અભ્યાસ લેખ ૧૪
યહોવાની સેવામાં બનતું બધું કરીએ!
“ખુશખબર જણાવતો રહેજે, તારું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરજે.”—૨ તિમો. ૪:૫.
ગીત ૧૪૨ દરેકને જણાવ્યે
ઝલકa
૧. બધા ઈશ્વરભક્તો શું ચાહે છે અને શા માટે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી હતી, “જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.” (માથ. ૨૮:૧૯) બધા ઈશ્વરભક્તો ચાહે છે કે ઈશ્વરની સેવામાં મળેલું કામ “દરેક રીતે પૂરું” કરવાનું શીખે. (૨ તિમો. ૪:૫) બીજાં બધાં કામો કરતાં જીવનમાં આ કામ સૌથી મહત્ત્વનું અને જરૂરી છે. પણ મુશ્કેલી એ છે કે ઈશ્વરની સેવામાં આપણે ચાહીએ એટલો સમય આપી શકતા નથી.
૨. યહોવાની સેવામાં આપણે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે?
૨ અમુક મહત્ત્વના કામ એવાં હોય છે, જેમાં આપણાં સમય-શક્તિ વપરાય છે. આપણે પોતાના માટે અને કુટુંબના ભરણપોષણ માટે નોકરી-ધંધો કરવો પડે છે. એમાં દિવસના ઘણા કલાકો જતા રહે છે. બીજી મુશ્કેલીઓ પણ આવે છે: કુટુંબની જવાબદારી, બીમારી, ડિપ્રેશન કે પછી ઘડપણની તકલીફો. આવી મુશ્કેલીઓ છતાં આપણે કઈ રીતે યહોવાની સેવામાં બનતું બધું કરી શકીએ?
૩. માથ્થી ૧૩:૨૩માં ઈસુએ યહોવાની સેવા વિશે શું જણાવ્યું છે?
૩ સંજોગોને લીધે આપણે યહોવાની સેવામાં વધારે કરી શકતા ન હોઈએ તો નિરાશ ન થઈએ. ઈસુ જાણતા હતા કે બધા એકસરખાં ફળ નહિ આપી શકે. એટલે કે, યહોવાની સેવામાં આપણે બધા એકસરખાં સમય-શક્તિ આપી શકતા નથી. (માથ્થી ૧૩:૨૩ વાંચો.) જો આપણે યહોવાની સેવામાં દિલ રેડી દઈશું, તો તે આપણી મહેનતને ભૂલશે નહિ. (હિબ્રૂ. ૬:૧૦-૧૨) આપણને એવું લાગે કે સંજોગો સારા છે અને આપણે વધુ કરી શકીએ છીએ ત્યારે, શાનો વિચાર કરવો જોઈએ? ચાલો આ ત્રણ બાબતો જોઈએ: યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખીએ; જીવન સાદું રાખીએ; પ્રચાર અને શીખવવાના કામમાં કુશળ બનીએ. સૌથી પહેલા જોઈએ કે યહોવાની સેવામાં બનતું બધું કરવું એટલે શું?
૪. યહોવાની સેવામાં મહેનત કરવાનો શો અર્થ થાય?
૪ યહોવાની સેવામાં મહેનત કરવાનો શો અર્થ થાય? ખુશખબર ફેલાવવાના અને શીખવવાના કામમાં બનતું બધું કરીએ. આપણે પ્રચારમાં કેટલો સમય આપીએ છીએ એ નહિ, પણ કયા હેતુથી પ્રચાર કરીએ છીએ એ યહોવાની નજરે કીમતી છે. યહોવા અને પડોશીઓ માટે પ્રેમ હોવાથી આપણે યહોવાની સેવામાંb દિલ રેડી દઈએ છીએ. (માર્ક ૧૨:૩૦, ૩૧; કોલો. ૩:૨૩) યહોવાની સેવામાં દિલ રેડી દેવાનો અર્થ થાય કે, આપણી પૂરી શક્તિ યહોવાની સેવામાં લગાડી દઈએ. ખુશખબર ફેલાવવાના કામને આપણે એક લહાવો ગણવો જોઈએ. એમ માનતા હોઈશું તો બને એટલા લોકોને ખુશખબર જણાવીશું.
૫-૬. ખુશખબરના કામને જીવનમાં પ્રથમ રાખવા તમે શું કરી શકો? દાખલો આપી સમજાવો.
૫ એક દાખલો લઈએ. એક યુવાનને ગિટાર વગાડવાનું બહુ ગમે છે. સમય મળે ત્યારે તે ગિટાર વગાડે છે. તે ગુજરાન ચલાવવા શનિ-રવિ ગિટારના ક્લાસ ચલાવે છે. પણ એ આવક પૂરતી નથી. એટલે સોમથી શુક્ર તે એક દુકાનમાં કામ કરે છે. તેનો મોટા ભાગનો સમય દુકાનમાં જતો રહે છે, પણ તેનું મન તો સંગીતમાં જ હોય છે. તેની ઇચ્છા છે કે એ આવડત કેળવે અને એક સારો સંગીતકાર બને. એટલે તેનું ધ્યાન સંગીત પર હોય છે. થોડો સમય મળે કે તરત તે ગિટાર વગાડવા લાગે છે.
૬ એવી જ રીતે, ખુશખબર ફેલાવવાના કામમાં તમે જેટલો સમય આપવા માંગો છો એટલો કદાચ આપી શકતા નથી. પણ એ કામ તમને બહુ ગમે છે. લોકોનાં દિલ સુધી ખુશખબર પહોંચાડવા પોતાની આવડત કેળવવા તમે મહેનત કરો છો. તમારે ઘણાં કામ કરવાના હોય છે. એટલે કદાચ તમને થાય કે “ખુશખબર ફેલાવવાના કામને જીવનમાં પ્રથમ રાખવા હું શું કરી શકું?”
યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખીએ
૭-૮. યહોવાની સેવામાં ઈસુ જેવું વલણ કઈ રીતે રાખી શકીએ?
૭ યહોવાની સેવા માટે કેવું વલણ રાખવું જોઈએ, એ વિશે ઈસુએ સુંદર દાખલો બેસાડ્યો છે. લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવવું એ તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું હતું. (યોહા. ૪:૩૪, ૩૫) બને એટલા લોકોને ખુશખબર જણાવવા તે ઘણા કિલોમીટર ચાલીને જતા. ઘર હોય કે બીજી જગ્યા, લોકો સાથે વાત કરવાની તે એકેય તક છોડતા નહિ. ઈસુએ યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખી.
૮ ગમે ત્યાં અને ગમે તે સમયે લોકોને ખુશખબર જણાવવા આપણે તૈયાર હોઈએ છીએ. એમ કરીને આપણે ઈસુના પગલે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ. ખુશખબર ફેલાવવા આપણે સુખ-સગવડો જતી કરવા પણ તૈયાર છીએ. (માર્ક ૬:૩૧-૩૪; ૧ પીત. ૨:૨૧) મંડળનાં અમુક ભાઈ-બહેનો ખાસ પાયોનિયર, નિયમિત પાયોનિયર કે સહાયક પાયોનિયર તરીકે સેવા આપે છે. અમુકે નવી ભાષા શીખી છે. બીજાં કેટલાંક ભાઈ-બહેનો વધુ જરૂર છે એવી જગ્યાએ જાય છે. ઘણા પ્રકાશકો એવી બાબતો કરી શકતા નથી. પણ મોટા ભાગનું પ્રચારકામ આવા જ પ્રકાશકોથી થાય છે. ભલે યહોવાની સેવામાં આપણે ઓછું કરીએ કે વધારે, યહોવા આપણી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા નથી. તે આપણને ક્યારેય એવું કંઈ કરવાનું કહેતા નથી, જે આપણા ગજા બહાર હોય. તે ચાહે છે કે પૂરા દિલથી આપણે “આનંદી ઈશ્વરની ભવ્ય ખુશખબર” ફેલાવીએ અને ખુશી મેળવીએ.—૧ તિમો. ૧:૧૧; પુન. ૩૦:૧૧.
૯. (ક) પાઊલે કઈ રીતે યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખી? (ખ) પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૬, ૩૦, ૩૧ પ્રમાણે પાઊલે યહોવાની સેવા માટે કેવું વલણ રાખ્યું હતું?
૯ યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખવા વિશે પ્રેરિત પાઊલે પણ સારો દાખલો બેસાડ્યો છે. બીજી મુસાફરી વખતે પાઊલ કોરીંથ શહેરમાં હતા ત્યારે, તેમની પાસે પૂરતા પૈસા ન હતા. એટલે તેમણે થોડો સમય તંબૂ બનાવવાનું કામ કર્યું હતું. પણ પાઊલે એ કામને જીવનમાં સૌથી મહત્ત્વનું ગણ્યું નહિ. પોતાનું ગુજરાન ચલાવવા તે એ કામ કરતા હતા. કોરીંથના લોકો પાસેથી “કંઈ પણ લીધા વગર” તેઓને તે ખુશખબર જણાવી શક્યા. (૨ કોરીં. ૧૧:૭) ભલે પાઊલે રોજીરોટી માટે બીજું કામ કરવું પડ્યું, પણ યહોવાની સેવાને તે જીવનમાં પ્રથમ રાખતા હતા. દર સાબ્બાથે તે લોકોને ખુશખબર જણાવતા હતા. તેમના સંજોગો સુધર્યા ત્યારે તે પ્રચારકામ પર વધુ ધ્યાન આપી શક્યા. પછી ‘પાઊલ સંદેશો ફેલાવવાનું કામ પૂરા ઉત્સાહથી કરવા લાગ્યા. ઈસુ એ જ ખ્રિસ્ત છે, એવું યહુદીઓ આગળ સાબિત કરવા તે સાક્ષી આપવા લાગ્યા.’ (પ્રે.કા. ૧૮:૩-૫; ૨ કોરીં. ૧૧:૯) પછીથી પાઊલ રોમમાં બે વર્ષ માટે નજરકેદ હતા. એ વખતે તેમને મળવા આવનાર લોકોને તે સાક્ષી આપતા અને ભાઈ-બહેનોને પત્ર લખતા. (પ્રેરિતોનાં કાર્યો ૨૮:૧૬, ૩૦, ૩૧ વાંચો.) પાઊલે પાકો નિર્ણય લીધો હતો કે યહોવાની સેવાને આડે તે કોઈ પણ બાબતને આવવા દેશે નહિ. તેમણે લખ્યું હતું: ‘ઈશ્વરે અમને સેવા સોંપી છે; એ કારણે અમે હિંમત હારતા નથી.’ (૨ કોરીં. ૪:૧) પાઊલની જેમ આપણે પણ ગુજરાન ચલાવવા નોકરી-ધંધો કરવો પડે છે. તોપણ આપણે યહોવાની સેવાને જીવનમાં પ્રથમ રાખી શકીએ છીએ.
૧૦-૧૧. તબિયત સારી રહેતી ન હોય તોપણ આપણે યહોવાની સેવામાં કઈ રીતે બનતું બધું કરી શકીએ?
૧૦ વધતી ઉંમર કે બગડતી તબિયતને લીધે આપણે કદાચ ઘર-ઘરનું પ્રચારકાર્ય ન કરી શકીએ. પણ આપણે બીજી રીતો દ્વારા ખુશખબર ફેલાવી શકીએ છીએ. પ્રથમ સદીના ઈશ્વરભક્તો હંમેશાં લોકોને સાક્ષી આપવા તૈયાર રહેતા. તેઓ જાહેરમાં કે ઘરે-ઘરે “જે કોઈ મળે” તેને ખુશખબર જણાવતા. (પ્રે.કા. ૧૭:૧૭; ૨૦:૨૦) આપણે પણ એમ કરવું જોઈએ. જો આપણને ચાલવામાં તકલીફ હોય, તો એવી જગ્યાએ બેસી શકીએ જ્યાં આવતા-જતા લોકોને ખુશખબર જણાવી શકીએ. આપણે પત્ર કે ફોન દ્વારા સંદેશો આપી શકીએ. તકલીફો હોવા છતાં ઘણાં ભાઈ-બહેનો એવી રીતોથી ખુશખબરના કામમાં ખુશી અને સંતોષ મેળવે છે.
૧૧ તબિયત સારી રહેતી ન હોય, તોપણ આપણે યહોવાની સેવામાં બનતું બધું કરી શકીએ છીએ. ચાલો ફરીથી પાઊલના દાખલાનો વિચાર કરીએ. તેમણે કહ્યું: “કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.” (ફિલિ. ૪:૧૩) એક મુસાફરી વખતે પાઊલ બીમાર પડ્યા ત્યારે, ખુશખબર જણાવવા તેમને એ બળની જરૂર પડી હતી. તેમણે ગલાતીનાં ભાઈ-બહેનોને કહ્યું: “તમને ખુશખબર જણાવવાની પહેલી તક મને મારી બીમારીને લીધે મળી હતી.” (ગલા. ૪:૧૩) એવી જ રીતે, બીમાર હોવા છતાં તમે ડૉક્ટર, નર્સ અને હૉસ્પિટલના સ્ટાફને ખુશખબર જણાવી શકો છો. એમાંના ઘણા લોકોના ઘરે ભાઈ-બહેનો ગયા હશે ત્યારે કદાચ તેઓ ઘરે નહિ મળ્યા હોય. આમ, તેઓને ખુશખબર જાણવાની તક મળશે.
જીવન સાદું રાખીએ
૧૨. “એક જ બાબત પર” આંખ લાગેલી હોય, એનો શો અર્થ થાય?
૧૨ ઈસુએ કહ્યું હતું: “શરીરનો દીવો આંખ છે. એટલે, જો તમારી આંખ એક જ બાબત પર લાગેલી [અથવા “સાદી,” ફૂટનોટ] હોય, તો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે.” (માથ. ૬:૨૨) તે શું કહેવા માંગતા હતા? એ જ કે, આપણે જીવન સાદું રાખવું જોઈએ. કોઈ એક ધ્યેય કે હેતુ પર આપણું મન લગાડવું જોઈએ. એનાથી આપણું ધ્યાન ફંટાવા દેવું ન જોઈએ. ઈસુએ યહોવાની સેવામાં પૂરું મન લગાડ્યું હતું. આમ, તેમણે આપણા માટે સારો દાખલો બેસાડ્યો. તેમણે શિષ્યોને યહોવાની સેવા અને તેમના રાજ્ય પર પૂરું મન લગાડવાનું શીખવ્યું હતું. આપણે ખુશખબરના કામને જીવનમાં પ્રથમ રાખવું જોઈએ. આપણે ‘પહેલા ઈશ્વરના રાજ્યને અને તેમની નજરે જે ખરું છે એને શોધતા રહેવું જોઈએ.’ એમ કરીને આપણે ઈસુને પગલે ચાલી શકીએ છીએ.—માથ. ૬:૩૩.
૧૩. યહોવાની સેવામાં મન લગાડવા શાનાથી મદદ મળી શકે?
૧૩ યહોવાની સેવામાં મન લગાડવાની એક રીત છે કે જીવન સાદું રાખીએ. એનાથી બીજાઓને યહોવા વિશે શીખવવા આપણને સમય મળશે. તેમ જ, યહોવા માટે પ્રેમ કેળવવા તેઓને મદદ કરી શકીશું.c અઠવાડિયા દરમિયાન ખુશખબર ફેલાવવા શું આપણે નોકરી-ધંધાના સમયમાં ફેરફાર કરી શકીએ? શું મનોરંજનનો સમય થોડો ઓછો કરી શકીએ?
૧૪. ખુશખબરના કામમાં વધુ સમય આપવા એક યુગલે કેવા ફેરફારો કર્યા?
૧૪ ચાલો ઇલિઆસ અને તેમની પત્નીનો દાખલો જોઈએ. ભાઈ જણાવે છે: ‘એક સમયે અમે પાયોનિયર સેવા કરી શકતા ન હતા. પણ ખુશખબરના કામમાં વધુ સમય આપી શકીએ માટે અમુક ફેરફારો કરી શકતા હતા. એટલે અમે નાનાં નાનાં પગલાં ભર્યાં. જેમ કે, અમે ખર્ચામાં કાપ મૂક્યો. અમે મનોરંજન માટેનો સમય ઓછો કર્યો. ખુશખબર ફેલાવી શકીએ માટે નોકરી પર માલિકને સમયમાં ફેરફાર કરવાની વિનંતી કરી. એનાથી અમે સાંજે પ્રચાર કરી શકતા અને બાઇબલ અભ્યાસ ચલાવી શકતા. એટલું જ નહિ, અમે મહિનામાં બે વાર અઠવાડિયાના બીજા દિવસોમાં પણ પ્રચારમાં જઈ શકતા. અમને ઘણી મજા આવતી હતી!’
પ્રચાર અને શીખવવાના કામમાં કુશળ બનીએ
૧૫-૧૬. પહેલો તિમોથી ૪:૧૩, ૧૫ પ્રમાણે આપણે કઈ રીતે પ્રચારકામમાં કુશળ બની શકીએ? (“યહોવાની સેવામાં બનતું બધું કરવા મદદ આપતા ધ્યેયો” બૉક્સ જુઓ.)
૧૫ યહોવાની સેવામાં પૂરી મહેનત કરવાની બીજી એક રીત છે કે, પ્રચારકામમાં કુશળ બનીએ. અમુક કામમાં કુશળ બનવા વ્યક્તિએ સતત તાલીમ લેવી પડે છે. આપણા વિશે પણ એવું જ છે. ખુશખબર ફેલાવવાનાં કામમાં કુશળ બનવા આપણે સતત તાલીમ લેતા રહેવાની જરૂર છે.—નીતિ. ૧:૫; ૧ તિમોથી ૪:૧૩, ૧૫ વાંચો.
૧૬ ખુશખબરના કામમાં આપણી આવડત કેળવવા શું કરી શકીએ? જીવન અને સેવાકાર્ય સભામાં મળતા માર્ગદર્શન પર પૂરું ધ્યાન આપવું જોઈએ. એ સભામાંથી આપણને અજોડ તાલીમ મળે છે. એનાથી આપણી આવડતમાં સુધારો કરી શકીએ છીએ. સભામાં વિદ્યાર્થીની ટોક પછી ચેરમેન સૂચનો આપે છે. એમાંથી આપણે શું શીખી શકીએ એના પર ધ્યાન આપવું જોઈએ. પછી પ્રચારમાં એ પ્રમાણે કરવું જોઈએ. આપણે ગ્રૂપ નિરીક્ષકની મદદ લઈ શકીએ. ગ્રૂપ નિરીક્ષક, અનુભવી પ્રકાશક, પાયોનિયર કે સરકીટ નિરીક્ષક સાથે આપણે પ્રચારમાં કામ કરી શકીએ. “શીખવવાનાં સાધનો” વાપરવાનું શીખતા જઈશું તેમ, આપણે પ્રચાર અને શીખવવાના કામમાં કુશળ બનીશું.
૧૭. યહોવાની સેવામાં બનતું બધું કરીશું તો શું થશે?
૧૭ યહોવાના “સાથી કામદારો” બનવાનો આપણને કેટલો મોટો લહાવો મળ્યો છે! (૧ કોરીં. ૩:૯) ‘જે વધારે મહત્ત્વનું છે એ આપણે પારખવું’ જોઈએ અને યહોવાની સેવામાં પૂરું ધ્યાન આપવું જોઈએ. એમ કરીશું તો આપણે “આનંદથી યહોવાની સેવા” કરી શકીશું. (ફિલિ. ૧:૧૦; ગીત. ૧૦૦:૨) ઈશ્વરભક્તો તરીકે આપણે યહોવાની સેવા કરી શકીએ, એ માટે યહોવા બળ આપશે. ભલે ગમે એવી તકલીફો આવે તોપણ આપણે ખુશખબર ફેલાવી શકીશું. (૨ કોરીં. ૪:૧, ૭; ૬:૪) સંજોગોને લીધે ખુશખબરના કામમાં ઓછો કે વધારે સમય આપતા હોઈએ, છતાં આપણી પાસે “આનંદ કરવાનું કારણ” છે. કેમ કે આપણે પૂરા દિલથી યહોવાની સેવા કરીએ છીએ. (ગલા. ૬:૪) યહોવાની સેવામાં આપણે બનતું બધું કરવું જોઈએ. જો એમ કરીશું તો બતાવી આપીશું કે આપણે યહોવા અને ભાઈ-બહેનોને પ્રેમ કરીએ છીએ. ‘એમ કરવાથી તમે પોતાને અને તમારા સાંભળનારાને બચાવી લેશો.’—૧ તિમો. ૪:૧૬.
ગીત ૧૪૧ તરસ્યા દિલોને શોધીએ
a ઈસુએ આજ્ઞા આપી છે કે આપણે ખુશખબર ફેલાવીએ અને શિષ્યો બનાવીએ. આ લેખમાં જોઈશું કે ભલે ગમે એટલી તકલીફો હોય, તોપણ આપણે યહોવાની સેવામાં બનતું બધું કરી શકીએ છીએ. આપણે શીખીશું કે ખુશખબર ફેલાવવાના કામમાં કઈ રીતે કુશળ બની શકીએ અને ખુશી મેળવી શકીએ.
b શબ્દોની સમજ: યહોવાની સેવામાં ઘણી બાબતોનો સમાવેશ થાય છે જેમ કે, ખુશખબર ફેલાવવાનું અને શીખવવાનું કામ; પ્રાર્થનાઘર, સંમેલનઘર, બેથેલ અને ભાષાંતર કેન્દ્રનાં બાંધકામ કરવાં અને સારસંભાળ રાખવી; કુદરતી આફતો વખતે રાહત પહોંચાડવી.—૨ કોરીં. ૫:૧૮, ૧૯; ૮:૪.
c જુલાઈ ૨૦૧૬ ચોકીબુરજ, પાન ૧૦ પરનું બૉક્સ જુઓ: “જીવન કઈ રીતે સાદું બનાવવું.” એ બૉક્સમાં સાત પગલાં આપેલાં છે.
d ચિત્રની સમજ: અઠવાડિયાની સભામાં એક બહેન ફરી મુલાકાતનું દૃશ્ય કરી રહ્યા છે. ચેરમેન સૂચનો આપે છે ત્યારે બહેન શીખવવાની કળા પુસ્તિકામાં લખે છે. પછી અઠવાડિયાના અંતે પ્રચારમાં એ સૂચનો વાપરે છે.