ઈશ્વરની પાસે આવો
‘તે જીવતાંઓના ઈશ્વર છે’
શું ઈશ્વર કરતાં મૃત્યુ શક્તિશાળી છે? જરાય નહિ! ‘સર્વશક્તિમાન ઈશ્વર’ કરતાં મૃત્યુ કે કોઈ “શત્રુ” કઈ રીતે મહાન હોય શકે? (૧ કોરીંથી ૧૫:૨૬; નિર્ગમન ૬:૩) ગુજરી ગયેલાઓને જીવતા કરીને મૃત્યુને હંમેશ માટે મિટાવી નાખવાની ઈશ્વર પાસે પૂરી તાકાત છે. યહોવાનું વચન છે કે નવી દુનિયામાં તે એમ કરશે.a શું એ વચન ભરોસાપાત્ર છે? ખુદ યહોવાના દીકરા ઈસુએ એવા શબ્દો કહ્યા જેનાથી આપણા દિલમાં આશાનું કિરણ જાગે.—માથ્થી ૨૨:૩૧, ૩૨ વાંચો.
સાદુકી ધર્મગુરુઓ માનતા ન હતા કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે. તેઓ સાથે વાત કરતી વખતે ઈસુએ આમ કહ્યું: ‘મરેલાંને જીવતા કરવા સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું, કે હું ઈબ્રાહીમનો ઈશ્વર તથા ઈસ્હાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું? તે મૂએલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના છે.’ લગભગ ૩,૫૦૦ વર્ષ પહેલાં યહોવા સાથે મુસાએ બળતા ઝાડવા પાસે વાત કરી હતી, એ બનાવનો ઈસુ ઉલ્લેખ કરતા હતા. (નિર્ગમન ૩:૧-૬) ઈસુના કહેવા પ્રમાણે યહોવાએ મુસાને આમ કહ્યું: ‘હું, ઈબ્રાહીમનો ઈશ્વર તથા ઈસ્હાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું.’ આમ કહીને ઈસુ ખાતરી આપતા હતા કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે. પણ કઈ રીતે?
એ બનાવની અમુક વિગતો તપાસીએ. યહોવાએ મુસા સાથે વાત કરી એના ઘણાં વર્ષો પહેલાં ઈશ્વરભક્ત ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ મરણ પામ્યા હતા. ઈબ્રાહીમને મરણ પામ્યે ૩૨૯, ઈસ્હાકને ૨૨૪ અને યાકૂબને ૧૯૭ વર્ષ થયાં હતાં. તોપણ, મુસા સાથે વાત કરતા યહોવાએ એમ ન કહ્યું કે હું તેઓનો ઈશ્વર ‘હતો.’ પણ, એમ કહ્યું કે હું તેઓનો ઈશ્વર ‘છું.’ એ ભક્તો જાણે જીવતા હોય એવી રીતે યહોવાએ તેઓનો ઉલ્લેખ કર્યો. શા માટે?
ઈસુએ જણાવ્યું: “તે [યહોવા] મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે.” કલ્પના કરો કે એનો શું અર્થ થાય. જો ગુજરી ગયેલા જીવતા થવાના ન હોય, તો એનો અર્થ કે ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ કાયમ માટે મોતના બંધનમાં રહેશે. એ ખરું હોય તો, યહોવા ફક્ત મુડદાના ઈશ્વર ગણાય. એટલે કે યહોવા કરતાં મૃત્યુ વધારે શક્તિશાળી છે. બીજા શબ્દમાં યહોવા પોતાના ભક્તોને મોતના બંધનમાંથી છોડાવવા સાવ લાચાર છે.
તો પછી, ઈબ્રાહીમ, ઈસ્હાક, યાકૂબ અને યહોવાના બીજા ભક્તો વિશે શું કહી શકીએ જેઓ ગુજરી ગયા છે? ઈસુએ ભાર આપતા કહ્યું: ‘તેઓ સઘળા’ યહોવાની નજરે જીવે છે. (લુક ૨૦:૩૮) એ કારણે યહોવાહ પોતાનો હેતુ ચોક્કસ પૂરો કરશે. (રોમનો ૪:૧૬, ૧૭) ગુજરી ગયેલા ભક્તોને યહોવા યાદ રાખશે અને યોગ્ય સમયે તેઓને જરૂર ઉઠાડશે.
મૃત્યુ કરતાં યહોવા અનેક દરજ્જે શક્તિશાળી છે
શું ગુજરી ગયેલા સગાં-વહાલાઓને ફરી મળવું તમને ગમશે? એમ હોય તો, ભૂલશો નહિ કે મૃત્યુ કરતાં યહોવા અનેક દરજ્જે શક્તિશાળી છે. યહોવાનું વચન છે કે તે ગુજરી ગયેલાઓને જીવતા કરશે, એમ કરવામાં તેમને કોઈ રોકી નહિ શકે. કેમ નહિ કે તમે એ વચન આપનાર ઈશ્વરને ઓળખો અને શીખો કે તે કઈ રીતે ગુજરી ગયેલાઓને જીવતા કરશે? એમ કરવાથી યહોવા જે ‘જીવતાંઓના ઈશ્વર’ છે તેમની પાસે તમે જરૂર આવી શકશો. ▪ (w13-E 02/01)
a યહોવા નવી દુનિયામાં ગુજરી ગયેલાઓને જીવતા કરશે, એ વચન વિશે વધુ જાણવા માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૭ જુઓ. આ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પડ્યું છે.