‘યહોવાને ઓળખનારું હૃદય’ શું તમારી પાસે છે?
‘યહોવા તે હું છું એવું ઓળખનારું હૃદય હું તેઓને આપીશ અને તેઓ મારા લોક થશે.’—યિર્મે. ૨૪:૭.
૧, ૨. શા માટે આપણે અંજીર વિશે શીખવા માંગીએ છીએ?
શું તમને અંજીર ખાવાં ગમે છે? ઘણા લોકોને ગમે છે, એટલે મોટાં પ્રમાણમાં એને ઉગાડવામાં આવે છે. પ્રાચીન યહુદીઓ માટે અંજીર મહત્ત્વનાં હતાં. (નાહૂ. ૩:૧૨; લુક ૧૩:૬-૯) અંજીરમાં ઘણાં પોષક તત્ત્વો હોવાથી અમુકનું માનવું છે કે અંજીર હૃદય માટે સારાં હોય છે.
૨ એક વાર, યહોવાએ અંજીરની સરખામણી હૃદય સાથે કરી. યહોવાએ યિર્મેયા પ્રબોધકને જે જણાવ્યું એમાં અંજીરના ફાયદાઓ વિશે વાત નહોતી કરી. પણ, એ અહેવાલમાં આપણા અને સ્નેહીજનોનાં હૃદય માટે મહત્ત્વની શિખામણ છે. એ શું છે? યહોવાએ જે કહ્યું એની ચર્ચા કરીએ ત્યારે, ધ્યાન આપો કે આપણા માટે એનો શું અર્થ થાય છે.
૩. યિર્મેયાના ૨૪માં અધ્યાયમાં જણાવેલાં અંજીર કોને દર્શાવે છે?
૩ યિર્મેયાના દિવસોમાં ઈશ્વરે અંજીર વિશે કંઈક જણાવ્યું હતું, ચાલો પહેલા એની ચર્ચા કરીએ. ઈસવીસન પૂર્વે ૬૧૭માં યહુદા રાજ્ય યહોવાની ભક્તિથી સાવ દૂર થઈ ગયું હતું. ઈશ્વરે નજીકના ભાવિ વિશે યિર્મેયાને દર્શન આપ્યું, જેમાં તેમણે બે પ્રકારનાં અંજીરના દાખલા વાપર્યા હતા, “સારાં અંજીર” અને “બગડી ગયેલાં અંજીર.” (યિર્મેયા ૨૪:૧-૩ વાંચો.) બગડેલાં અંજીર સિદકીયા રાજા અને તેમના જેવા બીજા લોકોને દર્શાવતાં, જેઓ પર નબૂખાદનેસ્સાર રાજા અને તેના સૈન્ય દ્વારા હુમલો થવાનો હતો. તો પછી, હઝકીએલ, દાનીયેલ અને તેમના ત્રણ મિત્રો જે પહેલેથી બાબેલોનમાં હતા તેઓનું શું? તેમ જ, ત્યાં બીજા અમુક યહુદીઓને લઈ જવામાં આવવાના હતા, તેઓ વિશે શું? તેઓ જાણે સારાં અંજીર જેવા હતા. તેઓમાંથી બચી ગયેલા લોકો યરૂશાલેમ અને એનું મંદિર બાંધવા પાછા ફરવાના હતા, જે સમય જતા થયું હતું.—યિર્મે. ૨૪:૮-૧૦; ૨૫:૧૧, ૧૨; ૨૯:૧૦.
૪. ઈશ્વરે સારાં અંજીર વિશે જે કહ્યું એમાંથી શું ઉત્તેજન મળે છે?
૪ સારાં અંજીર જેવા ભક્તોને યહોવા કહે છે: ‘યહોવા તે હું છું એમ ઓળખનારું હૃદય હું તેઓને આપીશ અને તેઓ મારા લોકો થશે.’ (યિર્મે. ૨૪:૭) ઉત્તેજન આપતા એ શબ્દો આ લેખની મુખ્ય કલમ છે. આપણે ઈશ્વરને ‘ઓળખનારું હૃદય’ મેળવીએ એવું તે ચાહે છે. એટલે કે, ઈશ્વરને ઓળખવા માગતી વ્યક્તિ બનીએ. તેમ જ, તેમના લોકોનો ભાગ બનીએ. એ માટે કેવાં પગલાં ભરવાં પડે? બાઇબલનો અભ્યાસ કરીએ, એનાં શિક્ષણ પ્રમાણે ચાલીએ, પાપનો પસ્તાવો કરી એનાથી દૂર રહીએ. તેમ જ, પોતાનું જીવન પ્રાર્થનામાં ઈશ્વરને સમર્પણ કરી, પિતા, પુત્ર અને પવિત્ર શક્તિનાં નામે બાપ્તિસ્મા લઈએ. (માથ. ૨૮:૧૯, ૨૦; પ્રે.કૃ. ૩:૧૯) કદાચ, તમે એ પગલાં ભર્યાં હશે અથવા સાક્ષીઓની સભામાં જતા હશો અને એ પગલાં ભરવાની તૈયારીમાં હશો.
૫. યિર્મેયાએ ખાસ કરીને કયા લોકોનાં હૃદય વિશે લખ્યું હતું?
૫ કદાચ આપણે, એમાંનાં અમુક કે બધાં પગલાં ભર્યાં હશે. તોપણ, આપણે પોતાનાં વલણ અને વર્તન પર ધ્યાન આપવું જોઈએ. કેમ? એનો જવાબ, હૃદય વિશે યિર્મેયાએ લખેલી બીજી માહિતીમાં જોઈ શકાય છે. યિર્મેયાના પુસ્તકના અમુક અધ્યાય યહુદાની આસપાસનાં રાષ્ટ્રો વિશે જણાવે છે. પણ, તેમનું પુસ્તક ખાસ કરીને, યહુદા રાજ્યના પાંચ રાજાઓ વખતે કેવી હાલત હતી એની વાત કરે છે. (યિર્મે. ૧:૧૫, ૧૬) યિર્મેયાએ પ્રથમ તો એવાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વિશે લખ્યું, જેઓ યહોવાને સમર્પિત હતાં. એ લોકોનાં બાપદાદાઓએ રાજીખુશીથી યહોવાની સમર્પિત પ્રજા બનવાનું પસંદ કર્યું હતું. (નિર્ગ. ૧૯:૩-૮) યિર્મેયાના દિવસોમાં, એ લોકોએ ઈશ્વરને સમર્પિત હોવાનું કબૂલ્યું. તેઓએ કહ્યું હતું, ‘અમે તમારી પાસે આવ્યા છીએ, કેમ કે તમે યહોવા અમારા ઈશ્વર છો.’ (યિર્મે. ૩:૨૨) પરંતુ, તમને શું લાગે છે કે તેઓનાં હૃદય કેવાં હતાં?
તેઓએ ‘હૃદયની સુનત’ કરવાની જરૂર હતી
૬. ઈશ્વરે હૃદય વિશે જે કહ્યું એમાં આપણને કેમ રસ હોવો જોઈએ?
૬ આજના ડૉક્ટરો આધુનિક સાધનો વાપરીને હૃદય કેટલું તંદુરસ્ત છે, એ તપાસી શકે છે. જ્યારે કે, યહોવા એ કરતાં વધુ કરી શકે છે. તેમણે એની સાબિતી યિર્મેયાના દિવસોમાં આપી હતી. ઈશ્વરે કહ્યું: ‘હૃદય સહુથી કપટી છે, એ અતિશય ભૂંડું છે; એને કોણ જાણી શકે? હું યહોવા મનમાં શું છે એ શોધી કાઢું છું, કે હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.’ (યિર્મે. ૧૭:૯, ૧૦) ‘હૃદયમાં શું છે તે શોધી’ કાઢવા મેડિકલ ટેસ્ટ કામ ન લાગે. કેમ કે, યહોવા અહીંયા શારીરિક હૃદયની વાત કરતા નથી, જે ૭૦થી ૮૦ વર્ષોમાં લગભગ ત્રણ અબજ વાર ધબકે છે. તે તો, માણસનું વ્યક્તિત્વ દર્શાવતા “હૃદય”ની વાત કરે છે. એ હૃદય વ્યક્તિની ઇચ્છાઓ, વિચારો અને સ્વભાવ, વલણ અને ઇરાદા દર્શાવે છે. એવું દિલ તમારામાં પણ છે. ઈશ્વર એને તપાસી શકે છે અને અમુક હદે તમે પણ એમ કરી શકો.
૭. પોતાના સમયના ઘણા યહુદીઓનાં દિલ વિશે યિર્મેયાએ શું જણાવ્યું?
૭ દિલની તપાસ માટે આપણે વિચાર કરી શકીએ કે ‘યિર્મેયાના સમયના મોટા ભાગના યહુદીઓનાં દિલની હાલત કેવી હતી?’ એના જવાબ માટે, યિર્મેયાએ વાપરેલા શબ્દોનો વિચાર કરો: “ઈસ્રાએલના વંશના સર્વ લોક હૃદયમાં બેસુનત છે.” અહીં તે, યહુદી રિવાજ પ્રમાણે પુરુષોની સુનત વિશે જણાવતા નહોતા. તેમણે તો કહ્યું કે, “યહોવા કહે છે, કે એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ સુનતીઓને તેઓના બેસુનતપણાને લીધે શિક્ષા કરીશ.” આમ, સુનત પામેલા યહુદી પુરુષો ‘હૃદયમાં સુનત વગરના’ હતા. (યિર્મે. ૯:૨૫, ૨૬) એનો અર્થ શું થાય?
૮, ૯. મોટા ભાગના યહુદીઓએ પોતાના દિલ વિશે શું કરવાની જરૂર હતી?
૮ “હૃદયમાં બેસુનત” હોવાનો અર્થ, ઈશ્વરે યહુદીઓને કહેલા આ શબ્દોમાંથી જોવા મળે છે: ‘હે યહુદાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, યહોવાને માટે તમે પોતાના હૃદયની સુનત કરો, નહિ તો તમારી કરણીઓની બૂરાઈને લીધે, મારો કોપ અગ્નિની જેમ પ્રગટશે.’ તેઓમાં બૂરાઈ ક્યાંથી આવી? તેઓનાં દિલમાંથી. (માર્ક ૭:૨૦-૨૩ વાંચો.) હા, યિર્મેયા મારફતે ઈશ્વરે યહુદીઓની બૂરાઈનું મૂળ તેઓને જણાવ્યું. તેઓનું દિલ સાવ જ બંડખોર હતું. તેઓના ઇરાદા અને વિચારો ઈશ્વરને નારાજ કરનારા હતા. (યિર્મેયા ૫:૨૩, ૨૪; ૭:૨૪-૨૬ વાંચો.) તેથી, ઈશ્વરે તેઓને કહ્યું: “તમારા શરીરોને જ નહિ પણ તમારાં મન અને હૃદયોને શુદ્ધ કરો.”—યર્મિયા ૪:૪, IBSI; ૧૮:૧૧, ૧૨.
૯ આમ, મુસાના સમયની જેમ, યિર્મેયાના સમયના લોકોને પણ પોતાના “હૃદયની સુનત” કરવાની જરૂર હતી. (પુન. ૧૦:૧૬; ૩૦:૬) એ માટે તેઓએ શું કરવાનું હતું? ઈશ્વરને જરાય ગમે નહિ એવાં ખરાબ વિચારો, ઇચ્છાઓ કે ઇરાદાઓ તેઓએ પોતાના હૃદયમાંથી સાવ કાઢી નાખવાનાં હતાં.—પ્રે.કૃ. ૭:૫૧.
‘યહોવાને ઓળખનારું હૃદય’ આજે કઈ રીતે મળે?
૧૦. દાઊદના દાખલા પ્રમાણે આપણે શું કરવા માંગીએ છીએ?
૧૦ આપણે કેટલા આભારી છીએ કે ઈશ્વર આપણને દિલની તપાસ કરવામાં મદદ કરે છે! કદાચ કોઈને એમ થાય કે, ‘શા માટે આજે પણ યહોવાના સાક્ષીઓને દિલ તપાસવાની જરૂર છે?’ ખરું કે, ઘણા ખ્રિસ્તીઓ બૂરાઈના રસ્તા પર ચાલતા નથી અને પહેલાંના ઘણા યહુદીઓની જેમ તેઓ ‘બગડેલાં અંજીર’ જેવા પણ નથી. એને બદલે, યહોવાના ભક્તો દિલથી ભક્તિ કરે છે અને શુદ્ધ લોકો છે. તોપણ, દાઊદે યહોવાને કરેલી આ અરજ પર વિચાર કરો: ‘હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, અને મારું દિલ ઓળખો; મને પારખો, અને મારા વિચારો જાણી લો; મારામાં કંઈ દુરાચાર હોય તો તે તમે જોજો.’—ગીત. ૧૭:૩; ૧૩૯:૨૩, ૨૪.
૧૧, ૧૨. (ક) શા માટે દરેકે પોતાનું દિલ તપાસવું જોઈએ? (ખ) ઈશ્વર શું નહિ કરે?
૧૧ યહોવા ચાહે છે કે આપણે પોતાનું દિલ તેમને પસંદ પડે એવું બનાવીએ અને એને જાળવી રાખીએ. યિર્મેયા કહે છે: ‘હે સૈન્યોના ઈશ્વર યહોવા, ન્યાયી વ્યક્તિની કસોટી કરનાર અને અંતઃકરણ તથા હૃદયને પારખનાર.’ (યિર્મે. ૨૦:૧૨) સર્વોપરી ઈશ્વર, ન્યાયી વ્યક્તિનું પણ હૃદય તપાસે છે. તો શું આપણે ઈમાનદારીથી પોતાની તપાસ કરવી ન જોઈએ? (ગીતશાસ્ત્ર ૧૧:૫ વાંચો.) એમ કરીએ ત્યારે, કદાચ આપણામાં એવું કોઈ વલણ, ઇરાદો કે ઊંડી લાગણી મળી આવે, જેના પર ધ્યાન આપવાની જરૂર પડે. આપણને કદાચ, પોતાનાં દિલની સુનત કરવી પડે, જેથી એમાં રહેલી બૂરાઈ કાઢી શકીએ. તમને લાગતું હોય કે પોતાનું દિલ તપાસવું તમારા ફાયદામાં છે તો, દિલમાં શું તપાસશો? અને કયાં જરૂરી સુધારા કરશો?—યિર્મે. ૪:૪.
૧૨ એક વાત તો ચોક્કસ છે કે, યહોવા આપણને સુધરવા ક્યારેય દબાણ કરશે નહિ. “સારાં અંજીર” જેવા ભક્તોને યહોવાએ વચન આપ્યું કે તેમને ‘ઓળખનારું હૃદય’ આપશે. તેઓનું દિલ સુધારવા દબાણ કરશે, એમ યહોવાએ કહ્યું ન હતું. ઈશ્વરને ઓળખે એવું હૃદય કેળવવાની ઇચ્છા ભક્તોએ રાખવાની હતી. શું આપણને પણ એ ઇચ્છા કેળવવાની જરૂર નથી?
૧૩, ૧૪. કયા અર્થમાં એક ખ્રિસ્તીનું દિલ તેને નુકસાન પહોંચાડી શકે?
૧૩ ઈસુએ કહ્યું હતું: “ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે.” (માથ. ૧૫:૧૯) જો કોઈ ભાઈ દિલની ખોટી ઇચ્છાઓને વશ થઈને વ્યભિચાર કરી બેસે અને પસ્તાવો ન કરે, તો ઈશ્વરની કૃપા કાયમ માટે ગુમાવી શકે. કોઈ વ્યક્તિએ એવું ગંભીર પાપ ન કર્યું હોય, તોય બની શકે કે તેના દિલમાં ખોટી ઇચ્છાઓ તે વધવા દે. (માથ્થી ૫:૨૭, ૨૮ વાંચો.) આવા કિસ્સામાં વ્યક્તિ પોતાના દિલની તપાસ કરશે તો મદદ મળશે. તમે એમ કરો છો ત્યારે શું જોવા મળે છે? શું તમને લાગે છે કે વિરુદ્ધ જાતિની વ્યક્તિ માટે તમારા દિલમાં એવા વિચારો છે, જેને યહોવા અયોગ્ય ગણે છે? એમ હોય તો, શું તમને નથી લાગતું કે એવા વિચારોને મનમાંથી કાઢી નાંખવા જોઈએ?
૧૪ અથવા કોઈ ભાઈએ “હત્યાઓ” તો ન કરી હોય, પણ બની શકે કે તેના દિલમાં કોઈ સાથી ખ્રિસ્તી માટે ગુસ્સો એટલો વિકસવા લાગે કે એ નફરતમાં બદલાઈ જાય. (લેવી. ૧૯:૧૭) શું તે પોતાના દિલમાંથી એવી ખોટી લાગણીને સાવ કાઢી નાખવા બનતું બધું કરશે?—માથ. ૫:૨૧, ૨૨.
૧૫, ૧૬. (ક) એક ખ્રિસ્તી કઈ રીતે “હૃદયમાં બેસુનત” હોય શકે? (ખ) તમને શા માટે લાગે છે કે ‘બેસુનત હૃદય’ યહોવાને નાખુશ કરે છે?
૧૫ ખુશીની વાત છે કે મોટા ભાગના ખ્રિસ્તીઓનાં દિલની હાલત એવી નથી. પરંતુ, ઈસુએ “ભૂંડી કલ્પનાઓ” વિશે પણ વાત કરી હતી, જેમાં વ્યક્તિનાં વિચારો અને વલણ આવી જાય છે. એ તેને જીવનનાં જુદાં જુદાં પાસાંમાં ખરાબ અસર કરી શકે. દાખલા તરીકે, આપણે એમ વિચારતા હોઈએ કે પોતાના કુટુંબીજનોને વફાદાર રહેવા સિવાય બીજું કંઈ મહત્ત્વનું નથી. પોતાના કુટુંબીજનો અને સંબંધીઓ માટે આપણે ચોક્કસ ‘પ્રેમ’ રાખવા માંગીએ છીએ. આ “છેલ્લા સમય”ના લોકોની જેમ આપણે પ્રેમ વગરના નથી બનવા માંગતા. (૨ તીમો. ૩:૧, ૩) જોકે, શક્ય છે કે આપણે વફાદારી બતાવવામાં કદાચ હદ પાર કરી બેસીએ. ઘણા લોકો માને છે કે “લોહીની સગાઈ સહુથી મજબૂત હોય છે.” એટલે, બની શકે કે સગાં-સંબંધીને કોઈ માઠું લગાડે તો, આપણે તેમનો બચાવ કરવા કે પક્ષ લેવા ગમે તે હદ પાર કરી દઈએ. વિચારો કે, એવી વધુ પડતી લાગણીને લીધે દીનાના ભાઈઓ શું કરી બેઠા હતા. (ઉત. ૩૪:૧૩, ૨૫-૩૦) હવે, આબ્શાલોમનો વિચાર કરો. તેના દિલમાં એવું શું હતું, જેના લીધે તે પોતાના સાવકા ભાઈ અમ્નોનનું ખૂન કરી બેઠો? (૨ શમૂ. ૧૩:૧-૩૦) એ બંને કિસ્સાઓમાં શું વ્યક્તિની “ભૂંડી કલ્પનાઓ” જવાબદાર નથી?
૧૬ સ્વાભાવિક છે કે, મોટા ભાગના ભાઈ-બહેનો ખૂન નહિ કરે. જોકે, તેઓ કોઈ ભાઈ કે બહેન માટે કદાચ પોતાના દિલમાં ઝેર રાખે કે “તેણે મારા સગાંને ખોટું લગાડ્યું છે.” અથવા “તેણે મારાં સગાંને દુઃખ પહોંચાડ્યું છે,” એમ માની લઈને તે ખાર રાખે. એવા કિસ્સામાં તે કદાચ એ ભાઈ કે બહેન સાથે સમય પસાર કરવાનું કે તેમને ઘરે બોલાવવાનું ટાળે. (હિબ્રૂ ૧૩:૧, ૨) જે વ્યક્તિ પોતાના ભાઈ માટે ખરો પ્રેમ રાખે છે તે આવી રીતે જરાય વર્તશે નહિ. એવું વર્તન તો સાબિત કરે છે કે વ્યક્તિમાં પ્રેમની કમી છે. હા, દિલને તપાસનારા ઈશ્વર એવા વર્તનને “હૃદયમાં બેસુનત” હોવું ગણે છે. (યિર્મે. ૯:૨૫, ૨૬) એ લોકોને યાદ કરો જેઓને યહોવાએ કહ્યું હતું: “પોતાના હૃદયની સુનત કરો.”—યિર્મે. ૪:૪.
‘યહોવાને ઓળખનારું હૃદય’ મેળવવું અને જાળવવું
૧૭. યહોવાનો ડર રાખવાથી કઈ રીતે આપણું દિલ સારું બનશે?
૧૭ દિલને તપાસતા કદાચ તમને જોવા મળે કે યહોવાની સલાહ પ્રત્યે એ કઠોર અને અમુક હદે “બેસુનત” છે. એમાં તમને માણસોનો ડર, સત્તા અને એશ-આરામનો મોહ જોવા મળે. અથવા મનફાવે તેમ વર્તવાનું વલણ દેખાય. એમ હોય તો, એવું અનુભવનાર તમે પહેલી વ્યક્તિ નથી. (યિર્મે. ૭:૨૪; ૧૧:૮) યિર્મેયાએ લખ્યું કે તેમના સમયના અવિશ્વાસુ યહુદી ‘લોકોનાં હૃદય હઠીલાં તથા બળવાખોર છે.’ તેમણે વધારે જણાવતા કહ્યું: “આપણો ઈશ્વર યહોવા, જે યોગ્ય સમયે પહેલો તથા છેલ્લો વરસાદ આપે છે, તેનાથી આપણે બીહીએ એમ તેઓ પોતાના હૃદયમાં કહેતા નથી.” (યિર્મે. ૫:૨૩, ૨૪) એ શું બતાવે છે? એ જ કે હૃદયની સુનત કરવી એટલે યહોવાનો ડર રાખવો અને તેમના માટે દિલથી કદર બતાવવી. આવો સારો ડર રાખવાથી ઈશ્વરને ગમે એવું દિલ કેળવવા દરેક વ્યક્તિને મદદ મળશે.
૧૮. યહોવાએ નવા કરારમાંના લોકોને કયું વચન આપ્યું?
૧૮ યહોવાની સાથે કામ કરનારા બનીએ ત્યારે તેમને “ઓળખનારું હૃદય” તે આપણને આપે છે. તેમણે એમ કરવાનું વચન અભિષિક્તોને નવા કરારમાં આપ્યું હતું: “હું મારો નિયમ તેઓનાં હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોક થશે.” યહોવાને ઓળખવા વિશે શું? તે આગળ જણાવે છે: “યહોવાને ઓળખો, એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને, તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહિ; કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે; હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ, ને તેઓનાં પાપોનું સ્મરણ ફરી કરીશ નહિ.”—યિર્મે. ૩૧:૩૧-૩૪.a
૧૯. ખ્રિસ્તીઓને ભાવિ માટે કઈ આશા છે?
૧૯ નવા કરારને લીધે અમુકને સ્વર્ગની તો અમુકને પૃથ્વી પરની આશા મળી છે. પણ, એનાથી લાભ મેળવવા માટે યહોવાને ઓળખવા પડશે અને તેમના લોકોનો ભાગ બનવો પડશે. આમ કરવા, ઈસુ ખ્રિસ્તે આપણાં પાપની જે કિંમત ચૂકવી તે પર વિશ્વાસ મૂકીને પાપની માફી મેળવવી જરૂરી છે. જેમ તમને માફી મળી તેમ બીજાઓની ભૂલોને તમે માફ કરો, પછી ભલે તેઓએ તમને ઘણું દુઃખ પહોંચાડ્યું હોય. દિલમાંથી ખોટી બાબતોને સાવ કાઢી નાખવી, એ તમારા દિલ માટે સારું રહેશે. એમ કરીને, તમે બતાવો છો કે તમે યહોવાને ભજવા તો ચાહો જ છો, સાથે સાથે તેમને વધુ સારી રીતે ઓળખવા પણ માંગો છો. અને તમે જાણે એવા લોકો જેવા થશો જેઓને યહોવાએ યિર્મેયા દ્વારા કહ્યું: ‘જ્યારે તમે મને શોધશો, હા, જ્યારે તમારા સાચા હૃદયથી શોધશો ત્યારે હું તમને મળીશ. હું તમને જરૂર મળીશ.’—યર્મિયા ૨૯:૧૩, ૧૪, કોમન લેંગ્વેજ.
a નવા કરારની ચર્ચા તમને જાન્યુઆરી ૧, ૨૦૧૨ના ચોકીબુરજનાં પાન ૨૮-૩૨માં જોવા મળશે.