કુંવારા હોવું એક મોટો આશીર્વાદ છે
“જે પાળી શકે તે પાળે.”—માથ. ૧૯:૧૨.
૧, ૨. (ક) ઈસુ, પાઊલ અને બીજાઓએ કુંવારા રહેવાને કેવું ગણ્યું? (ખ) અમુકને એકલા રહેવું કેમ આશીર્વાદ ન લાગે?
યહોવાહે મનુષ્યોને આપેલી ભેટોમાંની એક ભેટ લગ્ન છે. (નીતિ. ૧૯:૧૪) જોકે, કુંવારા ભાઈબહેનો પણ જીવનનો પૂરો આનંદ માણે છે. ૯૫ વર્ષના હેરોલ્ડ નામના એક ભાઈ પરણ્યા જ નથી. તે કહે છે કે “મને બીજાઓ સાથે રહેવાનું ગમે, મહેમાનો પણ ગમે. છતાંય એકલો હોઉં ત્યારે હું સાવ એકલો પડી જતો નથી. મારા માટે કુંવારા રહેવું એક મોટો આશીર્વાદ છે.”
૨ જેમ લગ્ન યહોવાહ તરફથી એક ભેટ છે, તેમ કુંવારા રહેવું પણ એક ભેટ છે. ઈસુ અને પાઊલ બંનેએ એના વિષે વાત કરી હતી. (માત્થી ૧૯:૧૧, ૧૨; ૧ કોરીંથી ૭:૭, ૮ વાંચો.) ખરું કે બધા પોતાની મરજીથી કુંવારા રહેતા નથી. અમુકને યોગ્ય લગ્નસાથી મળતું નથી. અથવા લગ્ન પછી અમુક લોકો છૂટાછેડાને લીધે કે લગ્નસાથીના મરણને લીધે પાછા એકલા થઈ જાય છે. તો પછી, એકલા રહેવું કઈ રીતે આશીર્વાદ કહેવાય? એકલા ભાઈ-બહેનો કઈ રીતે પોતાનો સમય સૌથી સારી રીતે વાપરી શકે?
એક મૂલ્યવાન ભેટ
૩. કુંવારા ભાઈ-બહેનો કેવા લાભોનો આનંદ માણી શકે છે?
૩ પરણેલી વ્યક્તિ કરતાં, કુંવારી વ્યક્તિ પાસે મોટા ભાગે વધારે સમય અને આઝાદી હોય છે. (૧ કોરીં. ૭:૩૨-૩૫) એના લીધે કુંવારી વ્યક્તિ લોકોને શીખવવામાં, બીજાઓને મદદ કરવામાં અને યહોવાહ સાથેનો નાતો પાકો કરવામાં વધારે સમય આપી શકે છે. એટલે અમુક ભાઈ-બહેનો કુંવારા રહેવાથી થતા લાભોની કદર કરે છે. તેઓ થોડો સમય પણ કુંવારા રહીને એ સલાહ “પાળે” છે. અમુક લોકોએ પહેલેથી કુંવારા રહેવાની પસંદગી કરી ન હોય. પણ તેઓના સંજોગો બદલાતા, એના પર પ્રાર્થના કરીને વિચાર કર્યો હોય કે યહોવાહની મદદથી પોતે કુંવારા રહી શકશે. આમ તેઓ પોતાના બદલાયેલા સંજોગો સ્વીકારીને, કુંવારા રહે છે.—૧ કોરીં. ૭:૯, ૪૦.
૪. શું બતાવે છે કે કુંવારા ભાઈ-બહેનો પણ યહોવાહની ભક્તિ પૂરા દિલથી કરી શકે છે?
૪ કુંવારા ભાઈ-બહેનો જાણે છે કે યહોવાહના આશીર્વાદ મેળવવા કે તેમના સંગઠનનો ભાગ બનવા લગ્ન કરવું જરૂરી નથી. યહોવાહ આપણને દરેકને ખૂબ ચાહે છે. (માથ. ૧૦:૨૯-૩૧) કોઈ વ્યક્તિ કે કોઈ ચીજ આપણને તેમના પ્રેમથી જુદા પાડી શકતી નથી. (રૂમી ૮:૩૮, ૩૯) આપણે પરણેલા હોઈએ કે કુંવારા, યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરી શકીએ છીએ.
૫. એકલા રહેવાના આશીર્વાદનો પૂરો લાભ ઉઠાવવા શું કરવું પડે?
૫ ખરું કે કોઈના લોહીમાં સંગીત કે ખેલકૂદની કળા હોય છે. પણ એ કેળવવા ઘણો પ્રયત્ન કરવો પડે છે. એ જ રીતે, એકલા રહેવાના આશીર્વાદનો પૂરો લાભ ઉઠાવવા ઘણો પ્રયત્ન કરવો પડે છે. એકલા ભાઈ-બહેનો કદાચ યુવાન કે મોટી ઉંમરના હોય, પોતે કુંવારા રહ્યા હોય કે સંજોગોને કારણે રહેવું પડ્યું હોય. તોપણ, તેઓ પોતાના સંજોગોનો કઈ રીતે લાભ ઉઠાવી શકે છે? ચાલો આપણે પહેલી સદીના મંડળમાંથી અમુક દાખલા લઈએ અને એમાંથી શીખીએ.
યુવાનીમાં કુંવારા રહેવું
૬, ૭. (ક) ફિલિપની ચાર કુંવારી દીકરીઓને ઈશ્વરની ભક્તિ કરવા કેવી ભેટ મળી હતી? (ખ) તીમોથીએ કુંવારા હોવાનો કેવો લાભ ઉઠાવ્યો અને એના કેવા આશીર્વાદ મળ્યા?
૬ ઈશ્વરભક્ત ફિલિપની ચાર કુંવારી દીકરીઓ હતી. તેઓ પોતાના પિતાની જેમ યહોવાહ વિષે બીજાઓને હોંશથી શીખવતી. (પ્રે.કૃ. ૨૧:૮, ૯) યોએલ ૨:૨૮, ૨૯ના ભવિષ્યવચન પ્રમાણે, આ ચારેય યુવતીઓ પ્રબોધ પણ કરતી. તેઓ ઈશ્વરની શક્તિથી મળેલી એ ભેટ સારી રીતે વાપરતી હતી.
૭ તીમોથીએ પણ કુંવારા હોવાનો લાભ ઉઠાવ્યો. તેમની મા યુનીકે અને દાદીમા લોઈસે બાળપણથી ‘પવિત્ર શાસ્ત્રમાંથી’ શીખવ્યું હતું. (૨ તીમો. ૧:૫; ૩:૧૪, ૧૫) આશરે ઈસવીસન ૪૭માં પાઊલે પહેલી વાર લુસ્ત્રા શહેરની મુલાકાત લીધી. કદાચ એ સમયે તીમોથીની મા અને દાદીમા યહોવાહના ભક્ત બન્યા. બે વર્ષ પછી પાઊલ બીજી વાર લુસ્ત્રા આવ્યા ત્યારે, તીમોથી વીસેક વર્ષના હોઈ શકે. તીમોથી ઉંમરમાં નાના હતા અને સત્યમાં નવા હતા. તોપણ, લુસ્ત્રા અને ઈકોની મંડળના ભાઈઓમાં તેમની “શાખ સારી” હતી. (પ્રે.કૃ. ૧૬:૧, ૨) એટલે પાઊલે તેમને પોતાની સાથે મિશનરી બનવાનું આમંત્રણ આપ્યું. (૧ તીમો. ૧:૧૮; ૪:૧૪) તીમોથી કુંવારા જ રહ્યા કે કેમ એની આપણને ખબર નથી. પણ એ ખબર છે કે તીમોથીએ ખુશીથી પાઊલનું આમંત્રણ સ્વીકાર્યું. તેમણે વર્ષો સુધી કુંવારા રહીને મિશનરી અને વડીલ તરીકે ઘણાં મંડળની સેવા કરી.—ફિલિ. ૨:૨૦-૨૨.
૮. યોહાન માર્કને યહોવાહની ભક્તિમાં વધારે કરવા શામાંથી મદદ મળી? એનાથી તેમને કયા આશીર્વાદ મળ્યા?
૮ હવે યોહાન માર્કનો વિચાર કરો, જેમણે કુંવારા હોવાનો લાભ ઉઠાવ્યો. યરૂશાલેમ મંડળની શરૂઆત થઈ ત્યારથી, માર્ક, તેમની મા મરિયમ અને પિતરાઈ ભાઈ બાર્નાબાસ એમાં હતા. માર્કનું કુટુંબ ખાધે-પીધે સુખી હોઈ શકે, કેમ કે શહેરમાં તેઓનું પોતાનું ઘર હતું. તેમના નોકર-ચાકર પણ હતા. (પ્રે.કૃ. ૧૨:૧૨, ૧૩) માર્ક આવી સુખ-સગવડમાં રહ્યા હોવા છતાં, તે એમાં જ ડૂબેલા ન હતા કે સ્વાર્થી ન હતા. એવું પણ ન હતું કે તે એક જ જગ્યાએ ઠરીઠામ થઈને સુખ-સાહેબીમાં જીવવા માગતા હતા. પ્રેષિતો સાથેની સંગતને લીધે મિશનરી બનવાની તેમની તમન્ના હતી. એટલે પાઊલ અને બાર્નાબાસે પહેલી મિશનરી ટૂર કરી ત્યારે, માર્ક પણ સેવક તરીકે તેઓ સાથે હોંશથી જોડાયા. (પ્રે.કૃ. ૧૩:૫) પછી, તેમણે બાર્નાબાસ સાથે મુસાફરી કરી. થોડાં વર્ષો પછી તે પીતર સાથે બાબેલોન ગયા. (પ્રે.કૃ. ૧૫:૩૯; ૧ પીત. ૫:૧૩) માર્ક કેટલો સમય કુંવારા રહ્યા, એ આપણે જાણતા નથી. પણ તે બીજાને મદદ કરનાર અને યહોવાહની ભક્તિ માટે બધું જ કરનાર તરીકે જાણીતા હતા.
૯, ૧૦. કુંવારા યુવાનો માટે આજે યહોવાહની ભક્તિમાં વધારે કરવાની કેવી તક રહેલી છે? દાખલો આપો.
૯ આજે પણ મંડળમાં ઘણા કુંવારા યુવાનો ખુશીથી યહોવાહની ભક્તિમાં વધારે કરે છે. માર્ક અને તીમોથીની જેમ, તેઓ પણ “એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા” કરવા કુંવારા હોવાનો લાભ લે છે. (૧ કોરીં. ૭:૩૫) યહોવાહની ભક્તિમાં વધારે કરવા કુંવારા ભાઈ-બહેનો માટે કઈ કઈ તક રહેલી છે? પાયોનિયર કામ, લોકોને ખુશખબર જણાવવા વધારે મદદની જરૂર હોય ત્યાં જવું, બીજી ભાષા શીખવું, કિંગ્ડમ હૉલ કે બ્રાંચ બાંધવા મદદ કરવી, મિનિસ્ટ્રિયલ ટ્રેનિંગ સ્કૂલમાં જવું અને બેથેલમાં જવું. તમે યુવાન અને કુંવારા હોવ તો, શું તમારી સામે રહેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવો છો?
૧૦ માર્ક નામના એક ભાઈ વીસ વર્ષના થયા એ પહેલાં, પાયોનિયર કામ કરવા લાગ્યા. પછી, મિનિસ્ટ્રિયલ ટ્રેનિંગ સ્કૂલમાં ગયા અને દુનિયામાં અનેક જગ્યાએ જુદી જુદી રીતે સેવા આપી. પૂરા સમયની સેવામાં વિતાવેલાં ૨૫ વર્ષો પર નજર નાખતા, તે આમ કહે છે: ‘મેં મંડળમાં દરેક સાથે મિત્રતા બાંધવાનો પ્રયત્ન કર્યો. તેઓ સાથે ખુશખબર જણાવવા જતો, તેઓના ઘરે મુલાકાત લઈ બાઇબલમાંથી ઉત્તેજન આપતો. મારે ઘરે જમવા બોલાવતો. અરે, યહોવાહની ભક્તિમાં બધાને એકબીજાથી ઉત્તેજન મળે, એ માટે પાર્ટી પણ રાખતો. એ બધું કરવામાં મને ભરપૂર આનંદ મળ્યો છે.’ માર્ક જણાવે છે તેમ, બીજાને મદદ કરવામાં ઘણી ખુશી થાય છે. યહોવાહની ભક્તિમાં પૂરું જીવન આપીએ ત્યારે, બીજાને મદદ કરવાની અનેક તક મળે છે. (પ્રે.કૃ. ૨૦:૩૫) ભલે યુવાનોને જે કંઈ કરવાનું ગમતું હોય, ગમે એ આવડત કે અનુભવ હોય, પણ યહોવાહની ભક્તિમાં આજે તેઓ માટે ઘણું કામ છે.—૧ કોરીં. ૧૫:૫૮.
૧૧. લગ્નમાં ઉતાવળ નહિ કરવાના અમુક લાભ જણાવો.
૧૧ ખરું કે મોટા ભાગના યુવાનિયાઓ આખરે પરણવાના તો ખરા જ, પણ એમાં જરાય ઉતાવળ કરવી ન જોઈએ. કેમ નહિ? પાઊલે ઉત્તેજન આપ્યું કે યુવાનો ‘પુખ્ત ઉંમરના થાય’ ત્યાં સુધી રાહ જુએ. એટલે કે જાતીય ઇચ્છાઓ આવેગમાં હોય એવી કાચી ઉંમર વીતી જાય ત્યાં સુધી રાહ જુએ. (૧ કોરીં. ૭:૩૬) પહેલા તો યુવાનોએ પોતાને સમજવાની, જીવનનો અનુભવ લેવાની જરૂર છે. યોગ્ય લગ્નસાથી પસંદ કરવા એ બહુ જ જરૂરી છે. લગ્નનું વચન લેવું કંઈ જેવી-તેવી વાત નથી, કેમ કે એ વચન જીવનભર નિભાવવાનું છે.—સભા. ૫:૨-૫.
એકલા પડી ગયેલા ભાઈ-બહેનો
૧૨. (ક) વિધવા આન્નાએ પોતાના બદલાયેલા સંજોગોનો કઈ રીતે લાભ લીધો? (ખ) એનાથી તેમને કયો આશીર્વાદ મળ્યો?
૧૨ લુકના પુસ્તકમાં આપણે આન્ના વિષે વાંચીએ છીએ. તેમના લગ્નને હજુ તો સાત જ વર્ષ થયાં અને તેમના પતિ ગુજરી ગયા. એનાથી તેમને કેટલું દુઃખ થયું હશે! આપણને ખબર નથી કે તેઓને બાળકો હતાં કે નહિ. અથવા તો આન્નાએ ફરીથી પરણવા વિચાર્યું હતું કે નહિ. પરંતુ બાઇબલ જણાવે છે કે આન્ના ૮૪ વર્ષે પણ વિધવા હતાં. તેમણે સંજોગોનો લાભ લઈ યહોવાહની ભક્તિમાં વધારે સમય આપ્યો. ‘તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થનાઓ સાથે ભક્તિ કરતા હતા.’ (લુક ૨:૩૬, ૩૭) તેમના જીવનમાં યહોવાહની ભક્તિ જેવું બીજું કંઈ જ ન હતું. મન મક્કમ કરીને એમ કરવાનો મોટો બદલો એ મળ્યો કે તેમણે ઈસુને બાળક તરીકે જોયા. તેમ જ, બીજાઓને જણાવ્યું કે એ આવનાર મસીહ હતા, જેમના દ્વારા બધાનો ઉદ્ધાર થશે.—લુક ૨:૩૮.
૧૩. (ક) દરકાસે મંડળ માટે શું કર્યું હતું? (ખ) દરકાસની ભલાઈ અને દયાનો કેવો આશીર્વાદ મળ્યો?
૧૩ હવે જૂના જમાનાના યરૂશાલેમના દરિયાકિનારે આવેલા જોપ્પામાં જઈએ. ત્યાં તાબીથા કે દરકાસ નામે એક બહેન હતાં. બાઇબલ તેમના પતિ વિષે કંઈ જણાવતું નથી. કદાચ એ સમયે તે પરણેલાં ન હતાં. દરકાસ ‘રૂડી કરણીઓમાં આગળ પડતા અને પુષ્કળ દાનધર્મ કરતા હતા.’ વિધવા બહેનો અને બીજાઓ માટે ઘણાં કપડાં બનાવતા હોવાથી, બધાને તે વહાલાં હતાં. પણ તે અચાનક બીમાર થયાં અને ગુજરી ગયાં. એટલે આખા મંડળે તરત પીતરને બોલાવ્યા અને કાલાવાલા કર્યા કે એ વહાલી બહેનને જીવતી કરે. પીતરે આવીને તેમને સજીવન કર્યા! એ સમાચાર આખા જોપ્પામાં ફેલાઈ ગયા અને ઘણા લોકો યહોવાહના ભક્તો બન્યા. (પ્રે.કૃ. ૯:૩૬-૪૨) દરકાસે પોતે પણ તેઓમાંના અમુકને પોતાનાં ભલાં કામોથી મદદ કરી હોઈ શકે.
૧૪. એકલા ભાઈ-બહેનો કેમ યહોવાહ પર વધારે આધાર રાખવા માંડે છે?
૧૪ આજે ઘણાં મંડળમાં આન્ના અને દરકાસ જેવા કુંવારા કે પછી એકલા પડી ગયેલા ભાઈ-બહેનો છે. અમુકને કદાચ યોગ્ય લગ્નસાથી મળ્યું નથી. અમુકના છૂટાછેડા થયા છે કે પછી લગ્નસાથી ગુજરી ગયું છે. એ રીતે એકલા પડી ગયેલા ભાઈ-બહેનો મોટે ભાગે યહોવાહને સુખ-દુઃખના સાથી બનાવે છે. (નીતિ. ૧૬:૩) સિલ્વિયા નામે એક બહેન ૩૮ વર્ષોથી બેથેલમાં છે. તે એને મોટો આશીર્વાદ ગણે છે. તે કહે છે કે ‘કોઈક વાર બધાને ઉત્તેજન આપીને હું થાકી જાઉં છું. મને થાય કે હું કોની પાસે જાઉં?’ પછી તે પોતે કહે છે કે “હું યહોવાહમાં પૂરો ભરોસો રાખું છું. મને શાની જરૂર છે, એના વિષે તે મારા કરતાં વધારે સારી રીતે જાણે છે. તે મને કોઈના પણ દ્વારા ઉત્તેજન આપે છે, અમુક વાર તો મેં ધાર્યું ન હોય એ રીતે મને મદદ મળે છે.” આપણે પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખીએ તો, તે હંમેશાં પ્રેમથી મદદ અને સાથ આપે છે.
૧૫. કુંવારા ભાઈ-બહેનો પ્રેમથી બીજાને મદદ કરવા શું કરી શકે છે?
૧૫ કુંવારા રહેવાથી બીજા સાથે છૂટથી હળવા-મળવામાં “પ્રફુલ્લિત હૃદયવાળા” બનવાની વધારે તકો મળે છે. (૨ કોરીંથી ૬:૧૧-૧૩ વાંચો.) જોલેન નામની એક કુંવારી બહેન છેલ્લાં ૩૪ વર્ષથી પાયોનિયર છે. તે કહે છે કે “હું ફક્ત મારી ઉંમરના જ નહિ, પણ નાના-મોટા બધા ભાઈ-બહેનો સાથે સારો સંબંધ બાંધવાનો પ્રયત્ન કરું છું. કુંવારા રહેવાથી યહોવાહ સાથેનો નાતો પાકો કરવા, કુટુંબ, ભાઈ-બહેનો અને બીજા લોકોને વધારે સમય આપવાની તક મળે છે. ઉંમર વધે છે તેમ મને થાય છે કે કુંવારા રહેવાથી મને ઘણા આશીર્વાદ મળ્યા છે. હું બહુ ખુશ છું.” મંડળમાં મોટી ઉંમરના, અપંગ, એકલા મા કે બાપ, યુવાનો અને બીજાઓ કુંવારા ભાઈ-બહેનોની મદદની બહુ જ કદર કરે છે. આપણે બીજાને પ્રેમથી મદદ કરીએ છીએ ત્યારે કેટલી ખુશી થાય છે! શું તમે પણ બીજાને મદદ આપવા વધારે કરી શકો?
કુંવારા રહેવાનો નિર્ણય
૧૬. (ક) ઈસુ કેમ કુંવારા રહ્યા હતા? (ખ) પાઊલે કઈ રીતે એકલા હોવાનો ફાયદો ઉઠાવ્યો?
૧૬ ઈસુ કુંવારા રહ્યા હતા. તેમણે પોતાને સોંપેલા કામની તૈયારી કરીને, એને પૂરું કરવાનું હતું. તેમણે ઘણી લાંબી મુસાફરીઓ કરી અને વહેલી સવારથી મોડી રાત સુધી યહોવાહ વિષે જણાવ્યું. આખરે, પોતાનું જીવન કુરબાન કરી દીધું. તેમના કિસ્સામાં કુંવારા રહેવાનો મોટો લાભ થયો. પાઊલે પણ હજારો કિલોમીટર મુસાફરી કરી અને લોકોને યહોવાહ વિષે જણાવવા ઘણી મુશ્કેલીઓ સહન કરી. (૨ કોરીં. ૧૧:૨૩-૨૭) આપણે જાણતા નથી કે પાઊલ પરણેલા હતા કે કુંવારા. પણ તે એકલા હતા ત્યારે તેમને ખુશખબરી ફેલાવવાની જવાબદારી મળી. એ પછી તેમણે એકલા જ રહેવાનું પસંદ કર્યું. (૧ કોરીં. ૭:૭, ૮; ૯:૫) ઈસુ અને પાઊલે ઉત્તેજન આપ્યું કે જો શક્ય હોય તો આપણે યહોવાહની ભક્તિને લીધે તેઓના જેવા બનીએ. પણ તેઓમાંથી કોઈએ એવું શીખવ્યું નહિ કે યહોવાહના ભક્ત બનવા કુંવારા રહેવું પડે.—૧ તીમો. ૪:૧-૩.
૧૭. આજે કઈ રીતે અમુક લોકો ઈસુ અને પાઊલને પગલે ચાલ્યા છે? શું બતાવે છે કે યહોવાહ એવા ભક્તોની કદર કરે છે?
૧૭ આજે પણ અમુકે પોતાની મરજીથી કુંવારા રહેવાનો નિર્ણય કર્યો છે, જેથી યહોવાહની ભક્તિમાં વધારે કરી શકે. શરૂઆતમાં જણાવેલા હેરોલ્ડ ભાઈને બેથેલમાં છપ્પન કરતાં વધારે વર્ષો થયાં. તે કહે છે, ‘મેં બેથેલના પહેલા દસ વર્ષમાં જોયું કે પરણેલાં ઘણાં યુગલોએ બીમારીને લીધે કે ઘરડાં માબાપની સંભાળ રાખવા બેથેલ છોડવું પડ્યું. મારાં માબાપ તો ગુજરી ગયાં હતાં. મને બેથેલમાં રહેવાનું એટલું ગમતું હતું કે લગ્ન કરીને મારે એ આશીર્વાદ જતો કરવો ન હતો.’ એ જ રીતે, માર્ગરેટ બહેન લાંબા સમયથી પાયોનિયર કામ કરતા હતા. અમુક વર્ષ પહેલાં તેમણે આમ કહ્યું: “મને લગ્ન કરવાની ઘણી તક તો હતી, પણ પાયોનિયર સેવામાં એવી તો ડૂબી ગઈ હતી કે લગ્ન ન કર્યા. એને બદલે, કુંવારા રહેવાથી જે આઝાદી મળી હતી, એ મેં યહોવાહની ભક્તિમાં વધારે કરવા વાપરી. એનાથી મને બેહદ ખુશી મળી.” સાચે જ યહોવાહ પોતાની ભક્તિ માટે આવો પ્રેમ બતાવનાર કોઈને કદી પણ નહિ ભૂલે.—યશાયાહ ૫૬:૪, ૫ વાંચો.
તમારા સંજોગોનો પૂરો લાભ લો
૧૮. કુંવારા ભાઈ-બહેનોને આપણે કઈ રીતે ઉત્તેજન અને સાથ આપી શકીએ?
૧૮ બધા કુંવારા ભાઈ-બહેનો યહોવાહની ભક્તિમાં બનતું બધું જ કરે છે. આપણે તેઓને દિલથી ચાહીએ છીએ અને શાબાશી આપીએ છીએ. તેઓ મંડળ માટે જે કંઈ કરે છે એની ખૂબ જ કદર કરીએ છીએ. જો આપણે તેઓના ‘ભાઈઓ, બહેનો, મા અને છોકરાં’ જેવા બનીશું, તો તેઓને કદીયે એવું નહિ લાગે કે પોતે એકલા છે.—માર્ક ૧૦:૨૮-૩૦ વાંચો.
૧૯. એકલા હોવાનો પૂરેપૂરો લાભ ઉઠાવવા તમે શું કરશો?
૧૯ કદાચ સંજોગોના લીધે કે પછી પોતે લીધેલા નિર્ણયને કારણે તમે એકલા હોવ. પણ આજે બાઇબલમાંથી અને આપણા સમયના દાખલામાંથી જોયું કે એકલા ભાઈ-બહેનો માટે ઘણું કામ છે અને તેઓ ખુશીથી જીવી શકે છે. અમુક ભેટની આપણે રાહ જોઈએ છીએ, જ્યારે કે અમુક અણધારી રીતે મળે છે. અમુક ભેટ તરત ગમી જાય છે, જ્યારે કે અમુક સમય જતાં ગમવા લાગે છે. મોટા ભાગે એનો આધાર આપણા વલણ પર છે. એકલા હોવાનો પૂરેપૂરો લાભ ઉઠાવવા તમે શું કરશો? યહોવાહ સાથે પાકો નાતો બાંધો. તેમની ભક્તિમાં મંડ્યા રહો. બધા પર દિલથી પ્રેમ રાખો અને મિત્રો બનાવો. લગ્નની જેમ, કુંવારા રહેવાને આપણે યહોવાહની નજરે જોઈએ. એનો સમજી-વિચારીને લાભ લઈએ તો એ પણ એક અમૂલ્ય ભેટ છે. (w11-E 01/15)
તમને આ યાદ છે?
• કુંવારા હોવું કઈ રીતે એક મૂલ્યવાન ભેટ છે?
• યુવાનીમાં કુંવારા રહેવાથી કયા આશીર્વાદો મળી શકે છે?
• એકલા ભાઈ-બહેનોને યહોવાહ સાથે પાકો નાતો બાંધવાની અને બધા સાથે હળવા-મળવાની કેવી તકો મળે છે?
[પાન ૨૧ પર ચિત્રો]
યહોવાહની ભક્તિમાં મળેલી તકોનો શું તમે પૂરો લાભ ઉઠાવો છો?