લોકોને તે ખૂબ પ્રેમ કરતા
“મનુષ્યોમાં મને આનંદ થતો હતો.”—નીતિ. ૮:૩૧.
૧, ૨. મનુષ્યો માટે પોતાનો ગાઢ પ્રેમ ઈસુએ કઈ રીતે સાબિત કર્યો?
યહોવા સાથે “કુશળ કારીગર તરીકે” કામ કરનાર તેમના દીકરા ઈસુ હતા. તે પોતાના પિતાના અપાર જ્ઞાનનો શ્રેષ્ઠ દાખલો છે. જ્યારે પિતાએ “આકાશો વ્યવસ્થિત કર્યાં” અને “પૃથ્વીના પાયા” નાખ્યા, ત્યારે દીકરાને જે અપાર ખુશી અને સંતોષ થયાં હશે, એની કલ્પના કરો. તેમના પિતાએ કરેલાં બધાં સર્જનમાંથી ઈસુને ખાસ તો ‘માણસોની સંગતમાં આનંદ આવતો હતો.’ (નીતિ. ૮:૨૨-૩૧) હા, શરૂઆતથી જ ઈસુને મનુષ્યો પર ખૂબ પ્રેમ હતો.
૨ પછીથી, ઈસુએ પિતા યહોવા પ્રત્યે વફાદારી અને પ્રેમની તેમજ મનુષ્યો માટેના ગાઢ પ્રેમની સાબિતી આપી. કઈ રીતે? તે ખુશીથી સ્વર્ગ છોડીને પૃથ્વી પર મનુષ્ય તરીકે આવ્યા. તેમણે પ્રેમથી ‘ઘણા લોકોની ખંડણીને માટે, એટલે કે છુટકારાની કિંમત ચૂકવવા માટે પોતાનો જીવ આપ્યો.’ (માથ. ૨૦:૨૮; ફિલિ. ૨:૫-૮) ઈસુ ધરતી પર હતા ત્યારે ઈશ્વરે તેમને ચમત્કારો કરવાની શક્તિ આપી. એ ચમત્કારો કરીને ઈસુએ લોકો માટે પ્રેમ બતાવ્યો. ચમત્કારો પરથી એ પણ જોઈ શકાય કે જલદી જ ઈસુ આખી માણસજાત માટે કેવી અદ્ભુત બાબતો કરશે.
૩. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે “ઈશ્વરના રાજ્યની સુવાર્તા” ફેલાવી. (લુક ૪:૪૩) તે જાણતા હતા કે એ રાજ્યથી તેમના પિતા યહોવાનું નામ પવિત્ર મનાવવામાં આવશે. તેમજ, મનુષ્યોની દરેક મુશ્કેલીઓનો કાયમી નિકાલ થશે. ઈસુએ પ્રચારકાર્ય દરમિયાન ઘણા ચમત્કારો પણ કર્યા. એ ચમત્કારો બતાવે છે કે તેમને બધા લોકોની ખૂબ જ ચિંતા છે. એ જાણવું આપણા માટે કેમ મહત્ત્વનું છે? કારણ કે, એનાથી આપણને સારા ભાવિની આશા અને ખાતરી મળે છે. તેથી, ચાલો ઈસુએ કરેલા ચાર ચમત્કારોની ચર્ચા કરીએ.
‘ઈસુ પાસે વ્યક્તિને સાજી કરવાની શક્તિ છે’
૪. રક્તપિત્તનો એક દર્દી ઈસુ પાસે આવ્યો ત્યારે શું બન્યું?
૪ પોતાના સેવાકાર્ય દરમિયાન, ઈસુ ગાલીલ વિસ્તારમાં ગયા. ત્યાંના એક શહેરમાં એક “રક્તપિત્તિયો” ઈસુની પાસે આવે છે. (માર્ક ૧:૩૯, ૪૦, કોમન લેંગ્વેજ) એ માણસ વિશે લુક, જે એક વૈદ પણ હતા, તેમણે લખ્યું કે તે “આખા શરીરે રક્તપિત્તના રોગ”થી પીડાતો હતો. (લુક ૫:૧૨, ઈઝી-ટુ-રીડ વર્ઝન) બાઇબલ જણાવે છે કે ઈસુને જોઈને એ બીમાર માણસ ‘તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરી કે હે પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.’ તે માણસને સારી રીતે ખબર હતી કે ઈસુ પાસે તેને સાજો કરવાની શક્તિ છે. તો પછી, શા માટે તેને જાણવું હતું કે ઈસુ તેને સાજો કરવા ચાહે છે કે નહિ? તે માણસ ફરોશીઓનો સ્વભાવ જાણતો હતો. તેને ખબર હતી કે તેઓ રક્તપિત્તના દર્દીઓને તુચ્છ નજરે જુએ છે. તેથી તેને જાણવું હતું કે, ઈસુનું વિચારવું શું છે. હવે સવાલ થાય કે, શરીરે કોહવાઈ ગયેલા એ માણસ સાથે ઈસુ કઈ રીતે વર્ત્યા? તમે ત્યાં હોત તો શું કર્યું હોત?
૫. ઈસુ શા માટે એક રક્તપિત્તના દર્દીને સાજો કરવા ચાહતા હતા?
૫ એ બીમાર માણસે મુસાના નિયમ પ્રમાણે “અશુદ્ધ, અશુદ્ધ”ની બૂમ પાડવી જોઈતી હતી, જે તેણે કર્યું નહિ. (લેવી. ૧૩:૪૩-૪૬) છતાં, ઈસુ તેના પર ગુસ્સે ન થયા. એના બદલે, તેમને એ માણસ માટે ચિંતા હતી અને તેને મદદ કરવા ચાહતા હતા. અરે, એ માણસ માટે ઈસુને ખૂબ જ લાગી આવ્યું એટલે તેમણે ચમત્કાર કર્યો. ઈસુ એ માણસને અડક્યા. તેની સાથે બીજું કોઈ એવી પ્રેમાળ રીતે વર્ત્યું ન હતું. પૂરા અધિકાર અને કરુણા સાથે ઈસુએ તેને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” પછી “તરત તેનું રક્તપિત્ત જતું રહ્યું.” (લુક ૫:૧૩) યહોવાએ આપેલી શક્તિથી ઈસુએ એ મોટો ચમત્કાર કર્યો અને બતાવ્યું કે પોતે લોકોને કેટલો બધો પ્રેમ કરે છે.—લુક ૫:૧૭.
૬. ઈસુના ચમત્કારોમાં કઈ અદ્ભુત બાબત જોવા મળે છે? એ ચમત્કારો શું બતાવે છે?
૬ ઈશ્વરની શક્તિથી ઈસુ કેટલાક અદ્ભુત ચમત્કારો કરી શક્યા. રક્તપિત્ત હોય કે બીજી બીમારી, ઈસુએ ઘણી વ્યક્તિઓને સાજી કરી. બાઇબલ જણાવે છે: ‘મૂંગાઓ બોલતા થયા, લંગડાઓ ચાલતા થયા અને આંધળાંઓ દેખતા થયા, એ જોઈને લોકો નવાઈ પામ્યા.’ (માથ. ૧૫:૩૧) વ્યક્તિને સાજી કરવા, ઈસુને બીજી કોઈ તંદુરસ્ત વ્યક્તિના અંગોના દાનની જરૂર ન પડતી. વ્યક્તિનું કોઈ પણ ખોડવાળું અંગ સાજું કરવાની ઈસુ પાસે શક્તિ હતી. તે વ્યક્તિઓને તરત સાજી કરી દેતા. અરે, અમુક વાર તો વ્યક્તિ માઈલો દૂર હોય તોપણ તે સાજી થઈ જતી. (યોહા. ૪:૪૬-૫૪) એ અદ્ભુત બનાવો શું બતાવે છે? એ જ કે આપણા રાજા ઈસુ ખ્રિસ્ત પાસે, કોઈ પણ બીમારીને કાયમ માટે દૂર કરવાની શક્તિ છે. લોકો સાથે ઈસુ જે દયાળુ રીતે વર્ત્યા એનો વિચાર કરવાથી આપણો ભરોસો મજબૂત થાય છે. નવી દુનિયામાં આ ભવિષ્યવાણી પૂરી થશે: “તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે.” (ગીત. ૭૨:૧૩) આજે, જેઓ પીડામાં છે તેઓને ઈસુ ચોક્કસ સાજા કરશે, કેમ કે એમ કરવાની તેમની બહુ ઇચ્છા છે.
“ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલ”
૭, ૮. બેથઝાથામાં એક બીમાર માણસને ઈસુ મળ્યા ત્યારે શું બન્યું?
૭ રક્તપિત્ત થયેલા માણસને સાજો કર્યો એના અમુક મહિનાઓ પછી, ઈસુ ગાલીલથી યહુદાહ ગયા. ત્યાં જઈને ઈશ્વરના રાજ્યની ખુશખબર આપવામાં તે લાગુ રહ્યા. કદાચ, ત્યાં હજારો લોકો એવા હશે જેઓએ ઈસુનો સંદેશો સાંભળ્યો હશે. તેઓ પ્રત્યે ઈસુનો પ્રેમ જોઈને તેઓમાંના ઘણા તેમની તરફ ખેંચાયા હશે. નબળા અને લાચાર લોકોને ઈસુ સાચે જ દિલાસો અને આશા આપવાં માંગતા હતા.—યશા. ૬૧:૧, ૨; લુક ૪:૧૮-૨૧.
૮ નીસાન મહિનામાં ઈસુ પાસ્ખાપર્વની ઉજવણી માટે યરુશાલેમ આવ્યા. પર્વ માટે ઘણા લોકો ત્યાં આવ્યા હોવાથી, એ શહેરમાં ભારે હલચલ હતી. મંદિરના ઉત્તર ભાગમાં એક પાણીનો કુંડ હતો, જેને બેથઝાથા કહેવામાં આવતો. ત્યાં ઈસુ એક એવા માણસને મળ્યા, જે માંદગીને લીધે ચાલી શકતો ન હતો.
૯, ૧૦. (ક) લોકો શા માટે બેથઝાથાના કુંડમાં જતા? (ખ) ઈસુએ ત્યાં શું કર્યું અને એમાંથી આપણને શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૯ બેથઝાથામાં બીમાર લોકોના ટોળેટોળાં આવતાં. શા માટે? તેઓ માનતા કે એ કુંડનું પાણી હલે ત્યારે એમાં ઊતરવાથી કોઈ પણ બીમારી મટી જાય છે. સાજા થવા આતુર, ચિંતિત અને લાચાર લોકો ત્યાં પડાપડી કરતા. એ સમયે ઊભા થતા મૂંઝવણભર્યાં માહોલની જરા કલ્પના કરો! પરંતુ, ઈસુ તો સંપૂર્ણ હતા અને તેમને કોઈ બીમારી ન હતી. તો પછી, શા માટે તે ત્યાં ગયા? લોકો માટેનો પ્રેમ તેમને ત્યાં ખેંચી લઈ ગયો. ત્યાં ઈસુ એ માણસને મળે છે, જે ૩૮ વર્ષથી માંદો હતો. એટલે કે, ઈસુ ધરતી પર આવ્યા એનાં અમુક વર્ષો પહેલાંથી તે માંદો હતો.—યોહાન ૫:૫-૯ વાંચો.
૧૦ શું તમે એ દૃશ્યની કલ્પના કરી શકો જ્યારે, ઈસુએ તે માણસને પૂછ્યું કે શું તે સાજો થવા ચાહે છે. ચોક્કસ, તેની આંખોમાં સાજા થવાની તડપ દેખાતી હશે. પણ તે દુઃખી અવાજે જણાવે છે કે કુંડમાં ઉતારવા તેની મદદે કોઈ આવતું નથી. પછી ઈસુ એ માણસને એક અશક્ય બાબત કરવા કહે છે. તે એ માણસને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા કહે છે. તરત જ તે માણસ ઊભો થાય છે અને પોતાનું બિછાનું ઊંચકીને ચાલવા માંડે છે! સાચે જ, એ ચમત્કાર તો નવી દુનિયામાં ઈસુ જે અદ્ભુત બાબતો કરશે એનો પુરાવો છે. એ ચમત્કારથી માણસો પ્રત્યે ઈસુનો પ્રેમ દેખાઈ આવે છે. એ પણ જોવા મળે છે કે મદદની જરૂર હોય એવા લોકોને ઈસુ શોધતા. એનાથી ઉત્તેજન મળે છે કે પ્રચાર વિસ્તારમાં આપણે પણ એવા લોકોને શોધતા રહીએ, જેઓ આ દુષ્ટ જગતને લીધે બહુ જ નિરાશામાં છે.
‘મારા ઝભ્ભાને કોણ અડક્યું?’
૧૧. માર્ક ૫:૨૫-૩૪ કઈ રીતે બતાવે છે કે ઈસુને બીમાર લોકો માટે ખૂબ પ્રેમ હતો?
૧૧ માર્ક ૫:૨૫-૩૪ વાંચો. એક વિધવાને બાર વર્ષથી એવી બીમારી હતી, જેના લીધે તે સંકોચ અનુભવતી. એના લીધે તેમને જીવનનાં દરેક પાસામાં મુશ્કેલી પડતી. અરે, એ બીમારી તેમને ભક્તિમાં પણ નડતર બનતી હતી. તેમણે ઘણા વૈદને બતાવ્યું હતું અને પોતાના બધા પૈસા ઇલાજ માટે ખર્ચી નાંખ્યા હતા. તેમ છતાં, તેમની હાલત બગડતી જતી હતી. એક દિવસે, એ વિધવાએ સાજી થવા કંઈક જુદું જ કરવાનું વિચાર્યું. તે લોકોના ટોળાંમાંથી પસાર થઈને ઈસુના ઝભ્ભાને અડકી. (લેવી. ૧૫:૧૯, ૨૫) ઈસુએ જાણ્યું કે તેમનામાંથી પરાક્રમ નીકળ્યું છે, ત્યારે તેમણે પૂછ્યું, ‘મને કોણ અડક્યું?’ એ સ્ત્રીએ ‘ડરતા અને ધ્રૂજતા, ઈસુની આગળ પડીને બધું સાચે સાચું કહી દીધું.’ ઈસુ જાણતા હતા કે યહોવાએ એ સ્ત્રીને સાજી કરી છે. તેથી, તેમણે પ્રેમાળ રીતે કહ્યું: ‘દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે. શાંતિએ જા અને તારા દરદથી સાજી થા.’
૧૨. (ક) આપણે જે શીખ્યા એમાંથી ઈસુ વિશે તમે શું કહેશો? (ખ) ઈસુએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?
૧૨ બધા લોકો સાથે ઈસુનું પ્રેમાળ વર્તન આપણાં દિલને સ્પર્શી જાય છે! ખાસ કરીને, બીમાર લોકો સાથેનું તેમનું વર્તન. ઈસુનું વર્તન શેતાનથી કેટલું જુદું છે! શેતાન તો એમ મનાવવા ચાહે છે કે આપણે નકામા છીએ અને આપણને કોઈ પ્રેમ કરતું નથી. જ્યારે કે, ઈસુના ચમત્કારો પરથી આપણા પ્રત્યે તેમનાં પ્રેમ અને ખરી કાળજી સાફ દેખાઈ આવે છે. એવા પ્રેમાળ રાજા અને પ્રમુખયાજક માટે આપણું દિલ આભારથી છલકાઈ જાય છે! (હિબ્રૂ ૪:૧૫) બીમારો પ્રત્યે આપણા વર્તન વિશે શું? લાંબી માંદગીમાં હોય એવી વ્યક્તિની લાગણીઓ સમજવી કદાચ આપણને અઘરી લાગે. ખાસ કરીને એવા સમયે જ્યારે આપણે બીમાર ન હોઈએ. પરંતુ, ઈસુનો વિચાર કરો. તે ક્યારેય બીમાર પડ્યા ન હતા. તેમ છતાં, બીમારો માટે તેમને સહાનુભૂતિ હતી. શું તેમનું એવું પ્રેમાળ ઉદાહરણ અનુસરવા આપણે બનતું બધું ન કરવું જોઈએ?—૧ પીત. ૩:૮.
‘ઈસુ રડ્યા’
૧૩. લાજરસના સજીવન થવાના બનાવ પરથી ઈસુ વિશે શું શીખવા મળે છે?
૧૩ બીજાઓને દુઃખી જોઈને ઈસુને ખૂબ દુઃખ થતું. દાખલા તરીકે, જ્યારે તેમના મિત્ર લાજરસનું મૃત્યુ થયું ત્યારનો વિચાર કરો. લાજરસના કુટુંબીજનો અને મિત્રોને શોક-રૂદનમાં જોઈને ‘ઈસુએ મનમાં નિસાસો મૂક્યો અને વ્યાકુળ થયા.’ (યોહાન ૧૧:૩૩-૩૬ વાંચો.) ઈસુને ખબર હતી કે તે લાજરસને મરણની ઊંઘમાંથી પાછા ઉઠાડવાના છે, તોપણ તે રડ્યા હતા. લોકો સામે પોતાના દુઃખની લાગણી વ્યક્ત કરવામાં ઈસુ અચકાયા નહિ. તે લાજરસ અને તેમના કુટુંબને ખૂબ જ ચાહતા હતા. તેથી, તેમણે ઈશ્વરની શક્તિથી લાજરસને સજીવન કર્યા.—યોહા. ૧૧:૪૩, ૪૪.
૧૪, ૧૫. (ક) શું બતાવે છે કે યહોવા આખી માનવજાતની દુઃખ-તકલીફ દૂર કરવાં ચાહે છે? (ખ) “સ્મરણ કબરો” શબ્દો પરથી શું શીખવા મળે છે?
૧૪ બાઇબલ જણાવે છે કે ઈસુ પોતાના પિતા યહોવા જેવા જ છે. (હિબ્રૂ ૧:૩) તેથી, ઈસુના ચમત્કારો સાબિત કરે છે કે યહોવા પણ બીમારી, દુઃખ અને મરણ કાઢી નાંખવાં ચાહે છે. બહુ જલદી, યહોવા અને ઈસુ, ગુજરી ગયેલા લોકોને સજીવન કરશે. ઈસુએ કહ્યું હતું કે “એવી વેળા આવે છે જ્યારે જેઓ કબરમાં [“સ્મરણ કબરો,” NW] છે, તેઓ સર્વ” સજીવન થશે.—યોહા. ૫:૨૮, ૨૯.
૧૫ ઈસુએ “સ્મરણ કબરો” શબ્દોનો ઉલ્લેખ કર્યો, જે ઈશ્વરની સ્મરણશક્તિને દર્શાવે છે. સર્વશક્તિમાન ઈશ્વર જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે, તે આપણાં ગુજરી ગયેલાં સ્નેહીજનોની દરેક વિગતો યાદ રાખે છે. અરે, તેઓનું આખેઆખું વ્યક્તિત્વ તેમને યાદ છે. (યશા. ૪૦:૨૬) યહોવા વિગતોને યાદ રાખી શકે છે એટલે નહિ, પણ તે ચાહે છે એટલે વિગતો યાદ રાખે છે. સજીવન કરવાના જે અહેવાલો બાઇબલમાં છે, એ તો નવી દુનિયામાં બનનારી અદ્ભુત બાબતોની ઝલક છે.
ઈસુના ચમત્કારો શું શીખવે છે
૧૬. ઈશ્વરભક્તો માટે ભાવિમાં કયા લહાવા છે?
૧૬ આપણે જો વફાદારી જાળવીશું, તો કદીયે ન થયો હોય એવો મોટો ચમત્કાર જોઈ શકીશું. એ છે મોટી વિપત્તિમાંથી બચવું. આર્માગેદન પછી તરત જ આપણે બીજા ઘણા ચમત્કારો જોઈશું. એ સમયે, દરેક વ્યક્તિ એકદમ તંદુરસ્ત હશે. (યશા. ૩૩:૨૪; ૩૫:૫, ૬; પ્રકટી. ૨૧:૪) કલ્પના કરો, લોકો પોતાના ચશ્મા, વ્હીલચેર, ચાલવાની લાકડી, વગેરે ફેંકી દેશે. કેમ કે, તેઓને એવી કોઈ વસ્તુની જરૂર નહિ રહે. યહોવા જાણે છે કે આર્માગેદનમાંથી બચેલા લોકોને વધુ તાકાતની અને વધુ તંદુરસ્ત બનવાની જરૂર પડશે. કેમ કે, ત્યારે ઘણું બધું કામ કરવાનું હશે. તેઓ જ તો આ ધરતીની કાયાપલટ કરશે અને એને સુંદર બાગમાં બદલી નાંખશે.—ગીત. ૧૧૫:૧૬.
૧૭, ૧૮. (ક) ઈસુએ શા માટે ચમત્કારો કર્યા? (ખ) નવી દુનિયામાં જવા આપણે જે કંઈ કરવાની જરૂર હોય એ શા માટે કરવું જોઈએ?
૧૭ ઈસુએ ચમત્કાર કરીને લોકોની બીમારીઓ દૂર કરી હતી. એના અહેવાલો વાંચીને આજે “મોટી સભા”ના લોકોને ઉત્તેજન મળે છે. (પ્રકટી. ૭:૯) તેમજ, ભાવિમાં કોઈ બીમારી નહિ રહે, એવી તેઓની આશા મજબૂત થાય છે. ચમત્કારોથી એ પણ જોવા મળે છે કે ઈશ્વરના દીકરા ઈસુને લોકો પ્રત્યે કેટલો બધો પ્રેમ છે. (યોહા. ૧૦:૧૧; ૧૫:૧૨, ૧૩) ઈસુએ બતાવેલી કરુણા તો યહોવાના આપણા પ્રત્યેના ગાઢ પ્રેમની ઝલક છે.—યોહા. ૫:૧૯.
૧૮ આ દુનિયામાં ચારેય બાજુ બસ દુઃખ-તકલીફો અને મરણ છે. (રોમ. ૮:૨૨) એટલે જ તો આપણે નવી દુનિયાની આતુરતાથી રાહ જોઈએ છીએ. એમાં દરેક વ્યક્તિ ઈશ્વરે આપેલા વચન પ્રમાણે એકદમ તંદુરસ્ત હશે. માલાખી ૪:૨ આપણને આશા આપે છે કે આપણે ખુશીથી અને ઉમંગથી ‘વાડામાંનાં વાછરડાની જેમ કૂદીશું.’ આપણે અપૂર્ણતા અને દુઃખ-દર્દનાં બંધનોમાંથી આઝાદ થઈને પૂરા જોશમાં હોઈશું. જલદી જ, ઈસુના રાજ દરમિયાન માણસોને કાયમી રાહત મળશે. એની ઝલક આપણને તેમના ચમત્કારોમાં જોવા મળે છે. તેથી, ચાલો યહોવા માટે ઊંડી કદર અને તેમનાં વચનોમાં પૂરી શ્રદ્ધા રાખીએ. તેમજ, નવી દુનિયામાં જવા આપણે જે કંઈ કરવાની જરૂર હોય એ કરીએ!