અભ્યાસ લેખ ૨૨
અભ્યાસની રીતમાં સુધારો કરીએ
‘જે વધારે મહત્ત્વનું છે એ પારખી લો.’—ફિલિ. ૧:૧૦.
ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’
ઝલકa
૧. શા માટે અમુકને અભ્યાસ કરવાનું મન થતું નથી?
આજની દુનિયામાં રોજી-રોટી મેળવવા ખૂબ મહેનત કરવી પડે છે. મોટા ભાગનાં ભાઈ-બહેનો કુટુંબનું ભરણપોષણ કરવા ઘણા કલાકો કામ કરે છે. બીજા કેટલાંક ભાઈ-બહેનો નોકરીએ આવવા-જવા કલાકો મુસાફરી કરે છે. ઘણા લોકોએ ગુજરાન ચલાવવા તનતોડ મહેનત કરવી પડે છે. દિવસના અંતે તેઓ થાકીને લોથપોથ થઈ જાય છે! એટલે અમુક ભાઈ-બહેનોને અભ્યાસ કરવાનું મન થતું નથી.
૨. અભ્યાસ માટે તમે ક્યારે સમય કાઢો છો?
૨ બાઇબલ અને સાહિત્યનો અભ્યાસ કરવા સમય કાઢવો ખૂબ જરૂરી છે. યહોવા સાથે સારો સંબંધ કેળવવા અને હંમેશ માટેનું જીવન મેળવવા અભ્યાસ કરવો ખૂબ મહત્ત્વનું છે. (૧ તિમો. ૪:૧૫) અમુક લોકો વહેલા ઊઠીને અભ્યાસ કરે છે. કારણ કે એ સમયે ઘરમાં શાંત વાતાવરણ હોય છે. પૂરતો આરામ મળ્યો હોવાથી સવારે મન તાજગી અનુભવતું હોય છે. કેટલાક લોકો બાઇબલ તથા સાહિત્યનો અભ્યાસ અને મનન કરવા દિવસના અંતે થોડો સમય કાઢે છે.
૩-૪. કેવા ફેરફારો કરવામાં આવ્યા છે અને શા માટે?
૩ અભ્યાસ માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે, ખરું ને! પરંતુ આપણે શાનો અભ્યાસ કરવો જોઈએ? તમે કદાચ કહેશો, “વાંચવા માટે તો માહિતીનો ભંડાર છે. એ બધું વાંચી જવું, મારા માટે તો શક્ય નથી.” અમુક લોકો બધાં સાહિત્ય વાંચે છે અને બધા વીડિયો જુએ છે. પણ એ માટે સમય કાઢવો ઘણાં ભાઈ-બહેનો માટે અઘરું છે. એ વિશે નિયામક જૂથ જાણે છે. એટલે છાપેલું અને ઓનલાઇન સાહિત્ય ઓછું કરવાનું તેઓએ માર્ગદર્શન આપ્યું છે.
૪ દાખલા તરીકે, હવે આપણે યરબુક બહાર પાડતા નથી. કારણ કે jw.org® વેબસાઈટ પર ઘણા અનુભવો જોવા મળે છે અને JW બ્રૉડકાસ્ટિંગ પર દર મહિને વીડિયો મૂકવામાં આવે છે. હવે જનતા માટેના ચોકીબુરજ અને સજાગ બનો! વર્ષમાં ત્રણ વખત બહાર પાડવામાં આવે છે. આપણે બીજા કામમાં વધુ સમય આપી શકીએ, એટલે એ ફેરફારો કરવામાં આવ્યા નથી. પણ “જે વધારે મહત્ત્વનું છે” એના પર ધ્યાન આપી શકીએ, એટલે એ ફેરફારો કરવામાં આવ્યા છે. (ફિલિ. ૧:૧૦) ચાલો જોઈએ કે, જે વધારે મહત્ત્વનું છે એના માટે કઈ રીતે સમય કાઢી શકીએ. તેમ જ, બાઇબલ અભ્યાસમાંથી પૂરેપૂરો ફાયદો મેળવવા આપણે શું કરી શકીએ એ પણ જોઈએ.
જે સૌથી મહત્ત્વનું છે એને જીવનમાં પ્રથમ રાખો
૫-૬. કયા સાહિત્યનો ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ?
૫ આપણા માટે સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ? દરરોજ બાઇબલ વાંચીએ. મંડળના અઠવાડિયાના બાઇબલ વાંચનમાં હવે ઓછા અધ્યાય રાખવામાં આવે છે. એટલે આપણે મનન કરવા અને વધારાનું સંશોધન કરવા માટે સમય કાઢી શકીએ છીએ. બાઇબલ વાંચનના અધ્યાય આપણે ફક્ત વાંચવા ખાતર વાંચી જવાના નથી. પણ બાઇબલનો સંદેશો આપણા દિલને સ્પર્શે અને યહોવાની નજીક જઈ શકીએ એ માટે મહેનત કરવાની છે.—ગીત. ૧૯:૧૪.
૬ બીજાં કયા સાહિત્યનો આપણે ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ? ચોકીબુરજ અભ્યાસની તૈયારી કરવી જોઈએ. મંડળ બાઇબલ અભ્યાસની તૈયારી કરવી જોઈએ. અઠવાડિયા દરમિયાન થતી સભાની બીજી માહિતી પણ તપાસવી જોઈએ. ઉપરાંત, જનતા માટેના ચોકીબુરજ અને સજાગ બનો! પણ વાંચવા જોઈએ.
૭. આપણી વેબસાઇટો પરની દરેક માહિતી તમે વાંચી ન શકો તો શું નિરાશ થવું જોઈએ?
૭ તમે કદાચ કહેશો, “jw.org અને JW બ્રૉડકાસ્ટિંગમાં આવતા લેખ અને વીડિયો વિશે શું? એ તો કેટલા બધા છે.” ચાલો એ વિશે એક દાખલો જોઈએ: હોટલમાં કેટલી બધી વાનગી મળતી હોય છે. શું ગ્રાહકો બધી વાનગી ખાય છે? ના, તેઓ તો અમુક જ વાનગી પસંદ કરે છે અને ખાય છે. એવી જ રીતે, એ વેબસાઇટો પરની દરેક માહિતી તમે વાંચી ન શકો તો નિરાશ થશો નહિ. તમારાથી જેટલું થાય એટલું કરો. ચાલો હવે ચર્ચા કરીએ કે અભ્યાસ કરવાનો શો અર્થ થાય અને અભ્યાસમાંથી સૌથી સારો ફાયદો મેળવવા શું કરવું જોઈએ.
અભ્યાસ કરવો એ રમત વાત નથી!
૮. તમે કઈ રીતે ચોકીબુરજનો અભ્યાસ કરી શકો? એમ કરવાથી તમને કેવો ફાયદો થશે?
૮ અભ્યાસ કરવાનો અર્થ થાય કે ધ્યાનથી વાંચવું, જેથી મહત્ત્વની બાબતો શીખી શકાય. અભ્યાસ કરવાનો અર્થ એ નથી કે માહિતીને ફટાફટ વાંચી જવી અને જવાબની નીચે લીટી દોરવી. દાખલા તરીકે, ચોકીબુરજના લેખની શરૂઆતમાં ઝલક આપેલી હોય છે. લેખની તૈયારી કરતી વખતે પહેલા એ ઝલક વાંચવી જોઈએ. પછી લેખનો વિષય, એનાં મથાળા અને પુનરાવર્તનના સવાલો વાંચીને મનન કરવું જોઈએ. પછી લેખને ધ્યાનથી વાંચવો જોઈએ. મોટા ભાગે દરેક ફકરાના પહેલા વાક્યમાં જણાવ્યું હોય છે કે, એમાં શેની ચર્ચા કરવામાં આવી છે. એ વાક્યને ધ્યાનથી વાંચવું જોઈએ. એનાથી તમે સમજી શકશો કે ફકરો શું કહેવા માંગે છે. લેખ વાંચતા જાઓ તેમ વિચારજો કે, દરેક ફકરો કઈ રીતે મથાળા અને મુખ્ય વિષય સાથે જોડાયેલો છે. જે શબ્દો કે મુદ્દાઓ વિશે તમે બહુ જાણતા ન હો એની નોંધ રાખો. પછીથી એ વિશે તમે વધારે સંશોધન કરી શકો.
૯. (ક) ચોકીબુરજનો અભ્યાસ કરીએ ત્યારે શાનું ધ્યાન રાખવું જોઈએ? (ખ) યહોશુઆ ૧:૮ પ્રમાણે કલમો વાંચતી વખતે બીજું શું કરવું જોઈએ?
૯ ચોકીબુરજ અભ્યાસથી બાઇબલની સારી સમજણ મળે છે. એટલે, એમાં આપેલી કલમો પર ધ્યાન આપીએ. ખાસ તો એવી કલમો, જે વાંચવાનું કહેવામાં આવ્યું હોય. કલમોનાં મુખ્ય શબ્દો કે વાક્યો કઈ રીતે ફકરાના મુખ્ય મુદ્દાને સમજવા મદદ કરે છે, એના પર ધ્યાન આપીએ. ઉપરાંત, જે કલમો વાંચીએ એના પર મનન કરીએ. એને કઈ રીતે લાગુ પાડી શકાય એનો વિચાર કરીએ.—યહોશુઆ ૧:૮ વાંચો.
૧૦. હિબ્રૂઓ ૫:૧૪માં જણાવ્યા પ્રમાણે માબાપે બાળકને અભ્યાસ અને સંશોધન કરવાનું કેમ શીખવવું જોઈએ?
૧૦ દરેક માબાપ ચાહે છે કે કુટુંબ તરીકેની ભક્તિમાં બાળકોને મજા આવે. માબાપે અગાઉથી વિચાર્યું હોય છે કે કુટુંબ તરીકેની ભક્તિમાં શેની ચર્ચા કરશે. જોકે, દર વખતે કોઈ ખાસ પ્રોજેક્ટ કે ખાસ કાર્યક્રમ હોય એ જરૂરી નથી. JW બ્રૉડકાસ્ટિંગ પર દર મહિને આવતા કાર્યક્રમને પણ તમે કુટુંબ તરીકેની ભક્તિમાં જોઈ શકો. કોઈક વાર તમે ખાસ પ્રોજેક્ટ બનાવી શકો, જેમ કે નુહના વહાણની નકલ બનાવવી. બાળકોને શીખવીએ કે અભ્યાસ કઈ રીતે કરવો જોઈએ. દાખલા તરીકે, સભાની તૈયારી કરવી કે પછી શાળામાં ઊભી થતી મુશ્કેલીને હાથ ધરવા વધારે સંશોધન કરવું. (હિબ્રૂઓ ૫:૧૪ વાંચો.) બાઇબલના અમુક વિષયો પર બાળક ઘરે અભ્યાસ કરવાનું શીખે એ મહત્ત્વનું છે. કારણ કે દર વખતે સભા કે સંમેલનમાં વીડિયો હોતા નથી. એટલે, બાઇબલ અભ્યાસ કરવાની આદત હશે તો, બાળક સહેલાઈથી સભા અને સંમેલનમાં ધ્યાન આપી શકશે. જોકે, બાળકનાં ઉંમર અને સ્વભાવ પ્રમાણે અભ્યાસનો સમય નક્કી કરવો જોઈએ.
૧૧. વિદ્યાર્થીઓને જાતે અભ્યાસ કરવાનું શીખવવું કેમ મહત્ત્વનું છે?
૧૧ બાઇબલ વિદ્યાર્થીઓને જાતે અભ્યાસ કરવાનું શીખવવું જોઈએ. જેટલું બને એટલું જલદી એમ શીખવવું જોઈએ. બાઇબલ અભ્યાસ અને સભાની તૈયારી કરતી વખતે તેઓ જવાબની નીચે લીટી કરે ત્યારે આપણે ખુશ થઈએ છીએ. એટલું જ પૂરતું નથી. જાતે સંશોધન કરવાનું અને સારી રીતે અભ્યાસ કરવાનું આપણે તેઓને શીખવવું જોઈએ. એમ કરીશું તો મુશ્કેલી આવે ત્યારે તેઓ તરત મંડળનાં ભાઈ-બહેનો પાસે દોડી નહિ જાય. કારણ કે, તેઓને ખબર હશે કે કઈ રીતે સાહિત્યમાંથી સંશોધન કરવું જોઈએ. આમ, તેઓ પોતે સારી સલાહ શોધી શકશે.
અભ્યાસ કરતી વખતે ધ્યેય રાખો
૧૨. અભ્યાસ કરો ત્યારે કેવા ધ્યેયો રાખી શકો?
૧૨ બની શકે કે તમને વાંચવાનું નહિ ગમતું હોય. પણ એવું ન વિચારશો કે બાઇબલ અભ્યાસ કરવાનું પણ તમને નહિ ગમે. તમે ચોક્કસ એમ કરી શકશો. શરૂઆતમાં અભ્યાસ માટે થોડો થોડો સમય કાઢી શકો. પછી તમે સમય વધારતા જઈ શકો. અભ્યાસ કરતી વખતે ધ્યેય રાખો. આપણો મુખ્ય ધ્યેય યહોવાની નજીક જવાનો હોવો જોઈએ. આપણે નાના નાના ધ્યેયો પણ રાખી શકીએ, જે સહેલાઈથી પૂરા કરી શકાય. જેમ કે, કોઈએ સવાલ પૂછ્યો હોય તો એનો જવાબ શોધી શકો અથવા કોઈ મુશ્કેલીનો ઉકેલ શોધવા સંશોધન કરી શકો.
૧૩. (ક) મિત્રોને પોતાની માન્યતાઓ વિશે જણાવવા શું કરી શકાય? સમજાવો. (ખ) કોલોસીઓ ૪:૬માં આપેલી સલાહ તમે કઈ રીતે લાગુ પાડી શકો?
૧૩ શું તમે શાળામાં જાઓ છો? તમારી સાથે ભણતા લોકો કદાચ ઉત્ક્રાંતિમાં માનતા હશે. બાઇબલ શીખવે છે કે ઈશ્વરે માણસને બનાવ્યો છે. તમે કદાચ તમારા મિત્રોને એ શીખવવા માંગો છો. પણ તમને ચિંતા થતી હશે કે તમે સારી રીતે સમજાવી શકશો નહિ. હિંમત ન હારો અને એ વિશે અભ્યાસ કરો! એમ કરવાનાં તમારી પાસે બે કારણ છે: (૧) આખા વિશ્વનું સર્જન ઈશ્વરે કર્યું છે, એ માન્યતામાં પોતાનો ભરોસો પાકો કરવા (૨) બાઇબલ સત્ય સમજાવવાની પોતાની આવડત કેળવવા. (રોમ. ૧:૨૦; ૧ પીત. ૩:૧૫) તમે આ સવાલનો વિચાર કરી શકો, “મારી સાથે ભણતા લોકો ઉત્ક્રાંતિ વિશે શું માને છે?” પછી આપણાં સાહિત્યમાંથી સંશોધન કરો. આમ, તમારી માન્યતા બીજાઓને સમજાવવી સહેલું બનશે. ઘણા લોકો ઉત્ક્રાંતિમાં માને છે, કારણ કે મોટાઓએ તેઓને એવું શીખવ્યું હોય છે. તમે એક કે બે મુદ્દા શોધીને તેઓને જણાવો, જે સહેલાઈથી તેઓના ગળે ઊતરી જાય.—કોલોસીઓ ૪:૬ વાંચો.
રસ કેળવો અને વધારે શીખો
૧૪-૧૬. (ક) કોઈ બાઇબલ પુસ્તક વિશે જાણવા તમે શું કરી શકો? (ખ) આમોસના સમય વિશે વધુ જાણવા તમે શું કરી શકો? (“કલ્પના કરો!” બૉક્સ જુઓ.)
૧૪ ધારો કે, સભામાં બાઇબલના એક પુસ્તકની ચર્ચા થવાની છે, જેમ કે હોશીઆ કે માલાખી જેવાં પુસ્તકો. એ વિશે તમે બહુ કંઈ જાણતા નથી. સૌથી પહેલા તો, એ જાણો કે એ પુસ્તક શાના વિશે છે. ચાલો એના વિશે વધારે જોઈએ.
૧૫ આ સવાલો પર વિચાર કરો: “એ પુસ્તકના લેખક વિશે તમે શું જાણો છો? તે કોણ હતા, ક્યાં રહેતા હતા અને કેવો કામધંધો કરતા હતા?” લેખક વિશે જાણવાથી, તેમના લખેલા શબ્દો અને તેમણે વાપરેલાં ઉદાહરણો તમે સારી રીતે સમજી શકશો. બાઇબલનું પુસ્તક વાંચો ત્યારે એના લેખક વિશે જાણકારી આપતી કલમો પર ધ્યાન આપજો.
૧૬ પુસ્તક ક્યારે લખાયું હતું એ શોધવાનો પ્રયત્ન કરો. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સમાં પાછળના ભાગમાં “બાઇબલ પુસ્તકોનાં નામ” આપેલાં છે. તમે એનો ઉપયોગ કરી શકો. ઉપરાંત, તમે બાઇબલનો અભ્યાસ કરવા મદદ પુસ્તિકાનો ઉપયોગ કરી શકો. એમાં પાન ૧૪-૧૭માં પ્રબોધકો અને રાજાઓ વિશે ચાર્ટ આપેલો છે. જો તમે ભવિષ્યવાણીના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા હો, તો એ સમયના સંજોગો વિશે પણ સંશોધન કરી શકો. આવા સવાલોનો વિચાર કરી શકો: જે લોકોને સુધારવા પ્રબોધકને મોકલવામાં આવ્યા હતા, તેઓનું વલણ કેવું હતું? રીતભાત કેવી હતી? એ લેખકના સમયમાં બીજું કોણ કોણ થઈ ગયું? એ સમય વિશે વધારે જાણવા તમારે શોધખોળ કરવી પડે. દાખલા તરીકે, આમોસના સમયમાં શું ચાલી રહ્યું હતું એનો વિચાર કરો. આપણી વેબસાઇટ પરથી આમોસની પ્રસ્તાવના વીડિયો જોવાથી તમને ફાયદો થશે. તમે યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકામાંથી “બાઇબલ કલમોની સમજણ”માં આમોસ ૧:૧ જોઈ શકો. એ બધી માહિતી તપાસવાથી આમોસના સમય વિશે વધુ જાણવા મળશે.—૨ રાજા. ૧૪:૨૫-૨૮; ૨ કાળ. ૨૬:૧-૧૫; હોશી. ૧:૧-૧૧; આમો. ૧:૧.
નાની નાની માહિતી પર ધ્યાન આપો
૧૭-૧૮. બાઇબલ વાંચતી વખતે નાની નાની માહિતી પર ધ્યાન આપવાથી કઈ રીતે ફાયદો થાય છે? ફકરામાંથી કે પછી પોતે અભ્યાસ કરેલી માહિતીમાંથી દાખલા આપો.
૧૭ મન હોય તો માળવે જવાય! એટલે બાઇબલ વાંચતી વખતે એ વિશે જાણવાની ઇચ્છા રાખશો તો વધુ ફાયદો થશે. ધારો કે, તમે લુકનો અગિયારમો અધ્યાય વાંચી રહ્યા છો. એમાં “યૂનાની નિશાની” વિશે જણાવ્યું છે. (લુક ૧૧:૨૯, ૩૦) માહિતી ફટાફટ વાંચી જવાને બદલે થોભો અને આ સવાલો પર વિચાર કરો: “‘યૂનાની નિશાની’ એટલે શું? એ વિશે વધારે માહિતી ક્યાંથી મળશે?” તમે કદાચ “જાસૂસની” જેમ શોધખોળ કરી શકો. વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી ખોલો અને “યૂનાની નિશાની” લખો. શોધો બટન દબાવશો ત્યારે તમને પરિણામો જોવા મળશે. એમાં માથ્થી ૧૨:૩૯, ૪૦ જોવા મળશે. હવે તમને અભ્યાસ કરવાની મજા આવશે. તમને જોવા મળશે કે ઈસુએ પહેલેથી જણાવ્યું હતું કે તે મરણ પામશે અને ત્રીજા દિવસે સજીવન થશે. એ કેટલું અદ્ભુત કહેવાય કે ઈસુએ નિશાની આપીને ભવિષ્યવાણી કરી હતી કે તે કેટલા સમય પછી સજીવન થશે! ગુજરાતી બાઇબલમાં તમને દરેક પાના પર એકદમ નીચે બીજી કલમોના સંદર્ભો જોવા મળશે. તમે એનો પણ અભ્યાસમાં ઉપયોગ કરી શકો.
૧૮ ચાલો બીજો દાખલો જોઈએ. લુકના પહેલા અધ્યાયમાં આપણને વાંચવા મળે છે કે ગાબ્રિયેલ દૂત મરિયમને મળે છે અને તેમના થનાર દીકરા વિશે આમ જણાવે છે: “તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે અને યહોવા ઈશ્વર તેના પિતા દાઊદનું રાજ્યાસન તેને આપશે; તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે.” (લુક ૧:૩૨, ૩૩) ગાબ્રિયેલના સંદેશાના પહેલા ભાગ પર આપણે કદાચ વધારે ધ્યાન આપીએ છીએ. એ કહે છે કે ઈસુ “સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો” કહેવાશે. પણ બીજા ભાગમાં એમ લખ્યું હતું કે ઈસુ ‘રાજા તરીકે રાજ કરશે.’ આપણને કદાચ થાય કે ગાબ્રિયેલના એ શબ્દોથી મરિયમ શું સમજી હશે. શું મરિયમને એવું લાગ્યું હશે, હેરોદ કે તેના વંશજની જગ્યાએ ઈસુ ઇઝરાયેલના રાજા બનશે? એનો અર્થ થાય કે જો ઈસુ રાજા બને, તો મરિયમ રાજમાતા બને અને તેના કુટુંબને મહેલમાં રહેવા મળે. એવું ક્યાંય લખેલું નથી કે મરિયમે એ વિશે ગાબ્રિયેલને પૂછ્યું હોય અથવા ઈસુના બે શિષ્યોની જેમ કોઈ પદવી માંગી હોય. (માથ. ૨૦:૨૦-૨૩) આ બધી માહિતી પર ધ્યાન આપવાથી શું શીખવા મળે છે? એ જ કે, મરિયમ નમ્ર સ્ત્રી હતી!
૧૯-૨૦. યાકૂબ ૧:૨૨-૨૫ અને ૪:૮માં જણાવ્યા પ્રમાણે અભ્યાસ કરતી વખતે કેવા ધ્યેયો રાખવા જોઈએ?
૧૯ યાદ રાખો, બાઇબલ અને સાહિત્યનો અભ્યાસ કરવાનો મુખ્ય ધ્યેય તો યહોવા સાથે સારો સંબંધ કેળવવાનો છે. આપણે જાણવા માંગીએ છીએ કે ‘પોતે કેવા છીએ.’ તેમ જ, ઈશ્વરને ખુશ કરવા કેવા ફેરફારો કરવા જોઈએ, એ પણ જાણવા માંગીએ છીએ. (યાકૂબ ૧:૨૨-૨૫; ૪:૮ વાંચો.) એટલે અભ્યાસની શરૂઆતમાં યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીએ. યહોવા પાસે મદદ માંગીએ કે આપણે અભ્યાસમાંથી પૂરેપૂરો ફાયદો મેળવી શકીએ અને જીવનમાં જરૂરી ફેરફાર કરી શકીએ.
૨૦ આપણે પણ ગીતના લેખકે જણાવેલા વફાદાર ભક્ત જેવા બની શકીશું: ‘તે યહોવાના નિયમશાસ્ત્રથી હર્ષ પામે છે. રાતદિવસ તે નિયમશાસ્ત્રનું મનન કરે છે. જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.’—ગીત. ૧:૨, ૩.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
a યહોવા આપણને ભરપૂર માહિતી પૂરી પાડે છે. એ આપણે જોઈ શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને અભ્યાસ કરી શકીએ છીએ. અભ્યાસ માટેનું સાહિત્ય પસંદ કરવા આ લેખથી મદદ મળશે. અભ્યાસમાંથી વધુ ફાયદો મળે એ માટે આ લેખમાં અમુક સૂચનો આપ્યાં છે.
b ચિત્રની સમજ: માબાપ પોતાનાં બાળકોને ચોકીબુરજનો અભ્યાસ કઈ રીતે કરવો એ શીખવે છે.
c ચિત્રની સમજ: આમોસ નામના લેખક વિશે ભાઈ સંશોધન કરે છે. ભાઈ બાઇબલનો અહેવાલ વાંચીને અને મનન કરીને જે કલ્પના કરે છે, એ પાછળ દેખાય છે.