સંયમનો ગુણ કેળવો
‘પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતો ગુણ સંયમ છે.’—ગલા. ૫:૨૨, ૨૩.
૧, ૨. (ક) સંયમની ખામીને લીધે કેવું પરિણામ આવી શકે છે? (ખ) આપણા સમયમાં આ ગુણની ચર્ચા કરવી શા માટે જરૂરી છે?
સંયમનો ગુણ કેળવવા ઈશ્વર યહોવા આપણને મદદ કરી શકે છે. (ગલા. ૫:૨૨, ૨૩) સંયમ બતાવવામાં યહોવાએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. પણ આપણે અપૂર્ણ હોવાથી તેમના જેવો સંયમ બતાવી શકતા નથી. હકીકતમાં, મનુષ્યોની અનેક મુશ્કેલીઓનું કારણ સંયમની ખામી છે. એના લીધે કદાચ વ્યક્તિ મહત્ત્વની બાબતો કરવામાં ઢીલ કરે છે. અથવા સ્કૂલે કે કામના સ્થળે સારું પરિણામ લાવી શકતી નથી. સંયમની ખામી આપણને ખરાબ બાબતો તરફ લઈ જાય છે. જેમ કે, કડવા વેણ, દારૂડિયાપણું, હિંસા, છૂટાછેડા, દેવું, ખોટી લત, જેલ, નિરાશા, જાતીય રોગો અને બિનજરૂરી ગર્ભ.—ગીત. ૩૪:૧૧-૧૪.
૨ સંયમની ખામીને લીધે લોકો પોતાના માટે જ નહિ, બીજાઓ માટે પણ મુશ્કેલીઓ નોતરે છે. દિવસે દિવસે લોકોમાં સંયમ ઓછો થઈ રહ્યો છે. જોકે, એનાથી આપણને નવાઈ ન લાગવી જોઈએ. કારણ કે, બાઇબલમાં અગાઉથી જણાવ્યું હતું કે ‘છેલ્લા દિવસોમાં’ લોકો સંયમ વગરના હશે.—૨ તિમો. ૩:૧-૩.
૩. આપણે શા માટે સંયમ રાખવો જોઈએ?
૩ આપણે શા માટે સંયમ રાખવો જોઈએ? એના બે મહત્ત્વનાં કારણો છે. પહેલું, જે લોકો પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકે છે, તેઓના જીવનમાં ઓછી મુશ્કેલીઓ આવે છે. તેઓ માટે બીજાઓ સાથે સારા સંબંધો જાળવવા સહેલું બને છે. તેઓ જલદી ગુસ્સે, ચિંતિત કે હતાશ થતા નથી. બીજું, સંયમનો ગુણ આપણને લાલચોથી દૂર રહેવા અને ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવા મદદ કરે છે. આમ, આપણે ઈશ્વરના મિત્રો બની શકીએ છીએ. એવું કરવામાં આદમ અને હવા નિષ્ફળ ગયાં હતાં. (ઉત. ૩:૬) તેઓની જેમ, આજે ઘણા લોકો ગંભીર મુશ્કેલીઓમાં ફસાય છે, કારણ કે તેઓમાં સંયમની ખામી છે.
૪. ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવું અઘરું લાગે ત્યારે, શું યાદ રાખવાથી ઉત્તેજન મળશે?
૪ યહોવા જાણે છે કે અપૂર્ણ હોવાને લીધે આપણા માટે સંયમ રાખવો અઘરું છે. પરંતુ, ખોટી ઇચ્છાઓ પર કાબૂ રાખવા તે આપણને મદદ કરવા ચાહે છે. (૧ રાજા. ૮:૪૬-૫૦) ઇચ્છાઓને કાબૂમાં રાખવું અઘરું લાગે ત્યારે યાદ રાખો કે, યહોવા એક પ્રેમાળ મિત્રની જેમ ઉત્તેજન આપવા તૈયાર છે. સંયમ રાખવામાં તેમણે સૌથી સારો દાખલો બેસાડ્યો છે, જે વિશે આ લેખમાં શીખીશું. ઉપરાંત, બાઇબલમાંથી સારા અને ખરાબ દાખલાઓ જોઈશું અને અમુક વ્યવહારું સૂચનોની ચર્ચા કરીશું.
યહોવાએ દાખલો બેસાડ્યો છે
૫, ૬. સંયમ રાખવામાં યહોવાએ કેવો દાખલો બેસાડ્યો છે?
૫ યહોવા સંપૂર્ણ છે, એટલે દરેક સંજોગોમાં યોગ્ય રીતે સંયમ બતાવી શકે છે. (પુન. ૩૨:૪) પણ આપણે પાપી હોવાને લીધે તેમની જેમ સંયમ બતાવી શકતા નથી. છતાં, યહોવાના દાખલા પર મનન કરવાથી આપણે સંયમના ગુણને વધુ સારી રીતે સમજી શકીશું. આમ, યહોવાને અનુસરવા મદદ મળશે. ઉપરાંત, કોઈ બાબતે દિલ દુભાય ત્યારે યોગ્ય રીતે વર્તવા મદદ મળશે. ચાલો જોઈએ કે યહોવાએ કેવા સંજોગોમાં સંયમ રાખ્યો હતો.
૬ એદન બાગમાં શેતાને બળવો કર્યો ત્યારે યહોવાના દિલ પર શું વીત્યું હશે, એનો વિચાર કરો. શેતાનના દાવાને લીધે વફાદાર સ્વર્ગદૂતોને આઘાત લાગ્યો હશે, તેઓને ગુસ્સા અને ધિક્કારની લાગણી થઈ હશે. શેતાનને લીધે જે તકલીફો ઊભી થઈ, એ જોઈને તમે પણ એવું જ અનુભવતા હશો. પણ યહોવાએ પોતાની લાગણીઓ પર કાબૂ ગુમાવ્યો નહિ. તેમણે પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો અને સંજોગો ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભર્યાં. (નિર્ગ. ૩૪:૬; અયૂ. ૨:૨-૬) પણ યહોવાએ શા માટે આટલો બધો સમય પસાર થવા દીધો? કારણ કે, તે ચાહતા હતા કે કોઈ મનુષ્યનો નાશ ન થાય “પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.”—૨ પીત. ૩:૯.
૭. યહોવાના દાખલા પરથી શું શીખવા મળે છે?
૭ સારું રહેશે કે આપણે પણ યહોવાની જેમ સમજી-વિચારીને બોલીએ અને પગલાં ભરીએ. મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં વિચાર કરવા સમય કાઢીએ. ડહાપણ માટે પ્રાર્થના કરીએ. (ગીત. ૧૪૧:૩) ગુસ્સામાં કે નિરાશામાં હોઈએ ત્યારે ઉતાવળે પગલાં ન ભરીએ. જો ગમે તેમ બોલી જઈશું તો સમય જતાં, આપણને જ પસ્તાવાનો વારો આવશે.—નીતિ. ૧૪:૨૯; ૧૫:૨૮; ૧૯:૨.
ઈશ્વરભક્તોના સારા અને ખરાબ દાખલા
૮. (ક) સંયમ બતાવ્યો હોય એવા સારા દાખલા ક્યાં જોવા મળે છે? (ખ) પોટીફારની પત્નીના ફાંદાથી બચવા યુસફને ક્યાંથી મદદ મળી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૮ બાઇબલમાં એવા ઘણા દાખલા છે, જે બતાવે છે કે સંયમ રાખવો ખૂબ મહત્ત્વનું છે. યાકૂબના દીકરા યુસફનો વિચાર કરો. તે પોટીફારના ઘરમાં કારભારી હતા, જે ફારુનના અંગરક્ષકોનો ઉપરી હતો. પોટીફારની પત્નીને યુસફ આકર્ષક લાગતા, કારણ કે તે ‘સુંદર તથા રૂપાળા હતા.’ યુસફને પોતાની પ્રેમજાળમાં ફસાવવા તેણે અનેક પ્રયત્નો કર્યા. પણ તેના ફાંદામાંથી બચવા યુસફને ક્યાંથી મદદ મળી? કદાચ તેમણે અગાઉથી વિચાર્યું હશે કે લાલચમાં ફસાવવાના કેવાં ગંભીર પરિણામ આવશે. એટલે પછીથી જ્યારે એ સ્ત્રીએ યુસફનું વસ્ત્ર પકડ્યું, ત્યારે તે ત્યાંથી નાસી ગયા. તેમણે કહ્યું: “એવું મોટું કુકર્મ કરીને, હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં?”—ઉત. ૩૯:૬, ૯; નીતિવચનો ૧:૧૦ વાંચો.
૯. લાલચો ટાળવા તમે કઈ તૈયારી કરી શકો?
૯ યુસફના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? ઈશ્વરનો નિયમ તોડવા માટે આપણને ફોસલાવવામાં આવે ત્યારે, આપણે એ લાલચથી દૂર રહેવું જોઈએ. યહોવાના સાક્ષી બન્યા એ પહેલાં અમુકને વધુ પડતું ખાવું-પીવું, ધૂમ્રપાન કે ડ્રગ્સની લત હશે અથવા વ્યભિચાર કે બીજી મુશ્કેલીઓમાં ફસાયેલા હશે. અરે, બાપ્તિસ્મા પછી પણ એવી ખરાબ ઇચ્છાઓ વિરુદ્ધ સંઘર્ષ ચાલતો રહે છે. જો તમારી સાથે પણ એવું જ બનતું હોય, તો વિચારજો કે લાલચમાં આવી જવાથી યહોવા સાથેના તમારા સંબંધ પર કેવી અસર થશે. અગાઉથી વિચાર કરો કે, કેવા સંજોગોમાં લાલચો ઊભી થઈ શકે અને એને કઈ રીતે ટાળી શકાય. (ગીત. ૨૬:૪, ૫; નીતિ. ૨૨:૩) એવા સંજોગોમાં આવી પડો ત્યારે, લાલચનો સામનો કરવા યહોવા પાસે સમજ-શક્તિ અને સંયમ માંગો.
૧૦, ૧૧. (ક) શાળામાં ભણતા ઘણા યુવાનો સામે કેવી લાલચો આવે છે? (ખ) ઈશ્વરના નિયમો તોડવાની લાલચનો સામનો કરવા યુવાનોને શું મદદ કરી શકે?
૧૦ યુસફની જેમ આજે ઘણા યુવાનોએ લાલચોનો સામનો કરવો પડે છે. ચાલો બહેન કીમનો દાખલો જોઈએ. તેની સાથે ભણતી છોકરીઓ પોતે માણેલા સેક્સ વિશે બડાઈઓ હાંકતી. કીમ પાસે એવી કોઈ વાતો ન હતી. તેણે કબૂલ્યું કે બીજાઓથી અલગ હોવાને લીધે તે ઘણી વાર એકલી પડી જતી. સાથે ભણતા વિદ્યાર્થીઓ કીમને સાવ મૂર્ખ ગણતા, કારણ કે તે ડેટિંગ પણ કરતી ન હતી. જોકે, ડેટિંગ ન કરીને કીમ ખરેખર સમજદારી બતાવતી હતી. તે જાણતી હતી કે યુવાનીમાં જાતીય ઇચ્છાઓ પ્રબળ હોય છે અને એના લીધે તે લાલચમાં ફસાઈ શકે છે. (૨ તિમો. ૨:૨૨) બીજા વિદ્યાર્થીઓ ઘણી વાર તેને પૂછતા: ‘શું તેં ક્યારેય સેક્સ માણ્યું નથી?’ એ સવાલને લીધે કીમને પોતાની માન્યતા સમજાવવાની તક મળી જતી. ગર્વની વાત છે કે આપણી વચ્ચે એવા યુવાનો છે, જેઓ યુસફની જેમ વ્યભિચારથી નાસી જાય છે. તેઓના મક્કમ નિર્ણયથી યહોવાને પણ ગર્વ થાય છે.
૧૧ બાઇબલમાં એવા લોકોના દાખલા પણ છે, જેઓ વ્યભિચારના ફાંદામાં ફસાયા હતા. એ દાખલા બતાવે છે કે સંયમ રાખવામાં ન આવે ત્યારે, ખરાબ પરિણામો ભોગવવા પડે છે. જો તમે પણ કીમના જેવા સંજોગોમાં આવી પડો તો શું કરશો? નીતિવચનો ૭મા અધ્યાયમાં વર્ણન કરેલા મૂર્ખ યુવાનનો વિચાર કરજો. આમ્નોને કરેલા વ્યભિચારનું કેવું ભયાનક પરિણામ આવ્યું હતું, એને પણ યાદ કરજો. (૨ શમૂ. ૧૩:૧, ૨, ૧૦-૧૫, ૨૮-૩૨) એ દાખલાઓ વિશે કુટુંબ તરીકેની ભક્તિમાં ચર્ચા કરીને માતા-પિતા બાળકોને સંયમ અને સમજદારી રાખવાનું શીખવી શકે.
૧૨. (ક) યુસફે કઈ રીતે પોતાની લાગણીને કાબૂમાં રાખી? (ખ) આપણે કેવા સંજોગોમાં લાગણીને કાબૂમાં રાખવાની જરૂર છે?
૧૨ ચાલો, બીજો એક પ્રસંગ જોઈએ જ્યારે યુસફે સંયમ રાખવામાં સારો દાખલો બેસાડ્યો હતો. એ સમયની વાત છે, જ્યારે તેમના ભાઈઓ ઇજિપ્તમાં ખોરાક ખરીદવા આવ્યા હતા. ભાઈઓનો ઇરાદો જાણવા યુસફે પોતાની ઓળખ છૂપી રાખી. પણ જ્યારે તેમનું દિલ ભરાય આવે છે, ત્યારે તે ભાઈઓને મૂકીને જતા રહે છે અને એકાંતમાં જઈને રડી પડે છે. (ઉત. ૪૩:૩૦, ૩૧; ૪૫:૧) મંડળમાં કોઈ ભાઈ કે બહેન તમને માઠું લગાડે ત્યારે યુસફના દાખલાને યાદ રાખો. તેમના જેવો સંયમ રાખવાથી તમે એવું કંઈક કહેવા કે કરવાથી દૂર રહી શકશો, જેનો પછીથી તમને અફસોસ થાય. (નીતિ. ૧૬:૩૨; ૧૭:૨૭) તમારા કોઈ સગા બહિષ્કૃત હોય તો લાગણીઓને કાબૂમાં રાખો, જેથી તેમની સાથે બિનજરૂરી સંગત ટાળી શકો. એમ કરવું અઘરું લાગી શકે. પણ, જો યાદ રાખીશું કે આપણે યહોવાને અનુસરવાનું છે અને તેમની આજ્ઞાઓ પાળવાની છે, તો તેમના માર્ગે ચાલવું સહેલું બનશે.
૧૩. દાઊદના જીવન પરથી આપણે શું શીખી શકીએ?
૧૩ રાજા દાઊદનો દાખલો પણ ઘણું શીખવે છે. જ્યારે શાઊલ અને શિમઇએ દાઊદને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે ગુસ્સે ન થયા અને પોતાની સત્તાનો દુરુપયોગ ન કર્યો. (૧ શમૂ. ૨૬:૯-૧૧; ૨ શમૂ. ૧૬:૫-૧૦) જોકે, અમુક કિસ્સામાં દાઊદ સંયમ ન રાખી શક્યા. તેમણે બાથશેબા સાથે વ્યભિચાર કર્યો. નાબાલના કિસ્સામાં, તે રોષે ભરાયા અને તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો. (૧ શમૂ. ૨૫:૧૦-૧૩; ૨ શમૂ. ૧૧:૨-૪) દાઊદના જીવન પરથી મહત્ત્વનો બોધપાઠ લઈ શકાય. પહેલું, દેખરેખ રાખનાર વડીલોએ સંયમ રાખવો જોઈએ, જેથી પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે. અને બીજું, પોતાના પર વધુ પડતો ભરોસો ન રાખવો જોઈએ. એવું ન વિચારવું જોઈએ કે, “હું તો ક્યારેય લાલચમાં નહિ પડું.”—૧ કોરીં. ૧૦:૧૨.
વ્યવહારું પગલાં ભરો
૧૪. એક ભાઈને કેવો અનુભવ થયો? એવા સંજોગોમાં શા માટે આપણે સંયમ રાખવો જોઈએ?
૧૪ સંયમનો ગુણ કેળવવા તમને શું મદદ કરી શકે? ભાઈ લ્યુજીનો અનુભવ જોઈએ. એક દિવસે, તેમની કાર સાથે પાછળથી બીજી ગાડી અથડાઈ. ભૂલ સામેવાળાની હતી, તોપણ તે લ્યુજી પર બૂમબરાડા પાડવા લાગ્યો. તે લ્યુજી સાથે ઝઘડવા લાગ્યો. સંયમ જાળવવા લ્યુજીએ મનમાં પ્રાર્થના કરી અને પેલા માણસને ઠંડો પાડવાનો પ્રયત્ન કર્યો. પણ, એ માણસ જોરજોરથી બૂમો પાડતો હતો. ભાઈએ તેની પાસેથી વીમા કંપનીની વિગતો લીધી અને ત્યાંથી જતા રહ્યા. છતાં, પેલો માણસ તો રાડારાડ કરતો રહ્યો. એક અઠવાડિયા પછી, લ્યુજી એક સ્ત્રીની ફરી મુલાકાતે ગયા. તમે જાણો છો તેનો પતિ કોણ હતો? પેલો માણસ! તે માણસને ઘણી શરમ આવી અને પોતાના ખરાબ વર્તન માટે માફી માંગી. તેણે ભાઈ પાસેથી વીમા કંપનીની વિગતો લીધી, જેથી ભાઈના કારની મરામત થઈ શકે. એ માણસ બાઇબલ ચર્ચામાં જોડાયો અને તેને એ ખૂબ ગમ્યું. લ્યુજીને અહેસાસ થયો કે પેલા દિવસે શાંત રહીને તેમણે કેટલું સારું કર્યું. જો તેમણે પણ પિત્તો ગુમાવ્યો હોત, તો એનું કેટલું શરમજનક પરિણામ આવ્યું હોત!—૨ કોરીંથીઓ ૬:૩, ૪ વાંચો.
૧૫, ૧૬. તમને અને તમારા કુટુંબને સંયમ કેળવવા બાઇબલ અભ્યાસ કઈ રીતે મદદ કરી શકે?
૧૫ બાઇબલનો નિયમિત અને ઊંડો અભ્યાસ કરવાથી પણ સંયમનો ગુણ કેળવવા મદદ મળી શકે છે. યાદ કરો, યહોવાએ યહોશુઆને કહ્યું હતું: “એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે; કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે.” (યહો. ૧:૮) પણ, સંયમનો ગુણ કેળવવા બાઇબલ અભ્યાસ કઈ રીતે મદદ કરી શકે?
૧૬ આગળ આપણે અમુક દાખલા જોઈ ગયા. એ બતાવે છે કે સંયમ જાળવીશું તો સારું થશે, નહિતર મુશ્કેલીમાં પડીશું. આપણને શીખવવા માટે યહોવાએ એ દાખલા બાઇબલમાં લખાવ્યા છે. (રોમ. ૧૫:૪) એ બનાવો વિશે વાંચન, અભ્યાસ અને મનન કરવાથી મદદ મળશે. વિચારો કે, એ બાબતો તમને અને તમારા કુટુંબને કઈ રીતે લાગુ પડે છે. પછી, શીખેલી વાતોને અમલમાં મૂકવા યહોવા પાસે મદદ માંગો. જો તમને ખ્યાલ આવે કે જીવનના અમુક પાસામાં હજી સંયમ કેળવવાની જરૂર છે, તો એ હકીકતનો સ્વીકાર કરો. એ વિશે પ્રાર્થના કરો. પછી, એમાં સુધારો કરવા મહેનત કરો. (યાકૂ. ૧:૫) વ્યવહારું સૂચનો માટે આપણાં સાહિત્યમાંથી સંશોધન કરો.
૧૭. માતા-પિતા બાળકોને સંયમ કેળવવા કઈ રીતે મદદ કરી શકે?
૧૭ માતા-પિતા, તમે બાળકોને સંયમનો ગુણ કેળવવા કઈ રીતે મદદ કરી શકો? તમે જાણો છો કે બાળકોમાં સંયમનો ગુણ આપોઆપ આવી જતો નથી. તમે સારો દાખલો બેસાડીને બાળકોમાં એ સુંદર ગુણ કેળવી શકો. (એફે. ૬:૪) જો તમારા બાળકમાં સંયમનો અભાવ જોવા મળે, તો વિચારો કે શું તમે પોતે સંયમ રાખવામાં સારો દાખલો બેસાડ્યો છે. પ્રચાર અને સભામાં નિયમિત જઈને તેમજ કુટુંબ તરીકેની ભક્તિ કરીને તમે સારો દાખલો બેસાડી શકો છો. જરૂરી હોય ત્યારે બાળકોને “ના” કહેતા અચકાશો નહિ! યહોવાએ પણ આદમ અને હવા માટે મર્યાદા ઠરાવી હતી. એ મર્યાદાને લીધે તેઓ યહોવાના અધિકારને માન આપવાનું શીખી શકતા હતા. એવી જ રીતે, જરૂરી શિસ્ત આપીને અને સારો દાખલો બેસાડીને, તમે બાળકોને સંયમ કેળવવા મદદ કરી શકો. યહોવાના અધિકાર માટે આદર અને તેમના સિદ્ધાંતો માટે પ્રેમ કેળવવા મદદ કરી શકો. એ તો બાળકો માટે સૌથી અમૂલ્ય ભેટ હશે!—નીતિવચનો ૧:૫, ૭, ૮ વાંચો.
૧૮. આપણે શા માટે સમજી-વિચારીને દોસ્તી કરવી જોઈએ?
૧૮ આપણે બધાએ સમજી-વિચારીને દોસ્તી કરવી જોઈએ. જો તમારા દોસ્તો યહોવાને પ્રેમ કરતા હશે, તો તેઓ સારા ધ્યેયો બાંધવા અને બૂરાઈથી દૂર રહેવા તમને મદદ કરશે. (નીતિ. ૧૩:૨૦) તેઓનો સારો દાખલો તમને સંયમ કેળવવા પ્રેરશે. અને તમારાં સારાં વાણી-વર્તનથી તેઓને પણ ઉત્તેજન મળશે. સંયમ કેળવીશું તો, યહોવાને ખુશ કરી શકીશું, જીવનનો આનંદ માણી શકીશું અને સ્નેહીજનોનું ભલું કરી શકીશું.