ખરી સંપત્તિ ભેગી કરો
“તમે આ બેઇમાન દુનિયાની સંપત્તિ વડે તમારા માટે મિત્રો બનાવી લો.”—લુક ૧૬:૯.
૧, ૨. આ દુનિયામાં શા માટે હંમેશાં ગરીબો હશે?
આજે વેપાર-ધંધાની દુનિયા સ્વાર્થી છે અને લોકોનો ગેરલાભ ઉઠાવે છે. દાખલા તરીકે, ઘણા યુવાનો માટે નોકરી મેળવવી ઘણું અઘરું છે. કેટલાક લોકો અમીર દેશોમાં જવા પોતાનું જીવન જોખમમાં નાંખે છે. અરે, અમીર દેશોમાં પણ ગરીબોની સંખ્યા ઘણી છે. દુનિયા ફરતે અમીરો વધારે અમીર થતા જાય છે અને ગરીબો વધારે ગરીબ. તાજેતરમાં થયેલા અનુમાન મુજબ, દુનિયાની વસ્તીના ૧ ટકા લોકો એટલા ધનવાન છે કે, તેઓની સંપત્તિ બાકીના ૯૯ ટકા લોકોની સંપત્તિ બરાબર છે. સ્પષ્ટ છે કે અમુક લોકો પાસે પેઢીઓની પેઢીઓ ચાલે એટલા પૈસા છે તો, બીજી બાજુ કરોડો લોકો એકદમ ગરીબ છે. ઈસુએ એ વિશે જણાવ્યું હતું: “ગરીબો તો હંમેશાં તમારી સાથે છે.” (માર્ક ૧૪:૭) અમીરી અને ગરીબી વચ્ચે આટલી મોટી ખાઈ કેમ?
૨ ઈસુ જાણતા હતા કે વેપાર-ધંધાની દુનિયાને ફક્ત ઈશ્વરનું રાજ્ય બદલી શકે છે. બાઇબલ જણાવે છે, “વેપારીઓ” એટલે કે વાણિજ્ય જગત તથા ધાર્મિક અને રાજકીય સંગઠનો શેતાનની દુનિયાનો ભાગ છે. (પ્રકટી. ૧૮:૩) ઈશ્વરના ભક્તો રાજકારણ અને જૂઠા ધર્મોથી પોતાને એકદમ અલગ રાખી શક્યા છે. જોકે, ઈશ્વરના મોટાભાગનાં ભક્તો વેપાર-ધંધાની આ દુનિયાથી પોતાને સાવ અલગ કરી દે, એ શક્ય નથી.
૩. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ આ દુનિયાનાં વેપાર-ધંધા અને સંપત્તિ પ્રત્યે આપણું વલણ કેવું છે, એની તપાસ કરતા રહેવું જરૂરી છે. એ માટે આપણે પોતાને પૂછી શકીએ: “ઈશ્વર પ્રત્યેની વફાદારી સાબિત કરવા હું કઈ રીતે મારી ધન-સંપત્તિનો ઉપયોગ કરી શકું? આ દુનિયાની મોહમાયાથી હું કેવી રીતે પોતાને બચાવી શકું? આજના કયા અનુભવો બતાવે છે કે, ઈશ્વરભક્તોને યહોવા પર પૂરો ભરોસો છે?”
બેઇમાન કારભારીની વાર્તા
૪, ૫. (ક) ઈસુએ કહેલી વાર્તામાં કારભારી સાથે શું થાય છે? (ખ) ઈસુએ પોતાના શિષ્યોને શું કરવાનું કહ્યું?
૪ લુક ૧૬:૧-૯ વાંચો. બેઇમાન કારભારી વિશે ઈસુએ કહેલી વાર્તા આપણને વિચારતા કરી દે એવી છે. કારભારી પર વસ્તુઓ વેડફી દેવાનો આરોપ હતો. એટલે, તેના માલિકે તેને કાઢી મૂકવાનો નિર્ણય લીધો.a પણ, તે કારભારી “હોશિયારીથી વર્ત્યો.” માલિક તેને કાઢી મૂકે એ પહેલાં, તેણે એવા લોકો સાથે મિત્રતા કરી લીધી, જેઓ તેને પછીથી મદદ કરી શકે. ઈસુએ પોતાના શિષ્યોને એ વાર્તા શા માટે કહી? એટલે નહિ કે, તેમના શિષ્યો આ દુનિયામાં ટકી રહેવા ગમે એવા કાવાદાવા અજમાવે. એવું તો દુનિયાના લોકો કરે છે. પણ, ઈસુ એ વાર્તા દ્વારા શિષ્યોને મહત્ત્વનો બોધપાઠ શીખવવા ચાહતા હતા.
૫ કારભારી અચાનક મુશ્કેલ સંજોગોમાં આવી પડ્યો. ઈસુ જાણતા હતા કે, તેમના મોટાભાગના શિષ્યો માટે પણ અન્યાયી દુનિયામાં જીવવું ઘણું અઘરું થઈ પડશે. એટલે, ઈસુએ તેઓને કહ્યું: “બેઇમાન દુનિયાની સંપત્તિ વડે તમારા માટે મિત્રો બનાવી લો.” શા માટે? જેથી, જ્યારે સંપત્તિ જતી રહે, ત્યારે એ મિત્રો એટલે કે, યહોવા અને ઈસુ “હંમેશ માટેનાં ઘરોમાં તમારો આવકાર કરે.” ઈસુની સલાહમાંથી આપણે શું શીખી શકીએ?
૬. આપણે શા માટે કહી શકીએ કે, આજના વેપાર-ધંધા યહોવાના હેતુનો ભાગ નથી?
૬ ઈસુએ સંપત્તિને “બેઇમાન દુનિયાની” સંપત્તિ કહી. તેમણે એનું કારણ સમજાવ્યું ન હતું. પણ બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે, આ દુનિયાના વેપાર-ધંધા યહોવાના હેતુનો ભાગ નથી. દાખલા તરીકે, યહોવાએ એદન બાગમાં આદમ-હવાને તેઓની જરૂરિયાત કરતાં અનેક ગણું વધારે આપ્યું હતું. (ઉત. ૨:૧૫, ૧૬) પછીથી, પ્રથમ સદીમાં જ્યારે અભિષિક્તો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી, ત્યારે “તેઓમાંથી કોઈ પણ એમ ન કહેતું કે તેની પાસે જે વસ્તુઓ છે એ તેની પોતાની છે, કેમ કે તેઓ બધું એકબીજા સાથે વહેંચતા હતા.” (પ્રે.કા. ૪:૩૨) પ્રબોધક યશાયાએ ભાખ્યું હતું કે, ભાવિમાં બધા મનુષ્યો ધરતીની દરેક ઊપજનો પૂરો આનંદ ઉઠાવશે. (યશા. ૨૫:૬-૯; ૬૫:૨૧, ૨૨) પણ એ સમય આવે ત્યાં સુધી, ઈસુના અનુયાયીઓએ “હોશિયારીથી” વર્તવાની જરૂર છે. આ દુનિયાની સંપત્તિની મદદથી તેઓએ ગુજરાન તો ચલાવવાનું છે, પણ યહોવાના નિયમોમાં કોઈ તડજોડ નથી કરવાની.
બેઇમાન દુનિયાની સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરો
૭. લુક ૧૬:૧૦-૧૩માં ઈસુએ કઈ સલાહ આપી હતી?
૭ લુક ૧૬:૧૦-૧૩ વાંચો. ઈસુએ જણાવેલી વાર્તામાં કારભારી મિત્રો બનાવે છે, જેથી તેને ફાયદો થાય. જોકે, ઈસુ ચાહતા હતા કે તેમના અનુયાયીઓ કોઈ સ્વાર્થ વગર સ્વર્ગમાં મિત્રો બનાવે. તે સમજાવવા માંગતા હતા કે, આપણે સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરીએ. કેમ કે, એનાથી દેખાઈ આવશે કે આપણે ઈશ્વરને વફાદાર છીએ કે નહિ. આપણે કઈ રીતે પોતાની વફાદારી સાબિત કરી શકીએ?
૮, ૯. અમુકે કઈ રીતે સંપત્તિના ઉપયોગમાં વફાદારી બતાવી છે? દાખલા આપો.
૮ આપણે યહોવાને વફાદાર છીએ, એ સાબિત કરવાની એક રીત છે કે, પોતાની સંપત્તિનો ઉપયોગ દુનિયાભરમાં ચાલી રહેલા પ્રચારકામ માટે કરીએ. ઈસુએ એ કામ વિશે અગાઉથી જણાવ્યું હતું. (માથ. ૨૪:૧૪) ચાલો, અમુક અનુભવો જોઈએ. ભારતમાં એક નાની છોકરીએ ગલ્લો રાખ્યો હતો. તે એમાં સિક્કા નાખતી ગઈ. બચત કરવા તેણે પોતાની માટે એકેય રમકડું ન ખરીદ્યું. ગલ્લો ભરાઈ ગયો ત્યારે, તેણે બધા પૈસા પ્રચારકામ માટે દાન કરી દીધા. ભારતમાં રહેતા એક ભાઈ પાસે નારિયેળની વાડી છે. તેમણે મલયાલમ ભાષાંતર કેન્દ્રમાં ઘણાં નારિયેળ દાન તરીકે આપ્યાં. ભાષાંતર કેન્દ્રને નારિયેળની જરૂર હોય છે. એટલે, ભાઈને થયું કે પૈસા આપવા કરતાં નારિયેળ દાન તરીકે આપવું વધારે સારું રહેશે. એ ભાઈ અને બહેન “હોશિયારીથી” વર્ત્યા કહેવાય. એવી જ રીતે, ગ્રીસના ભાઈઓ નિયમિત રીતે બેથેલ કુટુંબને જૈતુન તેલ, ચીઝ અને બીજી ખાદ્ય સામગ્રી આપે છે.
૯ શ્રીલંકામાં એક ભાઈએ સભાઓ અને સંમેલનો માટે પોતાની જમીન આપી છે અને પૂરા સમયના સેવકો માટે ઘર આપ્યું છે. ખરું કે એનાથી એ ભાઈને પૈસેટકે ફાયદો થતો નથી, પણ ત્યાંના ગરીબ પ્રકાશકોને મોટી મદદ મળે છે. અમુક દેશોમાં આપણે છૂટથી ભક્તિ નથી કરી શકતા. એવા દેશોમાં ભાઈઓ પોતાના ઘરમાં સભાઓ ભરે છે. આમ, સભાઓ માટેનો ખર્ચો પાયોનિયરો અને બીજા ગરીબ પ્રકાશકો પર આવતો નથી.
૧૦. ઉદાર બનવાના અમુક ફાયદા કયા છે?
૧૦ આ અનુભવો બતાવે છે કે, યહોવાના ભક્તો ‘થોડામાં પણ વિશ્વાસુ છે.’ (લુક ૧૬:૧૦) તેઓ પોતાની માલ-મિલકતનો ઉપયોગ બીજાઓના લાભ માટે કરે છે. ઈશ્વરના એ મિત્રોને એવો ત્યાગ આપીને કેવું લાગે છે? ઉદારતા બતાવીને તેઓ સ્વર્ગમાં “ખરી સંપત્તિ” ભેગી કરી રહ્યા છે, એ માટે તેઓ ખૂબ ખુશ છે. (લુક ૧૬:૧૧) એક બહેન નિયમિત રીતે રાજ્યનાં કામો માટે પ્રદાન આપે છે. તેમનાં ઉદાર વલણને લીધે તેમનામાં એક અદ્ભુત ફેરફાર થયો છે. બહેન જણાવે છે: ‘વધારે ઉદાર બનવાને લીધે લોકો પ્રત્યેના મારા વલણમાં બદલાણ આવ્યું છે. હું ઉદારતાથી લોકોને માફ કરું છું, ધીરજ બતાવું છું તેમજ સલાહ અને નિષ્ફળતાને મોટું મન રાખીને સ્વીકારી લઉં છું.’ બીજા અનેક લોકોને પણ ઉદાર બનવાથી વ્યક્તિગત રીતે ફાયદા થયા છે.—ગીત. ૧૧૨:૫; નીતિ. ૨૨:૯.
૧૧. (ક) આપણી ઉદારતામાં આપણી સમજદારી કઈ રીતે દેખાઈ આવે છે? (ખ) આજે યહોવાનું સંગઠન કયું કામ કરી રહ્યું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૧ બીજાઓને સેવાકાર્યમાં મદદ કરવા આપણે ઉદારતાથી સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, “હોશિયારી” કે સમજદારીથી વર્તીએ છીએ. આમ, પૂરા સમયની સેવા કે વધુ જરૂર છે ત્યાં જઈને સેવા ન કરી શકીએ, તોપણ બીજાઓને મદદ કરી શકીએ છીએ. (નીતિ. ૧૯:૧૭) દાખલા તરીકે, અમુક ગરીબ વિસ્તારોમાંથી અનેક લોકો સત્યમાં આવી રહ્યા છે. આપણાં દાનોથી ત્યાં સાહિત્ય પહોંચાડવા અને પ્રચારકામને ટેકો આપવા મદદ મળે છે. કોંગો, માડાગાસ્કર અને રુવાન્ડા જેવા દેશોમાં વર્ષોથી બાઇબલ ખૂબ મોંઘા છે. અમુક વાર, એક બાઇબલની કિંમત અઠવાડિયા કે મહિનાની મજૂરી જેટલી હોય છે. ઘણી વાર ભાઈઓએ પસંદગી કરવી પડે છે કે, તેઓ બાઇબલ ખરીદે કે કુટુંબ માટે ખોરાક. પણ હવે, લોકોના દાનો અને એનો “સમાનતા”થી ઉપયોગ કરવાને લીધે યહોવાનું સંગઠન બાઇબલ ભાષાંતર અને એનું વિતરણ આસાનીથી કરી શકે છે. તેઓ કુટુંબના દરેક સભ્યને તેમજ બાઇબલ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે બાઇબલ આપી શકે છે. (૨ કોરીંથીઓ ૮:૧૩-૧૫ વાંચો.) આમ, આપનાર તેમજ મેળવનાર બંને યહોવાના મિત્રો બની શકે છે.
દુનિયાની મોહમાયામાં ડૂબી ન જઈએ
૧૨. ઈબ્રાહીમે કઈ રીતે બતાવ્યું કે તેમને ઈશ્વરમાં ભરોસો હતો?
૧૨ આપણે પણ યહોવાના મિત્ર બની શકીએ છીએ. એ માટે દુનિયાની મોહમાયાથી પોતાને બચાવીએ અને “ખરી સંપત્તિ” ભેગી કરીએ. ઈશ્વરભક્ત ઈબ્રાહીમે એવું જ કર્યું હતું. તેમણે યહોવાની આજ્ઞા માની અને અમીર શહેર ઉર છોડીને તંબુઓમાં રહ્યા. શા માટે? કારણ કે, તે યહોવાના મિત્ર બનવા માંગતા હતા. (હિબ્રૂ. ૧૧:૮-૧૦) તેમણે પોતાની સંપત્તિ પર નહિ, પણ હંમેશાં યહોવા પર ભરોસો રાખ્યો. (ઉત. ૧૪:૨૨, ૨૩) ઈસુએ એવી અડગ શ્રદ્ધા રાખવા લોકોને ઉત્તેજન આપ્યું હતું. તેમણે એક અમીર યુવકને કહ્યું: “જો તું સંપૂર્ણ થવા ચાહતો હોય, તો જઈને તારી બધી માલમિલકત વેચી દે, ગરીબોને આપી દે અને સ્વર્ગમાં તને ખજાનો મળશે; અને આવ, મારો શિષ્ય બન.” (માથ. ૧૯:૨૧) એ યુવકમાં ઈબ્રાહીમ જેવી શ્રદ્ધા ન હતી. પરંતુ, ઘણા વફાદાર ભક્તોએ ઈશ્વરમાં ભરોસો બતાવ્યો છે.
૧૩. (ક) તિમોથીને પાઊલે કઈ સલાહ આપી? (ખ) આપણે આજે પાઊલની સલાહને કઈ રીતે લાગુ પાડી શકીએ?
૧૩ તિમોથીને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા હતી. પાઊલે તેમને “ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક” તરીકે સંબોધ્યા. પછી પાઊલે કહ્યું: “સૈનિક પોતાને ભરતી કરનારને ખુશ કરવા ચાહતો હોવાથી, કોઈ પણ વેપાર-ધંધામાં પડતો નથી.” (૨ તિમો. ૨:૩, ૪) આજે, ઈસુના અનુયાયીઓમાં દસ લાખથી વધુ ભાઈ-બહેનો પૂરા સમયના સેવકો છે. તેઓ પાઊલની સલાહ લાગુ પાળવા બનતું બધું કરે છે. વેપાર જગતની લલચાવનારી જાહેરાતોથી તેઓ અંજાઈ જતા નથી. તેઓ આ સિદ્ધાંત યાદ રાખે છે: “દેણદાર લેણદારનો દાસ છે.” (નીતિ. ૨૨:૭) શેતાન ચાહે છે કે, આપણે પોતાનાં સમય-શક્તિ દુનિયાની મોહમાયામાં વેડફી નાખીએ. અમુક લોકો ગાડી-બંગલા, ભણતર, અરે લગ્ન માટે પણ મોટી-મોટી લોન લેતા હોય છે. જો કાળજી નહિ રાખીએ, તો વર્ષોનાં વર્ષો દેવામાં જ ડૂબેલા રહીશું. તો આપણે કઈ રીતે સમજદારી બતાવી શકીએ? જીવન સાદું રાખીને, દેવું ન કરીને અને બિનજરૂરી ખર્ચા ટાળીને. આમ, આપણે શેતાનની દુનિયાના ગુલામ નહિ બનીએ, પણ પૂરી આઝાદીથી યહોવાની સેવા કરી શકીશું.—૧ તિમો. ૬:૧૦.
૧૪. આપણે શું કરવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ? દાખલા આપો.
૧૪ ઈશ્વરના રાજ્યને પ્રથમ સ્થાને મૂકીશું તો જ જીવન સાદું રાખી શકીશું. એક યુગલનો દાખલો જોઈએ. તેઓ પાસે મોટો વેપાર-ધંધો હતો અને એ ધમધોકાર ચાલતો હતો. પણ તેઓ ફરીથી પૂરા સમયની સેવામાં જોડાવા માંગતા હતા. એટલે, તેઓએ પોતાનો ધંધો, મોટરબોટ અને બીજી ચીજવસ્તુઓ વેચી દીધાં. પછી, સ્વયંસેવકો તરીકે તેઓ ન્યૂ યૉર્કના વૉરવિકમાં મુખ્યમથક બાંધકામમાં મદદ કરવાં ગયાં. તેઓ માટે એ અનેરો લહાવો હતો. કારણ કે, એ બેથેલમાં તેમની દીકરી અને જમાઈ સેવા આપતાં હતાં. ઉપરાંત, ભાઈનાં માતાપિતા શાખા બાંધકામમાં મદદ કરતાં હતાં. તેઓને માતાપિતા સાથે પણ થોડાં અઠવાડિયાં કામ કરવાની તક મળી. બીજો એક અનુભવ જોઈએ. અમેરિકાના કૉલરાડોમાં રહેતાં એક પાયોનિયર બહેનને બૅંકમાં પાર્ટ-ટાઇમ નોકરી મળી. તેમનું કામ એટલું સરસ હતું કે તેમને પૂરા સમયની નોકરી અને ત્રણ ગણા પગારનો પ્રસ્તાવ મળ્યો. પણ એ નોકરીને લીધે પ્રચારકામ પર ધ્યાન આપવું બહેન માટે અઘરું હતું. એટલે તેમણે એ લોભામણો પ્રસ્તાવ જતો કર્યો. યહોવાના સેવકોએ આપેલાં બલિદાનોમાંથી આ તો અમુક જ કિસ્સાઓ છે. આપણે ઈશ્વરના રાજ્યને પ્રથમ સ્થાને રાખવાની મનમાં ગાંઠ વાળવી જોઈએ. આમ કરીને બતાવીશું કે માલ-મિલકત કરતાં આપણને યહોવા સાથેની મિત્રતા અને ખરી સંપત્તિ વધુ વહાલી છે.
દુનિયાની સંપત્તિ નકામી બને ત્યારે
૧૫. સૌથી વધારે ખુશી શાનાથી મળે છે?
૧૫ માલમિલકત હોવાનો એવો અર્થ થતો નથી કે યહોવા આપણા પર પ્રસન્ન છે. પણ જેઓ ‘સારાં કામો કરતા થાકતા નથી,’ તેઓને યહોવા આશીર્વાદ આપે છે. (૧ તિમોથી ૬:૧૭-૧૯ વાંચો.) દાખલા તરીકે, બહેન લુસિયાને જાણવા મળ્યું કે આલ્બેનિયામાં પ્રચારકોની જરૂર છે.b વર્ષ ૧૯૯૩માં તે ઇટાલી છોડીને આલ્બેનિયા ગયાં. ત્યાં તેમની પાસે કોઈ નોકરી ન હતી, પણ તેમને ભરોસો હતો કે યહોવા પૂરું પાડશે. તે આલ્બેનિયન ભાષા શીખ્યાં અને ૬૦થી વધુ લોકોને બાપ્તિસ્મા લેવા તેમણે મદદ કરી. કદાચ આપણને પ્રચારકામમાં એવી સફળતા ન મળે. પણ બીજાઓ યહોવા વિશે શીખી શકે અને તેમના મિત્ર બની શકે, એ માટે આપણે જે કંઈ કરીએ છીએ, એ અનમોલ છે.—માથ. ૬:૨૦.
૧૬. (ક) આજના વેપાર-ધંધાનું શું થશે? (ખ) એનાથી સંપત્તિ પ્રત્યેના આપણા વલણમાં કેવો ફેરફાર થવો જોઈએ?
૧૬ ઈસુએ કહ્યું હતું: “સંપત્તિ પૂરી થઈ જાય ત્યારે,” એમ કહ્યું ન હતું કે ‘જો સંપત્તિ પૂરી થઈ જાય તો.’ (લુક ૧૬:૯) ઈસુના એ શબ્દો સ્પષ્ટ બતાવે છે કે, આજનું વેપાર જગત ચોક્કસ પડી ભાંગશે. આ છેલ્લા દિવસોમાં, અમુક બૅંકનું દેવાળું ફૂંકાઈ ગયું છે અને અનેક દેશો કંગાળ થઈ ગયા છે. નજીકના ભાવિમાં સંજોગો હજી કપરા બનશે. શેતાનની દુનિયાનાં રાજકીય અને ધાર્મિક સંગઠનો તેમજ વેપાર જગત નિષ્ફળ જશે. પ્રબોધક હઝકીએલ અને સફાન્યાએ ભાખ્યું હતું કે, સોનાં-ચાંદી નકામાં બની જશે, જે આજના વેપાર જગતનો મહત્ત્વનો પાયો છે. (હઝકી. ૭:૧૯; સફા. ૧:૧૮) જરા વિચારો, જીવનના અંતે જો ખ્યાલ આવે કે આ બેઇમાન દુનિયાની સંપત્તિ માટે આપણે ખરી સંપત્તિ જતી કરી છે, તો કેવું લાગશે? આપણા હાલ એ માણસ જેવા થશે જેણે આજીવન પૈસા બનાવ્યા, પણ અંતે જાણ થઈ કે એ પૈસા નકલી છે. (નીતિ. ૧૮:૧૧) આ દુનિયાની સંપત્તિ નકામી થઈ જશે. તેથી, એ સંપત્તિનો ઉપયોગ કરીને સ્વર્ગમાં મિત્રતા બાંધવાની તક ન ગુમાવશો. આપણે યહોવા અને તેમના રાજ્ય માટે જે કરીએ છીએ, એ જ સાચી ખુશી આપશે.
૧૭, ૧૮. યહોવાના મિત્રોને ભાવિમાં કેવા આશીર્વાદો મળવાના છે?
૧૭ ઈશ્વરના રાજ્યમાં ઘરનું ભાડું ભરવાની કે લોન ચૂકવવાની ચિંતા નહિ રહે. ડોક્ટર કે દવાઓની જરૂર નહિ પડે. વિનામૂલ્યે ભરપૂર ખોરાક મળશે. યહોવાના મિત્રો ધરતીની ઊપજનો પૂરો આનંદ ઉઠાવશે. સોનાં-ચાંદી અને કીમતી રત્નો વ્યક્તિને ધનવાન બનાવવા નહિ, પણ સુંદર દેખાવા માટે વપરાશે. સુંદર ઘરો બાંધવા માટે ઉત્તમ ગુણવત્તાનાં લાકડાં, પથ્થર અને ધાતુ સહેલાઈથી મળી રહેશે. આપણા દોસ્તો કંઈ મેળવવાની આશા રાખ્યા વગર આપણને ઘરો બાંધવા ખુશીથી મદદ કરશે. પૃથ્વી પરનું બધું જ આપણે એકબીજા સાથે વહેંચીને વાપરીશું.
૧૮ જેઓ સ્વર્ગમાં મિત્રો બનાવે છે, તેઓને મળનાર આશીર્વાદોના ગુલદસ્તાનું આ તો બસ એક જ ફૂલ છે. યહોવાના પૃથ્વી પરના ભક્તો ઈસુના આ શબ્દો સાંભળીને ઝૂમી ઊઠશે: “મારા પિતાથી આશીર્વાદ પામેલા લોકો, આવો, દુનિયાનો પાયો નંખાયો ત્યારથી તમારા માટે તૈયાર કરેલા રાજ્યનો વારસો લો.”—માથ. ૨૫:૩૪.
a ઈસુએ જણાવ્યું ન હતું કે, આરોપ સાચો હતો કે નહિ. હકીકતમાં, લુક ૧૬:૧માં “આરોપ” શબ્દનો અર્થ એમ પણ થઈ શકે કે, કોઈકે કારભારી પર વસ્તુ વેડફી દેવાનો જૂઠો આરોપ લગાવ્યો હતો. જોકે, નોકરી છૂટી જવાના કારણ પર નહિ, પણ કારભારીએ શું કર્યું, એના પર ઈસુએ ધ્યાન દોર્યું.
b લુસિયા મૌસ્સાનેટની જીવન સફર વાંચવા જૂન ૨૨, ૨૦૦૩ અંગ્રેજી સજાગ બનો! પાન ૧૮-૨૨ જુઓ.