શબ્દોની તાકાત બીજાઓની ભલાઈમાં વાપરીએ
‘હે યહોવા, મારા મુખના શબ્દો તમારી આગળ માન્ય થાઓ.’—ગીત. ૧૯:૧૪.
ગીતો: ૧૬ (224), ૧૫ (124)
૧, ૨. બાઇબલમાં જીભની સરખામણી શા માટે આગ સાથે કરવામાં આવી છે?
વર્ષ ૧૮૭૧માં, અમેરિકામાં વિસ્કૉન્સિનનાં જંગલોમાં એક મોટી આગ ફાટી નીકળી હતી. એ આગ એટલી ઝડપે ફેલાઈ કે જોત જોતામાં ૨૦૦ કરોડ વૃક્ષો સળગીને ખાખ થઈ ગયાં. અરે, એ આગ ૧,૨૦૦થી વધુ લોકોને ભસ્મ કરી ગઈ. અમેરિકામાં બનેલા આગ લાગવાના બીજા બનાવો કરતાં સૌથી વધુ જાનહાનિ એ બનાવમાં થઈ હતી. બની શકે કે જંગલ પાસેથી જતી રેલગાડીઓમાંથી ઝરતા નાના તણખા આગ લાગવાનું કારણ હતા. એ બનાવ આપણને બાઇબલના આ શબ્દો યાદ અપાવે છે: ‘જુઓ, કેટલો થોડો અગ્નિ કેટલા મોટા વનમાં આગ લગાડે છે!’ (યાકૂ. ૩:૫) શા માટે બાઇબલના લેખક યાકૂબે એવી સરખામણી કરી હતી?
૨ એનું કારણ જણાવતા યાકૂબે લખ્યું: “જીભ તો અગ્નિ છે.” (યાકૂ. ૩:૬) અહીં “જીભ” આપણી બોલવાની ક્ષમતાને બતાવે છે. આપણી જીભ પણ આગની જેમ ઘણી વિનાશક બની શકે છે. લોકો પર આપણા શબ્દોની ઘણી અસર થઈ શકે છે. બાઇબલ જણાવે છે કે આપણા શબ્દોમાં જીવન અને મરણ સમાયેલું છે. (નીતિ. ૧૮:૨૧) પરંતુ, શું એનો એવો અર્થ થાય કે ખોટું બોલાઈ જવાના ડરથી, આપણે કંઈ બોલીએ જ નહિ? ના, એવું નથી. એ સમજવા એક દાખલો જોઈએ. આપણને ખબર છે કે આગ દઝાડી શકે છે. તો શું એ ડરથી આપણે ક્યારેય આગનો ઉપયોગ કરીશું જ નહિ? આપણે ચોક્કસ ઉપયોગ કરીશું, પણ સાવચેતી રાખીને. જેમ કે, રાંધવા માટે, તાપણાં માટે અને અજવાળા માટે. એવી જ રીતે, જો આપણે કાળજીપૂર્વક આપણા શબ્દો વાપરીશું, તો એનાથી યહોવાને મહિમા આપી શકીશું અને બીજાઓનું ભલું કરી શકીશું.—ગીત. ૧૯:૧૪.
૩. બીજાઓને ઉત્તેજન આપવા આપણે કઈ ત્રણ બાબતો સમજવાની જરૂર છે?
૩ યહોવાએ આપણને પોતાનાં વિચારો અને લાગણીઓ જણાવવાની ક્ષમતા આપી છે. આપણે શબ્દોથી કે હાથના ઇશારાથી પોતાનાં વિચારો અને લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. આ સુંદર ભેટનો ઉપયોગ કઈ રીતે બીજાઓને ઉત્તેજન આપવા કરી શકીએ? (યાકૂબ ૩:૯, ૧૦ વાંચો.) એ માટે સમજવું જોઈએ કે ક્યારે બોલવું, શું બોલવું અને કઈ રીતે બોલવું.
ક્યારે બોલવું
૪. આપણે ક્યારે ચૂપ રહેવું જોઈએ?
૪ અમુક કિસ્સાઓમાં ચૂપ રહેવામાં જ ભલાઈ હોય છે. બાઇબલ જણાવે છે કે “ચૂપ રહેવાનો વખત” હોય છે. (સભા. ૩:૭) દાખલા તરીકે, બીજાઓ વાત કરતા હોય ત્યારે આપણે વચ્ચે બોલતા નથી. એમ કરીને આપણે તેઓને માન બતાવીએ છીએ. (અયૂ. ૬:૨૪) બીજું કે, આપણે કોઈની અંગત માહિતી કે કોઈ પણ ખાનગી વાત બીજાઓને જાહેર કરતા નથી. (નીતિ. ૨૦:૧૯) ઉપરાંત, જ્યારે કોઈ ગુસ્સો અપાવે, ત્યારે યાદ રાખીએ છીએ કે શાંત અને ચૂપ રહેવામાં જ સમજદારી છે.—૧ પીત. ૩:૧૦, ૧૧.
૫. યહોવાએ આપેલી વાણીની ભેટ માટે કઈ રીતે કદર બતાવી શકીએ?
૫ બાઇબલ એમ પણ જણાવે છે કે “બોલવાનો સમય” હોય છે. (સભા. ૩:૭) જેમ કે, યહોવાની સ્તુતિ કરવાનો, બીજાઓને ઉત્તેજન આપવાનો, પોતાની લાગણી વ્યક્ત કરવાનો અને બીજાઓને આપણી જરૂરિયાતો જણાવવાનો સમય હોય છે. (ગીત. ૫૧:૧૫) આ રીતે આપણે બોલવાની ક્ષમતા વાપરીએ છીએ ત્યારે, યહોવાએ આપેલી વાણીની સુંદર ભેટ માટે કદર બતાવીએ છીએ. એમ પણ, આપણો કોઈ મિત્ર સુંદર ભેટ આપે ત્યારે, આપણે એનો સૌથી સારો ઉપયોગ કરીશું, ખરું ને?
૬. શા માટે યોગ્ય સમય પારખીને બોલવું જોઈએ?
૬ ચાલો જોઈએ કે શા માટે યોગ્ય સમય પારખીને બોલવું જોઈએ. નીતિવચનો ૨૫:૧૧ જણાવે છે: “પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની [ચાંદીની] ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.” એમાં કોઈ બે મત નથી કે સોનાનું ફળ જોવામાં સુંદર હોય છે. એમાંય જો એને ચાંદીની ટોપલીમાં મૂકવામાં આવે તો એની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. એવી જ રીતે, બીજાઓને સારું લાગે એવા શબ્દો બોલવા બહુ સારી વાત છે. એમાંય જો યોગ્ય સમય પારખીને એમ કરીશું તો એ વધારે સારું રહેશે. એનાથી વ્યક્તિને વધુ ફાયદો થશે. આપણે એમ કઈ રીતે કરી શકીએ?
૭, ૮. જાપાનનાં ભાઈ-બહેનો કઈ રીતે ઈસુને અનુસર્યાં?
૭ જો આપણે યોગ્ય સમય પારખીને નહિ બોલીએ, તો લોકો કદાચ આપણી વાત સમજી કે સ્વીકારી નહિ શકે. (નીતિવચનો ૧૫:૨૩ વાંચો.) દાખલા તરીકે, માર્ચ ૨૦૧૧માં પૂર્વ જાપાનમાં આવેલાં ધરતીકંપ અને સુનામીને લીધે ત્યાંનાં ઘણાં શહેરો તબાહ થઈ ગયાં. એમાં ૧૫,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા. યહોવાના સાક્ષીઓમાંથી પણ ઘણા લોકોએ પોતાનાં કુટુંબો અને મિત્રો ગુમાવ્યાં. પરંતુ, તેઓ આફતનો ભોગ બનેલા બીજા લોકોને બાઇબલમાંથી મદદ આપવા ચાહતા હતા. જોકે, તેઓને ખ્યાલ હતો કે ત્યાંના ઘણા લોકો બૌદ્ધ ધર્મ પાળતા હતા અને બાઇબલ વિશે બહુ કંઈ જાણતા ન હતા. એટલે, ભાઈ-બહેનોએ દિલાસો આપવા સજીવન થવાની આશા વિશે જણાવવાને બદલે, લોકોને જણાવ્યું કે સારા લોકો પર આફતો કેમ આવે છે.
૮ એ ભાઈ-બહેનોએ ઈસુનું અનુકરણ કર્યું. ઈસુ જાણતા હતા કે ક્યારે ચૂપ રહેવું જોઈએ. તે એ પણ જાણતા હતા કે ક્યારે બોલવું જોઈએ. (યોહા. ૧૮:૩૩-૩૭; ૧૯:૮-૧૧) ઈસુએ પોતાના શિષ્યોને અમુક બાબતો વિશે શીખવવા ઘણી વાર યોગ્ય સમયની રાહ જોઈ. (યોહા. ૧૬:૧૨) એવી જ રીતે, જાપાનનાં ભાઈ-બહેનોએ પણ સજીવન થવાની આશા વિશે લોકોને જણાવવા યોગ્ય સમયની રાહ જોઈ. સુનામી આવ્યાનાં અઢી વર્ષ પછી, તેઓએ ઝુંબેશમાં ભાગ લીધો અને લોકોને આ પત્રિકા આપી: શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે? ઘણા લોકોએ એ પત્રિકા સ્વીકારી અને એનાથી દિલાસો પામ્યા. આપણે પણ આપણા પ્રચાર વિસ્તારના લોકોનાં રીતરિવાજો અને માન્યતા ધ્યાનમાં રાખવાં જોઈએ, જેથી બોલવાનો યોગ્ય સમય પારખી શકીએ.
૯. બીજા કયા સંજોગોમાં પોતાની વાત કહેવા યોગ્ય સમયની રાહ જોવી જોઈએ?
૯ બીજા કયા સંજોગોમાં યોગ્ય સમયની રાહ જોવી જોઈએ? કોઈ આપણા પર કડવા શબ્દોથી વાર કરે ત્યારે. એવા સંજોગોમાં તરત જ શબ્દોનો વળતો પ્રહાર કરવાને બદલે, સારું થશે કે આપણે બે ઘડી થોભીને આવા સવાલો પર વિચાર કરીએ: “શું તેમનો ઇરાદો ખરેખર મને દુઃખ પહોંચાડવાનો હતો? તેમણે મને જે કહ્યું એ વિશે તેમની જોડે વાત કરવી શું ખરેખર જરૂરી છે?” એવા કિસ્સામાં કદાચ કંઈ ન કહેવું વધારે સારું થશે. છતાં, જો એમ લાગે કે વ્યક્તિ સાથે વાત કરીને મામલો થાળે પાડવો જરૂરી છે, તો આપણું મન શાંત થાય ત્યાં સુધી રાહ જોઈએ. (નીતિવચનો ૧૫:૨૮ વાંચો.) બીજા એક સંજોગનો વિચાર કરો. આપણે ચાહીએ છીએ કે આપણાં સગાઓ પણ સત્ય અપનાવે. એ કિસ્સામાં આપણે ધીરજ રાખીએ અને વિચારીએ કે આપણે તેઓ સાથે શું વાત કરીશું. પછી, એવો સમય પારખીને વાત કરીએ જ્યારે તેઓ આપણી વાત સાંભળવા તૈયાર હોય.
શું બોલવું
૧૦. (ક) શબ્દો પસંદ કરવામાં આપણે શા માટે કાળજી રાખવી જોઈએ? (ખ) બોલવાની કેવી ઢબનો આપણે ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ?
૧૦ આપણા શબ્દોમાં એવી તાકાત છે કે કોઈના દિલ પર ઊંડા ઘા કરી શકે અથવા ઘા રુઝાવી શકે. (નીતિવચનો ૧૨:૧૮ વાંચો.) શેતાનની દુનિયામાં ઘણા લોકો “વાગ્બાણ” એટલે કે, હૈયું ચીરી નાખતા શબ્દો વાપરે છે. એવા લોકો બીજાઓને દુઃખી કરવાના કે લાગણી દુભાવવાના ઇરાદાથી, શબ્દોના “બાણ” અને “તરવાર” ચલાવે છે. (ગીત. ૬૪:૩) ટી.વી. કાર્યક્રમો કે ફિલ્મો જોઈને ઘણા લોકો વાત કરવાની અયોગ્ય ઢબ અપનાવી લેતા હોય છે. પરંતુ, યહોવાના સેવકો ક્યારેય કોઈને કઠોર કે કડવા શબ્દો કહેશે નહિ. અરે, મજાક-મસ્તીમાં પણ નહિ! ખરું કે, કોઈ વાતને રસપ્રદ બનાવવા થોડું હાસ્ય ઉમેરવું સારી વાત છે. પરંતુ, આપણે કદીએ તીખો કટાક્ષ કરવો જોઈએ નહિ. એટલે કે કોઈને શરમમાં મૂકે અથવા અપમાન કરે એવું કંઈ બોલવું જોઈએ નહિ. અરે, લોકોને હસાવવા ખાતર પણ નહિ! બાઇબલમાં આજ્ઞા આપી છે કે આપણે ક્યારેય ‘નિંદાજનક’ એટલે કે, અપમાનજનક વાતો કરવી જોઈએ નહિ. ઉપરાંત, “તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને માટે આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય.”—એફે. ૪:૨૯, ૩૧.
૧૧. યોગ્ય શબ્દો પસંદ કરવા આપણને શું મદદ કરી શકે?
૧૧ ઈસુએ શીખવ્યું હતું કે “મનના ભરપૂરપણામાંથી મોં બોલે છે.” (માથ. ૧૨:૩૪) એનો અર્થ શો થાય? એ જ કે આપણા દિલમાં શું છે એ આપણા શબ્દો પરથી દેખાઈ આવશે. એટલે, જો આપણે લોકોને પ્રેમ કરતા હોઈશું અને ખરી કાળજી રાખતા હોઈશું તો યોગ્ય શબ્દો પસંદ કરીશું. આમ, આપણે જે કહીશું એ તેઓના ભલા માટે હશે અને તેઓને ઉત્તેજન આપશે.
૧૨. યોગ્ય શબ્દો પસંદ કરવા બીજું શું મદદ કરી શકે?
૧૨ યોગ્ય શબ્દો ગૂંથીને બોલવું કેટલાક પ્રયત્નો માંગી લે છે. રાજા સુલેમાન ઘણા બુદ્ધિમાન હતા. છતાં, તેમણે ‘વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢ્યાં,’ જેથી તેમનું લખાણ ખરું અને વાંચવામાં આનંદદાયક બને. (સભા. ૧૨:૯, ૧૦) આપણે શું બોલવું જોઈએ, એ પારખવા ક્યાંથી મદદ મળી શકે? આપણે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની નવી રીતો જાણવા માટે, બાઇબલ અને આપણા સાહિત્યમાંથી મદદ મેળવી શકીએ. આપણે જે શબ્દોનો અર્થ જાણતા નથી એને જાણવાનો પ્રયત્ન કરીએ. બીજાઓને મદદ કરે એવી રીતે બોલવા, ઈસુના ઉદાહરણનો અભ્યાસ કરી શકીએ. ઈસુને બરોબર ખબર હતી કે શું બોલવું જોઈએ. કેમ કે, યહોવાએ તેમને શીખવ્યું હતું કે ‘થાકેલા લોકોને તેમણે શું કહેવું.’ (યશા. ૫૦:૪, IBSI) આપણા શબ્દોની બીજાઓ પર કેવી અસર થશે એ પણ વિચારવું જોઈએ. (યાકૂ. ૧:૧૯) કંઈ પણ કહેતા પહેલાં આવા સવાલો પર વિચાર કરીએ: “જો હું આમ કહીશ તો શું એ વ્યક્તિ સમજી શકશે કે હું શું કહેવા માંગું છું? મારી વાત સાંભળીને તેને કેવું લાગશે?”
૧૩. લોકોને સહેલાઈથી સમજાય એ રીતે કેમ બોલવું જોઈએ?
૧૩ પ્રાચીન ઈસ્રાએલમાં લોકોને અલગ અલગ સંકેત આપવા જુદી જુદી રીતે રણશિંગડું વગાડવામાં આવતું. જેમ કે, લોકોને ભેગા કરવા અને છૂટા પાડવા કે પછી, સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા અલગ અલગ રીતે રણશિંગડું વગાડવામાં આવતું. જરા વિચારો, જો સૈનિકોને રણશિંગડાનો અવાજ સાફ સાફ ન સંભળાય તો શું થાય! એટલે જ, સહેલાઈથી સમજાય એવા શબ્દોને બાઇબલ રણશિંગડાના સ્પષ્ટ અવાજ સાથે સરખાવે છે. જો આપણે પોતાની વાત સ્પષ્ટ રીતે નહિ કહીએ, તો લોકો મૂંઝાઈ જશે. અરે, અર્થનો અનર્થ થઈ શકે! ખરું કે, આપણે પોતાની વાત સાફ સાફ જણાવવા માંગીએ છીએ. છતાં, એમ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે આપણે અનાદર કરનારા અથવા ઉદ્ધત ન બનીએ.—૧ કોરીંથી ૧૪:૮, ૯ વાંચો.
૧૪. કયું ઉદાહરણ બતાવે છે કે ઈસુએ એવા શબ્દો વાપર્યા હતા, જે લોકોને સહેલાઈથી સમજાય?
૧૪ માથ્થી અધ્યાય પથી ૭માં ઈસુનો પહાડ પરનો ઉપદેશ આપેલો છે. એ ઉપદેશ સહેલાઈથી સમજાય એવા શબ્દો વાપરવાનું એક જોરદાર ઉદાહરણ છે! ઈસુએ અઘરા કે બિનજરૂરી શબ્દો વાપરીને લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ન કર્યો. તેમણે એવા શબ્દો પણ ન વાપર્યા, જેનાથી લોકોને દુઃખ પહોંચે. ઈસુએ તો ઊંડા અર્થ ધરાવતા વિષયો પણ સહેલા શબ્દો વાપરીને સમજાવ્યા હતા. દાખલા તરીકે, ઈસુ પોતાના શિષ્યોને ખાતરી અપાવવા ચાહતા હતા કે તેઓએ રોજબરોજના ખોરાક માટે ચિંતા કરવાની જરૂર નથી. એટલે, તેમણે પહેલાં એ સમજાવ્યું કે યહોવા પક્ષીઓને દરરોજ ખોરાક પૂરો પાડે છે. પછી તેમણે સવાલ પૂછ્યો કે, “તેઓ કરતાં તમે અધિક નથી શું?” (માથ. ૬:૨૬) એ સરળ શબ્દોથી ઈસુએ શિષ્યોને મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો અને તેઓનાં મન દૃઢ કર્યાં.
કઈ રીતે બોલવું
૧૫. આપણે શા માટે નમ્ર ભાવે વાત કરવી જોઈએ?
૧૫ આપણે બીજાઓ સાથે કઈ રીતે વાત કરીએ છીએ એ પણ મહત્ત્વનું છે. લોકોને ઈસુની વાતો સાંભળવી ગમતી. કેમ કે, તેમના શબ્દો ‘કૃપાળુ’ હતા, એટલે કે તે નમ્ર ભાવે બોલતા. (લુક ૪:૨૨) જો આપણે પણ બીજાઓ સાથે નમ્રતાથી વાત કરીશું, તો તેઓને આપણી વાત સાંભળવી અને સ્વીકારવી ગમશે. (નીતિ. ૨૫:૧૫) આપણને બીજાઓ માટે માન અને તેઓની લાગણીઓ માટે ચિંતા હશે તો, આપણે તેઓ સાથે નમ્ર ભાવે વાત કરી શકીશું. ઈસુએ પણ એવું જ કર્યું હતું. દાખલા તરીકે, લોકોનું એક ટોળું તેમની વાતો સાંભળવા ચાહે છે એ જાણીને ઈસુએ ખુશીથી તેઓને શીખવ્યું અને તેઓની સાથે સમય વિતાવ્યો. (માર્ક ૬:૩૪) અરે, લોકોએ તેમની નિંદા કરી તોપણ ઈસુએ સામે નિંદા કરી નહિ!—૧ પીત. ૨:૨૩.
૧૬, ૧૭. (ક) કુટુંબ અને મિત્રો સાથે વાત કરતી વખતે આપણે કઈ રીતે ઈસુને અનુસરી શકીએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) નમ્ર ભાવે વાત કરીને કઈ રીતે એક માતાએ ભલું કર્યું?
૧૬ ખરું કે આપણે પોતાના કુટુંબ અને મિત્રોને પ્રેમ કરીએ છીએ. પરંતુ, તેઓ આપણા કુટુંબના છે એમ સમજીને, અમુક વાર આપણે વિચાર્યા વગર બોલી દઈએ છીએ. યાદ કરો કે ઈસુએ ક્યારેય પોતાના મિત્રો સાથે કઠોરતાથી વાત કરી નહિ. અમુક શિષ્યો અંદરોઅંદર દલીલ કરતા કે તેઓમાંથી સૌથી મોટું કોણ છે. ત્યારે ઈસુએ એક નાના બાળકનું ઉદાહરણ આપીને, પ્રેમથી તેઓના વિચારો સુધારવા મદદ કરી. (માર્ક ૯:૩૩-૩૭) ઈસુનું અનુકરણ કરીને વડીલોએ પણ ભાઈ-બહેનોને માયાળુ રીતે સલાહ આપવી જોઈએ.—ગલા. ૬:૧.
૧૭ કોઈએ આપણને માઠું લગાડ્યું હોય ત્યારે પણ માયાળુ રીતે બોલીને તેમનું ભલું કરી શકીએ. (નીતિ. ૧૫:૧) ચાલો, એક અનુભવ જોઈએ. આપણાં એક બહેન એકલા હાથે પોતાના દીકરાને ઉછેરી રહ્યાં હતાં. તેમનો તરુણ દીકરો યહોવાની સેવા કરવાનો ઢોંગ કરતો અને ખોટાં કામો કરતો. બીજા એક બહેને એ માતા પર તરસ ખાતા કહ્યું: ‘દુઃખની વાત છે કે તમે તમારા દીકરાને યહોવાની ભક્તિમાં ઉછેરવામાં નિષ્ફળ ગયાં છો.’ માતાએ બે ઘડી વિચાર્યું અને નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ‘ખરું કે હમણાં મારો દીકરો સારું નથી કરી રહ્યો. પણ તેની તાલીમ હજી પૂરી થઈ નથી. કેમ નહિ કે આપણે આર્માગેદન સુધી રાહ જોઈએ, કેમ કે ત્યારે પરિણામ આપણી સામે હશે.’ એ માતાએ શાંત અને નમ્ર ભાવે બીજા બહેનને જવાબ આપ્યો એટલે તેઓની મિત્રતામાં તિરાડ પડી નહિ. એ બંને બહેનોની વાત તરુણ દીકરો સાંભળી ગયો. તેને ખ્યાલ આવ્યો કે તેની મમ્મી હજીયે તેનામાં સુધારો આવવાની આશા રાખે છે. એ તરુણે ખરાબ મિત્રોની સંગત છોડી, બાપ્તિસ્મા લીધું અને સમય જતાં બેથેલમાં સેવા આપી. ભલે આપણે ભાઈ-બહેનો, કુટુંબ કે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ, આપણા શબ્દો હંમેશાં ‘કૃપાયુક્ત સલૂણા’ હોવા જોઈએ.—કોલો. ૪:૬.
૧૮. આપણી વાણી ઈસુ જેવી બનાવવા શું કરી શકીએ?
૧૮ આપણા વિચારો અને લાગણીઓ વ્યક્ત કરવાની ક્ષમતા, યહોવા તરફથી ખરેખર એક અદ્ભુત ભેટ છે! જો આપણે ઈસુનું અનુકરણ કરીશું તો આપણે વાત કરવા યોગ્ય સમય પસંદ કરીશું, સમજી-વિચારીને બોલીશું અને માયાળુ રીતે પોતાના વિચારો જણાવીશું. ચાલો આપણે બધા વાણીની ભેટનો ઉપયોગ બીજાઓને ઉત્તેજન આપવા અને યહોવાને ખુશ કરવા કરીએ.