અભ્યાસ લેખ ૪૫
બીજાઓને ખ્રિસ્તની આજ્ઞા પાળવાનું શીખવીએ
‘એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.’—માથ. ૨૮:૧૯, ૨૦.
ગીત ૬ અમારી પ્રાર્થના
ઝલકa
૧. માથ્થી ૨૮:૧૮-૨૦ પ્રમાણે ઈસુએ કઈ આજ્ઞા આપી હતી?
ઈસુ સજીવન થયા પછી ગાલીલમાં ભેગા થયેલા શિષ્યોને દેખાયા. તે તેઓને એક મહત્ત્વની વાત જણાવવા માંગતા હતા. એ વાત શું હતી? એ માથ્થી ૨૮:૧૮-૨૦માં જોવા મળે છે.—વાંચો.
૨. આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૨ ઈસુએ આપેલી એ આજ્ઞા આજે બધા ઈશ્વરભક્તોએ પાળવી જોઈએ. એ આજ્ઞા સાથે જોડાયેલા ત્રણ સવાલોની આ લેખમાં ચર્ચા કરીશું. પહેલો, વિદ્યાર્થીને ઈશ્વરનાં નિયમો અને ધોરણો શીખવવાની સાથે સાથે આપણે બીજું શું કરવું જોઈએ? બીજો, વિદ્યાર્થીને ભક્તિમાં આગળ વધવા મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરી શકે? ત્રીજો, જેઓએ ખુશખબર ફેલાવવાનું છોડી દીધું છે, તેઓને એ ફરી શરૂ કરવા કઈ રીતે ઉત્તેજન આપી શકીએ?
તેઓને ઈસુની આજ્ઞા પાળવાનું શીખવીએ
૩. ઈસુએ આપેલી આજ્ઞામાં કઈ ખાસ વાત જણાવી હતી?
૩ ઈસુએ આપેલી આજ્ઞા સાદી અને સમજવામાં સહેલી હતી. ઈસુએ જે કહ્યું એ પ્રમાણે આપણે લોકોને શીખવવાનું છે. પણ આપણે એક વાત ભૂલવાની નથી. ઈસુએ એમ કહ્યું ન હતું કે ‘મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ તેઓને શીખવો.’ પણ ઈસુએ કહ્યું હતું, “મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું તેઓને શીખવો.” ઈસુએ કહ્યું હતું તેમ આપણે વિદ્યાર્થીને ફક્ત શીખવવાનું જ નથી કે શું કરવું જોઈએ, પરંતુ કઈ રીતે કરવાનું છે એ પણ શીખવવું જોઈએ. (પ્રે.કા. ૮:૩૧) શા માટે? ચાલો એ વિશે જોઈએ.
૪. દાખલો આપીને સમજાવો કે આજ્ઞા પાળવાનો શો અર્થ થાય?
૪ આજ્ઞા ‘પાળવાનો’ શો અર્થ થાય? ચાલો એ સમજવા એક દાખલો જોઈએ. ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખવનાર બીજાઓને ટ્રાફિકના નિયમો કઈ રીતે શીખવે છે? પહેલા તો તે ક્લાસમાં ટ્રાફિકના નિયમો શીખવશે. પણ એ નિયમો પાળવાનું શીખવવા તેણે બીજું પણ કંઈક કરવું પડશે. એ માટે તે વિદ્યાર્થીની સાથે જશે અને વિદ્યાર્થીને ગાડી ચલાવવાનું કહેશે. જ્યારે વિદ્યાર્થી ગાડી ચલાવતો હશે, ત્યારે વચ્ચે વચ્ચે તેને ટ્રાફિકના નિયમો પાળવાનું કહેશે. એ દાખલામાંથી આપણે શું શીખી શકીએ? ચાલો એ વિશે જોઈએ.
૫. (ક) યોહાન ૧૪:૧૫ અને ૧ યોહાન ૨:૩ પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને શું શીખવવું જોઈએ? (ખ) એ આપણે કઈ રીતે શીખવી શકીએ?
૫ બીજાઓને બાઇબલમાંથી શીખવતી વખતે આપણે એ પણ શીખવીએ કે ઈશ્વર તેઓ પાસેથી શું ચાહે છે. પણ એટલું જ પૂરતું નથી. આપણે તેઓને શીખવીએ કે પોતે જે શીખ્યા એ જીવનમાં લાગુ પાડે. (યોહાન ૧૪:૧૫; ૧ યોહાન ૨:૩ વાંચો.) દાખલા તરીકે, આપણે તેઓને શીખવીએ કે સ્કૂલમાં, નોકરીની જગ્યાએ અને મોજશોખ પસંદ કરતી વખતે ઈશ્વરના નિયમો કઈ રીતે પાળી શકીએ. તેઓને પોતાના અનુભવો જણાવીએ કે બાઇબલ સિદ્ધાંતો પાળવાથી કઈ રીતે આપણું રક્ષણ થયું અને કઈ રીતે સારા નિર્ણયો લેવામાં મદદ મળી. આપણે વિદ્યાર્થીઓ સાથે હોઈએ ત્યારે, તેઓ માટે પ્રાર્થના કરીએ કે યહોવા તેઓને પવિત્ર શક્તિનું માર્ગદર્શન આપે.—યોહા. ૧૬:૧૩.
૬. વિદ્યાર્થી ઈસુની આજ્ઞા પાળવાનું શીખે માટે આપણે બીજું શું કરી શકીએ?
૬ વિદ્યાર્થી ઈસુની આજ્ઞા પાળવાનું શીખે માટે આપણે બીજું શું કરી શકીએ? આપણે શિષ્ય બનાવવાનું કામ કરવાની તેના દિલમાં ઇચ્છા જગાડીએ. અમુક વિદ્યાર્થી માટે ખુશખબર ફેલાવવાના નામથી જ પરસેવો છૂટી જાય છે. એટલે આપણે ધીરજથી તેને બાઇબલનું સત્ય શીખવવું જોઈએ, જેથી તેની શ્રદ્ધા મજબૂત થાય. એમ કરવાથી બાઇબલનું સત્ય તેના દિલ સુધી પહોંચશે અને ખુશખબર ફેલાવવાની તેના દિલમાં ઇચ્છા જાગશે. એ માટે આપણે વિદ્યાર્થીને કઈ રીતે મદદ કરી શકીએ? ચાલો એ વિશે જોઈએ.
૭. પ્રચાર કરવા વિદ્યાર્થીના દિલમાં ઇચ્છા જાગે માટે તેને કઈ રીતે મદદ કરી શકો?
૭ આપણે વિદ્યાર્થીને આવા સવાલો પૂછી શકીએ: “બાઇબલમાંથી જે શીખ્યા એ લાગુ પાડવાથી તમને કેવો ફાયદો થયો છે? શું તમને લાગે છે કે બીજાઓએ પણ એ સંદેશો સાંભળવો જોઈએ? તેઓને મદદ કરવા તમે શું કરી શકો?” (નીતિ. ૩:૨૭; માથ. ૯:૩૭, ૩૮) વિદ્યાર્થીને શીખવવાના સાધનોમાંથી પત્રિકા બતાવો.b તેને પૂછો કે તેના સગા-વહાલા, મિત્રો કે સાથે કામ કરનારાઓને આમાંથી કઈ પત્રિકા ગમશે. તે જે પત્રિકા પસંદ કરે એની થોડીક પ્રતો તેને આપો. પછી તે પ્રેમથી બીજાઓને પત્રિકા કઈ રીતે આપી શકે એની તેની સાથે પ્રેક્ટિસ કરો. તે બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બને ત્યારે તેની સાથે પ્રચારમાં જાઓ. પ્રચારમાં કઈ રીતે વાત કરવી એ તેને શીખવો.—સભા. ૪:૯, ૧૦; લુક ૬:૪૦.
મંડળ કઈ રીતે મદદ કરી શકે?
૮. ખુશખબર ફેલાવવા વિદ્યાર્થીએ કેમ ઈશ્વર અને લોકો માટે પ્રેમ કેળવવો જોઈએ? (“વિદ્યાર્થીના દિલમાં ઈશ્વર માટે પ્રેમ વધે માટે શું કરી શકીએ?” બૉક્સ પણ જુઓ.)
૮ યાદ રાખો, ઈસુએ કહ્યું હતું કે તેમણે જે આજ્ઞાઓ આપી છે, ‘એ સર્વ પાળવાનું લોકોને શીખવીએ.’ એમાં બે આજ્ઞાઓનો સમાવેશ થાય છે. એક, ઈશ્વરને પ્રેમ કરવો અને બીજી, પડોશીને પ્રેમ કરવો. (માથ. ૨૨:૩૭-૩૯)એ બંને આજ્ઞા ખુશખબર ફેલાવાના કામ સાથે જોડાયેલી છે. કેમ કે, ખુશખબર ફેલાવવા પાછળનું મુખ્ય કારણ છે ઈશ્વર અને લોકો માટેનો પ્રેમ. અમુક બાઇબલ વિદ્યાર્થીઓનો ખુશખબર ફેલાવવાના નામથી જ પસીનો છૂટી જાય છે. પણ આપણે ખાતરી આપી શકીએ કે યહોવાની મદદથી તેઓના મનમાંથી માણસોનો ડર ઓછો થતો જશે. (ગીત. ૧૮:૧-૩; નીતિ. ૨૯:૨૫) આ લેખના બૉક્સમાં બતાવ્યું છે કે વિદ્યાર્થીના દિલમાં ઈશ્વર માટે પ્રેમ વધે માટે આપણે શું કરી શકીએ. વિદ્યાર્થીના દિલમાં પ્રેમ વધે માટે મંડળનાં ભાઈ-બહેનો પણ ઘણું બધું કરી શકે છે. ચાલો એ વિશે જોઈએ.
૯. વ્યક્તિ કઈ રીતે ગાડી ચલાવવાનું શીખે છે?
૯ ચાલો ફરી ડ્રાઇવિંગ સ્કૂલના દાખલાને યાદ કરીએ. વ્યક્તિની બાજુમાં તેના શિક્ષક બેસે ત્યારે તે કઈ રીતે ગાડી ચલાવવાનું શીખી શકે છે? તે શિક્ષકની વાત સાંભળે છે અને ધ્યાનથી બીજા ડ્રાઇવરોને ગાડી ચલાવતા જુએ છે. શિક્ષક તેનું ધ્યાન એવા ડ્રાઇવરો તરફ દોરે છે, જેઓ બીજાઓને પ્રેમથી સાઇડ આપે છે અને આગળ જવા દે છે. તે કદાચ એવા ડ્રાઇવરો બતાવે જેઓ પોતાની ગાડીની હેડલાઇટ ડીમ કરે છે, જેથી સામેવાળાની આંખો અંજાઈ ન જાય. એ સારા ડ્રાઇવરોને જોઈને વ્યક્તિ શીખી શકે છે કે ગાડી ચલાવતી વખતે તેણે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે.
૧૦. વિદ્યાર્થીને ખ્રિસ્તના શિષ્ય બનવા બીજે ક્યાંથી મદદ મળી શકે?
૧૦ એવી જ રીતે, બાઇબલ વિદ્યાર્થી જીવનના માર્ગે ચાલવાનું શરૂ કરે ત્યારે ફક્ત શિક્ષક પાસેથી જ નહિ, બીજા ઈશ્વરભક્તો પાસેથી પણ શીખે છે. એ માટે તેણે સભામાં આવવું જોઈએ. કારણ કે સભામાં બાઇબલમાંથી જે શીખવવામાં આવે છે, એનાથી તેનું જ્ઞાન વધશે, તેની શ્રદ્ધા મક્કમ થશે અને ઈશ્વર માટે તેના દિલમાં પ્રેમ વધશે. (પ્રે.કા. ૧૫:૩૦-૩૨) તમારો વિદ્યાર્થી સભામાં આવે ત્યારે, તેની ઓળખાણ એવાં ભાઈ-બહેનો સાથે કરાવો જેઓના સંજોગો તેના જેવા જ હોય. ઈશ્વરની આજ્ઞા પાળીને મંડળનાં ભાઈ-બહેનો એકબીજા માટે પ્રેમ બતાવે છે, એ વિદ્યાર્થી જોઈ શકશે. ચાલો એના અમુક દાખલા જોઈએ.
૧૧. કઈ રીતે એક વિદ્યાર્થી મંડળનાં ભાઈ-બહેનોનાં અનુભવમાંથી શીખીને ફાયદો મેળવી શકે?
૧૧ એક વિદ્યાર્થી એકલા હાથે પોતાનાં બાળકોનો ઉછેર કરી રહી છે. મંડળનાં એક બહેન તેના જેવા જ સંજોગોનો સામનો કરી રહ્યાં છે. બહેન મહેનત કરીને પોતાનાં નાનાં નાનાં બાળકો સાથે પ્રાર્થનાઘરમાં આવે છે, એ વિદ્યાર્થીના દિલને સ્પર્શી જાય છે. એક વિદ્યાર્થીને સિગારેટની લત છોડવી અઘરું લાગે છે. તે મંડળના એવા ભાઈ સાથે વાત કરે છે, જેમણે સિગારેટ છોડી દીધી છે. ભાઈ જણાવે છે કે યહોવા માટે પ્રેમ વધવાથી તે તેમની આજ્ઞા પાળી શક્યા છે. એટલે તેમણે સિગારેટ પીવાનું છોડી દીધું. (૨ કોરીં. ૭:૧; ફિલિ. ૪:૧૩) પોતાનો અનુભવ જણાવ્યા પછી તે વિદ્યાર્થીને કહે છે કે ‘તમે પણ એ લત છોડી શકશો.’ એ સાંભળીને વિદ્યાર્થીની હિંમત બંધાશે. એક છોકરી કદાચ એવું વિચારે કે જો તે સાક્ષી બનશે, તો તેના પર ઘણી રોકટોક લાગી જશે. પછી તે ખુશ રહી શકશે નહિ. પણ તે મંડળમાં જુએ છે કે એક યુવાન બહેન હંમેશાં ખુશ રહે છે. એટલે તે જાણવા માંગે છે કે બહેનની ખુશીનું કારણ શું છે.
૧૨. શા પરથી કહી શકાય કે મંડળનાં બધાં ભાઈ-બહેનો કોઈને કોઈ રીતે વિદ્યાર્થીને મદદ કરી શકે છે?
૧૨ એક વિદ્યાર્થી સભામાં આવશે ત્યારે, વફાદાર ભાઈ-બહેનોને નજીકથી ઓળખી શકશે. તેઓને જોઈને તે શીખી શકશે કે યહોવા અને પડોશીને પ્રેમ કરવા વિશેની ખ્રિસ્તની આજ્ઞા કઈ રીતે પાળવી જોઈએ. (યોહા. ૧૩:૩૫; ૧ તિમો. ૪:૧૨) આગળ જોયું તેમ તે એવાં ભાઈ-બહેનોના અનુભવમાંથી શીખી શકે છે, જેઓએ તેના જેવા જ સંજોગોનો સામનો કર્યો છે. તેઓને જોઈને તે શીખી શકશે કે ખ્રિસ્તના શિષ્ય બનવા પોતે પણ જરૂરી ફેરફારો કરી શકે છે. (પુન. ૩૦:૧૧) મંડળમાં બધાં ભાઈ-બહેનો કોઈને કોઈ રીતે વિદ્યાર્થીને ભક્તિમાં આગળ વધવા મદદ કરી શકે છે. (માથ. ૫:૧૬) જે વિદ્યાર્થી તમારી સભામાં આવે છે, તેની હિંમત વધારવા તમે શું કરો છો?
જેઓ ભક્તિમાં ઠંડા પડી ગયા છે તેઓને પ્રચાર માટે ઉત્તેજન આપીએ
૧૩-૧૪. નિરાશ શિષ્યો સાથે ઈસુ કઈ રીતે વર્ત્યા?
૧૩ ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોની પણ આપણે મદદ કરી શકીએ. આપણે તેઓને ઉત્તેજન આપીએ, જેથી તેઓ ખુશખબર ફેલાવવાનું કામ ફરી શરૂ કરી શકે. એ માટે આપણે ઈસુને પગલે ચાલી શકીએ. એક વાર પ્રેરિતોની હિંમત ખૂટી ગઈ હતી ત્યારે ઈસુએ તેઓને કઈ રીતે મદદ કરી હતી એ જોઈએ.
૧૪ ઈસુના મરણના થોડાક જ સમય પહેલાં “બધા શિષ્યો તેમને છોડીને નાસી ગયા.” (માર્ક ૧૪:૫૦; યોહા. ૧૬:૩૨) એ ઘડીએ શિષ્યો ઘણા નિરાશ થઈ ગયા હતા. ઈસુ સજીવન થયા પછી તેઓ સાથે કઈ રીતે વર્ત્યા? તેમણે શિષ્યોને કહ્યું: “ડરો નહિ! જાઓ, મારા ભાઈઓને ખબર આપો [કે મને સજીવન કરવામાં આવ્યો છે].” (માથ. ૨૮:૧૦ક) ભલે શિષ્યો તેમને છોડીને નાસી ગયા, પણ ઈસુએ તેઓનો સાથ છોડ્યો નહિ. ધ્યાન આપો કે ઈસુએ તેઓને ‘મારા ભાઈઓ’ કહીને બોલાવ્યા. યહોવાની જેમ ઈસુ પણ દયાના સાગર છે અને માફ કરવા હંમેશાં તૈયાર રહે છે.—૨ રાજા. ૧૩:૨૩.
૧૫. જેઓએ ખુશખબર ફેલાવવાનું છોડી દીધું છે તેઓ વિશે આપણને કેવું લાગે છે?
૧૫ આપણને તેઓની પણ ચિંતા છે, જેઓએ ખુશખબર ફેલાવવાનું છોડી દીધું છે. તેઓ પણ આપણાં ભાઈ-બહેનો છે અને આપણે તેઓને પ્રેમ કરીએ છીએ. આપણને યાદ છે કે તેઓએ યહોવાની સેવામાં ઘણી મહેનત કરી હતી. અરે, અમુકે તો ઘણાં વર્ષો સુધી મહેનત કરી હતી. (હિબ્રૂ. ૬:૧૦) આપણને તેઓની ખોટ સાલે છે. (લુક ૧૫:૪-૭) ઈસુની જેમ આપણે પણ એ ભાઈ-બહેનો માટે શું કરી શકીએ?
૧૬. ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનો માટે આપણે શું કરી શકીએ?
૧૬ સભામાં આવવાનું આમંત્રણ આપીએ. શિષ્યોની હિંમત વધારવા ઈસુએ તેઓને એક સભામાં બોલાવ્યા. (માથ. ૨૮:૧૦ખ; ૧ કોરીં. ૧૫:૬) આપણે પણ ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોને સભામાં આવવાનું આમંત્રણ આપી શકીએ. એક-બે વાર કહેવાથી કદાચ તેઓ ન આવે, પણ આપણે તેઓને અવારનવાર કહેવું પડશે. જ્યારે તેઓ સભામાં આવશે ત્યારે આપણને ઘણી ખુશી થશે. શિષ્યો સભામાં આવ્યા ત્યારે ઈસુની પણ ખુશીનો પાર રહ્યો નહિ હોય.—માથ. ૨૮:૧૬; લુક ૧૫:૬ સરખાવો.
૧૭. ભક્તિમાં ઠંડી પડી ગયેલી વ્યક્તિ સભામાં આવે ત્યારે આપણે શું કરવું જોઈએ?
૧૭ દિલથી આવકારીએ. શિષ્યો સભામાં આવ્યા ત્યારે ઈસુ પોતે તેઓને મળવા ગયા. ઈસુએ તેઓ સાથે વાત કરવામાં પહેલ કરી, જેથી તેઓ સંકોચ અનુભવે નહિ. (માથ. ૨૮:૧૮) ભક્તિમાં ઠંડી પડી ગયેલી વ્યક્તિ સભામાં આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણે પણ તેને દિલથી આવકારીએ અને તેની સાથે વાત કરવામાં પહેલ કરીએ. શરૂઆતમાં લાગે કે આપણે તેની સાથે શું વાત કરીશું, પણ ચિંતા ન કરીએ. આપણે કહી શકીએ કે તેને જોઈને આપણને ઘણી ખુશી થઈ છે. ધ્યાન રાખીએ કે આપણે એવું કંઈ ન કહીએ જેનાથી તે શરમમાં મૂકાઈ જાય.
૧૮. કઈ રીતે ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોની હિંમત બંધાવી શકીએ?
૧૮ હિંમત બંધાવીએ. ઈસુએ આખી દુનિયામાં ખુશખબર ફેલાવવાનું કામ સોંપ્યું ત્યારે શિષ્યોને કેવું લાગ્યું હશે? તેઓએ વિચાર્યું હશે કે આટલું મોટું કામ કઈ રીતે કરીશું. પણ ઈસુએ તેઓની હિંમત બંધાવી કે “હું હંમેશાં તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) શું એનાથી શિષ્યોને મદદ મળી? હા, ચોક્કસ. એટલે જ તો તેઓ ‘ખુશખબર જાહેર કરવામાં અને શીખવવામાં’ લાગી ગયા. (પ્રે.કા. ૫:૪૨) ભક્તિમાં ઠંડા પડી ગયેલાં ભાઈ-બહેનોને પણ એવી હિંમતની જરૂર પડે છે. તેઓને પ્રચારમાં જવાનો હવે ડર લાગે છે. એટલે તેઓની હિંમત બંધાવીએ કે આપણે તેઓને પ્રચારમાં સાથ આપીશું. પછી તેઓ પ્રચાર કરવાનું શરૂ કરે ત્યારે આપણે સાથે જઈશું તો તેઓને ઘણું સારું લાગશે. ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓને પોતાનાં ભાઈ-બહેનો ગણીશું તો તેઓમાં ફરી જોશ આવશે. મંડળમાં પણ ખુશીની લહેર ફેલાઈ જશે.
ઈસુએ સોંપેલું કામ આપણે પૂરું કરવા ચાહીએ છીએ
૧૯. આપણે કયું કામ પૂરું કરવાની મનમાં ગાંઠ વાળી છે અને શા માટે?
૧૯ ઈસુએ સોંપેલું કામ આપણે ક્યાં સુધી કરવાનું છે? જ્યાં સુધી આ દુનિયાનો અંત ન આવે ત્યાં સુધી. (માથ. ૨૮:૨૦; શબ્દસૂચિમાં “દુનિયા” જુઓ.) શું ઈસુએ સોંપેલું કામ આપણે પૂરું કરી શકીશું? હા, એ પૂરું કરવાની આપણે મનમાં ગાંઠ વાળી છે. ‘હંમેશ માટેનું જીવન મેળવવા તરફ જેઓનું હૃદય ઢળેલું છે,’ તેઓને શોધવા આપણાં તન-મન-ધન લગાવી દઈએ. (પ્રે.કા. ૧૩:૪૮) શા માટે? કારણ કે એવું કરીએ છીએ ત્યારે આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. તેમણે કહ્યું હતું, “મને મોકલનારની ઇચ્છા પ્રમાણે કરવું અને તેમનું કામ પૂરું કરવું, એ જ મારો ખોરાક છે.” (યોહા. ૪:૩૪; ૧૭:૪) આપણા દિલમાં પણ એવી જ ઇચ્છા છે કે ઈસુએ સોંપેલું કામ પૂરું કરીએ. (યોહા. ૨૦:૨૧) આપણે ચાહીએ છીએ કે બીજાઓ અને ભક્તિમાં ઠંડા પડી ગયેલાઓ પણ આપણી સાથે એ કામમાં જોડાય.—માથ. ૨૪:૧૩.
૨૦. ફિલિપીઓ ૪:૧૩ પ્રમાણે આપણે શા માટે ઈસુએ સોંપેલું કામ પૂરું કરી શકીશું?
૨૦ ખરું કે ઈસુએ સોંપેલું કામ સહેલું નથી. પણ આપણે એ એકલા હાથે કરી શકતા નથી. ઈસુએ વચન આપ્યું છે કે તે આપણી સાથે છે. “ઈશ્વરના સાથી કામદારો” તરીકે આપણે શિષ્ય બનાવવાનું કામ કરીએ છીએ. (૧ કોરીં. ૩:૯) એટલે આપણને ખાતરી છે કે એ કામ પૂરું કરી શકીશું. એ કામ કરવાનો અને બીજાઓને એ કામમાં મદદ કરવાનો આપણને સુંદર લહાવો મળ્યો છે!—ફિલિપીઓ ૪:૧૩ વાંચો.
ગીત ૧૩૯ યહોવા તમને સાચવી રાખે
a ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી હતી કે તેઓ લોકોને શિષ્યો બનાવે. એટલું જ નહિ, તેઓને ઈસુએ આપેલી આજ્ઞાઓ પાળવાનું પણ શીખવે. આ લેખમાં બતાવ્યું છે કે આપણે ઈસુની એ આજ્ઞા કઈ રીતે પાળી શકીએ. આ લેખમાં જણાવેલી માહિતી ૧ જુલાઈ, ૨૦૦૪ ચોકીબુરજ પાન ૧૪-૧૯ પર આપેલા લેખના આધારે છે.
b એ માહિતી સ્ત્રી અને પુરુષ બંનેને લાગુ પડે છે.
c ચિત્રની સમજ: એક બહેન અભ્યાસ ચલાવતી વખતે વિદ્યાર્થીને ત્રણ સૂચનો આપી રહી છે, જેથી વિદ્યાર્થી યહોવા માટે પ્રેમ વધારી શકે. પછીથી વિદ્યાર્થી એ સૂચનો પાળી રહી છે.