શીખવવાની કળામાં સુધારો કરવાના ત્રણ સૂચનો
૧. આપણે કેમ શીખવવાની કળામાં સુધારો કરવો જોઈએ?
૧ યહોવાનો દરેક ભક્ત શિક્ષક છે. આપણે ઘરથી ઘર, ફરી મુલાકાત કે બાઇબલ અભ્યાસ દ્વારા જ્ઞાન આપીએ છીએ. આપણે જે જ્ઞાન આપીએ છીએ એ સામાન્ય નથી પણ અજોડ છે. આપણે બાઇબલમાંથી લોકોને શિક્ષણ આપીએ છીએ, જેથી ‘તારણ માટે તેઓને ખરું જ્ઞાન મળે.’ (૨ તીમો. ૩:૧૫) એ કેટલો મોટો આશીર્વાદ! શીખવવાની કળામાં સુધારો કરવા ચાલો આપણે ત્રણ સૂચનો જોઈએ.
૨. સાદી રીતે શીખવવા આપણે શું કરવું જોઈએ?
૨ સાદી રીતે શીખવીએ: આપણે જે વિષયથી જાણકાર છીએ એનાથી કદાચ સામેની વ્યક્તિ પરિચિત ન પણ હોય. એટલે તે ગૂંચવણમાં ન પડે એ રીતે વાત કરવી જોઈએ. બાઇબલ અભ્યાસ ચલાવીએ ત્યારે જરૂર પૂરતી જ માહિતી આપીએ. મુખ્ય મુદ્દા પર ભાર મૂકીએ. એવું ન માનવું જોઈએ કે વધારે બોલવાથી આપણે સારી રીતે શીખવીએ છીએ. (નીતિ. ૧૦:૧૯) શીખવતી વખતે મુખ્ય કલમ વાંચીએ. એ પછી વિષયને ટેકો આપતી કલમના મુખ્ય વિચારો પર જ ધ્યાન આપીએ. ઈસુનો પહાડ પરનો ઉપદેશ માત્થીના ૫-૭ અધ્યાયમાં જોવા મળે છે. એમાં ઈસુએ સાદા અને થોડા શબ્દોમાં ઊંડું સત્ય શીખવ્યું હતું.
૩. ઉદાહરણો કેમ જરૂરી છે અને એ કેવા હોવા જોઈએ?
૩ ઉદાહરણ વાપરીએ: ઉદાહરણ વાપરવાથી વ્યક્તિને વિચારવા અને યાદ રાખવા મદદ મળશે. આપણે તેઓના દિલ સુધી પહોંચી શકીશું. એવું ન વિચારવું જોઈએ કે મને સારી રીતે વાર્તા કહેતા નથી આવડતું એટલે સારા ઉદાહરણો ન આપી શકું. ઈસુએ પણ ટૂંકા અને સહેલા ઉદાહરણો વાપર્યા હતા. (માથ. ૭:૩-૫; ૧૮:૨-૪) અમુક વાર જરૂર હોય તો સાદું ચિત્ર દોરીને કોઈ વિચાર સમજાવી શકાય. પહેલેથી તૈયારી કરીશું તો, મુખ્ય વિચાર સમજાવવા સારું ઉદાહરણ વાપરી શકીશું.
૪. વ્યક્તિ કેટલું સમજી એ જાણવા શું કરવું જોઈએ?
૪ પ્રશ્નો પૂછીએ: યોગ્ય પ્રશ્નો વ્યક્તિને વિચારવા મદદ કરે છે. એટલે પ્રશ્ન પૂછ્યા પછી જવાબ માટે રાહ જોઈએ. જો આપણે તરત જ જવાબ આપી દઈશું, તો વ્યક્તિ શું સમજી એ ખબર નહિ પડે. પણ તે ખોટો જવાબ આપે તો? તરત જ સુધારવાને બદલે વધારે પ્રશ્નો પૂછીને ખરી સમજણ આપી શકાય. (માથ. ૧૭:૨૪-૨૭) ઈસુ જેવું આપણામાં કોઈ નથી કે જે તેમની જેમ સારી રીતે શીખવી શકતું હોય. એટલે બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે હંમેશા સમજી વિચારીને શીખવીએ. એનાથી આપણને પોતાને અને આપણા સાંભળનારાને પણ લાભ થશે.—૧ તીમો. ૪:૧૬.