વફાદાર રહીએ, યહોવાને માન્ય થઈએ
“જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.”—હિબ્રૂ ૬:૧૨.
૧, ૨. યિફતા અને તેમની દીકરીએ કયા પડકારનો સામનો કર્યો?
આ દૃશ્યની કલ્પના કરો. એક દીકરી પોતાના પિતાને મળવા દોટ મૂકે છે. તેના પિતા યુદ્ધ જીતીને હેમખેમ ઘરે પાછા આવ્યા છે. પિતાએ મેળવેલી મોટી જીતની ખુશીમાં દીકરી ગીતો ગાય છે અને ખુશીથી ઝૂમી ઊઠે છે. જોકે ત્યાર પછી, તેના પિતાએ જે કર્યું અને કહ્યું એ જોઈને તે ચોંકી ગઈ હશે. પિતા પોતાનાં વસ્ત્રો ફાડીને પોકારી ઊઠે છે: ‘હાય, મારી દીકરી! તેં મને સાવ કંગાળ બનાવ્યો છે.’ પછી પિતા તેને જણાવે છે કે તેમણે યહોવાને એક વચન આપ્યું છે, જેનાથી દીકરીનું જીવન કાયમ માટે બદલાઈ જશે. એ વચન પ્રમાણે દીકરી હવે ક્યારેય લગ્ન નહિ કરી શકે અને બાળકોનું સુખ નહિ માણી શકે. પરંતુ, દીકરી તરત જ પોતાના પિતાને તેમનું વચન નિભાવવા ઉત્તેજન આપે છે. કારણ કે દીકરી જાણે છે કે યહોવા તેને જે કંઈ કરવા કહેશે એ તેના ભલા માટે જ છે. (ન્યા. ૧૧:૩૪-૩૭) દીકરીની શ્રદ્ધા જોઈને પિતાને ખૂબ ગર્વ થાય છે. પિતા જાણે છે કે તેણે બતાવેલી તૈયારી જોઈને યહોવાનું દિલ ખુશીથી ભરાઈ જશે.
૨ આ કિસ્સો યિફતા અને તેમની દીકરીનો છે. યિફતા અને તેમની દીકરીને યહોવામાં અને તેમની કાર્ય કરવાની રીતમાં પૂરો ભરોસો હતો. અરે, યહોવાને વફાદાર રહેવું અઘરું હતું ત્યારે પણ, તેઓએ વફાદારી બતાવી! તેઓ યહોવાને ખુશ કરવા ચાહતા હતાં અને એ માટે તેઓ કોઈ પણ બલિદાન આપવા તૈયાર હતાં!
૩. યિફતા અને તેમની દીકરીનો દાખલો આજે આપણને કેમ મદદ કરી શકે?
૩ યહોવાને વફાદાર રહેવું હંમેશાં સહેલું હોતું નથી. આપણે પોતાના ‘વિશ્વાસની ખાતર સખત પ્રયત્નો કરવા’ પડે છે. (યહુ. ૩) વિશ્વાસની એ લડાઈ લડવા મદદ મળે માટે આપણે યિફતા અને તેમની દીકરીનો દાખલો લઈએ. તેઓએ પોતાની સામે આવેલા પડકારોનો સફળતાથી સામનો કર્યો. ચાલો, જોઈએ કે તેઓ કઈ રીતે યહોવાને વફાદાર રહી શક્યાં.
દુનિયાના ખરાબ માહોલમાં પણ વફાદારી જાળવવી
૪, ૫. (ક) યહોવાએ ઈસ્રાએલીઓને કઈ આજ્ઞા આપી હતી? (ખ) ગીતશાસ્ત્ર ૧૦૬માં જણાવ્યા પ્રમાણે, ઈસ્રાએલ રાષ્ટ્રને આજ્ઞા ન માનવાનાં કેવાં પરિણામો ભોગવવાં પડ્યાં હતાં?
૪ યહોવાની આજ્ઞા ન માનવાને લીધે ઈસ્રાએલીઓએ ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં હતાં. યિફતા અને તેમની દીકરી એ ક્યારેય ભૂલ્યાં નહિ હોય. યિફતાના સમયના આશરે ૩૦૦ વર્ષ પહેલાં, યહોવાએ ઈસ્રાએલીઓને એક આજ્ઞા આપી હતી. એ આજ્ઞા પ્રમાણે, તેઓએ વચનના દેશમાં રહેતા બધા જૂઠા ઉપાસકોને મારી નાખવાના હતા. પણ ઈસ્રાએલીઓએ યહોવાનું કહ્યું માન્યું નહિ. (પુન. ૭:૧-૪) અને ઘણા ઈસ્રાએલીઓ કનાનીઓની જેમ જૂઠી ભક્તિ અને અનૈતિકતાના રવાડે ચઢી ગયા.—ગીતશાસ્ત્ર ૧૦૬: ૩૪-૩૯ વાંચો.
૫ ઈસ્રાએલીઓએ યહોવાની આજ્ઞા ન પાળી હોવાથી યહોવાએ તેઓને દુશ્મનોથી બચાવ્યા નહિ. (ન્યા. ૨:૧-૩, ૧૧-૧૫; ગીત. ૧૦૬:૪૦-૪૩) એ વર્ષો દરમિયાન, યહોવાને પ્રેમ કરનાર કુટુંબો માટે પોતાની વફાદારી જાળવવી ઘણી અઘરી બની હશે. જોકે, બાઇબલમાં એવા ઈશ્વરભક્તોના અહેવાલો છે, જેઓ એવા સમયમાં પણ વફાદાર રહ્યા હતા. જેમ કે, યિફતા અને તેમની દીકરી, એલ્કાનાહ, હાન્ના અને શમૂએલ. એ બધા ભક્તોએ યહોવાને ખુશ કરવાની મનમાં ગાંઠ વાળી હતી.—૧ શમૂ. ૧:૨૦-૨૮; ૨:૨૬.
૬. આજે આપણે કેવા લોકોથી ઘેરાયેલા છીએ અને આપણે શાનું ધ્યાન રાખવું જોઈએ?
૬ આપણા સમયમાં પણ લોકોનાં વિચારો અને કાર્યો કનાનીઓ જેવાં છે. તેઓનું ધ્યાન બસ જાતીયતા, હિંસા અને પૈસા પર જ છે. એવી બાબતોથી યહોવા ઈસ્રાએલીઓનું રક્ષણ કરવા ચાહતા હતા. એવી જ રીતે, તે આપણું પણ રક્ષણ કરવા ચાહે છે. એટલે જ, યહોવા આપણને સ્પષ્ટ ચેતવણીઓ આપે છે. પણ, શું આપણે ઈસ્રાએલીઓ જેવા બનીશું કે પછી તેઓની ભૂલો પરથી શીખીશું? (૧ કોરીં. ૧૦:૬-૧૧) દુનિયાનું વલણ આપણામાં આવી ન જાય એ માટે આપણે સખત પ્રયત્નો કરવા જોઈએ. (રોમ. ૧૨:૨) એ માટે શું આપણે બનતા પ્રયત્નો કરીએ છીએ?
કપરા સંજોગોમાં પણ યિફતા વફાદાર રહ્યા
૭. (ક) યિફતા કેવા અન્યાયનો ભોગ બન્યા હતા? (ખ) યિફતાએ કેવું વલણ બતાવ્યું?
૭ ઈસ્રાએલીઓએ યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું. તેથી, યિફતાના સમયમાં ઈસ્રાએલીઓએ પલિસ્તીઓ અને આમ્મોનીઓની હેરાનગતિ સહેવી પડતી હતી. (ન્યા. ૧૦:૭, ૮) આસપાસના દુશ્મન રાષ્ટ્રોની સાથે સાથે યિફતાને બીજા પડકારોનો પણ સામનો કરવાનો હતો. એ કયા પડકારો હતા? યિફતાના ભાઈઓ અને ઈસ્રાએલી આગેવાનો યિફતાની અદેખાઈ કરતા હતા. ઈર્ષા અને નફરતથી ભરાઈને તેઓએ યિફતાને તેમના પોતાના જ વતનમાંથી તગેડી મૂક્યા, જેના પર તેમનો કાનૂની હક હતો. (ન્યા. ૧૧:૧-૩) પરંતુ, યિફતાએ તેઓના ક્રૂર વલણની અસર પોતાના પર થવા દીધી નહિ. આપણે એ શાને આધારે કહી શકીએ? જરા વિચારો, ઈસ્રાએલ રાષ્ટ્રના વડીલોએ જ્યારે યિફતા પાસે મદદની આજીજી કરી, ત્યારે તેમણે તરત જ તેઓને મદદ કરી. (ન્યા. ૧૧:૪-૧૧) એવું સારું વલણ બતાવવા યિફતાને ક્યાંથી પ્રેરણા મળી હશે?
૮, ૯. (ક) મુસાના નિયમમાં રહેલા કયા સિદ્ધાંતોથી યિફતાને મદદ મળી હશે? (ખ) યિફતા માટે કઈ બાબત સૌથી મહત્ત્વની હતી?
૮ યિફતા એક શૂરવીર યોદ્ધા હતા. તે ઈસ્રાએલનો ઇતિહાસ અને મુસાનો નિયમ સારી રીતે જાણતા હતા. યહોવા જે રીતે પોતાના લોકો સાથે વર્ત્યા હતા, એના પરથી યિફતા શીખ્યા હતા કે યહોવાની નજરમાં સારું શું છે અને ખોટું શું છે. (ન્યા. ૧૧:૧૨-૨૭) એ જ્ઞાનને આધારે તે પોતાના જીવનમાં નિર્ણયો લેતા. યિફતા સારી રીતે જાણતા હતા કે ક્રોધ અને બદલાની ભાવના વિશે યહોવાને કેવું લાગે છે. યિફતાને ખબર હતી કે, યહોવા તો ચાહે છે કે તેમના લોકો એકબીજા પર પ્રેમ રાખે, ખાર નહિ! ઉપરાંત, મુસાના નિયમ પરથી યિફતા જાણી શક્યા કે નફરત કરનારની સાથે પણ પ્રેમથી વર્તવું જોઈએ.—નિર્ગમન ૨૩:૫; લેવીય ૧૯:૧૭, ૧૮ વાંચો.
૯ યુસફના દાખલામાંથી પણ યિફતાને શીખવા મળ્યું હશે. યુસફના ભાઈઓ તેમની સાથે નફરતથી વર્ત્યા હતા, તોપણ યુસફે તેઓ પર દયા બતાવી હતી. (ઉત. ૩૭:૪; ૪૫:૪, ૫) એ બનાવ પર વિચાર કરવાથી યિફતાને એવું વર્તન રાખવા મદદ મળી હશે, જે યહોવાને ખુશ કરે. યિફતાને પણ પોતાના ભાઈઓના વર્તનથી ઠેસ પહોંચી હતી. તોપણ યિફતા માટે પોતાની લાગણીઓ નહિ, પણ યહોવાના નામ અને તેમના લોકો માટે લડવું વધારે મહત્ત્વનું હતું. (ન્યા. ૧૧:૯) યહોવાને વફાદાર રહેવા તે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતા! એવા સારા વલણને લીધે, યહોવાએ તેમને અને ઈસ્રાએલી પ્રજાને આશીર્વાદ આપ્યો.—હિબ્રૂ ૧૧:૩૨, ૩૩.
૧૦. ઈશ્વરભક્ત યિફતા જેવું વલણ બતાવવા બાઇબલ સિદ્ધાંતો કઈ રીતે આપણને મદદ કરી શકે?
૧૦ શું આપણે યિફતાના દાખલામાંથી બોધપાઠ ન લેવો જોઈએ? કોઈ ભાઈ કે બહેન આપણા દિલને ઠેસ પહોંચાડે કે પછી અન્યાયથી વર્તે ત્યારે આપણે શું કરીશું? આપણી લાગણીઓમાં તણાઈ જઈને, આપણે યહોવાની સેવા કરવાનું ન છોડીએ. સભામાં જવાનું અથવા મંડળનાં ભાઈ-બહેનો સાથે સમય વિતાવવાનું કદીયે પડતું ન મૂકીએ. ચાલો યિફતાને અનુસરીએ અને યહોવાનું કહેવું માનીએ. એનાથી આપણને મુશ્કેલીઓનો હલ લાવવા મદદ મળશે. આમ, આપણે પણ યિફતા જેવું સારું ઉદાહરણ બેસાડી શકીશું.—રોમ. ૧૨:૨૦, ૨૧; કોલો. ૩:૧૩.
રાજીખુશીથી આપેલું અર્પણ, આપે શ્રદ્ધાનો પુરાવો
૧૧, ૧૨. યિફતાએ યહોવાને શું વચન આપ્યું અને એનો શો અર્થ હતો?
૧૧ યિફતા જાણતા હતા કે ઈસ્રાએલીઓને આમ્મોનીઓના પંજામાંથી છોડાવવા, પોતાને યહોવાની મદદની જરૂર છે. યિફતાએ તેમને વચન આપ્યું કે, જો તે જીત અપાવશે, તો તે તેમને એક ખાસ અર્પણ ચઢાવશે. તે ઘરે જશે ત્યારે તેમના ઘરમાંથી બહાર નીકળનાર પહેલી વ્યક્તિને યહોવાને અર્પી દેશે. એ અર્પણ “દહનીયાર્પણ” તરીકે ગણાશે. (ન્યા. ૧૧:૩૦, ૩૧) એવું અર્પણ ચઢાવવાનો શો અર્થ થતો?
૧૨ આપણે જાણીએ છીએ કે યહોવાને માનવબલિઓ જરાય ગમતી નથી. (પુન. ૧૮:૯, ૧૦) તેથી, સમજી શકાય કે યિફતા તેમના ઘરમાંથી મળવા આવનાર પહેલી વ્યક્તિનું કંઈ ખરેખર અર્પણ ચઢાવવાના ન હતા. મુસાના નિયમ પ્રમાણે દહનીયાર્પણ તો એક ખાસ ભેટ હતી, જે પૂરેપૂરી રીતે યહોવાને અર્પી દેવામાં આવતી. તેથી, યિફતા જે વ્યક્તિનું અર્પણ કરવાના હતા, તેણે આખું જીવન મુલાકાત મંડપમાં યહોવાની સેવા કરવાની હતી. યહોવાએ યિફતાની વિનંતી સાંભળી અને તેમને મોટી જીત અપાવી. (ન્યા. ૧૧:૩૨, ૩૩) હવે સવાલ થાય કે, યિફતા કોનું અર્પણ ચઢાવશે?
૧૩, ૧૪. ન્યાયાધીશો ૧૧:૩૫માં જણાવેલા યિફતાના શબ્દો તેમની વફાદારી વિશે શું બતાવે છે?
૧૩ આ લેખની શરૂઆતમાં આપણે જે દૃશ્યની ચર્ચા કરી હતી, એનો ફરી વિચાર કરો. યિફતા લડાઈ જીતીને ઘરે આવ્યા ત્યારે, ઘરમાંથી સૌથી પહેલું કોણ બહાર આવ્યું? તેમની એકનીએક અને વહાલી દીકરી! હવે શું યિફતા પોતાનું વચન પૂરું કરશે? શું તે પોતાની દીકરીને યહોવાની સેવા કરવા અર્પી દેશે?
૧૪ યિફતાને ખરો નિર્ણય લેવા ચોક્કસ મુસાના નિયમમાંથી મદદ મળી હશે. કદાચ તેમને નિર્ગમન ૨૩:૧૯ના શબ્દો યાદ આવ્યા હશે. એ નિયમ ઈસ્રાએલીઓને રાજીખુશીથી યહોવાને સૌથી સારું આપવા જણાવતો હતો. ઉપરાંત, મુસાના નિયમમાં એમ પણ જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ યહોવાને વચન આપે, ત્યારે “તે પોતાનું વચન તોડે નહિ; જે સર્વ તેના મુખમાંથી નીકળ્યું હોય તે પ્રમાણે કરે.” (ગણ. ૩૦:૨) વધુમાં, વિશ્વાસુ ઈશ્વરભક્તોના દાખલામાંથી પણ તેમને ખરો નિર્ણય લેવા મદદ મળી હશે. જેમ કે, તેમના જ સમયગાળામાં થઈ ગયેલા હાન્નાએ પોતાનું વચન પાળ્યું હતું. તેમની જેમ યિફતાએ પણ પોતાનું વચન પાળવાનું હતું. જોકે, એ પાળવું કંઈ સહેલું ન હતું. કેમ કે, એ વચન તેમના અને તેમની દીકરીના ભાવિ જીવનને અસર કરવાનું હતું. તેમની દીકરીએ મુલાકાત મંડપમાં સેવા આપવાની હોવાથી, તે ક્યારેય ઘર-સંસાર વસાવી ન શકી હોત. એટલે, યિફતાનો વારસો આગળ ધપાવવા કોઈ ન હતું. (ન્યા. ૧૧:૩૪) એ બધું જાણતા હોવા છતાં, વફાદાર યિફતાએ કહ્યું: “યહોવાની આગળ મેં મારું મુખ ઉઘાડ્યું છે, હવે મારાથી ફરી જવાય નહિ.” (ન્યા. ૧૧:૩૫) યહોવાએ યિફતાના અમૂલ્ય અર્પણને સ્વીકાર્યું અને તેમને આશીર્વાદ આપ્યો. જો તમે યિફતાની જગ્યાએ હોત, તો શું પોતાનું વચન પાળ્યું હોત?
૧૫. આપણામાંથી ઘણાએ યહોવાને કયું વચન આપ્યું છે? આપણે કઈ રીતે એ વચન વફાદારીથી પાળી શકીએ?
૧૫ યહોવાને સમર્પણ કર્યું ત્યારે, આપણે તેમને વચન આપ્યું હતું કે ગમે એવા સંજોગોમાં પણ તેમની ઇચ્છા પૂરી કરીશું. એ વચન આપતી વખતે આપણે જાણતા હતા કે, એ પાળવું હંમેશાં સહેલું નહિ હોય. હવે વિચારો, આપણને ન ગમતું કામ સોંપવામાં આવે ત્યારે, આપણને કેવું લાગે છે? શું ત્યારે આપણે રાજીખુશીથી યહોવાનું કહ્યું માનીએ છીએ કે પછી લાગણીઓમાં તણાઈ જઈએ છીએ? આપણે યહોવાની ઇચ્છા પ્રમાણે કરીને તેમને આપેલું વચન પાળીએ છીએ. યહોવાની સેવા માટે આપણે કદાચ ગમતી વસ્તુઓને જતી કરવી પડે, પણ એના બદલામાં મળતા આશીર્વાદો ઘણા મોટા છે. એની તોલે કંઈ જ ન આવી શકે! (માલા. ૩:૧૦) હવે, યિફતાની દીકરીનો વિચાર કરો. પિતાએ આપેલા વચન વિશે તેણે કેવું વલણ બતાવ્યું?
૧૬. યિફતાની દીકરીએ પોતાના પિતાના વચન પ્રત્યે કેવું વલણ બતાવ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૬ યિફતાનું વચન, હાન્નાના વચનથી અલગ હતું. હાન્નાએ વચન આપ્યું હતું કે તેમના દીકરા શમૂએલને નાજીરી તરીકે મુલાકાત મંડપમાં સેવા કરવા અર્પી દેશે. (૧ શમૂ. ૧:૧૧) જોકે, એક નાજીરી વ્યક્તિ પોતાનો ઘર-સંસાર માંડી શકતી હતી. પરંતુ, યિફતાએ તો તેમની દીકરીને એક “દહનીયાર્પણ” તરીકે આપી દેવાનું વચન આપ્યું હતું. એટલે તેમની દીકરી પોતાનો ઘર-સંસાર માંડીને પત્ની અને માતા બનવાનું સુખ માણી શકતી ન હતી. (ન્યા. ૧૧:૩૭-૪૦) જરા વિચારો, યિફતાની દીકરીને એ દેશમાં સૌથી સારો વર મળી શકતો હતો, કેમ કે તેના પિતા ઈસ્રાએલના આગેવાન હતા. પણ હવે, તેણે એક સામાન્ય સેવિકાની જેમ મુલાકાત મંડપમાં સેવા આપવાની હતી. તેણે કેવું વલણ બતાવ્યું? એ યુવાન દીકરીએ પિતાને કહ્યું કે, ‘તમારા મુખમાંથી જે કંઈ નીકળ્યું હોય એ પ્રમાણે મને કરો.’ (ન્યા. ૧૧:૩૬) એ શબ્દો બતાવે છે કે તેના માટે યહોવાની સેવા સૌથી મહત્ત્વની હતી. દરેક યુવતીના અરમાન હોય છે કે તેના લગ્ન થાય અને તેને લગ્નસાથીની હૂંફ અને બાળકોનું સુખ મળે. પણ, યિફતાની દીકરીએ યહોવાની સેવા માટે એ બધું જતું કર્યું. આપણે કઈ રીતે તેની જેમ જતું કરવાનું વલણ બતાવી શકીએ?
૧૭. (ક) તમે કઈ રીતે યિફતા અને તેમની દીકરીને અનુસરી શકો? (ખ) કઈ રીતે હિબ્રૂ ૬:૧૦-૧૨ના શબ્દો તમને જતું કરવાની ભાવના કેળવવા ઉત્તેજન આપે છે?
૧૭ હજારો યુવાન ભાઈ-બહેનોએ હાલ પૂરતું લગ્ન કરવાની કે બાળકો પેદા કરવાની ઇચ્છાનો રાજીખુશીથી ત્યાગ કરે છે. શા માટે? કેમ કે, તેઓ યહોવાની સેવામાં વધુ કરવા પોતાનું પૂરું ધ્યાન આપવા માંગે છે. આપણાં ઘણાં વૃદ્ધ ભાઈ-બહેનોએ પોતાનાં બાળકો અથવા પૌત્રો સાથે સમય વીતાવવાનું સુખ જતું કરે છે. એને બદલે, તેઓ પોતાનાં સમય અને શક્તિ યહોવાને આપે છે. તેઓમાંના કેટલાંક રાજ્યગૃહના બાંધકામમાં ટેકો આપે છે. બીજા અમુક ભાઈ-બહેનો રાજ્ય પ્રચારકો માટે શાળામાં ભાગ લઈને પ્રકાશકોની વધુ જરૂર છે એવાં મંડળોમાં ગયાં છે. બીજાઓએ સ્મરણપ્રસંગના સમયગાળા દરમિયાન યહોવાની સેવામાં વધુ કરવા યોજનાઓ બનાવી છે. એ વિશ્વાસુ ભક્તોએ જે પ્રેમાળ બલિદાનો આપ્યાં છે, એને યહોવા કદીયે નહિ ભૂલે. (હિબ્રૂ ૬:૧૦-૧૨ વાંચો.) તમારા વિશે શું? શું તમે યહોવાની સેવામાં વધારે કરવા બલિદાનો આપી શકો?
આપણને કયો બોધપાઠ મળે છે?
૧૮, ૧૯. યિફતા અને તેમની દીકરીના અહેવાલમાંથી આપણે શું શીખ્યા અને કઈ રીતે તેઓને અનુસરી શકીએ?
૧૮ પડકારોનો સામનો કરવા યિફતાને શામાંથી મદદ મળી? નિર્ણયો લેતા પહેલાં તેમણે યહોવાનું માર્ગદર્શન લીધું. યિફતાએ પોતાની આસપાસના લોકોની અસર પોતાના પર પડવા દીધી નહિ. લોકોએ તેમને નિરાશ કર્યા ત્યારે પણ, તે યહોવાને વફાદાર રહ્યા. યિફતા અને તેમની દીકરીએ આપેલાં બલિદાનથી ખુશ થઈને યહોવાએ તેઓ પર આશીર્વાદ વરસાવ્યો. સાચી ભક્તિ ફેલાવવા યહોવાએ તેઓનો ઉપયોગ કર્યો. લોકોએ તેઓને ખરું કરવાથી રોક્યા ત્યારે પણ, તેઓ યહોવાને વળગી રહ્યા.
૧૯ બાઇબલ જણાવે છે: “જેઓ વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુકરણ કરો.” (હિબ્રૂ ૬:૧૨) ચાલો આપણે યિફતા અને તેમની દીકરીને અનુસરીએ. યાદ રાખીએ કે જો આપણે વફાદાર રહીશું, તો યહોવા આપણને ચોક્કસ આશીર્વાદ આપશે.