યહોવાનાં વચનોમાં શ્રદ્ધા બતાવો
“શ્રદ્ધા એટલે કે . . . જે હકીકત નજરે જોઈ નથી એનો ખાતરી આપતો પુરાવો.”—હિબ્રૂઓ ૧૧:૧, ફૂટનોટ.
૧. શ્રદ્ધાના ગુણ વિશે આપણને કેવું લાગવું જોઈએ?
શ્રદ્ધાનો ગુણ દરેક વ્યક્તિમાં હોતો નથી. (૨ થેસ્સા. ૩:૨) પરંતુ, યહોવા પોતાના દરેક ભક્તને શ્રદ્ધા આપે છે. (રોમ. ૧૨:૩; ગલા. ૫:૨૨) એ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ!
૨, ૩. (ક) શ્રદ્ધા હોવાથી આપણને કેવો ફાયદો થાય છે? (ખ) આપણે કયા સવાલો પર ચર્ચા કરીશું?
૨ યહોવાએ પોતાના દીકરા ઈસુનું બલિદાન આપ્યું. યહોવા ચાહે છે કે એ બલિદાન પર શ્રદ્ધા રાખનાર દરેક વ્યક્તિ પોતાનાં પાપોની માફી મેળવે. આમ, યહોવા સાથે મિત્રતા બાંધવી અને હંમેશ માટેનું જીવન મેળવવું શક્ય બન્યું છે. (યોહા. ૬:૪૪, ૬૫; રોમ. ૬:૨૩) યહોવા આપણા પર કેટલી બધી કૃપા રાખે છે! આપણે બધા તો પાપી છીએ અને ફક્ત મરણને લાયક છીએ. પરંતુ, યહોવા જાણતા હતા કે આપણામાં સારું કરવાની ક્ષમતા છે. (ગીત. ૧૦૩:૧૦) એટલે, યહોવાએ આપણને ઈસુ અને તેમણે આપેલા બલિદાન વિશે શીખવા મદદ કરી. ઈસુ પર શ્રદ્ધા કેળવવાનું અને તેમના પગલે ચાલવાનું શરૂ કર્યું ત્યારે, આપણને હંમેશ માટેના જીવનની આશા મળી!—૧ યોહાન ૪:૯, ૧૦ વાંચો.
૩ પરંતુ, શ્રદ્ધાના ગુણ વિશે આપણે બીજું શું શીખવાની જરૂર છે? જો આપણે ફક્ત એટલું જ જાણતા હોઈએ કે યહોવાએ આપણા માટે શું કર્યું છે અને ભાવિમાં શું કરવાના છે, તો શું એમ કહી શકાય કે આપણામાં શ્રદ્ધા છે? ચાલો જોઈએ કે, આપણે બીજું શું કરવાની જરૂર છે.
“પોતાના હૃદયમાં શ્રદ્ધા રાખો”
૪. શ્રદ્ધા હશે તો, આપણે શું કરવા પ્રેરાઈશું?
૪ યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે અને ભાવિમાં જે કરશે, એ આપણે જાણીએ છીએ. પણ ફક્ત એટલું જાણી લેવું પૂરતું નથી. શ્રદ્ધા હશે તો આપણે તેઓના બતાવેલા માર્ગ પર ચાલવાની તીવ્ર ઇચ્છા રાખીશું. તેમ જ, તેઓ વિશે બીજાઓને શીખવવા આતુર હોઈશું. પ્રેરિત પાઊલે કહ્યું હતું: “જો તમે પોતાના મોઢે જાહેરમાં પ્રગટ કરો કે ઈસુ પ્રભુ છે અને પોતાના હૃદયમાં શ્રદ્ધા રાખો કે ઈશ્વરે તેમને મરણમાંથી ઉઠાડ્યા છે, તો તમારો ઉદ્ધાર થશે. કારણ કે હૃદયમાં શ્રદ્ધા હોવાથી વ્યક્તિ ઈશ્વર સામે નેક ગણાય છે, પણ મોંથી જાહેરમાં પ્રગટ કરવાથી વ્યક્તિ ઉદ્ધાર પામે છે.”—રોમ. ૧૦:૯, ૧૦; ૨ કોરીં. ૪:૧૩.
૫. શ્રદ્ધાનો ગુણ શા માટે ખૂબ મહત્ત્વનો છે? શ્રદ્ધા મક્કમ બનાવવા આપણે શું કરવાની જરૂર છે? ઉદાહરણ આપીને સમજાવો.
૫ સ્પષ્ટ છે કે, હંમેશ માટેનું જીવન મેળવવા શ્રદ્ધા હોવી અને એને અડગ રાખવી ખૂબ જરૂરી છે. શ્રદ્ધા એક છોડ જેવી છે. આપણે એને પાણી પાતા રહેવાની જરૂર છે, જેથી એ લીલોછમ રહે અને ઊગતો રહે. પરંતુ, જો આપણે એને પૂરતું પાણી નહિ પાઈએ તો એ કરમાઈ જશે અને સુકાઈ જશે. એવી જ રીતે, જો આપણે ધ્યાન નહિ રાખીએ, તો આપણી શ્રદ્ધા નબળી પડી જશે. (લુક ૨૨:૩૨; હિબ્રૂ. ૩:૧૨) પરંતુ, જો ધ્યાન રાખીશું, તો આપણે “શ્રદ્ધામાં મક્કમ” બનતા જઈશું અને આપણી શ્રદ્ધા દિવસે ને દિવસે “વધતી” જશે.—તિત. ૨:૨; ૨ થેસ્સા. ૧:૩.
બાઇબલ પ્રમાણે શ્રદ્ધાની પરિભાષા
૬. હિબ્રૂઓ ૧૧:૧માં શ્રદ્ધા વિશે કઈ બે બાબતો જણાવવામાં આવી છે?
૬ હિબ્રૂઓ ૧૧:૧માં શ્રદ્ધાની પરિભાષા આપવામાં આવી છે. (વાંચો.) એ કલમ પ્રમાણે: (૧) શ્રદ્ધા એટલે “જેની આશા રાખીએ છીએ એ ચોક્કસ પૂરું થશે એવી ખાતરી.” આપણે “જેની આશા” રાખીએ છીએ, એમાં યહોવાએ આપેલા ભાવિ માટેનાં વચનોનો સમાવેશ થાય છે. દાખલા તરીકે, આપણને પૂરી ખાતરી છે કે દુષ્ટતાનો અંત થશે અને આ પૃથ્વી બાગ જેવી સુંદર બનશે. (૨) શ્રદ્ધા એટલે “જે હકીકત નજરે જોઈ નથી” એનો “ખાતરી આપતો પુરાવો.” દાખલા તરીકે, આપણે યહોવા, ઈસુ, સ્વર્ગદૂતો અને સ્વર્ગના રાજ્યને જોયાં નથી. છતાં આપણને ખાતરી છે કે, એ બધાં અસ્તિત્વ ધરાવે છે. (હિબ્રૂ. ૧૧:૩) પરંતુ, આપણને યહોવાનાં વચનોમાં અને નજરે જોઈ નથી એ હકીકતોમાં ખરી શ્રદ્ધા છે, એ કઈ રીતે બતાવી શકીએ? આપણાં વાણી-વર્તન અને જીવનઢબથી.
૭. શ્રદ્ધા હોવામાં શાનો સમાવેશ થાય છે, એ વિશે નુહનો દાખલો શું શીખવે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૭ નુહના દાખલામાંથી આપણે શ્રદ્ધાના ગુણ વિશે શું શીખી શકીએ? પ્રેરિત પાઊલે કહ્યું હતું કે નુહે “જે હજુ જોયું ન હતું એના વિશે ઈશ્વરે આપેલી ચેતવણી સાંભળી. પછી, તેમણે ઈશ્વરનો ડર રાખીને પોતાના કુટુંબને બચાવવા વહાણ બાંધ્યું.” (હિબ્રૂ. ૧૧:૭) નુહને યહોવાના શબ્દો પર પૂરો ભરોસો હતો, એટલે તેમણે યહોવાના કહ્યા મુજબ મોટું વહાણ બાંધ્યું. એ જોઈને કદાચ આજુબાજુના લોકોએ તેમને પૂછ્યું હશે કે, તે શા માટે મોટું વહાણ બાંધી રહ્યા છે. આપણે ખાતરી રાખી શકીએ કે, નુહે ચોક્કસ બીજાઓને યહોવાનો સંદેશો જણાવ્યો હશે. કારણ કે, બાઇબલ કહે છે કે નુહ તો “સત્યનો માર્ગ જાહેર કરનાર” હતા. (૨ પીત. ૨:૫) તેમણે લોકોને ચેતવણી આપી કે યહોવા જળપ્રલય લાવીને દુષ્ટતાનો નાશ કરવાના છે. કદાચ તેમણે યહોવા પાસેથી સાંભળેલા આ શબ્દો લોકોને કહ્યા હશે: “મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે; કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે” અને “સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે.” એમ કહ્યા પછી, નુહે ચોક્કસ લોકોને સમજાવ્યું હશે કે એ પ્રલયમાંથી બચવા તેઓએ શું કરવું જોઈએ. યહોવાએ નુહને આજ્ઞા આપી હતી: “તું વહાણમાં આવ.”—ઉત. ૬:૧૩, ૧૭, ૧૮.
૮. શ્રદ્ધા વિશે યાકૂબે શું જણાવ્યું હતું?
૮ શિષ્ય યાકૂબે પણ શ્રદ્ધા વિશે જણાવ્યું હતું. પ્રેરિત પાઊલે હિબ્રૂઓને પત્ર લખ્યો, કદાચ એના થોડા જ સમયમાં યાકૂબે પોતાના પત્રમાં શ્રદ્ધા વિશે લખ્યું હતું. તેમણે લખ્યું: “તારી શ્રદ્ધા કાર્યો વગર મને બતાવ અને હું તને મારી શ્રદ્ધા મારાં કાર્યોથી બતાવીશ.” (યાકૂ. ૨:૧૮) યાકૂબે સમજાવ્યું કે શ્રદ્ધા હોવાનો અર્થ કંઈક માની લેવું એટલો જ થતો નથી, એમાં ઘણું સમાયેલું છે. જરા વિચારો, દુષ્ટ દૂતો પણ માને છે કે ઈશ્વર છે, પરંતુ શું તેઓને યહોવામાં શ્રદ્ધા છે? અરે, તેઓ તો યહોવાનો વિરોધ કરે છે. (યાકૂ. ૨:૧૯, ૨૦) જ્યારે કે, જે વ્યક્તિમાં શ્રદ્ધા હશે, તે સારાં કામ કરીને ઈશ્વરને ખુશ કરશે. ઈબ્રાહીમે એવું જ કર્યુ હતું. યાકૂબે જણાવ્યું: “આપણા પિતા ઈબ્રાહીમે પોતાના દીકરા ઇસહાકનું બલિદાન ચડાવવા તેમને વેદી પર મૂક્યા; એટલે, ઈબ્રાહીમને તેમનાં કાર્યોને લીધે ન્યાયી ઠરાવાયા ન હતા શું? તમે જુઓ છો કે તેમની શ્રદ્ધાની સાથે સાથે તેમનાં કાર્યો પણ હતાં અને તેમનાં કાર્યો દ્વારા તેમની શ્રદ્ધા સંપૂર્ણ થઈ હતી.” ત્યાર બાદ, યાકૂબે એ મુદ્દા પર ભાર મૂક્યો કે કાર્યો વગર શ્રદ્ધા નકામી છે. તેમણે લખ્યું: “જેમ શ્વાસ વગર શરીર મરેલું છે, તેમ કાર્યો વગર શ્રદ્ધા મરેલી છે.”—યાકૂ. ૨:૨૧-૨૩, ૨૬.
૯, ૧૦. દીકરા પર શ્રદ્ધા મૂકવાનો શો અર્થ થાય?
૯ લગભગ ૩૦ વર્ષો પછી, પ્રેરિત યોહાને ઈસુ વિશેની સુવાર્તા અને ત્રણ પત્રો લખ્યાં. બાઇબલના બીજા લેખકોની જેમ યોહાન પણ સમજ્યા હતા કે શ્રદ્ધા એટલે શું. તેમણે પોતાના લખાણમાં ઘણી વાર એ ગ્રીક ક્રિયાપદનો ઉપયોગ કર્યો હતો, જેનો અર્થ થાય, “શ્રદ્ધા રાખો.”
૧૦ દાખલા તરીકે, યોહાને સમજાવ્યું: “દીકરા પર જે શ્રદ્ધા મૂકે છે તે હંમેશ માટેનું જીવન મેળવશે; દીકરાનું કહેવું જે માનતો નથી તેને જીવન મળશે નહિ, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.” (યોહા. ૩:૩૬) શ્રદ્ધા બતાવવામાં ઈસુની આજ્ઞા પાળવાનો સમાવેશ થાય છે. યોહાને ઈસુના એ શબ્દોનો વારંવાર ઉલ્લેખ કર્યો જે બતાવતા હતા કે, શ્રદ્ધામાં અડગ રહેવા મહેનત કરતા રહેવાની જરૂર છે.—યોહા. ૩:૧૬; ૬:૨૯, ૪૦; ૧૧:૨૫, ૨૬; ૧૪:૧, ૧૨.
૧૧. સત્ય શીખવવા બદલ આપણે યહોવાના આભારી છીએ, એ કઈ રીતે બતાવી શકીએ?
૧૧ યહોવાએ પવિત્ર શક્તિ દ્વારા આપણને પોતાના વિશેનું અને ઈસુ વિશેનું સત્ય શીખવ્યું છે. તેમ જ, એ શક્તિ દ્વારા તેઓમાં શ્રદ્ધા મૂકવા મદદ કરી છે. (લુક ૧૦:૨૧ વાંચો.) એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! યાદ રાખીએ કે “મુખ્ય આગેવાન અને આપણી શ્રદ્ધાને પૂર્ણ કરનાર” ઈસુ દ્વારા યહોવા આપણને પોતાની પાસે દોરી લાવ્યા છે. એ માટે આપણે જીવનભર તેમનો લાખ-લાખ આભાર માનવો જોઈએ. (હિબ્રૂ. ૧૨:૨) ઉપરાંત, પ્રાર્થના અને નિયમિત બાઇબલ અભ્યાસ દ્વારા આપણે પોતાની શ્રદ્ધા મક્કમ બનાવવી જોઈએ.—એફે. ૬:૧૮; ૧ પીત. ૨:૨.
૧૨. શ્રદ્ધાને લીધે આપણે શું કરવા પ્રેરાઈએ છીએ?
૧૨ આપણે કાર્યોથી બતાવતા રહેવાની જરૂર છે કે આપણને યહોવાના વચનોમાં અડગ શ્રદ્ધા છે. દાખલા તરીકે, આપણે લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવીએ છીએ અને ઈસુને પગલે ચાલવા મદદ કરીએ છીએ. આપણે “સર્વનું અને ખાસ કરીને જેઓ શ્રદ્ધામાં આપણા ભાઈ-બહેનો છે તેઓનું ભલું કરીએ” છીએ. (ગલા. ૬:૧૦) વધુમાં, “જૂના સ્વભાવને એની આદતો સાથે ઉતારી” નાખવા આપણે સખત મહેનત કરીએ છીએ. યહોવા સાથેની મિત્રતામાં તિરાડ પાડે એવા દરેક જોખમથી આપણે દૂર રહીએ છીએ.—કોલો. ૩:૫, ૮-૧૦.
શ્રદ્ધા, મજબૂત પાયાનો એક ભાગ
૧૩. “ઈશ્વરમાં શ્રદ્ધા” હોવી કેટલી જરૂરી છે? બાઇબલ એને કઈ રીતે વર્ણવે છે અને શા માટે?
૧૩ બાઇબલ કહે છે: “શ્રદ્ધા વગર ઈશ્વરને ખુશ કરવા અશક્ય છે. અને જે કોઈ ઈશ્વરને ભજવા તેમની આગળ જાય છે, તેને ભરોસો હોવો જોઈએ કે ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે અને તેમને દિલથી શોધનારાઓને તે ઇનામ આપે છે.” (હિબ્રૂ. ૧૧:૬, ફૂટનોટ) બાઇબલમાં શ્રદ્ધાને મજબૂત ‘પાયાʼના એક ભાગ તરીકે વર્ણવવામાં આવી છે, જે એક વ્યક્તિને યહોવાના સાચા સેવક બનવા અને તેમના માર્ગમાં ટકી રહેવા મદદ કરે છે. (હિબ્રૂ. ૬:૧) પરંતુ, યહોવા સાથે મિત્રતા બાંધવા અને એને જાળવી રાખવા, શ્રદ્ધા સિવાય પણ બીજા ગુણો કેળવવા જરૂરી છે.—૨ પીતર ૧:૫-૭ વાંચો; યહુ. ૨૦, ૨૧.
૧૪, ૧૫. પ્રેમના ગુણની સરખામણીએ શ્રદ્ધા હોવી કેટલી મહત્ત્વની છે?
૧૪ બાઇબલ લેખકોએ સૌથી વધુ વખત શ્રદ્ધાના ગુણનો ઉલ્લેખ કર્યો છે. તો શું એનો એવો અર્થ થાય કે શ્રદ્ધાનો ગુણ સૌથી મહત્ત્વનો છે?
૧૫ પાઊલે શ્રદ્ધાના ગુણને પ્રેમના ગુણ સાથે સરખાવ્યો. તેમણે જણાવ્યું: “જો પર્વતો ખસેડી શકું એટલી મારામાં શ્રદ્ધા હોય પણ પ્રેમ ન હોય, તો હું કંઈ જ નથી.” (૧ કોરીં. ૧૩:૨) ઈસુએ કહ્યું હતું કે ઈશ્વર માટે પ્રેમ રાખવો એ “નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા” છે. (માથ. ૨૨:૩૫-૪૦) પ્રેમ આપણને એવા ગુણો કેળવવા મદદ કરે છે, જેનાથી યહોવા ખુશ થાય છે. દાખલા તરીકે, બાઇબલ જણાવે છે કે પ્રેમ “બધામાં ભરોસો રાખે છે.” હા, જો પ્રેમ હશે તો યહોવાએ બાઇબલમાં જણાવેલી દરેક વાત પર આપણે ભરોસો બતાવી શકીશું.—૧ કોરીં. ૧૩:૪, ૭.
૧૬, ૧૭. પ્રેમ અને શ્રદ્ધા વિશે બાઇબલ શું જણાવે છે? એમાંથી કયો ગુણ વધારે મહત્ત્વનો છે અને શા માટે?
૧૬ શ્રદ્ધા અને પ્રેમના ગુણો ખૂબ જ મહત્ત્વના છે, અને બાઇબલ લેખકોએ ઘણી વાર એનો ઉલ્લેખ સાથે-સાથે કર્યો છે. પાઊલે સાથી ભાઈ-બહેનોને “શ્રદ્ધા અને પ્રેમનું બખતર” પહેરવા ઉત્તેજન આપ્યું. (૧ થેસ્સા. ૫:૮) પીતરે ઈસુ વિશે આમ લખ્યું: “તમે ખ્રિસ્તને કદી જોયા નથી, છતાં તેમને પ્રેમ કરો છો. ભલે તમે તેમને હમણાં જોતા નથી, છતાં તેમનામાં શ્રદ્ધા મૂકો છો.” (૧ પીત. ૧:૮) યાકૂબે અભિષિક્તોને સવાલ પૂછ્યો: “દુનિયાની નજરે ગરીબ છે, તેઓને શું ઈશ્વરે પસંદ કર્યા નથી, જેથી તેઓ શ્રદ્ધામાં ધનવાન થાય અને રાજ્યના વારસ બને? એ વચન ઈશ્વરે તેમના પર પ્રેમ રાખનારાને આપ્યું છે.” (યાકૂ. ૨:૫) યોહાને જણાવ્યું કે, “તેમની [ઈશ્વરની] આજ્ઞા આ છે: આપણે તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં શ્રદ્ધા રાખીએ અને તેમણે આપણને આજ્ઞા આપી તેમ, એકબીજાને પ્રેમ કરીએ.”—૧ યોહા. ૩:૨૩.
૧૭ પરંતુ, પાઊલે એમ પણ જણાવ્યું: “હવે શ્રદ્ધા, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે. પણ, એ બધામાં પ્રેમ સૌથી ઉત્તમ છે.” (૧ કોરીં. ૧૩:૧૩) શા માટે એમ કહી શકાય? કારણ કે, થોડા જ સમયમાં યહોવાએ સુંદર પૃથ્વી માટે જે વચનો આપ્યાં છે, એ પૂરાં થઈ ચૂક્યાં હશે. જો વચનો પૂરાં થઈ ગયાં હશે, તો એમાં શ્રદ્ધા રાખવાની જરૂર પડશે? ના. પરંતુ, એ સમયે પણ યહોવા અને તેમના લોકો પ્રત્યે પ્રેમ રાખવો જરૂરી હશે. ખરેખર તો, તેઓ માટેનો આપણો પ્રેમ વધતો ને વધતો જ જશે.
યહોવાના લોકોની શ્રદ્ધા અજોડ છે
૧૮, ૧૯. યહોવાના લોકોએ બતાવેલી શ્રદ્ધાને લીધે આજે શું શક્ય બન્યું છે? બધો મહિમા કોને જવો જોઈએ?
૧૮ આજે, યહોવાના લોકોને તેમના રાજ્યમાં પૂરો ભરોસો છે અને એને ટેકો આપે છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે. કારણ કે, તેઓ ઈશ્વરની શક્તિના માર્ગદર્શન મુજબ પોતાનું જીવન જીવે છે. (ગલા. ૫:૨૨, ૨૩) એનું કેવું પરિણામ આવ્યું છે? દુનિયા ફરતે ૮૦ લાખથી વધુ ભાઈ-બહેનો પોતાનાં મંડળોમાં સંપ અને શાંતિમાં રહે છે. ખરેખર, પ્રેમ અને એકતાના ગુણો કેટલા મહાન છે!
૧૯ એવી અજોડ એકતા યહોવાની મદદથી જ શક્ય બની છે. તેથી, બધો મહિમા યહોવાને જ જવો જોઈએ. (યશા. ૫૫:૧૩) યહોવાએ આપણા માટે ‘શ્રદ્ધાથી ઉદ્ધાર મેળવવો’ શક્ય બનાવ્યો છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ! (એફે. ૨:૮) યહોવા બીજા અનેક લોકોને પણ તેમના પર શ્રદ્ધા કેળવવા મદદ કરતા રહેશે. પછી, આખી દુનિયા સંપૂર્ણ, નેકદિલ અને સુખી લોકોથી ભરાઈ જશે! તેઓ યુગોના યુગો યહોવાના ગુણગાન ગાતા રહેશે!