અભ્યાસ લેખ ૫૨
માતાપિતાઓ—યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો
“છોકરાં તો યહોવાનું આપેલું ધન છે.”—ગીત. ૧૨૭:૩.
ગીત ૪૧ બાળકો—યહોવાની સાથે ચાલો
ઝલકa
૧. યહોવાએ માતાપિતાને કઈ જવાબદારી આપી છે?
યહોવાએ આદમ-હવાને બનાવ્યા ત્યારે, તેઓના મનમાં એવી ઇચ્છા મૂકી કે તેઓ બાળકો પેદા કરે. બાઇબલમાં જણાવ્યું છે: “છોકરાં તો યહોવાનું આપેલું ધન છે.” (ગીત. ૧૨૭:૩) એનો શું અર્થ થાય? કલ્પના કરો કે તમારા પાકા મિત્રએ તમને અઢળક પૈસા સાચવવા આપ્યા છે. તમને કેવું લાગશે? તે તમારા પર ભરોસો કરે છે એ જોઈને તમારી ખુશીનો પાર નહિ રહે. પણ તમને ચિંતા થશે કે આટલા બધા પૈસા તમે કઈ રીતે સાચવશો. પૈસા કરતાં પણ વધારે કીમતી ભેટ યહોવાએ માતાપિતાને આપી છે. તેમણે માતાપિતાને જવાબદારી આપી છે કે તેઓ બાળકોની કાળજી લે અને તેઓને ખુશ રાખે.
૨. આપણે કેવા સવાલોની ચર્ચા કરીશું?
૨ યુગલને બાળકો હોવાં જોઈએ કે નહિ, એ કોણ નક્કી કરશે? યુગલને ક્યારે બાળકો થવાં જોઈએ, એ કોણ નક્કી કરશે? બાળકોનું જીવન સુખી થાય માટે માતાપિતા શું કરી શકે? ચાલો બાઇબલમાંથી અમુક સિદ્ધાંતો જોઈએ. એનાથી યુગલોને સારા નિર્ણયો લેવા મદદ મળશે.
યુગલના નિર્ણયને માન આપો
૩. (ક) યુગલને બાળકો હોવાં જોઈએ કે નહિ, એ કોણ નક્કી કરશે? (ખ) યુગલનાં મિત્રો અને સગાઓએ બાઇબલનો કયો સિદ્ધાંત ધ્યાનમાં રાખવો જોઈએ?
૩ અમુક સમાજમાં એવી આશા રાખવામાં આવે છે કે લગ્ન પછી યુગલને તરત બાળકો થવાં જોઈએ. ઘર અને સમાજના લોકો એ વિશે તેઓને દબાણ કરે છે. એશિયામાં રહેતા જેથ્રોભાઈ જણાવે છે, ‘મંડળનાં અમુક માતાપિતા એવાં યુગલોને બાળકો માટે દબાણ કરે છે જેઓને બાળકો નથી.’ એશિયામાં રહેતા જેફરીભાઈ જણાવે છે, ‘જેઓને બાળકો ન હોય, તેઓને અમુક લોકો કહે છે કે ઘડપણમાં તમારો સહારો કોણ બનશે.’ લોકો ભલે ગમે એ કહે, બાળકો વિશે દરેક યુગલે જાતે નક્કી કરવું જોઈએ. એ તેઓની જવાબદારી છે. (ગલા. ૬:૫) મિત્રો અને સગાઓ ચાહે છે કે નવું પરણેલું યુગલ ખુશ રહે. પણ તેઓએ યાદ રાખવાની જરૂર છે કે, બાળકો હોવાં જોઈએ કે નહિ એ યુગલ પોતે નક્કી કરશે.—૧ થેસ્સા. ૪:૧૧.
૪-૫. યુગલે કયા બે સવાલો પર વિચાર કરવો જોઈએ અને એનો યોગ્ય સમય કયો છે? સમજાવો.
૪ જે યુગલો વિચારતા હોય કે તેઓને બાળકો થાય, તેઓએ બે મહત્ત્વના સવાલો પર વિચાર કરવો જોઈએ. પહેલો સવાલ, તેઓ ક્યારે બાળકો ઇચ્છે છે? બીજો સવાલ, તેઓ કેટલાં બાળકો ઇચ્છે છે? એ વિશે ચર્ચા કરવાનો યોગ્ય સમય કયો છે? શા માટે એ બંને સવાલો મહત્ત્વના છે?
૫ મોટા ભાગનાં યુગલો લગ્ન પહેલાં જ એ બે સવાલો પર ચર્ચા કરી લે છે. શા માટે? કારણ કે એ વિશે તેઓના વિચારો સરખા હોય એ ખૂબ મહત્ત્વનું છે. એ પણ વિચારવું જોઈએ કે તેઓ એ જવાબદારી ઉપાડવા તૈયાર છે કે કેમ. કેટલાંક યુગલોએ નક્કી કર્યું છે કે લગ્નના એકાદ બે વર્ષ પછી તેઓ માબાપ બનશે. કારણ કે બાળકો થયાં પછી તેઓની સંભાળ રાખવા પાછળ ઘણાં સમય-શક્તિ આપવાં પડે છે. તેઓ માને છે કે થોડો સમય રાહ જોવાથી પતિ-પત્ની તરીકે એકબીજા સાથે સમય પસાર કરી શકશે અને એકબીજાની નજીક આવી શકશે.—એફે. ૫:૩૩.
૬. સંકટના સમયો હોવાથી અમુક યુગલોએ શું નક્કી કર્યું છે?
૬ ઘણા ઈશ્વરભક્તોએ નુહના ત્રણ દીકરા અને તેઓની પત્નીઓના પગલે ચાલવાનું નક્કી કર્યું છે. એ યુગલોએ લગ્ન પછી માબાપ બનવા થોડી રાહ જોઈ હતી. (ઉત. ૬:૧૮; ૯:૧૮, ૧૯; ૧૦:૧; ૨ પીત. ૨:૫) ઈસુએ આપણા સમયને “નુહના દિવસો” સાથે સરખાવ્યો હતો. કારણ કે આપણે એવા ‘સંકટના સમયોમાં’ જીવી રહ્યા છીએ, “જે સહન કરવા અઘરા” છે. (માથ. ૨૪:૩૭; ૨ તિમો. ૩:૧) એ વાત સારી રીતે જાણતા હોવાથી અમુક યુગલોએ હમણાં માબાપ ન બનવાનું નક્કી કર્યું છે. એનાથી તેઓ યહોવાની સેવામાં વધારે કરી શકે છે.
૭. લુક ૧૪:૨૮, ૨૯ અને નીતિવચનો ૨૧:૫માં આપેલા સિદ્ધાંતોથી કઈ રીતે યુગલને મદદ મળી શકે?
૭ બાળકો હશે કે નહિ અને હશે તો કેટલાં હશે, એ નક્કી કર્યા પછી સમજુ યુગલો એનો ‘ખર્ચો ગણશે.’ (લુક ૧૪:૨૮, ૨૯ વાંચો.) અનુભવી માબાપ જાણે છે કે બાળકોનાં ઉછેર માટે પૈસાની જરૂર પડે છે. અરે, સમય-શક્તિની પણ જરૂર પડે છે. એટલે યુગલોએ આ મહત્ત્વના સવાલો પર વિચાર કરવો જોઈએ: કુટુંબનું ભરણપોષણ કરવા શું અમારે બંનેએ નોકરી-ધંધો કરવો પડશે? કુટુંબમાં કઈ કઈ વસ્તુઓની જરૂર છે, એ વિશે શું અમે સાથે મળીને નક્કી કર્યું છે? જો અમે બંને કામ કરીશું તો અમારાં બાળકોનું ધ્યાન કોણ રાખશે? તેઓનાં વાણી-વર્તન કોના જેવા થશે?’ જે યુગલો એ સવાલો પર વિચાર કરે છે, તેઓ નીતિવચનો ૨૧:૫ના (વાંચો.) શબ્દો લાગુ પાડે છે.
૮. ઈશ્વરભક્ત યુગલે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? એક પ્રેમાળ પતિ શું કરી શકે?
૮ બાળકોનાં ઉછેર માટે માબાપે પૂરતાં સમય-શક્તિ આપવાં જોઈએ. જો યુગલને થોડા જ સમયમાં ઘણાં બાળકો થયાં હશે, તો દરેક બાળક પર ધ્યાન આપવું અઘરું થઈ જશે. ઘણાં બાળકો હોય એવાં યુગલો જવાબદારીના બોજ તળે એટલા દબાઈ જાય છે કે બીજું કંઈ સૂઝતું નથી. માતા તન-મનથી થાકી જાય છે. નિયમિત બાઇબલ અભ્યાસ, પ્રાર્થના અને પ્રચાર કરવાની તેની પાસે તાકાત રહેતી નથી. એટલે સભાઓમાં ધ્યાન આપવું અને એમાંથી ફાયદો મેળવવો તેના માટે અઘરું થઈ જાય છે. ઘર હોય કે સભા, બાળકોની કાળજી લેવામાં એક પ્રેમાળ પતિ પોતાની પત્નીને પૂરો સાથ-સહકાર આપશે. દાખલા તરીકે, તે પોતાની પત્નીને ઘરનાં કામકાજમાં મદદ કરી શકે. ઘરના દરેક સભ્યને કુટુંબ તરીકેની ભક્તિમાંથી લાભ થાય માટે પતિ મહેનત કરશે. કુટુંબ સાથે તે નિયમિત પ્રચારમાં જશે.
યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો
૯-૧૦. બાળકોને મદદ કરવા માતાપિતા શું કરી શકે?
૯ બાળકો યહોવાને પ્રેમ કરવાનું શીખે એ માટે માતાપિતા શું કરી શકે? દુષ્ટ દુનિયાની અસરથી પોતાનાં બાળકોનું કઈ રીતે રક્ષણ કરી શકે? ચાલો જોઈએ કે માતાપિતા કેવાં પગલાં ભરી શકે.
૧૦ યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગો. માનોઆહ અને તેમની પત્નીનાં દાખલાનો વિચાર કરો. તેઓ સામસૂનનાં માતાપિતા હતાં. માનોઆહને ખબર પડી કે તેમને દીકરો થવાનો છે ત્યારે તેમણે શું કર્યું? તેમણે યહોવાને વિનંતી કરી કે બાળકને ઉછેરવા માર્ગદર્શન આપે.
૧૧. માનોઆહના દાખલા પરથી માતાપિતા શું શીખી શકે?
૧૧ નિહાદભાઈ અને અલ્માબહેન બોસ્નિયા અને હર્ઝેગોવિનામાં રહે છે. માનોઆહના દાખલામાંથી તેઓને ઘણું શીખવા મળ્યું. તેઓ જણાવે છે: ‘માનોઆહની જેમ અમે પણ યહોવાને વિનંતી કરી કે અમને સારાં માતાપિતા બનવા માર્ગદર્શન આપે. યહોવાએ અમારી પ્રાર્થનાઓનો અનેક રીતે જવાબ આપ્યો. બાઇબલ, બાઇબલ આધારિત સાહિત્ય, મંડળની સભાઓ અને સંમેલનોથી અમને જવાબ મળ્યો.’—ન્યાયાધીશો ૧૩:૮ વાંચો.
૧૨. યુસફ અને મરિયમે પોતાનાં બાળકો માટે કેવો દાખલો બેસાડ્યો?
૧૨ સારો દાખલો બેસાડો અને શીખવો. તમે જે કહો એના કરતાં તમે જે કરો એની બાળક પર ઊંડી અસર પડે છે. આપણે જાણીએ છીએ કે ઈસુ અને બીજાં બાળકોને ઉછેરવામાં યુસફ અને મરિયમે સરસ દાખલો બેસાડ્યો હતો. કુટુંબનું ગુજરાન ચલાવવા યુસફ સખત મહેનત કરતા હતા. એટલું જ નહિ, કુટુંબના સભ્યો યહોવાની ભક્તિમાં લાગુ રહે માટે તે ઉત્તેજન આપતા હતા. (પુન. ૪:૯, ૧૦) યુસફ “દર વર્ષે” પોતાના કુટુંબને પાસ્ખાનો તહેવાર ઉજવવા યરૂશાલેમ લઈ જતા. પાસ્ખાનો તહેવાર ઉજવવા કુટુંબને સાથે લઈ જવા વિશે નિયમશાસ્ત્રમાં કોઈ નિયમ ન હતો, તોપણ યુસફ એમ કરતા હતા. (લુક ૨:૪૧, ૪૨) એ સમયના બીજા પિતાઓને એવી મુસાફરી કરવી અઘરી લાગતી. તેઓને લાગતું કે એમાં તો ઘણા પૈસા અને સમય ખર્ચાઈ જશે. પણ યુસફ ભક્તિને લગતી બાબતોની ખૂબ કદર કરતા અને પોતાનાં બાળકોને પણ એવું જ શીખવતા. મરિયમ પણ શાસ્ત્રવચનો સારી રીતે જાણતાં હતાં. તેમણે પોતાનાં વાણી-વર્તનથી બાળકોને શીખવ્યું કે શાસ્ત્રવચનોને કીમતી ગણવાં જોઈએ.
૧૩. એક પતિ-પત્ની કઈ રીતે યુસફ અને મરિયમના પગલે ચાલ્યાં?
૧૩ અગાઉ જોઈ ગયા એ નિહાદભાઈ અને અલ્માબહેન યુસફ અને મરિયમના પગલે ચાલવા માગતાં હતાં. તેઓ ચાહતાં હતાં કે તેઓનો દીકરો યહોવાને પ્રેમ કરે અને તેમની ભક્તિ કરે. એ માટે તેઓને યુસફ અને મરિયમના દાખલામાંથી કેવી મદદ મળી? તેઓ કહે છે: ‘અમારા જીવનથી અમે તેને બતાવી આપ્યું કે, યહોવાના સિદ્ધાંતો પાળવાથી સુખી થવાય છે. જો તમે ચાહો કે તમારું બાળક સારી વ્યક્તિ બને, તો પહેલા તમે સારી વ્યક્તિ બનો, તેના માટે સારો દાખલો બેસાડો.’
૧૪. માતાપિતાને શા માટે ખબર હોવી જોઈએ કે બાળકોના મિત્રો કોણ છે?
૧૪ સારા મિત્રો પસંદ કરવા બાળકોને મદદ કરો. માતાપિતાને ખબર હોવી જોઈએ કે બાળકો શું કરી રહ્યાં છે અને તેઓના મિત્રો કોણ છે. માતાપિતા જાણતા હોવા જોઈએ કે બાળકો સોશિયલ મીડિયા અને મોબાઇલ પર કોની સાથે વાત કરી રહ્યાં છે. એવા લોકોની બાળકોનાં વિચારો અને વર્તન પર અસર થઈ શકે છે.—૧ કોરીં. ૧૫:૩૩.
૧૫. જેસ્સીભાઈના દાખલા પરથી માબાપો શું શીખી શકે?
૧૫ માબાપને કોમ્પ્યુટર કે મોબાઇલ વાપરતા આવડતું ન હોય ત્યારે શું? ફિલિપાઇન્સમાં રહેતા જેસ્સીભાઈ કહે છે: ‘અમને ઇલેક્ટ્રોનિક સાધનો વિશે ખાસ કંઈ ખબર નથી. તોપણ અમે બાળકોને એનાં જોખમો વિશે જાણકારી તો આપી જ શકીએ છીએ.’ ભલે જેસ્સીભાઈને ઇલેક્ટ્રોનિક સાધનો વાપરતા આવડતું ન હતું, પણ તેમણે બાળકોને એ વાપરવાની મના કરી નહિ. તે જણાવે છે: ‘બાળકોને ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી નવી ભાષા શીખવા, સભાની તૈયારી કરવા અને દરરોજ બાઇબલ વાંચવા હું ઉત્તેજન આપતો.’ એસએમએસ અને ઇન્ટરનેટ પર ફોટા પોસ્ટ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. એ વિશે jw.org® પર “યુવાનો” વિભાગમાં સરસ સલાહ આપી છે. માબાપો, શું તમે એ વિભાગમાંથી બાળકો સાથે ચર્ચા કરી છે? આપણી વેબસાઇટ પર આ વીડિયો આપેલા છે: બોસ કોણ-તમે કે તમારો ફોન? અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી. શું તમે બાળકો સાથે એ વીડિયો જોઈને એની ચર્ચા કરી છે?b ઇલેક્ટ્રોનિક સાધનોનો સમજદારીથી ઉપયોગ કરવાનું બાળકોને શીખવવા એ માહિતી ઘણી કામ આવે છે.—નીતિ. ૧૩:૨૦.
૧૬. ઘણાં માબાપે શું કર્યું છે અને એનું કેવું પરિણામ આવ્યું?
૧૬ ઘણાં માબાપ પ્રયત્ન કરે છે કે તેઓનાં બાળકો એવાં ભાઈ-બહેનો સાથે હળે-મળે, જેઓએ ઈશ્વરભક્તિમાં સારો દાખલો બેસાડ્યો છે. ચાલો એક દાખલો જોઈએ. એન્દનીભાઈ અને બોમેનબહેન કોટ ડી આઈવોરમાં રહે છે. તેઓ અવારનવાર પોતાના ઘરે સરકીટ નિરીક્ષકને રાખે છે. ભાઈ જણાવે છે: ‘એનાથી અમારા દીકરા પર ઘણી સારી અસર પડી. તેણે પાયોનિયર સેવા શરૂ કરી. હવે તે થોડા સમય માટેના સરકીટ નિરીક્ષક તરીકે કામ કરે છે.’ શું તમારાં બાળકો એવાં ભાઈ-બહેનો સાથે હળે-મળે એવી ગોઠવણ કરી શકો?
૧૭-૧૮. માબાપે બાળકોને તાલીમ આપવાનું ક્યારથી શરૂ કરવું જોઈએ?
૧૭ બને એટલું જલદી બાળકોને તાલીમ આપવાનું શરૂ કરો. માબાપ જેટલું જલદી બાળકોને તાલીમ આપવાનું શરૂ કરશે એટલું સારું રહેશે. (નીતિ. ૨૨:૬) ચાલો તિમોથીનો દાખલો જોઈએ. મોટા થયા પછી તે પ્રેરિત પાઊલ સાથે મુસાફરી કરતા હતા. તિમોથીના માતા યુનીકે અને નાનીમા લોઈસે તેમને “બાળપણથી” તાલીમ આપી હતી.—૨ તિમો. ૧:૫; ૩:૧૫.
૧૮ કોટ ડી આઈવોરમાં રહેતાં ઝોનક્લોડભાઈ અને પીસબેને ૬ બાળકોનો ઉછેર કર્યો છે. તેઓનાં બધાં બાળકો યહોવાની સેવા કરી રહ્યાં છે. બાળકોનો ઉછેર કરવા તેઓને શામાંથી મદદ મળી? તેઓ યુનીકે અને લોઈસના પગલે ચાલ્યાં હતાં. તેઓ કહે છે, ‘અમે બાળકોનાં દિલમાં નાનપણથી જ બાઇબલનું શિક્ષણ ઉતાર્યું હતું.’—પુન. ૬:૬, ૭.
૧૯. બાળકોને બાઇબલ શીખવવાનો શો અર્થ થાય?
૧૯ બાળકોને બાઇબલ ‘શીખવવાનો’ શો અર્થ થાય? પુનર્નિયમ ૬:૭માં ‘શીખવવા’ માટે જે હિબ્રૂ શબ્દનો ઉપયોગ થયો છે, એનો અર્થ થાય ‘વારંવાર શીખવીને મનમાં ઠસાવવું.’ એમ કરવા માબાપે પોતાનાં બાળકોને નિયમિત સમય આપવો જોઈએ. અમુક વખતે બાળકોને એકની એક વાત કહેવી માબાપને ગમતું નથી. માબાપે એને એક તક ગણવી જોઈએ. એનાથી તેઓ બાળકોને બાઇબલ શીખવી શકશે અને બાળકો એને જીવનમાં લાગુ પાડી શકશે.
૨૦. બાળકોના ઉછેર વિશે ગીતશાસ્ત્ર ૧૨૭:૪ શું કહે છે?
૨૦ બાળકોને સારી રીતે ઓળખો. ગીતશાસ્ત્ર ૧૨૭માં બાળકોને બાણ સાથે સરખાવવામાં આવ્યાં છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૪ વાંચો.) બાણ અલગ અલગ સામગ્રીમાંથી અને જુદાં જુદાં કદનાં બનાવી શકાય છે. એવી જ રીતે, બાળકો એકસરખાં નહિ, અલગ અલગ હોય છે. એટલે દરેક બાળકને કેવી તાલીમ આપવી, એ માબાપે પોતે નક્કી કરવું જોઈએ. ઇઝરાયેલમાં રહેતા એક યુગલને બે બાળકો છે. બાળકોનો સારી રીતે ઉછેર કરવા તેઓને ક્યાંથી મદદ મળી? એ વિશે તેઓ જણાવે છે: ‘અમે દરેક બાળક સાથે અલગ અલગ બાઇબલ અભ્યાસ ચલાવતા.’ જરૂરી નથી કે બાળકોનો અલગ અલગ અભ્યાસ ચલાવવો જોઈએ. દર વખતે એમ કરવું શક્ય નથી, પણ તમે પ્રયત્ન કરી શકો.
યહોવા તમને મદદ કરશે
૨૧. યહોવા કઈ રીતે માબાપને મદદ કરે છે?
૨૧ બાળકોને શીખવવું અમુક વાર માબાપને ઘણું અઘરું લાગે છે. પણ બાળકો તો યહોવાએ આપેલી ભેટ છે. યહોવા હંમેશાં મદદ કરવા તૈયાર છે. માબાપની પ્રાર્થના સાંભળવા તે આતુર છે. તે કઈ રીતે પ્રાર્થનાઓનો જવાબ આપે છે? બાઇબલ, સાહિત્ય અને અનુભવી ભાઈ-બહેનોનાં દાખલા અને સલાહથી તે જવાબ આપે છે.
૨૨. માબાપ બાળકોને કઈ બાબતો પૂરી પાડે છે?
૨૨ એવું કહેવાય છે કે, બાળકોનો ઉછેર કરવો એ તો ૨૦ વર્ષની યોજના છે. પરંતુ, માબાપ તો હંમેશાં માબાપ જ રહેવાનાં. તેઓ બાળકોને સૌથી સારી બાબતો પૂરી પાડે છે. એમાં પ્રેમ, સમય અને બાઇબલ આધારિત તાલીમ આવી જાય છે. તાલીમની દરેક બાળક પર અલગ અલગ અસર થાય છે. ઘણાં ભાઈ-બહેનોનો ઉછેર યહોવાના સાક્ષીઓના ઘરમાં થયો છે. તેઓને પણ એશિયામાં રહેતી જોયેના-મે જેવું લાગે છે. તે કહે છે: ‘માબાપ તરફથી મળેલી તાલીમનો વિચાર કરું છું ત્યારે હું તેઓનો આભાર માનું છું. તેઓએ મને શિસ્ત આપી અને યહોવાને પ્રેમ કરવાનું શીખવ્યું એની હું કદર કરું છું. તેઓએ મને જીવન જ નહિ, જીવન જીવવાનો હેતુ પણ આપ્યો છે.’ (નીતિ. ૨૩:૨૪, ૨૫) લાખો ભાઈ-બહેનોને એવું જ લાગે છે.
ગીત ૯ યહોવાનો જયજયકાર કરો
a શું યુગલને બાળકો હોવાં જરૂરી છે? કેટલાં બાળકો હોવાં જોઈએ? બાળકો યહોવાને પ્રેમ કરે અને તેમની ભક્તિ કરે માટે માબાપ તેઓને કઈ રીતે તાલીમ આપી શકે? આ લેખમાં આપણા સમયના દાખલા અને બાઇબલના સિદ્ધાંતો આપ્યા છે, જેનાથી એ સવાલોના જવાબ મેળવવા મદદ મળશે.
b જૂન ૨૦૧૮, જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં આપેલો આ લેખ જુઓ: “સોશિયલ મીડિયાના ફાંદાથી બચો.”
c ચિત્રની સમજ: એક યુગલ વિચારે છે કે તેઓને બાળકો હોવાં જોઈએ કે નહિ. તેઓના જીવનમાં કેવી ખુશીઓ અને પડકારો આવશે એનો પણ વિચાર કરે છે.
d ચિત્રની સમજ: એક યુગલ બાળકોની ઉંમર અને આવડત પ્રમાણે તેઓનો અલગ અલગ બાઇબલ અભ્યાસ લે છે.