સભાઓમાં શા માટે નિયમિત જવું જોઈએ?
‘તેઓ એકબીજાની સંગતમાં લાગુ રહ્યા.’—પ્રે.કૃ. ૨:૪૨.
૧-૩. (ક) યહોવાના લોકોએ કઈ રીતે બતાવ્યું છે કે તેઓ સભામાં જવા આતુર હોય છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
કોરીના ૧૭ વર્ષનાં હતાં ત્યારે, તેમનાં મમ્મીની ધરપકડ કરવામાં આવી અને તેમને ઘરથી ખૂબ દૂર મજૂરોની છાવણીમાં લઈ જવામાં આવ્યાં. સમય જતાં, કોરીનાને પણ હજારો કિલોમીટર દૂર સાઇબિરિયા મોકલવામાં આવ્યાં. ત્યાં તે એક વાડીમાં કામ કરતા અને તેમની સાથે ગુલામની જેમ વર્તવામાં આવતું. અમુક વાર કડકડતી ઠંડીમાં તેમની પાસે ખુલ્લામાં કામ કરાવવામાં આવતું. ઠંડીથી રક્ષણ મેળવવા તેમને પૂરતાં કપડાં પણ આપવામાં ન આવતાં. આવી પરિસ્થિતિમાં પણ કોરીના અને આપણા એક બહેને મંડળની એક સભામાં જવાનું નક્કી કર્યું. વાડીમાંથી નીકળીને સભામાં જવા તેઓ કંઈ પણ કરવા તૈયાર હતાં.
૨ કોરીનાએ જણાવ્યું, “અમે સાંજે અમારું કામ પતાવીને નીકળી પડ્યા. રેલવે સ્ટેશન પહોંચવા અમે ૨૫ કિલોમીટર ચાલીને ગયા. રાતના બે વાગ્યે ટ્રેન ઊપડી. છ કલાક ટ્રેનમાં મુસાફરી કરી. ત્યાર પછી ૧૦ કિલોમીટર ચાલીને અમે સભાની જગ્યાએ પહોંચ્યા.” એ મુસાફરી કરીને બહેન બહુ ખુશ હતાં. તેમણે જણાવ્યું, “સભામાં અમે ચોકીબુરજનો અભ્યાસ કર્યો અને રાજ્યગીતો ગાયાં. એ અનુભવ અમારા માટે ઉત્તેજન આપનારો અને શ્રદ્ધા વધારનારો હતો.” એ બે બહેનો ત્રણ દિવસ પછી વાડીએ પાછાં આવ્યાં અને માલિકને ખ્યાલ પણ ન આવ્યો કે તેઓ બહાર ગયાં હતાં.
૩ યહોવાના લોકો હંમેશાંથી એકબીજાની સંગત માણવા આતુર હોય છે. દાખલા તરીકે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓ એકબીજાની સંગત માણવા આતુર હતા, જેથી યહોવાની ભક્તિ કરી શકે અને તેમના વિશે શીખી શકે. (પ્રે.કૃ. ૨:૪૨) ચોક્કસ, તમે પણ સભામાં જવા આતુર હશો. પરંતુ, બની શકે કે સભાઓમાં નિયમિત જવા માટે તમને પણ બીજાં ભાઈ-બહેનોની જેમ અઘરું લાગતું હશે. કદાચ તમારે નોકરી-ધંધામાં વધારે કલાકો આપવા પડતા હશે અથવા તમારી પાસે પુષ્કળ કામ હશે અથવા તમે થાકી જતા હશો. આવા સંજોગોમાં પણ બધી સભામાં હાજર રહેવા તમને શું મદદ કરશે?[1] આપણે કઈ રીતે બાઇબલનો અભ્યાસ કરતા લોકોને અને બીજાઓને સભાઓમાં નિયમિત આવવા ઉત્તેજન આપી શકીએ? આ લેખ આપણને આ ત્રણ મુદ્દા સમજવા મદદ કરશે: સભાઓમાં જવાથી (૧) આપણને લાભ થાય છે, (૨) ભાઈ-બહેનોને મદદ મળે છે અને (૩) યહોવાનું દિલ ખુશ થાય છે.[2]
સભાઓથી આપણને લાભ થાય છે
૪. યહોવા વિશે શીખવા સભાઓ કઈ રીતે મદદ કરે છે?
૪ સભાઓ આપણને શીખવે છે. યહોવા વિશે વધુ શીખવા દરેક સભા આપણને મદદ કરે છે. દાખલા તરીકે, મોટા ભાગનાં મંડળોમાં ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તકનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ અભ્યાસમાંથી યહોવાના ગુણો વિશે શીખીને તમને કેવું લાગ્યું હતું? તેમ જ, એ ગુણો વિશે ભાઈ-બહેનોનાં વિચાર સાંભળીને તમે કેવું અનુભવ્યું હતું? ચોક્કસ એનાથી તમે યહોવાને વધુ પ્રેમ કરવા પ્રેરાયા હશો. એટલું જ નહિ, સભાઓમાં આપણે પ્રવચનો, દૃશ્યો અને બાઇબલ વાંચન દ્વારા બાઇબલ વિશે વધુ શીખીએ છીએ. (નહે. ૮:૮) દર અઠવાડિયે બાઇબલ વાંચનની તૈયારી કરીએ છીએ ત્યારે, આપણે જાણે બાઇબલમાં રહેલો કીમતી ખજાનો શોધીએ છીએ. એ વાંચનથી ભાઈ-બહેનો શું શીખ્યા એ સાંભળીએ છીએ ત્યારે, એ ખજાનામાં જાણે કીમતી રત્નો ઉમેરાય છે.
૫. બાઇબલમાંથી શીખેલી વાતોનો ઉપયોગ કરવા અને પ્રચારની કળામાં સુધારો કરવા સભાઓએ કઈ રીતે તમને મદદ કરી છે?
૫ સભાઓ આપણને બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવા મદદ કરે છે. જેમ કે, ચોકીબુરજ અભ્યાસ. (૧ થેસ્સા. ૪:૯, ૧૦) શું તમને એવો કોઈ ચોકીબુરજ અભ્યાસ યાદ છે જેનાથી યહોવાની સેવામાં વધુ કરવા તમારી તમન્ના જાગી હોય? અથવા તમારી પ્રાર્થનાઓમાં સુધારો કરવા મદદ મળી હોય? અથવા આપણા કોઈ ભાઈ કે બહેનને દિલથી માફ કરવા તમને પ્રેરણા મળી હોય? અઠવાડિયાની સભા આપણને શીખવે છે કે ખુશખબર કઈ રીતે જણાવવી અને બીજાઓને બાઇબલમાંથી કઈ રીતે સત્ય શીખવવું.—માથ. ૨૮:૧૯, ૨૦.
૬. સભાઓમાં જવાથી આપણને કઈ રીતે ઉત્તેજન અને હિંમત મળે છે?
૬ સભાઓ આપણને ઉત્તેજન આપે છે. શેતાનની દુનિયા આપણી શ્રદ્ધા નબળી પાડવા પ્રયત્નો કરે છે. તેમ જ, એ ચાહે છે કે આપણે નિરાશ થઈ જઈએ અને ચિંતામાં ડૂબી જઈએ. જ્યારે કે, આપણી સભાઓ આપણને ઉત્તેજન આપે છે અને યહોવાની ભક્તિ કરતા રહેવા આપણી હિંમત વધારે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૦-૩૨ વાંચો.) સભાઓમાં ઘણી વાર આપણે બાઇબલ ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ એની ચર્ચા કરીએ છીએ. એનાથી આપણને ખાતરી મળે છે કે યહોવાએ આપેલાં વચનો જરૂર સાચાં પડશે. ઉપરાંત, સભામાં ભાઈ-બહેનોની ટૉક સાંભળીને ઉત્તેજન મળે છે. તેમ જ, તેઓનાં જવાબોથી અને યહોવાની સ્તુતિ કરવા દિલથી ગાયેલાં ગીતોથી આપણને ઉત્તેજન મળે છે. (૧ કોરીં. ૧૪:૨૬) ભાઈ-બહેનો આપણા સાચા મિત્રો છે, કારણ કે તેઓ આપણી કાળજી રાખે છે. સભા પહેલાં અને પછી તેઓ સાથે વાત કરવાથી આપણને તાજગી મળે છે.—૧ કોરીં. ૧૬:૧૭, ૧૮.
૭. મંડળની સભાઓમાં જવું શા માટે ઘણું મહત્ત્વનું છે?
૭ સભાઓમાં આપણને ઈશ્વરની શક્તિની મદદ મળે છે. ઈસુ એ જ શક્તિ દ્વારા મંડળોને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે આપણને જણાવ્યું છે કે, ‘પવિત્ર શક્તિ મંડળોને જે કહે છે એ સાંભળો.’ (પ્રકટી. ૨:૭) પવિત્ર શક્તિની મદદથી આપણે લાલચોનો સામનો કરી શકીએ અને હિંમતથી પ્રચાર કરી શકીએ. તેમ જ, એની મદદથી આપણે સારા નિર્ણયો પણ લઈ શકીએ. એટલે જ, સભાઓમાં જઈને ઈશ્વરની શક્તિની મદદ મેળવવા આપણે બનતું બધું જ કરવું જોઈએ.
સભાઓમાં જઈને ભાઈ-બહેનોને મદદ કરીએ છીએ
૮. આપણે સભાઓમાં નિયમિત જઈએ, જવાબ આપીએ અને ગીતો ગાઈએ છીએ ત્યારે, કઈ રીતે બીજાઓને મદદ મળે છે? (“સભામાં આવ્યા પછી તે તાજગી અનુભવતા” બૉક્સ જુઓ.)
૮ સભાઓમાં ભાઈ-બહેનોને પ્રેમ બતાવવાની તક મળે છે. આપણા મંડળનાં ઘણાં ભાઈ-બહેનો મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પ્રેરિત પાઊલે લખ્યું: “આપણે એકબીજાનો વિચાર કરીએ.” (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) એકબીજાને ઉત્તેજન આપવા સભાઓમાં ભેગા મળીને બતાવી શકીએ કે આપણે તેઓની કાળજી લઈએ છીએ. સભાઓમાં જઈને આપણે ભાઈ-બહેનોને બતાવીએ છીએ કે આપણે તેઓની સાથે રહેવા અને વાત કરવા માંગીએ છીએ. તેમ જ, એ બતાવવા માંગીએ છીએ કે આપણને તેઓની ચિંતા છે. એટલું જ નહિ, આપણા જવાબોથી અને દિલથી ગાયેલાં ગીતોથી તેઓને ઉત્તેજન આપીએ છીએ.—કોલો. ૩:૧૬.
૯, ૧૦. (ક) યોહાન ૧૦:૧૬ના શબ્દો કઈ રીતે બતાવે છે કે ભેગા મળતા રહેવું ખૂબ મહત્ત્વનું છે? (ખ) સભાઓમાં નિયમિત જવાથી એવી વ્યક્તિને કઈ રીતે મદદ કરી શકીએ જેના કુટુંબીજનો સત્યમાં નથી?
૯ સભાઓમાં જઈએ છીએ ત્યારે મંડળને એકતામાં રહેવા મદદ કરીએ છીએ. (યોહાન ૧૦:૧૬ વાંચો.) ઈસુએ પોતાને એક ઘેટાંપાળક અને પોતાના શિષ્યોને ઘેટાંના ટોળા સાથે સરખાવ્યા હતા. આનો વિચાર કરો: જો બે ઘેટાં પહાડ પર હોય, બીજાં બે ઘેટાં ખીણમાં હોય અને એક ઘેટું બીજે ક્યાંક ફરતું હોય, તો શું આ પાંચ ઘેટાંને ટોળું કહેવાય? ના. કારણ કે, ટોળું હંમેશાં સાથે રહે છે અને પોતાના ઘેટાંપાળકને અનુસરે છે. એવી જ રીતે, “એક ટોળું” બનીને “એક ઘેટાંપાળક”ને અનુસરવા આપણે ભેગા મળતા રહેવું જોઈએ. આપણે કદીયે સભા ચૂકવી ન જોઈએ.
૧૦ સભાઓ આપણને મદદ કરશે કે આપણે એક પ્રેમાળ કુટુંબ તરીકે સંપીને રહીએ. (ગીત. ૧૩૩:૧) મંડળમાં અમુક લોકો એવા હશે જેઓને તેઓનાં માતાપિતા અથવા ભાઈ-બહેનોએ તરછોડી દીધા છે. જોકે, ઈસુએ વચન આપ્યું હતું કે તેઓને એવું કુટુંબ આપશે જે તેઓને પ્રેમ કરે અને તેઓની સંભાળ રાખે. (માર્ક ૧૦:૨૯, ૩૦) સભાઓમાં નિયમિત જશો તો, તમે મંડળમાં કોઈના માતા કે પિતા અથવા ભાઈ કે બહેન બની શકશો. એવો વિચાર કરીએ છીએ ત્યારે, સભામાં હાજર રહેવા આપણે બનતું બધું કરીએ છીએ.
આપણે યહોવાના દિલને ખુશ કરીએ છીએ
૧૧. સભાઓમાં જઈને આપણે કઈ રીતે યહોવાને માન-મહિમા આપી શકીએ?
૧૧ સભાઓમાં જઈને આપણે યહોવાને માન-મહિમા આપીએ છીએ. યહોવા આપણા સરજનહાર હોવાથી આપણે તેમનો આભાર માનવો જોઈએ અને તેમને માન-મહિમા આપવાં જોઈએ. (પ્રકટીકરણ ૭:૧૨ વાંચો.) આપણે કઈ રીતે એમ કરી શકીએ? સભાઓમાં યહોવાને પ્રાર્થના કરીને, ગીતો ગાઈને અને તેમના વિશે વાત કરીને. દર અઠવાડિયે યહોવાની ભક્તિ કરવાની આપણી પાસે કેટલી અનમોલ તક છે!
૧૨. સભામાં ભેગા મળવાની આજ્ઞા પાળીએ છીએ ત્યારે યહોવાને કેવું લાગે છે?
૧૨ યહોવાએ આપણને બનાવ્યા હોવાથી આપણે તેમનું કહેવું માનવું જોઈએ. તેમણે આપણને ભેગા મળવાની આજ્ઞા આપી છે. ખાસ કરીને, અંત નજીક આવતો જાય તેમ એ વધારે કરવાની જરૂર છે. એટલે, યહોવાની એ આજ્ઞા પાળીને આપણે તેમના દિલને ખુશ કરીએ છીએ. (૧ યોહા. ૩:૨૨) તે જુએ છે કે આપણે ખરેખર સભામાં હાજર રહેવા માંગીએ છીએ અને એમ કરવાના આપણા પ્રયત્નોની તે કદર કરે છે.—હિબ્રૂ ૬:૧૦.
૧૩, ૧૪. સભાઓ દ્વારા આપણે કઈ રીતે યહોવા અને ઈસુની નજીક જઈએ છીએ?
૧૩ સભાઓમાં જઈએ છીએ ત્યારે બતાવીએ છીએ કે આપણે યહોવા અને ઈસુની નજીક જવા ચાહીએ છીએ. સભાઓમાં બાઇબલ દ્વારા યહોવા આપણને શીખવે છે કે આપણે શું કરવું જોઈએ અને કઈ રીતે જીવવું જોઈએ. (યશા. ૩૦:૨૦, ૨૧) અરે, યહોવાના ભક્ત ન હોય એવા અમુક લોકો સભામાં આવે છે ત્યારે, તેઓ જોઈ શકે છે કે ઈશ્વર યહોવા આપણને માર્ગદર્શન આપે છે. (૧ કોરીં. ૧૪:૨૩-૨૫) યહોવા પોતાની શક્તિ દ્વારા સભાઓને દોરી રહ્યા છે. તેમ જ, સભાઓમાં આપણે જે કંઈ શીખીએ છીએ એ યહોવા પાસેથી આવે છે. તેથી, સભાઓમાં જઈએ છીએ ત્યારે જાણે યહોવાની વાણી સાંભળીએ છીએ. એટલું જ નહિ, આપણે જોઈ શકીએ છીએ કે તે આપણને કેટલો પ્રેમ કરે છે. તેમ જ, આપણે તેમની નજીક જઈએ છીએ.
૧૪ મંડળના શિર ઈસુએ કહ્યું: “જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું.” (માથ. ૧૮:૨૦) બાઇબલ એ પણ જણાવે છે કે ઈસુ મંડળોની “વચમાં ચાલે છે.” (પ્રકટી. ૧:૨૦–૨:૧) આમ, એ સ્પષ્ટ છે કે યહોવા અને ઈસુ આપણી સાથે છે અને સભાઓ દ્વારા આપણી શ્રદ્ધા દૃઢ કરે છે. જરા વિચારો, યહોવા અને તેમના દીકરાની નજીક જવાના આપણા બધા પ્રયત્નો જોઈને તેમને કેવું લાગતું હશે!
૧૫. સભાઓમાં નિયમિત જઈને આપણે શું સાબિત કરીએ છીએ?
૧૫ સભાઓમાં જઈએ છીએ ત્યારે બતાવીએ છીએ કે આપણે યહોવાને આધીન રહેવા ચાહીએ છીએ. યહોવા તેમની આજ્ઞાઓ પાળવા કોઈને બળજબરી કરતા નથી. (યશા. ૪૩:૨૩) તેથી, દિલથી તેમની આજ્ઞા પાળીએ છીએ ત્યારે બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. તેમ જ, એ સ્વીકારીએ છીએ કે તે આપણા માલિક છે અને આપણે શું કરવું જોઈએ એ કહેવાનો અધિકાર ફક્ત તેમનો જ છે. (રોમ. ૬:૧૭) વિચારો કે, આ સંજોગોમાં તમે શું કરશો: નોકરી પર તમારી પાસે વધુ કલાકો કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે, જેના લીધે સભાઓ ચૂકી જવાય. બીજું, દેશની સરકાર એવું કહે કે, જે કોઈ યહોવાની ભક્તિ માટે ભેગા મળશે તેને દંડ ફટકારવામાં આવશે અથવા જેલમાં પૂરવામાં આવશે અથવા ભયંકર સજા કરવામાં આવશે. ત્રીજું, કોઈ વાર એવું બને કે સભાઓમાં જવાને બદલે આપણને બીજું કંઈક કરવાનું મન થાય. આ દરેક સંજોગમાં યહોવાએ પસંદગી આપણા હાથમાં મૂકી છે. (પ્રે.કૃ. ૫:૨૯) પરંતુ, યહોવાને રાજીખુશીથી આધીન રહીએ છીએ ત્યારે, તેમના દિલને આનંદ પહોંચાડીએ છીએ.—નીતિ. ૨૭:૧૧.
ભાઈ-બહેનોની સંગતમાં લાગુ રહીએ
૧૬, ૧૭. (ક) આપણે કઈ રીતે કહી શકીએ કે પહેલી સદીના ખ્રિસ્તીઓ માટે સભાઓ બહુ મહત્ત્વની હતી? (ખ) સભાઓ વિશે ભાઈ જ્યોર્જ ગાનગેસને કેવું લાગતું હતું?
૧૬ પહેલી સદીના ખ્રિસ્તીઓએ, પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં ભેગા મળ્યા પછી નિયમિત રીતે યહોવાની ભક્તિ કરવા ભેગા મળવાનું ચાલુ રાખ્યું. તેઓ ‘પ્રેરિતોના બોધમાં અને સંગતમાં લાગુ રહ્યા.’ (પ્રે.કૃ. ૨:૪૨) રોમન સરકારે અને યહુદી ધર્મગુરુઓએ તેઓની સતાવણી કરી તોપણ, તેઓએ ભેગા મળવાનું પડતું મૂક્યું નહિ. ખરું કે, એમ કરવું સહેલું ન હતું, તોપણ તેઓએ ભેગા મળવા માટે પોતાનાથી બનતું બધું કર્યું.
૧૭ આજે પણ યહોવાના લોકો સભાઓ માટે દિલથી કદર બતાવે છે અને સભાઓમાં જવાનો આનંદ માણે છે. ભાઈ જ્યોર્જ ગાનગેસનો વિચાર કરો, જેમણે ૨૨ કરતાં વધુ વર્ષો સુધી નિયામક જૂથના સભ્ય તરીકે સેવા આપી હતી. સભાઓ વિશે તેમણે આમ કહ્યું હતું: ‘સભાઓમાં ભાઈ-બહેનો સાથે હળવા-મળવાથી મને ખૂબ આનંદ અને ઉત્તેજન મળે છે. મને રાજ્યગૃહમાં સૌથી પહેલા આવવું અને સૌથી છેલ્લા જવું ગમે છે. ઈશ્વરના લોકો સાથે વાત કરવાથી મને અનહદ ખુશી થાય છે. ઈશ્વરના લોકો સાથે હોઉં છું ત્યારે, એમ લાગે છે કે પોતાના ઘરમાં કુટુંબની હૂંફ અને સલામતીમાં છું. મારા દિલની તીવ્ર ઇચ્છા હોય છે કે હું હંમેશાં સભાઓમાં જઉં.’
૧૮. આપણી સભાઓ વિશે તમને કેવું લાગે છે અને તમે શું કરવાનો નિર્ણય લીધો છે?
૧૮ યહોવાની ભક્તિ કરવા વિશે શું તમને પણ એવું લાગે છે? એમ હોય તો, આપણાં ભાઈ-બહેનોની સંગતમાં રહેવા બનતું બધું કરો, ભલેને પછી એમ કરવું અઘરું હોય. યહોવાને બતાવો કે તમે પણ રાજા દાઊદ જેવું અનુભવો છો, જેમણે કહ્યું હતું: ‘હે યહોવા, તમારા મંદિરનું આંગણું મને પ્રિય લાગે છે.’—ગીત. ૨૬:૮.
^ [૧] (ફકરો ૩) અમુક ભાઈ-બહેનો સંજોગોને લીધે સભાઓમાં નિયમિત જઈ શકતા નથી. દાખલા તરીકે, ખૂબ બીમાર હોય ત્યારે. તેઓ ખાતરી રાખી શકે કે, યહોવા તેઓનાં સંજોગો સમજે છે અને ભક્તિ માટેના તેઓનાં પ્રયત્નોની કદર કરે છે. એવાં ભાઈ-બહેનોને વડીલો મંડળની સભાઓનો લાભ લેવા મદદ કરી શકે. જેમ કે, આખી સભાને રેકોર્ડ કરીને તેઓને આપી શકે અથવા શક્ય હોય તો ટેલીફોન દ્વારા સભાનું પ્રસારણ કરી શકે.
^ [૨] (ફકરો ૩) “સભાઓમાં જવાનાં કારણો” બૉક્સ જુઓ.