ઈશ્વર જેવા ગુણ કેળવો હીરાની જેમ ચમકો
લોકો હીરાને ખૂબ કીમતી રત્ન ગણે છે. અમુક હીરાની કિંમત તો કરોડો રૂપિયા હોય છે. પણ, શું એવું કંઈ છે, જેને ઈશ્વર હીરા કે બીજા રત્નોથી પણ વધારે અનમોલ ગણે છે?
આર્મેનિયામાં રહેતાં હિગાનુશ બહેનનો વિચાર કરો. તે અને તેમનાં પતિ બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક છે. બહેનને તેમના ઘરની નજીકથી એક પાસપોર્ટ મળ્યો. એ પાસપોર્ટની અંદર અમુક ડેબિટ કાર્ડ અને ઘણા પૈસા હતાં. તેમણે પોતાના પતિને એ વિશે જણાવ્યું.
એ યુગલ ઘણી આર્થિક સમસ્યામાંથી ગુજરી રહ્યું હતું અને તેઓ દેવામાં પણ ડૂબેલા હતા. તેમ છતાં, તેઓએ એ પૈસા અને પાસપોર્ટ પાછા આપવાનો નિર્ણય કર્યો. જે માણસનો પાસપોર્ટ ખોવાયો હતો, એ માણસ અને તેનું કુટુંબ એ પાછો મેળવીને ખૂબ જ આશ્ચર્ય પામ્યાં. હિગાનુશ અને તેમના પતિએ પોતાની ઇમાનદારીનું કારણ સમજાવ્યું. તેઓએ જણાવ્યું કે તેઓ બાઇબલમાંથી શીખી રહ્યા છે. પછી, એ તકનો ઉપયોગ કરીને તેઓએ એ કુટુંબને યહોવાના સાક્ષીઓ વિશે જણાવ્યું અને અમુક સાહિત્ય આપ્યું.
હિગાનુશની ઇમાનદારી માટે એ કુટુંબ તેમને ઇનામ આપવા ચાહતું હતું. પણ, બહેને એ લેવાનો નકાર કર્યો. બીજા દિવસે, હિગાનુશ અને તેમના પતિને મળવા પેલા માણસની પત્ની આવી. તેણે જણાવ્યું કે તે કેટલી આભારી છે. તેણે હિગાનુશને આગ્રહ કર્યો કે, તે હીરાની વીંટી ભેટ તરીકે સ્વીકારે.
એ કુટુંબની જેમ આજે ઘણા લોકો હિગાનુશ અને તેમના પતિની ઇમાનદારીને જોઈને કદાચ આશ્ચર્ય પામશે. પણ, શું યહોવાને આશ્ચર્ય થયું હશે? યહોવાએ તેઓની ઇમાનદારીને કઈ નજરે જોઈ? તેઓની ઇમાનદારીનું શું કોઈ સારું પરિણામ આવ્યું?
ધનસંપત્તિ કરતાં પણ અનમોલ છે ગુણો
એ સવાલોના જવાબો અઘરા નથી. શા માટે? કારણ કે, ઈશ્વરભક્તો જાણે છે કે, યહોવાના સુંદર ગુણોને અનુસરવું એ હીરા-મોતી, સોના-રૂપા કે બીજી ધનસંપત્તિ કરતાં પણ વધુ અનમોલ છે. ખરું કે, કોઈ વસ્તુ અનમોલ છે કે નહિ એ વિશે યહોવા અને માણસોના વિચારો ખૂબ જુદા છે. (યશા. ૫૫:૮, ૯) અને તેમના સેવકો માટે યહોવાના ગુણોને અનુસરવા મહેનત કરવી એ વધારે કીમતી છે. એવું આપણે કઈ રીતે કહી શકીએ?
બાઇબલમાં જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ અને સમજશક્તિ વિશે જે જણાવવામાં આવ્યું છે, એમાંથી એ સવાલનો જવાબ મળે છે. નીતિવચનો ૩:૧૩-૧૫ કહે છે: “જે માણસને જ્ઞાન મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તેને ધન્ય છે. કેમ કે તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે. તે જવાહીર કરતાં મૂલ્યવાન છે; તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ.” એ સાફ બતાવે છે કે, યહોવા કોઈ પણ ખજાના કરતાં એવા ગુણોને વધુ કીમતી ગણે છે.
તો પછી, ઇમાનદારી કે પ્રામાણિકતા વિશે શું?
યહોવા પોતે ઇમાનદાર છે. તે ‘જૂઠું બોલી શકતા નથી.’ (તીત. ૧:૨) તેમની પ્રેરણાથી પ્રેરિત પાઊલે પહેલી સદીનાં હિબ્રૂ ભાઈ-બહેનોને આમ લખ્યું: “તમે અમારે માટે પ્રાર્થના કરો; કેમ કે અમારું અંતઃકરણ નિર્મળ છે, એવી અમને ખાતરી છે; અને અમે સઘળી બાબતોમાં પ્રામાણિકપણે વર્તવાની ઇચ્છા રાખીએ છીએ.”—હિબ્રૂ ૧૩:૧૮.
ઈસુ ખ્રિસ્તે ઇમાનદારીનું સારું ઉદાહરણ બેસાડ્યું હતું. એક બનાવનો વિચાર કરો. મુખ્ય યાજક કાયાફાસે ઈસુને પૂછ્યું હતું: “હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહિ, એ અમને કહે.” એ સમયે ઈસુએ ઇમાનદારીથી કબૂલ કર્યું કે પોતે મસીહ છે. તે જાણતા હતા કે, એમ કરવાથી યહુદી ઉચ્ચ અદાલત તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂકી શકતી હતી. એટલું જ નહિ, એનાથી તેમને મરણની સજા પણ થઈ શકતી હતી. એ જાણતા હોવા છતાં, ઈસુ સાચું બોલ્યા.—માથ. ૨૬:૬૩-૬૭.
આપણા વિશે શું? જો આપણે એવા સંજોગોમાં આવી જઈએ, જ્યાં બધી હકીકતો ન જણાવવાથી અથવા એમાં થોડો ફેરફાર કરવાથી આપણને પૈસેટકે લાભ થઈ શકે છે, તો શું? એવા સંજોગોમાં શું આપણે ઇમાનદાર રહીશું?
ઇમાનદાર રહેવાના પડકારો
આ છેલ્લા દિવસોમાં ઇમાનદાર રહેવું અઘરું થઈ શકે, કારણ કે લોકો ‘સ્વાર્થી અને દ્રવ્યલોભી’ છે. (૨ તીમો. ૩:૨) જ્યારે પૈસાની ખેંચ હોય અથવા નોકરી મળવી અઘરી હોય, ત્યારે લોકોને ચોરી, છેતરપિંડી કે બેઇમાની કરવામાં વાંધો હોતો નથી. આ પ્રકારનો વિચાર એટલો સામાન્ય છે કે, ઘણાને એવું લાગે છે કે આર્થિક રીતે ફાયદો મેળવવા બેઇમાની કરવા સિવાય કોઈ છૂટકો નથી. ઘણાં ભાઈ-બહેનોએ પણ ‘નીચ લાભ’ માટે ખરાબ નિર્ણયો લીધા છે. (૧ તીમો. ૩:૮; તીત. ૧:૭) એમ કરવાથી, મંડળમાં તેઓનું નામ બદનામ થયું છે.
જોકે, મોટા ભાગનાં ભાઈ-બહેનો ઈસુને પગલે ચાલે છે. તેઓ જાણે છે કે, ઈશ્વર જેવા ગુણો બતાવવા એ કોઈ પણ ધનસંપત્તિ અથવા બીજા લાભ કરતાં વધુ મહત્ત્વનું છે. એ જ કારણથી, સ્કૂલમાં સારું પરિણામ લાવવા સાક્ષી યુવાનો ચોરી કરતા નથી. (નીતિ. ૨૦:૨૩) હિગાનુશની જેમ દર વખતે ઇમાનદારીનું ઇનામ મળતું નથી. તેમ છતાં, ઇમાનદાર રહેવું ઈશ્વરની નજરે સારું છે. એનાથી અંતઃકરણ સાફ રહે છે, જે ખરેખર અનમોલ છે.
ચાલો ભાઈ ગાગીકનું ઉદાહરણ જોઈએ. તે કહે છે: ‘હું યહોવાનો સાક્ષી બન્યો એ પહેલાં એક મોટી કંપનીમાં કામ કરતો હતો. ટૅક્સ ન ભરવો પડે માટે કંપનીના માલિક પોતાની કંપનીનો નફો ઓછો બતાવતા. ઊંચા હોદ્દા પર કામ કરતો હોવાને લીધે મારી પાસે અપેક્ષા રાખવામાં આવતી કે, હું ટૅક્સ ઑફિસરને લાંચ આપું, જેથી તે કંપનીના કાળાં કામો પર પડદો પાડી શકે. પરિણામે, મારી છાપ એક બેઇમાન અધિકારી તરીકેની બની ગઈ હતી. આ નોકરીથી હું સારા પૈસા કમાતો હતો. પણ, સત્ય શીખ્યું ત્યારે, મેં એવાં કામ કરવાનો નકાર કરી દીધો. એ નોકરી છોડીને મેં મારો પોતાનો ધંધો શરૂ કર્યો. પહેલા દિવસથી જ મેં કંપનીની કાયદેસર નોંધણી કરાવી અને બધા ટૅક્સ ભર્યા.’—૨ કોરીં. ૮:૨૧.
ગાગીક કહે છે: ‘મારી આવક લગભગ અડધી થઈ ગઈ. તેથી, કુટુંબની જરૂરિયાતો પૂરી પાડવી મારા માટે પડકાર હતો. જોકે, હવે હું વધારે ખુશ છું. યહોવા સામે મારું અંતઃકરણ સાફ છે. મારા બે દીકરાઓ માટે હું એક સારો દાખલો બેસાડું છું અને મંડળમાં મને અમુક લહાવાઓ મળવા લાગ્યા છે. હવે, હું જેઓ સાથે ધંધો કરું છું અને જેઓ મારા ટૅક્સનો હિસાબ તપાસે છે (ટૅક્સ ઑડિટર) તેઓ બધા મને ઇમાનદાર ગણે છે.’
યહોવા આપણને મદદ કરે છે
યહોવા એ બધાને પ્રેમ કરે છે, જેઓ તેમના અદ્ભુત ગુણોનું અનુકરણ કરીને તેમને મહિમા આપે છે. એ ગુણોમાં ઇમાનદારીનો પણ સમાવેશ થાય છે. (તીત. ૨:૧૦) જ્યારે આપણે એમ કરીએ છીએ, ત્યારે યહોવા આપણને મદદ કરવાનું વચન આપે છે. તેમની પ્રેરણાથી રાજા દાઊદ આમ કહી શક્યા: “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.”—ગીત. ૩૭:૨૫.
વફાદાર રૂથનો અનુભવ એની સાબિત આપે છે. પોતાનાં વૃદ્ધ સાસુને તરછોડવાને બદલે રૂથે વફાદારીથી તેમનો સાથ નિભાવ્યો. પોતાનો દેશ છોડીને તે ઈસ્રાએલમાં રહેવા ગયાં, જ્યાં તે સાચા ઈશ્વરની ભક્તિ કરી શકતાં હતાં. (રૂથ ૧:૧૬, ૧૭) તે ઇમાનદાર હતાં. તેમ જ, ગરીબો માટે નિયમકરારની ગોઠવણ પ્રમાણે વધેલું અનાજ ભેગું કરવા સખત મહેનત કરતાં હતાં. દાઊદે જે અનુભવ્યું હતું, એવું જ દાયકાઓ અગાઉ રૂથ અને નાઓમીએ પણ અનુભવ્યું હતું. યહોવાએ રૂથ અને નાઓમીને કદી ત્યજ્યા ન હતા. યહોવાએ રૂથની જીવન જરૂરિયાતો પૂરી પાડી. (રૂથ ૨:૨-૧૮) એટલું જ નહિ, તેમણે રૂથને મોટો આશીર્વાદ પણ આપ્યો. તેમના કુળમાંથી રાજા દાઊદ અને પછીથી વચન પ્રમાણેના મસીહ આવ્યા.—રૂથ ૪:૧૩-૧૭; માથ. ૧:૫, ૧૬.
યહોવાના અમુક સેવકો માટે જીવન જરૂરિયાતો પૂરી કરવા પૂરતા પૈસા કમાવવા ઘણું અઘરું હોય શકે. પણ, બેઈમાનીનો સહેલો રસ્તો અપનાવવા કરતાં તેઓ સખત મહેનત કરવાનું પસંદ કરે છે. આવું કરવાથી તેઓ બતાવે છે કે, તેઓ માટે ધનદોલત કરતાં ઈશ્વરના અદ્ભુત ગુણો વધુ અનમોલ છે. એમાંનો એક ગુણ ઇમાનદારીનો પણ છે.—નીતિ. ૧૨:૨૪; એફે. ૪:૨૮.
દુનિયાભરમાં રહેતાં ભાઈ-બહેનોએ યહોવાની મદદ કરવાની શક્તિમાં પૂરો વિશ્વાસ બતાવ્યો છે, જેમ રૂથે બતાવ્યો હતો. તેઓ યહોવામાં પૂરો ભરોસો રાખે છે, જેમણે આ વચન આપ્યું છે: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હિબ્રૂ ૧૩:૫) યહોવાએ વારંવાર બતાવ્યું છે કે, જેઓ દરેક સમયે ઇમાનદાર રહે છે, તેઓને તે મદદ કરી શકે છે અને હંમેશાં કરતા રહેશે. પોતાના સેવકોની જીવન જરૂરિયાતો પૂરી પાડવાનું વચન તેમણે હંમેશાં નિભાવ્યું છે.—માથ. ૬:૩૩.
ખરું કે, માણસો હીરા અને બીજી વસ્તુઓને કીમતી ગણે છે. પણ, આપણે ખાતરી રાખી શકીએ કે, આપણા સ્વર્ગમાંના પિતા આપણી ઇમાનદારી અને બીજા સારા ગુણોને કીમતી રત્નો કરતાં પણ વધુ અનમોલ ગણે છે.