પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
એક માણસને ઘણી પત્નીઓ હતી અને તે યહોવાના સાક્ષીઓનો વિરોધ કરતો હતો. તે શા માટે યહોવાનો સાક્ષી બન્યો? પેન્તેકોસ્ત ચર્ચના એક પાદરીને પોતાની માન્યતા બદલવા શાનાથી મદદ મળી? એક સ્ત્રીએ બાળપણમાં ઘણું સહ્યું હતું અને તે પોતાને નકામી સમજતી હતી. એ વિચારોમાંથી બહાર આવવા અને ઈશ્વરની નજીક જવા તેને શાનાથી મદદ મળી? એક માણસને હેવી-મેટલ મ્યુઝિક ખૂબ ગમતું હતું. તે કઈ રીતે યહોવાનો સાક્ષી બન્યો? એ સવાલોના જવાબ જાણવા આ અનુભવો વાંચો.
“હું સારો પતિ બન્યો.”—રીગોબર ઉટો
જન્મ: ૧૯૪૧
દેશ: બેનિન
ભૂતકાળ: એકથી વધારે પત્ની, યહોવાના સાક્ષીઓનો વિરોધી
મારા વિશે:
હું બેનિનના મોટા શહેર કોટોનોથી છું. મારો ઉછેર કૅથલિક તરીકે થયો હતો. પણ હું ચર્ચમાં નિયમિત જતો ન હતો. મારા વિસ્તારના ઘણા કૅથલિકોને એકથી વધારે પત્નીઓ હતી, કેમ કે એ સમયે એકથી વધારે પત્નીઓ હોવી કાયદેસર હતું. સમય જતાં, મેં ચાર સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં.
જ્યારે ૧૯૭૦ના દાયકામાં દેશમાં ક્રાંતિ થઈ, ત્યારે મને થયું કે એનાથી દેશને ફાયદો થશે. મેં ક્રાંતિને મારો પૂરો સાથ આપ્યો અને રાજકારણમાં જોડાયો. ક્રાંતિકારીઓને યહોવાના સાક્ષીઓ ગમતા ન હતા, કેમ કે સાક્ષીઓ રાજકારણમાં કોઈનો પક્ષ લેતા ન હતા. હું પણ સાક્ષીઓને ખૂબ જ સતાવતો હતો. જ્યારે ૧૯૭૬માં સાક્ષી મિશનરીઓને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા, ત્યારે મને પૂરી ખાતરી હતી કે તેઓ કદી પાછા નહિ આવે.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
૧૯૯૦માં ક્રાંતિનો અંત આવ્યો. યહોવાના સાક્ષીઓના મિશનરીઓ પાછા અમારા દેશમાં આવ્યા એ જાણીને મને ખૂબ નવાઈ લાગી. હું વિચારવા લાગ્યો કે ઈશ્વર સાચે જ આ લોકોની સાથે છે. એ જ સમયગાળામાં મેં નોકરી બદલી હતી. મારી નવી નોકરીની જગ્યાએ એક ભાઈ યહોવાનો સાક્ષી હતો. થોડા જ સમયમાં તે મને બાઇબલ વિશે જણાવવા લાગ્યો. તેણે મને બાઇબલમાંથી બતાવ્યું કે યહોવા પ્રેમ અને ન્યાયના ઈશ્વર છે. (પુનર્નિયમ ૩૨:૪; ૧ યોહાન ૪:૮) ઈશ્વરના એ ગુણો મને ખૂબ જ ગમ્યા. મારે યહોવા વિશે વધારે જાણવું હતું, એટલે મેં તેને બાઇબલમાંથી શીખવાની હા પાડી.
જલદી જ હું યહોવાના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યો. તેઓ વચ્ચેનો પ્રેમ મારા દિલને સ્પર્શી ગયો. તેઓમાં નાત-જાતનો જરાય ભેદભાવ ન હતો. હું જેટલું વધારે તેઓ સાથે હળવા-મળવા લાગ્યો, એટલી વધારે મને ખાતરી થવા લાગી કે તેઓ જ ઈસુના ખરા શિષ્યો છે.—યોહાન ૧૩:૩૫.
મને સમજાયું કે જો મારે યહોવાની સેવા કરવી હોય, તો મારે કૅથલિક ચર્ચ છોડવું પડશે. એ પગલું ભરવું ખૂબ જ અઘરું હતું. મને ડર હતો કે લોકો મારા વિશે શું વિચારશે. એટલે એ પગલું ભરતા મને ઘણો સમય લાગ્યો. પણ મેં હિંમત ભેગી કરી અને ચર્ચમાંથી રાજીનામું આપી દીધું. જોકે, યહોવાની મદદ વગર હું એમ કરી શક્યો ન હોત.
મારે જીવનમાં હજી એક મોટો ફેરફાર કરવાની જરૂર હતી. મને બાઇબલમાંથી શીખવા મળ્યું કે યહોવા એકથી વધારે પત્ની રાખવાની પરવાનગી આપતા નથી. (ઉત્પત્તિ ૨:૧૮-૨૪; માથ્થી ૧૯:૪-૬) તેમની નજરમાં મારી પહેલું લગ્ન જ યોગ્ય હતું. એટલે મેં એ લગ્નને કાયદાની નજરે માન્ય કરાવ્યું અને બીજી પત્નીઓને છોડી દીધી. મેં તેઓનાં ભરણ-પોષણની પણ ગોઠવણ કરી. સમય જતાં, મારી અગાઉની બે પત્નીઓ યહોવાની સાક્ષી બની.
મને કઈ રીતે ફાયદો થયો:
મારી પત્ની હજીયે કૅથલિક ધર્મ પાળે છે. પણ હું યહોવાની સેવા કરું છું, એનો તેને કંઈ વાંધો નથી. અમને બંનેને લાગે છે કે હું સારો પતિ બન્યો છું.
પહેલાં હું માનતો હતો કે રાજકારણમાં ભાગ લઈને હું સમાજને સુધારી શકું છું. પણ હવે હું સાફ જોઈ શકું છું કે બધી તકલીફોનો એક જ ઉકેલ છે, ઈશ્વરનું રાજ્ય. (માથ્થી ૬:૯, ૧૦) હું યહોવાનો ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને સાચી ખુશીનો માર્ગ બતાવ્યો.
“ફેરફારો કરવા મારા માટે ખૂબ અઘરું હતું.”—એલેક્સ લેમોસ સીલ્વા
જન્મ: ૧૯૭૭
દેશ: બ્રાઝિલ
ભૂતકાળ: પેન્તેકોસ્ત ચર્ચના પાદરી
મારા વિશે:
હું સાઓ પાઊલો રાજ્યના ઈતુ શહેરમાં મોટો થયો હતો. અહીંયા ખૂબ ગુનાઓ થતા હતા.
હું ખૂબ જ ગંદું જીવન જીવતો હતો. નાની નાની વાતે હું મારામારી પર ઊતરી આવતો. હું ડ્રગ્સ પણ વેચતો. પણ સમય જતાં મને સમજાયું કે આવું જીવન કાં તો મને જેલમાં લઈ જશે, કાં તો કબરમાં. એટલે મેં એ બધું છોડી દીધું. પછી હું પેન્તેકોસ્ત ચર્ચમાં જોડાયો. થોડા સમયમાં હું પાદરી બની ગયો.
મને લાગ્યું કે પાદરી તરીકે હું લોકોની વધારે મદદ કરી શકીશ. મેં એક રેડિયો ચેનલ પર ધાર્મિક કાર્યક્રમો પણ કર્યા. એના લીધે હું ખૂબ જાણીતો થઈ ગયો. ધીરે ધીરે મને ખ્યાલ આવ્યો કે ચર્ચને એના સભ્યોની કંઈ ખાસ પડી નથી અને ઈશ્વરની તો જરાય પડી નથી. ચર્ચના ધર્મગુરુઓને તો પૈસા બનાવવામાં જ રસ હતો. એટલે મેં ચર્ચમાંથી રાજીનામું આપી દીધું.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
જ્યારે મેં યહોવાના સાક્ષીઓ પાસે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, ત્યારે હું જોઈ શક્યો કે તેઓ બીજા ધાર્મિક લોકો કરતાં સાવ અલગ છે. મને યહોવાના સાક્ષીઓની બે વાત ખૂબ જ ગમી. પહેલી, તેઓ ઈશ્વરને અને પડોશીને પ્રેમ કરવાની ફક્ત વાતો નથી કરતા, એમ કરીને બતાવે પણ છે. બીજી, તેઓ રાજકારણમાં કે યુદ્ધોમાં ભાગ નથી લેતા. (યશાયા ૨:૪) એ બે વાતથી મને ખાતરી થઈ કે મને સાચા ઈશ્વર તરફ લઈ જતો માર્ગ મળી ગયો છે. એ માર્ગ વિશે ઈસુએ કહ્યું હતું કે એ મુશ્કેલ છે, પણ જીવન તરફ લઈ જાય છે.—માથ્થી ૭:૧૩, ૧૪.
મને સમજાયું કે જો મારે ઈશ્વરની કૃપા મેળવવી હોય, તો મોટા મોટા ફેરફારો કરવા પડશે. મારે કુટુંબ માટે વધારે સમય કાઢવાની જરૂર હતી, નમ્ર બનવાની જરૂર હતી. એ ફેરફારો કરવા મારા માટે ખૂબ અઘરું હતું, પણ યહોવાની મદદથી હું એ કરી શક્યો. મારી પત્નીએ મારા પહેલાં બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું હતું. ખરું કે, તેને કંઈ ખાસ રસ ન હતો. પણ મારામાં થયેલા ફેરફારો તેના દિલને સ્પર્શી ગયા અને હવે તે શીખેલી વાતો મારાથી પણ વધારે ઝડપથી લાગુ પાડે છે. બહુ જલદી અમને સમજાઈ ગયું કે અમારે યહોવાના સાક્ષીઓ બનવું છે. કેટલી ખુશીની વાત કહેવાય કે અમે બંનેએ એક જ દિવસે બાપ્તિસ્મા લીધું!
મને કઈ રીતે ફાયદો થયો:
અમારાં ત્રણ બાળકો યહોવાને ખૂબ પ્રેમ કરે છે. તેઓ યહોવાના દોસ્ત બને એ માટે અમે તેઓની મદદ કરીએ છીએ અને એમાં અમને ખૂબ ખુશી મળે છે. અમારું કુટુંબ બહુ ખુશ છે. હું યહોવાનો આભાર માનું છું કે તેમણે મને તેમની તરફ ખેંચ્યો અને હું બાઇબલમાંથી તેમના વિશે શીખી શક્યો. બાઇબલમાં એટલી શક્તિ છે કે એ લોકોનું જીવન બદલી શકે છે. એનો હું જીવતો-જાગતો દાખલો છું.
“મારું દિલ સાફ છે અને હું ખુશ છું.”—વિક્ટોરિયા ટોંગ
જન્મ: ૧૯૫૭
દેશ: ઑસ્ટ્રેલિયા
ભૂતકાળ: કરુણ બાળપણ
મારા વિશે:
મારો ઉછેર ન્યૂ સાઉથ વૅલ્સના ન્યૂ-કેસેલ શહેરમાં થયો હતો. સાત ભાઈ-બહેનોમાં હું સૌથી મોટી છું. મારાં મમ્મી-પપ્પા ખૂબ જ હિંસક હતાં. પપ્પા તો ખૂબ જ દારૂ પીતા અને મમ્મી મને બહુ માર મારતી અને બૂમબરાડા પાડતી. તે મને વારંવાર કહેતી કે હું ખૂબ ખરાબ છું અને મને નરકની આગમાં રિબાવવામાં આવશે. એ બધાને લીધે હું ખૂબ ડરી જતી.
મમ્મી અમુક વાર એટલો માર મારતી કે હું સ્કૂલે ન જઈ શકતી. હું ૧૧ વર્ષની થઈ ત્યારે સરકારી અધિકારીઓ મને મમ્મી-પપ્પાથી દૂર લઈ ગયા. તેઓએ પહેલા મને સરકારી સંસ્થામાં રાખી અને પછી કૉન્વેન્ટમાં મૂકી. જ્યારે હું ૧૪ વર્ષની થઈ ત્યારે કૉન્વેન્ટ છોડીને ભાગી ગઈ. મારે ઘરે પાછા જવું ન હતું, એટલે હું સિડની શહેરના રસ્તાઓ પર રહેવા લાગી.
હું ડ્રગ્સ લેતી, પુષ્કળ દારૂ પીતી, પોર્નોગ્રાફી જોતી અને વેશ્યાનું કામ કરતી. એક બનાવે મને હલાવી નાંખી. હું એક નાઇટક્લબના માલિકના ઍપાર્ટમેન્ટમાં રહેતી હતી. એક સાંજે બે માણસો માલિકને મળવા આવ્યા. માલિકે મને બેડરૂમમાં મોકલી દીધી, પણ હું તેઓની વાતચીત સાંભળી શકતી હતી. ક્લબનો માલિક મને વેચી દેવા માંગતો હતો અને પેલા માણસોના હાથમાં સોંપી દેવા માંગતો હતો. તેઓ મને એક મોટા જહાજના માલ-સામાનમાં સંતાડીને જાપાન લઈ જવા માંગતા હતા, જેથી હું ત્યાં જઈને દારૂના બારમાં કામ કરી શકું. તેઓની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ. એટલે મેં બારીમાંથી કૂદકો માર્યો અને મદદ માટે ત્યાંથી ભાગી ગઈ.
ત્યાં મને એક માણસ મળ્યો, જે સિડની ફરવા આવ્યો હતો. મેં તેને બધી વાત કહી. મને હતું કે તેને મારા પર દયા આવશે અને મને થોડા પૈસા આપશે. પણ તે તો મને તેની રૂમ પર લઈ ગયો, જેથી હું નાહી-ધોઈને ફ્રેશ થઈ શકું અને થોડું ખાઈ શકું. વાત જાણે એમ બની કે હું તેની સાથે જ રહેવા લાગી અને એક વર્ષ પછી અમે લગ્ન કર્યું.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
જ્યારે મેં યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, ત્યારે મને કેવું લાગતું એ હું કહી શકતી નથી. કેમ કે કોઈક વાર મને ગુસ્સો આવતો, તો કોઈક વાર મને રાહત મળતી. ગુસ્સો એ વાતનો આવતો કે આખી જિંદગી મને એ જ શીખવવામાં આવ્યું કે દુઃખ-તકલીફો માટે ઈશ્વર જવાબદાર છે. પણ હવે હું બાઇબલમાંથી શીખી કે ઈશ્વર નહિ, પણ દુષ્ટ શેતાનને લીધે તકલીફો આવે છે. મને યાદ છે ત્યાં સુધી મેં આખી જિંદગી એ ડરમાં વિતાવી કે દુષ્ટોને નરકમાં રિબાવવામાં આવે છે. પણ હવે શીખી કે ઈશ્વર કોઈને પણ સજા કરવા નરકમાં રિબાવતા નથી. સાચું કહું, એ હકીકત જાણીને તો મનને એટલી રાહત મળી કે હું તો સાવ હળવીફૂલ થઈ ગઈ.
હું એ જોઈને દંગ રહી ગઈ કે સાક્ષીઓ દરેક નિર્ણય બાઇબલને આધારે લે છે. તેઓ બાઇબલમાંથી જે કંઈ શીખે છે, એને જીવનમાં ઉતારે છે. મારો સ્વભાવ થોડો અઘરો હતો અને અમુક વાર મારાં વાણી-વર્તનથી બીજાઓને ખોટું પણ લાગી જતું. તેમ છતાં, સાક્ષીઓએ હંમેશાં મને પ્રેમ બતાવ્યો અને મને માન આપ્યું.
સૌથી મોટી મુશ્કેલી એ હતી કે હું પોતાને નકામી સમજતી હતી. હું પોતાને ખૂબ જ નફરત કરતી હતી. બાપ્તિસ્માનાં ઘણાં વર્ષો પછી પણ એ લાગણી સામે હું ઝઝૂમતી હતી. એક બાજુ હું યહોવાને પ્રેમ કરતી અને બીજી બાજુ માનતી કે યહોવા મારા જેવી વ્યક્તિને કદી પ્રેમ નહિ કરે.
બાપ્તિસ્માનાં આશરે ૧૫ વર્ષ પછી એવું કંઈક બન્યું, જેનાથી મને મારા વિચારો બદલવા મદદ મળી. યહોવાના સાક્ષીઓના પ્રાર્થનાઘરમાં એક ભાઈ પ્રવચન આપી રહ્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં યાકૂબ ૧:૨૩, ૨૪ કલમો વંચાવી. એ કલમોમાં બાઇબલને અરીસા સાથે સરખાવ્યું છે. એવો અરીસો, જેમાં આપણે પોતાને એ રીતે જોઈ શકીએ, જેમ યહોવા આપણને જુએ છે. હું વિચારવા લાગી કે યહોવા મને જે રીતે જુએ છે, એ રીતે હું પોતાને નથી જોતી. પણ શરૂઆતમાં એ સ્વીકારવું મારા માટે થોડું અઘરું હતું. હું માનવા જ માંગતી ન હતી કે યહોવા મારા જેવી વ્યક્તિને પ્રેમ કરી શકે છે.
થોડા દિવસો પછી મેં એક કલમ વાંચી, જેણે મારું આખું જીવન બદલી નાખ્યું. એ કલમ હતી, યશાયા ૧:૧૮. ત્યાં યહોવા કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ. ભલે તમારાં પાપ લાલ રંગનાં હોય, તોપણ એ બરફ જેવા સફેદ થઈ જશે. ભલે એ લાલ રંગનાં કપડાં જેવાં હોય, તોપણ એ ઊન જેવાં ઊજળાં થઈ જશે.” એ કલમો વાંચીને લાગ્યું કે જાણે યહોવા મારી સાથે વાત કરી રહ્યા છે. તે કહે છે: “આવ વિક્કી, આપણે વાત કરીએ અને ઉકેલ લાવીએ. હું તને ઓળખું છું. હું તારાં પાપો વિશે જાણું છું. મને ખબર છે કે તારા દિલમાં શું છે અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું.”
એ રાતે હું સૂઈ જ ન શકી. યહોવા મને પ્રેમ કરે છે એ વાત પર મને હજીયે શંકા હતી. પણ હું ઈસુએ આપેલા બલિદાન પર વિચાર કરવા લાગી. મને સમજાયું કે યહોવા લાંબા સમયથી મારી સાથે ધીરજથી વર્તી રહ્યા છે, કેમ કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે. પણ એ તો હું હતી, જે તેમને કહેતી હતી: “ના, યહોવા, તમારો પ્રેમ એટલો મહાન નથી કે મને મદદ કરી શકે. તમારા દીકરાનું બલિદાન એટલું મોટું નથી કે મારાં પાપો ઢાંકી શકે.” એ તો જાણે એવું હતું કે હું એ બલિદાનને ઠોકર મારી રહી હતી. આખરે, ઈસુના બલિદાન પર ઊંડો વિચાર કરવાથી હું યહોવાના પ્રેમનો અનુભવ કરી શકી.
મને કઈ રીતે ફાયદો થયો:
હવે મારું દિલ સાફ છે અને હું ખુશ છું. મારું લગ્નજીવન વધારે મજબૂત બન્યું છે. મને એ વાતની ખુશી છે કે હું મારા અનુભવોથી બીજાઓને મદદ કરી શકું છું. હું યહોવાની વધારે ને વધારે નજીક આવી છું.
“આ મારી પ્રાર્થનાનો જવાબ હતો.”—સર્ગી બોટનકીન
જન્મ: ૧૯૭૪
દેશ: રશિયા
ભૂતકાળ: હેવી-મેટલ મ્યુઝિકના દીવાના
મારા વિશે:
મારો જન્મ રશિયાના વોટકિન્સ્ક નામના શહેરમાં થયો હતો. એ જ શહેરમાં પ્રખ્યાત સંગીતકાર પ્યોટર ઇલિયેક ચેકોવસ્કીનો પણ જન્મ થયો હતો. અમારું કુટુંબ ઘણું ગરીબ હતું. મારા પપ્પા ખૂબ સારા હતા, પણ તે પુષ્કળ દારૂ પીતા હતા. એના લીધે ઘરમાં હંમેશાં કજિયા-કંકાસ રહેતો.
હું ભણવામાં બહુ કાચો હતો. વર્ષો વીત્યાં તેમ મને લાગવા લાગ્યું કે હું બીજાઓની જેમ સારો નહિ બની શકું. મને એકલા એકલા રહેવું ગમતું. હું બીજાઓ પર ભરોસો ન કરતો. સ્કૂલે જવું મને બહુ અઘરું લાગતું. જ્યારે ક્લાસ સામે બોલવાનો વારો આવતો, ત્યારે તો મને પરસેવો છૂટી જતો. હું સહેલી બાબતો પણ સમજાવી ન શકતો. આઠમા ધોરણના રિપોર્ટ કાર્ડમાં લખ્યું હતું: “મારો શબ્દભંડોળ ખૂબ ઓછો છે અને હું મારા વિચારો સમજાવી શકતો નથી.” એ શબ્દોએ મને અંદરથી તોડી નાખ્યો અને હું પોતાને વધારે નકામો સમજવા લાગ્યો. હું વિચારવા લાગ્યો કે મારા જીવનનો હેતુ શું છે, હું કેમ જીવું છું.
પંદર-સોળ વર્ષની ઉંમરે જ મેં દારૂ પીવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તો દારૂ પીવાથી મને સારું લાગતું. પણ જ્યારે હું વધુ પડતો દારૂ પીતો, ત્યારે મારું અંતઃકરણ ડંખતું. મને લાગતું કે મારા જીવનનો કોઈ અર્થ નથી. હું વધારે નિરાશ થઈ ગયો. અમુક વાર તો દિવસો ને દિવસો સુધી હું ઘરની બહાર ન નીકળતો. મને આપઘાતના વિચારો આવવા લાગ્યા.
હું ૨૦ વર્ષનો થયો ત્યારે જીવનમાં થોડી શાંતિ મળી, કેમ કે મેં હેવી-મેટલ મ્યુઝિક સાંભળવાનું શરૂ કર્યું હતું. મને લાગતું કે એ સંગીતથી મારામાં ઉત્સાહ આવે છે. હું એવા લોકો સાથે સમય વિતાવતો, જેઓને આવું સંગીત સાંભળવું ગમતું. મેં મારા વાળ લાંબા કર્યા હતા અને કાનમાં બુટ્ટીઓ પહેરતો હતો. હું પ્રખ્યાત સંગીતકારો જેવાં કપડાં પહેરતો. ધીરે ધીરે હું ઉદ્ધત અને હિંસક બની ગયો. ઘણી વાર કુટુંબ સાથે પણ ઝઘડી પડતો.
મને લાગતું કે હેવી-મેટલ મ્યુઝિક સાંભળવાથી મને ખુશી મળશે, પણ એ ખુશી ઝાઝો સમય ન ટકી. હું વધારે ખરાબ બની રહ્યો હતો. જ્યારે મને જાણવા મળ્યું કે જે સંગીતકારો મને ગમે છે, તેઓ કેવાં ખરાબ કામો કરે છે, ત્યારે મારું દિલ તૂટી ગયું.
ફરી એકવાર હું આપઘાત કરવાનું વિચારવા લાગ્યો. હું જીવવા માંગતો ન હતો. પણ એક જ વિચાર મને આપઘાત કરવાથી રોકી રહ્યો હતો. હું વિચારતો કે જો હું આપઘાત કરી લઈશ, તો મમ્મીનું શું થશે. મમ્મી મને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેણે મારા માટે ઘણું કર્યું હતું. એ સંજોગો ખૂબ જ અઘરા હતા. હું અસમંજસમાં હતો, મારે જીવવું ન હતું અને મરી પણ શકતો ન હતો.
મન બીજે વાળવા મેં રશિયન ભાષાની ચોપડીઓ વાંચવાની શરૂ કર્યું. મેં એક વાર્તા વાંચી, જેમાં વાર્તાનો હીરો ચર્ચમાં સેવા આપતો હતો. અચાનક મારા મનમાં ઝબકારો થયો અને મને ભગવાન અને લોકો માટે કંઈક કરી છૂટવાની તીવ્ર ઇચ્છા થઈ. મેં મારા જીવનમાં પહેલી વાર ઈશ્વરને પ્રાર્થના કરી અને તેમની આગળ મારું દિલ રેડી દીધું. મેં ઈશ્વરને કાલાવાલા કર્યા કે તે મને સારું જીવન જીવવા મદદ કરે. પ્રાર્થના કરતો હતો ત્યારે જ મને લાગ્યું કે જાણે મારા માથેથી બોજ હળવો થઈ ગયો છે. એના પછી જે બન્યું, એ તો હજી જોરદાર હતું. બસ બે કલાકમાં જ યહોવાના એક સાક્ષી બહેને મારા ઘરનો દરવાજો ખખડાવ્યો. તેમણે મને પૂછ્યું કે શું મારે બાઇબલમાંથી શીખવું છે. આ મારી પ્રાર્થનાનો જવાબ હતો. એ મારા ખુશહાલ નવા જીવનની શરૂઆત હતી.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું:
થોડું અઘરું હતું, તોપણ મેં હેવી-મેટલ મ્યુઝિકને લગતી મારી બધી જ વસ્તુઓ ફેંકી દીધી. તેમ છતાં, લાંબા સમય સુધી એ સંગીત મારા મનમાં ઘૂમ્યા જ કરતું. જ્યારે હું એવી જગ્યાએથી પસાર થતો, જ્યાં એવું સંગીત વાગતું, ત્યારે મારો ભૂતકાળ મારી આંખોની સામે આવી જતો. હું ચાહતો ન હતો કે એ કડવી યાદો મારા માર્ગમાં આડે આવે અને સત્યનું જે બી મારા દિલમાં ઊગી રહ્યું હતું એને જડમૂળથી ઉખેડી નાખે. એટલે હું એવી જગ્યાઓએ જવાનું ટાળતો. જ્યારે પણ જૂની યાદો મને સતાવતી, ત્યારે હું વારંવાર પ્રાર્થના કરતો. એમ કરવાથી મને ‘ઈશ્વરની શાંતિ મળતી, જે આપણી સમજશક્તિની બહાર છે.’—ફિલિપીઓ ૪:૭.
હું બાઇબલમાંથી શીખતો ગયો તેમ મને જાણવા મળ્યું કે ખ્રિસ્તીઓએ પ્રચાર કરવો જોઈએ. (માથ્થી ૨૮:૧૯, ૨૦) મને થતું કે એવું તો હું ક્યારેય નહિ કરી શકું. ખરું કે, એ વાત પણ એટલી જ સાચી હતી કે, હું જે શીખી રહ્યો હતો એનાથી મને ખુશી અને શાંતિ મળી હતી. એટલે ડર લાગતો હોવા છતાં પણ મેં બીજાઓને બાઇબલની વાતો જણાવવાનું શરૂ કર્યું. એનાથી ફાયદો એ થયો કે મારો પોતાનો આત્મવિશ્વાસ વધ્યો અને બાઇબલમાં મારો ભરોસો પણ વધ્યો.
મને કઈ રીતે ફાયદો થયો:
હું મારા લગ્નજીવનથી બહુ ખુશ છું. મને એ વાતની ખુશી છે કે મેં મારી મમ્મી અને નાની બહેનની સાથે સાથે બીજાઓને પણ બાઇબલમાંથી શીખવા મદદ કરી છે. યહોવાની ભક્તિ કરવાથી અને બીજાઓને ઈશ્વર વિશે શીખવવાથી મને જીવનમાં સાચી ખુશી અને સંતોષ મળ્યાં છે.