પ્રબોધકોનો દાખલો લો—હબાક્કૂક
૧. આપણને શા માટે હબાક્કૂક જેવું લાગી શકે?
૧ આજે દુનિયામાં દુષ્ટતા વધતી જઈ રહી છે. એનો સામનો કરતા હોવાથી આપણને હબાક્કૂક જેવું લાગી શકે. તેમણે યહોવાને પૂછ્યું: ‘શા માટે તમે અન્યાય મારી નજરે પાડો છો, ને જુલમ બતાવો છો?’ (હબા. ૧:૩; ૨ તીમો. ૩:૧, ૧૩) હબાક્કૂકના સંદેશા અને તેમણે બેસાડેલા દાખલા પર મનન કરવાથી, યહોવાનો ન્યાયનો દિવસ આવે ત્યાં સુધી ટકી રહેવા આપણને મદદ મળશે.—૨ પીત. ૩:૭.
૨. આપણે કઈ રીતે વિશ્વાસથી જીવી શકીએ?
૨ વિશ્વાસથી જીવીએ: ખરાબ સંજોગોમાં હબાક્કૂકે દુઃખમાં ડૂબી જવાને બદલે યહોવાની ભક્તિ પર પૂરું ધ્યાન આપ્યું અને એમાં ઉત્સાહી રહ્યા. (હબા. ૨:૧) યહોવાએ હબાક્કૂકને ખાતરી આપી કે પોતાનું વચન નક્કી કરેલા સમયે ચોક્કસ પૂરું થશે અને “ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે.” (હબા. ૨:૨-૪) અંતના સમયમાં જીવી રહેલા યહોવાના ભક્તો માટે એનો શું અર્થ થાય? અંત ક્યારે આવશે એ જાણવા કરતાં એ ચોક્કસ આવશે એવી ખાતરી હોવી ખૂબ જરૂરી છે. વિશ્વાસ આપણને ભક્તિમાં સાવધ રહેવા અને સેવાકાર્યને જીવનમાં પ્રથમ રાખવા મદદ કરે છે.—હિબ્રૂ ૧૦:૩૮, ૩૯.
૩. યહોવાની સેવામાં આનંદ જાળવી રાખવો શા માટે જરૂરી છે?
૩ યહોવામાં આનંદ કરીએ: માગોગનો ગોગ યહોવાના લોકો પર હુમલો કરશે ત્યારે, આપણા વિશ્વાસની કસોટી થશે. (હઝકી. ૩૮:૨, ૧૦-૧૨) યુદ્ધો હંમેશાં દુઃખ-તકલીફો લાવે છે. અરે, એમાં જે જીતે છે એને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એના લીધે તમને કદાચ ખોરાકની અછત પડે, માલ-મિલકત ગુમાવવી પડે અથવા એશઆરામી જીવન છોડવું પડે. એવી મુશ્કેલીઓમાં તમે શું કરશો? હબાક્કૂકે કપરા સંજોગોની અપેક્ષા રાખી હતી. એના લીધે, તે યહોવાની સેવામાં પોતાનો આનંદ જાળવી રાખી શક્યા. (હબા. ૩:૧૬-૧૯) “યહોવાનો આનંદ” આપણને સતાવણીઓ સહેવા પણ મદદ કરશે.—નહે. ૮:૧૦; હિબ્રૂ ૧૨:૨.
૪. હમણાં અને ભાવિમાં આપણા માટે કેવી તકો રહેલી છે?
૪ ન્યાયના દિવસે યહોવા જેઓને બચાવશે, તેઓને યહોવાના મહાન હેતુઓ વિશે શીખવવામાં આવશે. (હબા. ૨:૧૪) સજીવન થયેલા લોકો પણ યહોવા વિશે શીખશે. ચાલો, દરેક તકનો ઉપયોગ કરીને લોકોને યહોવા અને તેમનાં અદ્ભૂત કાર્યો વિશે જણાવતા રહીએ.—ગીત. ૩૪:૧; ૭૧:૧૭.