપવાનું વચન આપ્યું હતું. પણ ૧૦ જાસૂસોના ખોટા અહેવાલથી દોરાઈને લોકોએ મુસા સામે ફરિયાદ કરી. એટલે યહોવાહે તેઓનો ન્યાય કરીને ચાળીશ વર્ષ રણમાં રાખ્યા, જેથી કચકચ કરનારા રણમાં જ ગુજરી જાય.